આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ જમતી વખતે જ ડાઇનિંગ ટેબલ ઉપર દિશાના લગ્નની વાત કરે છે, નિખિલના મમ્મી-પપ્પા પહેલા મઝાક સમજે છે, પરંતુ નિખિલ આ બાબતે ભાર આપતા તેની મમ્મી ગુસ્સે થાય છે અને નિખિલના પપ્પા તેને રૂમમાં ચાલ્યા જવા કહે છે. રુચિ આ ઘટનાને દિશાને કહેવાનું વિચારી સવારે ફોન કરે છે, દિશા તેને ઘરે બોલાવે છે. રુચિના આવતા જ દિશા પણ તેના ઉપર ગુસ્સે થાય છે અને તેને પોતે કોઈ નિર્ણય નથી કર્યો તો રુચિએ કેમ નિણર્ય લઈ લીધો ? સમાજ આ ક્યારેય ના સ્વીકારે એમ ગુસ્સામાં જ જણાવી દે છે. રુચિ પણ સામે ગુસ્સે થઈ અને જવાબ આપે છે, વાત વધી જતાં રુચિ રિક્ષામાં પોતાના સાસરે પાછી ચાલી જાય છે. રુચિ અને દિશા વચ્ચે થયેલી બોલચાલથી નિખિલ અજાણ હોય છે. રુચિના ગયા બાદ દિશા એકાંતને ફોન ઉપર બધી વાત જણાવે છે. એકાંત તરફથી તરત જ કોઈ જવાબ ના મળતાં તેના ઉપર ગુસ્સે પણ થાય છે. એકાંત તેને શાંતિથી સમજાવે છે. દિશા રુચિના જીવનમાં કોઈ પ્રોબ્લમ ના થાય અને તેનું ઘર ના ભાંગે તેના વિશે ચિંતિત હોય છે અને એકાંત સાથે હવે સંબંધ આગળ નહિ વધારવાની પણ વાત કરે છે. દિશાના રડતા જ તે ફોન કટ કરી વિડીયો કોલ કરે છે. દિશાને શાંતિથી સમજાવે છે અને દિશાને ના મળવાનું, ના એના તરફથી ફોન કે મેસેજમાં વાત કરવાનું જણાવે છે, સાથે પોતે તેની સાથે જોડાયેલો રહેશે એમ પણ જણાવે છે. દિશા કહે છે એ કેવી રીતે શક્ય બનશે ? પરતું એકાંત તેને શાંતિ રાખી અને સુઈ જવાનું કહે છે. હવે જોઈએ આગળ...
સમર્પણ - 33
સવારે ઊઠતાં જ મોબાઈલમાં એકાંતના પાંચ ઓડિયો મેસેજ જોઈ થોડી નવાઈ લાગી. પથારીમાંથી ઉભી થતાં પહેલા જ એ ઓડિયો સાંભળી લેવાની ઇન્તેજારી એ રોકી શકી નહીં,
''દિશા, તારી મુશ્કેલી હું સમજુ છું, અનુભવી શકું છું. તારા કરતાં મારી પરિસ્થિતિ ખરાબ હશે એમ કહું તો ખોટું નથી. પણ એમાં તને સંભાળવાની જવાબદારી મને ફરીથી ઉભો કરી દે છે. તારી એક સ્માઈલ મને આખી દુનિયા સામે લડી લેવાની તાકાત આપે છે. તારી એક પણ વાત ઉપર હું હસતો નથી, પણ મને હસવું એટલે આવે છે કે તું હજુ આ તારા એકાંતને ઓળખી શકી નથી, એટલે જ ગભરાય છે. એકવાર જો ઓળખી લે તો તું પણ દરેક પરિસ્થિતિમાં મારી સાથે હસતી થઈ જાય. બીજો ઓડિયો તારી રાહ જોવે છે...''
''તને લાગતું હશે કે કોન્ટેક્ટ વગર આપણે એકબીજાને સાથ કેવી રીતે આપી શકીએ ? તો સાંભળ, તું બંધાયેલી છે હું નહીં. આપણે વાત નહીં કરી શકીએ પણ તું સાંભળી તો શકીશ ને ? ઓડિયો મેસેજ થકી હું તારી સાથે જ રહીશ, ભલે જિંદગી આમ જ વિતાવવી પડે. તને વચન આપું છું, તું એક સમયે કદાચ આ ઓડિયો સાંભળતા કંટાળીશ, પણ હું નહીં કંટાળું. હું નહીં તો મારો અવાજ તારા સુધી પહોંચે છે એ એહસાસ મને જીવવાનું મનોબળ પૂરું પાડશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી...સમજે છે ને તું ? કોઈ પરિસ્થિતિ કે જેમાં આપણે કંઈ જ કરી શકીએ એમ નથી તો હથિયાર હેઠા મૂકીને ઉગ્ર થવાને બદલે બીજો કોઈ રસ્તો અપનાવવામાં જ ડહાપણ છે.''
''તને ઓળખું છું ત્યાં સુધી અત્યારે હું એટલું કહી શકું કે તું હળવી થઈ હોઈશ મારા આ સોલ્યુશનથી. દિશા, બધા કહે છે કે મળવાનું, જોવાનું કે વાત કરવાનું બંધ કરી દો, તો એક સમયે એકબીજાની આદત છૂટી જવાને લીધે, સંબંધનો અંત આવી જવાનો ભય રહે છે. આ તારી નહીં પણ મારી પરીક્ષા છે એમ હું માનું છું. મેં કહ્યું ને એકલે હાથે નાવડી ચલાવી છે મેં, તને વિશ્વાસ નહોતો, ત્યારે મેં વિશ્વાસ અપાવ્યો છે, તારા કરમાઈ ગયેલા સપનાઓને ફરીથી જીવંત કરવા અથાગ પ્રયત્નો કર્યા છે મેં. હવે એમાં જીવ આવી ગયો છે, ત્યારે હું કોઈ કાળે એને ફરીથી કરમાવવા નહીં જ દઉં. હું જીવું છું ત્યાં સુધી તો નહીં જ.''
''હવે કામની વાત, રુચિને તે કહી દીધું છે, એટલે તારે મને કોલ, મેસેજ, ઓડિયો કોલ કે વીડિયો કોલ કરવાના નથી. રુચિ તારી દીકરી છે, એની સાથે જ મેં તને અપનાવી છે. ભલે મિત્રતાના નાતે જ કેમ નહીં ! દીકરી ભાવે એની પણ મારે આમન્યા જાળવવી જોઈએ એમ હું માનું છું. એ તકલીફમાં મુકાશે તો તું પણ ખુશ નહીં રહી શકે, અને આખી જિંદગીનું તારું સમર્પણ વ્યર્થ થતાં જોઈને હું પણ ખુશ નહીં રહી શકું. એટલે તારે મને કોઈ રીતે કોન્ટેક્ટ કરવાનો નથી, જેથી તારો બોલ સચવાઈ રહે. આપણે વાત પણ નહીં કરીએ, હું બોલીશ અને તું સાંભળજે, (થોડું હસીને) એમ પણ તને બોલવાનું જોર જ આવતું હતું. પણ હા, તને એટલી હદે ઓળખી ગયો છું કે તારા કહ્યા પહેલા જ મારો મેસેજ આવી જશે, અને તારા ઘંટ જેવા દિમાગના ઉલટા-સુલટા સવાલોના વગર પૂછે જ જવાબ પણ આપી શકીશ.''
''ચાલ, જરાય આડું-અવળું વિચાર્યા વગર શાંતિથી તારા કામ પતાવ, ફરી-ફરીને કહું છું, કોઈ પણ પરિસ્થિતિ મને ડગાવી શકવાની નથી, તો તું પણ અડગ જ રહે. સાચું કહું તો હિર-રાંજા, રોમિયો-જુલિયેટ, સલીમ-અનારકલી એ બધાય કરતાં આપણું નામ આગળ આવી જવાનું છે, એ લોકો તો મળી પણ શકતા હતા, પ્રેમનો સ્વીકાર પણ થયો હતો. આપણે એ બધાયથી ઉપર છીએ, બસ એક જ વાત ખટકશે, કે ભલે મર્યા પછી પણ લોકોએ એમનો પ્રેમ સ્વીકાર્યો, જ્યારે આપણી લાગણી તારા-મારા સિવાય કોઈ જાણી કે સમજી શકવાનું નથી. છતાં, પણ દિલમાં એક ખુમારી રહેશે કે યાર... કર્યો હો... શિદ્દતથી પ્રેમ કર્યો. એટલું પણ બહુ છે જીવવા માટે, હે ને ? મારી જેમ તું પણ થોડા માં વધુ મેળવતા શીખી જા. દુનિયા આપણી જ છે, ક્યાંકથી ને ક્યાંકથી ખુશી તમે શોધી જ શકો છો. ઓકે ??? સાંભળ, હવે આ ડૉ. એકાંતનું પ્રિસ્ક્રિપશન, રોજના ઓછામાં ઓછા પાંચ ઓડિયો આવશે એને વગર ચૂકે સાંભળી લેવાથી તમારી તંદુરસ્તી બરકરાર રહેશે. દરેક ઓડિયો પછી આવતી સ્માઇલથી તમારી સુંદરતામાં વધુને વધુ નિખાર આવશે. એટલે સ્માઈલ કે હસવું આવે એને ક્યારેય રોકવું નહીં, તમારી આંખોના દરિયામાંથી તકલીફના આંસુને ઉભરાવવા દેવું નહીં, નહીં તો ધૈર્ય નામનો એટેક અચાનક તમારી સામે આવીને ઉભો રહી જશે, અને આ બધી મહેનત ઉપર પાણી ફરી વળશે. મળીએ, નેક્સ્ટ સેશનમાં...Till then...Take care...''
એકાંતના આ પ્રકારના ઉકેલથી દિશાને ઘણે અંશે માનસિક રાહત થઈ. એકાંતે પોતાનો બોલ રાખવા માટે થઈને ''વિસામો'' આવવાનો સમય પણ બદલી નાખ્યો, છતાં એમના અગાશીના મિલન સ્થળે જઈને દિશાની હયાતીની અનુભૂતિ કરવાનું એ ક્યારેય ચૂકતો નહીં. એ ત્યાં રહેતા બધા જ વડીલોની ધ્યાન બહાર નહોતું.
દિવસો વીતી રહ્યા હતા. એકાંત એના જાતે બનાવેલા નિયમ પ્રમાણે દિશાને એક-એક ક્ષણ સંભાળતો રહ્યો. રુચિ હજુ પણ મનોમન ધૂંધવાયેલી જ રહેતી, અને દિશા સાથે વાત કરતી નહીં. નિખિલે અનુભવ્યું કે છેલ્લા કેટલાય દિવસથી દર અઠવાડિયે જીદ કરીને પણ જઈ આવતી રુચિ એના મમ્મીના ઘરે જવાનું નામ પણ લેતી નહોતી. એણે રુચિને આજે બહાર ફરવા જવાના બહાને એના મમ્મીના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. રુચિએ ઘર આવતા જ અંદર જવાનો ઇનકાર કરી દીધો. ઘણું સમજાવ્યા પછી રુચિ ઘરમાં આવવા તૈયાર થઈ. દિશા પણ અચાનક બંનેને આવેલા જોઈ ચોંકી ઉઠી. એને કોઈ અજુગતું બની રહયાના ભણકારા વાગી રહ્યા હતા.
નિખિલે વાતની શરૂઆત કરી, ''મમ્મી, હું જોઈ રહ્યો છું કે તમે બંને કોઈ કારણસર વાત નથી કરી રહ્યા. એ માટે જ હું રુચિને જાણબહાર અહીં લઇ આવ્યો છું. તો તમારે બંને એ જે વાત હોય એને અહીં જ પુરી કરવાની છે. આ અબોલા મને પોસાતા નથી. લડતી-ઝગડતી રુચિને હું આમ શાંત અને ગંભીર જોઈ શકતો નથી.''
સારું કરવાના વિચારોમાં રુચિએ બંને ઘર તરફથી ઠપકો સાંભળ્યો હતો એટલે એ અહમમાં રુચિ ચૂપ જ રહી.
દિશાને જમાઈ તરીકે નિખિલ સાથે આ વાત કરવાનો સંકોચ થતો હોવા છતાં જવાબ આપ્યો, ''નિખિલ, તે દિવસે તમારા ઘરે મારા વિશે જે બાબતે ચર્ચા થઈ હતી, અને અવધેશભાઈ તથા જયાબેન વધારે પડતું ગુસ્સે થયા હતા. એ જ બાબતે મેં પણ રુચિને ઠપકો આપ્યો એટલે એ અહીંથી જતી રહી. હું જાણું છું કે તમે બંને એ મારા સારા માટે કોઈ નિર્ણય લીધો પરંતુ એના પરિણામનું તમે વિચાર્યું નહીં.''
નિખિલે ધ્યાનપૂર્વક વાત સાંભળીને ઉત્તર આપ્યો, ''મમ્મી, હું સમજુ છું. અને જે વાત હતી એમાં કંઈજ ખોટું નથી. પણ પપ્પા-મમ્મીને આ વાત થોડી અજુગતી લાગી. બાકી આ સદીમાં આવું બધું નોર્મલ છે. છતાં એક દીકરા તરીકે હું તમને દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનું વચન આપું છું.'' નિખિલ દિશા સાથે સાસુ તરીકેની પૂરેપૂરી મર્યાદા જાળવી રહ્યો હતો.
દિશાએ હળવા સ્મિત સાથે નિખિલને કહ્યું, ''જાણું છું બેટા, પરંતુ તે દિવસ પછી હું ''એમની'' સાથે વાત નથી કરી રહી. અને આ બાબત માટે મારે વેવાઈ-વેવાણ સાથે ચર્ચા કરવી પડે એ હું જરાય નહીં ઈચ્છું. એટલે જ આ મુદ્દાને અહીં જ પૂરો કરીએ.''
દિશાની વાત સાંભળીને રુચિને અચાનક પેટમાં ફાળ પડી, તેની બાળકબુદ્ધિના લીધે એણે દિશા પાસેથી દૂરથી મળતો એકાંતનો સહારો પણ ઝૂંટવી લીધો હતો. એને ખુશીઓના ઢગલામાં આળોટતી જોવાના બદલે એની પાસે એક તણખલું પણ ના રહેવા દીધું. છતાં એ દિશા સામે કંઈજ બોલી શકી નહીં.
ઘરે પરત આવીને એણે નિખિલ સાથે બધી વાતનો ખુલાસો કર્યો, અને કોઈ પણ ભોગે મમ્મીને એની ખુશીઓ પાછી અપાવવાનો ફરીથી નિર્ધાર કર્યો. નિખિલે પણ એની વાતને સમર્થન આપ્યું, અને હવે આગળ શું કરવું જોઈએ એ વિશે ચર્ચા કરી.
વધુ આવતા અંકે...