Dhandha ma partner rakhva nahi? books and stories free download online pdf in Gujarati

ધંધામાં પાર્ટનર રાખવા નહીં?

ધંધામાં પાર્ટનર રાખવા નહીં?
પાર્ટનર એટલે જે તમારા કામ, નામ અને અંજામ ને તમારી સાથે શેયર કરે, તમારી ધંધાકીય પ્રવૃત્તિમાં ભાગ આપે અને ભાગ લે. આપણને શીખવાડવામાં આવે છે કે બેટા ધંધામાં પાર્ટનર બનાવવા નહીં, નહીંતર જોખમ વધી જશે, કાલે ઉઠીને મતભેદ થાય તો છુટા થવું પડે, મનદુખ થાય અને મેહનત એળે જાય. જે સાચું જ છે પણ પાર્ટનર રાખવાના ફાયદાની વાત ખૂબ ઓછા લોકો કરતા હોય છે, આજે આપણે આજે અલાયદી વાત કરીએ, નક્કી તમે કરજો કે તમને શું કરવું છે.

ફાયદો #1
ધંધો એટલે રિસ્ક, સાહસ અને જવાબદારી. આપણે જેમ જીવનની જવાબદારી વહેંચવા લાઈફ પાર્ટનર શોધીએ છીએ કે શોધીને બનાવીએ છીએ તેમ ધંધામાં પણ એવો કોઈ મળે તો મજા છે, કે જેથી બધું એક વ્યક્તિના માથે ન હોઈ ધંધાને પૂરતાં પ્રમાણમાં રોકાણ અને સમય મળી રહે. એક વ્યક્તિ ફાઇનાન્સ, માર્કેટિંગ, પ્રોડકશન, ઓપરેશનમાં કુશળ હોય એ જરૂરી નથી, એટલે એકથી વધુ લોકો ધંધામાં વિવિધ વિભાગ સાંભળે તો ધંધો ટકે અને વિકસે એની શક્યતાઓ વધી જાય છે.

ફાયદો #2
ધંધો રોજ નવી પડકાર ફેંકે છે, ત્યારે ઘણી વખત ખોટા નિર્ણયો ધંધાને ડુબાડી દે અથવા નુકસાન કરે, જ્યારે ધધમાં પાર્ટનર હોય ત્યારે એક નિર્ણય એકથી વધુ વ્યક્તિઓ સહમતીથી લેતા હોય છે, શક્ય છે કે એ નિર્ણય પણ ખોટા પડે પણ એમાં વ્યક્તિગત રીતે આઘાત ઓછો લાગે, જ્યારે નિર્ણયો એક સંગઠિત વિચારથી કરવામાં આવે તો ખોટા પડવાની શક્યતાઓ પણ ઓછી થતી જાય છે. વૈજ્ઞાનિક અને સામાજિક રીતે એકથી વધુ પાર્ટનર બે જુદા દૃષ્ટિકોણ સાથે કામ કરે છે, એટલે પડકારની દરેક બાજુ વિચારીને પછી નિર્ણય લેવાય છે, ત્યારે એકલા અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાયા જેવું તો નહીં જ લાગે.

ફાયદો #3
એકથી વધુ વ્યક્તિ એટલે એકથી વધુ સંપર્કો ઉભા થવાની સંભાવના, એકથી વધુ ચાવીઓ જે એકથી વધુ તકનાં તાળા ખોલી આપે, સંપર્કો કે જે ધંધાને ટૂંકા ગાળે કે લાંબા ગાળે લાભ આપી શકે. એક વ્યક્તિ સારા કોન્ટ્રાકટર શોધી લાવે તો બીજો ક્લાયન્ટ લઈને આવે. એક ખર્ચા ઓછા કરવાની આવડત ધરાવે તો બીજા આવક વધારવાનું કૌશલ ધરાવે. એક નમી શકે તો બીજો ખમી શકે, એક ફ્રન્ટ ફેસ એક બેક એન્ડ હોય. ટૂંકમાં એકથી વધુ લોકોનું કૌશલ મળવાથી ધંધાને ટેકો મળે.

ફાયદો #4
ધંધામાં રોકાણકાર કે ગ્રાહક, બેઉ મહત્વનાં હોય છે, તેઓ એવા ધંધાને પ્રાથમિકતા આપે છે જેઓ એકથી વધુ જવાબદાર વ્યક્તિ સાંભળી રહ્યા હોય. કોઈપણ સ્ટાર્ટઅપ જ્યારે એક જ વ્યક્તિ ચલાવવાની તૈયારી બતાવે ત્યારે ઇન્વેસ્ટર મળવા ખુબજ મુશ્કેલ છે, કારણ કે ત્યાં રોકાણકાર વિચારે કે એક વ્યક્તિ કેટલે ધંધાને લઈ જશે? ગ્રાહક માટે પણ જ્યારે સંપર્ક કરવા એકથી વધુ લોકો મળે તો એમને અસંતોષ મળવાની શક્યતાઓ ઘટે. વ્યક્તિગત કે સામાજિક કારણસર એક વ્યક્તિ ગેરહાજર હોય તો ધંધો અટકવો જોઈએ નહીં.

ફાયદો #5
નિરાશા દરેક ધંધાનું અભિન્ન અંગ છે, આવે જ. ત્યારે લાગે કે બધું સંકેલી લઈએ, નવું કૈંક કરીએ, ફરી શરૂ કરીએ. ત્યારે તમને એક વ્યક્તિ એવી જોઈએ જે ધંધાની નિષફળતાને જુદી નજરે જોતી હોય. એક એવી વ્યક્તિ જે તમને કહી શકે કે આ એક વ્યક્તિની ભૂલ નથી, સંગઠિત નિર્ણયો છે જે નિષફળ ગયા, અને ધીરજ રાખીએ, ફરી વિચારીએ, ફરી ઉભા થવા પ્રયત્ન કરીએ.

પાર્ટનર ફેકટરીમાં બનતાં નથી, નજરને મગજના કેમેરા સાથે જોડી, સમજની લેન્સથી આપણી આજુ બાજુ શોધખોળ કરવી પડે, તો જાણીએ પાર્ટનર કોણ અને કેવા હોઈ શકે?

લાયકાત #1
પાર્ટનર લેવા માટે ઈમોશનલ અને લોજીકલ બે વિચાર એક સરખા એક માત્રામાં ચાલે છે. ઈમોશનલ વિચાર પાર્ટનરને નજીકના સંબંધોમાં શોધે છે અને પ્રેક્ટિકલ વિચાર પાર્ટનરને કૌશલમાં શોધે છે. એક વાત સ્પષ્ટ કરી લઈએ કે પાર્ટનર એવા હોવા જોઈએ કે જે પૂરક હોય. એટલે જે આપણામાં નથી એ એનામાં હોવું જોઈએ, ત્યારે જ ધંધાને ટેકો મળશે. જો વિચાર, વાણી અને વર્તન એકજ સરખું ભેગું થાય તો ધંધાને કોઈ બહોળો લાભ થવાની શક્યતાઓ નથી.

લાયકાત #2
મતભેદ ઉભા થવા ખુબજ સામાન્ય બાબત છે, થવા જ જોઈએ અને ત્યારે જ એ પાર્ટનર ગણાય, નહીં તો પાર્ટનર મટી એ સમર્થક જ રહે. મનભેદ ટાળવા આવશ્યક છે, એ ટાળવા પરસ્પર વિશ્વાસનો પારો ઊંચો જવો જોઈએ. એક વ્યક્તિ એક બાબતે ખુબજ અનુભવી છે, તો બીજાએ એને આગળ જવા સહકાર આપવાથી જ ધંધાને એ અનુભવનો લાભ મળે. ઠરેલ માણસ સારા પાર્ટનર બને છે. જલ્દી ગુસ્સો કરતો માણસ પાર્ટનર બનવા માટે યોગ્ય નથી.

લાયકાત #3
પૈસા લઈને પાર્ટનર બનાવી શકાય પણ એ ફક્ત પૈસા લેવા અને આપવા પૂરતું મર્યાદિત સબંધ ન બને જ્યાં પૈસા આપનારને ધંધા માંથી નફો કમાવવાની અપેક્ષા માત્ર હોય. અહીં આપણે ધંધાને ચલાવવા પાર્ટનર તો જોઈએ જ કે જે પૈસા ઉપરાંત ધંધામાં પોતાની આવડત અને અનુભવના જોર પર આગળ વધી શકે અને શામેલ દરેક વ્યક્તિને એનો લાભ મળે. સાથેજ વધુ રોકાણ લાઈ શકે એવા પાર્ટનર શ્રેષ્ઠ ગણાય.

લાયકાત #4
પાર્ટનર તમારા અને ધંધામાં પૂરતો વિશ્વાસ ધરાવતો હોવો જોઈએ. સાથે કામ કરતા સહકર્મીઓ, મિત્રો, સંબંધી કે કોઈપણ એવી વ્યક્તિ જેણે તમારી સાથે ઘણો સમય વિતાવ્યો હોય એવી વ્યક્તિ પાર્ટનર બની શકે. ધર્મપત્ની કે પતિદેવ પણ ધંધામાં પાર્ટનર બની શકે પણ એ ટાળી શકાય કારણ કે કોઈપણ સામાજિક કાર્યમાં બેઉ એકસાથે અટકે તો ધંધાને એકની જગ્યાએ બે જણની એકસાથે ખોટ પડે.

લાયકાત #5
કોઈ એક ક્ષેત્રમાં કુશળ અને અનુભવી વ્યક્તિ કે જે ધંધાની એક બાજુ મજબૂત કરી શકે એવી વ્યક્તિને પાર્ટનર બનાવવાની ઘેલછા બહુ થતી હોય છે, પણ ત્યાં તાલમેલ કે ટ્યુનિંગની ઉણપનાં લીધે મતભેદ ન થાય એ સાચવવું જરૂરી છે. કુશળ અને અનુભવી લોકોને પાર્ટનર બનાવવા લોઢાના ચણા ચાવવા જેવું કામ છે, દાંત પણ સાચવવા, પાચન કરવું અને પૂરતી માત્રામાં પોષણ પણ મેળવવું. દાંત મજબૂત રાખવા.

પાર્ટનર રાખીને લોકો ધંધામાં સફળ થયા છે ખરા?
ચોક્કસ થયા છે, આ રહ્યાં ઉદાહરણ કે જ્યાં લોકોએ પોતે પાર્ટનર સાથે બહોળી સફળતા મેળવી છે.

ઉદાહરણ #1
ફ્લિપકાર્ટમાં બે મુખ્ય પાર્ટનર બિન્ની બંસલ અને સચિન બંસલ હતાં , તેઓ એમેઝોનમાં સહકર્મીઓ હતા, ભારતની સૌથી મોટી ઇકોમર્સ કંપની બનાવી, સાથે જ લોજીસ્ટિક કંપની ઇકાર્ટ અને પેમેન્ટ એપ ફોનપે બનાવી, 2018 માં તેઓએ 24.9 બિલીએન ડોલરમાં ફ્લિપકાર્ટ ઓનલાઈન કંપની વોલમાર્ટને વેચી. ભારતનાં સૌથી મોટા મર્જરમાં આ સોદો સ્વર્ણ અક્ષરે લખાઈ ગયો.

ઉદાહરણ #2
ઇન્ફોસીસ ભારતની પ્રખ્યાત સોફ્ટવેર કંપની છે જે ભારત અને વિદેશોમાં એમનો કારોબાર કરે છે, ખુબજ મોટા બેંક, ઇનશોરેન્સ અને ફાઇનાન્સ કંપનીઓ એમના ક્લાયન્ટ છે. આ કંપની શરૂ કરનાર 4 પાર્ટનર હતાં , શ્રી નારાયણ મૂર્તિ, શ્રી નંદન નિલેકાણી, શ્રી એસ .ડી શિબુલાલ અને શ્રી ક્રિસ ગોપાલકૃષ્ણન. ઇન્ફોસિસ લાખો કર્મચારીઓ અને કન્સલ્ટન્ટને રોજગાર આપે છે.

પાર્ટનરશીપમાં એક વાત સ્પષ્ટ હોય છે, ઘણું મેળવવા થોડું જતું કરવું પડે. બાકી હવે તમે નક્કી કરજો કે પાર્ટનરશીપ કરવી કે નહીં. અને તમે પાર્ટનર હોવ તો તમારા અનુભવો ચોક્કસ લખજો.

- મહેન્દ્ર શર્મા 20.11.2020

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED