આગળના ભાગમાં આપણે જોયું કે રુચિના લગ્ન બાદ મહેમાનો પણ ચાલ્યા જાય છે, હવે દિશા ઘરમાં એકલી રહી જાય છે, દિશા વૃદ્ધાશ્રમમાં જવાનું શરૂ કરી દે છે, ત્યાં દર રવિવારે એકાંત પણ સાથ આપે છે. સમય પણ વીતતો જાય છે અને દિશા પણ વૃદ્ધાશ્રમમાં વધુ સમય હવે પસાર કરવા લાગે છે. આ સમયમાં એકાંત દિશાને ચંદન જેવી શીતળતા ભર્યો સાથ આપે છે. રુચિ ઘરે રોકાવવા માટે આવે છે ત્યારે દિશામાં આવેલો બદલાવ તે પારખી જાય છે, જેનાથી રુચિ ખુશ પણ થાય છે. તે બે દિવસ રોકાવવાની હોવાથી એકાંતને ઘરે બોલાવવાનું કહે છે. દિશા એકાંતને જણાવે છે પરંતુ વ્યસ્ત હોવાના કારણે એકાંત આવી શકતો નથી. રુચિ બે દિવસ રોકાઈ એમાં તેણે અનુભવ્યું કે એકાંતે દિશાને બરાબર સાચવી લીધી છે. થોડા દિવસ પછી એકાંતના જન્મ દિવસે બંને રાત્રે 3 વાગ્યા સુધી ફોનમાં વાત કરે છે, આમને સામને કોફી બનાવી જન્મ દિવસની ઉજવણી પણ કરે છે. અચાનક જ સવારે ઉઠતા વેંત એકાંત દિશાના દરવાજે આવીને ઊભો રહી જાય છે, પહેલા તો દિશાને પણ કોઈ સપના જેવું લાગે છે, પણ એકાંત તેને હકીકતથી અવગત કરાવે છે. થોડીવાર દિશા એકાંતને વળગી રહે છે, એકાંત દિશાને ભગવાનના મંદિર સામે હાથ જોડાવે છે,અને તેને જીવનભર સાથ આપવાનું વચન પણ આપે છે. એકાંતને પણ જમવાનું બનાવતા આવડતું હોવાના કારણે બન્ને રસોડામાં આલુ પરોઠા બનાવે છે. બંને પછી બહાર ફરવા માટે જાય છે, એક કેનાલ ઉપર બંને એકબીજાનો હાથ પકડી અને બેસે છે. હાથ પકડીને ચાલે છે, કેનાલમાં પથ્થરો એકઠા કરાવીને એકાંત દિશા પાસે ફેંકાવે છે. આખી દિવસ દિશા પણ ખૂબ જ ખુશી ખુશી વિતાવે છે. રાત્રે ઘરે આવી એકાંત સાથે વાત કરીને દિશા રુચિને આખી દિનચર્યા ફોનમાં સંભળાવે છે. દિશાની વાત સાંભળીને રુચિ વિચારે છે કે દિશાએ આખું જીવન તેના માટે સમર્પિત કર્યું છે તો હવે તેની પણ કેટલીક ફરજ બને છે. બે દિવસ પછી વિચારીને રુચિ નિખિલને દિશા વિશેની બધી વાત કરે છે, નિખિલ પણ આ વાતનું સમર્થન કરે છે અને રુચિનો સાથ આપવાનું કહે છે.
હવે જોઈએ આગળ....
સમર્પણ - 32
દિશા અને એકાંત વિશે થયેલી વાતચીતના બીજા જ દિવસે ઉતાવળીયા નિખિલે સાંજે જમતી વખતે જ ડાઇનિંગ ટેબલ ઉપર એ વાત ઉખેડી, ''આપણે ટૂંક સમયમાં જ ઘરનો પ્રસંગ યોજાવાનો હોવાથી ઉતાવળે ખરીદી કરવી પડશે.''
અવધેશભાઈએ આશ્ચર્યસહ એની સામે જોયું અને પૂછ્યું, ''આપણે હવે કયો પ્રસંગ ? (થોડું વિચારીને રુચિ સામે જોઈને ઈશારો કરતાં) ખુશ ખબરી ?''
નિખિલે વળતો જવાબ આપ્યો, ''ના હવે, એને હજુ વાર છે. હજુ અમને તો મોટા થવા દો. આ તો રુચિના મમ્મી એકલાં રહે છે ને ? તો એમનું ગોઠવી દઈએ એમ..''
જયાબેન હસ્યા, ''શું તુંય નિખિલ, એ તારા સાસુ થાય, એમની આવી મજાક ના ઉડાવ.''
અવધેશભાઈએ પણ હસવામાં સાથ આપ્યો અને કહ્યું, ''તને બીજી કોઈ વાત ના મળી ? તે આવી વાત લઈ આવ્યો ? રુચિને કેવું લાગશે એ તો વિચાર...''
રુચિ અને નિખિલ હસી શક્યા નહીં. નિખિલે થોડું વધારે ગંભીર બનીને કહ્યું, ''પપ્પા, મજાક નથી આ. હું અને રુચિ બંને એમને પરણાવવા માંગીએ છીએ.''
નિખિલનું વાક્ય પૂરું થતા જ જયાબેન ઉકળ્યા, ''તને ભાન-બાન પડે છે કે નહીં ? સમાજ શું કહેશે ? વાર-પ્રસંગે ભેગા થવામાં સગા-વ્હાલાઓને મોં બતાડવા જેવું રાખવાનું છે કે નહીં ? અને આવી વાહિયાત વાતો ક્યાંથી ઉપજાવી કાઢી ? અને આ ઉંમરે એમના માટે વર કોણ ગોતવાનું છે ? તું ?''
ગુસ્સામાં એમણે રુચિ સામે જોયું રુચિ એમને જવાબ આપી શકી નહીં. નિખિલે નીચી નજરે ધીમેથી જવાબ આપ્યો, ''છે એક વ્યક્તિ.''
અવધેશભાઈએ ગુસ્સામાં ઉભા થઇને નિખિલને ત્યાંથી જતાં રહેવા માટે ઈશારો કર્યો, ''તું અત્યારે જા અહીંયાંથી, અને આ વાત ફરી ક્યારેય કરીશ નહીં.''
નિખિલ ચૂપચાપ ઉભો થઇ રુચિનો હાથ પકડીને પોતાના રૂમ તરફ જતો રહ્યો. આજે સાંજનું જમણ બધાનું અધૂરું રહી ગયું. રુચિ રડતાં-રડતાં નિખિલને વળગી રહી.
રાત્રે જ દિશાને ફોન ઉપર બધી વાત કરવા માટે રુચિ ઉતાવળી થઈ રહી હતી, પરંતુ નિખિલને કહેવા પ્રમાણે એણે બીજા દિવસે સવારે દિશાને ફોન કરીને સઘળી હકીકત કહી સંભળાવી.
વાત પૂરી થતાં સુધીમાં જ દિશાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે તરત જ રુચિને ઘરે બોલાવી. રુચિના આવતાં વેંત જ દિશા એના ઉપર ભડકી ઉઠી, '' મેં હજુ કોઈ નિર્ણય લીધો નથી તો નિખિલને કહેવાની કે તારે જાતે નિર્ણય લઈ લેવાની જરૂર શુ હતી..? એ લોકોની વાત સાચી જ છે . સમાજ આવું ક્યારેય સ્વીકારે નહીં. થઇ શકતું હોત તો હું જાતે જ ના કરી લેતી ?''
રુચિએ પણ રડતાં-રડતાં ગુસ્સામાં વળતો જવાબ આપ્યો, ''તારા માટે બધા સામે થાઉં તો પણ તને બીજા બધા જ સાચા લાગે છે... આખી જિંદગી તે Sacrifice આપ્યું હજુ કેટલું આપીશ ? અને મેં જે કર્યું એ તારા સારા માટે અને તને ખુશ જોવા માટે કર્યું છે. તને એ નથી દેખાતું ? ''
દિશા એ વધુ ઉંચા અવાજે રુચિની વાત કાપતા કહ્યું, ''તું તારું દોઢ ડહાપણ હવે રહેવા દે. હું આજ પછી એકાંત સાથે વાત કરવાની નથી. તું પહેલા તારું ઘર સંભાળ. મારુ હું જોઈ લઈશ.''
રુચિ હળાહળ લાગી આવ્યું... દિશાની અધૂરી વાતમાં જ તે રીક્ષા કરીને ઘરે જતી રહી.
દિશાએ નિખિલને ફોન કરીને રુચિના પહોંચી ગયાનું પૂછી લીધું.
દિશા અને રુચિ વચ્ચેની બોલાચાલીથી નિખિલ અજાણ હતો. રુચિ પહેલાં કરતા ચૂપ-ચૂપ રહેવા લાગી. વાત-વાતમાં અકળાતી પણ ખરી, પરંતુ ઘરમાં ફરી એ વાત ઉખેડવાની એણે હિંમત કરી નહીં.
દિશાએ એકાંતને ફોન કરીને બધી વાતથી માહિતગાર કર્યો, અને રુચિ સાથે થયેલી ચડભડની પણ વાત કરી. એકાંત હંમેશા મુજબ શાંતિથી બધું જ સાંભળી રહ્યો. સામે કોઈ જવાબ ના આવતા દિશા અકળાઈ, ''મને લાગે છે કે તમને કોઈ ફરક પડતો નથી, અને જો એમજ હોય તો તમારી સાથે આ વિશે ચર્ચા કરવી જ નકામી છે.'' એકાંતે પોતાનું મૌન તોડ્યું, ''બેટા, બધી જ વાતનું ગંભીર સ્વરૂપ લેવું અથવાતો ઉગ્રતામાં આવી જવું જરૂરી છે ? શાંત ચિત્તે બધી જ પરિસ્થિતિનો ઉકેલ નીકળી શકે છે. બોલ, હવે આ પરિસ્થિતિમાં તું શું નિર્ણય લઈ શકીશ ?''
દિશાએ થોડી શાંત પડતા જવાબ આપ્યો, ''મારે નિર્ણય લેવાનું આવતું જ નથી, એકાંત. રુચિના ઘરમાં પસંદ નથી એ વસ્તુ હું ક્યારેય ના કરી શકું. આપણે આ મિત્રતાનો સંબંધ પણ નહીં રાખી શકીએ, અને હું ફરી પાછી મારી એજ એકલતામાં ખૂંપી જઈશ, એકાંત, એ વિચારે જ મને ગભરામણ થાય છે. રુચિને કેવી રીતે સમજાવું આ પરિસ્થિતિ ? એ સમજતી કેમ નથી ? એણે નિખિલને કહેવાની જરૂર જ શું હતી ? મારા લીધે એનું ઘર બગડે એ હું કેમનું સાંખી શકું ?'' આટલું બોલતા જ દિશા ને ડૂસકું આવી ગયું. એકાંતે તરત જ ઓડિયો કોલ કાપીને વિડિઓ કોલ કર્યો. દિશાને થોડી વાર સુધી રડવા દીધી અને પોતે હળવી સ્માઈલ સાથે એને જોયા કર્યું, ''દિશા મારી સામે જો, અને એક વાતનો જવાબ આપ.'' દિશાએ આંસુ લૂછતાં પ્રશ્નાર્થ ઈશારો કર્યો. દિશાની આ બાલિશ હરકત જોઈ ફરી એકાંતને થોડું હસવું આવી ગયું. એટલે દિશા ફરી અકળાઈ પોતાના રડવા ઉપર પરાણે કન્ટ્રોલ કરતાં એકાંતને કહ્યું, ''તમને મારી આ હાલત જોઈને હસવું આવે છે ? તમે જો આ વાતની ગંભીરતા ના સમજી શકતા હોવ તો ફોન મૂકી દો અને પછી ક્યારેય વાત ના કરશો.'' એકાંતે ફરી દિશાને ફરી સંભાળવાનો પ્રયત્ન કર્યો, ''દિશા, તું ક્યારે મેચ્યોર થઇશ ? તને આમ જોઈને કોણ કહે કે તું એક છોકરીની માઁ છું ?''
દિશા સામે કાઈ વળતો જવાબ આપે એ પહેલાં જ એકાંતએ વાત ચાલુ જ રાખી, ''સાંભળ, તને મારા ઉપર વિશ્વાસ કેટલો ?'' દિશા ચૂપચાપ એની સામે જોતી જ રહી એટલે એકાંતે એને હળવે ઈશારે ફરીથી પૂછ્યું, ''જવાબ આપ.'' દિશાએ થોડી નજર નીચી કરીને ધીમેક થી કહ્યું, ''પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે જ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. પણ અત્યારે પરિસ્થિતિ આપણા હાથમાં નથી.'' એકાંતે પોતાના હોઠ ઉપર આંગળી મૂકતાં દિશાને ચૂપ રહેવા કહ્યું, ''તું રુચિના ઘરનાને તકલીફ ના થાય એટલા માટે મારી સાથે સંબંધ રાખી શકે એમ નથી, બરાબર ?''દિશાએ ડોકું હલાવી વાતને સંમતિ આપી. એકાંતે વાત આગળ વધારી, ''તું એમજ કર, આપણે મળીશું નહીં, ફોન નહીં કરીએ. છતાં પણ હું તને એકલી નહીં પડવા દઉં. વિશ્વાસ રાખ.'' દિશાએ થોડું વિચારીને કહ્યું, ''કેવી રીતે પોસીબલ છે?'' એકાંતે એને હાથના ઈશારે મગજ શાંત રાખવા કહ્યું, ''તું શાંત રહે બસ, બાકી બધું તું મારા ઉપર છોડી દે, હું તને ક્યારેય રુચિને તકલીફ થાય એવું કાંઈ જ કરવાનું નહીં કહું, છતાં એ મુશ્કેલીમાં તને એકલી પણ નહીં છોડી દઉં, મારા જીવનની નાવડીમાં એકલે હાથે તને આટલે સુધી લાવ્યો છું. હવે જ્યારે તે પણ હલેસુ પકડ્યું છે ત્યારે હું તને એકલી કેમ મહેનત કરવા દઉં ? તું ત્યારે પણ મારી જવાબદારી હતી, અત્યારે પણ છે અને કાયમ જ રહીશ. આ હક મેં તારી પાસેથી વગર માંગ્યે ઝૂંટવી જ લીધો છે.'' એકાંતની વાતોથી દિશાને આંખોથી લઈ હૃદય સુધી એક મીઠી શીતળતા પ્રસરી ગઈ અને હોઠ આપોઆપ થોડા મલકયાં.''
દિશાએ ફરી પૂછ્યું, ''એકાંત, કેવી રીતે અને શું કરી શકીશું એ તો કહો ?'' એકાંતે જવાબ આપ્યો, ''તું મારા પર વિશ્વાસ રાખીને હમણાં શાંતિથી સુઈ જા, ચાલ, ગુડ નાઈટ.'' દિશાએ પણ ગુડ નાઈટ કહીને ફોન મુક્યો, પરંતુ એકાંત એવું શું કરશે કે જેથી પરિસ્થિતિ બંને બાજુ સચવાઈ રહે ? એ વિચારે ક્યાંય મોડા સુધી એ જાગતી રહી.
વધુ આવતા અંકે...