ચેપ્ટર - 12
"આખરે સંબલગઢ જો કર્ણાટક બાજુ આવેલું હોય તો ત્યાં ના યુવરાજ શુદ્ધોદન ની કબર રાજસ્થાનના રણમાં શું કામ આવેલી છે? એ ક્યાં જઇ રહ્યા હતા?"
આ એ પ્રશ્ન હતો જે વિક્રમ અને રેશ્મા બંને ના મગજમાં ફરી રહ્યો હતો. ગજનેરના એક ગેસ્ટહાઉસ માં એ બંને બેઠા હતા. રણમાં થયેલા ભયાનક અને જાનલેવા અનુભવ પછી પણ બંને એ સાથે મળીને સંબલગઢ શોધવાનું નક્કી કર્યું. કારણ કે હવે આટલી મુસીબત વેઠ્યા પછી જો એ બેય પાછળ હટી જાય તો અત્યાર સુધીની બધી જ મહેનત પર પાણી ફરી વળે. એટલે આગળ જે થશે એ જોયું જશે એમ વિચારીને બંને એ આગળ જવાનો ફેંસલો કર્યો. અને અત્યારે આગળના પ્લાન પર ચર્ચા વિચારણા ચાલુ હતી.
"વિક્રમ," રેશ્માએ વિક્રમને કહ્યું, "આપણે સંબલગઢ શોધવાનું નક્કી તો કર્યું છે.. પણ આપણે એ કરીશું કઇ રીતે?"
"મતલબ? મને કંઇ સમજાણું નહી?"
"આપણી પાસે ત્યાં જવાનો નકશો તો છે જ નહીં. એ તો વિજય સાથે યુવરાજ શુદ્ધોદનની કબરમાં જ રહી ગયો. હવે આપણે દક્ષિણ ભારતમાં ચોક્કસ કઇ જગ્યાએ જવાનું છે એ કઇ રીતે ખબર પડશે?"
એના પ્રશ્નનો જવાબ આપવાને બદલે વિક્રમ એની સામે જોઇને સ્મિત કરવા લાગ્યો. એનું સ્મિત જોઇને રેશ્માને કંઇ સમજાણું નઇ. એણે વિક્રમને પુછ્યું, "શું.. મે કંઇ ખોટું કીધું?" વિક્રમ હજી માત્ર મુસ્કુરાઇ રહ્યો હતો. એની મુસ્કુરાહટનું કારણ રેશ્માને ન સમજાતા રેશ્માએ અકળાતા કહ્યું, "વિક્રમ તારા મગજમાં કંઇ ચાલતું હોય તો મને કહી દે.. આમ સ્માઇલ ન કર."
વિક્રમે કહ્યું, "તને યાદ છે કોલેજમાં બધા લોકો મારી મેમરી વિશે શું કહેતા હતા?"
"હેં..!"
"કોલેજમાં મારી મેમરી વિશે બધા શું કહેતા હતા એ યાદ કર.."
રેશ્મા મગજ પર જોર આપીને યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગી. થોડા પ્રયાસ પછી એને યાદ આવી જતા એ બોલી, "હા.. તારી મેમરી બોવ શાર્પ અને ફોટોગ્રાફીક ટાઇપ હતી. તું એકવાર જે વસ્તુ ધ્યાનથી જોઇલે એ તારા મગજ પર ફોટાની જેમ છપાઇ જાય છે. એટલે જ તો તારે એક્ઝામમાં 98% આવ્યા હતા."
"વાહ.. તને તો બરોબર યાદ છે.." વિક્રમે પ્રશંસાભર અવાજમાં કહ્યું.
"હા પણ તું અત્યારે એ કેમ પુછી રહ્યો છે?"
"તું વિચાર.." કહીને વિક્રમ ફરી એની સામે જોઇને સ્માઇલ કરવા લાગ્યો. રેશ્માને વિક્રમનું આમ પહેલીઓ બનાવવી જરાય ગમતી ન હતી. એક તો પહેલાં જ કેટલા પ્રશ્નો સામે ઉભા છે જેના જવાબો નથી મળતા અને આને રમત સૂઝે છે. પણ છતાંય એને વિક્રમના કહવાનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. અચાનક એને લાઇટ થઇ. એણે વિક્રમને ધીરેથી કહ્યું, "હવે એમ ના કહેતો કે તને આખો નકશો મોઢે યાદ છે."
જવાબમાં વિક્રમે સ્માઇલ સાથે પોતાનો કોલર ઉંચો કર્યો. અને પછી એ રૂમના એક ખુણામાં પડેલા ટેબલ પર ગયો. રેશ્મા મનોમન એની યાદશક્તિ ની પ્રશંસા કરવા લાગી. એના મોઢા પર પ્રશંસાસુચક સ્મિત આવી ગયું.
એટલામાં વિક્રમે એને ટેબલ પાસે બોલાવી. વિક્રમના હાથમાં એક બ્લુ બોલપેન હતી. અને ટેબલ પર એક કાગળ પડ્યો હતો. રેશ્માએ જઇને જોયું તો વિક્રમ એ કાગળ પર પેન વડે કંઇક આડી અવળી લાઇનો બનાવી રહ્યો હતો. વિક્રમે થોડીવાર કાગળ પર પેન દોડાવ્યા પછી એણે એ કાગળ રેશ્મા ના હાથમાં થમાવ્યો. રેશ્મા એક નજરે એ કાગળનું અવલોકન કરવા માંડી. વિક્રમે એ કાગળ ઉપર યુવરાજની કબરમાં જોયેલો આખો નકશો ઉતાર્યો હતો.
નકશો જોઇને રેશ્માની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. એ નકશો આબેહૂબ ઓરિજિનલ જ લાગતો હતો. ઘડીભર તો રેશ્માને વિક્રમની યાદશક્તિ માટે માન ઉપજી આવ્યું. એણે વિક્રમ સામે જોઇને કહ્યું, "વાહ્, માનવી પડે હો તારી યાદદાશ્તને. એકદમ ઓરિજિનલ જેવો જ છે. પણ એક વાત તો છે. આવો નકશો તો હું ચોથા ધોરણમાં ભણતી ત્યારે બનાવી લેતી." રેશ્માએ મજાક કરતા કહ્યું.
"તો માત્ર એક કાગળ અને પેન સાથે તું કંઇ રંગબેરંગી નકશાની આશા થોડી રાખી શકે છે.?"
"હાં... હાં.. એ તો ખબર છે. પણ તારી કાબિલીયત ખરેખર જોરદાર છે." રેશ્માએ કહ્યું.
રેશ્મા તરફથી પોતાના વખાણ સાંભળીને વિક્રમને આનંદ થયો. એણે નકશા પર આંગળી કરીને રેશ્માને કહ્યું, "આ સૌથી નીચે જે સુર્ય જેવું નિશાન છે એ સંબલગઢ છે. સંબલગઢનું શાહી ચિહ્ન. એની ઉપર આ આડી લીટી કાલી નદી છે જે કર્ણાટકમાં આવેલી છે. ગોવાની સરહદથી થોડે જ દૂર એ દરીયામાં ભળે છે. એની દક્ષિણ તરફ સંબલગઢ આવેલું છે."
"તને કેમ ખબર કે આ નદી કાલી નદી જ છે?"
"એ નકશામાં જ લખ્યું હતું."
"ઓ.કે."
"મતલબ એક વાત તો સાફ છે."
"કઇ વાત?"
"સંબલગઢ પશ્ચિમઘાટ નાં જંગલોમાં આવેલું છે. અને ત્યાંથી જે આ કાળી લીટી ઉપર ઉત્તર તરફ આગળ વધી રહી છે એ જ રસ્તા પર કદાચ યુવરાજ પોતાની મંજીલ તરફ જઇ રહ્યા હતા. અને વચ્ચે આ અલગ અલગ નદીઓ દર્શાવી છે. અને આ વચ્ચના ભાગમાં બે લગભગ આડી રેખાઓ નર્મદા નદી અને તાપી નદી હોય એવું લાગે છે."
"અને એની ઉપરનો આ ભાગ જે 'મરૂસ્થળી' તરીકે બતાવ્યો છે એ રાજસ્થાનનુ રણ છે. પ્રાચીન કાળમાં રેગિસ્તાનને મરૂસ્થળી કહેવાતું હતું. આ વિસ્તારમાં જ યુવરાજ શુદ્ધોદનની કબર છે." વિક્રમે કહ્યું.
રેશ્માએ ધ્યાનથી નકશાની ઉપર તરફ જોયું. એનું ધ્યાન એ ટપકાં પર ગયું જ્યાં યુવરાજના સફરનો અંત આવતો હતો. એની આજુબાજુ ઘણી લીટીઓ દર્શાવી હતી. જેનો મતલબ ત્યાં વધારે નદીઓ હતી. એક મોટી નદી જે પુર્વ માંથી નીકળીને પશ્ચિમ તરફ આગળ વધતી હતી અને ત્યાં થી વળાંક લઇને દક્ષિણ તરફ જઇ રહી હતી. અને બીજી કેટલીક નદીઓ આવીને એ નદીને મળી રહી હતી. રેશ્માએ એ નદીઓ ગણી. ટોટલ પાંચ નદીઓ હતી. પાંચ નદીઓ જે ભેગી થઇને એક પ્રવાહ રૂપે છઠ્ઠી નદીને મળે છે. આ બધું રેશ્માને કશુંક જાણીતું લાગ્યું. એણે મગજ પર જોર નાખ્યું. અચાનક એને યાદ આવ્યું. પાંચ નદીઓ જે છઠ્ઠી નદીને મળે છે. આ તો એ જ છે. એણે વિક્રમને કહ્યું, " વિક્રમ, આ ઉત્તરમાં આ નદીઓ જે છે એ.."
" હા... એ સિંધુ નદી તંત્ર છે." વિક્રમે કહ્યું, " આ સૌથી મોટી અને ઉપરથી નીચે આવતી નદી સિંધુ નદી છે. અને એને મળતી આ પાંચ નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ નદીઓ છે. આનો અર્થ એ થયો કે યુવરાજ જે જગ્યાએ જઇ રહ્યા હતા એ જગ્યા સિંધુ નદીના કિનારે આવેલી છે. અથવા તો હતી."
" વિક્રમ, ઇતિહાસ પ્રમાણે આ કાલી નદીની દક્ષિણના ભાગમાં કયા રાજ્યનું શાસન રહ્યું હશે.?"
" કહેવું અઘરું છે. ઘણા રાજાઓનું રાજ હતું આ ભાગમાં. મોર્ય સામ્રાજ્ય, અને એમની સાથે સંગમ યુગ જેમાં ચેરવંશ, ચોલવંશ અને પાંડ્ય વંશના રાજાઓ સાથે મળીને રાજ કરતા, એ પછી પલ્લવ વંશ, કદંબ સામ્રાજ્ય, હોયસલા રાજ્ય, વગેરે વગેરે.. પણ સંબલગઢના સમયગાળા ની સૌથી નજીક સંગમયુગ હતો પણ એ સમયના ગ્રંથમાં ક્યાંય સંબલગઢનો ઉલ્લેખ નથી. પણ મારા પિતાનું માનવું હતું કે સંબલગઢ ઇસા પુર્વ 280 થી ઇસા પુર્વ 60 ના સમયગાળામાં વિલુપ્ત થયું હશે. લગભગ એ સમયમાં આ આખો વિસ્તાર જંગલોથી ઘેરાએલો હશે. એટલે કોઇ રાજાએ આ ભાગમાં આવવાનો પ્રયાસ નહીં કર્યો હોય. કદાચ કદંબ વંશના રાજાઓએ આ ભાગમાં પોતાનું રાજ્યનો વિસ્તાર કર્યો હશે. "
આખી વાત રેશ્માને ગળે ઉતરી ગઇ. પણ હજી એ યુવરાજની મંજીલ ક્યા હતી એજ વિચારી રહી હતી. " આખરે તમે ક્યાં જઇ રહ્યા હતા યુવરાજ શુદ્ધોદન? " નકશા તરફ નજર કરીને રેશ્મા જાણે પોતાને જ પ્રશ્ન કરતી હોય એમ એ બોલી.
વિક્રમ પોતાના જ વિચારોમાં ડુબેલો હતો. અચાનક એને કંઇક યાદ આવતા એના હોઠો પરથી ફિક્કું હાસ્ય નીકળી ગયું. રેશ્માની નજર એના પર ગઇ. એના હોઠો પર સ્મિત હતું પણ આંખો થોડી ભીની થઇ ગઇ હતી. જાણે એને દુઃખ થઇ રહ્યું હતું કે પછી અફસોસ થઇ રહ્યો હોય એવું લાગતું હતું. રેશ્માને એને પુછ્યું, "શું થયું?"
"કંઇ નહીં.." વિક્રમે કહ્યું,"મને આ યુવરાજ શુદ્ધોદન માટે ખુબ અફસોસ થઇ રહ્યો છે."
"કેમ?"
" કોઇક એવું મહત્વનું કામ જેના માટે એ પોતાનું ઘર છોડીને આખુ ભારત ચીરીને એની મંજીલ સુધી જવા માટે નીકળ્યા હતા. પણ રસ્તામાં જ એમનું મૃત્યુ થઇ ગયું. ન તો એ પોતાનું ધ્યેય પૂરૂં પાડી શક્યા કે ન તો ફરી પાછા પોતાના ઘરે જઇ શક્યા. કેવું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ હશે એમનુ? ખબર નહીં એમની આત્માને શાંતિ કઇ રીતે મળી હશે? એ જ્યારે મર્યા ત્યારે એમની એમના પરિવારમાંથી કોઇ ન હતું..., " પછી આગળ બોલતી વખતે વિક્રમના હૃદયમાંથી એક ટીસ ઉઠી.એની આંખોમાંથી આંસુ ટપક્યા એ સાથે જ અએના ગળે ડૂમો ભરાઈ ગયો.. પછી ભીના અને ઉદાસીભર્યા ભારે અવાજે એ બોલ્યો,"અને જ્યારે એના પરીવાર વાળા મર્યા હશે ત્યારે એ એમની સાથે ન હતા." આટલું બોલીને વિક્રમ રેશ્મા તરફ પીઠ ફેરવીને ઉભો રહી ગયો. એના માટે આ વાક્ય ઉચ્ચારવું ખુબ જ પીડાદાયક હતું. ભૂતકાળના ઘાવો ફરી હળવા તાજા થવા લાગ્યા હતા. જે વાત વિક્રમ ભૂલવા માગતો હતો એ જ એની સામે આવીને ઉભી રહી ગઇ.એણે પોતાની આંખોમાં આવેલા આંસુ લુછ્યા. અને બારી બહાર નજર નાખીને ઉભો રહી ગયો. અને સાથે ભુતકાળમાં સરી પડ્યો.
રેશ્મા એને આવી રીતે જોવા માંગતી ન હતી. તે વિક્રમની પીડા સમજી શકતી હતી. પણ એ સાથે એને એ પણ ખબર હતી કે વિક્રમ પોતાને દોષ આપીને જાણી જોઈને પીડાને આમંત્રણ આપી રહ્યો છે. જે કંઇ પણ થયું હતું એમા વિક્રમનો કોઇ વાંક ન હતો. એને વિક્રમના ખભા પર હાથ રાખીને સહાનુભૂતિ અને પ્રેમ ભર્યા મીઠા અવાજે કહ્યું," વિક્રમ હું સમજુ છું તારી પીડા. પણ જે કંઇ ઘટ્યું એમાં તારો કંઇ જ વાક ન હતો."
" અત્યાર સુધી હું પણ મારી જાતને એ જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ ખબર નહીં કેમ અપરાધ ભાવ ઓછો થતો જ નથી." વિક્રમે ભીની આંખે કહ્યું. થોડો સ્વસ્થ થઇને એણે કહ્યું, " બે મિનિટ હું જરા હમણા આવ્યો.. " કહીને એ રૂમના દરવાજાની બહાર નીકળી ગયો. રેશ્માએ એને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો. પણ એ નીકળી ગયો. રેશ્માને એના માટે દુઃખ હતું. અએ ઇચ્છતી હતી કે એ વિક્રમ સાથે વાત કરીને એનું દુઃખ હળવું કરી શકે. પણ વિક્રમે એ ચાન્સ ન આપ્યો. નક્કી અત્યારે એ બહાર જઇને સિગારેટ પીશે. પણ કદાચ એનાથી એનો મગજ ઠંડો થઇ જશે. એ વિચારે રેશ્માએ એને જવા દીધો. થોડા સમયમાં વિક્રમ પાછો આવી જશે. અત્યારે હવે રેશ્મા અહીંથી આગળ ક્યાં જવું અને કઇ કઇ તૈયારીઓ કરવાની છે એ વિશે વિક્રમ સાથે ચર્ચા કરવા માંગતી હતી. પણ હવે તો વિક્રમનો મગજ શાંત થાય પછી જ એ વાત થશે. રેશ્માએ પથારી પર લંબાવ્યું આજના લાંબા, થકાનભર્યા અને મૃત્યુને ઓવરટેક કર્યા પછી એ ખૂબ જ થાકી ગઇ હતી. પથારીમાં પડતાંભેર થોડીવારમાં જ એની આંખ લાગી ગઇ.
* * * * *
રેશ્માની ઊંઘ ઉડી. એણે ધીમેથી આંખો ખોલીને જોયું તો બારી બહારથી સુર્યપ્રકાશ રૂમની અંદર પથરાઇ રહ્યો હતો. સવાર થઇ ગઇ હતી. એણે પલંગની ડાબી બાજુ રાખેલા ટેબલ પર પડેલી ઘડિયાળ તરફ નજર કરી. સાતને પંદર થઇ હતી. રેશ્મા આળસ મરડીને પથારીમાં બેઠી થઇ. પણ જ્યારે એની નજર સામે તરફ ગઇ ત્યારે એ એક ઝટકે નીંદર માંથી બહાર આવી ગઇ.
પલંગની સામેની બાજુમાં એક સોફો રાખેલો હતો જેમાં વિક્રમ ડાબા પગ પર જમણો પણ ચડાવીને બેઠો બેઠો છાપું વાંચી રહ્યો હતો. એણે વાઇટ પોલો ટીશર્ટ અને બ્લેક ડેનિમ જીન્સ પહેર્યું હતું. એમાં એ ખુબ જ સોહામણો લાગી રહ્યો હતો. રેશ્માની નજર એના પર ચોંટી ગઇ. જે પુરુષને એ હંમેશાથી પ્રેમ કરતી આવી હતી એ આજે એની સામે બેઠો છે. પણ સાથે નથી. જુદા પડ્યા પહેલા બંને સાથે કેટલા ખૂશ હતા. જુના દિવસોની યાદ આવતા એનું મન ભરાઇ આવ્યું. પછી ગઇ કાલ રાતની વાત યાદ આવતા એણે વિક્રમને સાદ કર્યો, "વિક્રમ, ગુડ મોર્નિંગ.."
વિક્રમે છાપામાંથી નજર ઉપાડીને જોયું. રેશ્મા સ્મિતભર્યો ચહેરા સાથે એની સામે જોઇને એને ગુડ મોર્નિંગ કહી રહી હતી. સામે વિક્રમે પણ છાપું સંકેલીને બાજુમાં મુકતા કહ્યું, " ગુડ મોર્નીંગ, તું ઊઠી ગઇ એ સરસ.. ચાલ હવે તું ફ્રેશ થઇ જા. મે હમણાં નાસ્તો મંગાવ્યો છે એ આવતો જ હશે. નાસ્તો કરીને આપણે આગળ શું કરવું છે એની પ્લાનિંગ કરવાની છે."
રેશ્માને એના અવાજ પરથી લાગ્યું કે કાલ રાતનો એનો જે મૂડ હતો એ હવે શાંત થઇ ગયો છે. એટલે હવે એની સાથે કાલ રાત વિશે વાત કરવાની કંઇ જરૂર લાગતી નથી. એટલે રેશ્મા ફ્રેશ થવા માટે બાથરૂમમાં ચાલી ગઇ.
રેશ્મા તૈયાર થઇને બહાર આવી ત્યારે વિક્રમે નાસ્તો ટેબલ પર સજાવી દીધો હતો. નાસ્તામાં એણે ચા અને સેન્ડવીચ મંગાવી હતી. વિક્રમ અને રેશ્માએ નાસ્તો શરૂ કરતો. વિક્રમ સેન્ડવીચ ખાવા જતો હતો ત્યાં જ તેને અચાનક કંઇક યાદ આવતા એણે રેશ્માને પુછ્યું, " રેશ્મા એક પ્રશ્નનો જવાબ આપીશ?"
" આ પ્રોફેસર પોતાની બધી જ શોધખોળનો ખર્ચ પોતે કરતા કે કોઇ એમને ફંડ પુરૂ પાડતા હતા?"
વિક્રમનો સવાલ સાંભળીને રેશ્મા ના હાથમાં સેન્ડવીચ એમની એમ જ રહી ગઇ. રેશ્મા ને જવાબ તો ખબર હતી પણ એ જવાબ વિક્રમને ગમશે કે નહીં એ એને ખબર ન હતી. છતા એણે કહી દીધું,"વિક્રમ, એક શખ્સ હતો જે એમને પૈસા પુરા પાડતો હતો. "
" કોણ ? "
એક ઊંડો શ્વાસ લઇને અચકાતા સ્વરે રેશ્મા બોલી, " વિજયના પિતાજી.."
(ક્રમશઃ)
* * * * *