સમર્પણ - 1 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 1

" સમર્પણ "પ્રકરણ-1

સમર્પણ, ત્યાગ અને પ્રેમ....આ બધા શબ્દો, ફક્ત શબ્દો જ નથી. દરેકના દિલ સાથે જોડાયેલી ભાવનાઓ છે. જેનું દરેકના જીવનમાં આગવું મહત્તવ છે.

આ ત્રણેય વસ્તુ આપવામાં જેટલી અઘરી છે તેટલી જ લેવામાં સરળ છે.અને જે આમાંનું કંઈપણ સ્વાર્થ વગર આપી જાણે છે તે ખરેખર મહાન છે તેમજ વંદનીય છે. અહીં આ વાર્તામાં આમાંની એક,
સમર્પણની ભાવનાનું મેં નિરૂપણ કર્યું છે. આપ સૌ આ વાર્તા ને વાંચીને તેમાં જો કોઈ ક્ષતિ કે ખામી રહી ગઈ હોય તો મારું ધ્યાન અવશ્ય દોરશો તેવી વિનંતિ. જેથી તે ક્ષતિને હું સુધારી શકું, તેમજ તેને રેટિંગ આપવાનું ભૂલતા નહિ.

જીવરામ શેઠ પૈસેટકે ખૂબ સુખી, ગામમાં જમીન પણ સારી એવી એટલે ઉત્તરોત્તર કમાણીમાં વધારો જ થતો જાય. અને ભગવાનની મહેરબાનીથી તેમને એક એકથી ચડિયાતા ત્રણ દિકરા હતા જે પિતાનો પડ્યો બોલ જીલતાં એટલે તેમને અને પત્ની ઈલાબેનને માનસિક શાંતિ પણ ખૂબ રહેતી.

મોટા બંને દિકરાઓને પરણાવી દીધા હતા. હવે ત્રીજા દિકરા નો વારો હતો. ત્રીજો દિકરો એટલે અનિષ જે ભણવામાં ખૂબજ હોંશિયાર હતો તેથી તેને જીવરામ ભાઇએ શહેરમાં કોલેજ કરવા મોકલ્યો હતો. હવે તેનું પણ ભણવાનું લગભગ પૂરું થઇ ગયું હતું બસ છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવવાનું બાકી હતું.

જીવરામ શેઠ અને બંને દીકરાઓ બધા સાથે મળીને એકજ ઘરમાં રહેતા, ગામમાં મધ્યમાં જીવરામ શેઠનું ઘર, ઘર નહિ પણ હવેલી હતી હવેલી. વ્હાઈટ અને બ્રાઉન કલર કરેલી ખૂબજ સુંદર શોભતી આ હવેલી એક મહેલને પણ બાજુમાં મૂકી દે તેવી હતી...જાણે ગામ આખાની પ્રતિષ્ઠા વધારતી હતી. જે કોઇપણ આ ગામમાં પહેલી વખત આવે તે આ હવેલી જોઈને ખુશ થઈ જાય અને જોતાં જ રહી જાય તેવી હતી આ હવેલી...!!

જીવરામ શેઠના પત્ની એટલે ઈલાબેન,જે સ્વભાવે શાંત અને ખૂબ ડાહ્યા એટલે તેમને બંને વહુઓ સાથે સારો એવો મેળ આવે. અને ઘરમાં નોકર-ચાકર પણ ખરા એટલે વહુઓને તો બે ટાઈમ રાંધીને બેસી જ રહેવાનું હોય અને જીવરામ શેઠના રાજમાં મંગાવ્યા પહેલા વસ્તુ હાજર થઇ જાય તેથી શું દુઃખ કે તકલીફ પડે...!!

મોટો દિકરો અનિકેત ખેતી સંભાળતો અને વચોટ દિકરો આનંદ કરિયાણાની દુકાન સંભાળતો. રાત્રે આખા ઘરના બધાજ સભ્યોએ સાથે જ જમવા બેસવું તેવો જીવરામ શેઠનો નિયમ હતો. જેથી આખા દિવસની બધી કામકાજની વાતો થાય અને એકબીજાને માટે પ્રેમ બન્યો રહે. ત્રીજો અને સૌથી નાનો દિકરો એટલે અનિષ બધાને સૌથી વધારે વ્હાલો. અને તે હતો પણ વ્હાલો લાગે તેવો, બોલવામાં એકદમ ફાસ્ટ, કોઈની પણ સાથે હસ્યા કે બોલ્યા વગર તેને બિલકુલ ચાલે નહિ અને દેખાવમાં ઈલાબેન જેવો એકદમ રૂપાળો. નાનપણથી જ તોફાની અને નટખટ એટલે તેને ગામ આખું ઓળખે...સૌ તેને પ્રેમથી અનીઓ કહીને બોલાવે.

મોટા દિકરાની વહુ નિલમ, મોટી વહુના મોભા પ્રમાણે એકદમ ડાહી અને ઠાવકી તેને ખોળે એક દીકરો અને એક દીકરી બે બાળકો, જે જીવરામ શેઠના પરિવારનો જીવ સમાન હતા. જેની ઘરમાં બધાજ ખૂબ પ્રેમથી સાર સંભાળ કરે. વચોટ વહુ નીમા સ્વભાવે થોડી તીખી અને અતડી તેને કોઇની સાથે બોલવું કે ચાલવું ગમે નહિ અને પૈસાવાળા ઘરની એકની એક દીકરી એટલે થોડું અભિમાન પણ ખરું, જે તેના સ્વભાવમાં વર્તાઈ આવે. અને પાછું જીવરામ શેઠના ઘરની વહુ બની એટલે તેનું અભિમાન બમણું થઈ ગયું હતું. તેને પરણે ત્રણ વર્ષ પૂરા થઈ ચોથું વર્ષ બેઠું હતું પણ તેનો ખોળો હજુ ખાલી હતો. એટલે તેના સાસુ ઈલાબેનને થોડી ચિંતા રહ્યા કરે...!!

જેઠાણી નિલમ બધાને પ્રેમથી અને માનથી બોલાવે તે પણ વચોટ વહુ નીમાને બિલકુલ ગમે નહિ અને વારંવાર જેઠાણીને મોં મચકોડીને કહ્યા કરે, " તમે જ બધાને પેધા પાડ્યા છે તો ફેરે ને ફેરે આખા ગામ વાળા અહીં માંગવા હેંડ્યા આવે છે...!! " જેઠાણી નિલમ તેને પ્રેમથી સમજાવે અને કહે, " એ તો આપણો પ્રેમ દેખીને સૌ આવે છે કોઈ માંગવા નથી આવતું, અને શું ખબર આપણે કોને પ્રતાપે આટલા બધા સુખી છીએ તે...?? " પણ વચોટ વહુ નીમાને આમાંની કોઈ વાત સમજમાં આવે જ નહીં અને જેઠાણી કે સાસુ આઘાપાછા હોય તો બધાને કાઢી પણ મૂકે...!!

જેઠાણી નિલમ તેમજ સાસુ ઈલાબેનના સમજાવવા થી નીમાના સ્વભાવમાં કોઈ ફેર પડે છે કે નહિ...??
નીમાનો ખોળો ભરાય છે કે નહિ...?? વાંચો આગળના પ્રકરણમાં....