સંબંધોની કસોટી - 5 ક્રિષ્ના પારેખ_ક્રિયશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોની કસોટી - 5

( માલિનીબહેન આજના સમયથી અઠ્ઠાવીસ -ઓગણત્રીસ વર્ષ પહેલાના ભૂતકાળમાં સરી પડે છે. )

પહેલાના સમયમાં કૉલેજમાં પોતાનું વાહન લઈને આવવા વાળી સંખ્યા ખૂબજ ઓછી હતી. આજે ન્યૂ કમર્સ નો પહેલો દિવસ હતો એટલે કે આજે બી.કૉમ ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો પહેલો દિવસ. બધા સારા એવા તૈયાર થઈને આવ્યા હતાં. બુલેટ બાઈક પર એક નવયુવાન બ્લેક કલરનું શર્ટ અને બ્લ્યુ કલરનું બેગી પેન્ટ, બ્રાઉન ગૉગલ્સ પહેરીને શાનદાર એન્ટ્રી કરે છે અને સ્ટાઇલમાં પાર્કિંગ એરિયામાં બાઈક પાર્ક કરે છે. બુલેટના ફટ -ફટ અવાજથી આખી કૉલેજનું ધ્યાન એ બાજુ જાય છે. એ છોકરો જયારે કૉલેજમાં પ્રવેશે છે ત્યારે ઘણા બધા છોકરાઓ એની આજુબાજુ આવીને પોતાનો પરિચય આપવા લાગે છે.
બધી છોકરીઓની નજર પણ એ નવયુવાન બુલેટ વાળા છોકરા પર છે માત્ર એક છોકરીને એનાથી કોઈજ ફેર નથી પડતો. શ્રીમંત પરિવાર તો ના કહી શકાય પણ મધ્યમ વર્ગની પણ નહી એવા પરિવારની એક અસાધારણ છોકરી. કમર સુધીના વાળ, સામાન્ય નીલી આંખો, પાતળું પણ પરફેક્ટ ફિગર, દેખાવમાં મનમોહિની, ગોરો રંગ, અને જયારે હસે કે પછી બોલવામાં હોઠ ખેંચાય ત્યારે એના કોમળ ગાલમાં પડતા ખંજન... એ ખંજન સાચે સામે વાળી વ્યક્તિ પર ખંજર જવું કામ કરતા. નામ એનું માલિની... માલિની મહેતા.
બસ ખાલી માલિનીનું ધ્યાન જ "બુલેટ બૉય " પ્રત્યે નહતું ખેંચાયું. એની બાજુમાં ચાલી રહેલી બહેનપણીએ એને કહ્યું, 'માલિની.. જો તો ખરી કેવો સરસ છોકરો છે. ' 'એવા તો કેટલા પણ આવે..આવી બધી મોહ માયા થી અંજાઈ ના જવાય. આજે આ બુલેટ લઈને આવ્યો કાલે બીજો કોઈ ગાડી લઈને આવશે. છોકરો સારો કહેવાય એના વ્યવહાર અને વર્તનથી. છોકરી હોય કે ગમે તે વ્યક્તિ.. એને કેટલું માન આપે છે, એની વાણી એનું વર્તન એના સંસ્કાર એની સમજશક્તિ એ બધું મહત્વનું છે બાહ્ય દેખાવ કે આડંબર નહી. '
માલિનીમાં બાહ્ય સુંદરતાની સાથે તાત્કાલિક નિર્ણય શક્તિ, તેજ દિમાગ અને ઝડપથી સામે વાળી વ્યક્તિને પારખી લેવાની ગજબની શક્તિ હતી. એ પોતાના વિચારો સ્પષ્ટ રાખતી. એની વિચારધારા બીજી બધી છોકરીઓ કરતા થોડી અલગ હતી અને આ બધી બાબતો જ એને અસામાન્ય બનાવતી.

"બુલેટ બૉય" પણ બધા છોકરાઓથી ઘેરાયેલો હતો. એને આજે આમ પોતાને બધાથી અલગ જોઈને મનોમન વિચારી લીધું કે હવે એ કાલથી બસમાં જ આવશે જેમ બીજા લોકો આવે છે. એ પોતે ભલે એક શ્રીમંત પરિવારનો છોકરો હતો પણ એના વિચારો એને બીજા "બડે બાપ કી ઓલાદ " કરતા અલગ હતાં. એના પૈસાના લીધે કોઈ તેની જોડે મિત્રતા કરે એ તેને સહેજ પણ પસંદ નહતું. અને એ હતો "નિશિથ શાહ ". આજે તો બધા એની આગળ પાછળ જ ફરતા હતાં અને એ જોઈને નિશિથને અકળામણ થતી હતી. જેમ એક સુગંધીદાર ફૂલની આજુબાજુ જેમ ભમરા ગણ-ગણ કરે એમ બધા નિશિથને પોતાનો મિત્ર બનાવા ઇચ્છતા હતાં.
બીજે દિવસે નિશિથ તેના ઘર પાસેના બસ સ્ટેન્ડએ ઊભો હતો. નવ વાગ્યાની બસ તેની કૉલેજ જતી હતી અને માલિનીને પણ એજ બસ માં આવાનું થતું હતું પણ માલિની નું સ્ટેન્ડ નિશિથ કરતા પહેલા આવતું હતું. નિશિથ આઠ વાગ્યાનો આવીને ઊભો હતો એને બસના કોઈ સમયની ખબર નહતી. જયારે પૂછ્યું ત્યારે ખબર પડી કે કૉલેજ બાજુ જતી બસ નવ વાગે આવશે. બસ આવી એમાં માલિની પહેલેથી બેઠેલી હતી. નિશિથ બસમાં ચડ્યો. નિશિથને બસમાં ચડતા જોઈને પહેલાતો માલિનીને આશ્ચર્ય થયું. આખી બસ ખીચોખીચ ભરેલી હતી. માલિનીને થયું કે બાઈક બગડ્યું હશે એટલે બસમાં આવ્યો. નિશિથનું વર્તન બધા સાથે ખૂબજ વિવેકી અને રમૂજી પ્રકારનું હતું. બીજા દિવસે પણ નિશિથ બસ માં આવ્યો. સતત એક અઠવાડિયા સુધી નિશિથને બસમાં આવતા જોઈને માલિનીને થોડું વિચિત્ર લાગ્યું. કારણકે નિશિથને ભાગ્યેજ બસમાં જગ્યા મળતી અને જો મળી હોય અને કોઈ સ્ત્રી કે વૃદ્ધ વ્યક્તિ બસમાં ઉભી હોય તો પોતે તરતજ ઊભો થઈ જાય અને બેસવા માટે જગ્યા આપે.

માલિની કૉલેજની બધી પ્રવૃત્તિઓમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતી હતી અને વિજેતા પણ બનતી હતી. આથી ટૂંક સમયમાં જ બધા તેના નામથી અને ચહેરાથી પરિચિત થઈ ગયા હતાં. આજે જયારે નિશિથ બસમાં ચડ્યો ત્યારે બસ માં બધી સીટ ભરાઈ ગઈ હતી એકમાત્ર માલિનીની બાજુમાં જ સીટ ખાલી હતી. નિશિથ સીટ પાસે આવ્યો અને ખૂબજ નમ્રતા સાથે માલિનીને પૂછ્યું, 'કોઈ આવે છે અહીંયા? ' માલિનીએ ફક્ત ડોકી હલાવીને જ ના પાડી. નિશીથે ફરી પૂછ્યું, 'શું હું અહીંયા બેસી શકું?' માલિનીએ સીટમાં મૂકેલું એનું બેગ ખોળામાં લઈ લીધું. નિશિથ એ સીટ માં બેસી ગયો. ડ્રાઈવરએ બસ ચાલું કરી અને એક ઝટકો વાગ્યો અને ધ્રુજારી સાથે બસ ચાલું થઈ. થોડી વાર સૂનમૂન કઈ જ બોલ્યાં વગર બેસી રહ્યા પછી નિશિથથી આટલી બધી ખામોશી સહન ના થઈ. નિશીથે માલિનીની સામે જોઈને કહ્યું, 'તમે ખૂબજ સરસ લખો છો. તમારો નિબંધ કૉલેજના બુલેટિન પર લાગે ત્યારે હું એ વાંચું છું. તમારે કૉમેર્સના બદલે આર્ટ્સના વિષયો રાખવા જેવા હતાં. ' માલિનીએ નિશિથ સામે જોઈને સ્મિત વેર્યું અને આભાર વ્યક્ત કરતા કહ્યું, 'થૅન્ક યૂ વેરી મચ . ' અને પછી જે પ્રશ્ન માલિનીને આટલા વખતથી મનમાં ઘૂમરાયા કરતો હતો એ પૂછી નાખ્યો, 'તમે બસમાં કેમ આવો છો? તમને કૉલેજના પહેલા દિવસે બુલેટ લઈને આવેલા જોયા હતાં. બાઈક હોવા છતાં આ બસના ધક્કા કેમ ખાઓ છો? ' નિશિથ હસ્યો અને બોલ્યો, 'મને કોઈ બડાઈ મારવાની ગમતી નથી. મને એક સામાન્ય વ્યક્તિ થઈને જ જીવવું ગમે છે.મે પહેલા જ દિવસે જોયું કે કૉલેજના છોકરાઓ મારી આજુબાજુ ફરવા લાગ્યા હતાં અને મારી સાથે મિત્રતા કેળવવા ઇચ્છતા હતાં. પરંતુ હું એનો સખત વિરોધી છું... મારાં મિત્રો મારાં સ્વભાવથી બને એ ઇચ્છુ છું નહીકે મારાં રૂપિયા જોઈને. ' ' હા એકદમ બરોબર.. હું પણ એજ કહું છું. ' માલિનીએ એકદમ ઉત્સાહથી કહ્યું.
વાતો વાતોમાં ક્યાં કૉલેજ આવી ગઈ ખબર પણ ના પડી. બપોરે કૉલેજથી પાછા ઘરે જતી વખતે પણ બન્નેને જોડે જ જગ્યા મળી એ સિવાય બીજી કોઈ સીટ ખાલી નહતી. હવે તો નિશિથ અને માલિની દરરોજ બસમાં જોડે જ હોય માલિની અને નિશિથના વિચારો ખૂબજ મળતા આવતા હતાં. બન્ને સારા એવા મિત્ર બની ગયા હતાં. માલિની કોઈ પણ સ્પર્ધામાં ભાગ લે તો નિશિથ એને મદદ કરે. આમને આમ કયારે બન્નેની મિત્રતા ગાઢ થઈ ગઈ ખબર પણ ના પડી. કૉલેજનું છેલ્લું વર્ષ હતું અને વાર્ષિકોત્સવની તૈયારીઓ ચાલતી હતી. નિશિથ અને માલિનીએ એક નાટકમાં ભાગ લીધો હતો અને તે બન્ને તે નાટકના મુખ્ય પાત્ર હતાં. એ નાટકના રિહર્સલ દરમિયાન માલિનીના પગમાં એક દોરી ફસાઈ અને તે પડી. આ જોઈને નિશિથ દોડ્યો અને માલિની પાસે આવ્યો અને એને વઢવા લાગ્યો, 'ખબર નથી પડતી... જોઈને ચાલવાની.. આ દોરી કોણે નાખી અહીંયા... અને તું પણ સાવ જોયા વગર ચાલે છે. ' નિશિથ માલિનીનો હાથ પકડીને એને ઉભી કરવા ગયો ત્યાં માલિનીએ જોરથી ચીસ પડી, 'ઓહ...... મા.... નિશિથ બઉજ દુઃખે છે નથી ઉભા થવાતું.' નિશીથે માલિનીને તેના બન્ને હાથમાં ઉચકી લીધી અને બૅન્ચ પર બેસાડી. પછી તેનો પગ જોયો સોજો લાગતો હતો એટલે તે માલિનીને લઈને હોસ્પિટલ ગયો. ત્યાં જઈને ખબર પડી કે માલિનીને પગમાં મચકોડ આવી હતી. ડોક્ટરે એક અઠવાડિયું આરામ કરવાનું કીધું. આ એક અઠવાડિયું નિશીથે માલિની વગર જે રહેવાનું થયું એમાજ નિશિથને ખબર પડી કે પોતે માલિનીને ચાહવા લાગ્યો છે. માલિનીને પણ જ્યાં સુધી નિશિથને મળે નહી કે વાત ના કરે ત્યાં સુધી ચેન નહતો પડતો. માલિનીને પણ ત્યારે જ ખબર પડી કે નિશિથ ક્યારે તેના માટે એક મિત્ર થી વધીને પોતાનું ખુશ રહેવાનું એક આધાર બની ગયો હતો. માલિનીને આ જ એક અઠવાડિયામાં ખબર પડી કે તે નિશિથ વગર નહી રહી શકે.

માલિનીના પગનું દર્દ ઠીક થઈ ગયું હતું અને તે સૌથી પહેલા નિશિથને મળવાં માંગતી હતી. માલિની કૉલેજમાં આવે છે અને જ્યાં નાટકની પ્રેકટીસ ચાલું હોય છે ત્યાં આવે છે. નિશિથ માલિનીને જોઈને ખૂબજ ખુશ થઈ જાય છે. માલિની ફરી સ્ટેજ પર નાટકની રિહર્સલમાં જોડાય છે અને ત્યાં જ ચાલું રિહર્સલમાં નિશિથ એક ગુલાબ લઈને આવે છે. માલિનીને લાગ્યું કે કદાચ નાટકનો કોઈ ભાગ હશે. નિશિથ માલિનીની સામે ઘૂંટણિયાભેર બેસી જાય છે અને બોલે છે, 'માલુ... મને નહતી ખબર કે મને ક્યારે તારી સાથે પ્રેમ થઈ ગયો પણ એ હકીકત છે કે હવે હું તારા વગર જીવી નહિ શકું. શું તું તારી બાકીની જિંદગી મારી સાથે વીતાવવાનું પસંદ કરીશ. ' એક મિનીટ માટે તો માલિની આ શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ અને પછી હસી અને બોલી, 'નિશુ... નાટકમાં મારું નામ નિહારિકા છે માલિની નઈ... આવું કરીશને સ્ટેજ પર તો ઑડિયન્સ મારશે ભેગી થઈને. '
નિશિથ હશે છે ત્યાં બાકીના લોકો હોય છે તે પણ હસવા લાગે છે એટલે માલિની અકળાઈને બોલે છે, 'શું થયું કેમ બધા હસો છો?? ખોટું શું કીધું મે !!' ત્યાં એક છોકરો બુમ પાડીને કહે છે, 'અરે...માલિની આ ડાયલોગ્સ નથી.. સાચે એ તારી સામે પોતાના પ્રેમ પ્રસ્તાવ મૂકી રહ્યો છે.... જવાબ આપ. ' અને આ સાથે જ ફરી બધા હસવા લાગે છે. માલિની ધીમેથી નિશિથ સામે જોઈને સહેજ ડોકી ઉપર કરીને જાણે પૂછતી હોય કે સાચે જ તું મને પ્રોપોઝ કરી રહ્યો છું એમ કંઈજ બોલ્યાં વગર આંખો પહોળી કરીને માત્ર ઇશારાથી જ પૂછે છે. જવાબમાં નિશિથ પણ હસીને માત્ર ડોક હલાવીને હા પાડે છે.
માલિની ગુલાબ હાથમાં લઈલે છે પણ કંઈજ બોલી નથી શકતી. નિશિથ પણ જાણે પોતે હજુ કોજ સ્વપ્નમાં હોય એમ ઘૂંટણિયા પર જ બેઠો છે. બન્નેની આખો આંસુઓ થી ભરાઈ ગઈ છે. માલિની પણ ઘૂંટણિયે બેસી જાય છે. બન્ને એક બીજાની આખોમાં જોવે છે અને દેખાય છે તો માત્ર નિઃસ્વાર્થ પ્રેમ જેમાં કોઈ પણ પ્રકારનું છળ કપટ નહતું કે નહતો કોઈ સ્વાર્થ. એ પ્રેમ બન્નેની આંખોમાંથી અત્યારે આંસુ સ્વરૂપે બહાર નીકળી રહ્યો હતો. બન્ને એકબીજાને ભેટી પડે છે ત્યારે નિશિથ કહે છે, 'માલુ... તને જયારે વાગ્યું અને તું પીડામાં હતી તો મને લાગતું હતું કે મને વાગ્યું છે અને મને દર્દ થાય છે. તારા વગર આ એક અઠવાડિયું કેમ કરીને નીકળ્યું એ મારું મન જાણે છે હવે મારાથી દૂર ક્યારેય ના થતી.' 'હું હવે ફક્ત તારી જ છું નિશિથ... ફક્ત તારી.. તને મૂકીને હું ક્યાં જાઉ??!!! '

નિશિથ અને માલિનીની છેલ્લા વર્ષની પરીક્ષા પણ પતી જાય છે. હવે કેમ કરીને એક બીજાને મળવું તે બન્ને માટે સૌથી મોટો પ્રશ્ન હતો એટલે હવે બન્નેએ પોતપોતાના ઘરે કેવી રીતે જાણ કરવી તે નક્કી કરવા એક બગીચામાં મળ્યાં. ત્યાં એમને એક પરિવાર જોયો જેમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો હતાં. આ જોઈને નિશીથે માલિનીનો હાથ પકડ્યો અને બોલ્યો, 'માલુ....આપણું પણ ભવિષ્ય કંઈક આવું જ હશે નઈ.. આપણે પણ આપણા બાળકોને લઈને આ જ બગીચામાં આવીશું અને એમની જોડે ખૂબજ મસ્તી કરીશું. ' માલિની નિશિથના માથા પર હાથ ફેરવતા બોલી, 'હા.. પણ નિશુ આપણે એમનું નામ શું રાખીશું? ' નિશીથે પેહલા વિચાર્યુ અને પછી બોલ્યો, 'જો માલુ... મને તારી આ નીલી આંખો ખૂબજ ગમે છે તો છોકરાનું નામ 'નીલ' રાખીશું. ' આ સાંભળીને માલિની હસી અને બોલી, 'તો મને પણ તારી આંખો ખૂબજ ગમે છે એમાં એટલી ગહેરાઈ છેને કોઈ માપી જ ના શકે એટલે.... છોકરીનું નામ આપણે 'નેત્રા' રાખીશું. ' નિશિથ આ નામ સાંભળીને બોલ્યો, 'ઓહ... વાહ મૅડમ તમેતો જબરું નવું જ નામ શોધી લાવ્યા... મસ્ત છે... 'નેત્રા'....' અને પછી બન્ને જણ હસી પડ્યા.... અને ત્યાંજ નીલે બુમ પડી, 'મમ્મી.... મારો બ્લ્યુ શર્ટ ક્યાં છે? નથી મળતો ' અને એ સાથે જ માલિનીબહેન પોતાના ભૂતકાળ માંથી વર્તમાનમાં પાછા આવ્યાં.