યોગ-વિયોગ - 69 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 69

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૯

ડોમરૂમની પાટરી પૂરી થઈ ત્યારે લગભગ અઢી વાગવા આવ્યા હતા. અલય, શ્રેયા, અભિષેક, લજ્જા અને શૈલેષ સાવલિયા સહિત સાવ અંગત બે-ચાર જણા બીજા હતા. ખૂણાના એક ટેબલ પર માથું મૂકીને, હાથ લંબાવીને આડી પડેલી અનુપમા પણ ત્યાં જ હતી.

એની સાડીનો છેડો ખભેથી નીકળીને કારપેટ પર ફેલાઈ ગયો હતો. એના ઓલ્ટર બ્લાઉઝની પાછળ બાંધેલી દોરીઓ ઢીલી થઈ આવી હતી. જેને કારણે બ્લાઉઝનું ગળું સહેજ નીચું ઊતરી ગયું હતું અને શરીરના વળાંકો જરા વધુ સ્પષ્ટ દેખાતા હતા. એના વાળ થોડા ટેબલ પર અને થોડા ટેબલની નીચે લટકતા હતા. એક-બે લટ ચહેરા પર આવીને અડધા ચહેરાને ઢાંકી દેતી હતી.

આંખો અડધી મીંચેલી હતી... એ અત્યારે પણ અત્યંત કામ્ય અને સુંદર દેખાતી હતી.

સાવલિયાએ સંજીવને ઇશારાથી અનુપમાને લઈ જવાનું કહ્યું.

‘‘અનુ...’’

જિંદગીમાં ક્યારેય શરાબ ના પીતી આ છોકરી છેલ્લા થોડા વખતથી જાતને શરાબમાં ડૂબાડતી થઈ ગઈ હતી. સંજીવ આ જોઈ શકતો હતો, પણ એને રોકવા માટે એની પાસે કોઈ રસ્તો નહોતો.

ઊંઘની ગોળી અથવા શરાબ, એ સિવાય અનુપમા આખી રાત જાગતી બેસી રહેતી... છેલ્લા કેટલાય સમયથી એનું માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું હતું. એની સંજીવને બરાબર જાણ હતી.

અનુપમાના સાઇકિયાટ્રિસ્ટ પાસેથી લાવેલી ગોળીઓ અનુપમાએ વારંવાર ફગાવી દેવા છતાં એના ભુક્કા કરીને દૂધમાં, ખાવામાં કે બીજી ઘણી રીતે એને આપવાનો પ્રયાસ સંજીવ અને મેરી કરતાં રહેતાં...

પણ અનુપમાનું માનસિક સંતુલન દિવસે દિવસે વધુ ને વધુ ખોરવાતું જતું હતું.

ક્યારેક ગુસ્સો કરતી, ચીસો પાડતી, વસ્તુઓ ફેંકતી, લડતી, ઝઘડતી... તો ક્યારેક કલાકો સૂનમૂન બેસી રહેતી... કલાકો સુધી ‘તેરે શહેર મેં’ના વર્કિંગ સ્ટીલ જોતી રહેતી, જેમાં અલય અને એના પોતાના જોડે ફોટોગ્રાફ્સ હોય. પછી હૈયાફાટ રડતી...

એટલું રડતી કે એને સંભાળવી મુશ્કેલ થઈ જતી...

સંજીવને એના સાઇકિયાટ્રિસ્ટે સમજાવ્યું હતું કે, ‘‘આવા લોકોને ‘મેનિક ડિપ્રેસિવ’ કહેવાય. અસંતુલિત વર્તન, મૂડ સ્વીંગ્ઝ અને વિચિત્ર પ્રકારના ઉતાર-ચઢાવવાળું વર્તન ધરાવતા આવા લોકો સામાન્ય રીતે ખૂબ ઇન્ટેલિજન્ટ પણ હોય છે. એમને તમે કંઈ પણ સમજાવો, એ એટલું જ સમજે જેટલું એને સમજવું હોય...’’

અને, અનુપમાને સમજાવવામાં સંજીવનો ખાસ્સો સમય અને શક્તિ બંને જતા હતા.

અલય માટે બીજા કેટલાય પ્રોડ્યુસર્સની ડેટ આગળ-પાછળ કરીને અનુપમાએ પોતાની તારીખોમાં ફેરબદલ કરી હતી. હવે એ બધા પ્રોડ્યુસર્સ અનુપમા પાસે તારીખો માગી રહ્યા હતા. અનુપમાનો ફોન સામાન્ય રીતે સ્વીચ ઓફ રહેતો થઈ ગયો હતો એટલે આવા લોકોને જવાબ આપતા આપતા સંજીવ થાકી જતો.

અનુપમાને વારંવાર સમજાવવા છતાં અધૂરી ફિલ્મો પૂરી કરવા માટે પણ ડેટ આપવા એ તૈયાર નહોતી...

પછી અચાનક કોણ જાણે શું થયું કે ધડાધડ બે શિફ્ટમાં કામ કરવા લાગી... લગભગ બધી ફિલ્મોના શૂટ જાણે કે ધૂન ચડી ગઈ હોય એમ પૂરા કરવા કટિબદ્ધ થઈ ગઈ.

પરંતુ જૂની અનુપમા જાણે ક્યાંક ગુમ થઈ ગઈ... સેટ પર ગુમસૂમ રહેવું, કામ પૂરતી વાત કરવી, ભાગ્યે જ હસવું !

એને ઓળખનારા દરેક માણસને અનુપમાનું આ રૂપ જોઈને નવાઈ લાગતી હતી, પણ લગભગ દરેક માણસને ખબર હતી કે અનુપમાને શું થઈ ગયું છે ! એના મનના આળા ખૂણાને નહીં છંછેડવામાં જ સાર સમજીને સાથી કલાકારો, એના સ્ટાફના માણસો અને સંજીવ એને સંભાળતા રહેતા.

આજે ઘણા દિવસે અનુપમાના ચહેરા પર સ્મિત આવ્યું હતું. આખી પાટર્ી દરમિયાન અનુપમા જાણે જુદા જ મૂડમાં હતી. ઘણા દિવસે જૂની અનુપમા પાછી ઝળકી હતી.

સંજીવે મનોમન ઈશ્વરનો આભાર માન્યો હતો અને સિદ્ધિ વિનાયકના મંદિરમાં પાંચ કિલો પેંડા ચડાવવાની બાધા પણ લઈ લીધી હતી. પરંતુ અનુપમાએ હાથમાં પહેલું ડ્રિન્ક લીધું એ પછી એ ફરી બદલાઈ ગઈ.

કોઈએ જાણે ધક્કો મારીને એને ઉદાસીની ખાઈમાં ધકેલી હોય એમ વીવીઆઈપીઝ માટે ગોઠવેલાં ટેબલ્સમાંના એક પર બેસીને છેલ્લા કેટલાય કલાકોથી ડ્રિન્ક પર ડ્રિન્ક લઈ રહેલી અનુપમાને અલયે જોઈ હતી, એટલું જ નહીં એક-બે વાર જઈને એને કહેવાનો પ્રયત્ન પણ કર્યો હતો, ‘‘અનુ, તને ખબર છે ને તું કેટલાં ડ્રિન્ક પી ચૂકી છે ?’’

‘‘ના, મને નથી ખબર.’’ અનુપમા હસી હતી, ‘‘તું ગણે છે ? એનો અર્થ એમ કે તારું ધ્યાન મારા પર છે...’’ પછી ઊભી થવા ગઈ પણ ઢળી પડી હતી. એણે મોટા અવાજે કહ્યું હતું, ‘‘વાઉ ! હજી પણ તું મારું ધ્યાન રાખે છે. વેરી ગુડ!’’

‘‘અનુ, પ્લીઝ !’’ અલયે નજીક બેસવાનો પ્રયત્ન કર્યો હતો, ‘‘અહીં પત્રકારો છે. ઇન્ડસ્ટ્રીના મોટા મોટા માણસો છે. બધા તને જુએછે અનુ !’’

‘‘તો ?’’ અનુમાનો અવાજ થર્રાયો હતો, ‘‘હું છું જ જોવાની ચીજ !’’ પલળેલા અવાજે એણે કહ્યું હતું, ‘‘નુમાઇશની વસ્તુ, કલેક્શનની આઇટમ, પ્રદર્શનનો નમૂનો.’’ પછી તાળી પાડતી ઊભી થઈ હતી... એનો પાલવ ખભેથી સરકી ગયો હતો. પાલવ પાછો નાખવા નજીક ગયેલા અલયના ગળામાં એણે હાથ પરોવી દીધા હતા, ‘‘એક જ માણસે મને માણસ ગણીને... સ્ત્રી ગણીને સન્માન આપ્યું. એ આ છે...’’ એણે અલયનો એક હાથ પકડીને ઊંચો કર્યો હતો, ‘‘હી ઇઝ ધ મેન ! અ કમ્પ્લીટ મેન ! રિયલ મેન !’’ પછી ફરી અલયના ગળામાં હાથ નાખતી એ ઢળી પડી હતી.

થોડે દૂર ઊભેલી શ્રેયા માટે આ દૃશ્ય ખરેખર પીડાદાયક હતું. શ્રેયા સ્વભાવે લાગણીશીલ વ્યક્તિ હતી. એનાથી કોઈનુંય દુઃખ જોવાતું નહીં, અત્યારે અનુપમા જે પીડામાંથી પસાર થઈ હતી એશ્રેયાને સમજાતી હતી, એ અનુભવી શકતી હતી એના તરફડાટને !

પાટર્ીમાં એક ખૂણે ઊભી રહીને કોઈકની સાથે વાત કરી રહેલી પ્રિયાને પણ આ દૃશ્ય જોઈને ડૂમો ભરાઈ આવ્યો. અનુપમાને આ સ્થિતિમાં જોઈને એને પોતાની પીડા જરા વધુ તીવ્ર થઈને ચૂભી ગઈ.

એ ધીમે રહીને અનુપમા તરફ આગળ વધી, એણે પોતાના ગળામાંથી એના હાથ કાઢતા અલય પાસેથી અનુપમાને સંભાળીને પકડી લીધી અને હળવેથી ખુરશી પર બેસાડી. એ પછી જાત પરનો કાબૂ ગુમાવીને ટેબલ પર ઢળી પડેલી અનુપમા ત્યારની એમ જ હતી.

એક-બે વાર પ્રિયાએ, બે-ત્રણ વાર સંજીવે અને ફરી એક વાર અલયે એને ઊભી કરીને બહાર લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ અનુપમાએ દરેક વખતે ઝટકો મારીને જાતને છોડાવી અને મોટા અવાજે ક્ષોભજનક રીતે કહ્યું હતું, ‘‘પાટર્ી પૂરી નથી થઈ... નાઇટ ઇઝ સ્ટીલ યંગ...’’

અને એ પછી દરેકે એને એમ જ રહેવા દેવામાં પોતાની અને એની ભલાઈ જોઈ હતી. જોકે પ્રિયા છેક સુધી એની આસપાસ રહી હતી. આ હાલતમાં એના ફોટા લેવાનો પ્રયાસ કરનારા એક-બે ફોટોજર્નાલિસ્ટને પણ એણે ત્યાંથી હટાવી દીધા હતા. અનુપમાની હાલત જોઈને એને વારેવારે ડૂમો ભરાઈ આવતો હતો. એને સાચા અર્થમાં અનુપમાની ચિંતા થવા લાગી હતી.

અભયે નીકળતી વખતે પ્રિયાને બોલાવી ત્યાં સુધી અનુપમાની ચિંતા કરતી, એનો પાલવ સંભાળતી, એને થોડું ખાવાનો આગ્રહ કરતી પ્રિયા એની સારસંભાળ લેતી રહી, જતી વખતે એણે સંજીવને શોધીને અનુપમાની આસપાસ રહેવાની તાકીદ કરી હતી.

પાટર્ી પૂરી થઈ અને બાકી રહેલા છેલ્લા થોડા લોકો પણ નીકળવા લાગ્યા ત્યારે સંજીવે અલયને કહ્યું, ‘‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ, અનુને ગાડી સુધી પહોંચાડીશ ?’’

‘‘વ્હાય નોટ ?’’ અલય સડસડાટ અનુપમા સુધી પહોંચ્યો હતો. એણે નજાકતથી અનુપમાનો હાથ પકડીને પોતાના ગળામાં નાખ્યો હતો. પછી એને ઊભી કરવાની કોશિષ કરી હતી. પરંતુ અનુપમા તો જાણે કપડાંની બનેલી ઢીંગલી કે રબર ડોલ હોય એમ લસ્ત થઈને વારે વારે ઢળી પડતી હતી. એના પગ જાણે રેતીના બન્યા હોય એમ ધસી જતા હતા.

થોડી વાર પ્રયત્ન કર્યા પછી અલયે અનુપમાના ગળા નીચે હાથ નાખ્યો અને ઘૂંટણની નીચે બીજો હાથ નાખીને એને આખી ઊંચકી લીધી. એનો પાલવ સંજીવે સરખી રીતે એને ઓઢાડ્યો, એના વાળ અલયના હાથ ઉપર થઈને હવામાં લહેરાતા હતા. રેશમી સાડીનો પાલવ પણ એની સાથે લહેરાઈ રહ્યો હતો. નશામાં ધૂત અનુપમાની આંખો બંધ હતી, પણ એણે બે હાથ લાંબા કરીને ફરી એક વાર અલયના ગળામાં નાખી દીધા.

‘‘આઇ લવ યુ અલય... આઇ લવ યુ...’’ અનુપમા જાણે કોઈ મંત્રનો જાપ કરતી હોય એમ એકસરખું બોલી રહી હતી.

અલયની પાછળ આવતી શ્રેયાનું હૃદય દ્રવી ગયું. એ જ ભાવ કદાચ એના ચહેરા પર આવી ગયા હશે એટલે અભિષેકે શ્રેયાની નજીક આવીને એના ખભે હાથ મૂક્યો, ‘‘ટેઇક ઇટ ઇઝી...’’

‘‘મને લાગે છે અલયને આટલો પ્રેમ તો હું પણ નથી કરી શકી.’’ શ્રેયાએ કહ્યું. એની આંખોમાં પાણી છલકાઈ ગયું હતું, ‘‘ફના થઈ જશે આ છોકરી... મને એની પરિસ્થિતિ સમજાય છે અને હું કંઈ કરી શકતી નથી.’’

અભિષેકે શ્રેયાના ખભે મૂકેલો પોતાનો હાથ સહેજ દબાવ્યો, ‘‘ઇટ્‌સ ઓ.કે. ! બધા પોતાના ભાગનું સુખ અને દુઃખ ભોગવતા હોય છે.’’

અનુપમાને ઊંચકીને જઈ રહેલા અલયનું મન અપરાધભાવથી ભરાઈ ગયું હતું. એ પોતાના હાથમાં નાના બાળકની નિદરેષતા અને વિશ્વાસથી ઝૂલતી અનુપમાને એકીટશે જોઈ રહ્યો હતો.

‘‘હે ઈશ્વર ! તું જાણે છે હું નિદરેષ છું. મારી ફરજ અને મારા વચનથી બંધાયેલો છું. આ છોકરીને મારા મોહમાંથી મુક્ત કર.’’ એણે મનોમન પ્રાર્થના કરી અને અનુપમાના કપાળ પર ઝૂકીને એક હળવું ચુંબન કરી લીધું.

અભિષેકની પાછળ આવતી લજ્જા હજીયે જાણે સ્વપ્નની મનોદશામાં હતી. સત્તર વર્ષની એ છોકરી પોતાનાથી અગિયાર વર્ષ મોટા આ સુપરસ્ટારની સાથે ગાળેલી એક સાંજ જાણે પોતાની છાતીના ડાબા ખૂણે સંઘરીને છૂટી પડી રહી હતી.

એકલી ,ચૂપચાપ અને અન્યમનસ્ક જેવી ચાલી રહેલી લજ્જાનો અચાનક ખ્યાલ આવતા અભિષેક ધીમો પડ્યો, ‘‘મોબાઇલ છે તારી પાસે?’’ એણે લજ્જાની સાથે ધીમે ધીમે ચાલતા પૂછ્‌યું.

‘‘હેં ?’’ લજ્જાને જાણે ઊંઘમાંથી જગાડી હોય એમ એણે વિસ્ફારિત આંખે અભિષેક સામે જોયું.

‘‘મોબાઇલ... મોબાઇલ છે તારી પાસે ?’’

‘‘હા, હા...’’ લજ્જાએ પોતાનો ફોન આગળ ધર્યો.

‘‘ફોન નહીં, સ્ટૂપીડ ! તારો નંબર જોઈએ છે.’’ લજ્જા અભિષેકના ચહેરા પર રેલાતા સ્મિતમાં જાણે પોતાની જાતને ખોઈ રહી. એને પોતાનો નંબર જ યાદ નહોતો આવતો. એ અભિષેકની આંખોમાં જોઈ રહી હતી અને જાણે હવામાં ડગલાં ભરતી હોય એમ ચાલી રહી હતી.

‘‘યુ આર મેડ.’’ અભિષેકે એના હાથમાંથી ફોન લઈ લીધો અને લજ્જાના મોબાઇલ પરથી પોતાનો નંબર ડાયલ કરવા લાગ્યો.

ફોન ડાયલ કરવામાં બિઝી થઈ ગયેલા અભિષેકને લજ્જા હજુ એ જ નજરે જોઈ રહી હતી, ‘‘યેસ આઇ એમ મેડ ! મેડ ફોર યુ !’’ લજ્જાએ મનોમન કહ્યું.

અભિષેકને પણ કદાચ નહોતું સમજાયું, અનુપમાને ગાડી સુધી પહોંચાડવામાં અટવાઈ ગયેલા અલયને પણ નહોતું દેખાયું, પણ શ્રેયાની પાસેથી પસાર થઈને આગળ નીકળી ગયેલાં અભિષેક અને લજ્જાને જોતાં જ શ્રેયાને સમજાઈ ગયું હતું કે, ‘‘આ છોકરી મરવાની થઈ છે !’’

અનુપમાને ગાડીમાં મૂકીને અલય અને શ્રેયા ઘર તરફ જઈ રહ્યાં હતાં.

અભિષેકે સામેથી ઓફર કરી હતી, ‘‘હું મૂકી દઈશ લજ્જાને.’’ અને લજ્જાની આંખોમાં જે તીવ્ર ઇચ્છા હતી એ જોતાં અલય ના નહોતો પાડી શક્યો.

‘‘અહીંથી સીધા ઘરે જજો અને ઘરે પહોંચીને મને મિસ્ડ કોલ આપજે.’’ શ્રેયા અચાનક ‘કાકી’ થઈ ગઈ હતી.

‘‘ડોન્ટ વરી, હું વિશ્વાસ કરી શકાય એવો માણસ છું.’’ અભિષેક હસ્યો હતો, ‘‘અલય ઓળખે છે મને, બહુ સારી રીતે !’’ અને અભિષેકની બેન્ટ લીમાં બાજુની સીટમાં બેસતા લજ્જાનું રુંવાડે રુંવાડું જાણે ઊભું થઈ ગયું હતું.

શ્રેયા ચૂપચાપ ગાડી ચલાવી રહી હતી. અલયે બે-ત્રણ વાર વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ શ્રેયા જાણે કશામાં ખોવાયેલી હતી.

અલયે એના ખભાની આસપાસ હાથ લપેટીને એને હચમચાવી નાખી, ‘‘ઓ મેડમ ! ક્યાં ખોવાયેલાં છો ?’’

‘‘હેં ?’’ શ્રેયાએ ડોકું ફેરવીને અલય સામે જોયું.

મુંબઈના રસ્તાઓ શાંત થઈ ગયા હતા. એકલ-દોકલ ટેક્સી કે પસાર થતી ગાડી સિવાય કોઈ ટ્રાફિક નહોતો. દિવસે એકબીજાને અડી જાય એટલી નજીક ચાલતી ગાડીઓની હારમાળા જે રસ્તાને ભરી દેતી એ રસ્તાઓ અત્યારે વિશાળ અને પહોળા લાગતા હતા. સ્ટ્રીટલાઇટનો સ્પીલ થતો પ્રકાશ આસ્ફાલ્ટના રસ્તા ઉપર ચકરડાં પાડતો ઊંઘરેટો થઈને ઊભો હતો.

બંધ દુકાનો, અંધારાં મકાનો અને રસ્તાઓ ઉપર સૂતેલા લોકો સતત જાગતા-ભાગતા આ શહેરને જાણે ઊંઘરેટું કરી રહ્યા હતા...

‘‘અલય...’’ શ્રેયાએ અલય તરફ ડોકું ફેરવીને કહ્યું, ‘‘આ અનુપમાનું શું થશે ?’’

‘‘ચક્રમ છે.’’ અલય હસ્યો અને એણે પોતાના વાળમાં આંગળીઓ ફેરવી. સીટને પાછળ પુશબેક કરી અને લંબાવી દીધું, ‘‘ઠીક થઈ જશે.’’

‘‘મને એવું નથી લાગતું.’’ શ્રેયાના અવાજમાં એક અજબ ગંભીરતા હતી, ‘‘તું માને છે એટલું સહેલું નથી. એને એમ છોડી દેવાથી...’’

‘‘જો શ્રેયા.’’ શ્રેયાના અવાજની ગંભીરતાનો પડઘો પાડતો હોય એમ અલયનો અવાજ પણ ગંભીર થઈ ગયો, ‘‘હું એમાં કંઈ કરી શકું એમ નથી.’’

‘‘તો પણ...’’

‘‘તો પણ શું શ્રેયા ? જે પરિસ્થિતિ આપણા હાથમાં જ ના હોય એ પરિસ્થિતિ વિશે આકળ-વિકળ થઈને શું થઈ શકે ?’’

‘‘આમ ને આમ ચાલશે તો એ છોકરી...’’

‘‘મરી જશે ?’’ અલયે ઝટકાથી બેઠો થઈ ગયો. એના અવાજમાં ચીડ હતી ! થોડો ગુસ્સો, થોડી અકળામણ... ‘‘તો શું કરું હું ? બહુ સમજાવી હતી મેં. મારાથી દૂર રાખવાના બધા પ્રયત્નો કર્યા. તેમ છતાં એણે...’’ એણે બે હથેળીમાં ચહેરો ઢાંકીને માથું ધુણાવ્યું, ‘‘મને ગિલ્ટ નહીં આપ... મારો કોઈ વાંક નથી. મેં એને છેતરી નથી. ઊલટાનો એણે મને...’’ અલય બારીની બહાર સડસડાટ પસાર થતાં મકાનો અને રસ્તો જોવા લાગ્યો.

ગિયર પરથી હાથ હટાવીને શ્રેયાએ અલયનો હાથ પકડ્યો, ‘‘ગિલ્ટ નથી આપતી અલય.’’ એની નજર સામે રસ્તા પર હતી, ‘‘માત્ર સવાલ પૂછું છું- તને અને મારી જાતને.’’

‘‘નહીં પૂછ. આ એકમાંથી કેટલાય સવાલો ઊભા થશે.’’ અલયે શ્રેયા સામે જોયું અને ફરી લસ્ત થઈને શરીર લંબાવી દીધું, ‘‘ભાગેડુ કહે તો ભાગેડુ, ડરપોક કહે તો ડરપોક, પણ મારે આ સવાલ નથી સાંભળવો...’’ એણે આંખો બંધ કરી લીધી.

‘‘અલય, હું સ્ત્રી છું અને તારું આ વર્તન આમ તો મને ફાવતું અને અનુકૂળ આવતું વર્તન છે... પણ એક વાત તને કહેવી છે મારે. કોઈ પણ પરિસ્થિતિમાં દાખલ થતી વખતે જ ત્યાં પહોંચ્યા પછી ઊભા થનારા સવાલો વિશે વિચારી લેવું જોઈએ.’’ પછી અટકીને એણે કહ્યું, ‘‘આ વાત વસુમાએ જ કહી છે એટલે મારાથી વધારે તો તને ખબર હોવી જોઈએ.’’

‘‘જો શ્રેયા, આજે મારી ફિલ્મ રિલીઝ થઈ છે, હું ખૂબ સુખી છું અને અમુક વસ્તુઓમાં પડવાની મને ઇચ્છા નથી. મારે માટે આ ચર્ચા અર્થહીન છે. અનુપમા નાની બાળકી નહોતી. મેં એને ભોળવી નથી અને મેં નહોતું વિચાર્યું એ પરિસ્થિતિ વિશે તો એણે વિચારવું જોઈતું હતું...હવે એની ચર્ચા કરીને શું મળવાનું છે ?’’ પછી એણે પોતાનું ડોકું શ્રેયા પર ઢાળી દીધું, ‘‘મને અત્યારે તારી સાથેનાં લગ્ન સિવાય કોઈ વિચાર નથી આવતો.’’ એણે શ્રેયાના કાનની બૂટ પર હળવું બચકું ભર્યું, ‘‘મારી મા કાલે બાલકૃષ્ણ ઠક્કરને મળે તો સાંજના છેડે તને પરણીને ઘેર લઈ આવું હું...’’

‘‘અલય, આટલાં બધાં વિઘ્નો ભાગ્યે જ કોઈનાં લગ્નમાં આવ્યાં હશે ! મને પણ તારી સાથે આવતી કાલે પરણી જવું છે.’’ પછી એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો, ‘‘આપણાં લગ્નથી અનુપમા પર શું અસર થશે એ વિચારતા ધ્રૂજી જાઉં છું.’’

અલય પણ આ વાત સાંભળીને જરા ગંભીર થઈ ગયો. એ સમજતો હતો આ વાક્યની સચ્ચાઈને, પણ કદાચ સ્વીકારવા નહોતો માગતો...

શ્રેયાએ આ વાત આટલી સ્પષ્ટ કહીને જાણે બંનેની વચ્ચે એક ખાલીપો ઊભો કરી દીધો. એ પછી ક્યાંય સુધી શ્રેયા ચૂપચાપ ગાડી ચલાવતી રહી. વચ્ચે વચ્ચે એ પોતાનો ફોન ઉપાડીને જોતી હતી, ‘‘લજ્જાનો ફોન ના આવ્યો.’’

‘‘આવશે.’’ હજી તો અલયનું વાક્ય પૂરું થાય એ પહેલાં શ્રેયાના ફોનની રિંગ વાગી. અલયે હસીને કહ્યું, ‘‘ડાહ્યો છોકરો છે અભિષેક.’’ પછી આંખ ઉઘાડીને શ્રેયા સામે જોયું, ‘‘મારા જેવો નથી, વંઠેલ.’’

આ જોક હતો કે શ્રેયાને સંભળાવવા કહ્યું હતું અલયે, કોને ખબર... પણ એ પછી છેક શ્રીજી વિલા સુધી શ્રેયાએ કશું જ ના કહ્યું. બંને જણા ચૂપચાપ પોતપોતાના વિચારોમાં અટવાયેલા પોતપોતાના મનની ઊબડખાબડ ભેખડોમાં અથડાતા-કૂટાતા વહેતા રહ્યા !

વસુમા અને સૂર્યકાંતને દરવાજે આવીને ઊભેલા જોઈને બાલકૃષ્ણ ઠક્કરને નવાઈ ના લાગી, પણ સહેજ આઘાત જરૂર લાગ્યો.

એમણે ક્યારેય નહોતું ધાર્યું કે સૂર્યકાંત અને વસુમા આવી રીતે એમના દરવાજે આવીને ઊભા રહેશે.

‘‘આવો.’’ હવે એમને એક સદગૃહસ્થ તરીકે વર્ત્યા વિના છૂટકો નહોતો.

‘‘અમે તો લઈ જવા માટે આવ્યા છીએ.’’ સૂર્યકાંતે અંદર દાખલ થવા જતાં વસુમાનો હાથ પકડી લીધો, ‘‘માગવા આવ્યા છીએ. આપવાનું વચન આપો તો જ અંદર આવીએ. બાકી બારણેથી પાછા ફરી જઈએ.’’

વસુમાએ આશ્ચર્યચકિત થઈને સૂર્યકાંતની સામે જોયું. એમને વિશ્વાસ હતો કે સૂર્યકાંત આ પરિસ્થિતિને કુનેહપૂર્વક સંભાળી લેશે, પરંતુ એ આટલી જલદી અને આટલો હોંશિયારીથી ઘા કરશે એવી એમને કલ્પના પણ નહોતી.

‘‘શું માગો છો એ જાણ્યા વિના હા તો કેમ પડાય ?’’ બાલકૃષ્ણ ઠક્કર ફિક્કા પડી ગયા. એમણે કહેવા ખાતર કહ્યું, પરંતુ એમને ખબર હતી કે સૂર્યકાંત શું માગે છે અને એમણે શું આપવાનું છે...

‘‘ઠક્કર સાહેબ, તમારા ઘરમાં આપવા જેવું એક જ રતન છે, જે માગવા અમે તમારા દરવાજે આવીને ઊભા છીએ.’’ સૂર્યકાંતે બે હાથ જોડ્યા, ‘‘છોકરાવાળા છીએ તોય હાથ જોડીને તમારી દીકરી માગીએ છીએ.’’

‘‘પણ અંદર તો આવો, શાંતિથી વાત કરીએ.’’ બાલકૃષ્ણ ઠક્કર આ અણધાર્યા વારથી બઘવાઈ ગયા હતા અને વસુમાને સૂર્યકાંત પર વારી જવાનું મન થઈ ગયું. એમણે ધાર્યું હતું કે ઠક્કર સાહેબ એમને વિનંતીની પરિસ્થિતિમાં મૂકશે, એમને સમજાવવા પડશે, મનાવવા પડશે અને એ બધા માટે એ માનસિક રીતે તૈયાર થઈને આવ્યા હતા. આજે કોઈ પણ હિસાબે અલયનાં લગ્નની હા પડાવીને જ જવું એવું નક્કી કરીને આવ્યા હતા એ, પરંતુ સૂર્યકાંત આવી અણધારી ચાલ ચાલીને ઠક્કર સાહેબને નરમ ઘેંસ જેવા કરી નાખશે એવી એમને કલ્પના નહોતી.

‘‘ભાઈ, અમે જે માગવા આવ્યા છીએ એ મળવાનું જ ના હોય તો શાંતિથી બેસીને બીજી કઈ વાત કરવાની ? તમે હા પાડો તો ઊંબરો ઓળંગીએ, બાકી જો પાછા વળવાનું જ હોય તો અહીંથી જ વળી જઈએ.’’

‘‘તમે તો જાણો છો, અલય...’’

‘‘અમે તો જાણીએ જ છીએ.’’ સૂર્યકાંતે હજી હાથ જોડી જ રાખ્યા હતા, ‘‘અલય સફળ થઈ ગયો છે. એની ફિલ્મ અત્યારે ટિકિટબારી પર ટંકશાળ પાડે છે અને એવું પણ સમજીએ છીએ કે આજની તારીખે એક કહેતા એકવીસ કન્યા મળે મારા દીકરાને...’’ એમણે વસુમા સામે જોઈને સ્મિત કર્યું, ‘‘પણ શું કરીએ, મા-દીકરો તમારી દીકરીમાં મોહી ગયાં છે.’’

‘‘સિનેમા-નાટકના ધંધામાં...’’

‘‘હવે તો બહુ પ્રસિદ્ધિ છે ને પૈસા પણ... તમે તો જાણો જ છો, આજકાલ સિનેમાના સ્ટાર્સ મોટા મોટા ઉદ્યોગપતિઓ કરતા વધારે કમાય છે ને પ્રસિદ્ધિ વધારામાં.’’ એમણે ફરી પાછું સ્મિત કર્યું, ‘‘તમારા ઓળખીતા- પાળખીતા અને સગાવહાલા પણ વાંચતા હશે ને મારા દીકરા વિશે !’’

‘‘આમ તો મેં પણ વાંચ્યું છે. હું જાણું છું કે અલય બહુ ઓછા સમયમાં ભલભલાને ના મળે એવી પ્રસિદ્ધિ પામ્યો છે, સફળ છે, પણ ભાઈ, તમે તો જાણો છો તમારો ભૂતકાળ...’’

વસુમાને પગથી માથા સુધી જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એવી લાગણી થઈ. આટલા સન્માનથી અને સારી રીતે વાત કરતા સૂર્યકાંતને બાલકૃષ્ણ ઠક્કર આવો જવાબ આપશે એવું એમણે ધાર્યું નહોતું.

સૂર્યકાંતના ચહેરા પર એક ક્ષણ માટે ઝાંખપની વાદળી આવી અને વીખરાઈ ગઈ, ‘‘એમાં એવું છે ને ભાઈ કે, ભૂલ તો બધા કરે અને માણસે પોતાની ભૂલમાંથી જ શીખવાનું હોય. હું મારી ભૂલમાંથી એ શીખ્યો કે છોકરાંઓને સમયસર એમનો વારસો આપી દેવો અને મનગમતું કામ કરવા દેવું.’’ પછી વસુમાના ખભે હાથ મૂકીને એમને જાણે સધિયારો આપતા હોય એમ ખભો થપથપાવ્યો, ‘‘અને સાચું પૂછો તો તમારા જેવા બુદ્ધિશાળી માણસે તો છેલ્લે શું થયું એ વિચારવું જોઈએ. અમેરિકામાં મારી મિલકત અને વ્યાપાર વિશે ખબર કઢાવી જ હશે તમે... મેં અલયને એનો ભાગ આપી દીધો છે.’’ અને પછી જાણે કાળીનો એક્કો ઉતરતા હોય એમ ઉમેર્યું, ‘‘શ્રેયા અને અલયનાં લગ્ન થશે તો મારી મિલકતનો એ ભાગ શ્રેયાના નામે કરવાની ઇચ્છા છે મારી.’’

વસુમા તો અર્ધદગ્ધ થઈને પોતાના પતિની આ કુનેહ પર વારી વારી જતા હતા.

‘‘શું છે કે હું તમારી જગ્યાએ હોઉં તો હું પણ આવું જ વિચારું.’’ સૂર્યકાંત હજીયે એક પછી એક પત્તા ઊતરી રહ્યા હતા, ‘‘મારે પણ દીકરી છે ભાઈ, એક નહીં બબ્બે... અને શ્રેયા પણ આમ તો મારી દીકરી વધારે ને વહુ ઓછી છે.’’ પછી હસીને છેલ્લું વાક્ય કહેતા હોય એમ કહ્યું, ‘‘હું બરાબર કહું છું ને ? મારી વહુ ખરી કે નહીં ?’’

‘‘હેં...’’ બાલકૃષ્ણ ઠક્કર પાસે શબ્દો નહોતા. એ આંખો ફાડીને, મોઢું ઉઘાડીને આ માણસે બિછાવેલી ચેસની રમત પર ચેકમેટ થઈ ગયા હતા.

એમણે હવે વધુ ચર્ચામાં ઊતર્યા વિના હથિયાર નાખી દીધાં...

‘‘આવો... આવો... આપણે વાત કરીએ.’’

‘‘આ બધી વાત કર્યા પછી તમે અંદર આવવાનું કહો છો એનો અર્થ એમ કે તમે આ સંબંધ માટે સંમતિ આપો છો, બરાબર ?’’ વસુમાએ સૂર્યકાંતની સામે જોયું. એમની નજરમાં ઢગલાબંધ શાબાશી અને વહાલ હતું.

‘‘તમે ક્યાં મારા માટે બોલવાની કોઈ જગ્યા જ રહેવા દીધી છે?’’ હવે બાલકૃષ્ણ ઠક્કરને માથું ઝુકાવ્યા વિના છૂટકો નહોતો, ‘‘અંદર તો આવો, આમ ઊંબરે ઊભા રહીને માગું કરાય ?’’

‘‘અમે માગું કરવા નહીં, લગનનો સમય નક્કી કરવા આવ્યા છીએ.’’ સૂર્યકાંતે કોલ્હાપુરી ચપ્પલ ઊંબરાની આ તરફ ઉતાર્યા અને ઊંબરો ઓળંગીને પગ મૂકતા ઉમેર્યું, ‘‘લગ્ન આજે જ થશે. ગોધુલી વેળાએ.’’

‘‘તમે બધું નક્કી કરીને આવ્યા હો તો પછી મારે શું કરવાનું ?’’

‘‘સૌથી મોટું કામ તો તમારે કરવાનું.’’ સૂર્યકાંતે સોફામાં ગોઠવાતા કહ્યું, ‘‘કન્યાદાન !’’

‘‘ભાઈ, તમે તો મને હરાવી દીધો.’’

‘‘દીકરીના બાપ છો, તમારા ઘરની લક્ષ્મી અમને આપીને તમે હારીનેય જીત્યા જ છો.’’ સૂર્યકાંતે ઊભા થઈને ફરી હાથ જોડ્યા, ‘‘શ્રેયા જેવી દીકરી જે કુળમાં જાય એમાં અજવાશ જ પાથરે. તમારા ઘરના દીવાને અમે અમારા કુળમાં દીવો કરવા માટે માગીએ છીએ.’’ આટલું બોલતા બોલતા તો સૂર્યકાંતની આંખો ભરાઈ આવી.

બાલકૃષ્ણ ઠક્કર આગળ વધીને સૂર્યકાંતને ભેટી પડ્યા.

વસુમાએ પણ આંખના ખૂણે આવેલાં બે આંસુ લૂછી લીધાં અને અંદરથી ટ્રેમાં મીઠાઈ લઈને બહાર આવતી શ્રેયા સામે જોઈને ઠક્કર સાહેબને ભેટીને ઊભેલા સૂર્યકાંતે આંખ મીંચકારી.

ભીની આંખે ટ્રે લઈને આવતી શ્રેયા હસી પડી.

સૂર્યકાંત અને વસુમા ઘેર પહોંચ્યાં ત્યારે અલય મુંબઈનાં થિયેટર્સમાં ફરીને આવી ગયો હતો. એનો ઉત્સાહ સમાતો નહોતો. એ ઘરના સોફા પર લાંબો થઈને મોબાઇલ પર કોઈની સાથે વાત કરતો હતો. સૂર્યકાંત અને વસુમાને દાખલ થતાં જોઈને એ દોડ્યો, ‘‘મા, મારી ફિલ્મ સુપરહિટ છે. ટિકિટબારીના આંકડા અને જાણકારોની ભવિષ્યવાણી મારી ફિલ્મને દાયકાની હિટ ફિલ્મોમાં મૂકે છે.’’

‘‘સરસ.’’ વસુમાએ અલયના ગાલ પર હાથ ફેરવ્યો, ‘‘અમે શ્રેયાના પપ્પા પાસે ગયા હતા.’’

અલય નજરમાં પ્રશ્નાર્થ લઈને વસુમાની સામે જોઈ રહ્યો હતો. આ સમાચાર સૂર્યકાંત આપે એવી ઇચ્છાથી વસુમાએ સૂર્યકાંતની સામે જોયું, પણ સૂર્યકાંત નિર્લેપભાવે વસુમાની સામે જ જોઈ રહ્યા હતા.

‘‘તારા બાપુ તો આજે સાંજનાં લગન નક્કી કરીને આવ્યા છે.’’

અલયે સૂર્યકાંત સામે જોયું અને પછી આગળ વધીને સૂર્યકાંતને પગે લાગ્યો. સૂર્યકાંતે એને વાંકો વળવા જ ના દીધો, પકડીને છાતીસરસો ચાંપી દીધો. બાપ-દીકરો બંને એકબીજાને ભેટીને ખાસ્સી વાર સુધી ઊભા રહ્યા. અલયે જેટલી વાર છૂટવાની કોશિષ કરી એટલી વાર સૂર્યકાંતે એને વધુ જોરથી છાતી સાથે ભીંસી દીધો.

બાલકૃષ્ણ ઠક્કરે ઘણી દલીલો કરી જોઈ, મુહૂર્ત કઢાવવાથી શરૂ કરીને ધામધૂમથી લગ્ન કરવાની પોતાની ઇચ્છા સુધી બધાં જ બહાનાં કાઢી જોયાં, પણ શ્રેયાએ દરેકના જવાબ આપીને એમની દલીલો બુઠ્ઠી કરી નાખી.

ડબલ પૈસા આપીને સાંજના છેડે કુપર હોસ્પિટલની સામે બી.જે. હોલનો એક પ્રાઇવેટ ભાગ બુક થઈ ગયો. મુંબઈના શ્રેષ્ઠ ફ્લોરિસ્ટ અને કેટરરને ફોન થઈ ગયા. અંજલિ અને રાજેશથી શરૂ કરીને બધા જ નજીકના લોકોને આમંત્રણ પહોંચી ગયાં...

કામે લાગેલા ઘરના તમામ લોકોએ ગણતરીના કલાકોમાં આ બધું આટોપીને લગ્નની પૂરેપૂરી તૈયારી કરી નાખી.

શ્રેયા અરીસામાં જોઈને તૈયાર થઈ રહી હતી. છેલ્લાં કેટલાંય વર્ષોથી જે સપનું એણે ઊંઘતા અને જાગતા જોયું હતું એ સપનું સાચું પડવાને હવે થોડી મિનિટોની વાર હતી. શ્રેયાની સાથે બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગયેલી લજ્જા પણ અલય ચાચુનાં લગ્ન વિશે સખત એક્સાઇટેડ હતી.

વચ્ચે વચ્ચે એ એસ.એમ.એસ. પર કોઈની સાથે વાત કરી રહી હતી. સતત આવતા અને જતા એસ.એમ.એસ.નાં બિપ સાંભળીને શ્રેયાએ એક વડીલ કાકીની અદાથી એને કહ્યું, ‘‘અભિષેકને શૂટ નથી આજે ?’’

લજ્જાએ શરમાળ નજરે શ્રેયા સામે જોયું અને પછી ફોન ઊંધો મૂકી દીધો. એ પછી વાગતા દરેક બિપ પર એણે શ્રેયા સામે જોયું, પણ ફોન ઉપાડ્યો નહીં.

પૂરેપૂરી તૈયાર થઈને શ્રેયાએ અરીસામાં પોતાની જાતને જોઈ અને એ પોતે જ પોતાની જાત પર મુગ્ધ થઈ ગઈ. લાલ બોર્ડરની સફેદ સાડી એને વસુમાએ કાઢી આપી હતી, ‘‘આ મને મારા સસરાએ આપેલી.’’ એમણે સાડી આપતાં કહ્યું હતું.

ચૂડો, કપાળ પર કાઢેલી પીર, સાડી પર ઓઢેલી ચુંદડી... શ્રેયા પોતાની જાતને નીરખી નીરખીને જોઈ રહી હતી. બરાબર એ જ સમયે શ્રેયાનો સેલફોન રણક્યો.

‘‘અનુપમા બોલું છું...’’

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Bhoomika Bhojak

Bhoomika Bhojak 2 અઠવાડિયા પહેલા

Jigneshkumar Suryakant Dabhi

Jigneshkumar Suryakant Dabhi 3 અઠવાડિયા પહેલા

Kunal Bhatt

Kunal Bhatt 3 માસ પહેલા

Darshan Trivedi

Darshan Trivedi 5 માસ પહેલા

Sukesha Gamit

Sukesha Gamit 3 વર્ષ પહેલા