પ્રકરણ- નવમું/૯
‘પપ્પા, આજે મેં મારી દીકરીનું નામ પાડ્યું. સૌ પહેલાં તમને જ કહું છું’
અત્યાનંદની અધીરાઈથી જવાહરલાલ બોલ્યા...
‘બોલ બોલ દીકરા જલ્દી બોલ શું નામ રાખ્યું મારા જીવનું ?’
‘અંતરા’
છલકાતા પરમાનંદ સાથે સાથે છલકતા આસું સાથે મેઘના બોલી .
‘અરે.. વાહ ! મારાં મીઠી મેઘનાના મુખડાની આભા એટલે અંતરા. સુરીલી સરગમ જેવું અનન્ય નામ છે દીકરા. એક કામ કર મેઘના આ રવિવારે સૌ આવો અહીં ઘરે. ખાશું, પીશુ અને વાતોના ગપાટા મારીને આખો દિવસ પસાર કરીશું. અંતરાના અવતરણના આનંદની ખુશીમાં એક જબરદસ્ત જલસો કરી નાખીએ.’
મેઘનાની ખુશીને બેવડી કરવાના આશયથી ખુશખુશાલ જવાહરલા અંતરના ઉમળકાને મેઘના સામે આમંત્રણના રૂપમાં પ્રસ્તુત કરતાં બોલ્યા.
‘એ.. એક મિનીટ પપ્પા, ડોરબેલ વાગી. કોઈ આવ્યું લાગે છે, હું તમને પછી નિરાંતે કોલ કરું.’
પિતૃપ્રેમની ભાવાત્મક લાગણી આગળ લાચાર મેઘના પ્રત્યુતરમાં તેના મનોવેદનાની વ્યથાનો અણસાર તેના શબ્દો જવાહરલાલને ન જણાઈ આવે એટલે બહાનું કરીને કોલ કટ કર્યો.
અને એટલી જ કાળજીથી નવ મહિના પછી પણ એક જ છતની નીચે રહેવાં છતાં તેના અને લલિતની વચ્ચે ખાઈ જેવી પડેલી તિરાડની તલભાર જેટલી જાણ પણ તેમના સસરા દિનકરને થવાં નહતી દીધી.
નવ મહિના...
જે પ્રેમીના પ્રત્યુતરની પ્રતીક્ષામાં નવ સેકન્ડ વિતાવવી એ પણ મેઘના માટે અગ્નિપરીક્ષાથી કમ નહતું.. અને આજે નવ મહિનાનો સમયગાળો વિતાવવા રાજનની ગમે તે ક્ષ્રણે અતિ જ્વનલશીલ પદાર્થની માફક સળગીને સળવળી ઉઠતી મૃત્યુશૈયા પર સુતેલી સમૃતિને અસંખ્ય વાર અગ્નિદાહ આપવા મેઘનાએ તેના મસ્તિષ્ક પર દમન વિતાળવામાં કોઈ કસર બાકી નહતી રાખી. બસ એક જ ડર હતો રખેને જો રાજન નામના ભારેલાઅગ્નિ જેવાં અતીતને કોઈ પણ અફવાની હવા મળ્યા પછી ભભૂકેલી વિકરાળ આગનું એક તણખલુ માત્ર પણ કંઇકની જિંદગીને જીવતે જીવ ભડથું કરવા માટે પર્યાપ્ત હતું. જે કાન રાજનનો સ્વર સાંભળવા તરસતાં હતા આજે એ કાનમાં માત્ર રાજન શબ્દથી શૂળ ઉપડતું હતું. મેઘનાની અને સાથે સાથે વાસ્તવિક દુનિયામાંથી રાજન નામનું અસ્તિત્વ એ રીતે ઓગળી ગયું જાણે કે.. કદાચને હવે મેઘના ઈચ્છે તો પણ રાજનની ખબરનો રજ માત્ર અંશ ન મેળવી શકે.
બે દિવસ પછી શનિવારે સવારે આશરે સાડા અગિયારેક વાગ્યે અંતરાને સુવડાવીને
ઘરકામમાં પોરવાઈ ત્યાં જ જવાહરલાલનો કોલ આવ્યો.
‘શું કરે મારી બન્ને ઢીંગલીઓ ?’
‘બસ, જો હમણાં તેને સુવડાવી અને હું કંઈ કામ હાથમાં લઉં ત્યાં તમારો કોલ આવ્યો. કેમ છો પપ્પા ? તમારી તબિયત ?
મીઠો ઠપકો આપતાં જવાહરલાલ બોલ્યા.
‘તારે તો બસ ફોન કરીને બધું જાણી લીધું એટલે પત્યું એમ ? એવું ન થાય કે, ચાલ હડી કાઢીને પપ્પાને રૂબરૂ મળી આવું ? એટલે અંતરાને નિમિત બનાવીને તમને બધાંને ભેગા કરવાનું તરકટ કરું છું સમજી ? આવતીકાલે રવિવાર છે, તો આપ સૌ આવી રહ્યા છો, બરાબર ને ? હું રાહ જોઉં છું.’
‘એક મિનીટ..પપ્પા મારી વાત સાંભળો, લગભગ લલિત આજે રાત્રે અથવા વહેલી સવારે બહારગામ જવાની વાત કરતો હતો. અને મારાં સસરા તેમની પેઢીના એક અગત્યના કામ માટે તેના ટેક્સ કન્સલ્ટન્ટને મળવા જવાના છે એમ કહ્યું છે.’
પપ્પાના આદરાતિથ્યના આવેગના ઉત્સાહને, અયોગ્ય લાગવાં છતાં નાઈલાજ લાચારી સામે ઘૂંટણીયાં ટેકવીને નાણાવટી ખાનદાનની ઈજ્જતને બહાનાના બુરખામાં ઢાંકીને ટાળી દીધો.
‘ઓહ.. એવું છે ? તો કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ. ગમે ત્યારે મારી અંતરાના નામે એક અનેરો આનંદોસત્વ તો મારે સૌની જોડે ઉજવવો જ છે.’
‘હા, પપ્પા જરૂર ઉજવીશું.’
મેઘનાને થયું કે...
હરખની હેલી જેવી અવિરત નીતરતી વાત્સલ્યસભર પ્રેમવર્ષમાં તરબોળ જવાહરલાલને તેના અખંડ ખંડિત થવાં જઈ રહેલા દાંપત્યજીવનની શંકા માત્ર પણ જવાહરલાલ માટે પ્રાણ ઘાતક હુમલો સાબિત થઇ શકે છે. મેઘના માટે તો બન્ને પરિવારના છેડે બાંધેલી નાજુક જીવનડોર પર સૌના જસ અને જીવને સંતુલિત રાખીને તલવારની ધાર પર ચાલવા જેવું કઠીન કામ હતું.
રવિવાર.
સમય સવારના સાડા અગિયારેક વાગ્યાનો. લલિત ગ્રાઉન્ડ ફ્લોર પર દિનકરના બેડરૂમને અડીને આવેલાં રૂમમાં સોફામાં આડો પડીને કંઇક વાંચી રહ્યો હતો. મેઘના કીચનમાં લંચની પ્રીપેરેશન કરી રહી હતી.
વર્ષોથી દિનકર દર રવિવારે નિયમિત અચૂક મુલાકાત લેતાં એક ન્યુઝપેપર સ્ટોલ પર કોઈ બૂક શોધી રહ્યા હતા ત્યાં પાછળથી તેમની પીઠ પર કોઈએ હળવો ધુંબો મારતાં, દીનકરે પાછળ વળીને જોયું તો, જવાહરલાલ હતા.
‘ઓહ્હ.. જવાહર, તું અહીં ? રવિવારના રજાની મજા માણવા નીકળ્યો છે એમ ?
‘હું તો તારી જેમ મોજીલો છું. એટલે મારે તો રોજ મજામાં હોઉં, પણ તું ક્યાનું કહીને ક્યા નીકળે છે. એવું કેમ ?” જવાહરલાલ બોલ્યા.
બંને બાંકડે બેસતાં અજરજ સાથે દિનકરે પૂછ્યું,
‘કેમ આવું પૂછે છે, શું થયું ?
‘અરે મેં ગઈકાલે મેઘનાને સહપરિવાર આમંત્રણ આપ્યું તો મને કહ્યું કે.. લલિત આજે રાત્રે અથવા વહેલી સવારે બહારગામ જવાની વાત કરતો હતો. અને મારાં સસરા તેમની પેઢીના એક અગત્યના કામ માટે તેના ટેક્સ કન્સલ્ટન્ટને મળવા જવાના છે એમ કહ્યું.’
જવાહરની વાત સાંભળીને બીજી જ પળે વાત સમજાઈ જતા બાજી સંભાળી લેતા દિનકર બોલ્યા..
‘અરે.. હા હા મેઘનાએ રાત્રે જ મને વાત કરી હતી. હું તૈયાર થઈને ટેક્સ કન્સલ્ટન્ટને મળવા જતો હતો ત્યાં તેમનો કોલ આવ્યો કે આજે તે કોઈ સામાજિક કામમાં વ્યસ્ત છે તો આજની મીટીંગ કેન્સલ કરી. એટલે જસ્ટ આ તરફ આવ્યો. મને એમ કે પછી ઘરે જઇને તારી જોડે નિરાંતે વાત કરીશ. અને લલિત ઘરે જ છે બસ હમણાં બારેક વાગ્યા પછી બહારગામ જવા નીકળશે એવી વાત થઇ.’
‘પણ જો મેં તને પકડી પડ્યો ને, હવે બોલ ક્યારે આવે છો બધા ઘરે ? જવાહારે પૂછ્યું,
‘બસ, એક બે દિવસમાં નક્કી કરીને તને કહું, એલા હજુ કેટલાં વર્ષ આ બેંકની ગધેડી ચરાવવી છે તારે ? મૂકને હવે. ખાઈ, પી ને જલસા કરને. તારે કે મારે ક્યાં કોઈની આગળ પાછળની ચિંતા છે કે ખોટી ઉપાધી કરવી.’
‘ના એવી કોઈ આર્થિક ચિંતા તો છે જ નહીં. અને હવે છેલ્લું એક જ વર્ષ બાકી છે. પછી નવરો પડીશ તો રોજ તારી પેઢીએ આવીશ મફતની ચા પીવા. પછી તું જ મનમાં ગાળો આપીશ આ ક્યાં આવ્યો નવરી બજાર મગજની મેથી મારવાં.’
અને એ પછી બંને ખડખડાટ હસતાં હસતાં છુટા પડ્યા.
સાંજના પાંચેક વાગ્યે મેઘના નિંદ્રાધીન અંતરાના ભવિષ્યને લઈને કંઇક વિચારી રહી હતી ત્યાં નીચેથી અવાજ આવતાં મેઘનાને ખ્યાલ આવી ગયો કે દિનકર બપોરની ઊંઘ પૂરી કરીને બહાર પરસાળમાં આવીને તેમની આરામ ખુરશી પર આસાન જમાવીને ચા ની રાહ જોઈ રહ્યા હશે. ફટાફટ મેઘના હળવેકથી અંતરાને ઘોડિયામાં વ્યવસ્થિત રીતે સુવડાવીને નીચે આવી.
‘તારા કાન બહુ સરવાં છે હો, દીકરા. તને કંઈપણ કહ્યા વગર મારી દિનચર્યાના દરેક ટાઈમ ટેબલની તું અચૂક જાણ રાખે છે. એ કંઈ રીતે ?
ચા બનાવતાં કિચન માંથી મેઘનાએ જવાબ આપ્યો.
‘પપ્પા, જે આપણા હોય તેનું કોઈ કામ યાદ રાખવું પડે ? એ તો સહજ જ હોય. તમે તમારી કોઈ પણ ફરજ પ્રત્યે સપૂર્ણ સમર્પિત હોવ તો શું યાદ રાખવાનું ? હવે આ ઘર પરિવાર જ મારી દુનિયા છે.’
મેઘના એ ચા નો મગ દિનકરની સામે ટીપોઈ પર મૂકી, પોતે તેમની સામેની ખુરશીમાં બેસતાં બોલી.
‘આજે રસોઈમાં હું તમારી ફેવરીટ પૂરણપોળી બનાવવાની છું.’
‘ઓહ્હ.. તો તો હું પુરણપોળી સિવાય કાંઈ જ નહીં લઉં. પણ દીકરા..’ દિનકર ચાનો ઘૂંટડો ભરીને બોલતાં અટકી ગયા
‘પણ શું પપ્પા ?’ મેઘનાએ પૂછ્યું
‘જો, એક વાત કહું દીકરા હું અને તારા પપ્પા આજે બન્ને આટલાં ખુશ અને નિશ્ચિંત એટલા માટે છીએ કે.. બન્ને તેમના જીવથી વ્હાલા સંતાનસુખથી સંતુષ્ઠ છીએ. જેમ હું લલિતના જીવતરમાં ક્યાંય અવરોધરૂપ નથી બન્યો. જે રીતે મેં તેને અમર્યાદિત સ્વતંત્રતા આપી છે તેમ તને પણ જવાહરલાલે એ જ સપૂર્ણ સવ્યત્તતા સાથે મનગમતું મોકળાશ ભર્યું આયખું જીવવાની આઝાદી આપી હતી. છતાં તમે બન્ને જે સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેની પાતળી ભેદરેખા પારખવામાં નિપુણ રહ્યા છો, એ મારા અને જવાહરલાલ બન્નેની ખુશીનું ઉચ્ચતમ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે આટલાં વરસે જયારે અંતરાના જન્મની સાથે સાથે તમારો પણ મા-બાપ તરીકે જન્મ થયો છે. ત્યારે...એ ખુશીને ગ્રહણ લાગે ત્યારે દુઃખ થાય એ સ્વભાવિક છે.’
‘ગ્રહણ.. એટલે ?’ હું કંઈ સમજી નહીં, પપ્પા.’ સ્હેજ શંકાના ધ્રાસકા સાથે મેઘનાએ પૂછ્યું.
થોડીવાર મેઘનાની સામે જોઇને દિનકર બોલ્યા,
‘આજે અનાયસે બજારમાં મારો જવાહરલાલ સાથે ભેટો થઇ ગયો.’
આટલું સાંભળતા જ મેઘના નજરો નીચી ઢાળીને ચુપ થઇ ગઈ.
‘ટાલ પર ભલે ગણ્યાં ગાંઠ્યા વાળ છે, પણ અમથાં ધૂપમાં ધોળા નથી કર્યા દીકરા.’
માની લઉં કે મને તારો પરિચય નથી પણ..મારાં લોહી તો પરિચિત હોઉં ને ?
તમારાં બંનેના મૌનના પડઘાં આ ઘરની ચાર દીવાલો સાથે અફળાઈને અંતે મારા કાને અથડાય છે. હું બધું ચુપચાપ જોઈ અને સાંભળી રહ્યો છું.
‘પણ પપ્પા એવું તો કંઈ જ નથી...’ મેઘના હજુ આગળ બોલે એ પહેલાં દિનકરે તેની હથેળી મેઘના સામે ધરીને બોલતા અટકવતા પૂછ્યું.
‘મેં કશું પૂછ્યું ? અને કયારેય પૂછીશ પણ નહીં. કારણ કે તમે બન્ને એટલા સમજુ, વયસ્ક અને પરિપક્વ છો કે લગ્નજીવનની અંગત અંટસનો ઉકેલ વાટાઘાટથી લાવી શકો છો. હા એટલું જરૂર પૂછીશ કે લલિતનો કોઈ દોષ છે ?’
‘અરે.. ના પપ્પા લલિતનો દોષ ? તેમના જેવો સીધા,સરળ અને સજ્જન પુરુષની જીવનસંગિની બનવું એતો મારા માટે સૌભાગ્યની વાત છે.’
મેઘનાએ તેની માનસિક મનોદશાના અંશનો અણસાર તેના શબ્દો કે તેની નજરમાં ન આવે એટલી સાવધાનીથી કડવો ઘૂંટ પી ને દિનકરને હસતાં હસતાં જવાબ આપ્યો.
‘તો તારે અમને બન્નેને અમારી જાણ બહાર, અમને બહાનાનું નિમિત બનાવીને તારા પપ્પા આગળ જુત્ઠું બોલવાની શી જરૂર પડી ?’
હવે મીરાં બરાબર ફસાઈ. મેઘનાને ખ્યાલ હતો જે આ સવાલનો તે દિનકરને સંતોષકારક ઉત્તર નહી જ આપી શકે છતાં સિચ્યુએશન સંભાળતા બોલી.
‘એમાં એવું છે પાપ્પા કે, મેં લલિતને પૂછ્યું તો કહ્યું કે..નેક્સ્ટ ટાઈમ જઈશું તો પછી મેં બહાનું કરીને વાત ટાળી દીધી.’
‘મેં લલિતને પૂછી લીધું દીકરા... તમારા વચ્ચે આવી કોઈ વાત થઇ જ નથી.’
મેઘનાની સામે જોઇને દિનકરે લક્ષ્યવેધ જેવો સટીક ઉત્તર આપતાં હવે મેઘના માટે શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ ઉપાય નહતો. છતાં મેઘના બોલી,
‘કદાચ એ ભૂલી ગયા હશે..’ મેઘનાએ તેનો લૂલો બચાવ કરતાં કહ્યું,
‘દીકરા, કદાચ મેં પરભવમાં કોઈ પુણ્ય કર્યા હશે જો મને આ ભવમાં તારા જેવી પુત્રવધુ મળી. દીકરા સાચે જ ધન્ય છે તારી જનેતાને. નાણાવટી પરિવારનું નામ લલિત નહીં પણ તું ઊજવાળીશ એટલો મને તારા પર ભરોસો છે. પણ તું નાની ઉંમરમાં આવડી મોટી કેમ થઇ ગઈ ?
સાવ સપાટી પર આવી ગયેલાં તેના રુદનના બાંધને ધૂંધવાયેલા શ્વાસથી ધરબીને મહા મુશ્કિલથી સ્વસ્થ કરતાં બોલી,
‘પપ્પા, હું અંતરા જોઇને આવું છું.’
એટલું બોલીને ઝડપથી સીડી ચડીને જતાં રૂમમાં દાખલ થતાં જ ડૂસકાં ડામીને મેઘના નિતરતી રહી અશ્રુધારાથી.
આરામ ખુરશીમાં લંબાવ્યા પછી, મન અને મસ્તિષ્કના પ્રતિનિધિના સ્વરૂપમાં શાબ્દિક રણમંચ પર સામ સામે સંવાદના શસ્ત્રો લઈને આવ્યા, શ્વસુર અને પિતા.
ખુબ લાંબા મનોમંથનના દોરના અંતે મનના પ્રતિનિધિ શ્વસુરે મેઘનાનો પક્ષ લેતા તેનું પલડું ભારે રહ્યું.
આ રીતે પડતું, આખડતું મેઘનાનું જીવન ગાડું ગબડતું રહ્યું.
એમ કરતાં કરતાં હવે અંતરા થઇ ગઈ પાંચ વર્ષની.
અચનાક ફરી વળેલાં અઘટિત ઘટનોઓના ઘટમાચક્રમાં પીસાઈ ગયેલી મેઘના હવે
છેલ્લાં પાંચ વર્ષ બાદ ત્રીસ વર્ષની મેઘનાની ઉંમર હવે ચાળીશની લાગતી હતી .
છેલ્લાં ત્રણ વર્ષમાં જવાહરલાલ અને દિનકર બન્ને આકસ્મિક બીમારીનો ભોગ બનીને સ્વર્ગવાસી થઇ જતાં મેઘના કાળમીંઢ પત્થર કરતાં પણ કઠોર થઇ ગઈ. તેના શ્વાસો શ્વાસને ટકાવી રાખતું એકમાત્ર ટોનિક હતું, અંતરા નામનું ઓક્સીજન. ઘરની ચાર દિવાલો જોઈ અને અંતરાની કાલી ઘેલી ભાષા સાંભળીને પહાડ જેવા દિવસો કીડીની ગતિએ પસાર કરવાના હતા. અંત સમયે જવાહરલાલ તેની તમામ મિલકત મેઘનાના નામે કરતાં ગયા હતા, અને દિનકરે તેના વસિયતનામાં તેની સઘળી સંપતિ અને સ્થાવર મિલકતને લલિત, મેઘના અને અંતરાના નામે સરખે ભાગે વહેંચી દીધી હતી.
હજુ મેઘનાએ એક તાકાતવર તોફાનનો સામનો કરવાનો બાકી હતો. અંતરાને લલિતના નફરતના આગની અગનજ્વાળાથી બચાવવાની હતી. મેઘનાની શંકા ઠોસ હતી કે લલિત તેના ગુન્હાની સજા માસુમ અંતરાને જરૂર આપશે અને તેની અસર અંતરાના કુમળા દિલ અને દિમાગ પર લાંબો સમય સુધી એક કેન્સર જેવા જીવલેણ રોગની માફક અસર કરીને અંતરાના આયખાને ખોખલું કરી નાખશે. ખુબ વિચાર વાલોણું ફેરવ્યાં બાદ અને નિષ્કર્ષ નીકળ્યું કે પાષાણ રૂપી હ્રદય પર વધુ એક પત્થર મુકીને અંતરાને આ ઉંમરે જ હોસ્ટેલમાં મૂકી દેવી એ જ અંતરાના ઉજળા,અને બેદાગ આયુષ્ય માટે ઉમદા ઉપહાર સાબિત થશે. અને આર્થિક રીતે તો તે હવે સ્વાવલંબન હતી જ. દિનકરના આકસ્મિક નિધન બાદ લલિત ઘર અને પરિવાર માટે સાવ જ બેફીકર થઇ ગયો હતો. લલિતની નજરમાં મેઘનાની વેલ્યુ એક ફર્નિચરથી વધુ નહતી. મેઘના એ હવે તેના અંતિમ અને અફર નિર્ણય પર મહોર મારીને પાંચ વર્ષની માસુમ અંતરાને તેના ભૂલની ધૂળ ન ઉડે તે માટે કાળજું કઠણ કરીને દેશની શ્રેષ્ઠતમ હોસ્ટેલમાં દાખલ કરી દીધી.
લલિત અને મેઘનાની વચ્ચે પડેલી તિરાડએ હદે વધી ગઈ હતી કે.. બન્ને એક છત નીચે રહેતાં હોવા છતાં એકબીજા વિષે માત્ર એટલું જ જાણતા હતા કે જીવિત છે.
મેઘનાના જિંદગાનીમાં બધું જ છિન્ન ભિન્ન, અસ્તવ્યસ્ત થઈને તારાજ થઇ ગયું હતું.
તેની યાદશક્તિ એટલી શ્રીણ થઇ ગઈ હતી કે સમયનીની સાથે બધું જ સ્મૃતિભ્રંશ થઇ ગયું હતું. યાદ હતું તો દાઝી ગયેલાં ડામ જેવું એક નામ...રાજન.
વિલ્સન કોલેજના ફર્સ્ટ યરના ધ મોસ્ટ હેન્ડસમ એન.આ.રઆઈ. સ્ટુડન્ટ સોહમને રેગીંગ માટે ટાસ્ક આપવામાં આવ્યો હતો કે કેમ્પસના ગાર્ડનમાં સામેના બાંકડે ચશ્માંધારી, સ્કર્ટ અને ટોપ પહેરીને એકલી બેસેલી સેક્સી છોકરીને ગુલાબ આપીને પ્રપોઝ કરવાની એક્ટિંગ કરવાની છે.
‘હેય.. ગાય્સ આ તો મારી લેફ્ટની ગેમ છે. જસ્ટ વોચ.’ બોલતા સોહમ આવ્યો ગાર્ડન તરફ.
ટીપીકલ હિન્દી ફિલ્મના હીરોલોગની હુબહુ નકલ કરતાં સોહમ, પેલી યુવતી પાસે આવી ઘૂંટણીયે બેસીને તેની સામે ગુલાબ ધરતાં બોલ્યો,’
‘હેય.. બેબ, ક્યા તુમ મેરે દિલ કી રાની બનોગી. ?
એક સેકન્ડ યુવતી એ જોયા પછી હજુ સોહમ કંઈ વિચારે એ પહેલાં યુવતીએ સોહમના ડાબા ગાલ પર ઊંધાં હાથનો એક એવો સણસણતો તમાચો ચોડી દીધો કે બે પાંચ સેકન્ડ સુધી તો સોહમને ચક્કર સાથે તમ્મર આવી ગયા.
પછી ચપટી વગાડતાં સોહમની સામે જોઇને બોલી,
‘લીસન.. ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિગ આજ પછી ફરી મારી સાથે આવી ચીપગીરી કરી છે ને તો એવી હાલત કરીશ કે તારી મા ને તને પેદા કરવા પર અફસોસ થશે.
અન્ડરસ્ટેન્ડ ? આઈ હોપ યુ બેટર અન્ડરસ્ટેન્ડ.
‘અંતરા નાણાવટી નામ છે મારું યાદ રાખજે.’
-વધુ આવતાં અંકે.
© વિજય રાવલ
'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484