Dedication - 25 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 25


આગળના ભાગમાં આપણે જોયું કે ''ટી પોસ્ટ''માં સમય વિતાવીને દિશા થોડી હળવાશ અનુભવે છે પરંતુ રુચિની વાતથી થોડી ડિસ્ટર્બ પણ હોય છે જેના કારણે મોબાઈલમાં એકાંતના મેસેજની નોટિફિકેશન હોવા છતાં જોતી નથી. અને પોતાની જાતે જ નક્કી કરી લે છે કે થોડા સમયમાં બધું રાબેતા મુજબ થઈ જશે. દિશા મનોમન નક્કી કરી લે છે કે એકાંતના મેસેજ ખોલવા નથી, પરંતુ યંત્રવત મેસેજ ખુલી જાય છે. એકાંત મેસેજમાં દિશાને સમજાવી રહ્યો હતો. દિશા પણ માત્ર મેસેજ વાંચતી હતી. જવાબ નથી આપતી. બે દિવસ સુધી એકાંત મેસેજમાં દિશા સાથે વાત કરવા મથે છે પરંતુ દિશા રુચિની વાત યાદ કરીને વાત કરવાનું ટાળે છે. એકાંતના જવાબથી દિશાને ખુશી પણ થાય છે પરંતુ ઓનલાઈન સંબંધો ઉપર વિશ્વાસ કરવામાં હજુ તેનું મન માનતું નથી. દિશા થોડા દિવસ એકાંતને જવાબ આપ્યા વિના જ વિતાવે છે, પરંતુ એકલતા તેને પણ ડંખવા લાગે છે. પછી પોતાની જાતે જ સાચા ખોટાનો નિર્ણય લઈ અને એકાંતને મેસેજ કરે છે. દિશા એકાંતને સમજાવવાના વ્યર્થ પ્રયત્ન કરે છે, એકાંતને તેના જીવનમાં આગળ વધવા કહે છે પરંતુ એકાંત તેની વર્ષો સુધી રાહ જોવા પણ તૈયાર થાય છે અને દિશાને જ વિચારવાનું કહે છે. દિશા પણ તેની સામે સ્પષ્ટતા કરતા સામાન્ય વાત જ કરવાનું જણાવી ગુડ નાઈટ કહી વાતને પૂર્ણવિરામ મૂકે છે. હવે જોઈએ આગળ.....!!!

સમર્પણ - 25

બે દિવસ સુધી એકાંતના પણ કોઈ મેસેજ આવ્યા નહોતા. દિશાનો પણ સમય જાણે થંભી ગયો હતો. પોતાની પોસ્ટ ઉપર આવતી કોમેન્ટ અને લાઈક વારંવાર ખોલીને જોયા કરતી. અનાયાસે એકાંતના મેસેજ બોક્સ ઉપર પણ ક્લિક થઈ જતું. ફોન બાજુ ઉપર મૂકી દિશા પોતાના બેડ ઉપર બેઠી-બેઠી કંઈક બીજું વિચારવા પ્રયત્ન કરી રહી હતી. રુચિ અને નિખિલ સાથે એ ''ટી પોસ્ટ'' ગઈ હતી ત્યારે રસ્તામાં આવેલું "વિસામો" વૃદ્ધાશ્રમ વિશે એને યાદ આવ્યું. "હું આવી કોઈ જગ્યાએ સેવા આપવાનું કામ કરું તો ? ત્યાંના વડીલોને પણ ગમશે અને હું પણ આ બધા નકારાત્મક વિચારોથી દૂર રહી શકીશ. મારે એકવાર એ સ્થળની મુલાકાત લેવી જોઈએ !" પોતાની જાત સાથે જ સંવાદ કરતાં દિશાએ કહ્યું : ''પણ ક્યારે જઈ શકું ? અને એ લોકો એમ કોઈને આવવા દેતા હશે કે કેમ ? જે હોય તે, એક વાર જવું તો છે જ.''
પહેલા તેના મનમાં થયું કે રુચિને આ વિશે વાત કરું, પણ પછી વિચાર્યું "રુચિને આ બધું કહીને હમણાં કોઈ ફાયદો નથી. હું મારી જાતે જ મુલાકાત લઈ આવીશ."
પોતાના મોબાઈલમાં ગૂગલ મેપ ખોલી અને લોકેશન શોધ્યું, તેના ઘરેથી તે જગ્યા સાતેક કિલોમીટર દૂર હતી. એમાં સાથે ફોન નંબર પણ હતા. દિશાએ ફોન નંબર પોતાના મોબાઈલમાં સેવ કરી લીધો. ઘડિયાળમાં જોયું બપોરેના 3 વાગવા આવ્યા હતા. રુચિ હજુ કોલેજથી આવી નહોતી. તેને વિચાર્યું આજ યોગ્ય સમય છે ફોન કરવાનો અને તેને પોતાના ફોનમાંથી નંબર ડાયલ કર્યો....
સામા છેડેથી એક અવાજ આવ્યો :
"જય શ્રી કૃષ્ણ, હું "વિસામો" આશ્રમમાંથી બોલું છું, જણાવો આપની શું સેવા કરી શકુ છું ?"
ફોનમાં જવાબ આપનાર એ વ્યક્તિને સાંભળીને જ દિશાને ઘણું સારું લાગ્યું . વધુ સમય ના બગાડતા દિશાએ જવાબ આપ્યો...
"જય શ્રી કૃષ્ણ. હું દિશા બોલું છું."
સામે છેડેથી શાંત સ્વરમાં તરત બીજો સવાલ આવ્યો "બોલો દિશાબેન, હું આપની શું મદદ કરી શકું ?"
દિશાને એવું લાગી જ નહોતું રહ્યું કે તે કોઈ અજાણી જગ્યાએ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહી છે, સામે છેડે વાત કરનારમાં તેને પોતાના પણું લાગી રહ્યું હતું.
દિશાએ વાત આગળ વધારતા કહ્યું : "મારે તમારા આશ્રમની મુલાકાત લેવી છે ! તો શું હું આવી શકું ?"
"ચોક્કસ કેમ નહિ ? આ આશ્રમના દ્વાર બધા માટે હંમેશા ખુલ્લા છે, તમે ગમે ત્યારે આવી શકો." વૃદ્ધાશ્રમમાંથી વાત કરનાર વ્યક્તિએ જવાબ આપ્યો.
દિશાના ચહેરા ઉપર ખુશી પ્રસરી આવી, તેને તરત એ વ્યક્તિનો આભાર માન્યો સાથે એમનું નામ પણ પૂછ્યું.
જવાબ મળ્યો "મનુભાઈ".
ફોન મૂકી અને દિશા વિચારવા લાગી કે ક્યારે હવે તે આશ્રમની મુલાકાતે જવુ ? થોડી જ વારમાં તેણે નક્કી કરી લીધું કે "કાલે સવારે જ તે રુચિના કોલેજ ગયા પછી ત્યાં જવા નીકળી જશે." રુચિને હમણાં કઈ જણાવવું નથી, ત્યાંથી આવીને વાત કરીશ એવું પણ નક્કી કરી લીધું.
બીજા દિવસે રુચિના કોલેજ ગયા બાદ દિશા તૈયાર થઈ અને ઘરેથી નીકળી. રીક્ષા કરી અને આશ્રમ પહોંચી. ત્યાં પહોંચતા જ થોડીવાર માટે તો તેના પગ બહાર જ થંભી ગયા.. બહાર ઊભા ઊભા જ તે આશ્રમને બહારથી જ જોવા લાગી. તેના મનમાં અઢળક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં હતાં, ત્યાં જઈને શું કરશે એ ? શું વાત કરશે ? વગેરે વગેરે.. પણ બધા જ પ્રશ્નો ઉપર પૂર્ણ વિરામ મૂકી તેને અંદર જવાનું વિચાર્યું.
આશ્રમનો મસમોટો દરવાજો ખુલ્લો જ હતો.. બહારની તરફ થોડા બાંકડાઓ મુકેલા હતાં. જેના ઉપર કેટલાક વડીલો ન્યુઝ પેપર લઈને વાંચી રહ્યાં હતાં, તો કેટલાંક વાતો કરી રહ્યાં હતાં. લગભગ દરેકની પાસે એક લાકડી હતી. તેના અંદર પ્રવેશતા જ બાંકડા ઉપર બેઠેલા એ વડીલોએ વારાફરતી દિશાને હાથ જોડી અને "જય શ્રી કૃષ્ણ" કહ્યું, દિશાએ પણ હસતા મોઢે બધાને "જય શ્રી કૃષ્ણ કહ્યું."
દિશાએ એમાંના એક વડીલને પૂછ્યું : "મનુભાઈ ક્યાં મળશે ?" તરત જ એ લગભગ સાઈઠેક વર્ષના દાદા ઊભા થઈ અને બોલ્યા "ચાલો બેન હું જ તમને લઈ જાઉં, મનુભાઈ પાસે."
દિશાએ જવાબ આપ્યો. "ના ના, દાદા તમે તકલીફ ના લેશો.. મને ખાલી બતાવી દો રસ્તો.. હું ચાલી જઈશ."
એ દાદાએ તરત હસતા મોઢે જવાબ આપ્યો : "અરે બેટા, એમાં તકલીફ ક્યાં આવી, આ તો અમારું કામ છે.. તમે ચાલો.."
દિશા કઈ બોલ્યા વગર એમની સાથે ચાલવા લાગી. અંદરની તરફ એક મોટો બગીચો હતો. તેની ફરતે બિલ્ડીંગ બનાવેલી હતી. બગીચામાં સ્ત્રી વડીલોનું મહિલા મંડળ જામેલું હતું. દિશાને પ્રવેશતા જ બધા દૂરથી તેને સ્માઈલ આપી રહ્યા હતા, દિશાને લાગી જ નહોતું રહ્યું કે તે કોઈ અજાણી જગ્યાએ આવી ગઈ છે, જાણે બધા જ તેને ઓળખતા હોય એ પ્રકારનું લાગી રહ્યું હતું. જે દાદા દિશાને રસ્તો બતાવી રહ્યા હતા તે એક ઓફીસ પાસે આવીને ઊભા રહ્યા. અને દિશાને કહ્યું : "આ રહ્યા મનુભાઈ.." તેમણે ઓફિસમાં જોઈને પણ કહ્યું : "મનુભાઈ, કોઈ બહેન તમને મળવા આવ્યા છે."
દિશાને જોતા જ મનુભાઈએ કહ્યું : "આવો આવો, તમે દિશાબેન, બરાબર ? આપણે ગઈકાલે વાત થઈ હતી એજ ને ?"
દિશાએ કલ્પના પણ નહોતી કરી કે તેને આ રીતે આવકાર મળશે. દિશાએ "હા"નો જવાબ આપી અંદર પ્રવેશ કર્યો.
ઓફિસમાં પ્રવેશતા જ દિશાએ જોયું તો બાજુના ટેબલ ઉપર એક બા, હિસાબના ચોપડાઓ લઈને બેઠા હતા. દિશાને જોતા જ એમણે "જય શ્રી કૃષ્ણ" કહ્યું, દિશાએ પણ "જય શ્રી કૃષ્ણ" કહી હાથ જોડ્યા, મનુભાઈએ દિશાને બેસવા માટે કહ્યું. દિશાના ખુરશીમાં બેસતા જ મનુભાઈ કહ્યું :
"બોલો શું સેવા કરીએ અમે તમારી આ ''વિસામો'' આશ્રમ વતી ?"
દિશાએ જવાબ આપતા કહ્યું : "સેવા કરાવીને મારે પાપમાં નથી પડવું. હું તો બસ આ આશ્રમની મુલાકાત લેવા માટે આવી છું, થોડા દિવસ પહેલા અહીંયાંથી પસાર થતા મેં અહીંનું બોર્ડ જોયું હતું અને ત્યારથી જ મને આશ્રમની મુલાકાત લેવાનો વિચાર આવ્યો હતો. ઓનલાઈન નંબર શોધી મેં આપને ફોન કર્યો અને આવી પહોંચી !"
"અરે, તમે તો ઘણું જ સારું કર્યું, બેન. વિસામો સર્કલ ઉપરથી રોજના હજારો લોકો પસાર થાય છે, અમારા બોર્ડને પણ જોતા હશે, પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકોને મુલાકાત લેવાનું મન થાય છે, તમને આવેલા જોઈને અમને ખુશી થઈ." મનુભાઈએ ખુશી સાથે જવાબ આપ્યો.
દિશાએ પણ પોતાના દિલની વાત રજૂ કરતા કહ્યું. "મને પણ આ આશ્રમમાં આવતા પહેલા હજારો પ્રશ્નો મનમાં હતા, પરંતુ અહીંયા આવીને મને પોતાનાપણું લાગ્યું !"
મનુભાઈએ જવાબ આપતા કહ્યું : "આ આશ્રમ નહિ, ખરેખર એક વિસામો જ છે, જ્યાં આવો એટલે ઘડીક વિસામો લેવાનું મન થાય જ. અહીંયા પરકાપણું જરાય નહીં લાગે. પારકાઓ એ જ ભેગા મળીને આ કુટુંબ બનાવ્યું છે. જુઓ, આ બેઠા છે (ઓફિસમાં બેઠેલા બહેન તરફ ઈશારો કરતા) એ સરલા બહેન છે, રિટાયર્ડ શિક્ષિકા. અમારા ઓફિસનો હિસાબ-કિતાબ બધું જ એ સંભાળે છે. એમના દીકરાઓ બધા વિદેશમાં સ્થાયી થઈ ગયા, એમને પણ બોલાવે છે, પણ એમનું મન આ દેશની ધરતીમાં જ લાગી ગયું છે અને એ હવે આ આશ્રમમાં રહીને સમય વિતાવી રહ્યા છે, બે પાંચ વર્ષે જ્યારે એમના સંતાનો આવે ત્યારે થોડા દિવસ એમની સાથે પણ ઘરે જઈને રહી આવે."
"ઓહો.. આ તો ઘણું જ સારું કહેવાય. ખોટું ના સમજતા પણ, મને એમ હતું કે વૃદ્ધાશ્રમમાં માત્ર ઘરેથી તરછોડાયેલા વડીલો જ આવતા હશે..!!
દિશાને વચ્ચે જ અટકાવતા મનુભાઈએ કહ્યું : "ના.. ના.. એવું જરા પણ ના માનશો, દિશાબેન. મોટાભાગે સમાજમાં એવી જ ગ્રંથી ચાલી રહી છે કે જે મા-બાપને સંતાનો સાચવી ના શકે, તે ઘરડાઘરમાં આવતા હશે, પણ એવું જરાય નથી, અહીંયા ઘણા વૃદ્ધ પોતાની મરજીથી જ આવ્યા છે, કારણ કે એ લોકો એવું ઈચ્છે છે કે જીવનનો છેલ્લો પડાવ પોતાના સમવયસ્કો સાથે વિતાવીએ. ઘરે સંતાનો મોટા થઈ ગયા હોય, કામકાજમાં વ્યસ્ત હોય, અને એકલા ઘરમાં રહેવા કરતા અહીંયા બધાની સાથે એમને સારું ગમે વળી એમનું મન થાય ત્યારે એમના ઘેર પણ જઈ આવે...ચાલો હું તમને આશ્રમ બતાવું.."

વધુ આવતા અંકે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED