સમર્પણ - 31 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 31


આગળના ભાગમાં આપણે જોયું કે દિશાનું જીવન પરિસ્થિતિઓ પ્રમાણે આગળ વધી રહ્યું છે. દિશાની ઉદાસીમાં એકાંત હવે તેનો સાથ બનવા લાગે છે. વૃદ્ધાશ્રમમાં દર રવિવારે બંને સાથે મળી અને સેવા આપતા. ત્યાંના વડીલો પણ દિશા અને એકાંતના ભાવને સમજી શકે છે પરંતુ તેઓની મજબૂરી જાણીને આ વિષય ઉપર ક્યારેય તેમની સામે ચર્ચા નથી કરતા. બંને સાંજે એક કલાક અગાશીએ એકમેકનો હાથ પકડી અને બેસી જીવનના એ અમૂલ્ય સમયને માણે છે. જોત જોતામાં રુચિના લગ્નનો સમય પણ નજીક આવી જાય છે, તેના સાસુ સસરા પણ લંડનથી આવી પહોંચે છે. દિશા પણ હવે લગ્ન બાદ જ વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કરે છે. એકાંત તેના રવિવારના નિયમ પ્રમાણે આવી અને પોતાની સેવા આપ્યા કરે છે, સાંજે પણ અગાશીએ બેસીને દિશા સાથેની યાદોને એકલો બેસીને વાગોળે છે. દિશા પણ વ્યસ્તતામાં એકાંત સાથે થોડી વાત કરી તેના અને વૃદ્ધાશ્રમના હલચાલ પૂછી લે છે. લગ્નના આગળના દિવસે જ દિશા રુચિ પાસે આવીને બેસતા જ તેની આંખોમાંથી આંસુઓ સરવા લાગે છે. રુચિ અચાનક જ લગ્ન નથી કરવા એમ જણાવી દે છે. પરંતુ વિનોદભાઈ અને દિશા તેને સમજાવે છે. મોડા સુધી બધા સાથે બેસીને વાતો કરે છે. લગ્નમાં દિશાએ કોઈ કસર બાકી નથી રાખી હોતી, આવનાર સૌ મહેમાન દિશા અને તેણે કરેલા આયોજનની પ્રસંશા કરે છે. જાન પણ માંડવે આવી પહોંચે છે, પરંતુ વરઘોડામાં નિખિલ દેખાતો નથી, તો કન્યાના રૂમમાં રુચિ પણ ના જોવા મળતા બધાને આશ્ચર્ય થાય છે. આ બધા વચ્ચે જ રુચિ બુલેટ ચલાવતી અને નિખિલ પાછળ ઊભો રહી સાથે મિત્રો દ્વારા ડાન્સ કરતા આવે છે. એમને જોઈને પણ બધા આશ્ચર્યમાં પડી જાય છે. મંડપમાં કન્યાના આવવાના સમયે પણ રુચિ નાચતી કૂદતી આવી પહોંચે છે. જ્યારે બ્રાહ્મણ કન્યાદાન કરવાનું કહે છે ત્યારે દિશા એકાંતના સાસુ સસરાને કન્યાદાન માટે કહે છે. પરંતુ રુચિ તેમને દિશાના હાથે કન્યાદાન થાય એવી ઈચ્છા વ્યક્ત કરે છે. દિશા વિધવા હોવાના કારણે અને રિવાજો તેની અનુમતી ના આપતા હોવાનો હવાલો વિનોદભાઈ આપે છે ત્યારે અવધેશભાઈ આ માટે તૈયાર થાય છે અને દિશાના હાથે રુચિનું કન્યાદાન કરવામાં આવે છે. વિદાયના સમયે વાતાવરણ કરુણ બને છે પરંતુ જતા સમયે દિશા ખુશી ખુશી સાસરે જાય છે, દિશાના ગયા બાદ ઘરમાં સાવ સુનકાર વ્યાપી જાય છે..
હવે જોઈએ આગળ...

સમર્પણ - 31

રુચિના લગ્ન પછીના થોડા દિવસો તો કહેવાતા વહેવારોમાં અને રોકાયેલા મહેમાનોમાં વીતી ગયા. જેમ-જેમ ઘર ખાલી થવા લાગ્યું, તેમ-તેમ દિશા પણ અંદરથી ખાલી થતી જઈ રહી હતી. ''એકાંતે''એને અત્યારે ખોબામાં ઝીલી રાખી હતી. દિશાની અનંત નજરો પણ ''એકાંત'' સુધી જ આવીને અટકતી. થોડા દિવસો બાદ ફરી પાછું એણે ''વિસામો'' જવાનું ચાલુ કર્યું. જ્યાં દર રવિવારે હાજરી આપવાનો ક્રમ એકાંતે ક્યારેય તોડ્યો નહોતો.
દિવસો વીતતા વાર નથી લાગતી. આજ-કાલ કરતાં રુચિના લગ્નને ચાર મહિના વીતી ગયા. વાર-તહેવારે અથવા નવરાશના સમયે રુચિ આવતી-જતી રહેતી. દિશા હવે ''વિસામો''માં પહેલા કરતા વધારે સમય પસાર કરતી. ''એકાંત''નો સાથ એને ચંદનના વૃક્ષની માફક શીતળતા બક્ષતો.
કોઈ કારણસર રુચિ ઘરે રોકાવા આવી હતી. બંને જણાએ ઘણાં સમય પછી પહેલાની જેમ ખૂબ મજાક-મસ્તી કરી, એકબીજાને વળગીને થોડું રોયા પણ ખરાં. છતાં રુચિને આજે દિશામાં થોડો બદલાવ જણાઈ રહ્યો હતો. કંઈક ખૂટતું હતું. રોજના નક્કી કરેલા સમયે દિશા આજે એકાંત સાથે વાત કરી શકી નહોતી, એ એણે જાતે જ રુચિને જણાવ્યું, અને બીજા રૂમમાં જઈને એણે એકાંત સાથે થોડી વાત કરી લીધી. ફોન પત્યા પછી થોડી ખુશ અને હળવી જણાતી દિશાને રુચિએ કહ્યું, ''મમ્મી, હું હજુ બે દિવસ રોકાવાની છું, તો એકાંતને બોલાવી શકે છે, એમ પણ હું એમને સરખું મળી નથી.'' દિશા પણ એકાંત અને રુચિનો આમને-સામને પરિચય કરાવવા માંગતી જ હતી. બંનેએ થોડી ચર્ચા કર્યાં પછી બીજા દિવસે એકાંતને બોલાવવાનું નક્કી કર્યુ પરંતુ કામની વ્યસ્તતાના લીધે એકાંત આવી શક્યો નહીં. રુચિએ બે દિવસમાં અનુભવ્યું કે પોતાની ગેરહાજરીમાં એકાંતે ઘણુંખરું દિશાને સાચવી લીધી હતી. વાત વાતમાં દિશા હવે રડતી નહોતી. અને પોતાના ધાર્યા પ્રમાણે દિશાનું જીવન હવે એકલવાયું પણ જણાતું નહોતું. સરવાળે રુચિ દિશાની ખુશીમાં ખુશ થઈ રહી હતી. પોતાના સાસરે પહોંચ્યા પછી પણ રુચિ મમ્મી માટે શું કરી શકાય એજ વિચારતી રહેતી. પોતાની મમ્મીના જીવનને પણ ખુશીઓના ખજાનાથી એ ભરી દેવા માંગતી હતી, પરંતુ એ માટેના કોઈ સ્ત્રોત એને દેખાઈ રહ્યા નહોતા.
આવતીકાલે એકાંતનો જન્મદિવસ હોવાથી રાત્રે 3 વાગ્યા સુધી જીદ કરીને એકાંતે ફોન ઉપર દિશા સાથે ખૂબ બધી વાતો કરી.
વીડિયો કોલ કરીને બંને એ સાથે કોફી બનાવી, પ્લેટમાં થોડા બિસ્કિટ લીધા અને બંને જણા જાણે કે સાથે જ હોય એમ જન્મદિવસની અનોખી ઉજવણી કરી.
સવારે 7 વાગે દિશા રોજિંદા કામમાં વ્યસ્ત હતી. એકાંત આજે આખો દિવસ વ્યસ્ત રહેવાનો હોવાથી ફોન ઉપર વાત થવાની નહોતી.
અચાનક બેલ વાગ્યો. દિશાએ બારણું ખોલ્યું, અને ત્યાંજ સ્ટેચ્યુ થઈ ગઈ. સામે એકાંત હતો. એકાંત જાળી ખોલવા માટે બોલતો રહ્યો અને દિશા સ્ટેચ્યુ બનીને જોતી રહી.
દિશાને લાગી રહ્યું હતું કે એકાંત ફક્ત એને જ દેખાઈ રહ્યો છે.
એકાંતે બે-ત્રણ ચપટી વગાડીને એને તંદ્રામાંથી જગાડી.
હકીકતનો ભાસ થતાંજ દિશાએ ઉતાવળે જાળી ખોલી અને અનાયાસે જ એને વળગી પડી.
એકાંતે એને એમજ રહેવા દઈ જાળી અને દરવાજો સહેજ આડો કર્યો.
લગભગ 10 મિનિટ સુધી દિશાએ એકાંતને છોડ્યો જ નહીં. એકાંત પણ પોતાની મનગમતી વ્યક્તિ તરફથી પોતાના જન્મદિવસ ઉપર મળેલી આ અમૂલ્ય ભેટને જરાય અળગી કરવા માંગતો નહોંતો.
થોડીવાર પછી એકાંતે દિશાને હળવેથી સંભાળી, અને ઘરના મંદિર પાસે એને લઇ જઇને હાથ જોડાવ્યા અને કહ્યું, ''હવે પછીના જીવનમાં ક્યારેય તને એકલું નહીં લાગવા દઉં. દરેક પરિસ્થિતિમાં આ એકાંત વગર કીધે તારી પડખે જ ઉભેલો મળશે. આજીવન માટે તારા વગર માંગ્યે હું તને આ વચન આપું છું.''
દિશાએ પણ મનોમન એકાંતના જીવનભરના સાથ માટે પ્રાર્થના કરી.
દિશાએ એકાંતને ભાવતા આલુપરોઠાની તૈયારી કરી. એકાંતને ઘણું ખરું રસોઈ કરતા આવડતું હોવાથી, બંને જણાએ સાથે મળીને રસોઈ બનાવી અને જમ્યા. પહેલો કોળિયો બંનેએ એકબીજાને ખવડાવ્યો પણ ખરો.
બપોર પછી બંને બહાર આંટો મારવા જવા નીકળ્યા.
ધીમો વરસાદ અને બાફેલી મકાઈ...સાથેના આહલાદક વાતાવરણમાં દિશાએ છત્રી લીધી હોવા છતાં એકાંત એને પોતાની હયાતીના વરસાદમાં તરબોળ કરી રહ્યો હતો.
માંગવા આવતા દરેક ભૂલકાઓને એકાંત 100 -100 ની નોટ આપતો. દિશાના પૂછવા ઉપર એકાંતે જવાબ આપ્યો, ''ભગવાને મને સૌથી અમૂલ્ય ક્ષણ આપીને મને એટલો ધનવાન કર્યો છે કે આ ક્ષણે આ રૂપિયાનું મારા માટે કોઈ મહત્વ નથી. આજે સાથે લાવેલા બધા જ રૂપિયા તારા નામથી વાપરી નાખવાનો છું.'' દિશા મનોમન મલકાતી રહી.
થોડી વાર પછી તેઓ નજીકમાં આવેલી એક કેનાલ પર ગયા. ત્યાં પાણી તરફ પગ લટકાવીને બંને ઘણી વાર સુધી કેનાલની પાળીએ બેઠા. આસપાસના વાતાવરણની અણધારી અસર થઈ રહી હતી. ભર બપોરે સૂના થઈ ચૂકેલા વૃક્ષ ઉપરથી પણ પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. કેનાલમાં વહેતુ પાણી શીતળ ઝરણાની માફક આંખોને ઠંડક આપી રહ્યું હતું. ગરમ વહેતી હવામાં જાણે કે વસંતી વાયરાનો ભાસ થઈ રહ્યો હતો. આજુ બાજુની તપતી પાળી પણ સંગેમરમરનો અહેસાસ કરાવી રહી હતી. કદાચ બંને તરફ અનુભવાતા આ દ્રશ્યોમાં બંને જણા દુનિયાથી અલિપ્ત જાણે કે કોઈ સ્વપ્નનગરમાં વિચરી રહ્યા હતા. દિશા તૃપ્ત થઈ રહેલા હૃદયથી ચૂપચાપ એકાંતની વાતોનું સાનિધ્ય માણતી રહી. એકાંત દિશાના મૌનમાં પોતાની જાતને શોધતો રહ્યો, પરંતુ બંનેના મનોભાવોનો ભાવાર્થ એક જ થતો હતો, કે કોઈ પણ ભોગે એકબીજાથી અલગ થવું પડે નહીં, જિંદગીભર આમ જ એકબીજાનો સાથ સહકાર બની રહે.
એકાંતે હાથ લંબાવીને હાથ પકડીને ચાલવાનો પ્રસ્તાવ મુક્યો, જે દિશાએ સહર્ષ સ્વીકાર્યો. થોડે દૂર સુધી એમજ ચાલ્યા પછી એકાંતે આજે એને થોડી દોડાવી. દિશાની આનાકાની છતાં નાના-નાના પથ્થર એકઠા કરાવી દૂર પાણીમાં ફેંકાવ્યા. દિશાની આસપાસ વિટાળાયેલું ઉંમરનું કવચ ધીમે-ધીમે તૂટી રહ્યું, એના હૃદયના કોઈક ખૂણે દટાઈ ગયેલા બાળપણને એકાંતે ફરી સજીવન કર્યું. પોતાની કાલીઘેલી વાતોથી એને ખડખડાટ હસાવી. હસતાં-હસતાં જ દિશાની આંખમાં આવેલું પાણી જોઈ એકાંત પોતાની જાતને ધન્ય માનતો રહ્યો. આજ સુધી આ હાસ્યના આંસુ એની આંખમાં જોવા માટે એણે અથાગ પ્રયત્નો કર્યા હતા, જેમાં એ ધીમે-ધીમે સફળ થઈ રહ્યો હતો.
દિશા પણ એકાંત સાથેની એ એક-એક ક્ષણમાં ફરીથી એક તરુણી બની ગયાનો અહેસાસ કરતી ગઈ. એકાંત સાથેની આ અલગ દુનિયા દિશાના વર્તમાનને ઢાંકીને સ્વપ્નની મનગમતી દુનિયાની સહેલ કરાવી રહી હતી.
બંને તરફના અઢળક પ્રેમની કોઈ સાબિતી નહોતી, અથવા એની કોઈ જરૂર પણ નહોતી. કેટલાક સંબંધો વગર કોઈ સ્વીકૃતિએ આપોઆપ સ્વીકાર્ય થઈ જતા હોય છે, એનું આ અદ્ભૂત ઉદાહરણ હતું. કોઈ પ્રકારના વાયદા કે વચનોની જગ્યા જ નહોતી. અસ્વીકૃત પ્રીતના બલિદાન થકી પણ એકબીજાને ખુશ જોવાની હોડ લાગી રહેતી. એક બીજાની આત્મ-સંમતિ સાથે દુન્યવી મર્યાદાઓની વચ્ચે પ્રેમના અંકુર ફૂટી રહ્યાં હતાં, છતાં એ રીત-રીવાજોનું ચક્રવ્યૂહ ભેદી શકે એટલા સક્ષમ નહોતા.
સાંજ પડતા જ બંને એકબીજાની લાગણીઓનો અને નામ વગરના એક અનોખા સંબંધના આત્મીય સ્વીકારનો અમૂલ્ય ખજાનો લઈને પાછા વળ્યા.
એ દિવસે રાત્રે એકાંત સાથે વાત થયા બાદ દિશાએ રુચિને ફોન કરીને આજની દિનચર્યાની ચર્ચા કરી. દિશાના અવાજ અને વાત કરવાના ઉમળકા ઉપરથી રુચિ એટલું તો પામી જ શકી કે મમ્મીની જિંદગીમાં ઉજાસ લાવનાર આખી દુનિયામાં એક જ માણસ છે, મમ્મીએ આખું જીવન પોતાની એક ની પાછળ જ ખર્ચી નાખ્યું છે, તો હવે એનો વારો હતો એ ખર્ચાની ભરપાઈ કરવાનો. પોતાના પ્રત્યે મમ્મીના ત્યાગ-સમર્પણનું ઋણ ઉતારવાનો સમય આવી ગયો હતો. રીત-રીવાજોને માંચડે ચડાવીને મમ્મી માટે હવે દુનિયા સામે લડી લેવા એ તત્પર હતી.
બે દિવસ થોડું વિચારી લીધા પછી થોડી બીક સાથે એણે નિખિલને એ વિશે વાત કરી, નિખિલે એ વાતને તરત જ સંમતિ આપી દીધી, ''પાગલ, આમાં વિચારવા જેવું છે શું ? મિયા-બીવી રાઝી તો ક્યાં કરેગા કાઝી ? એમ પણ સગાં-વહાલા અને રીત-રીવાજોના ચક્કરમાં ધૂળ થઈ રહેલા જીવને આપણાં પ્રયત્નોથી નવું જીવન મળતું હોય તો એનાથી સારું શું હોઈ શકે ? ચાલો ક્યારે પરણાવવા છે મમ્મીને ?''
નિખિલનો ઉત્સાહી જવાબ સાંભળીને રુચિના વિચારોને વધુ બળ મળ્યું, થોડા દિવસ આ બાબતે વિચાર્યા પછી કોઈ નિર્ણય ઉપર આવવાનું નક્કી થયું.

વધુ આવતા અંકે...