" સમર્પણ " પ્રકરણ-8
આપણે પ્રકરણ-7 માં જોયું કે નિલમે અને નીમાએ પરાગભાઈ તેમજ રૂપાબેનને સમજાવ્યા કે અમને તમારી દીકરી નમ્રતા ખૂબ ગમે છે અને અમારે ખાલી કંકુ અને કન્યા જ જોઈએ છે માટે તમે કરિયાવરની જરા પણ ચિંતા કરશો નહિ એટલે પરાગભાઈએ નમ્રતાના સગપણ માટે " હા " પાડી દીધી હવે આગળ...
અનિષ આજે ખૂબજ ખુશ હતો તેણે ઘરે આવીને પોતાની લાડકી ભાભીને વિનંતિ કરી કે મારું નમ્રતા સાથે જલ્દીથી સગપણ કરી આપો. નિલમ સમજી ગઈ હતી કે દિયરજી દેરાણીને મળીને આવ્યા લાગે છે એટલે તેણે મજાક કરી કે, " નમ્રતાને ઉતાવળ છે કે તમને...?? અને તમે મળીને આવ્યા તો શું કહ્યું અમારી લાડકી દેરાણીએ..?? અને આપણે સીધા તમારા લગ્ન જ કરાવી દઈએ તો કેવું રહેશે...?? ( એટલામાં નીમા આવી એટલે નિલમે નીમાને પણ સાથે લેતાં પૂછ્યું ) કેમ નીમા બરાબરને...?? "
નીમા: હા હા, બરાબર દેરાણી જલ્દી આવી જાય તો મને પણ જેઠાણીની પદવી જલ્દી મળી જાય ને...!!
અનિષ: તમને ક્યાંથી ખબર પડી કે હું નમ્રતાને મળીને આવ્યો છું...??
નિલમ: આ તમારો ચહેરો ચાડી ખાઈ જાય છે...!! ( અને અનિષ પોતાનો ચહેરો દર્પણમાં જોવા લાગ્યો એટલે નિલમ અને નીમા બંને ખડખડાટ હસવા લાગ્યા. અનિષને કંઈ સમજાયું નહીં હવે શું બોલવું...?? અને શરમ નો માર્યો ત્યાંથી ચાલ્યો ગયો. )
પરાગભાઈ, મગનકાકા અને તેમના બે-ચાર સગાવ્હાલાને લઇને જીવરામશેઠને ઘરે આવ્યા અને સામ સામે મોં મીઠું કરીને નમ્રતા અને અનિષનું સગપણ પાક્કુ કરી દીધું.
જીવરામશેઠે લગ્નની તૈયારી કરવા માટે પણ કહી દીધું એટલે બંને બાજુ લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ હતી. કોડીલી કન્યા નમ્રતા ખૂબજ સુંદર લાગતી હતી. અનિષની પીઠી તેને બરાબર ચઢી હતી. રૂપાળી તો તે હતી જ અને અત્યારે વધારે રૂપાળી લાગી રહી હતી. સખીઓ તેને ઘેરી વળી હતી અને નમ્રતાની મશ્કરી કરી બધી જ સખીઓ હસી મજાક કરી રહી હતી. હવે તે કોઈના ઘરની વહુ બનવા જઈ રહી છે તે વિચારે તે થોડી ગંભીર પણ થઈ જતી હતી. અને પછી પાછી સખીઓ હસાવે એટલે હસી પણ પડતી હતી.
અનિષ પણ ખૂબજ ખુશ હતો. એટલું બધું જલ્દી જલ્દી નમ્રતા સાથે લગ્નનું ગોઠવાઈ ગયું હતું કે તેને તો આ બધું જાણે એક સ્વપ્ન જેવું લાગતું હતું.નિલમ અને નીમા તેને બરાબર પીઠી ઘસી રહ્યા હતા. જીવરામ શેઠનું ઘર તેમજ પરાગભાઈનું ઘર ખુશીઓથી મહેંકી રહ્યું હતું. શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા.
દુલ્હનના ડ્રેસમાં નમ્રતા ખૂબજ સુંદર લાગી રહી હતી. અને નમ્રતા તેમજ અનિષના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. નમ્રતા જીવરામશેઠના ઘરની સૌથી નાની લાડકવાઇ વહુ હતી, ગુણિયલ અને સંસ્કારી પણ એટલી જ હતી. નિલમ તો જાણે તેની મોટી બહેન હોય તેમ નિલમને પૂછ્યા વગર તે પાણી પણ પીતી નહિ.
નિલમની જેમ તેનું માન પણ સાસરીમાં દિવસે ને દિવસે વધતું જતું હતું. નીમાને આ વાત ખુંચતી હતી. અનિષને ધંધાના કામે અવાર-નવાર બહારગામ જવાનું થતું. અનિષના કાકાનો દિકરો સંજય અનિષના જેટલો જ હતો જે અવારનવાર અનિષના ઘરે આવતો અને અનિષ અને નમ્રતાની સાથે જ કોલેજમાં જ ભણતો એટલે બંનેનો સારો એવો મિત્ર પણ હતો. નમ્રતા તેની સાથે છૂટથી બોલતી અને મજાક-મસ્તી કરતી તે નીમાને ખમાતું નહિ અને તેણે બંનેની ખોટી વાત પણ ઉડાડી. પણ અનિષ તેમ કાચા કાનનો ન હતો અને તેને પોતાની નમ્રતા ઉપર ખૂબજ વિશ્વાસ હતો તેથી તેણે નીમાની વાતને જડમૂળથી વખોડી કાઢી અને ફરીથી કોઈ પણ દિવસ પોતાની પત્ની ઉપર કોઈએ આવો અવિશ્વાસ પણ કરવો નહિ કે આવી કોઈ વાત પણ ઉડાડવી નહિ તેમ પણ કહી દીધું. હવે આગળ.....