મધુરજની
ગિરીશ ભટ્ટ
પ્રકરણ-૨૧
મેધ જેવી સૌમ્ય વ્યક્તિમાં આટલું ઝનૂન આવી શકે એ ખુદ કેટી શાહ જેવા અનુભવી માનસશાસ્ત્રી માટે અભ્યાસની બાબત બની ગઈ. આ એની આટલા સમયની પીડા બોલતી હતી કે માનસી માટેના પ્રેમ-આ કળવું પણ મુશ્કેલ હતું. કદાચ એ બંને હતા.
એ સાંજે તે કેટીબે મળ્યો હતો.
‘દોસ્ત...ખુબજ સારા પરિણામો મળ્યાં છે. તેનું મન ખૂલી ગયું હતું. સંમોહન દ્વારા જ. એ તો ક્યારેય એક હરફ પણ ઉચ્ચારવાની નહોતી જ. એનું કારણ પણ મળી જશે. અપરાધી શોધી શકાયો છે.’ કેટી એ વાત માંડી હતી.
મેધના હાવભાવ સતત બદલાતા જતાં હતા. અંતે મનસુખ અંકલ સુધી આવતા આવતાંમાં તો તે ગરમ લોખંડની જેમ તપી ગયો હતો. ઓહ! આ મૂળ છ સ્વભાવો તો હોવાના જ, દરેક મનુષ્યમાં! કેટી વિચારતા હતા. તે સતત વિચારમાં જ હતા અને નિહાળતા હતા- આ યુવાનના રંગો.
‘સાહેબ...આ મનસુખને જીવતો છોડવો ના જોઈએ.’ તે બોલ્યો હતો. ‘મેધ...એ કામ તો પોલીસ અને ન્યાયતંત્રનું છે. આપણું કામ એ લોકોને સહાય કરવાનું છે.’
કેટી એ શાંત કર્યો તેની. મેધ કશું જ ના બોલ્યો. તેને ભાન થયું જ કે માત્ર નામ જાણવાથી બધું પતી જતું નથી. આ વિશ્વમાં તો મનસુખ કેટલા હશે. ‘મેધ...હજી બે ચાર બેઠકો રાખવી પડશે, સંમોહનની, જેમાંથી બધું જ સત્ય બહાર આવશે અને તકલીફનો ઉપાય પણ થશે. તું બસ, અજાણ્યો જ રહેજે. માનસી ખુદ જ આવશે, મારી પાસે.’
મેધ વિસ્મયથી સાંભળી રહ્યો.. એક વિચાર સ્પર્શી ગયો કે ક્યાંક...ઉલમાં ચુલમાં પડવા જેવું તો નહીં થાય ને? મનસુખમાંથી છુટીને કેટી! પ્રોફેસરે વાંચી લીધો આ ભય. હસી પડ્યા. આ ભય હોય છે દરેક વ્યક્તિમાં.
‘તને મારો તો ભય નથી લાગતો ને? અહીંથી જ સંકેલી લઈએ આ.’ તે બોલ્યા અને મેધ લજ્જા અનુભવવા લાગ્યો. અરે! આવું વિચારાય? ‘ના, સાહેબ...તમે તો મને તાર્યો છે. ખરેખર...અમે બંને હારી ચૂક્યા હતા. અને કદાચ કશું અજુગતું બની પણ જાત, મારાથી અથવા માનસીથી. તમારા આભારી છીએ સાહેબ. અને સોનલદેના પણ.’
કેટીએ સોનલદેને હૃદયપૂર્વક યાદ કરી હતી. એ જ બની હતી સુત્રધાર આ પ્રયોગની. શું એ હજી સુધી પરણી નહીં હોય? લાગતું હતું તો એ જ. થોડો પરિચય થયો હતો એનો. સામે આવી પછી પૂરી ઓળખાઈ. પણ એ છોકરીને કોઈ યુવાન પારખી શક્યો નહીં જ હોય. નહીં તો આ છોકરી રસમય તો હતી જ. સુખદુઃખ તો સાવ અલગ બાબત હતી. પરંતુ આનું સાનિધ્ય જીવનને રંગીન અને રસમય તો અવશ્ય બનાવે જ.
પણ આ વિષયાંતર જ ગણાય. માનસીનો મનોપ્રદેશ ખુલ્લો થયો જ હતો. એક ઘટનાએ એ છોકરીને અસ્તવ્યસ્ત કરી મૂકી હતી. એ પેલો અધમ પુરુષ ક્યાંથી જાણવાનો હતો? એનો રસ તો કેવળ ભોગમાં જ હતો. હજી સુધી કોઈ શિકારીએ વિંધાયેલા પક્ષીની ચીસને સમજવા દરકાર કરી નથી, માત્ર વાલ્મિકી સિવાય.
કેટી ઊંડા ચિંતનમાં ડૂબી ગયા.
‘સાહેબ...હું એ વ્યક્તિને શોધીશ. હજી મારે કોલેજમાં જોડાવામાં દશેક દિવસની વાર છે. સોનલદે માનસીને સંભાળશે એ દરમિયાન. એક માર્ગ છે...’ મેધે એનો ઈરાદો જાહેર કરી નાખ્યો. કેટીએ એને વાર્યો નહીં, પણ સલાહ આપી. ‘મેધ, જાતને સંયમમાં જ રાખવી. કાયદો હાથમાં ન લેવો. તને ઉત્સુકતા હોય તો એ વાત મને સમજાય છે.’
અને પછી ઉમેર્યું હતું – ‘માનસીએ ખૂબ જ સહન કર્યું છે. એ કશું કહેવા માગતી નહોતી. એ પણ સહજ ગણાય. તેની આટલી વાતને સમાજ કઈ રીતે લે એ ખરેખર પ્રશ્ન જ હતો. આ એકવીસમી સદીમાં પણ પુરુષની આ વૃત્તિ પણ માનસી જાણતી જ હોય ને? તારો પરિચય પણ આમ જુએ તો કેટલો? મને વિશ્વાસ છે, મેધ...બધું શુભ બનશે.’
મેધે માનસીને કહ્યું, ‘અરે, આ તો કામ પર ચડી ગયા જેવું જ થયું. પટેલ સાહેબે એક અંગત કામ સોંપી દીધું. શું કરશે માનસી? અહીં રહીશ કે પછી...?’
‘અહીં જ રહીશ. સોનલદે સાથે.’ માનસીએ તત્ક્ષણ ઉત્તર આપી દીધો. જાણે કે મનમાં કશી અવઢવ જ ના હોય– અહીં રહેવા વિશે. ‘હા, મેધભાઈ..કરો નોકરી શરૂ. અમે અહીં મજા કરીશું. હજી કેટલી વાર્તા પૂછવાની બાકી છે, માનસીને?’
મેધે ઘરે સંદેશ પાઠવી દીધો- એ મતલબનો, એથી શ્વેતા ખુશ થઈ. આ બહાને એ લોકોનું નાવ આગળ ધપતું હોય તો એય શું ખોટું?
‘વહુ આપણી સાથે રહી છે જ કેટલું? અને કોલેજની નોકરી શરૂ થાય પછી તો એ લોકો ત્યાં જ રહેશેને વળી? લોકો શું કહેશે?’ લત્તાએ કહ્યું. ‘લોકોને ખુશ કરવા માટે તો જીવતા નથી ને? મેધ કાંઈ ખોટા નિર્ણયો ના લે, એટલો વિશ્વાસ તો છે ને તેને?’ નરેન્દ્રભાઈએ પત્નીની વાતનો છેદ ઉડાડી જ દીધો. તેમને આ ભીરુતા પસંદ નહોતી. ખાલી નિંદા કરનાર સમાજ પ્રતિ એમને તિરસ્કાર હતો. ‘જુઓ આપણે સુમંતભાઈની મદદ ભરપાઈ કરી દઈશું. પાઈએ પાઈ!’ લત્તાબેને ઈચ્છા આગળ કરી. મનમાં બીજું જ હતું.
અંતે શ્વેતા વચ્ચે પડી. ‘મમ્મી, તમે તો વાતનું વતેસર કરો છો. જે થતું હશે એ યોગ્ય જ હશે. તમે આપણી વ્યક્તિને ઓળખી નથી શકતા? કેટલી ભલી છે- માનસીભાભી, અને એમના પપ્પા? એ લોકો માટે આવું વિચારાય?’
સાંજે માનસીનો ફોન આવ્યો- શ્વેતા પર. ‘શ્વેતા, મને એક માનસશાસ્ત્રી મળી ગયા છે. સોનલદેની સાથે ગઈ હતી. અપાર શાંતિ મળી, પહેલી બેઠકમાં. આવતીકાલે પણ જવાની છું. કહે છે કે તેઓ મારો પ્રશ્ન ઉકેલી શકશે. એ ઈચ્છશે તો થોડી વાતો કહીશ, સોનલદેને સાથે રાખીને. આંટી પણ મજાનાં છે. મને લાગે છે કે...પ્રશ્ન ઉકેલાશે. શ્વેતા, તેં જ મને માર્ગ બતાવ્યો. તું જ મારી ગુરુ. તારા ભાઈ અગત્યના કામમાં પડ્યા છે- એ પણ એક રીતે સારું જ છે.’ ખુશ થઈ ગઈ શ્વેતા. તેણે લત્તાબેનના મનનું સમાધાન કર્યું. ‘મમ્મી, ભાભીનો ફોન હતો. કહેતા હતાં કે...’ તેણે લત્તાબેનને પસંદ પડે એવી વાતો ગોઠવી દીધી. પછી મનોમન વિચારી રહી. જો એક સ્ત્રી બીજી સ્ત્રીને સાચી રીતે સમજે તો પણ કેટલી પીડા ઓછી થાય આ સંસારમાંથી?
મેધને પણ એક દિશા મળી ગઈ હતી. સોનલદે સાથે એ વાત ચર્ચવાનો સમય જ નહોતો રહ્યો. તેણે તરત જ ભરૂચ જતી ટ્રેન પકડી. સામાન પણ નહોતો તેની પાસે. અને જરૂર પણ ન લાગી મેધને. મનમાં એક આગ બળતી હતી. બસ, એ નરાધમ સુધી પહોંચવું.
આમ પણ સુમંતભાઈને મળવામાં કશું અયોગ્ય તો નહોતું જ. માનસીને અંધારામાં રાખવી પણ જરૂરી હતું. એ કેન્સરગ્રસ્ત માણસને આ મુલાકાત અર્થપૂર્ણ પણ લાગે. જૂનો સંબંધ હતો અને એ પછી ગાઢ બન્યો હતો.
અને તે મેધના સર હતા. અનેક ઉપકારો હતા તેના પર.
ભરૂચ પહોંચતાં પહોંચતાંમાં તો મૂળ હેતુ ગૌણ બની ગયો હતો. બસ, મળું સરને. એ વિચાર હામી થઈ ગયો હતો. એક નામ તેણે ડાયરીમાં ટપકાવી લીધું હતું- ગફૂર-ટેક્સી ડ્રાઈવર જેનું સરનામું ભરૂચ રેલવે સ્ટેશને હતું અને મનસુખ નામ અજ્ઞાત મનમાં દોરાયેલું પડ્યું હતું.
તપાસ કરી ગફુરની અને મળી પણ ગયો.
‘તમે પ્રોફેસર સાહેબના રિશ્તેદાર તો નથી ને? શાંતિ આશ્રમમાં છે એ?’ તેણે મેધને અવલોકીને પ્રશ્ન કર્યો.
તાજ્જુબ થઈ ગયો મેધ. ઓહ! આ કઈ રીતે ઓળખી શક્યો?
માર્ગમાં ગફુરે કહ્યું- ‘બાબુજી, અમે ચહેરા પરથી માણસોને ઓળખી લઈએ છીએ. અહીં આવીને લોકો ટેક્ષીનું પૂછે છે, ગફુરનું નહીં. એ લોકો માટે તો સબ લોગ ગફુર છે.’
એનું ગણિત સાચું હતું. ગફુર જ રાજમાર્ગ હતો જે તેને શાંતિ આશ્રમ સુધી પહોંચાડી શકે. ગફુરની જૂની ગાડી ખખડધજ ગામડી મારગ પર મધ્યમ ગતિથી જતી હતી. સાથોસાથ ગફુરની જબાન ચાલતી હતી. ‘સા’બ, સામાન પણ નથી તમારી પાસી? જોકે ત્યાં એવી કશી જરૂરત પણ નથી. શો નાતો તમારે પ્રોફેસર સા’બ સાથે? બિલકુલ અલ્લાહના માણસ છે. તબિયત પણ ઠીક છે. દર બુધવારે તેમની પાસે બેસું છું. એવું નથી કે અમે બોલતાં રહીએ છીએ. ક્યારેક તો હોઠો સહેજે ખૂલતા જ નથી. છતાં અજબની શાંતિ લાગે છે.’
તે બોલ્યે જ જતો હતો. મેધની ભીતર એક ચિત્ર ઉપસતું જતું હતું- સરનું. આકૃતિ તો તે ભૂલ્યો નહોતો. પરંતુ ઝાંખાશ તો આવી જ હતી. ગફુર એમાં રંગ પૂર્ય જતો હતો.
વનરાજી વચ્ચે વહી જતી નર્મદા રમ્યા લાગતી હતી. આવી વિશાળ જળરાશિ સાવ પાસેથી વહી જતી હતી. સાંજ ઢળવાનો પ્રારંભ હતો. જળ પર રંગોની ઝાંય હતી. સમય જાણે કે એ જળમાં આળોટી રહ્યો હતો. અને છતાય કોરોકોટ હતો, નીકટ હતો છતાંય ક્યાં સ્પર્શી શકાતો હતો?
મેધ થોડી વાર એ વાતાવરણમાં ડૂબી ગયો. મન સમાધિમાં લાગી ગયું. અસ્તિત્વ એકાકાર થઈ ગયું. એ અને બહાર જે હતું એ ભિન્ન નહોતા.
‘શું વિચારો છો, બાબુજી ?’ અચાનક ગફુરે એ અવસ્થા તોડી હતી.
‘વાતાવરણની અસર. બીજું શું ?’ મેધથી બોલાઈ ગયું, જાણે મન સાથે વાત કરતો હોય એમ.
‘બાબુજી.....બસ....આ જ શાંતિ આશ્રમ.’ ગફુરે ક્રમશ ગતિને થંભાવી હતી. મેધ મંત્રમુગ્ધ તો હતો જ. તેણે જોયા જ કર્યું- આંખો પહોંચે ત્યાં સુધી ભીતરની દિશામાં. લીલાશ હતી પર્ણોની, ડાળીઓની અને વચ્ચે ફરફરતી ધજાઓ હતી, ગેરુવા રંગની. લાલ ઇંટોમાં વનરાજીની લીલી ઝાંય હતી. આશ્રમ તો આવાં જ હોય ! મેધ બોલી ઊઠ્યો.
ગફુર પાછળ....તે ચાલવા લાગ્યો. ઊંચી ભેખડ પરનાં મંદિરમાં જ્યઘોશ થતા હતાં. આશપાસના મંદિરોની ઝાલરો રણઝણતી હતી.
પરસાળ આવી, બારણું આવ્યું. થોડાં માનવીઓ પણ જણાયા. ગફુરે હળવેથી દ્વાર ખોલ્યું. સામે આસનસ્થ સુમંતભાઈ હતા. પાછલી બારીમાંથી પ્રકાશ આવતો હતો. એક દીવી પણ આછી આછી પ્રજવળી રહી હતી. ગફુર જોયો ને એ હસ્યા. પછી પાછળ મેધને જોયો અને.........ચહેરો પુલકિત થઈ ગયો.
‘મેધ.......’ તે આટલું જ બોલ્યા. પછી ગફુર પ્રતિ અહોભાવથી જોયું. બસ, એક શબ્દમાં જ આટોપાઈ ગયું આગમન. ખાલી શબ્દોથી આવાં સરસ વાતાવરણને કાંઇ રોળી નખાય ? મૌન જ સંવાદ હતો. દ્રષ્ટી જ આદાનપ્રદાન કરવાનું સાધન હતું.
મેધે જોયું કે સરમાં ખાસ્સું પરિવર્તન આવ્યું હતું. ચહેરા પર તણાવ નહોતો. આંખો કેવળ પ્રેમવર્ષા કરતી હતી.
ક્યારે ગફુરે વિદાય લીધી એ પણ ખ્યાલ ન આવ્યો. એ સ્થાને તે હતો અને પછી નહોતો.
મેધ બેસી ગયો સરની પાસે, ફરસ પર. સ્વચ્છ હતી ફરસ સુમંતભાઈએ મેધને સ્પર્શ કર્યો, પ્રથમ શિર પર, પછી ખભા પર ‘કેમ છે માનસી ?’ અવાજમાં ભીનાશ ભળી.
તરત જ પાણીનો કુંજો અને ફળ આવી ગયાં. મેધને ક્ષુધા યાદ આવી ગઈ. આગમનનો મૂળ આશય યાદ પણ આવ્યો કે તે શા માટે અહીં આવ્યો હતો. ક્ષણિક એ પણ અનુભવ્યું કે તે કદાચ પૂછી નહીં શકે.
સુમંતભાઈનું શ્રીએ ક્ષીણ થયું હતું પરંતુ તેજ વધ્યું હતું. શ્રદ્ધા વધી હતી. કદાચ જીંદગી પ્રતિની દ્રષ્ટી જ બદલાઈ ગઈ હતી.
મેધ છેક ત્રીજા દિવસની સાંજે જ પૂછી શક્યો- મનસુખ વિશે. નર્મદાના તટ પર એ સાંજે તેણે પૂછ્યું હતું- કોણ છે આ મનસુખલાલ ? અવારનવાર ફોન આવ્યા કરે છે, માનસી પર.
સુમંતભાઈ ચમકી ગયા હતા.