કલાકાર - 29 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કલાકાર - 29

કલાકાર ભાગ – 29

લેખક – મેર મેહુલ

“બનવાજોગ નથી, એવું જ બન્યું છે. એ કંઈ તારી પાસે તારી સ્ટૉરી સાંભળવા તો આવી નહિ હોય, પુરાવો મેળવવા જ આવી હોય અને તે બુઠ્ઠીબુદ્ધિનાં જેમ તેને બધી હકીકત કહી દીધી”

“હું નશાની હાલતમાં બહેકી ગયો હતો”

“જે થવાનું હતું એ થઈ ગયું, હવે શું કરીશું એ વિચાર” નરસિંહ વર્માએ કહ્યું.

“A.K. ને ખરીદી લઈએ” ગજેન્દ્રસિંહે કહ્યું.

“તારી બુદ્ધિ બેરી થઈ ગઈ છે કે શું ?” નરસિંહ વર્મા ભડક્યો, “હજારો લોકોએ તેને ખરીદવાની કોશિશ કરી છે, આજે એ બધાં કબરમાં સુતા છે”

“તો શું કરવું, તું જ જણાવ” ગજેન્દ્રસિંહે થાકેલાં અને હારેલા અવાજે કહ્યું.

“આપણે A.k.ને ના ખરીદી શકીએ, પણ તેનાં સાથીદારોને તો ખરીદી શકીએને..!!, યાદ છે તને, CID નો ડેટા ચોરવા આપણે નિકુંજને ખરીદ્યો હતો. હજી કોઈ એક તો હશે જ, જે આપણું કામ કરી શકે”

“તો રાહ કોની જુએ છે ?, લગાવ કોઈને ફોન”

નરસિંહ વર્માએ તેનાં પરિચિત અને ખાસ માણસ એવાં સુધીરને ફોન લગાવ્યો જે CID ઑફિસર હતો. તેણે સુધીરને બધી ઘટનાથી વાકેફ કર્યો.

“પણ એને તો બે દિવસ પહેલાં જ એ કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે” સુધીરે જવાબ આપ્યો.

“તારી કોઈ ભૂલ થાય છે સુધીર, એ કમજાત અમને બરબાદ કરવા પર ઉતરી આવ્યો છે” નરસિંહે કહ્યું.

“હું ચેક કરું છું, આ કેસ પલ્લવી હેન્ડલ કરે છે. હું તેની સાથે વાત કરીને જાણ કરું” સુધીરે કહ્યું, “તમે લોકો અત્યારે ક્યાં છો ?”

“જંગલવાળા બંગલામાં, જ્યાં સુધી અમે સુરક્ષિત છીએ એની ખાતરી ના થાય ત્યાં સુધી આ ગુપ્ત ઘરમાં જ રહેવાના છીએ. કોઈ જાણકારી મળે તો અહીં આવી જજે”

“બદલામાં મને શું મળશે ?” સુધીરે તેનો અસલી ચહેરો બતાવ્યો.

“તું જીવનમાં કોઈ દિવસ નથી કમાયો એટલાં રૂપિયા આપીશ તને”

“કામ થઈ જશે” કહેતાં સુધીરે ફોન કાપી નાંખ્યો.

“શું કહ્યું ?” ગજેન્દ્રસિંહે પુછ્યું.

“A. K. ને તો બે દિવસ પહેલાં કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે, પણ હું નથી માનતો. એ છુપી રીતે કેસ હેન્ડલ કરતો હશે”

ગજેન્દ્રસિંહની હાલત કાપો તો પણ લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. તેની એક ભૂલને કારણે એ પોતાનું સર્વસ્વ ગુમાવવાની કગાર પર હતો.

“આગળ શું કરીશું ?” ગજેન્દ્રસિંહે થોથવાતાં અવાજે પુછ્યું.

“તું આટલો ડરપોક નિકળીશ એ મને નહોતી ખબર” નરસિંહ વર્મા ગુસ્સે થયો, “જ્યાં સુધી આપણે આ મુસીબતમાંથી ના નીકળીએ ત્યાં સુધી અહીં જ રહીશું, તારાં માણસોને ફોન કરીને અહીં પહેરો લગાવી દે, પેલો કમજાત અહીં પણ પહોંચી શકે છે”

ગજેન્દ્રસિંહે તેનાં માણસોને ફોન કરીને પોતાનાં ગુપ્ત બંગલે બોલાવી લીધાં.

*

વિશાળગઢથી એક કાર પુરવેગે ગાંધીનગર તરફ જતી હતી, તેમાં એક વ્યક્તિ પાછળની સીટ પર ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બેઠો બેઠો વિચારમાં ડૂબેલો હતો. થોડીવાર પહેલાં આવેલાં એક કૉલને કારણે એની હાલત અત્યારે કફોડી થઈ ગઈ હતી. એ કૉલમાં જે વ્યક્તિ હતો તેણે કારમાં બેસેલા વ્યક્તિનાં ઘણાં બધાં રહસ્યો ઉજાગર કર્યા હતાં. જો એ રહસ્યો દુનિયા સામે આવી જાય તો તેનું સર્વસ્વ લૂંટાઈ જવાનું હતું.

એવું કશું ના થાય એટલે તેને કૉલ પર રહેલાં વ્યક્તિએ તેને એક જગ્યા પર મળવા બોલાવ્યો હતો. એ જગ્યા હતી, ગજેન્દ્રસિંહનો ગુપ્ત બંગલો.

ગજેન્દ્રસિંહ સાથે આ વ્યક્તિનાં માઠાં સંબંધો હતાં. ગજેન્દ્રસિંહ સામે જવું એટલે પોતાનું નાક કપાવવા જેવું હતું પણ ભૂતકાળમાં સાથે કરેલાં કુકર્મોને કારણે આજે અનિચ્છાએ પણ તેને ત્યાં જવું પડે એમ હતું.

કારમાં બેઠેલાં વ્યક્તિએ કોઈને ફોન લગાવ્યો અને પોતે ગાંધીનગર પહોંચી ગયાની જાણ કરી. એ જે દિશામાંથી ગાંધીનગરમાં પહોંચ્યો હતો તેની વિરુદ્ધ દિશામાં જંગલમાં રહેલાં ગુપ્ત બંગલે તેને પહોંચવાનું હતું. ગાંધીનગરને ભેદી કાર જંગલનાં રસ્તે અગ્રેસર થઈ.

*

“તમે જેમ કહ્યું એમ મેં કહી દીધું અને અમારી વચ્ચે માત્ર મૈત્રીપૂર્ણ સંબંધ છે, એ શું કરે છે એ જાણવામાં મને કોઈ રસ નથી” સુધીરે કહ્યું. સુધીર ખુરશી પર બેઠો હતો. મેહુલ, અક્ષય અને પલ્લવી તેને ઘેરીને ઊભાં હતાં.

“અમે એવું ક્યાં કહ્યું છે, તું અમારી ટીમમાં છે એટલે તારી મદદ લીધી પણ હવે તું એની સાઈડ લઈને પાછળથી કૉલ ના કરે એટલે તારે અમારી નજર હેઠળ રહેવું પડશે” મેહુલે કહ્યું, “ખોટું ના લગાવતો સુધી, તને મારાં કામ વિશે ખબર જ છે ને, હું કોઈ પર ભરોસો નથી કરતો”

“હું સમજી શકું છું સર, હું તમને સહકાર આપવા તૈયાર છું. તમે લોકો જ્યાં સુધી નહિ કહો ત્યાં સુધી હું ઑફિસ છોડીને ક્યાંય નહીં જાઉં અને આ મારો મોબાઈલ રાખો” સુધીરે પોતાનો મોબાઈલ મેહુલ તરફ ધરીને કહ્યું.

“ના, એની કોઈ જરૂર નથી. તું ચિંતામુક્ત થઈને તારું કામ કર પણ એક વાત યાદ રાખજે, ભૂલથી પણ જો તે ચાલાકી કરવાની કોશિશ કરી તો તું અમારી નજરમાંથી બચી નહિ શકે”

“જી સર” સુધીરે સંમતિપૂર્વ માથું ધુણાવ્યું.

*

“અક્ષય ક્યાં ગયો ?” મેહુલે પુછ્યું. સુધીર સાથે વાત કરી મેહુલે પલ્લવી અને અક્ષયને મિટિંગ રૂમમાં બોલાવ્યાં હતાં. દસ મિનિટ થઈ તો પણ અક્ષય હજી સુધી નહોતો આવ્યો.

“અક્ષયસરને મેં વોશરૂમ તરફ જતાં જોયાં હતાં” પલ્લવીએ કહ્યું.

“એ આવી જશે હમણાં, મારે તારી સાથે થોડી ચર્ચા-વિચારણા કરવી છે. ગજેન્દ્રસિંહ અને નરસિંહ વર્મા બંને સાથે જ છે. મોકો સારો છે, તેનાં આ ગુપ્ત બંગલા વિશે કોઈને નથી ખબર. ત્યાં જ તેની કબર ખોદી નાંખવી જોઈએ. તારું શું કહેવું છે ?” મેહુલે પુછ્યું.

“લોકોને શું જવાબ આપીશું ?, લોકોને એ બંનેની હકીકતથી વાકેફ તો કરવા પડશેને..!!!”

“એ તો આપણે એક મિનિટમાં જ કરી શકીએ એમ છીએ પણ જો આપણે એવું કરીશું તો નેતાઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. આવા લોકોને કારણે જે નેતા સમાજની સેવા કરે છે તેઓને પણ ખરુ-ખોટુ સાંભળવું પડશે અને આમ પણ તેઓને કોણે માર્યા એ કોઈને ખબર પડશે તો આપણે ફસાઈશું ને?, આપણે સિક્રેટ ઓપરશ કરીને આ કામ કરવાનું છે” મેહુલે પૂરો પ્લાન સમજાવતાં કહ્યું.

“વિચાર સારો છે, અમલ કરી શકાય” પલ્લવીએ સહમતી જતાવી. એટલામાં અક્ષય આવી પહોંચ્યો.

“એ રાતે મેં તને શું કહ્યું હતું યાદ છે ને અક્ષય..!!!” મેહુલે કહ્યું, “ દસ દિવસમાં મારે કાને બે વ્યક્તિનાં મૌતનાં સમાચાર સાંભળવા છે”

“મેં પણ તમને એક વાત કહેલી યાદ કરો” અક્ષયે કહ્યું, “ જે દિવસે એ બંનેમાંથી કોઈ પણ મારી નજર સામે આવશે એટલે તેઓનો છેલ્લો દિવસ હશે”

“તો બસ એ દિવસ આવી ગયો છે, હું તને બધો વિટ્ટો પાવર આપું છું. કોઈ પણ તારાં પર આંગળી નહિ ચીંધે, તું બેફિકર રહીને આ મિશનને અંજામ આપ”

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Monu

Monu 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Prakash Bhatt

Prakash Bhatt 2 વર્ષ પહેલા

nihi honey

nihi honey 2 વર્ષ પહેલા

nisha prajapati

nisha prajapati 2 વર્ષ પહેલા