સમર્પણ - 26 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 26

સમર્પણ - ભાગ -26

આગળમાં ભાગમાં આપણે જોયું કે એકાંતનો બે દિવસ સુધી કોઈ મેસેજ નથી આવતો.. દિશાએ ટી પોસ્ટ જતા સમયે જોયેલા વૃદ્ધાશ્રમના બોર્ડ વિશે વિચારી ત્યાં જવાનો નિણર્ય કર્યો. જતા પહેલા તેને ફોન કરવાનું નક્કી કરી ઓનલાઈન નંબર શોધી લીધો. નંબર જોડીને તેણે ફોન ઉપર વાત કરી. સામાં છેડેથી મનુભાઈ નામના વ્યક્તિએ દિશા સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. દિશાએ પોતે મુલાકાત લેવા માટે આવવાનું જણાવ્યું, મનુભાઈએ પણ ખુશી સાથે ગમેત્યારે મુલાકાત લઈ શકે તેમ કહ્યું. મનુભાઈની વાત પછી દિશાનો વૃદ્ધાશ્રમમાં જવા માટેનો ઉત્સાહ વધી ગયો. બીજા દિવસે રુચિના કોલેજ ગયા બાદ તે રિક્ષામાં વૃદ્ધાશ્રમ જવા માટે નીકળી. વૃદ્ધાશ્રમમાં પહોંચતા જ દિશાના મનમાં કેટલાય પ્રશ્નો ઉદ્દભવે છે, પરંતુ તે અંદર જવાનું નક્કી કરી લે છે. પ્રવેશદ્વારથી આગળ વધતાં દિશાને બાંકડા ઉપર બેઠેલા વડીલો "જય શ્રી કૃષ્ણ" કહી આવકાર આપે છે. એક દાદા દિશાના ના કહેવા છતાં પણ મનુભાઈની ઓફીસ સુધી મુકવા માટે જાય છે, મનુભાઈ પણ દિશાને મીઠો આવકાર આપે છે. દિશાને ત્યાં પોતાનાપણું લાગે છે, દિશાની ધારણા હતી કે વૃદ્ધાશ્રમમાં તરછોડાયેલા વૃદ્ધો આવતા હશે એ ધારણાને મનુભાઈ એમની ઓફિસમાં જ કામ કરતા એક વડીલનું ઉદાહરણ આપીને દૂર કરે છે. મનુભાઈ દિશાને આશ્રમ બતાવવા માટે લઈ જાય છે.. હવે જોઈએ આગળ....!!!

સમર્પણ - 26

મનુભાઈ ખુરશીમાંથી ઊભા થયા અને આગળ ચાલવા લાગ્યા, દિશા પણ તેમની પાછળ પાછળ ચાલી. ઓફિસની બહાર નાનકડો વળાંક લેતા જ એક ખૂબ જ સરસ રાધાકૃષ્ણનું મંદિર હતું, મનુભાઈએ ત્યાં ઊભા રહીને કહ્યું : "આ અમારા આશ્રમનું મંદિર, અહીંયા વિવિધ વાર-તહેવાર, ધાર્મિક પ્રસંગો ઉપર મોટા ઉત્સવો અમે ઉજવીએ, અને રોજ સવાર- સાંજ આરતી પણ થાય !"
દિશાએ પણ મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિ સામે હાથ જોડતાં કહ્યું : "વાહ, બહુ જ સરસ મંદિર છે. "
મનુભાઈ એક પછી એક ઓરડાઓની મુલાકાત લેવડાવતા હતા. રસ્તામાં મળતા વડીલો દિશાને હાથ જોડી "જય શ્રી કૃષ્ણ" કહેતા હતા. આખા આશ્રમની અંદર મોટો સત્સંગ હોલ, બીમાર વૃધ્ધો માટેની અલગ સુવિધાઓ, મોટું રસોડું, પ્રાઇવેટ રૂમ, જનરલ રહેવા માટેની સુવિધાઓ હતી. દિશાએ વિચાર્યું પણ નહોતું કે વૃદ્ધાશ્રમ આટલું સરસ હશે.
એક ઠેકાણે આવીને મનુભાઈએ દિશાને બેસવા માટે કહ્યું. જ્યાં સરસ મઝાના સોફા મૂક્યા હતા અને બેસવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા હતી. ત્યાં બેસીને મનુભાઈએ જ સવાલ કર્યો.."તો કેવો લાગ્યો અમારો આ આશ્રમ ?"
જવાબ આપતા દિશાએ કહ્યું : "બહુ જ સરસ છે, મેં આવી કલ્પના પણ નહોતી કરી કે આ જગ્યા આટલી સુંદર હશે, મને તો હવે અહીંયા વારંવાર આવવાનું ગમશે."
મનુભાઈએ કહ્યું : "ચોક્કસ, તમે ઇચ્છો ત્યારે અહીંયા આવી શકો છો, અને એક વ્યવહારિક પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે કોઈ ચોક્કસ હેતુથી આવવા માંગો છો કે પછી બીજું કોઈ કારણ ?
દિશાએ હવે વાતની ચોખવટ કરી લેવા વિચાર્યું,''આ પ્રકારનું વાતાવરણ મને હંમેશાથી આકર્ષે છે. થોડા દિવસથી કોઈ મન ગમતી પ્રવૃત્તિમાં જોડાવાનું વિચારી રહી હતી. જો તમે મને પરવાનગી આપો તો દર મહિને થોડી દાનની રકમ જમા કરાવીને અહીં સેવા આપવાની ઈચ્છા છે.''
''અરે દિશાબેન આ શું બોલ્યા ? આશ્રમમાં આવવા માટે અમે કોઈ શુલ્ક લાગુ નથીં પાડયા. ઈચ્છો ત્યારે આવી શકો છો. વડીલોને પણ ગમશે. પણ રોજ આવવામાં તમારા ઘરેથી કોઈ વાંધો તો નહીં ઉઠાવે ને ?'' મનુભાઈએ પોતાના મનમાં ઉઠતા સવાલનો જવાબ મેળવવા વાતને વળાંક આપ્યો.
દિશાએ થોડા ખચકાટ સાથે જણાવ્યું, ''મનુભાઈ, મારે એક દીકરી છે, જેના વિવાહ થઈ ગયા છે. બે વર્ષમાં એના લગ્ન લેવાના છે. એટલે પછીની પરિસ્થિતિમાં પોતાની જાતને સાંભળી લેવા માટે જ મારે કોઈ પ્રવૃત્તિની જરૂર છે.''
''માફ કરશો, આ તો તમારી ઉંમર જણાતી નથી એટલે જરાક પૂછી લીધું....''મનુભાઈએ વાત આગળ વધારતાં ઓફીસ તરફ પગ ઉપાડ્યા એટલે દિશા પણ એમને અનુસરી.
"જુઓ દિશા બહેન, હું સમજી શકું છું તમારી પરિસ્થિતિને, બીજું તો કઈ ખાસ હું નહિ કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે આ આશ્રમના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે, હું તો કહું છું કે તમે રોજ અહીં આવો અને અમારા પરિવાર સાથે સમય વિતાવો, તમને પણ એકલતા નહીં સતાવે, અને અહીં પણ બધાને પણ સારું લાગશે. !"
દિશાએ મનોમન ખુશ થતા જ કહ્યું : "શું ખરેખર એવું થઈ શકે ?"
મનુભાઈએ પણ જવાબ આપતા કહ્યું : "હા, કેમ નહિ, મને જ જોઈ લો, હું અને મારી પત્ની બંને હવે આ આશ્રમમાં જ રહીએ છીએ, મારે કોઈ દીકરો નહોતો, એક દીકરી હતી તેને પરણાવી અને હવે સાસરે ખૂબ જ ખુશ છે, એટલે અમે પતિ-પત્ની અહીંયા આવી ગયા અને છેલ્લા 12 વર્ષથી અમે અહીંયા ખૂબ જ ખુશ છીએ."
"વાહ, બહુ જ સરસ, સારું તો તો મને પણ અહીં રોજ આવવું ગમશે, દીકરીને પણ ક્યારેક લેતી આવીશ." દિશાએ જવાબ આપી રજા લેવાનું કહ્યું, મનુભાઈએ પણ "જય શ્રી કૃષ્ણ" કહીને રજા આપી !!!
આશ્રમમાંથી આવીને દિશાના ચહેરા ઉપર ખૂબ જ ઉત્સાહ હતો. રુચિ હજુ કોલેજથી આવી નહોતી. દિશાએ હવે આશ્રમમાં સમય પસાર કરવાનું નક્કી કરી લીધું હતું. ક્યારથી જશે તે હજુ નક્કી નહોતી કરી શકી. રુચિ ઘરે આવે ત્યારે તેને પણ વાત કરવાનું નક્કી કર્યું.
આશ્રમના વિચારોમાં દિશાને મોબાઈલમા મેસેજ જોવાનું પણ યાદ નહોતું આવ્યું, વિચારોમાંથી બહાર આવી અને તેને મોબાઈલ હાથમાં લીધો. દિશાના પપ્પાના બે મિસકોલ આવી ગયા હતા. તેને યાદ આવ્યું કે આશ્રમમાં ગઈ ત્યારે ફોન સાઇલેન્ટ કરી લીધો હતો. અને પછી યાદ જ ના રહ્યું. દિશાએ તેના પપ્પાને તરત ફોન કર્યો.
"જય શ્રી કૃષ્ણ પપ્પા" દિશાએ કહ્યું.
તેના પપ્પાએ જવાબ આપતા કહ્યું : "જય શ્રી કૃષ્ણ બેટા, અમે જાત્રાએ શું ગયા, તું તો અમને ભૂલી જ ગઈ ?"
"ના પપ્પા, એમ થોડી તમને ભૂલી જવાય, આવી ગયા જાત્રાએથી ? તબિયત ઠીક છે ને બંનેની ? કેવી રહી જાત્રા ?" દિશાએ સવાલ કર્યો.
"અરે તું શાંતિ તો રાખ, એકસાંમટું જ પૂછી લેવું છે ? ઘરે નથી આવવું ? સાંભળ, આજે સવારે જ વહેલા આવ્યા, થોડીવાર આરામ કરી અને તને ફોન કર્યો. તો તે ઉઠાવ્યો નહિ. બોલ હવે ક્યારે આવે છે અમને મળવા માટે ? તારી મમ્મી આવી ત્યારથી કહે છે, દિશા અને રુચિને બોલાવો, અને જમાઈને પણ સાથે લેતાં આવે, અમે તો નિખિલકુમારને જોયા જ નથી."
દિશાએ જવાબ આપતા કહ્યું : "હા, મારે પણ તમને મળવું છે જલ્દી. બહુ દિવસ થઈ ગયા. રુચિ આવે પછી તમને જણાવું કે ક્યારે આવીએ છીએ, જો એને કઈ કામ નહીં હોય તો આજે સાંજે જ આવી જઈશું. અને નિખિલકુમારને પણ પૂછી લઈશું."
એ પછી મમ્મી સાથે વાત કરતાં જ એનો અવાજ સાંભળી દિશા થોડી ગળગળી થઈ ગઈ.
મમ્મીએ એને શાંત પાડતાં જ આજે જ મળવા આવવાનું ફરમાન આપી દીધું, ''દિશા, જો તને સમય ના મળે તો વહેલી તકે ફોન કરી દેજે, હું અને તારા પપ્પા આવી જઈશું રાત્રે.''
દિશાએ પણ ગળે બાઝેલા ડૂમાંને સાચવતાં હકારમાં જવાબ આપ્યો, ''રુચિ આવે એટલે ફાઇનલ કહું તમને.'' બંને તરફથી ''જય શ્રી કૃષ્ણ'' કહી ફોન મુકાયો.
રુચિને આવવામાં હજુ સમય હતો. મોબાઈલમાં જોયું તો એકાંતના મેસેજ હતાં. દિશાએ મોબાઈલમાં પણ તેના અસલ નામ ''ધૈર્ય''ની જગ્યાએ ''એકાંત'' તરીકે જ સેવ કર્યું હતું.
એકાંતનો મેસેજ હતો કે...
"દિશા.. તારી વાત ઉપર મેં વિચાર્યું, અને હું સમજી શકું છું કે તું કેમ મૂંઝવણમાં છે, હું તારી બધી જ મજબૂરીને બરાબર સમજુ છું, મારા જીવનમાં પણ ઘણાં વળાંકો આવ્યા છે, મારી ઉંમર કરતાં વધારે જીવનના અનુભવોએ મને મોટો કર્યો છે. અને એના જ આધાર ઉપર હું તને સમજી શકું છું, એટલા માટે જ મેં નિર્ણય કર્યો છે કે હું તારી મિત્રતા પણ સ્વીકારીશ. ભલે આપણે એક ના થઈ શકીએ પરંતુ આ રીતે તારી સાથે વાત કરીને તો સાથે રહી શકીશ. તું મારી મિત્રતા તો પસંદ કરીશ ને ? ."
એકાંતનો મેસેજ વાંચીને દિશાને પણ થોડું સારું લાગ્યું, તેને પણ એકાંતની મિત્રતા પસંદ જ હતી. પરંતું તે આગળ વધવાના સપના જોઈ બેઠો હતો જે એ સ્વીકારી શકતી નહોતી. દિશાએ જવાબ આપતા કહ્યું.
"મેં તમને પહેલા પણ કહ્યું છે, અને હજુ ફરી કહું છું, મને આપણી મિત્રતા સામે કોઈ વાંધો નથી, પણ હું નથી ઇચ્છતી કે તમે મારા લીધે તમારા જીવનમાં રોકાઈ જાઓ, કે ના હું તમને કોઈ વાતમાં બાંધી રાખવા માંગુ છું. ના કોઈ ખોટા સપનાં બતાવવા માંગુ છું. તમે જો જીવનમાં આગળ વધશો તો મને પણ ગમશે. !"
દિશાએ જવાબ આપ્યાની થોડી જ ક્ષણોમાં એકાંતનો મેસેજ આવ્યો.
"જીવનમાં આગળ વધવા વિશે તો હમણાં મારો કોઈ વિચાર નથી, પરંતુ હું તને એક રિકવેસ્ટ કરવા માગું છું કે તને કદાચ ક્યારેય જીવનમાં આગળ વધવાનું મન થાય તો પહેલો મોકો તું મને આપીશ. "
દિશાએ પણ તરત જ વળતો જવાબ આપ્યો :
"એકાંત, ખોટા વાયદા હું નહીં કરું, મને નથી લાગતું કે હકીકતમાં એવો દિવસ ક્યારેય આવે, પરંતુ જો આવશે, અને એ સમયે તમારા જીવનમાં કોઈ નહિ હોય તો ચોક્કસ તમને કહીશ, પરંતુ ફરીવાર આ વાત કહું છું, કે તમારે મારા લીધે કે મારા માટે રોકાઈ રહેવાનું નથી, આગળ વધજો, આપણી મિત્રતા અકબંધ રહેશે.''
દિશાની વાતના જવાબમાં એકાંતે થોડી સેકન્ડના મૌન પછી "આભાર અને ઓકે" કહ્યું. રુચિના આવવાનો સમય થયો હોવાના કારણે દિશાએ પણ પછી વાત કરવાનું જણાવીને વાત પૂરી કરી.
રુચિની રાહ જોઇને દિશા હોલમાં જ બેઠી હતી. રુચિના આવતા જ તેને એક અલગ જ ખુશી સાથે દરવાજો ખોલ્યો. રુચિએ પણ તેના ચહેરાની ખુશીને પારખી લીધી...!!

વધુ આવતા અંકે...