સંબંધ – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સંબંધ – દિવ્યેશ ત્રિવેદી

કોમિલાની નોકરીનો આજે હજુ ચોથો દિવસ હતો. એ ખાસ કશું બોલતી નહોતી. બાકીના કાઉન્ટર પરની બીજી છોકરીઓ કંઈક ને કંઈક સતત બોલતી રહેતી હતી. ક્યારેક કોમિલા એમની સામે જોઈને હસી લેતી. બાકીનો બધો જ સમય એ કાં તો દરવાજામાંથી બહાર જોયા કરતી અથવા કાઉન્ટર પરની બિસ્કિટ અને ચોકલેટની બરણીઓ જોયા કરતી. એનું કાઉન્ટર બિસ્કિટ, કન્ફેક્શનરી, બેકરી આઈટમ અને ફૂડ પેકેટસનું હતું. કોઈ ગ્રાહક આવે અને જે કંઈ વસ્તુ માગે તે ફટાફટ આપી દેતી. દરેક ચીજ પર એના ભાવ લખેલા હોવાથી રકઝક કે માથાકૂટ કરવાનો સવાલ નહોતો.

આમ તો નેવિલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ હજુ બે મહિના પહેલાં જ થયો હતો. પરંતુ ગોવાના મુખ્ય શહેર પણજીના મેઈન બજારમાં હોવાથી સ્ટોર્સમાં ઠીક ઠીક ચહલપહલ રહેતી હતી. છતાં ગોવા તો સહેલાણીઓ અને પ્રવાસીઓનું ધામ એટલે ઓફ સિઝનમાં બધું જ શાંત શાંત લાગે. બપોરે તો જૂજ ગ્રાહકો આવે કોમિલાની બાજુમાં ટોઈલેટરીનું કાઉન્ટર હતું. એ કાઉન્ટર પર બેસતી રૂબીને એક પણ મિનિટ બોલ્યા વિના ચાલતું નહોતું. એ કોઈકની ને કોઈકની સાથે વાતો કર્યા જ કરતી હોય. કોઈ વાત કરનારું ન મળે તો કંઈક એકલી એકલી પણ બોલ્યા વિના ન રહે. કોમિલાને હજુ આજે ચોથો દિવસ હતો. એ બહુ બોલતી નહોતી એથી રૂબીને બહુ અકળામણ થતી હતી. કોમિલા બેઠી બેઠી કાચના દરવાજાની બહાર જોયા કરતી હતી. રૂબી એને શબ્દોથી ઢંઢોળવા માંડી, “તું ક્યાં ખોવાઈ જાય છે? તારાથી બોલ્યા વિના કેવી રીતે બેસી રહેવાય છે? મને તો ગૂંગળામણ થાય જો હું ના બોલું તો!”

કોમિલાએ કંઈ જ જવાબ ન આપ્યો. એ માત્ર સહેજ હસી અને પછી ઊંડો શ્વાસ લઈને નીચું જોવા લાગી. ચાર દિવસમાં કોમિલાએ કોઈની સાથે ખાસ વાત કરી નહોતી. રૂબીને કોમિલા વિષે જાણવાની સ્ત્રી-સહજ જિજ્ઞાસા હતી. એણે વાતચીત ચલાવવાનો સારો એવો પ્રયત્ન કર્યો. પરંતુ કોમિલા ટૂંકમાં જવાબ આપીને મૌન થઈ જતી હતી. કોમિલા જેમ ઓછું બોલતી હતી એમ રૂબીને અકળામણ વધતી જતી હતી. પરંતુ આજે રૂબીએ નક્કી કર્યું હતું કે કોમિલાને છોડવી નથી.

સાંજે સાત વાગ્યે કોમિલા નીકળી. રૂબી એની સાથે સાથે જ નીકળી. રૂબીએ બહાર નીકળતાં કોમિલાને પૂછ્યું, “ તું ક્યાં રહે છે?” કોમિલાએ સહેજ ખચકાઈને જવાબ આપ્યો, “વાસ્કો…”

“તો તું અપ-ડાઉન કરે છે?”

કોમિલા કંઈ બોલી નહીં. રૂબી એની સાથે જ ચાલવા માંડી. બસ સ્ટેશન સુધીનો રસ્તો પંદરેક મિનિટનો હતો. રૂબીએ કોમિલાના મોંમાં એટલાં ઊંડા આંગળા નાંખ્યા કે કોમિલાને ના છૂટકે પણ બોલવું પડ્યું.

રૂબીને કોમિલા વિષે જાણવામાં કોઈ જ વિશિષ્ટ રસ નહોતો. માત્ર જાણવાની ખૂજલી હતી. એની એ ચળ સંતોષાઈ. બસ સ્ટેશન સુધી આખા રસ્તે એ કોમિલાને વાત કરાવતી ગઈ. બસ સ્ટેશને પહોંચ્યા પછી પણ બસને વાર હતી એટલે વાતો કરતી રહી.

કોમિલા મૂળ ગોવાનીઝ જ હતી. પરંતુ વર્ષોથી તેઓ મુંબઈ રહેતાં હતાં. એના પપ્પા વેસ્ટર્ન રેલવેમાં મોટરમેન હતા. એક નાનો ભાઈ હતો. મમ્મી કશું કામ કરતી નહોતી. કોમિલા ભણતી હતી. અચાનક એના પિતાનું હ્રદયરોગથી અવસાન થયું, હવે મુંબઈમાં રહેવાનું પોસાય તેમ નહોતું. કોમિલાના એક મામા વસ્કો દ ગામામાં રહેતા હતા. ખાધે-પીધે થોડા સુધી હતા. તેઓ કોમિલા અને એની મમ્મીને ગોવા લઈ આવ્યા. એમનું બે રૂમનું એક બીજું મકાન હતું. પિતાના પ્રોવિડન્ટ ફંડના થોડાક પૈસા હતા અને બીજું પેન્શન આવતું હતું. એમાંથી ઘર ચાલી શકે તેમ હતું. મકાનનું ભાડું આપવાનો પ્રશ્ન નહોતો. કોમિલા ૧૮ વર્ષની હતી. ભણવામાં બહુ સામાન્ય હતી. એટલી બધી દેખાવડી પણ નહોતી. એનો ભાઈ એનાથી ચાર વર્ષ નાનો હતો. પિતાના અવસાન પછી માતા ભાંગી પડી હતી. એથી જ કોમિલાને આગળ ભણવામાં રસ નહોતો. મામાએ જ એને પણજીના નેવિલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં નોકરી અપાવી હતી. મામાએ કહ્યું હતું કે થોડા સમય પછી વાસ્કોમાં જ કોઈક સારી નોકરી શોધી આપીશ.

કોમિલાની બસ આવી. એની બસ ઉપડી એ પછી જ રૂબી ગઈ. એ રસ્તામાં વિચારતી હતી કે કોમિલા દુઃખથી દબાઈ ગઈ છે. એટલે જ બહુ બોલતી નથી. ગરીબી અને આર્થિક ભીંસ પણ એને સતાવતી હશે. ભાવિ જીવનની અનિશ્ચિતતાઓ એને એટલી જ મૂંઝવતી હશે. કોમિલામાં ખરેખર એવું કંઈ જ વિશિષ્ટ આકર્ષણ નહોતું. છતાં રૂબીને કોમિલા ગમવા માંડી હતી. કદાચ એના મનમાં કોમિલા માટે જાગેલી સહાનુભૂતિ કારણભૂત હતી.

બીજે દિવસે કોમિલા નોકરી પર આવી ત્યારે રૂબીને એ કંઈક જુદી જ દેખાઈ. કોમિલા એટલી ઊજળી કે નમણી નહોતી. છતાં લાલ મીડી એને શોભતી હતી. આજે એણે વાળની પોની પણ બાંધી નહોતી – એના ગાળ પર આવતી એક લટ એને ખૂબ સોહામણી બનાવી દેતી હતી. એણે કોઈ જ મેક-અપ કર્યો નહોતો. છતાં એ આકર્ષક દેખાતી હતી. એને જોતાં જ રૂબી બોલી પડી, “હાય! આજે તો તું હેન્ડસમ લાગે છે ને! હું છોકરો હોત તો તારો હાથ પકડી લેત!”

કોમિલાએ સહેજ હસીને એના તરફ હાથ લાંબો કર્યો. રૂબીએ એના હાથ પકડી લઈ જોરથી દબાવ્યો. થોડી વાર થઈ ત્યાં રૂબીએ કોમિલાને બોલાવી, “આજે તું થોડી ખુશ અને થોડી ઉદાસ બન્ને દેખાય છે. વોટ્સ ધ મેટર, મેન?”

કોમિલાએ કંઈ જવાબ ન આપ્યો. છતાં રૂબીએ પ્રશ્નસૂચક ચહેરો લટકાવી રાખ્યો એટલે એણે ઈશારાથી કહ્યું, “પછી વાત!”

કોમિલા જેટલી શાંત હતી એટલી જ રૂબી ચંચળ હતી. સતત ભમરડાની જેમ ફર્યા જ કરતી હતી. ઘડીકમાં આ કાઉન્ટર પર તો ઘડીકમાં પેલા કાઉન્ટર પર. ચેન ન પડે તો દરવાજો ખોલીને થોડી વાર બહાર ઊભી રહેતી. આવતા જતા લોકોને જોયા કરતી. આમ જ એ બહાર ઊભી હતી અને અચાનક દોડતી અંદર આવી અને ચીસ પાડતી હોય એમ બોલી, “હે, ધેટ ઓલ્ડ મેન ઈઝ કમિંગ! ડોલી, તું એને બહુ ગમે છે ને! યોર લવર ઈઝ કમિંગ! ઓહ શીટ! હું એને ભાવ નથી આપતી. તારી સાથે જ એ બહુ લપ કરે છે. મારે કંઈ લેવા દેવા નથી!” ડોલીએ કૃત્રિમ આક્રોશ સાથે જવાબ આપ્યો. રૂબીની બાજુમાં ડોલીનું કોસ્મેટિક્સનું કાઉન્ટર હતું.

“આજે તો કોમિલાનો વારો છે. નવી છે એટલે એની સાથે જ ગપ્પા મારશે. પાછી આજે કોમિલા લાગે છે પણ મસ્ત!” રૂબી નખરાળી અદામાં બોલી.

કોમિલાએ કંઈ વાત સમજાતી નહોતી. એટલે એણે રૂબી સામે પ્રશ્નસૂચક નજરે જોયું. રૂબીએ હાથના ઈશારાથી ધીરજ ધરવા કહ્યું. કોમિલાએ જોયું તો દરવાજા પાસે એક વૃદ્ધ માણસ ઊભો હતો. એ સ્ટોર્સમાં દાખલ થવા જતો હતો ત્યાં જ એને કોઈક મળ્યું બન્ને જણા કંઈક વાતો કરતા હતા. કોમિલાને કુતૂહલવશ એ વ્યક્તિનું નિરીક્ષણ કરવામાં રસ પડ્યો. એણે કોટ-પેન્ટ પહેર્યા હતાં. માથે હેટ ચડાવી હતી. સોનેરી ફ્રેમનાં ચશ્મા હતાં. હેટમાંથી એના સફેદ વાળ ડોકાતા હતા. ઉંમર કદાચ ૬૦થી વધુ નહીં હોય, છતાં ઉંમર વધારે લાગતી હતી. એ માણસ બીજા માણસની સાથે જાણે એકરસ થઈને વાત કરતો હોય એવું લાગતું હતું. એ બન્નેની વાતો લાંબી ચાલી. રૂબી કોમિલા તરફ સરકી અને કહેવા લાગી, “ આ જ છે એ! લેસ્લી એનું નામ છે. લેસ્લી ફર્નાન્ડીસ…. બહુ ફ્લર્ટ છે સાલો! છોકરીઓને જુએ છે અને લાળ પાડવા માંડે છે. અઠવાડિયે એકાદ વાર એ અહીં આવે છે. થોડી ઘણી ખરીદી કરે છે, પણ અડધોપોણો કલાક લપ કરે છે. એને નકામી નકામી વાતો જ કરવા જોઈએ છે. અમે તો થોડી વાર ગમ્મત કરીએ છીએ. જસ્ટ ફન! તને આજે પહેલી વાર જોશે એટલે તને વળગશે…”

એટલામાં તો વાત પૂરી થઈ અને એ ભાઈ અંદર પ્રવેશ્યા. એમના હાથમાં સ્પેલની એક લાકડી હતી. અકારણ જ કોમિલાને એવું અનુભવાયું કે જાણે એના ધબકારા વધી ગયા છે. એણે અંદર આવતાં જ એક સાથે બધા જ કાઉન્ટર પરની છોકરીઓને કહ્યું, “ હાય, ગર્લ્સ! હાઉ આર યુ? મારી જ રાહ જોતાં હતાં ને! યસ, આઈ હેવ કમ!” ડોલીએ તો જાણે સાંભળ્યું જ ન હોય તેમ એ ઊંધી ફરીને ઊભી રહી ગઈ. રૂબીએ એવી જ મસ્તીથી કહ્યું, “હાય અંકલ!”

“નો, અંકલ- સે લેસ્લી, ઓનલી લેસ્લી ઓર એટ ધ મોસ્ટ મિસ્ટર લેસ્લી. આઈ એમ નોટ યૌર અંકલ, જસ્ટ અ ફ્રેન્ડ!” કોમિલાને લેસ્લીના અવાજમાં કંઈક ન સમજાય એવો ભાવ અનુભવાયો.

અચાનક લેસ્લીનું કોમિલા પર ધ્યાન ગયું. એણે કોમિલા તરફ ત્રાંસી આંખો કરીને જોયું પછી ધીમે રહીને પૂછ્યું, “તું હમણાં જ આવી છે ને? શું નામ છે, તારું?”

કોમિલા જવાબ આપે એ પહેલાં રૂબીએ જ જવાબ આપ્યો, “શી ઈઝ કોમિલા…. માય બેસ્ટ ફ્રેન્ડ!”

લેસ્લીએ કોમિલા સામે જ જોયા કર્યું. પછી કોટના ખિસ્સામાંથી મુઠ્ઠી ભરીને પાંચ-સાત ગુલાબના ફૂલ કાઢ્યાં અને કોમિલાના કાઉન્ટર પર મૂક્યાં. ધીમે રહીને કોમિલાના કાનમાં કહ્યું, “ઓલ ફૉર યુ! વેલકમ!” એમ કહીને હાથ મિલાવવા હાથ લાંબો કર્યો. કોમિલાથી હાથ ઊંચો ન થયો. પરંતુ લેસ્લીએ પોતાનો હાથ લંબાયેલો જ રાખ્યો ત્યારે છેવટે કોમિલાએ હાથ મિલાવ્યો. લેસ્લીનો હાથનો સ્પર્શ કોમિલાને ખૂબ જ ઉષ્માપૂર્ણ લાગ્યો.

લેસ્લીએ સ્ટોર્સમાં આંટો માર્યો. સાબુ, ટૂથપેસ્ટ વગેરે જેવી થોડીક વસ્તુઓ ખરીદીને કોમિલાના કાઉન્ટર પાસે આવી સ્ટૂલ પર બેઠક લીધી. કોમિલાના કાઉન્ટર પરથી એમણે એક ડેરી મિલ્ક ચોકલેટ ખરીદી. ક્યાંય સુધી એ ચોકલેટને હાથમાં રમાડ્યા કરી. કોમિલા કેટલું ભણી છે, ક્યાં રહે છે, મમ્મી-પપ્પા શું કરે છે, ભાઈ-બહેન કેટલાં છે વગેરે અનેક સવાલો પૂછી નાંખ્યા. કોણ જાણે કેમ, પણ કોમિલાનો લેસ્લી સાથે વાતચીત કરવાનો જે સંકોચ હતો તે ઘણે અંશે તૂટી ગયો. લગભગ પોણો કલાક પછી લેસ્લીએ જવા માંડ્યું એટલે કોમિલાએ જ એમને પૂછ્યું, “અંકલ, તમે મને બધું જ પૂછી લીધું, પણ તમારા વિષે કંઈ કહ્યું નહીં!”

“લૂક, નો અંકલ, સે લેસ્લી ઓર એટ ધ મોસ્ટ મિસ્ટર લેસ્લી… અને મારા વિષે નેક્સ્ટ ટાઈમ…ઓ કે, બાય!”

કોમિલા લેસ્લીને જતા જોઈ રહી. એને આ માણસ બિલકુલ સમજાતો નહોતો. એના ગયા પછી બીજી છોકરીઓ કોમિલાને જોઈ રહી. થોડીક વારના મૌન પછી રૂબી બોલી, “કોમિલા, તે તો એને બહુ ભાવ આપ્યો. અમે તો પાંચ-દસ મિનિટમાં જ એને ફુટાડી દેતાં હતાં…” કોમિલા ચૂપ રહી. શું કહેવું એ જ એને સમજાતું નહોતું.

અકારણ આખો દિવસ કોમિલાના મનમાં લેસ્લીનું અસ્તિત્વ ધોળાતું રહ્યું. એને ય આ માણસને ઓળખવાની ઈચ્છા જાગી. એ કહીને ગયા હતા ‘નેક્સ્ટ ટાઈમ’ એટલે ફરી આવે ત્યારે વાત.

સાંજે ઘરે જતી વખતે પાછી રૂબી સાથે થઈ ગઈ, કોમિલાના ચહેરા પરની થોડી ખુશી અને થોડી ઉદાસીનો રાઝ જાણવાની એને ચટપટી લાગી હતી. કોમિલાએ પહેલાં તો ખચકાટ દાખવ્યો. પરંતુ એને યાદ આવ્યું કે રૂબીએ લેસ્લીએ એની ઓળખાણ આપી ત્યારે, ‘માય બેસ્ટ ફ્રેન્ડ’ એવું કહ્યું હતું. કોમિલા પણ મિત્ર ઝંખતી હતી. એને અચાનક રૂબીમાં મિત્ર દેખાઈ. એણે રૂબીને આખી વાત કરી. કોમિલા જ્યારે મુંબઈમાં રહેતી હતી ત્યારે એના જ બિલ્ડિંગમાં જતીન નામનો એક ગુજરાતી છોકરો રહેતો હતો. કોમિલા કરતાં ઉંમરમાં થોડો મોટો હતો. પરંતુ કોમિલા એને બહુ ગમતી હતી, એના પિતાની લિમિંગ્ટન રોડ પર હીરા-ઝવેરાતની દુકાન હતી. આમ તો એ લોકો જુહૂ પાસે નવા બંગલામાં રહેવા જતા રહ્યા હતા. પરંતુ જતીન હજુ વાંચવાના બહાને ત્યાં આવતો હતો. એ બન્નેના પ્રેમ-પ્રકરણની જતીનના ઘરમાં ખબર પડી ગયા પછી બન્નેને મળવામાં ખૂબ તકલીફ થતી હતી. જતીન રૂઢિચુસ્ત ગુજરાતી કુટુંબનો હતો અને એના કુટુંબીજનો કોઈ પણ સંજોગોમાં એક કેથોલિક ગોવાનીઝ છોકરીને સ્વીકારવા તૈયાર નહોતા. કોમિલાને જ્યારે ગોવા સ્થળાંતર કરવાનું થયું ત્યારે બન્ને છેલ્લી વાર મળ્યાં હતાં. એ વખતે કોમિલાએ એને કહ્યું હતું કે, “આપણા માટે હવે મળવાનું શક્ય નથી, તો લગ્ન કરવાની તો વાત જ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે હું આખી જિંદગી કુંવારી જ રહીશ. મમ્મીને અને ભાઈને સાચવીશ. તને કદાપિ ભૂલી શકીશ નહીં.”

એ પછી બન્ને છૂટાં પડ્યાં. એ વાતને બે-અઢી મહિના થઈ ગયા. કોમિલાએ કહ્યું કે ગઈકાલે અચાનક જતીનનો પત્ર આવ્યો છે. એણે લખ્યું છે કે છેવટે એની જીત થઈ છે. એનાં માતા-પિતા પરાણે પરાણે માન્યાં છે. એકનો એક દીકરો હોવાથી એમણે નમતું જોખ્યું છે અને કોમિલા સાથે પરણવાની હા પાડી છે. એમનો એક આગ્રહ છે કે કોમિલાએ એ ઘરમાં આવતાં પહેલાં શુધ્ધ થવું અને હિન્દુ ધર્મ અંગીકાર કરવો. જતીને લખ્યું છે કે તું મમ્મી અને મામા સાથે વાત કરીને મને વિગતવાર પત્ર લખજે. પછી આગળનો કાર્યક્રમ આપણે વિચારીશું

આખી વાત સાંભળીને રૂબી તો ગેલમાં આવી ગઈ. એ કોમિલાને વળગી પડી અને એના ગાલ પર ચૂમીઓ ભરી લીધી. એણે કોમિલાને કહ્યું, “યુ આર રિયલ્લી લકી! તારે તો ખુશ થવું જોઈએ. એમાં ઉદાસ થવા જેવું શું છે?”

રૂબીનો આનંદ સ્વાભાવિક હતો. પરંતુ કોમિલા તો એવી જ સ્થિર હતી. એણે નિસાસો નાખીને કહ્યું, “લકી આઈ એમ! પણ પછી મારી મમ્મીનું અને મારા નાના ભાઈનું શું? અને …” કોમિલા અટકી ગઈ.

“કેમ, અટકી ગઈ? તું કંઈક કહેવા જતી હતી…”

“એ જ કે શુધ્ધ થવાનું એટલે શું? મારે મારો ધર્મ બદલવો પડે એ વળી કેવું?” કોમિલાને આ વાતુનું પણ દુઃખ હતું.

રૂબી પણ સહેજ વાર ગંભીર થઈ ગઈ. પરંતુ પછી તરત બોલી, “ઈટ્સ નથિંગ યાર! એવી રીતે કંઈ ધર્મ થોડો જ બદલાઈ જાય છે. એમના સંતોષ ખાતર નાટક કરી લેવાનું, યાર!”

“એ જ મારી તકલીફ છે. મને નાટક કરતાં નથી આવડતું…” કોમિલાએ નિસાસો નાંખતા કહ્યું.

“એની વે! દુઃખી ના થઈશ. શાંતિથી વિચાર કરજે. કંઈક તો રસ્તો નીકળશે જ!” રૂબી એને આવું સાંત્વના આપીને વિદાય થઈ.

એ પછી તો રૂબી અને કોમિલા વચ્ચે દોસ્તી ધીમે ધીમે ગાઢ બનતી ગઈ. હવે કોમિલાની પણ જીભ ખૂલી હતી. રૂબી એને વારંવાર પૂછતી હતી કે એણે જતીનને જવાબ લખ્યો કે નહીં? કોમિલાએ અઠવાડિયા પછી જવાબ લખ્યો. પરંતુ એમાં લખ્યું કે વિચારીને વિગતવાર પત્ર હવે પછી લખીશ.

બરાબર આઠ દિવસે ફરી લેસ્લી ફર્નાન્ડીશ નેવિલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ પર આવી ચડ્યા. કોઈ કંઈ પૂછે એ પહેલાં જ કોમિલાને ચાર-પાંચ ગુલાબનાં ફૂલ આપીને સ્ટૂલ પર બેઠક જમાવતાં કહેવા માંડ્યું, “કોમિલા, તને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. પણ આઈ વોઝ લિટલ સિક… યુ નો, તાવ-ફ્લુ – આઈ વોઝ ડાઉન!” કોમિલાને લાગ્યું કે લેસ્લી કમજોરી અનુભવે છે. છતાં એમની વાતો ચાલુ રહી. કોમિલાએ જ્યારે એમના વિષે પૂછ્યું ત્યારે લેસ્લીએ વિચિત્ર હાવભાવ કરીને કહ્યું, “આઈ એમ અલોન… હું એકલો જ છું. આખી દુનિયામાં હું એકલો જ છું. પણ એની વે, તને મળું છું. ત્યારે લાગે છે કે જાણે હું એકલો નથી!”

કોમિલા અને લેસ્લીની વાતો ચાલ્યા કરતી. બીજી છોકરીઓ ક્યારેક હસી લેતી, ક્યારેક મજાક કરી લેતી તો ક્યારેક અંદરોઅંદર ગુસપુસ કરતી. રૂબી વચ્ચે વચ્ચે ટપકી પડતી. છતાં એનો આશય તો મસ્તી-મજાકનો જ રહેતો. આ બધું લેસ્લીની ધ્યાન બહાર નહોતું. છતાં કોમિલા સાથે વાતો ચાલુ જ રહેતી.

પછી તો દર ત્રીજે દિવસે લેસ્લીનું આગમન થતું. હવે તો ક્યારેક એ કલાકેક બેસતા. બીજી છોકરીઓને આ થોડું ગમ્મતભર્યું તો ક્યારેક થોડું વિચિત્ર લાગતું. એક વાર તો રૂબીએ પણ કોમિલાને ટકોર કરી હતી કે લેસ્લી ફર્નાન્ડીસ તારી પાસે બહુ આવે છે. એનો ઈરાદો શું છે? કોમિલાએ કહ્યું હતું કે મને એની તો કંઈ જ ખબર નથી. એ મારી સાથે વાતો કરે છે. દુનિયાભરની વાતો કરે છે. ક્યારેક જૉક્સ કહે છે. ક્યારેક ઊંડી ફિલોસોફીની વાતો કરે છે…. કોઈ દિવસ આડી અવળી વાત કરી નથી.

એક દિવસ પાછું રૂબીએ પૂછ્યું, “જતીનનો પત્ર નથી? એને બે-ચાર દિવસ અહીં બોલાવને!”

“અરે હા, કાલે જ એનો પત્ર આવ્યો છે. હજુ મેં એને વિગતવાર લખ્યું નથી. મમ્મી કે મામા સાથે મારે કશી વાત પણ થઈ નથી. વાત કરવાની મારી હિંમત જ ચાલતી નથી. હજુ મને જ સમજાતું નથી કે મારે શું કરવું? જતીન તો લખે છે કે જો તું સ્પષ્ટ જવાબ નહિ આપે તો થોડા દિવસ પછી હું જ ત્યાં આવીશ અને તને લઈ જઈશ!”

ઘણું વિચાર્યા પછી કોમિલાએ જતીનને પત્ર લખીને જણાવ્યું કે મારે વિચારવા માટે થોડો સમય જોઈશે. ઓછામાં ઓછું એકાદ વર્ષ તો જશે જ.

દરમ્યાન લેસ્લી ફર્નાન્ડીસ હવે તો લગભગ રોજ કોમિલાને મળવા આવતા હતા. ભૂલેચૂકે એકાદ દિવસ ના આવે તો કોમિલાને જ કંઈક અધૂરું લાગતું. એક દિવસ તો લેસ્લી ફર્નાન્ડીસ ત્રણ કલાક કોમિલા સાથે વાતો કરતા બેઠા. એ દિવસે કોમિલાને પણ એવું લાગ્યું કે એ લેસ્લી ફર્નાન્ડીસ સાથે કોઈક અદ્રશ્ય નાતાથી જોડાઈ રહી છે. પરંતુ હજુ એને કંઈ સમજાતું નહોતું.

એક શનિવારે આવીને લેસ્લીએ કોમિલાને કહ્યું, “કાલે સન ડે છે. તું શું કરે છે?”

“હોલી ડે! એક હોય! પણ કેમ એવું પૂછો છો?”

“નહીં, એમ જ ખાલી, મારે તને પાર્ટી આપવી હતી… પણ ફરી ક્યારેક…” લેસ્લીએ ઊંડો શ્વાસ લીધો.

થોડા દિવસ પછી જતીનનો પત્ર આવ્યો કે આવતા અઠવાડિયામાં હું તને મળવા આવું છું. કોમિલાનું હ્રદય આ સમાચાર વાંચીને જાણે ઘબકાર ચૂકી ગયું. એક તરફ એ ઈચ્છતી હતી કે જતીન આવે, અને બીજી બાજુ કોઈ અજ્ઞાત કારણસર એને થતું હતું કે એ ન આવે! એને આવી બેવડી લાગણી સમજાતી નહોતી.

દરમ્યાન કોમિલાના મામાએ કોમિલા માટે વાસ્કોમાં જ એક ઓળખીતાની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કોમિલા માટે નોકરીની ગોઠવણ કરી દીધી. પહેલી તારીખે નવી નોકરી શરૂ કરવાની હતી. હવે નેવિલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં માત્ર પંદર દિવસ નોકરી કરવાની હતી. કોમિલાને થયું કે આ રોજની અપ-ડાઉનની ઝંઝટ મટશે અને સાંજે વહેલા ઘેર જવાશે.

લેસ્લી ફર્નાન્ડીસ આવ્યા એટલે કોમિલાએ એમને કહ્યું, “મિસ્ટર લેસ્લી, આઈ હેવ એ ગૂડ ન્યૂઝ…”

“આઈ એમ રેડી ટુ હિયર… આર યુ મેરીંગ?” લેસ્લીએ આંખો નચાવતાં કહ્યું.

“ઓહ નો! મને વાસ્કોમાં જ નોકરી મળી ગઈ છે પહેલી તારીખથી જોડાવાની છું…”

અચાનક લેસ્લીનો ચહેરો ગંભીર બની ગયો. પછી કંઈક વિચારીને કહ્યું, “ધીસ સન ડે પાર્ટી – યોર ફેરવેલ પાર્ટી! ઓ. કે.?”

લેસ્લી શનિવારે ફરી કોમિલાને યાદ દેવડાવવા આવ્યા. મીરામર બીચ પર સવારે અગિયાર વાગ્યે બિચ રેસ્ટોરાંમાં જમવાનું… કોમિલાએ પૂછ્યું, “રૂબીને બોલાવીશું?”

“નો, ઈટ્સ ફોર યુ… નો નો!” કહીને લેસ્લી વિદાય થયા.

બીજે દિવસે રવિવારે કોમિલા ખાસ વાસ્કોથી પણજી આવી. મિરામાર બિચ પર એણે બિચ રેસ્ટોરાંમાં નજર કરી તો લેસ્લી ફર્નાન્ડીસ બેઠા બેઠા બિયર પીતા હતા. બન્ને સરસ રીતે જમ્યા. કોમિલાએ જોયું કે લેસ્લી હસીખુશીને વાત કરતા હતા છતાં થોડી થોડી વારે એમની આંખના ખૂણા ભીના થઈ જતા હતા. લગભગ બે-અઢી કલાક પછી બન્ને ઊભા થયાં ત્યારે લેસ્લીએ સહેજ ભીના અવાજે કોમિલાનો હાથ પકડી લઈને કહ્યું, “દર રવિવારે તું મને આ જ રીતે અહીં મળવા ન આવે?”

કોમિલાને શું જવાબ આપવો એ જ સમજાયું નહીં. પરંતુ લેસ્લીના અવાજની ભીનાશને કારણે એણે એટલું જ કહ્યું, “દર રવિવારે તો કદાચ ન અવાય. પણ હું પ્રયત્ન કરીશ. આઈ કાન્ટ પ્રોમિસ યું!”

કોમિલાએ લેસ્લીને કહ્યું, “તમારું ઘર તો તમે મને બતાવ્યું જ નથી. ચાલો, હું તમને મૂકી જાઉં…”

લેસ્લીએ જાણે થડકાર અનુભવ્યો. એમણે કહ્યું, “મારે જરા બહાર જવું છે. નેક્સ્ટ ટાઈમ!”

કોમિલાએ થોડે દૂર જઈને પાછું વળીને જોયું તો લેસ્લી હજુ ત્યાં જ ઊભા હતા. કોમિલા અદ્રશ્ય ન થઈ ત્યાં સુધી એ ત્યાં જ ઊભા રહ્યા હોય એવું કોમિલાને લાગ્યું કોમિલાને પણ સમજાતું નહોતું કે આ કયો સંબંધ છે. બસ, એમ જ એ તણાતી રહી હતી!

હવે કોમિલાને નેવિલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં છેલ્લા બે દિવસ હતા. છેલ્લા દસેક દિવસથી લેસ્લી પણ આવ્યા નહોતા. કોમિલાને મનમાં થતું હતું કે લેસ્લીને મળવા જવું. પરંતુ લેસ્લીના ઘર વિષે ય એને કશી જ ખબર નહોતી.

કોમિલા આવું કંઈક વિચારતી હતી ત્યાં એના કાઉન્ટર પર આવીને કોઈએ ચાવી વડે ટક ટક અવાજ કર્યો. સફેદ પેન્ટ અને કાળા કોટમાં કોઈ વકીલ હોય એવું લાગ્યું કોમિલાને એમ કે એ કંઈક ખરીદવા આવ્યા હશે. પરંતુ એમણે કોમિલા સામે જોઈને કહ્યું, “આર યુ કોમિલા ગોન્સાલ્વીસ?”

એ વકીલનો અવાજ થોડો મોટો હતો. બીજા કાઉન્ટરની છોકરીઓનું પણ એ તરફ ધ્યાન ગયું વકીલે બીજો પ્રશ્ન કર્યો, “લેસ્લી ફર્નાન્ડીસને તમે ઓળખો છો?”

કોમિલા એ હા પાડી. તરત જ વકીલે કહ્યું, “મારી સાથે આવશો?”

કોમિલા સહેજ ખચકાઈ અને એને અજ્ઞાત ભય પણ લાગ્યો. એણે કહ્યું, “જે હોય તે અહીં જ કહો… મારાથી કાઉન્ટર છોડીને જવાય નહીં.”

આમ કહીને કોમિલાએ એમને સ્ટૂલ પર બેસવાનો ઈશારો કર્યો.

વકીલે બેઠક લેતાં કહ્યું, “લેસ્લી હેઝ ડાઈડ! ગયા મંગળવારે એમનું અવસાન થયું છે.”

“ઓન નો! હાઉ?” કોમિલાથી બોલી જવાયું પરંતુ પછી શું બોલવું એ જ એને સમજાયું નહીં. વકીલે આગળ ચલાવ્યું, આગલે દિવસે એમણે મને બોલાવ્યો હતો અને તમારા માટે આ પત્ર આપ્યો હતો. એ પછી અચાનક મારે બોમ્બે જવાનું થયું. મંગળવારે સવારે હું ગયો અને રાત્રે એ ગુજરી ગયા એમણે મને કહ્યું હતું કે એમના અવસાન પછી જ મારે તમને આ પત્ર આપવો.

કોમિલા સ્તબ્ધ થઈ ગઈ. એણે ધ્રૂજતા હાથે કવર ખોલ્યું, “પ્રિય કોમિલા, તને મળ્યો ત્યારથી મને કોઈક મારું મળ્યું હોય એવું લાગ્યું હતું. થોડાં વર્ષો પોરર્ચુગાલમાં વહાણનો વેપાર કર્યો પછી અમેરિકા આવ્યો. દીકરી એક હતી. એને એક નાની દીકરી હતી. જમાઈ પણ સરસ હતો. એ ત્રણેય ભારત આવતાં હતાં અને હવાઈ અકસ્માતમાં મોતને ભેટ્યાં. મારી પત્ની એ આઘાત સહી શકી નહીં. એ પણ થોડા સમયમાં મૃત્યુ પામી. હું બધો ધંધો આટોપીને ગોવા આવી ગયો. મારે તો મારી જન્મભૂમિમાં જ મરવું હતું.

હું સાવ એકલો પડી ગયો હતો. મારી પાસે પુષ્કળ પૈસા હતા. પરંતુ પ્રેમથી વાત કરનારું કોઈ નહોતું. પૈસા જોઈને તો કોઈપણ પ્રેમ કરે કે ચાકરી કરે. મારે તો હ્રદયનો સંબંધ જોઈતો હતો. તને મળીને મને એ સંબંધ મળ્યો. મેં તને મારા વિષે કશું જ કહ્યું નહોતું એનું કારણ એ હતું કે મારે તારું ભોળપણ અને તારા લાગણીભર્યા સ્વભાવના ખંડિત થવા દેવા નહોતા. એટલે જ મેં તને દીકરી કહીને સંબંધ બાંધ્યો નહોતો. કાશ, તું જ મારી દીકરી હોત. મારા આ એકાકી અને પીડાજનક દિવસોમાં તારો લાગણીભર્યો થોડોક સહવાસ પણ મને સ્વર્ગનું સુખ આપી ગયો છે. હું તને બદલામાં શું આપું? મારું જે કંઈ છે તે હું તારા નામે કરું છું. વકીલ મિ. ડિસોઝા બધી જ વિધિ કરી આપશે. – લેસ્લી.”

કોમિલા તો ઠરી જ ગઈ. એની આંખમાં આંસુ ઘસી આવ્યાં. વકીલ બોલતા હતા, “લેસ્લી એમનું મકાન તમારા નામે કરી ગયા છે, જેની કિંમત રૂ. ૪૦ લાખ છે. એમના નામે બધું મળીને ૮૦ લાખ રૂપિયાના શેર છે એ તમારા નામે કરવાનું કહ્યું છે. બેંકના લોકરમાં પડેલી ચીજવસ્તુઓ પણ એમણે તમને આપવાનું કહ્યું છે. બધું મળીને ત્રણેક કરોડની મિલ્કત થાય છે.

વકીલ બોલતા રહ્યા. ડોલી, રૂબી અને બીજી છોકરીઓ સાંભળતી રહી. કોમિલા કાગળ વડે મોં ઢાંકીને છૂટા મોંએ રડી પડી. એને બીજી વાર બાપ ગુમાવ્યાનો વસવસો ઘેરી વળ્યો હતો.