" સમર્પણ " પ્રકરણ-5
આપણે પ્રકરણ-4 માં જોયું કે મગનકાકા અનિષનું માંગું નમ્રતા માટે લઈને પરાગભાઈના ઘરે ગયા હતા પણ આટલા બધા મોટા ઘરેથી માંગું આવ્યું એટલે પરાગભાઈ વિચાર કરતાં હતાં કે મોટા ઘરે દીકરી પરણાવવા માટે કરિયાવર પણ વધારે જ કરવો પડે અને તેમની એટલી બધી પરિસ્થિતિ હતી નહિ તેથી તેમણે, " હું વિચારીને જવાબ આપું " એમ મગનકાકાને કહ્યું હતું.
હવે આગળ....
નમ્રતા અને અનિષ બંને હવે મોટા થઈ ગયા હતા બંને સાથે જ રમતાં અને સાથે જ ભણતાં તેથી એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. શૈશવના સ્મરણોની સાથે સાથે બંને હવે યુવાનીના સ્વપ્નો જોવા લાગ્યા હતા અને ઉંમરની સાથે સાથે તેમની મૈત્રી હવે પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજાને ચાહવા લાગ્યા હતા અને એકબીજાની સાથે લાઇફપાર્ટનર બની જિંદગી જીવવા માંગતાં હતાં.
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા પણ પરાગભાઈનો જવાબ ન આવ્યો એટલે અનિષ થોડો ચિંતામાં પડી ગયો હતો અને શું કરવું તેમ વિચારી રહ્યો હતો. પોતાની વ્હાલી ભાભી નિલમને તેણે વાત કરી મગનકાકાને ફરીથી નમ્રતાને ઘરે લગ્નના પ્રસ્તાવનો જવાબ પૂછવા માટે મોકલવા કહ્યું.
મગનકાકા ફરીથી પરાગભાઈને ઘરે પરાગભાઈને મળવા માટે આવ્યા અને તેમણે પરાગભાઈ પાસે પોતાના પ્રશ્નનો જવાબ માંગ્યો. મગનકાકાને આવેલા જોઈને નમ્રતાના ધબકારા વધી ગયા હતા અને તે ઓરડાના બારણાં પાછળ ખુશીના સમાચાર સાંભળવા ઉભી રહી ગઈ હતી અને ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તેના પપ્પા " હા " પાડે અને તેના લગ્ન...પોતે જેને વર્ષોથી ઓળખે છે અને જે તેનો પ્રિય સખા છે, જેને તે પોતાની જાત કરતાં પણ વધુ ચાહવા લાગી છે તેવા અનિષ સાથે જ થાય. પણ વિધિની વક્રતાને કોણ ઓળખી શકે છે...??
પરાગભાઈ જવાબ આપતાં થોડા ખચકાઈ રહ્યા હતા પણ હવે મગનકાકા આજે જવાબ લેવા જ આવ્યા હતા એટલે જવાબ આપ્યા વગર છૂટકો પણ ન હતો. એટલે તે ખચકાતા ખચકાતા બોલ્યા કે, " મગનકાકા હું બહુ નાનો માણસ છું, આટલા બધા મોટા ઘેર દીકરી પરણાવવાનું મારું ગજુ નથી માટે તમે જીવરામશેઠને " ના " જ પાડી દેજો.
" ના " નો જવાબ સાંભળીને નમ્રતાના પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઈ હતી. તે જાણે સમયને રોકી રાખવા માંગતી હતી અને મનમાં ને મનમાં કહી રહી હતી કે, " એકવાર મને તો પુછો પપ્પા કે મારી શું ઈચ્છા છે...? " અને તે જ્યાં ઉભી હતી બારણાં પાછળ ત્યાં ને ત્યાં ફસડાઈ પડી, ઘોર નિરાશામાં ડૂબી ગઈ અને રડવા લાગી.
મગનકાકાને પરાગભાઈના જવાબથી થોડું આશ્ચર્ય તો થયું પણ પછી તેમને લાગ્યું કે પરાગભાઈની વાત પણ સાચી છે મોટા ઘરે દીકરી પરણાવવાની હોય તો કરિયાવર પણ એટલો જ કરવો પડે છે. અને મગનકાકા અનિષ અને નમ્રતાના પ્રેમનું ફુલસ્ટોપ " ના " નો જવાબ લઈને જીવરામશેઠને ઘરે પહોંચી ગયા હતા.
જીવરામ શેઠ અને ઈલાબેન આજે પણ દરરોજની જેમ હિંચકે ઝૂલતા હતા અને મોટાદિકરા અનિકેતના દિકરા આરવને રમાડી રહ્યા હતા.
મગનકાકા આવ્યા એટલે જીવરામશેઠે આતુરતાથી પૂછ્યું કે, " શું ખુશીના સમાચાર લાવ્યો છે મગનીઆ " મગનકાકા પણ " ના " નો જવાબ આપતાં થોડા ખચકાઈ રહ્યા હતા પણ આપ્યા વગર છૂટકો પણ ન હતો એટલે બોલ્યા કે, " જીવરામ પરાગની ઈચ્છા આપણાં ઘરે દીકરી પરણાવવાની નથી. "
જીવરામ શેઠ: કેમ " ના " પાડે છે પરાગભાઈ...?? પણ તેનું કારણ શું...?? "
મગનકાકા: આટલા બધા મોટા ઘેર દીકરી પરણાવી, હું વ્યવહારમાં નહિ પહોંચી વળું...?? એમ વિચારીને પરાગ " ના " પાડી રહ્યો છે. "
અનિષ અને નમ્રતા પોતાના પ્રેમને પામી, લગ્નના અજોડ બંધનમાં બંધાઈ શકે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં....