Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 5

રશ્મિ જ્યારે આંખો ખોલે છે ત્યાંરે, તેને એક અજીબ પ્રકારની લાગણી અનુભવી રહી હતી. ખરેખરમાં તેને આશ્ચર્ય થતું હતું કે જ્યારથી મેડમ નું ખુન થયું અને તેના પછી જે સપનાઓ ની હારમાળા ચાલુ થઇ, તેના પછી તેનું જીવન જાણે કે એક નવી જ દિશામાં આગળ વધી રહ્યું હતું. એ દિવસથી જ્યારે તે સવારે વહેલા ઊઠે ત્યાંરે તેનું માથું એકદમ ભારે રહેતું હતું, તેને બેચેની લાગતી. લોકો ઊંઘીને ઊઠે ત્યાંરે એકદમ તરોતાજા થતાં હતા, પણ રશ્મિ જ્યારે ઊઠતી ત્યાંરે એ એકદમ થાકેલી હોય કંટાળેલી હોય તેવી લાગણીની અનુભૂતિ થતી હતી.

પણ આજે એને એવું કશું જ લાગતું નહોતું. તે મન માં ખુશ થાય છેકે હાશ, મને હવે સપના આવતા બંધ થઈ ગયા. અને તે આ ખુશખબર આપવા અનીતાને ઉઠાડવા એના પલંગ સામે જોવે છે, તો તેના આશ્ચર્ય વચ્ચે અનીતાનો પલંગ ત્યાંં હતો જ નહીં. તે ધીમે ધીમે રૂમમાં આજુબાજુ જુવે છે છત પર એક જૂનો પંખો હતો, જે ધીરેધીરે ફરી રહ્યોં હતો, દિવાલો પર કલર ઉખડી ગયો હતો તેમાંથી પોપડા પડી રહ્યા હતા. તેના પલંગની બાજુમાં એક ટેબલ હતું તેના પર એસ ટ્રે મૂકી હતી. જેમાં સિગારેટના ઠૂંઠા પડ્યા હતા, અચાનક તેને ભાન થાય છે કે ના આ તેનો રૂમ જ નથી. તે આખા રુમમાં સિગરેટના ધુમાડાની ગંધ પણ અનુભવી રહી હતી. હું અને અનીતા કોઈ દિવસ સિગરેટ પીતા નથી તો આ સિગરેટ કોણે પીધી?, હું ક્યાં છું?, અનીતા ક્યાં છે?, આ કોનું ઘર છે? તેવા અનેક પ્રશ્નો તેના મગજમાં હથોડાની જેમ જીકાય છે. તે ધીમેથી પલંગ પરથી ઊભી થાય છે પોતાના કપડાં ઉપર એક નજર નાંખે છે. તેણે એક સુંદર ડ્રેસ પહેર્યો હતો,પણ તેની પાસે એવો ડ્રેસ તો હતો જ નહી. સામે એક કબાટ પડેલું દેખાય છે તે ઉભી થઈને તેની સામે જાય છે તેને ખોલીને જુવે છે. તેમાં ઘણા બધા ચિત્રો મૂકેલા હતા. તે એક બે ચિત્રો પર નજર કરે છે. ચિત્રો ઘણા જ સારા બનાવેલા હતા પોતે એક કલાકાર હતી એટલે તે સમજી શકતી હતી કે તે ચિત્રો કેટલા ઝીણવટપૂર્વક બનાવેલા હતા. બાજુમાં એક આખા કદ નો અરીસો મુકેલો હતો. તેની સામે આવીને ઉભી રહે છે પોતે જાણે પહેલી વખત અરીસામાં પોતાને જોઈ રહી હોય એવું તેને લાગે છે, તેના વાળ હાલ હતા એના કરતાં વધારે કર્લી લાગતા હતા અને લાંબા હતા તેમાં આગળના ભાગે એક કર્લી લટ તો તેના ગાલ સુધી આવી રહી હતી, આંખો નીચે કાળા કુંડાળા પણ ન હતાં. અને તેનો ચહેરો જાણે ઉજાસથી ખીલી ઉઠ્યો હોય એવું લાગી રહ્યું હતું. તેણે પહેરેલો ઓફ વાઈટ કલરનો ડ્રેસ એના શરીર પર એકદમ ચપોચપ ફીટીંગમાં હતો. તેનાથી તેના અંગો ની સુંદરતામાં વધારો થતો હતો. રશ્મિ થોડી શરમાઈ જાય છે, તેને કદી આટલા વર્ષોમાં પોતાની જાતને આટલી જીણવટપૂર્વક જોઈ ન હતી. અચાનક સીડી પર કોઈના ધીમા પગલાંનો અવાજ સંભળાય છે, તે અવાજ ધીરે-ધીરે વધી રહ્યો હતો, કોઇ ઉપર આવી રહ્યું હોય, તેવું લાગી રહ્યું હતું થોડીવાર રહીને કોઇ દરવાજો ખખડાવી રહ્યું હોય તેવો અવાજ આવી રહ્યો હતો. રશ્મિ મનમાં ડરી જાય છે, તે જાણતી હતી કે પોતે સપનામાં હતી એટલે સપનામાં પેલો ખૂની જ હોવો જોઈએ પણ મમ્મી કેમ દેખાતી નથી,એવું તો નથી ને કે પેલા ખૂનીએ એને મારી નાખી હોય અને હવે પોતાને મારવા ઉપર આવી રહ્યો હોય, એના મગજમાં આવા અમંગળ વિચારો ચાલતા હતા ત્યાંરે જ તેને દરવાજાનું હેંડલ ફરતું દેખાય છે, એના હૃદયના ધબકારા વધી રહયા હતાં. તેને પોતાના હૃદયના ધબકારાનો અવાજ પણ સંભળાઇ રહ્યો હતો, એના કપાળ ઉપરથી પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા, તેને એવું લાગે છે કે હમણાં દરવાજો ખૂલશે અને તે પોતાને ગોળી મારી દેશે અને અચાનક દરવાજો ખુલી જાય છે, અને તે ડરના માર્યા આંખો બંધ કરી દે છે અને બીજી જ પળે તેને એક મધુર અવાજ સંભળાય છે.

“તું ઠીક તો છે ને બેટા?"

રશ્મિને અણધાર્યો અવાજ આવવાથી તે આંખો ખોલીને જુએ છે અને તેની ખુશીનો પાર રહેતો નથી. સામે તેની મમ્મી જ ઉભી હતી, તે દોડીને તેને ગળે લગાવી લે છે. તે એટલા જોરથી ગળે લગાડે છે કે તેની મમ્મીનો શ્વાસ રૂંધાવા લાગે છે, તે રશ્મિ ને ખેંચી ને પોતાના થી દુર કરે છે.

રશ્મિ તેની મમ્મીથી અલગ થાય છે તે તાકી તાકીને તેની મમ્મી ને જોયા કરે છે.

"મને લાગે છે કે આજે તારું ફરી ગયું છે ક્યારની તૈયાર થાય છે મેં તને કીધું તો હતું મોડું ના કરતી આપણે કાંકરીયા જવાનું છે. એ પછી ત્યાંંથી સાંજે જમીને જ આવીશું અને પછી તેની મમ્મી રશ્મિનો હાથ પકડીને રૂમની બહાર લઈ જાય છે અને રૂમનો દરવાજો બંધ થઈ જાય છે. અને રશ્મિ ની આંખો ખુલી જાય છે. આંખ ખુલતાં જ રશ્મિ આનંદથી ખીલી ઉઠે છે, એ જ્યારે સપનામાં તેની મમ્મી સાથે એકલી હોય ત્યાંરે એ એકદમ ખુશ રહેતી, ત્યાંરે તેને એમ લાગતું કે પોતે સપનામાં જ રહે ત્યાંંથી કદી પણ પાછી ના આવે. પણ બીજી જ ક્ષણે આ વિચારમાં કોઈ એ ગોળી મારી હોય તેમ તે ઊડી જતો, કારણ કે સપનામાં હંમેશા તે એકલી હોતી નથી સાથે ખૂની પણ હોય જ છે.

રશ્મિ અનીતાને ઉઠાડે છે, અનીતા પથારીમાં અમળાય છે.

"ઊંઘવા દેને રશ્મિ તું તૈયાર થા હજી સ્કુલ જવાની વાર છે"

રશ્મિને થોડું હસવું આવે છે, તે અનીતા ઉપર ચડી જાય છે.

" અનીતા અકળાઈને રશ્મિને ધક્કો મારે છે "ઊંઘવા દેને રશ્મિ"

"અનીતા મારો રોગ તને લાગુ પડી ગયો કે શું, તું પણ સપનાં જુએ છે. ઊઠ આપણે મહારાજના ત્યાંં યોગ શીખવા માટે પણ જવાનું છે મોડું થશે"

અનીતા તરત જ સ્પ્રિંગની જેમ ઉછળીને ઉભી થઈ જાય છે એની ખુશીનો પાર રહેતો નથી, કારણ કે ઘણા વખત પછી રશ્મિ તેને ઉઠાડતી હતી.

"શું વાત છે આજે તું તારી જાતે આટલી વહેલા ઉઠી ગઈ, લાગે છે સપના આવતા બંધ થઇ ગયા છે"

"અરે ના અનીતા સપના તો જ્યાં સુધી હું મમ્મી અને મારા પપ્પા વિશે જાણી નહીં લવું, મને નથી લાગતું ત્યાંં સુધી બંધ થાય"

" તો આજે સપનું આવ્યું કોઈ?"

" હા આજે પણ આવ્યુ હતું, પણ તે દરરોજની જેમ બિહામણું ન હતું, આજે તો ખૂબ જ સુંદર સપનું આવ્યું હતું" અને રશ્મિ આખું સપનુ અનીતાને કહી સંભળાવે છે.

જેવી રશ્મિની વાત પૂરી થાય છે કે અનીતા એકદમ ખુશીથી ઉભી થઈને કૂદવા લાગે છે રશ્મિને કઈ સમજાતું નથી અનીતાને અચાનક શું થઇ ગયું.

"તું પાગલ થઇ ગઇ છે?, કેમ કુદકા મારે છે?"

"અરે રશ્મિ આપણું કામ થઈ ગયું"

"રશ્મિને હજી પણ કંઇ સમજણ પડતી નથી, તે મૂંઝવણમાં અનીતાની સામે જુવે છે"

"કયું કામ થઈ ગયું?"

"મને તારું ઘર, તારું માતૃસદન કયા શહેરમાં છે તેની ખબર પડી ગઈ છે"

" તને કઈ રીતે ખબર પડી?"

"હમણાં તો તે કીધું સપનામા તું, અને મમ્મી કાંકરીયા તળાવ જવાના છો,તો તને નથી ખબર કાંકરીયા ક્યાં આવ્યું?"

"તારી વાત સાચી છે અનીતા મારું તો એ વાત ઉપર ધ્યાન જ ના રહ્યું, મતલબ મારું ઘર અમદાવાદમાં જ છે હું પણ તારી જેમ અમદાવાદની જ છું."

"બંને જણા એકદમ ખુશ થઈ જાય છે અને તકિયા લઈ એકબીજાને મારીને મસ્તી કરવા લાગે છે"

તેમનો હસવાનો અવાજ સાંભળીને વિદ્યાબેન પણ રૂમ માં આવે છે.

બંને આટલા દિવસ પછી આવી રીતે મસ્તી કરતા જોઈને તે મનમાં હરખાય છે.

" મને તો કહો શેની ખુશી છે આટલી બધી?"

"કહું છું પહેલાં પપ્પા જોડે ચાલ તમને બંનેને એક સાથે કહું છું" અને ત્રણેય જણા પપ્પાના રૂમમાં જાય છે. રૂમ માં આવતાજ અનીતા પપ્પાને એકદમ હરખાઇને ગળે લાગી જાય છે. રસિકભાઇ પણ ખુશ થાય છે પોતાની દીકરી સવારમાં આટલી ખુશ થઈને પોતાને ગળે લગાવે તેનાથી વધારે ખુશી એક પિતા માટે શું હોઈ શકે. દીકરી એકદમ ખુશ થઈને જ્યારે પિતાને ગળે લગાવે છે એ ખુશી તો જે દીકરીના પિતા હોય તે જ સમજી શકે.

"શું થયું બેટા આજે આટલી ખુશ કેમ દેખાય છે?"

"પપ્પા અમને ખબર પડી ગઇ છે કે, રશ્મિ નું શહેર કયું છે? તેને સપનામાં ઘર દેખાય છે તે માતૃસદન ઘર પણ ક્યાં આવેલું છે?"

રસિકભાઈ અને વિદ્યાબેનને અચરજ થાય છે વિદ્યાબેન થી રહેવાતું નથી તે તરત જ પૂછે છે.

"તમને કઈ રીતે ખબર પડી?"

અનીતા તેમને વિગતે વાત કરે છે, કે મહારાજે તેમની કઇ રીતે વિચારવાની એક નવી દિશા આપી એના પરથી જ તેમણે મુદ્દાઓનું લીસ્ટ તૈયાર કર્યું અને કાલે રાત્રે રશ્મિએ જોયેલા સપનાની પણ વાત કરે છે.

એમની પૂરી વાત સાંભળીને રસિકભાઇએ હસીને હસીને કહે છે વાહ રશ્મિ તું તો અમારા જ શહેરની નીકળી!.

અનીતા ગંભીર થઈને તેના પિતાને કહે છે હવે શહેરની તો ખબર પડી પણ શું ખરેખર રશ્મિની મમ્મીનું ખૂન થયું હશે એ આપણને કઈ રીતે ખબર પડશે?.

" એ હું વિચારું છું તમે જાઓ તૈયાર થઈને મંદિરે જતા આવો હું કંઇક વિચારીને રાખુ છું."

વિદ્યાબેનની ખુશીનો પાર રહેતો નથી, તેમને એ વાતની ખુશી હતી કે મહારાજના સંપર્કથી કંઇક તો મદદ મળી.

અનીતા અને રશ્મિ તૈયાર થઈને મહારાજના આશ્રમ પર જાય છે ત્યાંં ગઈ કાલની જેમ યોગ પ્રાણાયામ શીખે છે. અને અભ્યાસ પુરો થયા પછી મહારાજ પાસે જાય છે, તેમને રાત્રે બનેલી સપનાની ઘટના વિશે વાત કરે છે અને તેમના આશીર્વાદ લઇને ઘરે આવે છે.

◆◆◆

રશ્મિ ઘરે આવીને રાત્રે તેણે જોયેલા સપનાઓના ચિત્રો બનાવવામાં દિવસ પૂરો કરે છે, અને અનીતા તેના મમ્મીને ઘરકામમાં મદદ કરે છે.

આજે રશ્મિ ખરેખર રાત પડવાની રાહ જોતી હતી, તેને એમ કે રાતે સપનામાં ફરી વખત તેની મમ્મીને મળવાનું થશે પણ એને ક્યાં ખબર હતી કે ફરી તેને એ જ સપનું આવશે કે પછી ખૂની સપના માં આવશે.

◆◆◆

રશ્મિ જ્યારે આંખો ખોલે છે, ત્યાંરે છત ઉપર એ જ જુનો પંખો દેખાય છે, જે ધીરે-ધીરે ફરી રહ્યો હતો, એ જ પોપડા ઉખડી ગયેલી દિવાલો. એ તરત જ સમજી જાય છે કે તે સપનામાં છે. પણ આવખતે તે સપનામાં એકલી ન હતી. તેની પથારીમાં બાજુમાં કોઈ સૂતું હોય તેવું લાગી રહ્યું હતું. તે એક નજર નાખે છે, ત્યાંં એની બાજુમાં તેની મમ્મી સૂતી હતી રશ્મિ તરત જ તેનો હાથ પકડી લે છે. પણ હાથ પકડાતાં મમ્મીનો હાથ ગરમ લાગે છે જાણે તાવ આવી રહ્યો હતો અને તે ઊંડી ઊંઘમાં હતી. તે પલંગ માથી ઊભી થાય છે,આજુબાજુનું નિરીક્ષણ કરે છે, એ જ જુનું પુરાણું ઘર સામાન પડેલો હતો, ટેબલ પર પડેલી એસટ્રેમાં પડેલા સિગરેટના ઠૂઠા, રૂમમાં ફેલાયેલી સિગારેટની દુર્ગંધ, સામે પડેલું કબાટ બધું એનું એ જ હતું. તેને યાદ આવે છે કે ગઇ વખતે તેણે કબાટમાં ચિત્રો જોયા હતા તેને વધારે ચિત્રો જોવાની ઈચ્છા થાય છે. તે જેવી કબાટ આગળ જઈને દરવાજો ખોલવાની કોશિશ કરે છે, તેવો જ કોઈના પગલાંનો અવાજ સંભળાય છે, તેના મનમાં એક્ ડર ઉત્પન્ન થાય છે. કારણકે તે જાણતી હતી, તેની મમ્મી તેની સાથે જ છે તો પછી બહાર કોણ હશે. તે તરત જ સમજી જાય છે એ જ ખુની હોવો જોઈએ. તે એટલી ગભરાઈ જાય છે કે તેના પગ જાણે જમીન પર ચોંટી ગયા હોય તેમ હલી પણ નથી શકતા. ધીમે-ધીમે પગલાનો અવાજ નજીક આવતો જતો હતો અને જેમ જેમ પગલાનો અવાજ નજીક આવતો જતો હતો તેમ તેમ રશ્મિના હૃદયની ધબકવાની ગતિ વધે જતી હતી. તેને દરવાજા નીચેની જગ્યા માથી કોઈના બહાર ઉભેલાનો પડછાયો દેખાયો, અને બીજી જ ક્ષણે જોર જોરથી દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે, દરવાજો ખખડાવવાથી જાણે આખો રૂમ હલી રહ્યો હતો તેવું રશ્મિ ને લાગી રહ્યું હતું, એ પછી ધીમેધીમે દરવાજનું હેન્ડલ ફરે છે, અને એક ધડકાથી દરવાજો ખુલી જાય છે, એની સામે એક ઉંચો પડછંદ કાળા જેકેટ અને જીન્સમાં ઉભેલ વ્યક્તિ દેખાય છે. તેણે હાથમાં બંદૂક પકડી હતી પણ રશ્મિને તેનો ચહેરો દેખાતો ન હતો. આ પહેલી વખત હતું જ્યારે રશ્મિએ ખૂનીને જોયો હતો, પણ તેને તેનો ચહેરો કોણ જાણે કેમ દેખાતો ન હતો. રશ્મિ તેને ધીમે ધીમે એકદમ મજબૂત પગલે તેની મમ્મી તરફ આગળ વધતો જોવે છે.તેની બંદુક મમ્મી સામે તાકી રહી હતી.રશ્મિ તરત જ સમજી જાય છે કે તે તેની મમ્મીને મારવા માટે આવ્યો છે એટલે તે દોડીને તેની અને મમ્મીની વચ્ચે આવીને ઊભી રહી જાય છે. રશ્મિના વચ્ચે આવવાથી તે નિશાન સાધી શકતો નથી, એટલે બે ડગલા બાજુમાં ખસે છે, અને ગોળી ચલાવી દે છે. ગોળી ચલાવતા પહેલા જ જેવો તે ખસે છે ત્યાંરે રશ્મિ પણ તરત જ એ જ દિશામાં બે ડગલા આગળ ખસે છે. એટલે ગોળી રશ્મિ ને વાગે છે, અને તે ઉછળીને મમ્મી ની ઉપર પડે છે. તેની પીઠ પરની ભીનાશ અનુભવાય છે, તે તરત પાછળ ફરીને મમ્મીની સામે જુએ છે, તો ગોળી રશ્મિને વીંધીને મમ્મીને કપાળમાં વાગી ગઈ હતી. અને ત્યાંંથી લોહી વહી રહ્યું હતું. મમ્મીનું આખું મોઢું લોહીથી ખરડાઈ ગયું હતું. તે માથું ફેરવીને ખુની સામે જુએ છે, કારણકે હજી સુધી રશ્મિ ભાનમાં જ હતી. તે ખૂની ને દરવાજાની તરફ બહાર દોડતો જોવે છે, અને ધીમે ધીમે રશ્મિની આંખો બંધ થઇ જાય છે અને તે પથારીમાં બેસી જાય છે.

સતત ત્રણ દિવસ સુધી એના એ જ સપનાની હારમાળા ચાલુ રહે છે, રશ્મિ નું જીવન પાછું નરક જેવું થઈ જાય છે. મહારાજને ત્યાંં યોગ અભ્યાસ માટે જવાનું પણ બંધ કરી દે છે. તે આખો દિવસ ઘરમાં અનીતાની સાથે જ રહે છે. આમ ને આમ ડોક્ટર સમીરને મળ્યા ને એક અઠવાડિયાનો સમય પૂરો થઈ જાય છે.

◆◆◆