યોગ-વિયોગ - 73 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 73

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૭૩

ઓરડાની બત્તી બુઝાઈ ગઈ પણ વસુમાની આંખો જલતી રહી.

એમને સૂર્યકાંતનો સવાલ રહી રહીને સંભળાતો રહ્યો, ‘‘હવે તારે કોઈ જવાબદારી નથી, હવે શું બાંધે છે તને ?’’

વસુમા સવાર સુધી લગભગ જાગતાં રહ્યાં અને પોતાની જાતને એ જ સવાલ રહી રહીને પૂછતાં રહ્યાં...

‘‘ખરેખર મારે કોઈ જવાબદારી નથી ? તો પછા કયા બંધને, કયા કારણે હું અહીં છું ?’’

આ વિચારનું બીજ વસુમાના મનમાં પડ્યું એ પછી એ કંઈકેટલીયે સ્મૃતિની ગલીઓમાંથી પસાર થયાં હતાં. આખી રાત જાણે એમણે જીવાયેલી જિંદગીને એક સરસરી નજરથી રિવાઇન્ડ કરીને જોઈ હતી.

એમને રહી રહીને એક જ વિચાર ઊઠતો હતો, ‘‘જો બધું જ પૂરું થઈ ચૂક્યું છે તો હવે મારે મારી દિશા શોધવી રહી.’’

એમના મને જ એમને જવાબ આપ્યો, ‘‘કઈ દિશા વસુ ? તારો પતિ, તારું કુટુંબ, આ ગોઠવાયેલી જિંદગી અને સુખનો વરસતો વરસાદ. આ સિવાયનીકઈ દિશા શોધવાની બાકી છે તારે ?’’

એમના જ મને સવાલ પૂછી નાખ્યો, ‘‘શું દરેક જીવનનું સાર્થક્ય આટલું જ હોય છે ? વસુ એક મા, વસુ એક પત્ની, વસુ એક સાસુ કે દાદી... તો વસુ નામની વ્યક્તિનું શું ?’’

‘‘આ તો એ જ વ્યક્તિના જુદા જુદા રૂપ છે.’’ એમના મને દલીલ કરી, ‘‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા વસુ, અંતે તો હેમનું હેમ હોયે.’’

‘‘પણ એ હેમ ક્યાં છે ? એનો કોઈ આકાર, કોઈ સ્વરૂપ તો હશે ને? મારે જાણવું છે એ રૂપને...’’

‘‘એ રૂપ એટલે જ તું વસુ...’’ એમનું મન એમને સમજાવી રહ્યું હતું અને સાથે સાથે જિંદગીના કેટલાય પ્રસંગો નજર સામે ઉજાગર થતા હતા.

‘‘વસુંધરા...’’ વિવેકે એક દિવસ એમનો હાથ પકડીને કહ્યું હતું, ‘‘તું અદભુત સ્ત્રી છે... જિંદગી આખી શોધ્યા કરો અને તોય તમને ના મળે એવી અદભુત સ્ત્રી. મારી સાથે જીવી શકીશ ?’’

અને વસુંધરાએ એને હળવેકથી હાથ છોડાવીને કહ્યું હતું, ‘‘વિવેક, તું ખૂબ સારો માણસ છે. મારો મિત્ર છે... પરંતુ...’’

‘‘પરંતુ શું ?’’ વિવેકની એ આંખો આજે પણ વસુમાની સામે તરવરી રહી હતી.

વિવેક એક બહુ મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર હતો. એના ભાઈની દીકરી વસુમાના ક્લાસમાં ભણતી હતી. વિવેક અપરિણિત હતો. ભાઈની દીકરી માટે ખૂબ વહાલ હોવાને કારણે એના વિકાસમાં રસ લેવાના હેતુથી વારંવાર સ્કૂલે આવતો...

ધીમે ધીમે એની અને વસુમાની ઓળખાણ થઈ હતી. પછી તો એ અવારનવાર શ્રીજી વિલા આવતો. અજય અને અલયની પ્રગતિમાં-અભ્યાસમાં રસ લેતો. ખાસ કરીને અલયને એની સાથે બહુ ફાવતું...

સરખા રસના વિષયો, વાંચન અને જીવનની ફિલોસોફી વિશે વાતો કરતા કરતા અચાનક જ એક દિવસ વિવેક વસુંધરાને પૂછી નાખ્યું હતું, ‘‘મારી સાથે લગ્ન કરીશ વસુ ?’’

‘‘વિવેક !’’

‘‘ખરેખર કહું છું. તારાં ચારેય સંતાનોની જવાબદારી લઈશ. તને કોઈ તકલીફ નહીં પડવા દઉં.’’

‘‘વિવેક, મેં ક્યારેય પુરુષને મારો આધાર નથી માન્યો... એ હોય તો જ કુટુંબ ચાલે, એ જવાબદારી લે તો જ સંતાનો ઉછરે એવું કોઈ દિવસ મને લાગ્યું જ નથી.’’

‘‘જાણું છું...એ જાણ્યા પછી જ આ કહું છું તને...

‘‘મા અને પિતા બંને હોય તો કદાચ સંપૂર્ણ ઉછેર થઈ શકતો હશે, હું ના નથી પાડતી, પણ સ્ત્રી- એકલી સ્ત્રી, પોતાનાં સંતાનોને જે ઉછેર કરે એમાં કશું અધૂરું રહી જ જાય એવું મને નથી લાગતું. એમના પિતા હોત તો સારું જ થાત, પણ નથી એટલે એ દયામણાં છે કે અધૂરાં છે એવો અહેસાસ મેં એમને ક્યારેય નથી થવા દીધો.’’

‘‘વસુ, તારા પર દયા ખાઈને કે તારાં સંતાનોને એક બાપની જરૂર છે એવું માનીને નથી કહેતો આ... ખરું પૂછે તો મને તારી જરૂર છે.’’

‘‘વિવેક.’’ આજે પણ એ શબ્દો યાદ કરતાં વસુમાને જાણે ગળામાં ડૂમો ભરાઈ ગયો, ‘‘હું સૂર્યકાંતને ચાહું છું... અને મને શ્રદ્ધા છે કે આજે નહીં તો કાલે એ પાછા ફરશે.’’

‘‘ત્યાં સુધી રાહ જોઈશ તું ?’’

‘‘ના... હું રાહ નથી જોતી એમની. સમય તો વહ્યા જ કરે છે. તમે ઇચ્છો તો પણ અટકાવી નથી શકતા. આ જ પ્રવાહમાં વહેતા વહેતા કોઈ એક દિવસ, કોઈ એક વળાંકે એ મળી જશે મને એ વિશ્વાસે જીવું છું.’’

‘‘વિશ્વાસ ? એનાથી છેતરામણો શબ્દ કોઈ નથી વસુ ! જે વિશ્વાસે એમનો હાથ પકડીને તું અહીંયા આવી એ વિશ્વાસ તો ક્યારનો ચૂરચૂર થઈ ગયો. હવે કયા વિશ્વાસની વાત કરે છે તું ?’’

‘‘મને મારામાં શ્રદ્ધા છે, મારા પત્નીત્વના સંવેદનમાં શ્રદ્ધા છે. મેં જે તીવ્રતાથી આ ખાલીપો અનુભવ્યો છે એ તીરની જેમ એમને પણ ખૂંચ્યો જ હશે. લ્હાય જેવી પથારી પર જે પડખાં ઘસ્યાં છે મેં એની ઝાળ એમને પણ લાગી જ હશે...’’

‘‘તારા પતિ જાણે છે તારી આ શ્રદ્ધાને ? એમના માટેની તારી આ લાગણીને ?’’

‘‘જાણતા જ હશે...’’

‘‘ન જાણતા હોય તો હું જણાવીશ એમને... તું કહે તો હું શોધી આપુંં તારા પતિને.’’

‘‘મારે શોધવા હોય તો સાતમા પાતાળમાંથી શોધી કાઢું એમને.’’ વસુમાના ચહેરા પર સ્મિત આવી ગયું હતું, ‘‘એક વાર શોધવા નીકળો તો ભગવાન પણ મળી આવે. કાન્ત તો માણસ છે આખરે.’’

‘‘તો ?’’

‘‘હું એમને ત્યારે શોધીશ, જ્યારે મારી બધી ફરજો પૂરી થઈ જાય. જ્યારે એક વ્યક્તિ વિના ના જીવી શકાય ત્યારે તો સૌ શોધે, પોતાની જરૂરિયાતે... હું એમને ત્યારે શોધીશ જ્યારે હું આ બધામાંથી મુક્ત થઈ જઈશ.’’

‘‘તને ક્યારેય એમને બોલાવવાની ઇચ્છા નથી થતી ? તારું મન ઝંખતું નથી એમને ? આ સંઘર્ષમાં, આ રોજેરોજની જિંદગી જીવવાની લડાઈમાં ક્યારેક કોઈકના ખભે માથું ઢાળીને એવું કહેવાનું મન નથી થતું, કે હવે તમે સંભાળી લો, હું થાકી છું.’’

‘‘હજી સમય નથી આવ્યો.’’

‘‘ક્યારે આવશે એ સમય ?’’

‘‘જ્યારે મારી બધી જવાબદારીઓ પૂરી થઈ જશે. મારામાંની મા મુક્ત થઈ શકશે ત્યારે એક સ્ત્રી, ત્યારે એક પત્ની જાગશે મારામાં.’’ વસુમાએ વિવેકને કહ્યું હતું.

‘‘ત્યારે પણ જો એ ના આવે તો?’’

વસુમા હસી પડ્યાં હતાં, અત્યારે પણ એમના ચહેરા પર સ્મિત આવી ગયું...

‘‘તો શું ?’’ એમણે પૂછ્‌યું હતું.

‘‘મળીશ મને ?’’ વિવેકની આંખોમાં કોણ જાણે કેવી આજીજી... કેવી ઇચ્છા, કેવી ઝંખના ઊતરી આવી હતી.

કંઈ જ બોલ્યા વિના વસુમા ક્ષણભર એની સામે જોઈ રહ્યાં હતાં.

એ દિવસ પછી વિવેકે ક્યારેય એમનો સંપર્ક નહોતો કર્યો. એમણે આરતી - વિવેકના ભાઈની દીકરીને પૂછ્‌યું ત્યારે એણે વિવેકના પરદેશ ચાલી ગયાના ખબર આપ્યા હતા.

એ પછી વિવેકનો એકમાત્ર પત્ર આવ્યો હતો. જેમાં લખેલી ચાર લીટીઓ વસુમાને ઊંડે સુધી કોરી ગઈ હતી.

‘‘મિત્રો હતા ત્યાં સુધી કોઈ સંકોચ નહોતો વસુ, પણ હવે પ્રેમ કરું છું તને, અને હવે પ્રેમથી ઓછું કશું ખપશે નહીં મને !

તારા જેવી સ્ત્રીને જાણ્યા પછી એને પ્રેમ કર્યા વિના કેમ રહી શકાય, અને પ્રેમ કર્યા પછી એના વિના કેમ જીવી શકાય ? આ સવાલ મારે તારા પતિને પૂછવો છે- જો ક્યારેક મળે તો.

જાઉં છું... મારા વશમાં હશે ત્યાં સુધી પાછો નહીં આવું.

- વિવેક.’’

કોઈ દિવસ નહીં ને આજે કોણ જાણે કેમ વસુમાને આ પ્રસંગ યાદ આવી ગયો હતો. એમનામાંની મા, પછી પત્ની અને હવે સ્ત્રીના જાગવાનો સમય હતો કદાચ, એટલે ?

વિવેકના ચાલી ગયા પછી વસુમાએ ક્યારેય એની તપાસ નહોતી કરી, એમને જરૂર પણ નહોતી લાગી. એ પછીનાં કેટલાંય વર્ષો સરોવરના શાંત જળની જેમ સ્થિર, કોઈ હરકત વિનાના, હલચલ વિનાનાં વહી ગયાં હતાં.

વસુમાની સ્કૂલ અને એમનો ક્લાસ... વર્ષોવર્ષ બદલાતા વિદ્યાર્થીઓ, પોતાનાં બાળકોનું ભણવાનું, એમની જરૂરિયાતો, સમયની ખેંચાખેંચ... સવારથી સાંજ ને સાંજથી સવાર...

ફરી એક વાર સવાર, ને ફરી એક વાર સાંજ પડતા રહ્યા હતા.

વિવેકના અનુભવ પછી વસુમાએ કોઈ પુરુષને મિત્ર બનાવવાનું ટાળ્યું હતું. એમની આસપાસ જીવતા, એમને રોજેરોજ મળતા એવા કેટલાય પુરુષોના ચહેરાઓ હતા, જે વસુમાની આંખોમાં જોવાનો, એમના મનનો તાગ લેવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ વસુમાએ જાણે પોતાની ઝંખનાનાં કમાડ વાસી દીધાં હતાં...

એમની સુંદરતા સ્વાભાવિક જ અજાણ્યા પુરુષોને એમની નજીક ખેંચી લાવતી. જે એમને ઓળખે, જાણે કે સમજી શકે એવા તમામ પુરુષોને માટે વસુંધરા એક એવો પ્રશ્ન બની રહેતી, જેનો ઉત્તર શોધવા એ મરણિયા પ્રયાસો કરતા.

બુદ્ધિશાળી, ધનવાન, વગદારથી શરૂ કરીને પડોશમાં લોકો રહેતા લોકો સુધીના તમામ પુરુષો સહાનુભૂતિથી, પ્રેમથી, દોસ્તીથી કે દયાથી વસુમાને જીતવાનો પ્રયાસ કરતા રહ્યા...

...પરંતુ વસુંધરા કોણ જાણે કઈ માટીની બની હતી ! ન એના મને બળવો કર્યો કે ન ક્યારેય એના શરીરે એની નબળી ક્ષણ ઉપર કાબૂ લીધો.

હા, ક્યારેક એકાંત એકલતા બની જતું...

તરફડાટ એટલો વધી જતો કે પીડા આરપાર વીંધતી...

સંતાનોના સવાલો, પડોશીઓની, સગાંઓની આંખો, ક્યારેક જ કાને પડતી ગુસપૂસ અને અરીસામાં દેખાતો ચહેરો એમને વિચલિત કરી નાખતા.

પણ એમણે એક વાત નક્કી કરી હતી, ‘સંઘર્ષયામિ પ્રતિદિને!’ રોજેરોજની સવાર રોજેરોજનો સવાલ લઈને આવતી અને એ સવાલનો ઉત્તર શોધવામાં રોજ એક નવો સંઘર્ષ ઊગીને આથમી જતો.

એ દરમિયાન અચાનક એક દિવસ અલયના એક સવાલે એમને નખશિખ હલબલાવી મૂક્યા હતા.

પથારીમાં સૂઈને છત તરફ તાકી રહેલાં વસુમાને આજે પણ એ સવાલ યાદ આવ્યો તો હૃદયમાં કશું બટકીને તૂટી ગયાની લાગણી થઈ.

અલય ત્યારે તેર-ચૌદ વર્ષનો હશે, કદાચ. જિંદગીને થોડી થોડી સમજવા લાગ્યો હતો... અજય અને અભય ઉપર જુદા ઓરડામાં સૂતા થઈ ગયા હતા. અંજલિને તો પોતાનો ઓરડો હંમેશાંથી જુદો જ જોઈતો...

એક અલય હતો, જે આવડો મોટો થઈને પણ માના ઓરડામાં એના પડખામાં એને વળગીને સૂવાની જીદ કરતો. વસુમા ક્યારેક હસતાં, ‘‘માવડિયો...’’

‘‘હા, એક નંબરનો.’’ અલય ચિડાયા વિના સ્વીકારી લેતો અને ક્યારેક ખૂબ લાગણીશીલ થઈ જતો, ‘‘મારે માટે તો મા પણ તું છે ને બાપ પણ. મારો તો ભગવાન પણ તું જ છે...’’ અલય વસુમાના ગળામાં હાથ નાખી દેતો. વસુમાથી પણ ચાર આંગળ ઊંચો થઈ ગયેલો અલય એમને વળગીને પથારીમાં સૂતો હતો ત્યારે એક વાર એણે પૂછ્‌યું હતું.

‘‘મા, અમે ના હોત તોય તેં બાપુની રાહ જોઈ હોત ?’’

‘‘હા.’’

‘‘કેમ ?’’

‘‘કારણ કે હું એમને ચાહું છું.’’

‘‘અને એ ?’’

‘‘એ પણ, કદાચ...’’ વસુમાને પોતાનો અવાજ સહેજ ધ્રૂજતો જણાયો હતો.

‘‘એ ખરેખર તને ચાહતા હોત તો છોડીને કેમ ગયા ? ને ગયા તો પાછા કેમ ના આવ્યા ?’’

અલયનો આ સવાલ વસુમા માટે પોતાની શ્રદ્ધાના પાયા હચમચાવનારો નીવડ્યો હતો. પોતાની શ્રદ્ધા આવા સવાલથી વિખરાઈ જશે એવી એમને કલ્પના પણ નહોતી ! પરંતુ અલયના આવા સાદા સવાલે એમની અંદર એક ધ્રુજારી પેદા કરી દીધી હતી.

પોતાની વીખરાયેલી શ્રદ્ધાને સમેટીને ફરી એક વાર મજબૂત કરતા એમને ખાસ્સી તકલીફ પડી હતી એ વાત અત્યારે એમને બરાબર સમજાતી હતી.

ત્યારે અલયે એમને પૂછ્‌યું હતું, ‘‘બાપુ પાછા આવશે ?’’

‘‘જરૂર આવશે.’’ વસુમાએ જાણે પોતાની જાતને સમેટતાં હોય એમ અલયને સહેજ નજીક ખેંચ્યો હતો.

‘‘પણ એ જ્યારે આવશે ત્યારે એમની જરૂર નહીં રહેને મા ?’’

‘‘બેટા, એમની જરૂર તો સદાય રહેવાની. આપણા કુટુંબનો ભાગ છે એ. મારા પતિ, તમારા પિતા...’’

‘‘મા, આપણી સાથે રહેતા હોત તો કદાચ પતિ અને પિતા તરીકે જગ્યા હોત એમની... પણ ધીમે ધીમે આ ઘરમાં એમની જગ્યા નથી રહી એવું નથી લાગતું તને ? એમણે કરવાનું બધું તો તેં કરી લીધું... હવે એમની ખરેખર શી જરૂર છે ?’’ પછી આંખ મીંચીને ઊંઘવાનો પ્રયત્ન કરતા જાણે છેલ્લું વાક્ય બોલતો હોય એમ એણે કહ્યું હતું, ‘‘એ આવશે તો પણ મને બહુ ફેર નહીં પડે... હું તો તારો દીકરો છું. અલય વસુંધરા મહેતા- નામ છે મારું.’’

વસુમાએ ચોંકીને અલય સામે જોયું હતું. એમને આ ક્ષણે પહેલી વાર સમજાયું હતું કે અલયમાં વિદ્રોહ ઠાસી ઠાસીને ભરાઈ ચૂક્યો હતો.

વસુમા જાણે વીતેલા દિવસોમાંથી આરપાર પસાર થઈ રહ્યાં હતાં. સૂતી વખતે સૂર્યકાંતે જ્યારે એમને સવાલ પૂછ્‌યો ત્યારે એમને કલ્પના નહોતી કે આ સવાલ આટલી વેધકતાથી અને આટલી તીવ્રતાથી એમના મનમાં આટલે ઊંડે ઊતરી જશે !

અને સૂર્યકાંતે પણ જ્યારે આ સવાલ પૂછ્‌યો ત્યારે એમને પણ કલ્પના નહોતી કે આ સવાલ વસુમાની અંદર શારડીની જેમ ઊંડો ને ઊંડો ઊતરતો જશે, અને ભૂતકાળનાં કેટલાંય પડ ભેદીને કંઈ કેટલુંયે દટાયેલું સત્ય બહાર લઈ આવશે.

એમણે જોયું કે વસુમા થોડાં વિચલિત થયાં હતાં, પરંતુ વસુમાની સ્વસ્થતા પર ભરોસો કરીને એમણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, જ્યારે એમણે રાતના બે-ચાર વાર આંખ ઉઘાડી ત્યારે વસુમાને છત તરફ તાકતાં જોયાં ત્યારે એમને સમજાઈ ગયું હતું કે એમના સવાલે એમની વસુને છેક ભીતર સુધી ઝકઝોરી મૂકી હતી.

વસુમા સાથે રહીને સૂર્યકાંત એક વાત તો શીખ્યા જ હતા કે જે પળ વીતી ગઈ તેનો અફસોસ ના કરવો. પુછાયેલા સવાલ પછી હવે એ વિશે આગળ ચર્ચા કરવાનો કોઈ અર્થ નહોતો એ વાતની સૂર્યકાંતને જાણ હતી અને એટલે જ વસુમાના એકાંતને છંછેડ્યા વિના એમણે પણ આખી રાત તંદ્રામાં ગાળી નાખી...

નીરવ અને લક્ષ્મી ડાઇનિંગ ટેબલ પર બેસીને લિસ્ટ બનાવી રહ્યાં હતાં. રિયા સેન્ડવિચીસ બનાવીને બહાર આવી. બરાબર એ જ વખતે કોફીમશીનનું બઝર વાગ્યું.

રાતના સાડા આઠ થવા આવ્યા હતા.

‘‘સવારથી બેસીને લિસ્ટ બનાવો છો બેય જણા, હજુ ઠેકાણું નથી પડ્યું ?’’

‘‘આ તમારો છોકરો જુઓને...’’ લક્ષ્મીએ ટેબલ પર મૂકેલું પેડ રિયા તરફ ધકેલ્યું, ‘‘હું પચીસ નામ લખું તો એ છવીસ નામ ઉડાડે છે.’’

‘‘અરે આટલા બધા માણસોને તો કંઈ લગ્નમાં બોલાવાય ?’’ નીરવે સેન્ડવીચ ઉપાડીને ખાવા માંડી. રિયાએ કોફીમશીનમાંથી ત્રણ મગમાં કોફી રેડી અને મિલ્ક પોટ નીરવ તરફ ધકેલ્યો.

‘‘નીરવ, આ લગન છે...’’

‘‘એ જ તો હું પણ કહું છું- આ લગન છે. કોઈ એક્ઝિબિશન કે મેળો નથી.’’

‘‘તો તારે શું કરવું છે ?’’

‘‘મા... મારે માટે લગ્ન એ ખૂબ અંગત પ્રસંગ છે. જેને ખરેખર રસ હોય એ સિવાયના ઢગલો માણસ ભેગા કરીને શું સાબિત કરવાનું ?’’ પછી લક્ષ્મી સામે જોઈને આંખ મીચકારી, ‘‘છૂટાછેડાની પાટર્ી કરીશું ત્યારે બધાને બોલાવીશું.’’

‘‘ચૂપ રહે.’’ રિયાએ કહ્યું અને નીરવને ટપલી મારી, ‘‘તારા બાપનું ચાલે તો ધૂમાડાબંધ ગામ જમાડે.’’

‘‘ધૂમાડાબંધ ?’’ લક્ષ્મીએ કોફી સીપ કરી.

‘‘હા બેટા, ગામડામાં ચૂલો સળગે એટલે ધુમાડો થાય. આખા ગામના કોઈ ઘરમાં ચૂલો ના સળગે એવું જમણ એટલે ધુમાડાબંધ જમણ...’’

‘‘વી.પી. સાથે મારે કોઈ વાત નથી કરવી.’’ નીરવે લક્ષ્મી સામે જોઈને જરા ગંભીર થઈને કહ્યું, ‘‘મારે ટોળું ના જોઈએ એટલે ના જોઈએ.’’

‘‘આ બાપ-દીકરા વચ્ચે હું મરી જવાની. આના પક્ષમાં બોલીશ તો વિષ્ણુનું મગજ જશે અને વિષ્ણુને ગમે એવું કંઈ કરીશું તો આને નહીં પોસાય...’’ એણે લક્ષ્મી સામે જોયું, ‘‘હવે તું જ કહે.’’

‘‘નીરવ.’’ લક્ષ્મી જરા લાગણીવશ થઈ ગઈ, ‘‘મારા ડેડીની પણ બહુ ઇચ્છા છે કે મારાં લગ્ન ધામધૂમથી થાય. રોહિતના ગયા પછી ડેડી...’’ એની આંખોમાં સહેજ ભીનાશ ઊતરી આવી. રિયાએ ટેબલ પર પડેલા એના હાથ પર પોતાનો હાથ મૂક્યો.

‘‘નીરવ...’’

‘‘નો.’’ નીરવે લક્ષ્મી સામે જોયું, ‘‘મારાં લગ્ન પાંચ માણસની હાજરીમાં થશે.’’

‘‘પાંચ ?’’

‘‘તારા મા-બાપ... મારા મા-બાપ... અને અલય.’’

‘‘શ્રેયા ?’’

‘‘ના.’’

લક્ષ્મી અને રિયાએ સામસામે જોયું. બંને જણા નીરવની જીદ જાણતાં હતાં એટલે લાંબી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી એની એમને સમજ તો હતી જ. વળી છેલ્લા થોડા દિવસથી આ વિશે લગભગ રોજ ચર્ચા થતી હતી અને નીરવ પોતાની આ વાતમાં નાનકડી બાંધછોડ કરવા પણ તૈયાર નહોતો. એટલે આખરે શું થવાનું છે એની બંનેને કલ્પના આવી જ ગઈ હતી.

અજય જમવા બેઠો ત્યારે એની આંખો ચકળવકળ થઈ ગઈ.

‘‘આ બધું શું છે ?’’

જાનકીએ બે મીઠાઈ, ત્રણ શાક, દાળ-ભાત, પૂરી, કચુંબર, ચટણી, પાપડથી ભરેલી થાળી પીરસી હતી.

‘‘કોઈ જમવા આવવાનું છે ?’’ અજયે નવાઈથી પૂછ્‌યું. જાનકીએ માથું ધુણાવીને ના પાડી. અજયે ધ્યાનથી જોયું તો એની આંખો રડેલી હતી. નાકનું ટોપકું લાલ અને આંખોમાં હજીયે લાલ ટશિયા અકબંધ હતા.

‘‘શું થયું છે ?’’ અજયે પહેલી વાર જાનકીને આવી જોઈ હતી.

‘‘કંઈ નહીં.’’ જાનકીએ ડોકું ધુણાવ્યું.

‘‘કંઈ થયા વિના આટલું બધું રડવું આવ્યું ?’’

‘‘આજે અલયભાઈનાં લગ્ન થયાં...’’ કહેતાં કહેતાં તો જાનકીને ફરી ડૂસકું આવી ગયું.

‘‘તે ? તું તો પરણી ગઈ મારી જોડે...’’ અજયે એના ગાલ પર હળવી થપાટ મારી, ‘‘તું શું કામ રડે છે ?’’

‘‘મને કેટલો ઉત્સાહ હતો એમનાં લગ્નનો.’’

‘‘લો બોલો...’’ અજયના હૃદયમાં નાનકડી પીડા ઊઠી પણ એને હસવું આવી ગયું, ‘‘આ સ્ત્રીઓ કઈ કઈ બાબતે રડે છે તે હજુ મને સમજાયું જ નથી.’’ એણે જાનકીના હાથ પર હાથ મૂક્યો, ‘‘આપણે તો ખુશ થવું જોઈએ કે આખરે અલય શ્રેયાને પરણી ગયો. બેય જણા સુખી થાય...’’ એણે કહેતાં તો કહ્યું, પણ ભાઈનાં લગ્નમાં ન જઈ શકાયાનો અફસોસ એના ચહેરા પર સાફ ઝળકતો હતો.

‘‘સુખી તો થશે જ ને...’’ જાનકીએ બાજુમાં પડેલો રૂમાલ લઈને નાક લૂછ્‌યું, ‘‘અનુપમા...’’ એને ફરી ડૂસકું આવી ગયું.

‘‘મેં ન્યૂઝ જોયા.’’ અજયે જાનકીની સામે જોયું. એની નજર સામે પણ અનુપમા જે રીતે પહેલી વાર શ્રીજી વિલા આવી હતી અને એ પછી જે રીતે એમની સાથે હળીમળી ગઈ હતી એ દૃશ્યો તરવરી ઊઠ્યાં, ‘‘મરવાની ઉંમર નહોતી એ છોકરીની.’’

‘‘કોઈ પણ ઉંમર મરવાની નથી હોતી અજય ! પણ આણે તો હજી જિંદગી જોવાની શરૂ કરી હતી. પ્રેમ માણસને આટલા બધા વિવશ કરી નાખતો હશે ? ઓશો કે કૃષ્ણમૂર્તિ વાંચીએ ત્યારે લાગે કે પ્રેમ તો વિશ્વવ્યાપી ઇમોશન છે... રાધા કે મીરાંનો વિચાર કરીએ તો પ્રેમનો સંદર્ભ જ બદલાઈ જાય, પણ આ છોકરીનેય ખોટી કેમ કહેવાય ?’’

અજય જાનકી સામે જોઈ રહ્યો, ‘‘જાનુ, દરેક માટે પ્રેમની વ્યાખ્યા જુદી હશે, નહીં ? પણ આ છોકરી અલયને આટલો પ્રેમ કરતી હશે, કરી શકે એ મારી કલ્પના બહાર હતું.’’

‘‘પ્રેમ તો આમ જ થાય અજય...’’ જાનકીની આંખો ફરી ભરાઈ આવી. પાણી માથા પરથી પસાર થઈ જાય ને તમે ડૂબી જાઓ, તરવાનો પ્રયત્નય ના કરો, ઊલટાના વધુ ને વધુ ઊંડા ઊતરતા જાવ એનું જ નામ પ્રેમ. હું અને તું ના રહે, એનું જ નામ સાચો પ્રેમ.

‘‘અનુપમાનો વિચાર કરું છું ને અકળામણ થઈ જાય છે. જાણે ઘેર જવાનું મન થઈ જાય છે. અલયે કેમ હેન્ડલ કરી શકે આ બધી સિચ્યુએશનને. શ્રેયાને શું થયું હશે ? આવા વિચાર કરું છું તો જાણે છાતીમાં દુઃખવા આવી જાય છે મને. ’’ અજયે કહ્યું અને ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું. આપણાથી જાણે કશું થઈ શકતું નથી એ વાતની પીડા કોરી ખાય છે.

‘‘અજય, ઘરથી દૂર ગયા પછી જ સમજાય છે કે ઘર શું છે ? જોકે મારે માટે તો ઘરનો અનુભવ તારા ઘરથી જ શરૂ થયો... હું તો અનાથ આશ્રમમાં...’’ જાનકીની આંખો ફરી ભરાઈ આવી.

‘‘હા, હવે મને બાપુની પીડા અને તકલીફ બંને સમજાય છે. એ અહીંયા રહીને કમાયા, સુખી થયા એ બધી વાત સાચી, પણ સામે એમણે જે ખોયું છે એ નુકસાન કશાયને સાટે ભરપાઈ થાય એવું નથી.’’

‘‘અજય, આપણે બધું સમેટીને...’’

‘‘ચૂપ. અહીં આવ્યા ત્યારે તેં જ કહ્યું હતું કે- જન્મભૂમિ અને કર્મભૂમિ બંને જુદા છે. હોઈ શકે- આ મારી કર્મભૂમિ છે. હું પૂરેપૂરો સફળ થયા વિના આ દેશ નહીં છોડું એ નક્કી છે. એમ નાના નાના લાગણીવેડામાં હારીને ઘરભેગો થઈ જાઉં તો સૌથી પહેલાં મારી મા જ મને માફ નહીં કરે.’’ અજયની સામે વસુમાનો મક્કમ છતાં માયાળુ ચહેરો તરવરી ગયો. એણે ક્ષણેક આંખો મીંચી. અલયના સુખ માટે અનુપમાની શાંતિ માટે એણે ઈશ્વરને પ્રાર્થના કરી અને પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે એને પણ ડૂમો ભરાઈ ગયો હતો.

અનુપમાના મૃત્યુને લઈને છાપાંઓએ ખૂબ હોબાળો કર્યો. કેટલાય દિવસ સુધી એના ઉપર જાતજાતના ન્યૂઝ બન્યા, સવાલ-જવાબ થયા, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરથી માંડીને પોલીસ, અનુપમાના સહકાર્યકરો, અલયના યુનિટના સ્પોટબોય સુધીના ઇન્ટર્વ્યૂ ટી.વી. પર ચમક્યા... ચમકતા રહ્યા.

વચ્ચે વચ્ચે ક્યારેક અલય વિચલિત થઈ જતો, પણ શ્રેયાનું વહાલ અને વસુમાના અભિગમથી એનામાં ફરી એક વાર હિંમત આવતી.

અનુપમાના મૃત્યુથી એની ફિલ્મને નહીં ધારેલો ફાયદો થયો હતો. ટિકિટબારી પર ટંકશાળ પડી હતી. અનુપમાના મૃત્યુના સમાચારની સાથે સાથે ટી.વી. પર દેખાડાતી ફિલ્મની ક્લિપિંગ્સ વધારાના પ્રોમોનું કામ કરી ગઈ હતી.

અને ઊગતા સૂરજને પૂજતી આ ઇન્ડસ્ટ્રીએ અલયને લગભગ માથે બેસાડી દીધો હતો. અલયને ઘેર રોજ પ્રોડ્યૂસરની લાઇનો લાગવા લાગી હતી. અલયે જૂહુમાં પોતાની ઓફિસ લઈ લીધી હતી. એક પ્રોડ્યૂસરે સાઇનિંગ અમાઉન્ટના બદલામાં થાઉઝન્ડ સ્ક્વેરની ઓફિસ અલયને ભેટ આપી હતી...

દસ જ દિવસમાં પરિસ્થિતિએ ૧૮૦ ડિગ્રીની કરવટ લીધી હતી ! બદલાતા સમયને અને એના રંગને વસુમા ખૂબ જ ધીરજથી, અલય આશ્ચર્યથી, શ્રેયા ગર્વથી, સૂર્યકાંત તૃપ્તિથી, અભય આનંદથી અને વૈભવી અહોભાવથી જોઈ રહ્યાં હતાં.

સમય પડખાં બદલતો રહ્યો.

બધું જ એની ગતિએ, એના પ્રવાહમાં વહેતું રહ્યું.

ઘણા દિવસ સુધી ઘર જાણે એક રૂટિનમાં ગોઠવાયેલું ચક્ર હોય એમ રોજિંદી ઘટનાઓ બનતી રહી...

આ બધા દરમિયાન સૂર્યકાંત જોઈ શકતા હતા કે વસુમા વારે વારે કોઈ ઊંડા વિચારમાં પડી જતાં. પૂછવા છતાં જવાબ ના આપતાં.

રાત્રે પણ મોડે સુધી જાગતાં રહેતાં અથવા વહેલી સવારે ઊઠીને બગીચામાં આંટા મારતાં...

એમની અંદર કશુંક ખળભળી રહ્યું હતું, કશુંક ખૂબ અશાંત એવું હતું કે જે એમને નખશિખ વલોવી નાખતું હતું. સૂર્યકાંતે જાણવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ વસુમાએ આ વખતે પોતાનું મન નહીં ખોલવાનો નિર્ણય કર્યો હતો જાણે, અથવા જ્યાં સુધી નિર્ણય ના કરે ત્યાં સુધી મન નહોતું ખોલવું એમને ?

આજે સવારે સૂર્યકાંતે પથારી છોડી ત્યારથી શરૂ કરીને એમના મનમાં એક જ વિચાર હતો.

‘‘આજે વસુના મનમાં શું છે એ જાણવું છે મારે.’’ પોતાના ઓરડામાંથી બહાર નીકળતી વખતે સૂર્યકાંતે એક સરસ મજાનું સ્મિત પોતાના હોઠ પર ચીપકાવી લીધું અને રૂમની બહાર નીકળ્યા. વૈભવી નાસ્તાનું ટેબલ તૈયાર કરતી હતી અને લજ્જા એમને મદદ કરતી હતી.

‘‘વસુ ક્યાં છે ?’’ સૂર્યકાંતે પૂછ્‌યું અને બરાબર એ જ વખતે વસુમા અંદર દાખલ થયાં. ઉપરથી અભય અને અલય લગભગ સાથે જ નીચે ઊતર્યા. શ્રીજી વિલાનું ડાઇનિંગ ટેબલ ફરી એક વાર લગભગ આખું ભરાઈ ગયું.

જાનકી અને અભયની ખાલી ખુરશીઓ જોઈને શ્રેયાથી બોલ્યા વિના ના રહેવાયું, ‘‘આઇ રિયલી મિસ અજયભાઈ.’’

‘‘એની ખુરશીઓ ખાલી છે એટલે કદાચ એ યાદ વધુ તીવ્ર થઈને વાગે છે. કાલથી આ ખાલી ખુરશીઓ અહીંયા નહીં રાખતા.’’ વસુમાએ કહ્યું, ‘‘ખરેખર માણસની સ્મૃતિ કરતાં એની ખાલી પડેલી જગ્યાનો ખાલીપો વધારે ભયાવહ અને પીડાદાયક હોય છે.’’

આટલું કહેતાં જ એમને પોતાના સસરા દેવશંકર મહેતાનો ચહેરો નજર સામે આવીને નીકળી ગયો. આજે આ બધાં જ છોકરાંઓ સાથે સૂર્યકાંત મહેતાનું સુખી કુટુંબ જોઈને એમને કેટલો સંતોષ અને શાંતિ થયા હોત... એમણે વિચારને ધકેલીને ચા પીવા માંડી.

સૂર્યકાંત ક્યારનાય વસુમાની સામે જોઈ રહ્યા હતા.

એમણે ધીમેથી કહ્યું, ‘‘હું આજથી દેવશંકર મહેતા ટ્રસ્ટનું કામકાજ શરૂ કરવાનો છું. અભય, મને એક ઓફિસની જરૂર છે.’’

‘‘આપણે દસ-પંદર દિવસમાં ખરીદી લઈશું.’’ અભયે આરોહ-અવરોહ વિના કહ્યું, ‘‘હું કહી રાખીશ બે-ચાર જણાને.’’

‘‘હું અને વસુ એ ઓફિસે બેસીશું.’’ વસુમાએ ચોંકીને સૂર્યકાંત સામે જોયું.

‘‘હું ?’’

‘‘હા કેમ, તું મારી સાથે કામ નહીં કરે ?’’ સૂર્યકાંતે સ્મિત કરીને વાત આગળ વધારી.

‘‘વસુ, દેવશંકર મહેતા ટ્રસ્ટના નામે મેં સારા એવા પૈસા મૂક્યા છે. હું ઇચ્છું છું કે આ પૈસા આપણી નાતમાં શિક્ષણ માટે, ગરીબોની દીકરીઓનાં લગ્ન માટે અને બીમારની દવાઓ માટે વપરાય.’’

અલય ધ્યાનથી વસુમાનો ચહેરો જોઈ રહ્યો હતો. એમના ચહેરા પર એક રેખાય બદલાઈ નહોતી. એ થોડી વાર ધ્યાનથી જોતો રહ્યો. પછી એણે આંખો ઝીણી કરી અને વસુમાના ચહેરા પર નજર નોંધી, ‘‘મા...કેટલાય વખતથી તને આવાં કામો કરવાની ઇચ્છા હતી ને ?’’

વસુમા કશું જ ના બોલ્યાં. પોતાની ચા પૂરી કરીને, પોતાનો કપ લઈને ધીમા પગલે રસોડા તરફ ચાલી ગયા. સૂર્યકાંત એમની મક્કમ ચાલ, ખેંચાયેલા ખભા અને ટટ્ટાર શરીરને જોઈ રહ્યા...

(ક્રમશઃ)