ઉંબરો ઓળંગી ગઈ…. – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉંબરો ઓળંગી ગઈ…. – દિવ્યેશ ત્રિવેદી

પૂર્ણ ચન્દ્રને ભેટવા ઉછળતાં મોજાં પથ્થરો પર અફળાઈને કારમો ચિત્કાર કરી શમી જતાં હતાં. તેમના રુદનથી જાણે પથ્થરો ભીના થઈ જતાં હતાં – છતાં પણ એ મોજાંને આશા હતી – શ્રદ્ધા હતી કે ‘કરતાં જાળ કરોળિયો’ વારંવાર જઈશું – ભલે પથ્થર રોકે – ચન્દ્રને મળીશું – રાત્રિ વીતે તે પહેલાં! કેવી ઘેલછા હતી?

મોજાં અને ચન્દ્રની વચ્ચે રહેલા પથ્થરનું આ કૃત્ય જોઈને બારીમાં ઊભેલી શીલુ વિષાદની હાજરીમાં પણ સહેજ હસી જતી – પરંતુ પાછી પૂર્વવત ગંભીર થઈ જતી – રોજ આમ જ કલાકો વીતતા – એકલવાયું ઘર – એકલવાયું મન અને એકલવાયું જીવન – પતિ પરદેશ ગયો – પત્ર વ્યવહાર હજુ પણ ચાલુ જ છે. – પ્રત્યેક પત્રે જાણે પ્રેમરસથી છલકતો પ્યાલો – દૂર રહીને પણ કેટલો નજીક રહેવા મથતો હતો – જતાં જતાં એક નિશાની આપતો ગયો – એકાએક એની નજર પલંગ પર પડેલા એ બે વર્ષના શિશુ પર પડી – એ ચમકી ગઈ! હજુ ગઈકાલના પત્રમાં જ એ લખે છે કે હું થોડા સમયમાં જ આવવાનો વિચાર કરું છું. – અહીં હવે બરાબર સેટલ થઈ ગયો છું. શીલુ, તને અને આપણા દીપુને લઈ જઈશ – હવે આપણે હિન્દુસ્તાન નથી રહેવું – અને એક ડૂસકું ખાઈ ગઈ – શું મોં બતાવીશ હું એને?

સમૂદ્રથી દૂરદૂર જોવા પ્રયત્ન કર્યો – પરંતુ અંધારું વધુ લાગ્યું – ચન્દ્ર તેજ પહોંચ્યું ત્યાં સુધી જ નજર પહોંચી – વધુ દૂર નહીં – નજર આભાસ પર અથડાઈને પાછી બારી પર જ આવી ગઈ – એની મનઃસ્થિતિ વધુ વિષમ બની – શું કરવું? એ અકળાઈ ગઈ – છેવટે નક્કી કર્યું કે એ વિષે અત્યારે કાંઈ જ વિચારવું નથી – પરંતુ થોડી જ ક્ષણોમાં વિચાર આવી ગયો કે અત્યારે વિચારવું નથી તો પછી ક્યારે વિચારવું છે? એ પલંગ પાસે આવી અને દીપુના માથે હાથ ફેરવવા લાગી – એને એકાએક વિચાર આવી ગયો – કેવો વિચાર! ક્ષણેક જાતને ધિક્કારવા લાગી – પછી થયું – પરંતુ ભૂલ – કોઈક હદ હોવી જોઈએ – ભૂલ એવી હોય કે ભૂલમાં ચાલી જાય તો ઠીક – પરંતુ શું આ ભૂલને એ માફ કરશે ખરા? અને એની આંખમાંથી ઉકળતા પાણીના ટીપાં જેવા બે આંસુ દીપુનાં ગાલ ઉપર પડ્યાં – સાડીના પાલવ વડે ભૂંસી નાંખ્યા – ઊભી થઈને આંટા મારવા માંડી.

એકાએક રૂમમાં અંધકાર છવાઈ ગયો – એ અંધકાર – એને ક્ષણેક તો ઘાતક થઈ પડ્યો – અંધકાર – અજવાળું ખોવાઈ ગયું એટલે અંધકાર થઈ ગયો – કેવું પૃથ્થક્કરણ! અને એ તન્દ્રામાં ખોવાઈ ગઈ – એ રાત યાદ આવી ગઈ – જેને અનુસરીને કેટલીય રાતો છતાં અજવાળે અંધકારમાં જ પસાર થઈ ગઈ_ _ _

એ પરદેશ ગયા ત્યારે ભાઈ પાસે મૂકીને ગયા હતા. ભાઈ સિવાય દુનિયામાં કોઈ જ ન હતું – માં-બાપ સ્વર્ગે અંતે ભાઈ અહીં – આ સિવાય દુનિયામાં બીજું કોણ? જે છે તે પરદેશ જાય છે – દીપુ અહીં છે – બે-ત્રણ વર્ષ તો ચપટીમાં નીકળી જશે – અને એ પણ આવી જશે – પરંતુ એમ જો સીધે સીધા બે વર્ષ વીતે તો તો . . . .!

એક વર્ષ ભાઈને ત્યાં શાંતિથી પસાર થયું – પત્રો આવતા – તે પણ લખતી – પરંતુ ભાભીને થોડો ભ્રમ ઉત્પન્ન થયો – ભાભી સાથે બોલાચાલી થઈ – ઉગ્ર સ્વભાવને કારણે ભાઈને કહી દીધું – હું જાઉં છું - રહીશ મારા ફ્લેટમાં, એકલા ફાવશે – પરંતુ સ્વમાન તો જળવાશે – અને ચાલી આવી ફ્લેટમાં રહેવા.

ફ્લેટ પર અવાર નવાર ભાઈ મળવા આવતા – કોઈક વાર તે જતી – પરંતુ ભાભી સાથે તદ્દન અબોલા લઈ લીધા હતા – એકવાર સાંજે દીપુને લઈને ફરવા નીકળી – રસ્તામાં જ મિતુ સાથે મુલાકાત થઈ – કોલેજમાં સાથે હતાં – ઉપરાંત તેના દૂરના સંબંધે મિતુ તેનો ભાઈ પણ થતો હતો. પરંતુ આજકાલ એવા અતિ દૂરના સંબંધોને વધુ મહત્વ નથી અપાતું હોતું – એનો સંબંધ કૉલેજનો વધુ હતો – રસ્તામાં જ ઊભા હતા – વરસાદ શરૂ થયો – “દીપુને શરદી થશે – ચાલ ઘરે બેસીશું. ઘણા વખતે મળ્યાં છીએ.” અને બન્ને ઘેર આવ્યાં – આગળ – પાછળની વાતો – કૉલેજની વાતો – આડી અવળી વાતો - - વાતો-વાતોને વાતો – સમય વીત્યો – રાત્રે નવ વાગવા આવ્યા – ન તો મિતુને લાગતું હતું કે તેણે જવું જોઈએ – ન તો તેને લાગતું હતું કે મિતુને જવા માટે કહેવું જોઈએ – દીપુ પલંગ પર સૂતો હતો – એકાએક અંધકાર છવાઈ ગયો – અને એ સાથે જ વીજળીનો ગડગડાટ . . . અને અને પછી . . .

. . . . . હવે આગળ વિચારી શકે તેમ ન હતી – એ રાત્રે વીજળી પડી ગઈ – અંધકાર છવાઈ ગયો – બલ્બ ઊડી ગયો હતો – સવારે બલ્બ બદલી નાખ્યો હતો – પરંતુ મન પર જે વીજળીની ઘેરી અસર પડી ગઈ હતી – તે લિસોટા રૂપે અંકિત થઈ ગઈ હતી- તે અંધારામાં – બેટરી ખોળવા લાગી – બેટરી ખોળી – બાથરૂમનો બલ્બ કાઢી લાવી – બલ્બ બદલ્યો – અને અતીતનો ઘેરો નિઃશ્વાસ નીકળી ગયો – શરીર જાણે ઠંડું પડવા લાગ્યું.

ફરીથી પલંગ પર જઈને બેઠી – સહેજ આડા પડવાની ઈચ્છા થઈ – આડા પડતાં જ તેને ખ્યાલ આવ્યો કે પેટમાં ભાર છે - મિતુ ત્યાર પછી પણ આવ્યો હતો – બન્નેને પશ્ચાતાપ થતો હતો - ન બન્ને એ વિચાર્યું હતું just normal, nothing will happen પરંતુ જે બનવાનું હતું તે વગર કહે બની રહ્યું હતું – જ્યારે એ ખબર પડી ત્યારે મિતુને બોલાવ્યો – અત્યારે તો શરૂઆત જ હતી - થોડી દવાઓનો ઉપયોગ કર્યો – ડરતાં ડરતાં – પરંતુ દવાઓ નાકામયાબ નીવડી – શક્તિ વધી ગઈ – હવે કદાચ કોઈ જ ઉપાય ન હતો – સિવાય સમય સાથે રાહ જોવી . –

ત્યારપછી પ્રત્યેક રાત્રિ આમ જ પસાર થવા લાગી – તરેહતરેહનાં વિચારો આવવા લાગ્યા – શું કરવું? જીવનનો જ શું અર્થ છે? કદાચ બે વર્ષે મરી જવું જ પડે તો? એના કરતાં આપણે જાતે જ શા માટે જીવનનો અંત ન લાવી દઈએ? અને એક દિવસ બજારમાંથી બે બાટલી Tik-20 ની લઈ આવી – રાત્રે સૂતી વખતે લેવાનો વિચાર કર્યો હતો – બાટલી ઊઘાડવા જતી હતી ને બારણે ટકોરા પડ્યા – બાટલી સંતાડી બારણું ખોલ્યું – કોઈ જ ન હતું! આભાસ હતો – ભ્રમણા હતી – અને ઘૂરકિયાં કરતો ધિક્કાર!

બાટલી ફેંકી દીધી – બીજી પણ ફેંકવા જતી હતી ને વિચાર આવ્યો – પી લે!’ પરંતુ -----“પીશ તો ખરી – પરંતુ મરી ન શકી તો?” અને બીજી પણ ફેંકી દીધી.

દીપુએ પડખું ફેરવ્યું – એના માથે હાથ ફેરવવા લાગી – અહીંથી કૂદીને સીધી સમુદ્રમાં - - - - - - ના - - ના લાશ તો હાથમાં આવશે જ – પોસ્ટમોર્ટમ થશે અને – એને એથી વધુ - - શું થશે મારા દીપુનું? એ વિચારે જ એ ધડકી ઊઠી એ તો - - તો શું કરવું પછી ?

ઉત્તર તો હંમેશાની માફક શૂન્ય જ હતો!

એ આવશે – ટૂંક સમયમાં જ આવશે – મારે જણાવવું પણ પડશે – અને જ્યારે એ જાણશે ત્યારે એમની આંખોમાંથી માત્ર ઘૃણા અને અંતરમાંથી માત્ર ધિક્કાર જ . . . . તો પછી શું થશે? મારું જે થશે તે – પરંતુ મારા દીપુનું - - - - શું થશે? હું મારી જાતે જ મારી દુશ્મન બની ગઈ – મારી જાતે જ મેં મારા જીવતરમાં આગ લગાડી – હાય! હવે શું થશે? એ તો મને કદાપિ માફી નહીં જ આપે – ના – ના એમના જ શબ્દો No man is basically bad - પણ તેથી શું? શું એ આ ચલાવી લેશે? પરિણામોની કલ્પના પણ નથી કરી શકતી – તો શું કરું? એમના આવતાં પહેલા જ કોઈક ઉપાય કરવો પડે – શું કરું – શું ન કરું - - - હમણાંથી મિતુ પણ નથી આવ્યો - - મેં જ એને ના પાડી હતી– શા માટે ના પાડી ? એને કહું – એને બોલાવું – વિનવું – મને લઈ ચાલ – મને ક્યાંક દૂર દૂર લઈ જા – જ્યાં આપણને બન્નેને કોઈ જ ઓળખતું ન હોય – પણ શું એ પોતાનાં પત્ની – બાળકોને છોડીને આવવા તૈયાર થશે? સ્વાભાવિક છે કે ન જ થાય – તો તો – મારે એકલીએ ક્યાંક જતાં રહેવું – ક્યાં જવું? જ્યાં જવાય ત્યાં – પરંતુ જઈને પણ જે થવાનું છે તે તો મિથ્યા નથી જ થવાનું – કાંઈ વાંધો નહીં – મૂર્ખ કેટકેટલી મુસીબતોનો સામનો કરવો પડશે – અને એથી ય વધુ – શું એ પછી સુખેથી જીવી શકશે – તારા પાપે તું ભોગવે તે તો ઠીક છે, પણ એણે શું ગુનો કર્યો – દીપુ પછી ક્યાં જશે? ઊગતી કળીને ચીમળી નાંખવાનો તને શું હક્ક છે? – અને હવે તો તું તારા નવા જીવને પણ દૂર કરી શકવાની નથી – કારણકે હવે એ તારા હાથની વાત નથી રહી – જે થાય તે જોયા કર – પણ શા માટે કઈ રીતે – મૂંઝવણ - - અકથ્ય મૂંઝવણ - -

અને આમ એ વિચારોના શૂન્યવકાશમાં વાસ્તવિકતાની ફર્શ અને કલ્પનાની છત વચ્ચે ઝોલાં ખાતી હતી. એ જાણતી હતી કે અંતે તો વાસ્તવિકતાની ફર્શ પર જ રહેવાનું છે – છતાં પણ કલ્પનાની છત તરફનું આકર્ષણ ઓછું થતું ન હતું – હાથ યંત્રવત્ દીપુનાં માથા ઉપર હાથ ફરતો હતો – મૂંઝવણ વધી ગઈ અને છેવટે વિચાર શૃંખલા તૂટી – ઊભી થઈ બારી પાસે ગઈ – રાત ધેરાતી હતી – મોજાંનુ ચન્દ્ર સુધી પહોંચવા ઊડતું મન – અને વચ્ચે અંતરાય બનેલા કમબખ્ત પથ્થરો – એ જ ક્રમ – અને એ મોજાંઓનું ઘેરાતી રાત્રિના ઘટ્ટ માધ્યમમાંથી આવતું ઘેરું રૂદન – શીલુને પણ જાણે રડાવી જતું હતું – એ જોતી જ રહી – દૂર દૂર હસી રહેલો ચન્દ્ર અભિસારની મુદ્રામાં મગ્ન મોજાંઓ – અને પથ્થરદિલ પથ્થરો – શીલુ ખરે જ રડી પડી – પરંતુ આંસુ ન નીકળ્યા – નીકળી ઉષ્ણ વરાળો – નજર ભરાતી ન હતી – અંતર અકથ્ય વેદના અનુભવતું હતું. અંતે કાંઈક નવું જ વિચારવા લાગી – એમનાં આવતા પહેલાં - ના – ના મિતુ આવે તો, તો પણ શું, તો – તો

અને દીપુએ બૂમ મારી, “મમ્મી, પાણી” અને શીલુ ‘હા, બેટા’ કહીને પાણી લેવા રસોડા તરફ ગઈ, દીપુની અધખૂલેલી ઊંઘથી ભરાયેલી નમેલી પાંપણોવાળી નમણી નાની નાની આંખોએ શીલુને બેડરૂમનો ઉંબરો ઓળંગતી જોઈ.