" સમર્પણ " પ્રકરણ-4
આપણે પ્રકરણ-3 માં જોયું કે અનિષે પોતાના મનની વાત મોટીભાભી નિલમને કરી અને મોટાભાઈને કહી પિતાજી સુધી વાત પહોંચાડવા જણાવ્યું કે તેને નમ્રતા ખૂબ ગમે છે અને તે નમ્રતા સાથે મેરેજ કરવા ઈચ્છે છે. હવે આગળ....
નિલમને ખુશ જોઈને અનિકેતે તેને ખુશીનું કારણ પૂછ્યું એટલે નિલમે અનિકેતને વાત કરતાં કહ્યું કે, " આપણાં અનિષભાઈને પેલા પરાગભાઈ દીકરી નમ્રતા છે ને એ ખૂબ ગમે છે અને તે તેની સાથે જ મેરેજ કરવા ઈચ્છે છે તો બાપુજીને કહીને નમ્રતાને ઘરે માંગું મોકલવાનું છે...!! "
અનિકેત: અચ્છા તો એમ વાત છે... ભાઈને નમ્રતા સાથે પ્રેમ થઈ ગયો છે...એમ જ ને....? સારું, કાલે સવારે જ બાપુજીને વાત કરું...!!
સવાર પડી એટલે અનિકેતે બાપુજીને અનિષની વાત જણાવી. પહેલા તો બાપુજીએ ગામમાં ને ગામમાં સગપણ કરવાની ચોખ્ખી " ના " પાડી દીધી પણ પછી અનિકેતે બાપુજીને સમજાવ્યા કે, " હવે નવો જમાનો આવ્યો છે બાપુજી, હવે પહેલા છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે અને પછી જ લગ્ન થાય. આપણે બતાવીએ એ અત્યારના છોકરાઓ સ્વીકારી ન લે. " અને પછી બાપુજી માંગું મોકલવા માટે તૈયાર થઈ ગયા.
જીવરામ શેઠના મિત્ર મગનકાકા સાથે જીવરામ શેઠની દરરોજ ની બેઠક, મગનકાકાને ગામ આખાની બધીજ ખબર હોય. જીવરામ શેઠે આ કામ મગનકાકાને સોંપી દીધું.
બીજે દિવસે મગનકાકા ખોંખારો ખાતાં ખાતાં પરાગભાઈની ખડકીમાં પ્રવેશ્યા. ( ગામડાઓમાં હજી વડીલોનું માથે ઓઢવાની, જે પુરાણી સંસ્કૃતિ હતી તે જીવતી રહી હતી. એટલે મગનકાકાએ ખોંખારો ખાધો હતો. )
મગનકાકાને જોઇને પરાગભાઈ તેમજ રૂપાબેન ખૂબ ખુશ થઇ ગયા. નમ્રતા મગનકાકા માટે પાણી લઈ આવી અને રૂપાબેને તેને મગનકાકા માટે ચા બનાવવા કહ્યું. નમ્રતા ચા બનાવવા અંદર ગઈ એટલે મગનકાકા નમ્રતા માટે અનિષનું માંગું મૂક્યું. રૂપાબેન અને પરાગભાઈ આટલા મોટા ઘરેથી નમ્રતાનું માંગું આવ્યું તે વિચારથી જ ખુશ થઇ ગયા હતા. પણ દીકરીની ઈચ્છા પણ તો પૂછવી જરૂરી છે ને...??
એટલે રૂપાબેને અંદર જઈને પોતાની દીકરી નમ્રતાને પૂછી જ લીધું. અને વિચારીને શાંતિથી જવાબ આપજે બેટા એમ પણ કહ્યું. પણ નમ્રતાને તો ગળા સુધી ઈચ્છા હતી બસ ફક્ત " હા " જ બોલવાની વાર હતી એટલે તે થોડી શરમાઈ ગઈ પણ તેણે પોતાની મમ્મીને તરત જ " હા " પાડી દીધી.
પણ પરાગભાઈ વિચારમાં પડી ગયા હતા કારણ કે તે જાણતાં હતાં કે રૂપિયાવાળાને ઘરે દીકરી એમનેમ નથી પરણાવાતી..?? તેની પાછળ કરિયાવર પણ એટલો જ કરવો પડે છે અને તેમને હજી નમ્રતા પછી એક દીકરી મમતા અને નાનો દિકરો કૃણાલ બે બાળકો હતાં જેમને હજી ભણાવવાના પણ બાકી હતા. એટલે પરાગભાઈએ મગનકાકાને, " વિચારીને જવાબ આપું કાકા " કહીને ચા-પાણી કરાવી વિદાય કર્યા.
પપ્પાના જવાબથી નમ્રતા ખૂબ નારાજ થઈ ગઈ હતી. પણ પપ્પાની સામે તેનાથી કંઈ બોલી શકાય તેમ ન હતું માટે તે ચૂપ હતી અને વિચારતી હતી કે પપ્પા પાસે " હા " કઇરીતે પડાવવી.
મગનકાકા જોડે માંગું મોકલાવ્યું છે તે વિચારે જ અનિષ તો ખુશ ખુશ હતો અને મોટી ભાભી અને વચોટ ભાભી બંને અનિષને જોઇને મશ્કરી કરતાં હતાં કે, " અનિષભાઈ મનમાં તો લડ્ડુ ફૂટે છે પણ હજી જવાબ આવ્યો નથી. આ તો પરાગભાઈ છે " ના " એ પાડી દે. " અને અનિષ બંને ભાભીને કહેતો કે, " શુભ શુભ બોલો ને શુભ શુભ.. અને " ના " આવશે તો તમારે જ તેમને મનાવવા જવું પડશે. "
એટલામાં મગનકાકા આવ્યા અને ચોકમાં હીંચકા ઉપર ઝુલતા જીવણશેઠની બાજુમાં બેઠા એટલે અનિષ બારણાં પાછળ ઊભા રહી વાત સાંભળવાની કોશિશ કરી રહ્યો. અને બંને ભાભીએ કહ્યું હતું તેમ પરાગભાઈએ વિચારવાનો સમય માંગ્યો છે તેમ જ જવાબ આવ્યો એટલે અનિષની બેટરી ત્યાં જ ડાઉન થઈ ગઈ હતી. પરાગભાઈની " હા " આવે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં....