મધુરજની - 7 Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધુરજની - 7

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૭

રાતના એક વાગે એ લોકો માર્ગ પરનાં એક ધાબા પર હતા. માર્ગની કોર પર નાનકડું મકાન હતું. આગળ થોડી જગ્યા હતી, વાહનો રાખવા જેટલી, અને એ પણ બે ત્રણ વાહનો સમાય શકે તેટલી.

એની પાછળ ખીણનો ઢોળાવ હતો. એ ખીણમાં તો ગાઢ ઓછાયા સિવાય કશું જોઈ શકાતું નહોતું.

એક બત્તી બળતી હતી. બીજો ચુલો બળતો હતો. ક્યાંય ક્યાંક બીડી, સિગારેટના તણખા જલતા હતા. વાતાવરણમાં સન્નાટો હતો, ઠંડક હતી. સહુ ટોળામાં કે એક બે મળી ટહેલતા ઊભા હતા.

બધી જ આંખો બસ મિકેનિક પર મંડાઈ હતી. હુકમસિંહ ઠંડીને ગણકાર્યા વિના બસના યંત્રોની ક્ષતિ શોધવા લાગ્યો હતો. અને એ વક્રાકાર માર્ગ પર વાહનોની આવનજાવન તો ચાલુ જ હતી.

માનસી ઠાવકી થઈને મેધ પાસે લપાઈને બેસી ગઈ હતી. ગરમ ગરમ ચા-કોફીની ચુસકીઓ લઈ લઈને પણ હવે તેઓ થાક્યા હતા.

‘અત્યારે આપણે ક્યાં હોવા જોઈએ?’ માનસીએ પૂછ્યું હતું.

‘પથારીમાં...’ મેધે હસીને ઉત્તર વાળ્યો હતો.

‘ખૂબ ઉતાવળમાં છો, સાહેબ?’ માનસી લાડથી બોલી હતી.

‘હા, આટલા વર્ષોથી પ્રતીક્ષા કરું છું પછી ઉતાવળ તો...’ મેધે ગંભીરતાપૂર્વક મજાકનો તંતુ લંબાવ્યો હતો.

ત્યાં જ ખબર મળ્યા કે ક્ષતિ પકડાઈ હતી, અને હવે બસ...ચંદ મિનિટોમાં જ...

ઠંડી વધતી જતી હતી. ચા-કોફીની વરાળો પણ ઠંડી પડી જતી હતી.

બરાબર...ત્રણ વાગે...સબ સલામત થઈ ગયાની આલબેલ થઈ.

ધાબાને સન્નાટામાં મૂકીને પુનઃસહુ પોતપોતાની જગ્યાએ ગોઠવાયા હતા. થોડી ઓળખાણો પણ થઈ હતી. સહપ્રવાસીઓની સાથે સંવાદોય થયા- અરસપરસ.

‘આવું ક્યારેય નથી થતું. આવી ટ્રીપમાં.’ એક સ્ત્રી બોલી હતી.

‘મારી ફ્રેન્ડે જ ભલામણ કરી હતી કે...આ હનીમુન-કપલ ટ્રીપ સૌથી સરસ છે. પણ આજે કેવું થયું? આખો આગળનો...પ્રોગ્રામ...’ બીજી સ્ત્રી જીવ બાળતી હતી.

અને ફરી પૂર્વવત સન્નાટો વ્યાપી ગયો હતો બસમાં. હવે માનસી જાગતી હતી અને મેધ તેના પર ઢળીને સુતો હતો. માનસીને તેના વાળમાં આંગળીઓ પરોવીને બેઠો હતી.

જાગો વિટો નીંદર વચ્ચે પ્રભાત ફૂટ્યું હતું. પર્વતની એક કોરમાંથી પ્રકાશ પ્રગટ્યો હતો, અંધકારની ઘટતા ઓગળતી હતી. ઠંડકમાં ગુલાબી રમતિયાળપણું વરતાતું હતું. આ પહેલાં જ ધાક હતી ઠંડીમાં, એની સાથે સંખ્ય સધાતું હતું.

માનસી સતત જાગતી જ હતી, બારીના પારદર્શક કાચમાંથી આરપાર અવલોકતી હતી.

ધીમે ધીમે અંધકારને સ્થાને એક તરફની પહાડી અને બીજી તરફની વૃક્ષોથી છલોછલ ખીણ સ્પષ્ટ થતી જતી હતી. આસપાસ અને દૂર, બસ પ્રકૃતિ જ હતી. લીલાલીલા રંગોથી આચ્છાદિત ખીણ, ટેકરીઓ અને ક્ષિતિજ, ભૂખરું આકાશ, હિમથી ઠંડક લઈને વહેતો પવન અને એ વચ્ચે માનવ સર્જિત રસ્તા પર અવરજવર કરતાં વાહનો.

એ દરેક વાહનમાં ઘૂઘવતો માનવ પ્રવાહ કેટલો સંવેદનો લઈને માનવીઓ પહોંચતાં હશે આ ગિરિનગરો પર? મેધ અને હું જેવા કેટલા યુવાન ધબકતા હૈયાઓ હશે? માનસી વિચારી રહી.

છેક નવ વાગે બસ ગિરિનગરમાં પ્રવેશી. મેધ તો પરિચિત હતો આ સ્થળથી, પણ માનસી તો વિસ્મયથી તરબોળ હતી.

આટલી ઊંચાઈ પર આ નાનકડી પર્વતીય નગરી? જાણે આકાશમાં કોતર્યું હોય આ નગર!

ઢોળાવ પર વળગેલા મકાનો, વક્રકાર રસ્તાઓ, વૃક્ષો અને એમાં આખી માનવ વસાહત. નવાં લોકો, નવાં ચહેરાઓ છતાં એના પર તગતગતા એ જ ચિરપરિચિત ભાવો. ગોરી ત્વચાવાળી સ્ત્રીઓ, ગૌર ચહેરાઓ વાળા માસુમ બાળકો અને કંઈક ઢીંગણા પુરુષો.

અમીરી સાથે તીવ્ર દરિદ્રતા પણ તાલમેલ જાળવી રહી હતી. લોકો આ સ્થાને પર્વતીય રાણી કહેતા હતા.

મેધે અટકળે અટકળે એક સારી હોટલ શોધી કાઢી. આ કાંઈ ફરવાની મોસમ નહોતી. બે અઠવાડિયા અગાઉ તો અહીં તમને એક ખુલ્લી પરસાળ પણ ના મળે, પૈસા દેવા છતાં પણ.

હોટલનો માણસ જ વર્ણવતો હતો, સ્થાનનો મહિમા. ‘સા’ બ...હમારી રાની હોટલ સબસે અચ્છી હૈ. ગુજરાત કે ટુરીસ્ટ યહાં હી...આતે હૈ.’

માનસીને ગમી ગઈ હોટલ. બીજા માળનો ખંડ પણ ગમી ગયો. તેરેશમાંથી આખું ગિરિનગર દેખાય, દૂરની ખીણ પર દેખાય. પાછલી બારીમાંથી ટેકરીઓ દેખાય.

‘રાણી માટે તો રાણી- હોટેલ જ હોયને ? મેધે રસિકતાનો પરિચય આપ્યો હતો.

રજીસ્ટરમાં શ્રી અને શ્રીમતી.....એમ લખીને મેધે સહી કરી, ત્યારે માનસી ખુશ ખુશ થઈ ગઈ હતી. તે હવે મેધની પત્ની હતી. કેટલી ઝડપથી આવડું મોટું પરિવર્તન આવી ગયું ?

મેધ તો તેણે વર્ષો પહેલાં જોયેલા આ સ્થાનની સ્મૃતિમાં પડ્યો હતો. તે ઉતર્યો એ ચોક તો યથાવત હતો. તેનું નામ પણ એનું એ જ હતું, રસ્તો પણ એ જ હતો. પણ આખો દેખાવ બદલાઈ ગયો હતો. રસ્તાની રોનક બદલાઈ ગઈ હતી. મકાનો નવાં હતા, શોભાય હતી. દુકાનોમાં ભીડ પણ ખાસ્સી હતી, આ ફરવાની મોસમ ન હોવાં છતાં પણ. હોટલો પણ કેટલી હતી ? એક પછી એક, એક પાછળ બીજી. આકર્ષક પાટિયાંઓ ઝૂલતાં હતાં.

મેધને લાગ્યું ખરું કે આ સ્થાન ખૂબ ઝડપથી બદલાઈ ગયું હતું, ભવ્ય અને રોનકદાર બની ગયું હતું. અને તેને એ પણ લાગ્યું કે જો આ ઝડપ રહી એ પરિવર્તનની, તો એ પણ કોઈ ગીચ કસ્બો બનીને રહી જવાનું.

તેનું મન વિચારો કરવા માટે ટેવાયેલું હતું. એ કારણે જ તે આવાં વિષાદમાં ઘેરાયો હતો. બાકી તો સહુ- પોતપોતાનાં સુખોમાં પડ્યાં હતાં.

`મધુરજનીમાં આવું ચિંતન શક્ય બને ? બસ, આ તો નવીન પરિચયોની યાત્રા, નવી અનુભૂતિઓની યાત્રા, વિસ્મયો ઓગાળવાની યાત્રા.

માનસીની આંખો ચોગમ ઘૂમતી હતી. સામાન ગોઠવાયો – ખંડમાં.

વાહ, આ હતો એ લોકોનો પડાવ, પાંચ છ દિવસ- રાતનો. મેધે...ફોન કરી નાખ્યો, નરેન્દ્રભાઈ પર.

‘પપ્પા....અમે પહોંચી ગયા છીએ, સુખરૂપ. માનસી....મજામાં.’ લત્તાબેને પુત્રને તાકીદ કરી હતી- ‘બેટા, માનસીને સાચવજે. સાક્ષાત લક્ષ્મી છે. પ્રોફેસર સાહેબે તો આપણને અણીના સમયે બચાવી લીધાં છે. ખાનદાની સચવાઈ ગઈ છે આપણી. બાપદાદાનું ઘર બચી ગયું. લીલામ થઈ ગઈ હોત આબરુંય સાથોસાથ. મારાં આશીરવાદ....માનસીવહુને.....!

સુમંતભાઈ હોય તો જવાબ આપે ને. રીંગ વાગતી રહી......ટીન.....ટીન.....ટીન....

મેધ સમજી ગયો કે એ તેમણે કરેલાં નિશ્ચય મુજબ ચાલી ગયા હતા. ક્યાં- એ પ્રશ્નનો જવાબ હતો નહીં. માનસીને પ્રવાસનું કહેવાનું હતું પણ આ પ્રવાસ શાનો હતો એ ક્યાં જાણવાની હતી. તેને જાણ કરવાની પણ નહોતી.

કદાચ, સુમંતભાઈ તેને અથવા પટેલસાહેબને એ વાતની જાણ કરે પણ ખરા.

અને તેણે સહજ રીતે પટેલસાહેબને ફોન કર્યો હતો.

‘વાહ.....પહોંચી ગયા તમે બંને ? સરસ.....વાઉ એન્જોય. સુમંતભાઈ તો બીજી સવારે જ...નીકળી ગયા. ફોન આવ્યો હતો, મારા પર. મેધ....તારી ભલામણ કરતા હતા. એ તો નક્કી જ છે. મેં નચિંત રહેવા જણાવ્યું હતું તેમને. આટલી ભલી અને સરળ વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે.

ખ્યાલ રાખજે માનસીનો. એ દીકરી ગણાય મારી એટલે.’ સંપર્ક સધાઈ ગયો, અમુક સમય પહેલાં છોડેલાં વતનનો. અહીંતો મહેમાન હતાં, પ્રવાસી હતાં અને ત્યાં તો સંબંધ બંધાઈ ગયો હતો ધૂળમાટીનો.

સુમંતભાઈની વાતો મળી. ચિંતાય થઈ.

કેવાં તરત જ નીકળી ગયા આ માયામાંથી ? સમૂળગી જિંદગી જ બદલાઈ ગઈ. હવે ક્યાંય એકાંત ખૂણે, આત્મીયજનોથી અલિપ્ત રહીને જીવન-લીલા સંકેલી લેવાની, અગરબત્તી ઓલવાઈ એ રીતે.

બધું જ આપી દીધું મને- એક અલ્પ પરિચયવાળા યુવાનને, પુત્રી સુધ્ધાં ! અને હવે આ દિશામાં જોવાનું સુધ્ધાં નહીં ?

વિરલ વ્યક્તિ જ ગણાય. કેવો ભરોસો ?

આવી વ્યક્તિના પ્રિતીપાત્ર રહેવું એ પણ અહોભાગ્ય ગણાય. ક્યાં હશે અત્યારે પ્રોફેસરસાહેબ ?

અલબત્ત આ પ્રશ્ન માનસી તેને પુછાવાનીજ હતી. હોટેલ ના ખંડમાં જતાંવેંત જ તે તરસી બનીને પૂછવાની જ હતી કે તેણે વાત કરી સુમંતભાઈ સાથે, શું કહ્યું પપ્પાએ ---?

મેધે પગથિયા ચડતા ચડતા નક્કી કરી નાખ્યું કે તે સત્ય જ કહેશે, તેમના જવાની વાત તો કહેશે જ.

અલબત્ત, કેન્સર જેવી મહાવ્યધીની વાત તો ક્યારેય કહેવાની નહોતી. તે વચનબદ્ધ હતો, સુમંતભાઈથી.

અને સૌથી મોટો મુદ્દો એ બંને કંઈ અહીં ચિંતન –શિબિરમાં આવ્યા નહોતાં.

આ તો એ બંનેની મધુરજની હતી.

તે ત્વરિત પગલે તેમના ખંડમાં આવ્યો. અરે, માનસી તો સ્નાન કરીને પલંગમાં લેતી ગઈ હતી. માનસીને દૂરથી જ જોતાં મેધ ઉત્તેજીત થઈ ગયોહતો.

તે પાસે આવ્યો, પલંગ પર બેઠો અને ત્યાંજ પડખું ફરી ગઈ માનસી. શું તે નિદ્રાનો અભિનય કરતી હતી?

તેનાં વસ્ત્રોમાંથી સુબન્ધ પ્રસરી રહી હતી.વાળમાં ભીનાશ હતી. સધ્યસ્નાના માનસીને આ રીતે જોવાનો આ પ્રથમ અવસર હતો.

‘માનસી....’ તે હળવેથી બોલ્યો પણ તે જાગી નહીં

મેધને થયું કે તે માનસીને બાહુપાશમાં જકડી લે અને...

પણ તરત જ તેનો ઈરાદો બદલાયો. થયું કે તે પણ સ્નાન કરીને માનસીની જેમ જ હળવો બની જાય.

અને તે બાથરૂમમાં પ્રવેશ્યો. એક નળમાં ગરમ પાણી આવતું હતું –વરાળ સરખું.બીજો નળ તો ચાલુ કરાય તેમ જ નહોતું.ખામી !

બહાર...ઠંડો પવન ફૂંકાતો હતો સુર્યની હાજરી તો હતી પણ એનો પ્રભાવ કેટલો ક્ષીણ હતો?અને તેમ છતાં ચોકમાં એકઠાં થયેલાં લોકો કહેતાં હતાં-‘કેવો સરસ દિવસ છે? તડકો ય નીકળ્યો છે.ખરેખર, અત્યારે ધોધમાર વરસાદ વરસતો હોય – દિવસો ના દિવસો સુધી.’ આબોહવા બદલાઈ હતી.

‘ઘૂમનેકા ડીન હૈ.ઐસા મજા ફિર ---નહીં મિલેગા ‘બીજી જૈફ વ્યક્તિએ અતીત યાદ કરતાં હોય એ અદામાં ઉમેર્યું હતું.

જો કે મેધને ક્યાં રસ હતો ઘૂમવામાં? રાત દિવસની યાત્રાનો થાક ભર્યો હતો તેના તન-મનમાં. અને તે તો મધુરજની કાજે આવ્યો હતો. માનસીનું સાહચર્ય, સામીપ્ય, ઐક્ય......માણવાનું હતું.

તે સ્નાનથી પરવારીને બહાર આવ્યો, ત્યારે માનસી જાગતી પડી હતી. જાણે પ્રતીક્ષા કરતી હોય !

તે મીઠું મધ જેવું હસી.

અને મેધ એ જ દશામાં તેના પર ઝળુંમ્બ્યો.

રેશમી સેજ અને બે ભીનો શરીરો. મન તો ક્યારનાય ભીનાં હતાં.

બહારની દુનિયામાં થોડી ચહલપહલ વધી હતી. અચાનક મોસમ બદલાઈ હતી. કાળાં ડિબાંગ વાદળાંઓની ફોજ ધસી આવી હતી. પવનની ઠંડકમાં હવે ડંખ હતો. સૂર્ય તો ક્યાંય દ્રશ્યમાં જ નહોતો. પાસેની આખી ખીણ....પવનના પ્રહારોમાં ઝૂલી રહી હતી.

વરસાદ વરસવો શરૂ થયો હતો. ગાજવીજ અને પવન એ બધાં નવી જ ભાતના હતા.

જી કે મેધને બિસ્તરમાં આની જાણ ક્યાંથી હોય ? બહાર એક મેધ હતો, ભીતર બીજો મેધ હતો.

એક વીજ કડાકો થયો હતો.

સાથોસાથ મેધના ખંડમાં એક હળવી ચીસ પણ પડી હતી. વીજકડાકામાં માનસીની ચીસ સંભળાય ખરી ? મેધે સાંભળી હતી.