જીંગાના જલસા - ભાગ 18 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંગાના જલસા - ભાગ 18

પ્રકરણ 18


આગળ આપણે લાલ કિલ્લો તથા કુતુબ મિનાર વિશે જોયું હવે આગળ.....

કુતુબમિનારથી રાષ્ટ્રપતિ ભવન લગભગ અગિયારથી બાર કિલોમીટર જેટલું દૂર થાય છે. અમે વીસથી પચ્ચીસ મિનિટની મુસાફરી બાદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

રાષ્ટ્રપતિ ભવન ઈટલીના રોમ સ્થિત ક્યુરનાલા પેલેસ પછી દુનિયાનું બીજું મોટું નિવાસસ્થાન છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ તે કોઈ રાષ્ટ્રના વડાનું સૌથી મોટું નિવાસસ્થાન છે.

રાષ્ટ્રપતિ ભવન લગભગ ત્રણસો વીસ એકરમાં ફેલાયેલ છે, જેમાં ત્રણસો ચાલીસની આસપાસ ઓરડાઓ છે. મુખ્ય ભવનનું બાંધકામ લગભગ પાંચ એકર જેટલા વિસ્તારમાં છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવનનો પ્રખ્યાત મોગલ ગાર્ડન પંદર એકર જેટલો વિસ્તાર આવરી લે છે. જેમાં એકસો પંચાવનથી વધુ પ્રકારના ગુલાબ, પચાસથી સાઈઠ પ્રકારની બોગનવેલ તથા બીજા ઘણા ફૂલોનો સમાવેશ થાય છે. આ ગાર્ડન વિવિધ આકારો દ્વારા બનાવેલ છે, જેવા કે લાંબો, ગોળ વગેરે.જેમાંથી ગોળાકાર ગાર્ડન ખૂબ જ મનોહર દેખાય છે. આ ગાર્ડન ફેબ્રુઆરી માસમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે છે. ગાર્ડનમાં મન મોહક ફુવારા પણ રાખવામાં આવ્યા છે.જે વાતાવરણની સાથે આપણા મનને પણ ઠંડું રાખે છે.આમતો આ ગાર્ડન આખો નિરાંતે ફરવો હોય તો એકથી દોઢ કલાક જેટલો સમય જતો રહે.

આ રાષ્ટ્રપતિ ભવન પહેલા વાઇસરોય હાઉસના નામે જાણીતું હતું. આ ભવન સર એડવિન લ્યુટિયન્સ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના નિર્માણમાં લગભગ સતર વર્ષ જેટલો સમય લાગ્યો હતો.૧૯૧૨માં શરૂઆત કરી અને ૧૯૨૯માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

બ્રિટિશ વાઈસરોય માટે નવી દિલ્હીમાં નિવાસ્થાન બનાવવાનો નિર્ણય 1911માં લેવાયો હતો. જેની અમલવારી 1912માં કરવામાં આવી હતી. આ વાઇસરોય હાઉસ રાયસીના હિલ્સ પર બનાવવામાં આવ્યો હતું. 26 મી જાન્યુઆરી 1950ના રોજ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ મકાન પર ભારતનો હક સ્થાપિત કર્યો, ત્યારથી તેનું નામ રાષ્ટ્રપતિ ભવન રાખવામાં આવ્યું.

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ કાર્યાલય, રાષ્ટ્રપતિ સચિવાલય, કર્મચારીઓના રૂમો, અતિથિ રૂમો, વિવિધ ઑફિસો, વિવિધ હોલો, સંગ્રહાલય જેવા અનેક ધ્યાનાકર્ષક ક્ષેત્રો જોવા મળે છે.

અહીંયા ભગવાન બુદ્ધની ખૂબ જ પ્રાચીન મૂર્તિ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલની પાછળ રાખવામાં આવી છે. સાથે સાથે બેંગવીર હોલમાં એકસાથે ત્રણસોથી વધુ મહેમાનો બેસી શકે તેવી વ્યવસ્થા છે,એટલું જ નહીં એથી પણ વિશેષ અહીંયા લાઇટિંગની વ્યવસ્થા અદભૂત છે.આ લાઇટિંગ અને તેના કલર કોડ દ્વારા અહીંના કર્મચારીઓને ખબર પડે કે ક્યારેય ભોજન પીરસવું, ક્યારે સફાઈ કરવી વગેરે.રાષ્ટ્રપતિ ભવનમાં માર્બલ હાઉસમાં વાયસરોય અને બ્રિટિશ પરિવારના કેટલાક સુંદર ચિત્રો અને મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. અશોકહોલ કે જેમાં મંત્રીઓના શપથ ગ્રહણ જેવા સમારોહનું આયોજન કરવામાં આવે છે.

ખરેખર વિવિધતાથી ભરપૂર આવું ભવન સૌથી મોટા લોકશાહી દેશનું ગૌરવ છે. અલબત્ત અમને બધા જ વિસ્તારમાં ફરવા દેવામાં આવ્યા ન હતા. ગાર્ડનને અમે બહારથી જ નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનના પ્રવેશ દ્વાર પર અમે ખૂબ બધા ફોટા પાડ્યા અને પછી ચાલી નીકળ્યા ઇન્દિરા ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ જોવા.

ઇન્દિરા ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ એ ભારતના પૂર્વ વડાપ્રધાનનું નિવાસસ્થાન હતું. બાદમાં તેને એક મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં રાષ્ટ્રવાદી ચળવળના દુર્લભ ફોટાઓનો સંગ્રહ જોઈ શકાય છે.ઇન્દિરા ગાંધીની હત્યા સંબંધે વિવિધ માહિતીઓ જેવી કે ન્યૂઝપેપરના લેખો, ફોટો, હત્યા વખતે પહેરેલી સાડી, રાજીવ ગાંધીની વિવિધ વસ્તુઓ તથા નેહરુ-ગાંધી પરિવારના ફોટોઝ વગેરે જોઈ શકાય છે.

આ મ્યુઝિયમ સોમવારે બંધ રાખવામાં આવે છે. અહીંયા પણ એક સુંદર બગીચો છે. અમને અહીંયાના ગાઈડે એવું પણ કહ્યું કે આ બગીચામાં જ ઈન્દીરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

ઇન્દિરા ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ નિહાળ્યા બાદ અમે ચાલી નીકળ્યા બિરલા હાઉસ તરફ.

બિરલા હાઉસ અથવા બિરલા ભવન હવે ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે. હાલ આ ભવન મહાત્મા ગાંધીજીને સમર્પિત એક સંગ્રહાલય છે,જે નવી દિલ્હીમાં આવેલ છે. આ જગ્યામાં મહાત્મા ગાંધીએ તેમના જીવનના અંતિમ એકસો ચુમાલીસ દિવસો ગાળ્યા હતા.30 જાન્યુઆરી, 1948ના રોજ તેની હત્યા કરવામાં આવી હતી.આ ભવન બિરલા પરિવારનું ઘર હતું.

ગાંધી સ્મૃતિ સોમવાર અને રાષ્ટ્રીય રજાઓ સિવાય તમામ દિવસો માટે ખુલ્લું રહેશે.આ સંગ્રહાલય જોવાની કોઈ ફી રાખવામાં આવી નથી.

આ ભવન બાર રૂમ ધરાવતું આ વિશાળ ભવન શ્રી ઘનશ્યામદાસ બિરલાએ 1928 માં બનાવ્યું હતું. સરદાર પટેલ અને મહાત્મા ગાંધી બિરલા પરિવારના ઘણી વખત મહેમાન બનતા હતા. જવાહરલાલ નહેરુએ ઘનશ્યામદાસ બિરલાને પત્ર લખી વિનંતી કરી હતી કે બિરલા હાઉસનો એક ભાગ ગાંધી સ્મારકમાં ફેરવવામાં આવે. ખૂબ સમજૂતી બાદ આખરે બિરલાએ સરકારને પોતાની આ મિલકત વહેંચી. 1973માં આ સંગ્રહાલય જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયનું નામ 'ગાંધી સ્મૃતિ' રાખવામાં આવ્યું. આ ભવનના સંગ્રહાલયમાં ગાંધીજીના જીવન અને મૃત્યુ સાથે સંકળાયેલા ઘણા લેખો જોવા મળે છે.અહીંયા મુલાકાતીઓને ભવન, મેદાન તથા બગીચાની મુલાકાત લેવાની છૂટ આપવામાં આવે છે.ગાંધીજી જ્યાં રહેતા હતા તે ઓરડો અને ગાંધીજીની અંતિમ સમયની યાદો તથા એમની વસ્તુઓ જેવી કે ચશ્મા, ચમચી,લાકડી,ચપ્પલ વગેરે પણ જોવા મળે છે. સાથે સાથે ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની મુલાકાતના વિવિધ ફોટો, બાપુનો ખાટલો, લખવાનું ડેસ્ક વગેરે પણ જોવા મળે છે. બહાર બાપુને ગોળી મારવામાં આવી હતી એ સ્થળ પણ સંરક્ષિત રીતે જોઈ શકાય છે.

ગાંધી સ્મૃતિમાં ઠેર ઠેર બોર્ડ લાગવેલ છે,જેમાં બાપુના જીવન કવન તથા ઉપદેશો લખેલ છે. તો કોઈ કોઈ જગ્યાએ બાપુના જીવન કવનની વાતો પણ લખેલ છે.

અમે આ વિશાળ ભવનમાં બાપુના જીવનને જાણ્યું અને એમની યાદો અમારા કેમેરામાં કંડારી ચાલી નીકળ્યા બસ તરફ.

હવે અમે પાછા પંચાયતી ધર્મશાળામાં આવી ગયા.અહીંયા રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી.

"બાપા આજે તો પાકું ને,આજે તો બાદ શીખવી જ છે હો."

"હા પાકું પણ તું વિજય પાસેથી ચાવી લઈ લેજે."

"હા જમીને લઇ લઈશ.પછી મોડી રાતે જઈશું શીખવા."

"શું જીંગા આજે પાછું જવું છે એમ ને?"

"હા અહીંયા તો રસ્તા સારા જ છે એટલે શીખી લવ તો કામ આવે ને!"

"હા જવાયાવજો પણ ધ્યાન રાખજો હો.આ આપણા માટે અજાણ્યો પ્રદેશ છે એટલે."

"અરે રાજુભાઈ ઉપાધી કરોમાં..કંઈ નહીં થાય.તમે અમારી સાથે આવજો હો."

"ઓકે સારું..પણ વિજયભાઈથી બચીને જવાનું છે."

"હા એનું તો બોવ (બહું) ધ્યાન રાખવું પડે હો."

"એ ડોબા હાલ હવે જો રોડની ઓલી (સામે) બાજુ ડંકી છે ન્યા (ત્યાં) પાણી ભરવા જાવું જોશે.અહીંયા પાણી મોળું છે એટલે રસોઈ માટે મીઠું પાણી જોશે."

"હા હાલ (ચાલ) આવું.તું વાસણ તો લે પેલા.

"વખતીબહેન તમે લોટ કથરોટમાં કાઢી રાખજો અને બટાટા સુધારવા માંડજો. અમે મીઠું પાણી ભરવા જઈએ છીએ."

જીંગો અને મંછાબહેન ડંકીએ પાણી ભરવા જતા હતા. ડંકીથી થોડા દૂર હતા ત્યાં એક ફૂટપાથ પર એક બહેન એના દિકરાને મારતી હતી.એ જોઇને જીંગો બોલ્યો;"એ બહેનજી છોકરા કો ક્યો મારતી હો?'"

"અરે ભૈયા પીટાઈ ન કરું તો ક્યાં કરું? દેખો એ આટાસે ભરા પૂરા કટોરા ગીરા દિયા. અભી રસોઈ કિસકી બનાઉં?"

"લે એટલી વાતમાં ઈતના બધા નહીં મારનાં ચાહીયે. એ બેટા ઇધર આ.દેખ સામને જો બસ ઊભી હૈ વહા કટોરા લેકે જાઓ.વહા વખતીબહેનકો બોલના કિ બાચકામેં જો આટા હૈ વો બાચકા ખોલકે કટોરામેં ભર દે."

ફૂટપાથ પર રહેતા આ લોકો અવારનવાર વિવિધ વિસ્તારમાંથી આવતાં પ્રવાસીઓને મળતા હોવાથી થોડી ઘણી બધી ભાષાઓ જાણતા હોય છે.એટલે એ છોકરો હાથમાં કટોરો લઈને બસ તરફ ચાલવા લાગ્યો.

બસ પાસે જઈને વખતીબહેન બેઠા હતા ત્યાં જઈને. લોટના બાચકા તરફ હાથ લંબાવતા બોલ્યો; "આંટી ઇસ મે આટા હૈ વો નિકાલ કે મુજે દો."

"એ ભાઈ આ બાચકામાં આટાનો આવે.આટાતો ડબરામે આવે.બાચકામાં તો દોરીની ગાંઠ આવે હો."

"અરે વો ભૈયા હૈ ઉસ ને કહા કિ ઇસ મેં આટા હૈ વો ખોલ કે મુજે દો.(બાચકું ખોલીને આપો એમ કહેતા ભૂલી ગયો એ છોકરો.એટલે વખતીબહેન સમજ્યા બાચકાના આટા ખોલી આપ.)

"એ ભાઈ તને કેમ સમજાવું કે બાચકામાં આટા આવે જ નહીં તો એ ખોલવા કેમ.આને કોક સમજાવો ભાઈ!"

વખતીબહેનને સાવ હિન્દી આવડે નહીં.એમની બીજા રાજયની આ પહેલી ટુર છે.એટલે બંને ગોટે ચડ્યા.થોડી વાર થઈ ત્યાં જીંગો અને મંછાબહેન આવ્યા.

"એ ભૈયા તુમ અભી યહાં કેમ ઊભા હૈ.તેરી મમ્મી કો વહા રોટલા કરવાના હૈ.જા ભૈયા જલ્દી જાઓ. વરના ફરીથી મારેગી."

"લેકિન ભૈયા યહ બહન આટા દે તબ જાઉં ના!"

"વખતીબહેન આને લોટ આપોને એટલે એ જાય બિચારો."

"લે પણ એ અહીંયા ક્યારનો બાચકના આટા દેવાનું જ કેતો'તો, લોટનું બોલે તો આપુને."

"એ મારી બેન (બહેન) લોટને હિન્દીમાં આટા બોલાય..."

"અરર... માર જાણે બલા....(મને શું ખબર ને અમારા કાઠિયાવાડમાં માર જાણે બલા કહે).."

પછીતો આમે બધા બહુ હસ્યા...

રાત્રી ભોજન બાદ બધા નિન્દ્રશનમાં પોઢી ગયા.પણ હું, જીંગો અને ભગત બાપા સુતા ન હતા.અરે હા આજે જીંગો બસ શીખવા જવાનો હતો ને! પ્લાન મુજબ જીંગાએ વિજયભાઈ પાસેથી બસ સાફ કરવાના બહાને ચાવી લઇ લીધી હતી. મધરાતે જીંગો,ભગત બાપા અને હું ઉપાડ્યા બસ શીખવા. મને તો બહું બીક લાગતી હતી કેમ કે એક તો ભગતબાપા શિખાઉ ડ્રાઇવર.હવે એ જીંગાને કેવું શીખવશે.જો કોઈને અડાડી દીધી તો અમારું આવી બનશે.વિજયભાઈને ખબર પડી જશે તો તો.. એ કલ્પના પણ અત્યારે ધ્રજારી ઉપાડી દેતી હતી.પણ જીંગાની બસ શીખવાની તીવ્ર ઈચ્છા હતી એટલે હું ના ન પાડી શક્યો.બસ પાર્કિંગ બહાર કાઢી ભગતબાપાએ જીંગાને ચલાવવા આપી.સીધા રોડ અને અડધી રાતે ટ્રાફિક તો હોઈ નહીં! એટલે જીંગાને મજા આવતી હતી.સીધા રોડ પર સડસડાટ બસ ભગાવવા લાગ્યો જીંગો.

"એ ભાઈ ધીમી ચલાવ. આટલી સ્પીડમાં ન ચલાવાય. તારી પાસે હજુ લાઇસન્સ પણ નથી."

"રાજુભાઈ આવી અડધી રાતે લાઇસન્સ માગવા વાળુ કોણ હોઈ?"

"હા પણ હવે બસ પાછી વાળી લે ભાઈ.ઘણા આગળ નીકળી ગયા."

"રાજુભાઈ આવો મોકો દરરોજ થોડો મળે. હકાલવા (ચલાવવા) દયો ને."

વાતો કરતો ગયો ને બસ ચલાવતો ગયો.પણ આગળ એક ચેક પોસ્ટ આવી,કેમ કે આગળથી ઇન્ડિયા ગેઈટનો રસ્તો આવતો હતો.આથી ત્યાં પરવાનગી વિના બસ જવા દેવામાં આવતી ન હતી.

"બસને જીંગા હું કહેતો હતો ને કે હવે બસ પાછી વાળીલે.પણ તું સમજે નહીં.હવે આપજે અહીંયા જવાબ."

અમને પોલીસ વાળાએ રોક્યા.ભગત બાપા અને જીંગો નીચે ઉતર્યા.મને થોડો ડર લાગતો હતો એટલે નીચે ઉતર્યો નહિ.

ક્રમશ:::

શું અહીંયાથી અમે હેમખેમ નીકળી શકીશું?

શું વિજયભાઈ ને ખબર પડી જશે??

આ બધું જાણવા વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 19...

આપના પ્રતિભાવની રાહે રાજુસર....