Sambandhoni kasoti - 3 books and stories free download online pdf in Gujarati

સંબંધોની કસોટી - 3

'હેલો... નેત્રા...એક પ્રોબ્લેમ થઈ ગયો છે યાર... !!' નીલે ખૂબજ ગભરાયેલા અવાજમાં કહ્યું.
'કેમ શું થયું... બધું ઓકે તો છેને નીલ.. શું થયું??? ' નેત્રા પણ નીલનો ગભરાયેલો અવાજ સાંભળીને ડરી ગઈ.
'યાર... સૉરી... મે તને કીધું નહતું પણ હું એક છોકરીને ખૂબજ પ્રેમ કરું છું અને મને હમણાંજ ખબર પડી કે એક બીજો છોકરો પણ એને પસંદ કરે છે અને પ્રોપોઝ કરવાનો છે... આઈ નીડ યોર હેલ્પ યાર.. પ્લીઝ જલ્દી આવીજા... તને ખબર છેને કે તારા વગર હું કંઈજ નઈ કરી શકુ.. મને ડર લાગે છે યાર એને કહેતા.. પ્લીઝ જલ્દી રિવરફ્રન્ટ આવીજા..'
' વ્હોટ !!!!??? લવ કરે છે?? કોને??? તે મને કીધું પણ નહી.. ઓકે પહેલાતો શાંત થઇજા.. હું આવું છું. યાર... તું અચાનક આવો બૉમ્બ કેમ ફોડે છે હાર્ટ અટૅક આવી જાય યાર કોઈને.. '
નેત્રા ખૂબજ આશ્ચર્ય અને દ્વિધામાં હતી. નેત્રા નીલને મનોમન ખૂબજ ચાહતી હતી અને જયારે એને ખબર પડી કે નીલ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે ત્યારે તો એને કોઈએ જોરદાર વીજળીનો કરંટ આપી દીધો હોય એવો ઝટકો લાગ્યો. એને એક સમય માટે તો લાગ્યું કે એ હમણાં બેહોશ થઈ જશે. નેત્રાએ પોતાની જાતને માંડ માંડ સાચવી અને પાણી પીધું પણ અત્યારે તો જાણે પાણી પણ ગળાની નીચે ઉતરતું નહતું. નેત્રાના આંખમાં આંસુ આવી ગયા. નેત્રા ધબાક દઈને પલંગ પર બેઠી અને રડવા લાગી.
'નીલ... એકવાર તો મને મોકો આપવો હતો મારાં મનની વાત કહેવાનો.. નેત્રા વગર કઈ નથી કરી શકતો તો નેત્રા કેમ નહિ?? '
નેત્રા ઉભી થઈ અને ફટાફટ તૈયાર થઈ ગઈ અને તેને આટલી ઉતાવળમાં જતા જોઈને નિશિથભાઈ એ પૂછ્યું, 'શું થયું બેટા.. ઍની પ્રોબ્લેમ.. આટલી ઉતાવળમાં કેમ છે? '
'ડેડ.. હું આવીને તમને કહું.. નીલ અત્યારે એક પ્રોબ્લેમમાં છે મારે જવું પડશે ' નેત્રા એની એકટીવાની ચાવી લેતા બોલી.
'બેટા.. કાર લઈને જા.. ના હોય તો ડ્રાઈવરને મોકલું..'
'ના ના.. હું એકટીવા લઈને જ જઈશ અને તમે ચિંતા ના કરશો હું શાંતિથી જઈશ.. '
'ઓકે.. ટેક કૅર બેટા.. જય શ્રી ક્રિષ્ના '

નેત્રા ખૂબજ અમીર બાપની દીકરી હતી પણ એને એ જાતવવું સહેજ પણ ગમતું ન હતું. પહેલા નેત્રાને કૉલેજ લેવા મુકવા ડ્રાઈવર મોંઘીદાટ ગાડી લઈને આવતો. પણ જયારે પણ એ કૉલેજ પહોંચે બીજા લોકો તેને ખૂબજ અલગ નજરથી જોતા એટલે એને નિશિથભાઈને કહી દીધું કેમ તે હવેથી એકટીવા લઈને જ જશે અને તે ભલે અમીર બાપની ઓલાદ છે પણ એને એ બધું નથી ગમતું. નેત્રાને લોકો એના સ્વભાવના લીધે એની જોડે વાત કરે એ પસંદ હતું નહિ કે એના અમીરપણાથી.

નેત્રા અત્યારે અમદાવાદના ટ્રાફિક વાળા રસ્તામાં એટલી ઝડપથી એકટીવા આગળ કાઢી રહી હતી એને પણ ખબર નહતી કે તે કેવી રીતે આવી રીતે ચલાવી રહી છે પહેલાતો એ આ ટ્રાફિકથી ડરી જતી હતી. અને આજે જાણે એને આ ટ્રાફિકની કોઈ ચિંતા જ નથી. નેત્રા ગુસ્સામાં પણ હતી કે નીલે હજુ સુધી એને કંઈ કહ્યું કેમ નહિ. નેત્રા એના રસ્તે જતી હતી અને બબડતી જતી હતી, 'સાલ્લો... હરામી... નાલાયક... ચીટર... આટલા ટાઈમ થી જોડે હતો તો પણ મને ખબર પણ ના પડવા દીધી અને ભાઈનું ઇલુ ઇલુ ક્યાક બીજે જ ચાલુ હતું.. અને પાછી આ મોહિની છે કોણ એ પણ ખબર નથી કોણ હોઈ શકે.. શ્વેતા... ના એ તો ના હોય એની તો મને ખબર છે.. તો શીતલ... હા એ હોઈ શકે.. પણ એ તો સાવ ગગા જેવી છે અને નીલને તો એકટીવ લોકો ગમે છે.... મેહામિ.. હા એજ હોય... હુહ... મળવાદે એ નીલયાને.. '
નેત્રા રિવરફ્રન્ટ જ્યાં એ બન્ને રોજ બેસતા હતાં એ બાજુ જોવે છે નીલ ત્યાં જ બેઠો હોય છે અને ખૂબ ટેન્શનમાં હોય એવું લાગી રહ્યું હતું. નીલ ઊભો થઈને એના હાથમાં પહેરેલી ઘડિયાળમાં જોવે છે અને ઝડપથી આંટા મારવા લાગે છે. નેત્રા એની જોડે જાય છે અને પહેલાતો નીલ ને મારવા જ લાગે છે... 'સાલ્લા... આસ્તાઇનનાં સાપ... હહ આટલા ટાઈમથી તારી જોડે છું તારી બૅસ્ટ ફ્રૅન્ડ છું તે મને કીધું કેમ નઈ હરામી... ' નેત્રા ગુસ્સામાં બોલીને ફરી મારે છે.
'તું મારું છોડ... એક દિવસ પણ તારાથી ટાઈમ પર આવતું નથી.. દર વખતે લૅટ.. અહીંયા મારો જીવ અટકી રહ્યો છેને તને કઈ પડી જ નથી.. ', નીલ રીસ ચડાવીને બોલ્યો.
'સારું સારું.. બોલ હવે કોણ છે એ,. ' નેત્રા મોઢું ચઢાવીને બોલી.
' યાર.. નેત્રા શું કહું એના વિશે.. એને જયારે પહેલી વાર જોઈને ત્યારે જ મારું હ્યદય એક ધબકાર ચુકી ગયું હતું. એની આંખો જ મારી સૌથી મોટી કમજોરી છે. એ ભલે ખોટું બોલે પણ એની આંખો મને બધું સાચેસાચું કહીદે છે.. એના વાળ.. જયારે એ એના વેહિકલ પર જતી હોય ત્યારે હવામાં લહેરાતા એના વાળ જોઈન હું જાણે એમાં જ લપેટાઈ જઉ છું. જયારે એ વાત કરતા કરતા એની લટો જે અદાથી કાનની પાછળ કરે છે એની એ અદા પાછળ હું પાગલ છું. જો કઈ ભૂલ કરે કે તો એના દાંત વચ્ચે જયારે જીભ દબાવીને આંખો બંધ કરીને માથા પર ધીમેથી જયારે ટપલી મારેને... મને એમ લાગે કે ક્યાંક હું બેહોશનાં થઈ જવ... અને.. ', નીલ એની સ્વપપરીનાં વખાણ કરતા થાકતો નહતો.. અને એ સાંભળીને નેત્રા વધારે અકળાતી હતી એટલે એને વચ્ચે જ અટકાવીને જોરથી બોલી..., 'બસ.. બસ... હવે તમારી "એ " નું નામ પણ જણાવો બીજા વખાણ હું નઈ સાંભળી શકું કે મારાથી પણ વધારે કોઈ બીજું સારું છે.. ' નેત્રા નેણ ચડાવીને બોલી.
' સારું સારું કહું છું મારી મા.. ' એમ કહેતા કહેતા નીલ નદીની પાળી બાજુ ગયો અને બોલ્યો, 'નેત્રા... જલ્દી.. જો આ શું છે.... '
નેત્રા ઝડપથી દોડીને આવે છે અને પાણીમાં જોવા લાગે છે, 'શું છે નીલ.. શું હતું? '
નીલ અને નેત્રા બન્ને નું ધ્યાન નદીના સ્થિર પાણીમાં હતું. ત્યારે જ બોલે છે, ' મને જેનાં પર દિલ આવી ગયું છે તે.. આ છે ' નીલ પાણીમાં નેત્રનું પ્રતિબિંબ બતાવીને ખૂબજ શાંતિ અને ધીરજ સાથે કહે છે અને એણે એની બેગમા સંતાડી રાખેલું ગુલાબ કાઢે છે ને ઘૂંટણભેર બેસીને કહે છે, 'નેત્રા... એ તું જ છે.. તને કહેતા પણ હું ગભરાતો હતો. તને પ્રોપોઝ કરવા માટે પણ મને તારા સાથની જરૂર હતી.. મે જયારે તને પહેલી વાર ગરબા ગ્રાઉન્ડમાં જોઈને ત્યારથી જ જાણે મને "લવ એટ ફર્સ્ટ સાઈટ " થઈ ગયું હતું....સો... વિલ યૂ બી માય ગર્લફ્રેન્ડ એન્ડ ધેન.. મેયબી આફ્ટર અ યર બી માય વાઈફ...???? પ્લીઝ મને આવી રીતે નાં જોઇશ મને બીક લાગે છે ', નીલે ડરતા ડરતા કહ્યું.
નેત્રાને હજુ કંઈજ ખબર નહોતી પડતી કે શું થઈ રહ્યું છે એણે તો જાણે આ બધુ એક સપના જવું લાગતું હતું. નેત્રા ચુપચાપ એક નિર્જીવ પૂતળાની જેમ ઉભી રહી હતી. એ અત્યારે શું બોલે શું કહે એની એને કંઈજ ખબર નહતી પડતી. એટલામાં નીલ ફરી બોલ્યો..., 'નેત્રા... પ્લીઝ.. આમ ચુપચાપ ઉભી ના રહીશ.. કંઈક તો બોલ. ' નેત્રાને ખ્યાલ આવ્યો એ સપનું નહતી જોતી આ બધી જ વાત હકીકત હતી.. ' નીલ... સિરિયસલી... યૂ પ્રોપોઝ મી....રિયલી.. ' નેત્રાની આંખોમાં સાબરમતીમાં પૂર આવે એ ઝડપે આંસુઓનું પૂર આવી જાય છે અને એના બન્ને હાથ એના મોં પર દબાવીને જાણે રડવાના અવાજને રોકતી હોય એમ માથું હલાવીને હા પાડે છે અને નીલનાં હાથ માંથી ગુલાબ ધીમેથી લઈલે છે. નેત્રા નીલનો હાથ પકડીને એને ઊભો કરે છે. નીલ એના હાથથી નેત્રના આંસુ લૂછે છે અને પછી એને પોતાની બાહોમાં સમાવીલે છે. અમદાવાદના વ્યસ્ત અને ઘોંઘાટીયા વાતાવરણથી અલગ સાબરમતીના સાનિધ્યમાં બે જીવ એકમેકમાં લીન હતાં. પક્ષીઓનો કલરવ થતો હતો. માર્ચ મહિનાનો બપોરનો સમય હતો એટલે કોઈજ એ જગ્યાએ નહતું. ગણીને બે-ત્રણ લવરીયા ત્યાં હતાં એ પણ છુટા છવાયા. ગરમ પવન નદીના લીધે ઠંડો લાગતો હતો.
નેત્રા નીલની સામે જોવે છે અને કહે છે, 'પાગલ... કંઈ ખબર પડે છે. અત્યારે હું હોસ્પિટલમાં હોત. કેટલો ધ્રાસ્કો પડ્યો હતો મને જયારે તે કીધું કે તું કોઈકને પ્રેમ કરે છે. ' નીલ નેત્રાની સામે જોઈને હસવા લાગે છે અને કાન પકડીને એને ડરાવી દીધી એના માટે માફી માંગે છે. એટલામાં નેત્રના ફોનની રિંગ વાગે છે. નેત્રા ફોન રીસિવ કરે છે, 'હા.. ડૅડ.. કોઈ ટેન્શન નથી હું આવીને તમને કહીશ. હા... આવું જ છું હમણાં. ' નેત્રા ફોન મૂકે છે અને નીલને કહે છે, 'હવે હું ઘરે જઉ.. હું બહુ ઉતાવળમાં નીકળી હતી ડૅડ ટેન્શન કરતા હશે. એમને પણ હવે એમના થવા વાળા જમાઈ વિશે વાત કરવી પડશેને. ' અને નેત્રા હસી પડે છે.
નીલ એને ઘર સુધી જોડે મુકવા જાય છે. હવે તે બન્ને બે દિવસ પછી સીધા ફાઇનલ એક્સામમાં મળવાના હતાં. નીલ નેત્રાને બાય કહીને નીકળી જાય છે નેત્રા ખૂબ આગ્રહ કરે છે ઘરે આવીને એના પપ્પાને મળવાનો પણ નીલ પછી ક્યારેક મળવાનું કહે છે.
નેત્રના પપ્પાને નેત્રા એની રીતે મુરતિયો પસંદ કરે એમાં કોઈજ વાંધો નહતો. નિશિથભાઈ એ નીલ વિશે નેત્રાનાં મોંઢે ખૂબ જ વાતો સાંભળી હતી. નિશિથભાઈ એ નેત્રાને પહેલથી એવી રીતે રાખી હતી કે એ કોઈ પણ વાત હોય એમની જોડે ખૂબજ સહજતાથી કહી શકતી હતી. નેત્રાએ નીલનાં પ્રપોઝલ વિશે નિશિથભાઈને કહ્યું. નેત્રા ખૂબજ ખુશ હતી એટલે નિશિથ ભાઈ પણ એમની લાડકવાયી માટે ખુશ હતાં પરંતુ તેઓ ક્યારેય નીલને મળ્યા નહતાં એટલે એમણે નીલને મળવાની ઈચ્છા દર્શાવી. 'બેટા.. મને તારી પસંદગીમાં સહેજ પણ અવિશ્વાસ નથી. પણ મારું દિલ પણ એક બાપનું છે હું નીલ અને એના પરિવારને મળવા માંગુ છું. '

'હા.. હા.. પપ્પા હું પણ હજુ એક પણ વાર એની મમ્મીને મળી નથી હું નીલને વાત કરીશ. ' નેત્રા એના રૂમમાં જાય છે અને અરીસા સામે ઉભી રહે છે નેત્રાનો ચહેરો શરમ અને ખુશીથી એટલો ગુલાબી થઈ ગયો હતો. નેત્રા આયના સામે ઉભી રહી અને બોલી, 'ઓહો.. મૅડમ... કેટલા લાલ થઈ ગયા છો... મિસ.નેત્રા શાહ.. સૉરી હવે મિસિસ. નેત્રા મહેતા.. ઓહ ગોડ આ ફીલિંગ્સ હું કઈ રીતે સહન કરું. નેત્રા મને તો હજુ આ સપનું જ લાગે છે. પણ ના મારી નાદાન પ્રિંસેસ આ સપનું નહીં હકીકત છે. નીલે સાચે તને પ્રોપોઝ કર્યું છે અને તે હા પાડી છે '
નેત્રા ફોન હાથમાં લે છે અને નીલને ફોન કરે છે કે એના પપ્પા એને અને એની મમ્મીને મળવા માંગે છે. નીલ નેત્રાને પરીક્ષા પછી એ નિશિથભાઈને મળશે એમ કહે છે.

આજે પરીક્ષાનો છેલ્લો દિવસ છે અને એક્સામ ચાલું થાય એ પહેલા નીલ નેત્રાને મળીને કહે છે કે આજે તે નેત્રાને એક સ્પેશ્યિલ જગ્યાએ લઈ જશે. ફટાફટ એક્સામ આપીને નેત્રા બહાર નીલ જોડે આવે છે અને પૂછે છે કે એ પોતાને કઈ સ્પેશ્યિલ જગ્યાએ લઈ જવાનો છે. નીલ એને પોતાની બાઈક પાછળ આંખો બંધ કરીને બેસવા કહે છે. એક જગ્યાએ જઈને નીલ બાઈક ઉભું રાખે છે અને netrane આંખ ખોલવા માટે કહે છે. નેત્રા આંખો ખોલે છે, 'નીલ....આતો તું મને રિવરફ્રન્ટ લાવ્યો જ્યાં આપણે પાંચસો વાર આવી ગયા છીએ.... નથિંગ સ્પેશ્યિલ. ' 'નીલ બોલને આપણે ક્યાં જવાનું છે.. '
'મારાં ઘરે.. મમ્મીને મળવા.. અને મારે એ પહેલા તને કંઈક કહેવું છે એટલે અહીંયા લાવ્યો. '


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED