યોગ-વિયોગ - 72 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 72

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૭૨

‘‘હું ક્યાં ખોટો હતો મા ?’’ રુંધાયેલા અવાજે વસુમાને વળગેલો અલય પૂછી રહ્યો હતો, ‘‘મેં એને બધું જ કહ્યું હતું- સત્ય. એને છેતરી નથી મેં. તો પછી... તો પછી એણે આવું કેમ કર્યું ?’’

ડાઇનિંગ ટેબલની આસપાસ ઊભેલા સૌના ચહેરા પર અલયનો જ સવાલ ઓછી-વત્તી તીવ્રતાથી પડઘાતો હતો અને સૌ પોતાના મનની આ ગૂંચવણનો જવાબ જાણવા વસુમાના જવાબની રાહ જોઈ રહ્યા હતા.

વસુમાનો હાથ હળવે હળવે અલયના વાળમાં ફરી રહ્યો હતો. એ પોતે પણ જાણે ઊંડા વિચારમાં પડ્યાં હતાં. એમનું મન જાણે આજથી ત્રણ દાયકા પહેલાંના સૂર્યકાંતને યાદ કરી રહ્યું હતું.

‘‘બેટા, જિંદગી જીવવાની ઘણી રીતો હોય છે. ઈશ્વર સૌને એકસરખી રીતે, એકસરખા પ્રેમથી અને એકસરખા મનુષ્ય બનાવીને મોકલે છે. આપણા સૌની પીડા એ છે કે ક્યાં જન્મ લેવો એ આપણા હાથમાં નથી હોતું. મોટા ભાગના સંબંધો આપણને જનમતાની સાથે રેડીમેડ - તૈયાર જ મળી જાય છે. મા, બાપ, દાદા, દાદી, ભાઈ, બહેન અને જેને લોહીના સંબંધ કહી શકાય એવાં સગાં... કેટલાક લોકો સમાધાનની એક ભૂમિકા સ્વીકારે છે અને કેટલાક જન્મથી જ વિદ્રોહને પોતાનો સ્વભાવ બનાવતા જાય છે.’’

‘‘મારી જેમ.’’ સૂર્યકાંતથી બોલ્યા વિના ના રહેવાયું.

‘‘વિદ્રોહી હોવું એ ગુનો નથી. પણ એ સ્વભાવને જો સાચી દિશામાં વાળવામાં આવે તો મોહનદાસમાંથી મહાત્મા ગાંધી જન્મ લે છે અને જો એ જ વિદ્રોહને જિંદગીના નાના નાના સુખ-દુઃખ સાથે જોડી દેવામાં આવે તો કદાચ અનુપમા જેવી પરિસ્થિતિ થાય છે.’’

‘‘હું પણ...’’ સૂર્યકાંતે અલયની સામેની ખુરશી અને ત્યાં ગોઠવાઈ ગયા, ‘‘હું પણ વિદ્રોહનું જ પરિણામ છું અલય, પિતાના કેટલાક નિયમો અને વધુ પડતી અપેક્ષાઓ... જિંદગી જીવવાનો મારો અભિગમ જુદો હતો, કદાચ. આજે જ્યાં ઊભો છું એને બદલે કદાચ જિંદગીની વધુ ઊંચાઈએ ઊભો હોત. જો મેં બીજાને સમજવાનો, ખાસ કરીને મારા પિતાને સમજવાનો પ્રયાસ કર્યો હોત તો.’’

વસુમા સૂર્યકાંતની સામે જોઈ રહ્યાં. આ એ જ સૂર્યકાંત હતા જેની સાથે દેવશંકર મહેતા વિશે વાત કરવા જતા આ જ ડ્રોઇંગરૂમમાં એમણે વસુમાને કહ્યું હતું, ‘‘એ મને શું એમની મિલકતમાંથી બેદખલ કરે, હું એમને મારા બાપ હોવામાંથી બેદખલ કરું છું. મારે દેવશંકર મહેતા સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી... તે નથી...’’

વસુમાની નજર સામે જાણે સસરાની ચિતાને અગ્નિદાહ દેતો પોતાનો હાથ, ચાંલ્લા વગરનું સાસુનું કપાળ અને એની નીચે પુત્રની પ્રતીક્ષામાં તગતગતી બે સૂની આંખો, ચંદ્રશંકરની ઘેલછાભરી પણ ભાઈને જોતાં જ ચમકી ઊઠતી બે આંખો આવીને જાણે ફ્લેશની જેમ ઝબકીને વિલાઈ ગઈ.

અલય શૂન્ય આંખે, પણ પિતા સામે જોઈ રહ્યો હતો, વસુમાથી સહેજ છૂટો પડ્યો હતો અને બીજાની વાત સાંભળવાની સહેજ તૈયારી બતાવતો હતો એ જોઈને વસુમાને આછી રાહત થઈ.

‘‘બેટા, દરેક દીકરો બાપને એમ કહેતો હોય છે કે તમે ખોટા છો. તમારી વાત ખોટી છે અને જ્યારે એને સમજાય છે કે પિતા સાચા હતા ત્યારે એનો પોતાનો દીકરો એને એ જ વાત કહેવા તૈયાર ઊભો હોય છે.’’

‘‘આમાં અનુપમા ક્યાં આવી ?’’ અલયની આંખો હજીયે જાણે અનુપમાનું નામ બોલતાં બુઝાઈ જતી હતી. મહિનાથી ઊંઘ્યો ના હોય અને કેટલાય દિવસોથી ખાધું ના હોય એવો નિસ્તેજ ચહેરો થઈ ગયો હતો અલયનો, ‘‘મા, મેં એને બધું જ સાચું કહ્યું હતું. ક્યારેય એને છેતરી નહોતી, એને ફસાવી નથી. બલકે એને મારાથી દૂર રાખવાના બધા પ્રયાસો કરી ચૂકયો હું. તેમ છતાં...’’

‘‘જિંદગી પોતાની શરતો પર જીવવી હતી એને.’’ વસુમાએ ધીમેથી કહ્યું, ‘‘એની જિંદગીમાં આવતા દરેક માણસે એનું કહ્યું માનવું અને એ ઇચ્છે તેમ જીવવું એવો હઠાગ્રહ હતો એનો. હસ્તરેખામાં લખેલું પણ પોતે બદલી શકે છે એવો વહેમ ઘૂસી ગયો હતો એના મનમાં. સફળતાએ એને એવું સમજાવ્યું હતું કે કંઈ પણ ખરીદી શકાય છે.’’

‘‘મા, ગોઆમાં જે કંઈ થયું...’’ અલયે ઊંડો શ્વાસ લીધો. શ્રેયા સામે જોયું અને નજર ઝુકાવી દીધી. ક્ષણેક એમ જ ચૂપ રહ્યો. સૂકાતા હોઠ ઉપર જીભ ફેરવી, ‘‘ત્યારે પણ એણે મને વિનંતી કરી હતી... કાકલુદી કહી શકાય એ હદની વિનંતી. આજે શ્રેયાના હાજરીમાં મને કહેવામાં સંકોચ નથી મા કે ત્યારે આમ ઘૂંટણિયે પડીને મારી પાસે એના સ્ત્રીત્વના સ્વીકારની ભીખ માગતી એ છોકરીને તરછોડવી મને મારા પુરુષત્વનો વધારે પડતો અહમ લાગ્યો હતો. મને લાગ્યું કે કોઈ આટલી બધી લાગણીથી, આટલા બધા સમર્પણથી કશું આપે એને તિરસ્કારી કેમ શકાય ? હું એવો તે કયો મોટો...’’

‘‘એ આપતી નહોતી અલય, માગતી હતી તારી પાસે.’’ શ્રેયાનો અવાજ ધીમો હતો, પણ એના અવાજમાં એક પત્નીની સમજદારી અને એક સ્ત્રીની બુદ્ધિમત્તા હતી.

‘‘બેટા, હવે જ્યારે એ હાજર જ નથી ત્યારે આમ તો ચર્ચા અસ્થાને છે, પણ સમય સાથે એ જિંદગી અને માણસોને વસ્તુ સમજતી થઈ ગઈ. એને લાગ્યું કે એ પોતાની શરતો પર પોતાની બનાવેલી જિંદગીમાં પોતે ઇચ્છશે એમ જીવી શકશે,જીવતી રહેશે...’’

‘‘અભિનય કરતા કરતા જિંદગી અને કેમેરા વચ્ચેનો ભેદ ભૂલી ગઈ કદાચ.’’ અભયે કહ્યું.

અત્યાર સુધી સીડીના કઠેડાને ટેકો દઈ, પગ ક્રોસ કરીને ચૂપચાપ બધાને સાંભળી રહેલી વૈભવીએ પોતાના ટી-શર્ટની ફૂલસ્લીવ ઉપર ચડાવી. જીન્સના ખિસ્સામાં હાથ નાખ્યો. આગળ આવી અને ડાઇનિંગ ટેબલની ખુરશીની પીઠ ઉપર ટેકો દઈને ઊભી રહી, ‘‘અલયભાઈ, આ વાત તમને મારાથી વધારે સારી રીતે કદાચ કોઈ નહીં સમજાવી શકે, આ જીતનો નશો બહુ સ્ટૂપીડ જેવી વસ્તુ છે. ખાસ કરીને તમે જ્યારે સ્ત્રી હો, સુંદર હો અને તમને એવું સમજાવા લાગે કે તમારી સુંદરતા બીજા પર અસર કરે છે...’’

આજે જાણે ઘરના બધા જ સભ્યો મનના એક પછી એક પડ ખોલી રહ્યા હતા. અભય આશ્ચર્યથી જોઈ રહ્યો. આ એ જ વૈભવી હતી, જે આજથી થોડા જ મહિનાઓ પહેલાં સાવ જુદી જ વ્યક્તિ હતી.

‘‘વૈભવી આ થોડી જ વસ્તુઓ બેએક વર્ષ પહેલાં સમજી હોત તો?!’’ અભયને વિચાર આવ્યો, ‘‘પ્રિયા કદાચ મારી જિંદગીમાં હોત જ નહીં !’’

વૈભવી અલયની આંખોમાં આંખો નાખીને બોલી રહી હતી. એ આમ પણ ખૂબ બુદ્ધિશાળી હતી. ભાષા પરનું એનું પ્રભુત્વ અને આઈ.એ.એસ.ના ઘરમાં ઊછરવાને કારણે આવેલું સોફેસ્ટિકેશન વૈભવીને સો સ્ત્રીઓના ટોળામાં જુદી તારવી દેતું. એનો આત્મવિશ્વાસ કેટલીક વાર એની સામે પુરુષોને ઝાંખા પાડી દેતો, અત્યારે એ જે રીતે બોલી રહી હતી એ જોતાં વસુમાને લાગ્યું કે બીજું કોઈ નહીં, અલયના મનની આ ગાંઠ માત્ર વૈભવી ઉકેલી શકશે, ‘‘અલયભાઈ, અનુપમાના બાળપણે એને દરેક વસ્તુ મેળવવા માટે સંઘર્ષ કરતા શીખવ્યું. અભાવો અને એકલતામાં ઊછરેલી આ છોકરી મુંબઈ આવી અને અચાનક સફળ થઈ ગઈ... એને સમજાયું કે એની સુંદરતા વેચાય છે. એની બુદ્ધિની કિંમત છે. એની ટેેલેન્ટ બહુમૂલ્ય છે... અને એણે સોદો કરવા માંડ્યો...’’

અલય વૈભવીની સામે જે રીતે જોઈ રહ્યો હતો એ જોતાં વસુમાને હાશ થઈ. અત્યાર સુધી શૂન્ય આંખે જોઈ રહેલા અલયની આંખો બદલાઈ હતી. એ વૈભવીની વાત સાથે જાણે ધીમે ધીમે સંમત થઈ રહ્યો હતો, ‘‘કોમોડિટી સમજો છો અલયભાઈ ? એણે પોતાની જાતને કોમોડિટી બનાવી દીધી, એક બ્રાન્ડ ! અને એના બદલામાં એને ધાર્યું મળવા માંડ્યું.’’

‘‘પણ ભાભી, એ છોકરીએ ક્યારેય કોઈને પોતાના શરીર...’’

‘‘હું કોઈ ખરાબ વાત નથી કરતી અલયભાઈ, નથી એના ચારિત્ર્ય પર આક્ષેપ કરતી... પણ એને એવું સમજાઈ ગયું હતું કે અનુપમા નામની આ બ્રાન્ડના બદલામાં એને કંઈ પણ મળી શકે અને એણે એ જ બ્રાન્ડનો સોદો તમારી સાથે કરવા માગ્યો. તમને ફિલ્મ અપાવી.’’

અલય કંઈ બોલવા જતો હતો, પણ વૈભવીએ એને રોકી દીધો, ‘‘અલયભાઈ, હું એમ નથી કહેતી કે તમે ટેલેન્ટેડ નહોતા, પણ એણે તમને પહેલો બ્રેક આપ્યો. કદાચ એ પણ નહોતી જાણતી એવી રીતે એણે તમારામાં એ બધું જ જોવા માંડ્યું, જે બીજું કોઈ હજુ સુધી એને દેખાડી શક્યું નહોતું...’’

ઘરના બધા જ મંત્રમુગ્ધ થઈને વૈભવીને બોલતી સાંભળી રહ્યા હતા. વૈભવી જાણે કોઈ વાર્તા કહેતી હોય એવી પ્રવાહી શૈલીમાં આખી વાત અલયને સમજાવી રહી હતી, ‘‘ને અલયભાઈ, અનુપમાને એમ લાગ્યું કે તમે પણ કોમોડિટી છો. કોઈ પણ ભોગે, કોઈ રીતે તમને મેળવવા એ એની જીદ હતી.’’ વૈભવીથી અનાયાસે અભય તરફ જોવાઈ ગયું, વૈભવીએ પોતાની નજર ઝુકાવી લીધી, ‘‘મને કહેવા દો કે આ વાતને હું આટલી સારી રીતે સમજી શકું છું, કારણ કે હું પણ કદાચ થોડા ઘણા અંશે અનુપમા જેવી જ હતી.’’

ઘરના બધાના ચહેરા પર એક અજબ જેવા ભાવ આવ્યા અને નીકળી ગયા. ખાસ કરીને અભયને આ સાંભળીને બહુ વિચિત્ર લાગણી થઈ.

‘‘મારે માટે મારા પિતાના જુનિયર ઓફિસર તરીકે ઘરે આવતો અભય મને ન જુએ, મારી સાથે અમુક પ્રકારની અંતર રાખે અને મારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે એ વાત, એ સંયમ અને એ નમ્રતા એક ચેલેન્જ બની ગયા. મને રહી રહીને એમ થવા લાગ્યું કે મારે અભય જોઈએ છે.’’ અભય વૈભવી સામે એવી રીતે જોઈ રહ્યો હતો, જાણે એના વીસ વર્ષના લગ્નજીવન પછીનો આ સ્વીકાર એને માટે કશું વણજોઈતું, વણઇચ્છેલું સત્ય ઉઘાડી રહ્યો હોય. સંતાનોની હાજરીમાં થતી આ વાત અભય માટે સાંભળવી અને જીરવવી બંને મુશ્કેલ હતી, પણ વૈભવીએ તો જાણે આજે સત્ય બોલવામાં સૌને પાછળ છોડી દેવા છે એવું નક્કી કરી લીધું હતું.

‘‘અલયભાઈ, અભયને પરણ્યા પછી એની પાસે ધાર્યું કરાવવું એ મારા માટે બીજી ચેલેન્જ બની ગઈ... હું પરણીને આવી પછી સમજાયું કે અભયને પામી તો લીધો મેં, પણ હું એની માલિક નહોતી.’’

લજ્જા પણ મોઢું પહોળું કરીને માને સાંભળી રહી હતી. અલય જાણે વૈભવીની વાતમાં, એની શૈલીમાં તણાતો જતો હતો. બાકી બધાના ચહેરા પર ભાવના ચડાવ-ઉતાર થઈ રહ્યા હતા. એકમાત્ર વસુમા સૌમ્યતાથી, સરળતાથી અને સ્વીકારથી વૈભવીને સાંભળી રહ્યાં હતાં. વૈભવી ક્ષણેક અટકી. એણે ઊંડો શ્વાસ લીધો. જાણે વીખરાતી જતી જાતને ભેગી કરતી જતી હોય એમ થોડી ક્ષણો સાવ મૌન રહી એ.

‘‘હું જેને પરણી હતી એ અભય તો એની માના કહ્યે ચાલતો હતો. હું માલિક નહોતી એની... અને અહીં શરૂ થઈ વર્ચસ્વની લડાઈ. મારી પાસે ફાયદો એટલો હતો અલયભાઈ કે અભય મારો પતિ હતો. એ રોજેરોજ મારી બાજુમાં આવીને સૂઈ જતો... એનાં સંતાનો એને બાંધતાં... અનુપમા પાસે આવું કંઈ જ નહોતું. એ માનતી હતી કે આજ સુધી એણે કોઈ પુરુષને શરીર નથી સોંપ્યું, પણ જે ક્ષણે એ આ શરીર કોઈ પુરુષને સોંપશે ત્યારે એ પુુરુષ માત્ર અને માત્ર એનો થઈ રહેશે, પણ એવું થયું નહીં અલયભાઈ, અને એ વાતે એની અંદરનું બધું જ વેરવિખેર કરી નાખ્યું. એની દૃઢ માન્યતાઓ... એના વિચારો... એનો આત્મવિશ્વાસ... એની બુદ્ધિમત્તા અને એનું સમર્પણ... બધું હારી ગયું.’’

‘‘તમારી વાત સાચી છે ભાભી.’’ અલયનો અવાજ સાંભળીને વસુમાથી નિરાંતનો શ્વાસ લેવાઈ ગયો. અલય જ્યારે દાખલ થયો ત્યારનો અને અત્યારના અલયમાં આસમાન-જમીનનો ફેર પડી ગયો હતો. પોતાની જાતને અપરાધી માનીને જાતની સાથે સતત લડતો રહેલો અલય વૈભવીની વાત સાંભળીને જાણે થોડો મુક્ત થઈ ગયો.

‘‘અને એમાં પણ જ્યારે એના ઘરે મેં આવીને મારું વર્ચસ્વ સ્થાપિત કર્યું અલય, ત્યારે એ સાવ તૂટી ગઈ. ચૂરચૂર થઈ ગઈ.’’ શ્રેયા અત્યાર સુધી ચૂપચાપ વૈભવીને સાંભળતી હતી. એને પણ જાણે પોતાના સવાલનો જવાબ જડી ગયો.

‘‘પણ એને માટે જાતને અપરાધી માનવાની જરૂર નથી.’’ વસુમાએ કહ્યું, ‘‘ન તારે ન અલયે...’’

‘‘આપણે સૌએ માત્ર એટલું જ શીખવાનું છે કે માણસો દેખાય છે એટલા સરળ નથી હોતા. ખાસ કરીને પોતાની જીદપર જીવેલા અને જીવતા રહેલા માણસો બધાને જ પોતે ચીતરેલા રસ્તા પર ચલાવવાનો આગ્રહ રાખે છે...’’ સૂર્યકાંતે જાણે વાત પૂરી કરી, ‘‘હું પણ કદાચ એમાંનો જ એક હતો. દુનિયાની આટલી થપ્પડ ન પડી હોત તો ઘેર પાછા આવવાનું સાહસ ના કરી શક્યો હોત હું.’’

‘‘પ્રિયાના આવવાથી મને અભયની કિંમત સમજાઈ છે.’’ વૈભવીને ડૂમો ભરાઈ ગયો, ‘‘હું આજે બધાની વચ્ચે એવું સ્વીકારું છું અભય કે હું મારી રીતે જીવી, તમારો વિચાર કર્યા વગર, તમારી લાગણી સમજ્યા વગર, તમારી જરૂરિયાતોને નજર અંદાજ કરીને...’’ ખુરશીની પીઠ પર મૂકેલા એના હાથ એકદમ કસાઇ ગયા હતા. ખુરશીની પીઠને એણે એવી રીતે પકડી હતી જાણે એના આખા અસ્તિત્વનો આધાર એ પકડ ઉપર અવલંબતો હોય...

અભય એના તરફ આગળ વધ્યો, એણે વૈભવીના ખભે હાથ મૂક્યો. વૈભવીને ડોકું ઢાળીને અભયના હાથ પર પોતાનો ગાલ અડાડી દીધો. અભયનો હાથ વૈભવીના આંસુથી પલળવા લાગ્યો.

‘‘વાત ક્યાંથી શરૂ થઈ હતી અને ક્યાં પહોંચી ગઈ ?’’ લજ્જાએ વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો, ‘‘હું બધાને ભયાનક ચા પીવડાવવા માગું છું. કોની કોની હિંમત છે મારા હાથની ચા પીવાની?’’

‘‘મારા સિવાય બધાની.’’ આદિત્યએ કહ્યું અને ઉપર જવા લાગ્યો.

લજ્જાએ એને કોલરમાંથી પકડ્યો અને પાછો ખેંચ્યો, ‘‘તારે તો પીવી જ પડશે... બાકી બધા ઉપર તો પછી અત્યાચાર કરીશ. તું તો મારું ગિની પિગ છે.’’

આ બે જણાના સંવાદથી ઘરના બોઝલ વાતાવરણમાં જાણે હળવાશ ઊતરી આવી. લજ્જા આદિત્યને કોલરમાંથી પકડીને ધસડતી રસોડામાં લઈ ગઈ અને, ‘‘છોડ... સ્ટૂપીડ... ખેંચાય છે. ઇડિયટ...’’ કરતો આદિત્ય એની સાથે રસોડામાં ગયો.

અલય જ્યારે પોતાના રૂમમાં દાખલ થયો ત્યારે રાત પડી ગઈ હતી. કોઈ ને કોઈ બહાને અલય ઉપર જવાનું ટાળતો રહ્યો. બપોરની ઊંઘ પણ એણે નીચે સોફામાં જ ખેંચી લીધી. જાણે પોતાના રૂમના એકાંતથી ગભરાતો હોય એમ એ કોઈ રીતે ઉપર જવા તૈયાર નહોતો...

શ્રેયા થોડી વહેલી ઉપર ગઈ હતી. એણે અલયના વીખરાયેલાં પુસ્તકો, કાગળો, સીડીઝ બધું સરખું કરી નાખ્યું... વ્યવસ્થિત ગોઠવાયેલો આ રૂમ રોજ કરતાં જાણે મોટો લાગવા માંડ્યો. અલયના ઓરડામાં પલંગ નહોતો, વચ્ચોવચ મૂકેલી ગાદીને એણે સરસ રીતે ઓરડાના ખૂણામાં પાથરી. વધેલી જગ્યામાં એક સરસ સિટિંગ અરેન્જમેન્ટ ઊભી કરી અને નીચે નકામું પડેલું ટેબલ લાવીને એને સેન્ટર ટેબલ તરીકે ગોઠવ્યું. ગુલછડીનાં ફૂલો મોટા ફ્લાવર વાઝમાં સેન્ટર ટેબલ પર મૂક્યાં, અગરબત્તી સળગાવી... પરફ્યુમની બોટલ કાઢીને ઓરડામાં થોડો છંટકાવ કર્યો, મ્યુઝિક સિસ્ટમ પર કેની જીના સેક્સોફોનની હળવી ધૂન મૂકી.

નીચે ગાદી ઉપર સફેદ ચાદર પાથરીને લજ્જા પાસે મગાવેલાં મોગરાનાં ફૂલ એણે ગાદીની બંને તરફ મોટા કાચના બાઉલમાં પાણી ભરીને તરતાં મૂક્યાં...

ઓરડાની અરેન્જમેન્ટ સંતુષ્ઠ નજરે જોઈને એણે નાહી લીધું અને રાતનાં વસ્ત્રો પહેરી વાંચતી ગાદીમાં પડી.

ગઈ કાલથી થાકેલા બધાએ આજે જમવાનું વહેલું પતાવ્યું અને ઊંઘવાની તૈયારી કરવા માંડી એટલે રાત્રે દસ વાગ્યે પોતાના ઓરડામાં ગયા સિવાય અલય પાસે કોઈ રસ્તો નહોતો.

અલય ઓરડામાં દાખલ થયો ત્યારે આખી અરેન્જમેન્ટ જોઈને એને લાગવી જોઈતી હતી એટલી નવાઈ ના લાગી. એ ચૂપચાપ બાથરૂમમાં ગયો, શાવર લીધો અને સફેદ ઝભ્ભો-લેંઘો પહેરીને બહાર આવ્યો.

શ્રેયા હાથમાં પુસ્તક પકડીને વાંચવાનો ડોળ કરતી એને જોઈ રહી હતી. અલય પથારીમાં પડવાને બદલે પોતાના રૂમની મોટી મોટી સ્લાઇડિંગ વિન્ડોઝ ખોલીને બહાર જોતો ઊભો રહ્યો. કેની જીની ધૂન ઓરડામાં જાણે એક બેગ્રાઉન્ડ મ્યુઝિક પૂરું પાડી રહી હતી.

અલય થોડો સમય લઈને જાતે જ પથારીમાં આવશે એમ માનીને રાહ જોતી શ્રેયા દસેક મિનિટ પછી ધીરજ ખોઈને ઊભી થઈ. અલય પાસે આવી અને પાછળથી એને વીંટળાઈ.

‘‘શ્રેયા...’’ અલયનો અવાજ હજીયે જાણે કોઈ ગુફામાં આવતો હોય એવો ઊંડો હતો, ‘‘અનુપમા મને ક્યારેય માફ નહીં કરે ?’’

આટલી બધી વાત થયા પછી પણ અલયના મનમાંથી હજી આ વિચાર ગયો નથી એ જાણીને શ્રેયાની અંદર જાણે કશું ઠરી ગયું.

‘‘અલય... એણે તો તને માફ કરી દીધો. એટલે જ આ જનમમાં મને સોંપીને પોતે ચાલી ગઈ. જો એણે માફ ન કરવો હોત તો એ રોજ તારી નજર સામે રહીને તને તકલીફ આપવાનું પસંદ કરત...’’ શ્રેયાએ ખભેથી પકડીને અલયને પોતાની તરફ ફેરવ્યો, ‘‘અલય, તને શું લાગે છે, મને દુઃખ નથી થયું ? મારી પાસે તો દુઃખી થવાનાં કેટલાંય વધારે કારણો છે, પણ દુઃખને પંપાળીને જીવવું એ જિંદગીનું અપમાન છે. ને અનુપમા તો સાક્ષાત જિંદગી હતી. મને લાગે છે એને યાદ પણ કરવી હોય તો ચહેરા પર સ્મિત સાથે કરવી જોઈએ. એ છોકરીમાં કશું એવું હતું જે તમને જિંદગી તરફ ધકેલે...’’

‘‘શ્રેયા...’’ અલય શ્રેયાને ભેટી પડ્યો અલયથી પ્રમાણમાં થોડી વધારે નીચી શ્રેયાનું માથું અલયની છાતી પર હતું. એના બંને હાથ અલયની પીઠ પર વીંટળાયેલા હતા. અલયના બંને હાથ શ્રેયાની પીઠ પર, એના વાળમાં જાણે કશું શોધતા હોય એમ બેબાકળા થઈને ફરી રહ્યા હતા... શ્રેયાએ હળવે રહીને પોતાનો ચહેરો અલયની છાતીથી અળગો કર્યો અને ગરદન ઉઠાવી, આંખો મીંચી હોઠ ઉઘાડ્યા...

શ્રેયાના ચહેરાને હડપચીથી પકડીને અલય ઝૂક્યો. આંખો મીંચીને એણે શ્રેયાના હોઠ પર હોઠ મૂકી દીધા. શ્રેયાની બંધ આંખોના બે ખૂણેથી બે આંસુ સરકીને એના વાળમાં ખોવાઈ ગયાં...

અલયના રૂમથી એક જ સીડી ઊતરીને પેસેજમાંથી પસાર થઈને જે રસ્તો વૈભવીના રૂમ તરફ જતો હતો એ પેસેજમાંથી પસાર થઈને જાણે જિંદગી વૈભવીના અને અભયના રૂમના બંધ દરવાજે ટકોરા દઈ રહી હતી.

વૈભવી આજે સવારે જે કંઈ બોલી એ પછી દિવસ આખો એ ભાગ્યે જ કશું બોલી હતી. સાંજના જમવાનું બનાવતી વખતે પણ એણે શ્રેયાને રસોડાની બહાર ધકેલી દીધી અને વસુમાને સૂર્યકાંત સાથે ચાલવા મોકલી દીધાં. એના સવારના મૂડ પછી શ્રીજી વિલાના સમજદાર સભ્યો એને જોઈતું એકાંત આપવા એણે જે કહ્યું તે પ્રમાણે કરવા તૈયાર પણ થઈ ગયા.

અત્યારે એ આખીયે વાત જાણે વૈભવીના મનોમસ્તિષ્કમાં રહી રહીને પડઘાતી હતી. પોતે જે કંઈ બોલી એ જાણે ચર્ચના કન્ફેક્શન બોક્સની સામે બોલતી હોય એટલું સત્ય અને એટલું નિર્ભય રીતે કહેવાયેલું આત્મવૃત્તાંત હતું....

એ કહેતી વખતે જાણે વૈભવીને પણ પોતાના વર્તન વિશે એક આંતરખોજ કરવાની તક મળી હતી. અત્યારે એ વિશે વિચારી રહેલી વૈભવી જાતને પ્રશ્નો પૂછી રહી હતી.

એની બાજુમાં સૂતેલો અભય રોબિન શર્માની ‘હુ વીલ ક્રાય, વ્હેન યુ ડાય’ વાંચતો હતો.

અભયને વાંચવાનો ખૂબ શોખ હતો, પણ લગ્ન થયાં પછી વૈભવીએ એ શોખ પર લગભગ ચોકડી મુકાવી હતી. સવારનાં છાપાં સિવાય અભયે છેલ્લાં દસ વર્ષમાં ખાસ કશું નહોતું વાંચ્યું. એના કારણમાં માત્ર અને માત્ર વૈભવીની માનસિકતા હતી.

સામાન્ય રીતે એક વાર પથારીમાં સૂતા પછી અભય વાંચે કે બીજું કંઈ પણ કરે એ વૈભવી માટે એના સૌંદર્યનું અપમાન હતું... અભયે એની જ વાત સાંભળવી, એને જ વહાલ કરવું અને એના જ શરીરના મોહમાં રમમાણ રહેવું એવો વૈભવીનો હઠાગ્રહ હતો અને કચકચ થાય એને બદલે ધીમે ધીમે વાંચવાનું છોડી દઈને અભયે શાંતિ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.

જેને બદલે છેલ્લા થોડા વખતથી વૈભવી અભયને વાંચવા દેતી. એટલું જ નહીં, એને ઊંઘ આવે તો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મળે છે તેવા આંખ ઉપર પહેરવાના પેડ્‌સ ચડાવી એ લાઇટ બંધ કરવાનો દૂરાગ્રહ છોડીને ઊંઘવાનો પ્રયાસ કરવા લાગી હતી.

પાનું પલટતી વખતે અભયની નજર પડી તો વૈભવી ખુલ્લી આંખે છત તરફ જોઈને કંઈક વિચારી રહી હતી. એની આંખોમાં આછી ભીનાશ હતી અને ચહેરા પરના ભાવ જોઈને અભય એટલું સમજી શક્યો કે વૈભવી પોતાની જ જાત સાથે દલીલબાજી કરી રહી હતી.

‘‘વેબ્સ...’’ અભયે પુસ્તક બંધ કરીને બાજુમાં મૂક્યું.

વૈભવીને ચોંકીને અભય સામે જોયું. સગાઈ થયા પછીના અને લગ્નના સાવ શરૂઆતના દિવસોમાં અભય વૈભવીને આ નામે બોલાવતો. એક વાર નાની નાની વાતો પર દલીલબાજી અને ઝઘડા શરૂ થયા પછી આ નામ ભુલાઈ ગયું હતું. આજે અભયના મોઢે ફરી આ નામ સાંભળીને વૈભવી ચોંકી.

‘‘શું કહ્યું તમે ?’’

‘‘વેબ્સ કહ્યું...’’ અભયના ચહેરા પર સ્મિત હતું. એણે પોતાનો ડાબો હાથ ફેલાવ્યો અને ડોક હલાવીને વૈભવીને નજીક આવવાનો ઇશારો કર્યો. વૈભવી નજીક આવી. એણે અભયના ખભે માથું મૂક્યું અને એનાથી અનાયાસે જ રડાઈ ગયું. અભય એના માથામાં હાથ ફેરવતો રહ્યો અને વૈભવી નિઃશબ્દ રડતી રહી. બંને વચ્ચે આમ કોઈ સંવાદ ન થયો અને છતાં જાણે વૈભવીએ જે કહેવાનું હતું તે બધું જ, આટલાં વર્ષોમાં નહોતું કહ્યું તે બધું જ અભયને કહી દીધું. ખાસ્સી વાર સુધી આ મૌન સંવાદ ચાલ્યો હતો. પછી અભયે વૈભવીનો ચહેરો પોતાના તરફ કર્યો, ‘‘શું કામ દુઃખી થાય છે ? પ્રિયા મારા જીવનમાં આવી એટલે તું હારી નથી વૈભવી, ખરું પૂછો તો પ્રિયાએ આવીને આપણને બંનેને કંઈક એવું શીખવાડ્યું છે, જે આપણા લગ્નજીવનમાં ખૂટતું હતું. તું આજે બોલતી હતી ત્યારે મને સમજાયું કે હું પણ ક્યાં અને કઈ રીતે ખોટો હતો.’’

‘‘મારે નથી સાંભળવું.’’ વૈભવીએ પાછું માથું ઝૂકાવી દીધું. અભયે ફરી એનો ચહેરો ઊંચો કર્યો, ‘‘હવે એ ચર્ચાનો અર્થ પણ નથી રહ્યો, પણ એક વાત કહી દઉં તને... જિંદગીની આ રમતમાં ઘણાં બધાં સત્યો એવાં હતાં જે આપણને બંનેને...’’ અભયે ક્ષણેક રોકાઈને સુધાર્યું, ‘‘આપણને જ શું કામ ? ઘણા બધાને આ છોકરીએ પોતાના મૃત્યુથી શીખવાડી દીધાં. સંબંધોની આંટીઘૂંટીમાંથી એક સીધી-સરળ કેડી આ પારથી પેલે પાર લઈ જાય છે એવું આ છોકરીએ ચૂપચાપ બધાને સમજાવી દીધું.’’

‘‘મરીને ? એ તો ભાગેડુ વૃત્તિ કહેવાય. અહીં જ રહીને વસુમાની જેમ ઉદાહરણ બનીને જીવી શકી હોત... શું નહોતું એની પાસે ? કામ, નામ, સફળતા, પ્રસિદ્ધિ...’’

‘‘અલયની સરખામણીએ એ બધું તુચ્છ લાગ્યું હશે એને.’’

વૈભવી કશું બોલી નહીં, પણ એને જાણે અભયની વાત સાચી લાગી. કોને માટે શું અગત્યનું હોય એ સાવ અંગત પ્રશ્ન છે. જિંદગીના સવાલોના જવાબો સૌની પરિભાષામાં અલગ હોય છે. કોણે યુદ્ધના મેદાનમાં કઈ રીતે વર્તવું એ એની અંગત હિંમત અને સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. વૈભવી જેને પીઠ દેખાડવી માનતી હતી એ અનુપમા માટે ગૌરવભેર કરાયેલી એક્ઝિટ પણ હોઈ શકે...

‘‘એણે પોતાના પત્રમાં કદાચ સાચું જ લખ્યું હતું. પોતાની મરજીનું જીવી એ અને પોતાની ઇચ્છાથી ચાલી ગઈ...’’ વૈભવીએ આંખો મીંચી, ‘‘બધા નથી કરતી શકતા આવું !’’

આડાઅવળા વિચારો કરતી વૈભવી મન સાથેની દલીલોમાં થાકી-હારીને ક્યારે ઊંઘી ગઈ એની એને પોતાને જ ખબર ના રહી. અભય મોડી રાત સુધી વાંચતો રહ્યો...

‘‘હું આવ્યો ત્યારથી આ ઘર જાણે ચકરાવે ચડ્યું છે.’’ રોકિંગ ચેરમાં બેસીને આકાશ તરફ જોઈ રહેલાં વસુમા પાસે આવીને બગીચા તરફ ઉઘડતો કોલેપ્સેબલ દરવાજો સૂર્યકાંતે બંધ કર્યો, ‘‘ગયા વખતે આવ્યો ત્યારે અભય અને વૈભવીના પ્રશ્નો થયા. આ વખતે...’’

‘‘આ વખતે અલયની ફિલ્મ રિલીઝ થઈ, અલય અને શ્રેયાનાં લગ્ન થયાં કાન્ત.’’ વસુમા ચેરમાંથી ઊભાં થયાં અને પલંગ તરફ આગળ વધ્યાં, ‘‘જે હું આટલાં વર્ષોમાં ના કરી શકી એ તમે કરી બતાવ્યું કાન્ત, દરેક વખતે દરેક પરિસ્થિતિની નકારાત્મક બાજુ જ શું કામ જોવાની કાન્ત ?’’

‘‘એક હસતી-રમતી જિંદગીથી ભરપૂર છોકરી ચાલી ગઈ. અલય ડિપ્રેશનમાં ન આવી જાય તો સારું.’’

‘‘કંઈ નહીં થાય કાન્ત, અલય મારો દીકરો છે. પોતાની જ રાખમાંથી ઊભા થતા આવડે છે એને.’’ પલંગમાં લંબાવતા એમણે આંખ પર હાથ મૂક્યો અને શરીરને ઢીલું છોડી દીધું, ‘‘મેં શીખવ્યું છે એને.’’

‘‘હા, તારો દીકરો ખરો પણ મારું લોહી પણ સામેલ છે એની રગોમાં.’’ સૂર્યકાંત જાણે શૂન્યમાં જોઈ રહ્યા હતા. જાતને જ કહેતા હોય એમ બોલતા હતા, ‘‘એક સ્ત્રી એની પણ નબળાઈ બની ગઈ એનું દુઃખ છે મને.’’

‘‘એક સ્ત્રી એની શક્તિ પણ તો છે. શ્રેયા જેવી છોકરી સાથે આટલાં વરસ નિભાવેલો સંબંધ આજે એની મંઝિલે પહોંચ્યો છે એનો આનંદ કેમ નથી થતો ? દરેક સિક્કાને બે બાજુ હોય છે કાન્ત, તકલીફ એ છે કે આપણે બીજી બાજુ જોવા જ તૈયાર નથી.’’

‘‘કઈ બીજી બાજુ ? આમ કાયર થઈને આત્મહત્યા કરવી એમાં શું પોઝિટિવ દેખાય છે તને ? કહે મને.’’

વસુમાએ આંખ પરથી હાથ હટાવ્યો. તેજસ્વી, સભર આંખોએ સૂર્યકાંત સામે જોયું, ‘‘આત્મહત્યાને કાયરતા તરીકે જ શું કામ જોવાની કાન્ત ? આ ભરેલી દુનિયામાંથી એના જેવી સફળ, સ્વતંત્ર અને સમૃદ્ધ છોકરી મોહ મૂકીને આટલી સ્વસ્થતાથી જઈ શકે એને માટે એને સલામ મારવી જોઈએ.’’

સૂર્યકાંત વસુમાની સામે જોઈ રહ્યા, ‘‘આ સ્ત્રીમાં કોઈ પણ પરિસ્થિતિને પોઝિટિવ જોવાની કેટલી ગજબ આવડત છે !’’ એમને વિચાર આવ્યો.

‘‘કાન્ત, નેવું વર્ષના માણસોને પણ આ દુનિયા છોડવી ગમતી નથી. પલંગ પર પડ્યા પડ્યા પોતાની સંપત્તિને પોતાની છાતી સાથે બાંધી રાખવા માટે કંઈ કેટલુંય તરફડતા લોકોને આપણે નથી જોયા? એવા લોકોની સાથે સરખાવીએ તો લખલૂંટ સંપત્તિને આમ એક ઝટકામાં વહેંચી દઈને, બધું જ સંકેલી લઈને ચાલી નીકળવું સરળ નથી કાન્ત... અને એ પણ એક માણસ માટે !’’

‘‘વસુ ! તું એની જગ્યાએ હોત તો...’’ સૂર્યકાંતથી પૂછ્‌યા વિના ના રહેવાયું, ‘‘તેં શું કર્યું હોત ?’’

‘‘હું એની જગ્યાએ હતી જ કાન્ત, જરા જુદી રીતે. મેં માગેલો, મેં ઝંખેલો, મેં ચાહેલો પુરુષ કોઈ બીજી સ્ત્રી માટે મને છોડી જ ગયો હતો...’’ સૂર્યકાંતના આખા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું, ‘‘પણ મારે માટે મારાં સંતાનો હતાં... એ છોકરી માથે કોઈ જવાબદારી હોતને તો એ આમ ના ગઈ હોત.’’

‘‘એટલે તું માત્ર જવાબદારી માટે...’’ સૂર્યકાંત વસુમાના નિર્લેપ, સ્વસ્થ ચહેરા સામે જોઈ રહ્યા હતા. આ સવાલ પૂછતાની સાથે એમના મનમાં સેંકડો વિચારો આવ્યા અને ચાલ્યા ગયા, ‘‘જવાબદારી ના હોત તો... તો શું કરત તું ?’’

‘‘માયા તો મૂકી જ દેત, આ છોકરીની જેમ જ.’’ વસુમાની આંખો સહેજ ભીની થઈ ગઈ, ‘‘આજે સૌ સાચું બોલ્યા છે. હું પણ એક સાચી વાત કહું કાન્ત ? આ છોકરીની સચ્ચાઈની, સરળતાની, શુદ્ધતાની ઇર્ષા આવી ગઈ મને. એની જેમ એક માણસ માટે ફના થઈ જવાનું સુખ દરેકના નસીબમાં નથી હોતું...’’ એમણે ચહેરો ફેરવીને આંખના ખૂણે આવેલું આંસુ લૂછી નાખ્યું.

‘‘હવે તારે કોઈ જવાબદારી નથી.’’ અજાણે સૂર્યકાંતના અવાજમાં સહેજ ધાર નીકળી આવી, ‘‘હવે શું બાંધે છે તને ?’’

એ પછી ન વસુમા કશું બોલ્યાં, ન સૂર્યકાંતે આગળ ચર્ચા કરી. ઓરડાની બત્તી બુઝાઈ ગઈ પણ વસુમાની આંખો જલતી રહી.

એમને સૂર્યકાંતનો સવાલ રહી રહીને સંભળાતો રહ્યો, ‘‘હવે તારે કોઈ જવાબદારી નથી, હવે શું બાંધે છે તને ?’’

(ક્રમશઃ)