બીજે દિવસે સવારે રશ્મિ જ્યારે ઉઠે છે, ત્યાંરે તે હવે થોડી તાજગી અનુભવી રહી હતી. આંખો ખોલ્યા પછી થોડા સમય પછી તેને ખબર પડે છે કે તે હજી તો ઓફિસમાં જ છે. ધીમે ધીમે તેને આગલા દિવસનો ઘટનાક્રમ યાદ આવવા લાગે છે. તે ધીમે થી ઊભી થઈને દીવાન પર બેસે છે. તેને સામેથી આવતી અનીતા દેખાય છે.
" હું આખી રાત અહીં જ હતી"
"હા કાલે તું એવી ઊંઘી ગઈ કે જાણે વર્ષો પછી ઊંઘવા મળ્યું હોય"
" હા અનીતા, કાલે બહુ જ સારી ઊંઘ આવી ગઈ, કોઈ ભયાનક સપના નહીં બસ એક સુખની ઊંઘ આવી"
એટલામાં તેની નજર રસિકભાઈ પર પણ પડે છે. "અંકલ તમે ક્યારે આવ્યા?"
" હવે કેવું લાગે છે બેટા?" તે પ્રેમથી રશ્મિ ના માથા ઉપર હાથ ફેરવતા પૂછે છે.
" સારુ લાગે છે, તમારો ખુબ ખુબ આભાર મને એક અનાથને આટલી પોતાની સમજી ને મદદ કરી એ માટે"
" અરે બેટા, શું બોલે છે તું, મેં તને કદી પારકી માની જ નથી. મારા માટે અનીતા અને રશ્મિ બંને મારી દીકરીઓ છે. હવે ચાલ ઊભી થઈ જા ઘરે તારી આંટી તારી આતુરતાથી રાહ જોઈને બેસી હશે, એણે આખી રાત ફોન કરી ને તારી તબિયત વિષે પૂછી ને મને પણ ઊંઘવા નથી દીધો."
" એટલે અંકલ તમે રાતના અહીંયા છો?"
રસિકભાઈ ના ચહેરા પર એક પિતાની ખુશી દેખાઈ રહી હતી અને તે રશ્મિની સામે પ્રેમથી હસે છે.
"હવે ઊભી થઈશ?" અનીતા તેની એકદમ નજીક આવી જાય છે એટલે રશ્મિ તેને ગળે લગાડી લે છે.
અને એક વાત સાંભળી લેજે, આજ પછી એવું ના બોલતી કે તુ અનાથ છે, હજી એ સાબિત થયું નથી અને ત્યાંર પછી અનીતા ડોક્ટર સમીર સામે જોઈને રહસ્યમય રીતે હસે છે.
રશ્મિએ એ જોયું પણ, એ કંઈ સમજી ન શકી.
થોડીવાર પછી રસિકભાઈ રશ્મિ અને અનીતા એમની ગાડી માં ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યાંરે રશ્મિને ગાડીની બહાર જોતા યાદ આવે છે, અનીતા કેમ ડોક્ટર સામે જોઈને હસી હતી, શું વાત હશે એણે એવું કેમ કીધું કે હજી એવું સાબિત થયું નથી, મતલબ એને મારા પિતા વિશે કંઈ જાણવા મળ્યું હોવું જોઈએ, આવા અનેક વિચારો એક પછી એક રશ્મિ ના મગજ માં ચાલ્યા કરતા હતા આખરે કંટાળીને તે અનીતાને પૂછે છે,
"અનીતા, તું ડોક્ટર સામે જોઇને કેમ હસી હતી?, શું તમને કંઇ જાણવા મળ્યું છે? પ્લીઝ મને કહે."
અનીતા રશ્મિને થોડી અકળાવવા માટે થોડીવાર એની સામે જોઈ રહે છે પણ બોલતી નથી.
" હા રશ્મિ, જાણવા મળ્યું છે"
તરત જ રશ્મિની આંખો મોટી થઈ જાય છે, તેની ઉત્સુકતા એકદમ વધી જાય છે."બોલને, જલ્દી અનીતા પ્લીઝ!"
"રાત્રે તારા સુઈ ગયા પછી, અમે તેં જે સપનામાં જોયું એના વિષે ચર્ચા કરી એના પરથી જાણવા મળ્યું કે તારા પિતાનું નામ અરવિંદ ઝવેરી છે, તે એક ચિત્રકાર છે, તો આટલી માહિતીના આધારે અમે ઇન્ટરનેટ પરથી જાણવાની કોશિશ કરી કે,આવા કોઈ નામની વ્યક્તિ હયાત છે કે નહીં, તું તો જાણે જ છે કે આજકાલ ઇન્ટરનેટથી આપણે કેટલી બધી જાણકારી મેળવી શકીએ છીએ, તો અમને આ નામને લગતા કેટલાક વ્યક્તિઓની માહિતી મળી, તેમાંથી અમે એવા વ્યક્તિઓની યાદી અલગ કરી, જેમની ઉંમર લગભગ તારા પિતાની ઉંમર સાથે મેળ ખાતી હોય. પછી બાકી વધેલા માંથી એ તપાસ્યું કે એમાંથી કોઇ ચિત્રકામ સાથે સંકળાયેલા છે કે નહીં, અને બસ અમારું કામ થઇ ગયું, એમાંથી એક વ્યક્તિ એવી મળી છે, જેની ઉંમર તારા પિતા ની ઉમર સાથે મેળ ખાય છે, અને તે ચિત્રકાર પણ છે. તેમના ચિત્રો અહીંની એક પ્રખ્યાત આર્ટ ગેલેરીમાં વેચાય છે."
" તો શું એ જ મારા પિતા છે?"
" રશ્મિ એ તો કઈ રીતે ખબર પડે?, પહેલા એમને મળવું પડે, બધી શક્યતાઓ તપાસવી પડે, એમને જઈને સીધું તો નાપૂછી શકાય? કે, તમે રશ્મિ નામની યુવતીને ઓળખો છો? શું એ તમારી દિકરી છે?"
" કેમ અનીતા? કેમ ના પૂછાય? તેના વગર આપણને ખબર કેવી રીતે પડશે?"
" અરે રશ્મિ તું સમજતી નથી, તારા સપના મુજબ તારી મમ્મી તારા પિતા ને નફરત કરે છે, તેમના નામથી જ ગુસ્સે થઈ જાય છે, એનો મતલબ કે તેમના વચ્ચેના સંબંધો સારા નહી હોય, હાલ તો આપણે એવું માનીને જ ચાલવું પડશે"
" તો એના થી શું ફરક પડે છે?"
" હું એમની દિકરી છું, એ મારી જોડે તો એવું ના કરી શકેને?"
"હા ના કરી શકે, તારી વાત સાચી છે,પણ કયા કારણના લીધે અણબનાવ હતો, એ જાણ્યા વગર સીધું જ પૂછી શકાય નહીં, અને બની શકે, કે એ તને ઓળખવાની ના પાડી દે તો, આપણી પાસે શું સાબિતી છે કે તું જ એમની દીકરી છે, તારા સપના મુજબ એ થોડા સ્વીકાર કરી લેશે, કે તું જ એમની દીકરી છે?"
"તો હવે શું કરવાનું?"
"તું શાંતિ રાખ ડોક્ટર સાહેબે કીધું છે, એ આજે એમના વિશે થોડી માહિતી એકઠી કરશે, એમનું ઘરનું સરનામું મેળવશે, પછી એ આપણી સાથે આવશે અને આપણે અરવિંદ ઝવેરીને મળવા જઈશું"
રશ્મિ અનીતા ની વાત સાંભળીને થોડી દુઃખી થઈ જાય છે. તેના નસીબમાં ખુશી અચકાઈ અચકાઈને જ આવે છે. પહેલા માતાનું નામ જાણવા મળ્યું, પણ તે હયાત નથી, પછી પિતાનું નામ જાણવા મળ્યું, તો એ પોતાને સ્વીકારશે કે નહીં તે ખબર નથી,વિચારતા વિચારતા ગાડી ઘર સુધી આવી પહોંચે છે.
રશ્મિ ઘરમાં પ્રવેશતા જ વિદ્યાબેન તેને ગળે લગાડી લે છે, અને તેના ઓવારણાં ઉતારે છે" મારી દીકરીને કોઈની નજર ના લાગે"
"રશ્મિ તુ જલ્દી ફ્રેશ થઈને નીચે આવી જા. આજે તારા માટે તને ભાવતા ભોજન બનાવ્યા છે, પછી આપણે જમીને મંદિરે પણ જતાં આવીએ. રશ્મિ અને અનીતા ફ્રેશ થઈને નીચે આવે છે એટલે બધા સહ પરીવાર સાથે જમવા બેસે છે,વિદ્યાબેન રશ્મિને પ્રેમપૂર્વક દબાણ કરીને જમાડે છે. જમીને લગભગ બે કલાક આરામ કરીને, બધા જ સાથેજ મંદિર જવા નીકળે છે. મંદિરના પટાંગણમાં પહોચીને દર્શન વિધી પતાવીને વિદ્યાબેન બધાને મંદીરની પાછળ આવેલા આશ્રમમાં મહારાજને મળવા જાય છે, રસિકભાઈ પણ તેમની સાથે જ આવે છે. વિદ્યાબેનને એ વાતની ખુશી હતી કે અનીતાના પિતા એ બહાને મહારાજને મળવા તો આવ્યા.
ચારે જણા મહારાજના આરામ કરવાના કક્ષમાં જઇને તેમને પ્રણામ કરીને તેમની સામે બેસે છે.
અનીતા મહારાજ ને આખો ઘટનાક્રમ કહી સંભળાવે છે
"તમારી વાત સાચી હતી મહારાજ, રશ્મિના સપનામાં કોઇ ઈશારો છુપાયેલો જ હતો, જે હવે જાણવા મળી ગયો છે, બસ હવે રશ્મિના પિતા વિશે જાણવા મળી જાય તો બધું જ સુખરુપ પાર પડી જશે"
" થશે બેટા, મહાદેવ પર ભરોસો રાખવો એ તમને આટલે સુધી લાવ્યો છે તો પાર પણ એ જ ઉતારસે.
◆◆◆
એ જ દિવસે સવારે ડોક્ટર સમીર પોતાની ગાડીમાં તેમણે ઇન્ટરનેટ પરથી લીધેલા આર્ટ ગેલેરીના સરનામા તરફ આગળ વધી રહ્યા હતા. તેમની ગાડી એક મોટા કોમ્પ્લેક્સના ગેટ માં પ્રવેશ કરે છે. પાર્કીંગમાં ગાડી પાર્ક કરીને આર્ટ ગેલેરીમાં પ્રવેશે છે, ત્યાંં દીવાલો ઉપર ઘણા બધા ચિત્રો લગાવેલા હતા, તેઓ ધીમે ધીમે એક પછી એક ચિત્રો જોતાં જોતાં આગળ વધતા જાય છે, અને અચાનક એક ચિત્ર આગળ આવીને ઊભા રહી જાય છે, તે ચિત્ર એક પેન્સિલ આર્ટથી બનાવેલું ચિત્ર હતું, એવી જ કળા જેના દ્વારા રશ્મિ પણ પોતાના ચિત્રો બનાવે છે,તેઓ ચિત્રના નીચેના ભાગમાં લખેલા ચિત્રકારનું નામ વાંચવાનો પ્રયાસ કરે છે. ત્યાંં નાના અક્ષરમાં "એ જે" લખેલું દેખાય છે, તેમને મનમાં શંકા તો જાય છે કે "એ જે" નો મતલબ અરવિંદ ઝવેરી થવો જોઈએ એટલે, શંકાના સમાધાન માટે તે આર્ટ ક્યુરેટર ને બોલાવે છે, અને બહુ જ ચાલાકીથી તેમની પાસેથી ચિત્રકાર વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે, કે જેથી તેને બીજી કોઈ વાતનો શક જાય નહીં.
આર્ટ ક્યુરેટર તેમની પાસે આવીને તેમને પૂછે છે,
" હા સાહેબ, ગમ્યું તમને આ ચિત્ર?"
"હા મને આવા પેન્સિલ આર્ટના ચિત્રો પસંદ છે, ખરેખરમાં, મને મારી ઓફિસ માટે એક આવું જ ચિત્ર જોઈતું હતુ, પણ મારે થોડું મારા મુજબ બનાવડાવવું હતું"
" હું એક સાઇકિયાટ્રિસ્ટ છું"
" તમે મને એ કહી શકશો કે આ ચિત્ર નીચે જે "એ જે" લખ્યું છે એનો મતલબ શું થાય?"
" હા હા કેમ નહીં, તેનો મતલબ અરવિંદ ઝવેરી આ એમને જ દોરેલું ચિત્ર છે"
ડોક્ટર સમીરના મનમાં તરત જ ઝબકારો થાય છે.
" ખુબ સરસ તમે મને એક મદદ કરી શકો?, મને મિસ્ટર અરવિંદનું સરનામું અને ફોન નંબર આપી શકો?, જો તમને કોઈ વાંધો ના હોય તો"
" મેં તમને કહ્યું એમ જો એ તૈયાર થાય તો, મારે એક ખાસ ચિત્ર દોરાવવું છે"
"એ શું કામ ના પાડે!, એમનું તો કામ જ છે ચિત્ર દોરવાનું, તમે આવો મારી સાથે, હું કાઉન્ટર પરથી એમને ફોન પણ કરી દઉં છું, અને તમારી ઓળખાણ પણ આપી દઉં છું"
કાઉન્ટર પર પહોચીને ક્યુરેટરે તેના ખાનામાંથી એક ડાયરી માંથી અરવિંદ ઝવેરીનું એક વીઝીટીંગ કાર્ડ કાઢીને ડોક્ટરને આપે છે. અને પછી પોતે ફોન કરીને આવતીકાલે ડોક્ટર માટે મિટિંગ પણ ગોઠવી આપે છે, અને સમીર તેમનો આભાર માનીને પોતાની ગાડી તરફ આગળ વધી જાય છે.
◆◆◆
રસિકભાઈ તેમના પરિવાર સાથે ઘરે આવી પહોંચે છે. એટલે તેમનો સેવક જણાવે છે કે ડોક્ટર સમીર નો ફોન આવ્યો હતો, એના વળતાં પ્રતિભાવરૂપે રસિકભાઈ ડોક્ટરને ફોન કરે છે, ફોન ઉપાડતા જ સમીર રસિકભાઈ ને અરવિંદ ઝવેરી વિશે મળેલી માહિતી આપે છે, અને આવતીકાલે સવારે અનીતા અને રશ્મિ સાથે તેમને મળવા જવાનું નક્કી કર્યું છે તેના વિશે પણ જણાવે છે. ફોન મૂકતાં જ અનીતા અને રશ્મિ તેમની સામે જોઈ રહ્યા હતા. બંનેના ચહેરા પર જાણવાની ઈંતેજારી દેખાઈ રહી હતી. રસિકભાઈ તેમને સમીર સાથે થયેલી વાત જણાવે છે, અને આવતીકાલે સવારે અરવિંદભાઈ ને મળવા જવા સમીરની ઓફિસે જવા કહે છે.
આ વાત સાંભળીને રશ્મિના મનમાં એક ખૂણામાં ખુશી ઉત્પન્ન થાય છે, કે તે પહેલી વખત તેના પિતાને મળવા જઈ રહી છે, પણ બીજી ક્ષણે અવળચંડુ મન ખરાબ વિચારો પણ લાવે છે,કદાચ એ એના પિતા નહીં હોય તો! અથવા તેઓ પોતાને સ્વીકારવાની ના પાડી દેશે તો!,આમ વિચારતા વિચારતા રશ્મિ નો દિવસ પૂરો થઈ જાય છે.
◆◆◆
બીજા દિવસે અનીતા અને રશ્મિ ડોક્ટર સમીર સાથે તેમની ગાડીમાં અરવિંદભાઈના ઘર તરફ આગળ વધી રહ્યા હતા. ડોક્ટર ગાડીમાં તેમને જણાવે છે કે તેમણે આગલા દિવસે આર્ટ ગેલેરીમાં ક્યુરેટર પાસેથી ફોન કરાવીને આજે મળવા માટેનો સમય કેવી રીતે લીધો. અરવિંદ ઝવેરી નું ઘર સેટેલાઈટમાં એક જૂના બંગલાની સોસાયટીમાં આવેલું હતું. ગાડીમાં રશ્મિ એકદમ ઉચક જીવે આગળ શું થશે એ વિચારીને શાંત બેઠી હતી.ગાડી અરવિંદભાઈની સોસાયટી માં પ્રવેશે છે, પ્રવેશતા જ ગેટ ઉપર દરવાન પાસેથી તેમના બંગલાનું યોગ્ય લોકેશન મેળવી ડોક્ટર ગાડી એ તરફ આગળ વધારી દે છે. ગાડી દરવાને જણાવેલા બંગલા નંબર નજીક આવતા ધીમી પાડે છે. રશ્મિ અને અનીતા ગાડીમાંથી નિરીક્ષણ કરી રહ્યા હતા. અરવિંદભાઈ નો બંગલો ખૂબ જ ભવ્ય અને મોટો હતો. તેમને બંગલાનો ચોકીદાર પણ રાખેલો હતો. જે તેમને ગાડી પાર્કિંગ તરફ દોરી લઈ જવામાં મદદ કરે છે. ત્રણેય જણા ગાડીમાંથી ઉતરી એક પગદંડી પર ચાલતા ચાલતા આગળ વધે છે. પગદંડીની બંને બાજુ મોટો બગીચો હતો જેમાં, અનેક ફુલછોડ લગાવેલા હતા, અને બગીચામાં લગાવેલા પાણી નાખવાના યંત્રથી બગીચાની માટી ભીની થઈ ગઈ હતી, અને તેમાંથી માટીની સુવાસ ચારે બાજુ ફેલાઈ રહી હતી. બંગલાના મુખ્ય દરવાજે પહોંચતા સુધીમાં તો ત્રણેય જણા પ્રકૃતિની કળાને લીધે એકદમ તરોતાજા થઈ જાય છે. બંગલામાં પ્રવેશતા જ એક સેવક આવીને તેમને બેઠક રૂમ તરફ દોરી જાય છે. જે એક વિશાળ રૂમ હતો, તેની મધ્યમાં એક કાચનું મોટુ ઝુમ્મર લગાવેલું હતું. અને એક તરફ સીડી દેખાતી હતી, જે ઉપર જવા માટેનો રસ્તો હતો. અરવિંદભાઈ નો સેવક જણાવે છે કે તેઓ થોડીવાર બેસે, અરવિંદભાઇ આવતાં જ હશે. ત્રણેય જણા સોફા પર બેસીને બંગલાની ભવ્યતા જોવામાં ખોવાઈ જાય છે. થોડીવાર પછી કોઈનો ધીરે ધીરે ઉતરવાનો અવાજ સંભળાય છે, ત્રણે જણાની નજર સીડી પર મંડાયેલી છે, પણ બીજી જ ક્ષણે એ અવાજ આવતો બંધ થઈ જાય છે, અને પછી ફરી પાછો ચાલુ થઈ જાય છે, પણ આ વખતે ઉપરથી આવતો અવાજ દૂર જતો હોય તેવું લાગતું હતું, અને થોડીવાર પછી અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. ત્રણેય જણાને કંઈ સમજાતું નથી. અનીતા અને રશ્મિ ડોક્ટરની સામે જોવે છે. થોડીવારમાં રસોડા તરફના ઇન્ટરકોમની રીંગ વાગે છે, અને સેવક ફોન ઉપાડે છે. થોડીવાર માથું હલાવી જાણે કોઈ આદેશ લેતો હોય તેમ "ઠીક છે" કહી ને ફોન મૂકી દે છે. અને તેમની તરફ આવતો દેખાય છે, માફ કરજો સાહેબ પણ અમારા સાહેબ ની તબિયત સારી નથી એટલે તે તમને મળી શકશે નહીં. તમારા માટે કંઈ ઠંડું કે ગરમ લાવું? ત્રણે જણા એકદમ મૂંઝવણમાં આવી જાય છે, અચાનક મળવાનું કેન્સલ કરવાનું કારણ શું હોઈ શકે? તેઓ નોકરનો આભાર માનીને બહાર નીકળે છે, અને તેમની ગાડી તરફ આગળ વધે છે.
અનીતા ડોક્ટરને કહે છે "આ કેવો માણસ છે પહેલા જાતે સમય આપે છે, અને ઘરે આવે ત્યાંરે મોઢું પણ બતાવતો નથી."
રશ્મિ તેની પાછળ ચાલતી હતી પણ તેનું ધ્યાન બંગલો જોવામાં હતું. અચાનક તેનું ધ્યાન બંગલાના પહેલા માળની બારી તરફ જાય છે, એને એવું લાગતું હતું કે પડદા પાછળથી કોઈ તેમની પર નજર રાખી રહ્યું હતું. તેને આખી ઘટના થોડી રહસ્યમય લાગે છે.
ગાડીમાં બેસતાં જ અકળાયેલી અનીતા ડોક્ટર ને કહે છે,"હવે શું કરીશું આને તો મળવાની જ ના પાડી દીધી?"
"મને પણ કંઈ સમજણ ન પડી, આવું વર્તન કરવા પાછળનું કારણ શું હોઈ શકે? મારી પાસે એમનો ફોન નંબર છે, હું કાલે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરીશ.
◆◆◆
બીજા દીવસે ડોક્ટર સમીર અરવિંદભાઈ સાથે ફોને પર વાત કરવાની કોશિશ કરે છે. પણ તેમનો સેવક દર વખતે એક જ જવાબ આપતો હતો કે, તેમની તબિયત સારી નથી તે તમારી સાથે વાત નહીં કરી શકે.
" ડોક્ટર સમીર રશ્મિને ફોન કરીને જણાવે છે કે હજી, સુધી તે અરવિંદભાઈ સાથે વાત કરી શક્યા નથી.
આ સાંભળતા જ રશ્મિ એકદમ નિરાશ થઈ જાય છે, તેને સમજાતું નથી હવે શું કરવું?
અનીતા તેને ધીરજ રાખવા કહે છે, "તું ધીરજ રાખ રશ્મિ, બની શકે કે તેમની તબિયત ખરેખરમાં ખરાબ હોય. આપણે બે ત્રણ દિવસ રાહ જોવી જોઈએ.
આમને આમ આખું અઠવાડિયું વીતી જાય છે, પણ અરવિંદભાઇ સાથે વાતચીત થતી નથી એટલે કંટાળીને અનીતા અને રશ્મિ ડોક્ટર સમીર ને મળવા તેમની ઓફિસ પર જાય છે.
◆◆◆
"હવે શું કરીશું ડોક્ટર સાહેબ?"
અનીતા અને રશ્મિ ડોક્ટર ની ઓફિસમાં બેઠા હતા. અને અનીતા ડોક્ટરને પૂછે છે.
" અરવિંદભાઈ કેમ આવું કરી રહ્યા છે?, એ મને પણ નથી સમજાતું. કમ સે કમ તેઓએ ફોન પર વાત તો કરવી જોઈએ ને!"
અનીતા અને ડોક્ટર ની વાતો ચાલતી હતી, ત્યાંરે, રશ્મિ કોઈ વિચારોમાં ખોવાયેલી હતી અનીતા તેને સજાગ કરે છે.
"શું વિચારે છે રશ્મિ?" હું છેલ્લા બે-ત્રણ દિવસથી વિચારતી હતી કે જો મારા પપ્પા મતલબ અરવિંદભાઈ આપણને વાસ્તવિક દુનિયામાં નથી મળી રહ્યા તો, તેમને સપનાની દુનિયા માં જઈને મળીએ તો?
આટલું બોલતા તે ડોક્ટરની સામે જુવે છે, ડોક્ટર તેનો કહેવાનો મતલબ સમજી જાય છે.
"તું ફરી વખત સપનામાં જવા માંગે છે અને એમાં હું તને હિપ્નોટીઝમ થી મદદ કરું એમ જ ને."
અનીતા ડોક્ટર ને પૂછે છે,
"શું એનાથી મદદ મળશે આપણને?"
"આતો એક શક્યતા તપાસવાની વાત છે અનીતા, જો રશ્મિ પહેલા એના પિતાને મળેલી હશે તો, એ સપનામાં એમને મળી શકશે.મને એવું લાગે છે કે આપણે એક વખત પ્રયત્ન તો કરવો જ જોઈએ."
ડોક્ટરની વાત સાંભળી રહેલી રશ્મિ તો જાણે પહેલી થીજ તૈયાર હોય એમ, દિવાન પર જઈને સૂઈ જાય છે. અને ડોક્ટર તેમની બાજુમાં આવીને બેસી જાય છે.
"રશ્મિ જ્યારે તું આંખો બંધ કરે ત્યાંરે બની શકે તો તારા પિતા વિશે વિચારવાનો પ્રયત્ન કરજે."
ડોક્ટર એક બે અને ત્રણ બોલે છે અને રશ્મિની આંખો બંધ થઈ જાય છે, થોડીવાર રહીને રશ્મિ કોઈ બગીચાની અંદર ચાલતી હતી તેવું તેને લાગે છે. ધીરે-ધીરે આજુબાજુ નિરીક્ષણ કરતા તેને ધ્યાનમાં આવે છે કે તે અરવિંદભાઈના બંગલા ના બગીચા માં જ હતી.તે બંગલા તરફ ચાલી રહી હતી, તેની નજર એ જ પહેલે માળ ની બારી પર જાય છે, જ્યાંથી ગઈ વખતે કોઈ તેમની પર નજર રાખી રહ્યું હતું. ઘરના મુખ્ય દરવાજે પહોચતાજ ફરીથી એ જ સેવક સામે મળે છે.એ તેને બેઠક રૂમ ના સોફા માં બેસવા કહે છે. રશ્મિ એ જ જગ્યાએ બેસીને રાહ જુએ છે જ્યારે તે વાસ્તવિક દુનિયામાં અનીતા અને ડોક્ટર સાથે આવી હતી. થોડીવાર પછી પહેલાની જેમ સીડી પરથી કોઇનો ઉતરવાનો અવાજ રશ્મિ ના કાન પર પડે છે. તેની ધડકનો તેજ થઇ જાય છે, એ જાણતી હતી આવનારી ક્ષણો તેના માટે કેટલી મહત્વની હતી. પગલાનો અવાજ ધીરે ધીરે વધી રહ્યો હતો. રશ્મિ સીડી પર નજર રાખીને બેઠી હતી અને બીજી ક્ષણે સીડીની દિવાલ પાછળથી એક વ્યક્તિ તેની નજર સામે હાજર નહીંથાય છે. રશ્મિ તેમનું નીચેથી ઉપર સુધી નિરીક્ષણ કરવામાં ખોવાઈ જાય છે. આવનાર વ્યક્તિની હાઈટ ખાસ્સી ઊંચી હતી, તેણે જભ્ભો લહેંગો પહેર્યો હતો.
"મારું નામ અરવિંદ જવેરી છે"
અચાનક અવાજ આવવાથી રશ્મિ ની તંદ્રા તૂટે છે. તેને શું વાત કરવી એ કાંઈ સમજાતું નથી, તેની જીભ થોથવાતી હોય અને ગળું સુકાતું હોય તેવું લાગે છે. રશ્મિ ગળા નીચે થૂંક ઉતારતા ધીમેથી બોલે છે,
"મારું નામ રશ્મિ છે"
હવે આગળ શું વાત કરવી એ વિચારતી હતી, તેવામાં જ સેવક પાણી લઈને આવે છે.રશ્મિને વિચારવાનો થોડો સમય મળી જાય છે. રશ્મિ પાણી પીને વાતની શરૂઆત કરે છે,
"હું નૈનિતાલમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણું છું, અહીં મારી મિત્રના ઘરે આવી છું મને થોડા દિવસ પહેલા જ મારી મમ્મી નું નામ જાણવા મળ્યું, મારો કહેવાનો મતલબ એમ છે કે અત્યાંર સુધી મને એવું લાગતું હતું કે હું અનાથ છું, મને મારા માતા-પીતાના નામ પણ ખબર ન હતા, પણ થોડા દિવસ પહેલા એવી ઘટનાઓ બની કે, જેનાથી મને મારી માતા નું નામ જાણવા મળ્યું છે અને હવે હું મારા પિતાની શોધમાં અહીં આવી છું.”
અરવિંદભાઈ ધ્યાનથી રશ્મિની વાત સાંભળી રહ્યા હતા.
“તો હું તારા પિતાને સોંધવામાં તને કઈ રીતે મદદ કરી શકું? તેવો રશ્મિ ને પૂછે છે.
“ખરેખરમાં હું તમને એ પૂછવા માટે આવી હતી કે, રશ્મિને તેની મમ્મીનું નામ લેતા ખચકાટ થતો હતો. મનમાં ગભરામણ થાય છે, તે કદાચ હમણાં તેની મમ્મીને ઓળખવાની ના પાડી દેશે તો હું શું કરીશ, છતાં પણ રશ્મિ મન મક્કમ કરી ને આગળ વાત કરે છે,
“તમે માધુરીબેનને ઓળખો છો? જે માતૃસદનમાં રહે છે.”
સવાલ પૂછીને રશ્મિ અરવિંદભાઈના ચહેરાના હાવભાવ જોવાનો પ્રયશ કરે છે કે મમ્મીની જેમ તેના પપ્પા તેની મમ્મીનું નામ સાંભળીને શું પ્રતિભાવ આપે છે. મમ્મી તો પપ્પાનું નામ સાંભળતા જ ગુસ્સે થઈ ગઈ હતી, પણ તેમનો ચહેરો એકદમ સામાન્ય જ લાગતો હતો.
“હા ઓળખું છું એને, પણ તમે એને કઈ રીતે ઓળખો?”
રશ્મિ ને સમજાઈ જાય છે કે હવે એ અણીનો સમય આવી ગયો હતો.
“હું એમની દીકરી છું”
આ સાંભળતા જ અરવિંદભાઈના ચહેરાના હાવભાવ બદલાતા દેખાય છે. તે ઊભા થઈને રશ્મિની સામે આવે છે, એટલે રશ્મિ પણ ઊભી થઈ જાય છે. તેઓ રશ્મિ ના ખભા પકડીને બોલે છે,
”તને જોઈને કેટલી ખુશી થઈ મારી દીકરી, હા તું મારી જ દીકરી છે. મેં કેટલી વખત તને મળવાનો પ્રયત્ન કર્યો પણ માધુરીએ મને તને મળવા જ ના દીધો. અને આજે માધુરીએ તને સામેથી અહીં આવવા દીધી, હું તને કહી નથી શકતો કે હું કેટલો ખુશ છું.”
તેમની આંખોના ખૂણા ભીના થતા દેખાય છે, તે રશ્મિને પ્રેમથી ગળે લગાવી લે છે. રશ્મિ તો જાણે તેમની વાત સાંભળી એકદમ સુન્ન થઈ ગઈ હતી. તે અંદરથી ખુશ હતી તે પહેલી વખત તેના પિતાને મળી હતી. તે એ પણ ભૂલી જાય છે કે તે એક સપના માં છે. બંને જણા જ્યારે છૂટા પડે છે ત્યાંરે બંનેની આંખો માંથી પાણી વહી રહ્યું હતું. અરવિંદભાઈ રશ્મિની બાજુમાં સોફા પર બેસે છે.
“હવે હું તને ક્યાંય નહીં જવા દઉં,તુ હવે મારી પાસે જ રહેજે. તું જાણતી નથી હું તને મળવા કેટલો આતુર હતો. રશ્મિ તેમની બાજુમાં સોફા પર તેમના ખભે માથું મૂકીને આંખો બંધ કરીને વિચારી રહી હતી કે કાશ આ સમય આમ જ થંભી જાય અને એટલામાં જ તેને ગુફામાંથી આવતો હોય તેઓ અવાજ સંભળાય છે, એક- બે- ત્રણ અને રશ્મિને ચપટી વાગવાનો અવાજ સંભળાય છે, અને તેની સાથે જ તેની આંખ ખૂલી જાય છે, થોડી ક્ષણો માટે તેને વાસ્તવિકતાનું ભાન રહેતું નથી. ડોક્ટર સમીર ધીરેથી તેને દિવાન પર બેસાડે છે, રશ્મિ ડોક્ટર સામે થોડીવાર સુધી જોઈ રહી છે અને કહે છે,
“તમે કેમ મને પાછી બોલાવી લીધી, હું મારા પિતા સાથે રહેવા માંગતી હતી".
"એ શક્ય નથી રશ્મિ, તું પણ જાણે છે, એ સપનું હતું, હું તારા પર જોખમ આવે એવું કંઈ પણ કરી શકું નહીં"
અનીતા રશ્મિ માટે પાણી લાવે છે, પાણી પીધા પછી રશ્મિને થોડી તાજગી લાગે છે. પણ તે કઈ મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું હતું તેને સમજાતું ન હતું કે સપનામાં શું થયું."
અનીતા રશ્મિ ને લઈને ડોક્ટર ની સામે ખુરશી પર આવીને બેસે છે. તે ડોક્ટર ની સામે જુએ છે તે એક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા.
રશ્મિ તેમને પૂછે છે, “ડોક્ટર સાહેબ હું સપનામાં મારા પિતાને મળી તેનાથી શું જાણવા મળ્યું? મને તો કંઇ સમજણ પડતી નથી.
“પણ હું સમજી ગયો છું રશ્મિ”
અનીતા કહે છે, “અમને પણ સમજાવો ને સાહેબ,
“રશ્મિ તે એક વસ્તુનું ધ્યાન દોર્યું, સપનામાં તારા પિતાને ખબર જ નથી કે તારી મમ્મી નું ખૂન થઈ ગયું છે, અને તે હયાત નથી. તે હજી એમ જ માને છે કે તે જીવિત છે. અને તે તને પ્રેમ થી સ્વીકારે છે, તને તેમની સાથે રાખવા તૈયાર છે, જ્યારે વાસ્તવિક જીવનમાં તારા પિતા તારી સામે પણ આવવા માંગતા નથી. આનો મતલબ એવો છે કે સપનામાં મળેલા પિતા અને વાસ્તવિક જીવનના પિતા આ બંને અલગ અલગ વ્યક્તિ છે. તું સપનામાં જે પિતાને મળી તે તને પ્રેમ કરે છે, એ તારી સાથે રહેવા માંગે છે, એનું કારણ એ છે કે એ તારી કલ્પનાના પિતા હતા. તને પહેલેથી જ પિતાનો પ્રેમ નથી મળ્યો, તુ પિતાનો પ્રેમ ઝંખે છે, એટલે તે જે મનમાં તારા પિતાની છબી બનાવી હતી એમને તું સપનામાં મળી. પણ વાસ્તવિક દુનિયામાં આનાથી બિલકુલ વિરુદ્ધ છે, વાસ્તવિક દુનિયાના પિતા તારાથી કંઈક છુપાવે છે એટલે એ તારી સામે આવતા ગભરાય છે, બની શકે છે, કે તે તને પહેલેથી જ ઓળખતા હોવા જોઈએ, અને એમને કોઈ વાતની બીક છે, જે તારી સામે આવી જવાથી છતી થઇ જશે. એટલે એ તારી સામે આવતા નથી, તને યાદ છે, જ્યારે તે સપનામાં તારી મમ્મીને તારા પિતા વિશે પૂછ્યું હતું, તો તેમને પણ ગમ્યું ન હતું. મતલબ કે તારા પિતાએ એવું કંઈક કર્યું છે જેનાથી તારી મમ્મી એમના થી અલગ થઈ ગઈ છે.
“એ કઈ વાત હોઈ શકે?” ડોક્ટર
“અત્યાંર સુધીના તારી જોડે બનેલા ઘટનાક્રમ પરથી મને એવું લાગે છે કે, એનો સંબંધ તારા મમ્મીના ખૂન સાથે હોવો જોઈએ.
“એ કેવી રીતે બને?”
“રશ્મિ તે કદી એ વાત ધ્યાન પર લીધી છે, તને આવા સપના ત્યાંરથી આવતા થયા જ્યારથી તે તારા પ્રિન્સિપાલના ખુન વિશે સાંભળ્યું. એ સમાચાર સાંભળીને તને આઘાત લાગે છે. આને મેડિકલની ભાષામાં પોસ્ટ ટ્રોમેટિક ડિસોર્ડર કહેવાય છે. પોસ્ટ ટ્રોમેટિક ડીસ ઓર્ડરના પેશન્ટના લક્ષણોમાં એને સપના આવે, એનું ધ્યાન ક્યાંય લાગે નહીં. પણ મોટા ભાગના કેશમાં પોસ્ટ ટ્રોમેટિક ડીસ ઓર્ડરના પેશન્ટને જે ઘટના બની હોય તેના સંબંધના જ સપના આવે છે. પણ તારા કેશમાં, તું તારા પ્રિન્સિપાલને નહીં પણ તારી મમ્મીના સપના જોવે છે. એનો મતલબ કે ભૂતકાળમાં પણ આ રીતની ઘટના તારી નજર સામે બનેલી છે. અને તેના આઘાતના લીધે તું એ ઘટના ભૂલી ગઈ છે. મતલબ કે તારી મમ્મી નું ખૂન થયું ત્યાંરે તું ત્યાંં હાજર હતી, પણ પોસ્ટ ટ્રોમેટિક ઓર્ડરની અસરના લીધે ઘણી વખત પેશન્ટ એની યાદશક્તિ ગુમાવી દે છે, એમ રશ્મિના કેશમાં પણ આવું જ થયું છે. પણ જ્યારે અગિયાર વર્ષ પછી ફરી વખત એવી જ ઘટના નો સંયોગ થાય છે, ત્યાંરે તેને ધીરે ધીરે તે ઘટના સપના દ્વારા યાદ આવવા લાગે છે. અને આપણને ઇન્સ્પેક્ટર મહેતા એ પણ પુરાવો આપ્યો કે તારી મમ્મીનું ખૂન પણ એવી જ રીતે કપાળમાં ગોળી વાગવાથી થયુ છે.
અનીતા અને રશ્મિ ખૂબ જ ધ્યાન પૂર્વક ડોક્ટર નું વિવરણ સાંભળી રહ્યા હતા.
અનીતા ડોક્ટરને પૂછે છે, “પણ આમાં રશ્મિના પિતાનું શું લેવાદેવા? મારો મતલબ આ ખુંન સાથે,
ડોક્ટર રશ્મિ સામે જુએ છે, તે વિચારમાં હતી.
“અનીતાની વાત નો જવાબ કદાચ એ જાણતી હતી અને ડોક્ટરને પણ ખબર પડી ગઈ હતી, એટલે તે બંને એકબીજાની સામે જુએ છે.
“અનીતા કદાચ તારા પ્રશ્નનો જવાબ રશ્મિને મળી ગયો છે, ડોક્ટર અનીતાને કહે છે,
રશ્મિ અનીતાંની સામે જોઈ ને કહે છે,
“અનીતા ડોક્ટરનું એવું માનવું છે કે જ્યારે મારી મમ્મી નું ખૂન થયું ત્યાંરે હું ત્યાંં હાજર હતી અને મારા વાસ્તવિક જીવનના પિતા મિસ્ટર અરવિંદ ઝવેરી એ પણ આ ખુંન વિશે જાણે છે, એટલે જ એ મારી સામે આવતા ગભરાય છે. કારણ કે પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે મારા પિતા એ જ મારી મમ્મીનું ખુન કર્યું હોવું જોઈએ, અને એ મેં જોયું છે, એટલે હું એમને ઓળખી જવું એવી એમને બીક છે, એટલે એ આપણને મળતા નથી.
રશ્મિ ની વાત સાંભળી બધા થોડીવાર માટે ચૂપ થઈ જાય છે.
“ડોક્ટર સાહેબ આ વાત સાચી નીકળે તો, હું એમને કદી માફ નહીં કરી શકું” રશ્મિ ગુસ્સામાં ઊભી થઈ જાય છે અને રૂમમાં આંટા મારવા લાગે છે.
“પણ ડોક્ટર સાહેબ જો રશ્મિ, જે વાત કહે છે એ સાચું હોય તો તેના પિતાને તેની માતાનું ખુન કરવાની શું જરૂર પડી?, કોઈ માણસ કોઈ કારણ વગર તો પોતાની પત્નીને આટલી ઘાતકી રીતે હત્યાં કારે નહીં” અનીતા ડોક્ટરને પ્રશ્ન કરે છે.
“અનીતા એ વાત તો હવે આપણે અરવિંદ ઝવેરી પાસેથી જ જાણવી પડશે.”
“ પણ એ આપણને મળતા જ નથી તો કેવી રીતે જાણીશું?”
“ મળશે, જ્યારે પોલીસ પૂછવા જશે ત્યાંરે તો, તેમને કહેવું જ પડશે”
“એટલે તમે એવું કહો છો કે આપણે મહેતાસાહેબને લઈને તેમના ઘરે જઈએ?”
“ હા અનીતા, આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. હું મહેતા સાહેબને વાત કરી રાખીશ કાલે આપણે એમને લઈને જઈશું, અને આ વાતની સચ્ચાઈ અરવિંદભાઈના મોઢે થી જ કરાવીશું.”
“ઠીક છે ડોક્ટર સાહેબ, એવું કરીએ”
“અનીતા તુ રશ્મિને હવે ઘરે લઈ જા અને એને આરામ કરાય, રશ્મિ તુ ચિંતા કરીશ નહીં કાલે બધું જ આપણને ખબર પડી જશે”
રશ્મિ ડોક્ટર સામે જુએ છે, અને અનીતા ની સાથે ઘરે જવા માટે નીકળી જાય છે.