વેધ ભરમ - 22 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 22

રિષભ સવારે સ્ટેશન પર પહોંચી પોતાની ઓફિસમાં બેઠો. રિષભે ગઇકાલે જ હેમલ અભય અને વસાવાને આજ સવારના કામ સોપી દીધા હતા. રિષભ જાણતો હતો કે બપોર સુધી તે કોઇ સ્ટેશન પર આવશે નહી. રિષભ ચેરમાં ટેકો દઇને બેઠો અને કેસ વિશે વિચારવા લાગ્યો. પણ હજુ તેના મગજમાંથી કાલે અનેરી સાથે ગાળેલી સુંદર સાંજની યાદો ભુલાઇ નહોતી. તેનુ મન કામમાં લાગ્યુ નહી એટલે તેણે આંખો બંધ કરી દીધી. જાણે આંખો બંધ થવાની જ રાહ જોતી હોય તેમ વિદ્યાનગરની યાદોએ તરતજ તેના મગજ પર આક્રમણ કર્યુ.

બીજા દિવસે રિષભ જ્યારે ડીપાર્ટમેન્ટથી છુટ્યો ત્યારે તેણે ગૌતમને કહ્યું “ચાલ અનેરીને મળવા જવુ છે.” આ સાંભળી ગૌતમે કહ્યું “એલા મારુ ત્યાં શુ કામ છે? મારે કબાબમાં હડ્ડી બનવા નથી આવવુ.” આ સાંભળી રિષભે હસતા હસતા કહ્યું “ભાઇ હજી કંઇ કબાબ જેવુ નથી. તારે આવવુ હોય તો આવી શકે છે.”

“ના ભાઇ તુ જ જા. પણ આપણે અહી ભણવા આવ્યા છીએ તે ભૂલતો નહી.” ગૌતમે રિષભને સલાહ આપતા કહ્યું.

“ભલે સાહેબ તમારી આ સલાહ યાદ રાખીશ. બીજુ કંઇ કહેવાનુ છે કે હું જઉ?” રિષભે મજાક કરતા કહ્યું.

“હા, જા ભાઇ પેલી તારી રાહ જોતી હશે.” ગૌતમે પણ મજાકમા કહ્યું.

રિષભે સામે કોઇ જવાબ ના આપ્યો અને ત્યાંથી નીકળી ગયો. ગૌતમની વાત જોકે સાચી હતી. રિષભ જ્યારે શાસ્ત્રી મેદાનના કોર્નર પાસે પહોંચ્યો ત્યારે અનેરી તેની રાહ જોઇને જ ઊભી હતી. રિષભે સાઇકલ ઊભી રાખી અને અનેરી સામે જોયુ. આજે અનેરી કાલ કરતા વધુ સુંદર લાગતી હતી. રિષભે અનેરીને ઊપરથી નીચે સુધી જોઇ અને બોલ્યો “અરે યાર, યુ આર લુકીંગ સો બ્યુટીફુલ.” આ સાંભળી અનેરી થોડી શરમાઇ ગઇ પણ પછી તરતજ બોલી “ઓય, મસ્કા મારવાનુ બંધ કર અને કહે કે ક્યાં બેસવુ છે?”

“ચાલ મોહિનીમાં જઇ કૉફી પીએ.” રિષભે સજેશન આપતા કહ્યું.

“ઓકે, ચાલ તારી સાઇકલ અહી મૂકીદે.” અનેરીએ પણ ઓફર સ્વીકરતા કહ્યું.

રિષભે ત્યાં સામે આવેલ ભાઇકાકા લાઇબ્રેરીના કમ્પાઉન્ડમાં સાઇકલ પાર્ક કરી અને પછી બંને સાથે ચાલવા લાગ્યા. થોડીવાર તો કોઇ કંઇ બોલ્યુ નહી પણ, પછી રિષભે વાતની શરુઆત કરતા કહ્યું “તો હવે એ કહે કે વિદ્યાનગર કેવુ લાગ્યુ?”

અનેરીએ રિષભ સામે જોઇને ચાલતા ચાલતા કહ્યું “સાચુ કહુ, આ વિદ્યાનગરના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની ઊર્જા છે. અહીની હવામાં સ્વતંત્રતા, આત્મવિશ્વાસ, અને મહેનતનુ એક સંયોજન છે. મને એવુ લાગે છે કે હું અહી ના આવી હોત તો જિંદગીનો એક અમૂલ્ય અનુભવ મે ગુમાવી દીધો હોત.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “અરે તું તો આવતાવેત જ વિદ્યાનગરના પ્રેમમાં પડી ગઇ હોય એવુ લાગે છે.” આ સાંભળી અનેરી પણ હસી પડી અને બોલી “ તને ખબર નથી પણ અમારી હોસ્ટેલમાં ઘણી એવી છોકરીઓ છે. જેને ઘરની બહાર નીકળવા માટે પણ પરવાનગી લેવી પડતી. તેના માટે તો વિદ્યાનગરની આ લાઇફ એક સ્વતંત્રતાના પર્વ સમાન છે. તે છોકરીઓ માટે તો અહીની જિંદ્ગી સ્વર્ગ જેટલુ જ મહત્વ રાખે છે.” આ સાંભળી રિષભ અનેરીને જોઇ જ રહ્યો. રિષભને આમ જોઇ રહેલો જોઇને અનેરીએ પૂછ્યું “કેમ આમ મારી સામે જોઇ રહ્યો છે?”

“તુ તો જાણે કોઇ મોટી સમાજસેવીકા હોય એ રીતે વાત કરે છે. તને એક વાત કહું મને તો એમ હતુ કે તુ એકદમ અલ્લડ છોકરી છે પણ, તારી વાતો સાંભળી મને રિઅલાઇઝ થયુ કે તુ એકદમ સંવેદનશીલ છે.”

આ સાંભળી અનેરી બોલી “કોઇપણ માટે બાહ્ય દેખાવ પરથી કરેલુ અનુમાન સાચુ હોતુ નથી. અને છોકરીઓ માટે તો મોટેભાગે બાહ્ય દેખાવ પરથી જ તારણો કઢાતા હોય છે.”

આ સાંભળી રિષભે કહ્યું “તુ તારી ઉમરના પ્રમાણમા વધુ પડતી વિચારશીલ છો. મને તારી વાતો સાંભળવામાં ખૂબ મજા પડે છે.”

ત્યાં મોહિની આવી જતા બંને એક ખાલી ટેબલ પર ગોઠવાયા. રિષભે બંને માટે કૉફી અને બ્રેડબટરનો ઓર્ડર આપ્યો.

“હવે તુ કહે તને કેવુ લાગ્યુ વિદ્યાનગર?” અનેરીએ વાતની શરુઆત કરતા પૂછ્યું.

“મારા મતે તો વિદ્યાનગર એક સ્વપ્ન નગરી જ છે. અહી વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નને સાકાર કરવા આવે છે. ઘણા તનતોડ મહેનત કરી સ્વપ્નને સાકાર કરે છે અને ઘણા રસ્તો ભટકી જતા ખોટા માર્ગે આગળ વધી જાય છે. તે કહે છે ને કે અહી સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતા ક્યારે સ્વછંદતામાં ફેરવાય જાય છે તે નક્કી નથી રહેતુ. અહી જેમ લક્ષ્ય પર પહોંચવા માટે બધુ જ ઉપલબ્ધ છે. તેમ લક્ષ્યથી ભટકવા માટેના બધા જ પ્રલોભનો પણ ઉપલબ્ધ છે.”

આ સાંભળી અનેરી રિષભને જોઇ જ રહી. યાર તુ પણ મારા જેવો જ વિચારશીલ છે. મને તારી સાથે ચોક્કસ જામશે.

“પણ જો હું કોઇને કહીશ કે હું આટલી સુંદર છોકરીને કૉફી પીવા લઇ ગયો હતો અને ત્યાં મે વિદ્યાનગરના સમાજજીવન વિશે ચર્ચા કરી તો તે મને માર્યા વિના નહી મૂકે.” રિષભે મજાક કરતા કહ્યું.

આ સાંભળી અનેરી હસી પડી અને બોલી “તો એ કહે કે છોકરી સાથે કૉફી પીતા પીતા કેવી વાતો કરવી જોઇએ?”

“હવે મે તો એક બુકમા વાંચ્યુ હતુ કે તમારે છોકરીની સુંદરતાના વખાણ કરવા જોઇએ અને તેની સાથે એકદમ મીઠી મીઠી વાતો કરવી જોઇએ. તે વાત તો તે મસ્કા નહી માર કહીને પહેલા જ કાપી નાખી. મને લાગે છે કે મારે હવે બીજી કોઇ બૂક વાંચવી પડશે.”

આ સાંભળીને અનેરી ખડખડાટ હસી પડી અને બોલી “તારે ચોપડી નહી પણ છોકરી બદલવાની જરુર હોય એવુ નથી લાગતુ?”

“અરે ના ભાઇ માંડ એક મળી છે. અહી વિદ્યાનગરમાં કેવી ગળાકાપ હરીફાઇ છે તને ખબર છે.” રિષભે મજાક આગળ વધારતા કહ્યું.

“ના હવે તારા જેવા હેન્ડસમ છોકરાને જોઇ એટલી મળી રહે. આ તો મારા નસીબ સારા કે તુ મને મળી ગયો. બાકી તારા જેવો હેન્ડસમ મદદગાર કોને મળે?”

તે લોકો વાત કરતા હતા ત્યાં ઓર્ડર આવી ગયો એટલે બંને થોડીવાર ચુપ થઇ ગયા. થોડીવાર બાદ અનેરીએ પૂછ્યુ “તારા ડીપર્ટમેન્ટમાં છોકરીઓ નથી?”

“ઘણી છે. પણ તારા જેવી કોઇ નથી.” રિષભે કહ્યું.

“ઓય, ફ્લર્ટ કરે છે. મે તો ખાલી એટલે પૂછ્યુ કે મારા ક્લાસમાં તો અમે ચાર જ છોકરીઓ છીએ. છોકરાઓ અમારી સામે એવી રીતે જુએ છે કે જાણે કોઇ દિવસ છોકરી જોઇ જ ના હોય.”

“હવે તેમા છોકરાઓનો બીચારાનો શું વાંક? એક તો કલાસમાં ચાર જ છોકરી હોય એટલે કોમ્પીટીશન તો ગળાકાપ જ હોય અને તેમા તારા જેવી છોકરીને જોઇને તો કોઇપણ ઘાયલ થઇ જાય. તે બિચારાઓ પર મને દયા આવે છે.”

આ સાંભળીને અનેરીએ કૉફીનો કપ ટેબલ પર મુકી દીધો અને ખડખડાટ હસી પડી.

થોડીવાર એમ જ બેઠા પછી રિષભે કહ્યું “હા, બોલ હવે તારા વિશે કઇક કહે?”

“શુ જાણવુ છે?” અનેરીએ કપમાંથી કૉફીનો એક શીપ ભરતા કહ્યું.

“કઇ પણ, ફેમીલી વિશે, ફ્રેંન્ડ વિશે, હોબ્બી વિશે. જે પણ તુ મને કહી શકે તે બધુ જ.”

આ સાંભળી અનેરીએ બ્રેડ બટર લઇ એક બાઇટ ભર્યુ અને પછી બોલી “ઓકે, મારા પપ્પા તો હું નવમુ ભણતી હતી ત્યારે જ ગુજરી ગયા. મમ્મી છે જે બેન્કમાં જોબ કરે છે. પપ્પા પણ બેન્ક મેનેજર હતા. તેનુ પેન્શન પણ આવે છે. એટલે આર્થિક રીતે કોઇ પ્રોબ્લેમ નથી. મમ્મી તેની જોબમાં ખુશ છે. ફ્રેન્ડ તો ઘણી છે પણ બહુ ખાસ અટેચમેન્ટ નથી. મારી એક કઝીન સાથે મારે ખૂબ બને છે. અને શોખ તો રિડીંગ અને મ્યુઝીકનો છે.” અનેરી એક જ શ્વાસે બધુ બોલી ગઇ.

“બોયફ્રેન્ડ?” રિષભે એકદમ ધીમેથી પૂછ્યું.

સાંભળી અનેરી ખડખડાટ હસી પડી અને બોલી “ બધુ એક કૉફીમાં જ જાણી લેવુ છે? એમ ના ચાલે થોડુ સસ્પેન્સ પણ હોવુ જોઇએ બરાબર ને?” આ સાંભળી રિષભે ખભા ઉછાળ્યા અને બોલ્યો “તારી ઇચ્છા.”

“હવે તારા વિશે પણ કઇક કહે ચાલ” અનેરીએ પુછ્યુ.

“ પપ્પા કૉલેજમાં પ્રોફેસર છે. મમ્મી હાઉસ વાઇફ છે. ફ્રેન્ડ તો ઘણાબધા છે અને ખાસ ફ્રેન્ડ પણ છે. મિત્રો ખરેખર સારા મળ્યા છે. ક્રીકેટનો શોખ છે પણ કૉલેજ પછી છૂટી ગયુ છે. રીડીંગ શોખ નહી પણ એડીક્શન(બંધાણ) છે. મ્યુઝીક ગમે છે.” રિષભે પણ બધુ જ કહી દીધુ એટલે અનેરીએ પૂછ્યું

“ગર્લફ્રેન્ડ છે?”

આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “તારે છુપાવવુ છે અને મારી પાસેથી જાણી લેવુ છે એમ.” અને પછી થોડું રોકાઇને બોલ્યો “મારા ફ્રેન્ડ્સમાં ઘણી ગર્લ્સ છે પણ ગર્લફ્રેન્ડ નથી.” આ સાંભળી અનેરી બોલી “ઓહ, આઇ એમ ઇમ્પ્રેસ્ડ.”

“થેન્ક્યુ. પણ આમાં ઇમ્પ્રેસ થવા જેવુ કંઇ નથી. અત્યારે ગર્લફ્રેન્ડ ન હોય તો લબાડ ગણાઇએ.” રિષભે કહ્યુ.
“તો કરી કેમ નહી?” અનેરીએ આંખમાં તોફાન સાથે પુછ્યું.

“એવી કોઇ મળી નહી. ટાઇમપાસ સંબંધમાં મને રસ નથી. મારો એક નિયમ છે કે સંબંધ રાખવો તો દિલથી. આ ઉપરછલ્લા સંબંધો મારી સમજમાં આવતા નથી.”

રિષભની વાતથી અનેરી ઇમ્પ્રેસ થતા બોલી “યાર તુ બધા છોકરા કરતા અલગ છે.” અને પછી ઊભી થતા બોલી ચાલ હવે જઇએ. ત્યારબાદ રિષભે બીલ ચુકવ્યુ અને બંને ત્યાથી નીકળી ગયા.

ઓફિસનો દરવાજો ખોલી અભય દાખલ થયો એટલે રિષભની વિચારધારા અટકી ગઇ. રિષભે ઘડીયાળમાં જોયુ તો વિચારોમા બે કલાક નીકળી ગયા હતા. અભયે સામે બેઠો અને એક પેન ડ્રાઇવ ટેબલ પર મૂકી બોલ્યો “સર, આમાં બેંકનુ રેકોર્ડીંગ છે, પણ કેસીયર પાસેથી તો કોઇ માહિતી મળી નથી.” રિષભ હજુ કંઇ કહે ત્યાં હેમલ પણ ઓફિસમાં આવ્યો અને બોલ્યો “સર, બધાજ સેમ્પલ હેન્ડ રાઇટીંગ એક્સપર્ટને આપી દીધા છે” અને પછી એક રિપોર્ટ આપતા કહ્યુ “ફોરેન્સીક લેબમાંથી એક અગત્યની માહિતી મળી છે. પેલા સ્થળ પરથી મળેલા વાળના ડીએનએ રીપોર્ટ દર્શનની પત્નીના ડી.એન.એ રીપોર્ટ સાથે મેચ થાય છે. પણ પેલી ફીન્ગર પ્રીન્ટ્સ મળેલી તેમા બે જણની ફીંગર પ્રિંટ્સ છે જે કોઇ સાથે મેચ થતી નથી.” આ સાંભળી રિષભ વિચારમાં પડી ગયો.

થોડીવાર બાદ રિષભે અભયને કહ્યું “અભય એક કામ કર, જે ટેલીફોન બુથ પરથી દર્શન પર ફોન આવ્યો હતો. તેની પાસેથી પસાર થતા મેઇન રોડ પરના સી.સી.ટીવીના રોકોર્ડીગ લઇલો. તે બુથ પર જે પણ ગયુ હશે તે મેઇન રોડ પરથી જ પસાર થયુ હશે.” આ સાંભળી અભયે કહ્યું “ઓકે, સર” અને પછી અભય ત્યાંથી નીકળી ગયો એટલે રિષભે હેમલને કહ્યું “એક કામ કર આ શિવાનીના મોબાઇલની ખૂન થયુ તેના બે દિવસ પહેલાથી આજ સુધીની કોલ ડીટેઇલ્સ કઢાવ. અને તેનો મોબાઇલ સર્વેલન્સ પર મુકાવી દે.” આ સાંભળી હેમલ પણ જતો રહ્યો એટલે રિષભે પેન ડ્રાઇવ તેના લેપટોપમાં નાખી અને વિડીઓ રેકોર્ડીંગ ચાલુ કર્યુ અને જોવા લાગ્યો. રેકોર્ડીંગ જોઇ લીધુ ત્યાં સુધીમાં તેની સામે અડધુ ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ હતુ.

રેકોર્ડીગ જોઇ રિષભ લેપટોપ બંધ કરતો હતો ત્યાં વસાવા ઓફિસમાં દાખલ થયા અને બોલ્યા “સર, એક માણસે સ્વીકાર્યુ છે કે બે ત્રણ વર્ષ પહેલા તેની બોટ એક રાત માટે કોઇક ભાડે લઇ ગયુ હતુ. મે તેની પૂછપરછ કરી પણ તેને બોટ ભાડે રાખનારનો ચહેરો યાદ નથી.”

આ સાંભળી રિષભ થોડુ વિચારી બોલ્યો “એક કામ કરો. દર્શનના પરીવારના સભ્યો, ઓફિસ સ્ટાફ, અશ્વિન, નવ્યા, શ્રેયા, અને નિખિલના ફોટા તેને બતાવો.” અને પછી કઇક યાદ આવતા રિષભે મોબાઇલમાંથી એક ફોટો વસાવાને સેન્ડ કર્યો અને કહ્યુ. “મે તમને એક ફોટો મોકલ્યો છે તે પણ તે બોટવાળાને બતાવજો. આજ સાંજ સુધીમાં જો તેની પાસેથી કોઇ માહિતી ન મળે તો કાલે તેને અહી બોલાવી લેજો. હું તેની પૂછપરછ કરી લઇશ. અને તે બોટવાળાનો ફોટો તમે પાડતા આવજો.” આ સાંભળી વસાવા પણ જતા રહ્યા. રિષભ નવરો પડ્યો એટલે આંખો બંધ કરી કેસ વિશે વિચારવા લાગ્યો. હવે તેને લાગ્યુ કે હવે કેસ સોલ્વ કરવાની નજીક જ પહોંચી ગયો છે. છતા હજુ થોડી કળીઓ ખૂટતી હતી.

બે કલાક બાદ હેમલ અને અભય રિષભની ઓફિસમાં બેઠા હતા.

“સર, આ ટેલીફોન બુથવાળી જે ગલી છે. તેનાથી પચાસ મીટર દૂર જ એક કેમેરો છે તેનુ આમા રેકોર્ડીંગ છે.” એમ કહી અભયે પેન ડ્રાઇવ રિષભને આપી.

“સર, આમા શિવાનીના કોલ ડીટેઇલ્સ છે.” એમ કહી હેમલે પણ કાગળ રિષભને આપ્યા.

“ઓકે હવે તમે થોડા ફ્રેસ થઇ જાવ. આપણે કલાક પછી ફરી મળીએ છીએ.”

આ સાંભળી બંને ઓફિસમાંથી બહાર જતા રહ્યા. તે લોકો ગયા પછી રિષભે એક કલાક સુધી પેન ડ્રાઇવ અને કોલ ડીટેઇલ્સનો અભ્યાસ કર્યો.

એક કલાક પછી વસાવા, હેમલ અને અભય ત્રણેય એકસાથે દાખલ થયા. ત્રણેય બેઠા એટલે રિષભે વસાવા સામે જોઇને પૂછ્યુ “બોલો વસાવા સાહેબ શુ સમાચાર લાવ્યા છો?”

“સર, મે તેને બધા જ ફોટો બતાવ્યા પણ તે કોઇને ઓળખતો નથી. ત્રણ વર્ષ પહેલા એક જ વાર તે લોકોને મળેલો એટલે અત્યારે તેને કંઇ યાદ નથી.”

“તેનો ફોટો તમે પાડેલો કે નહી?” રિષભે પૂછ્યું.

“હા મારા મોબાઇલમાં જ છે.” વસાવાએ મોબાઇલ ખીસ્સામાંથી બહાર કાઢતા કહ્યું.

“ઓકે મને સેન્ડ કરી દો.” રિષભ કહ્યું અને પછી ત્રણેય સામે જોઇને કહ્યું “ચાલો ઇન્વેસ્ટીગેશન બહુ કરી લીધુ. હવે એક્શન માટે તૈયાર થઇ જાવ.”

ત્યારબાદ રિષભે જે કહ્યું તે સાંભળી ત્રણેય ચોંકી ગયા.

----------***********------------**********---------------********-------------

મીત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM