કલાકાર - 23 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલાકાર - 23

કલાકાર ભાગ – 23

લેખક - મેર મેહુલ

અક્ષય મોડી રાતે સૂતો હતો એટલે સવારનાં દસ થયાં તો પણ હજી એ નિંદ્રાવસ્થા જ હતો. ટેબલ પર પડેલો તેનો ફોન ક્રમશઃ એક મિનિટે રણકીને બંધ થઈ જતો હતો. સાડા દસ થયાં એટલે અક્ષયનાં રૂમની ડોરબેલ વાગી. અક્ષય ઊંઘમાં જ આંખો ચોળતો ચોળતો દરવાજો ખોલવા ગયો. તેણે દરવાજો ખોલ્યો તો સામે બે વ્યક્તિ ઊભાં હતાં. જેમાંથી એક યુવાન અને એક વયસ્ક જાણતો હતો.

“કોનું કામ છે ?” અક્ષયે બગાસું ખાતા ખાતા પુછ્યું.

“આપનું શ્રીમાન” કહેતાં એક વ્યક્તિએ અક્ષયનાં માથામાં હોકીનો પ્રહાર કર્યો. અક્ષયને આ પ્રહારની આશા નહોતી. તેનાં કપાળ પર ચિરો પડી ગયો. માથું પકડીને અક્ષયે ટેબલ તરફ જવાનો પ્રયાસ કર્યો જ્યાં તેની રિવોલ્વર હતી. અક્ષય ત્યાં સુધી પહોંચે એ પહેલાં પેલાં બે વ્યક્તિએ અક્ષયને કેદ કરી લીધો અને ગળા પર બેહોશીનું ઇન્જેક્શન લગાવી દીધું. ગણતરીની સેકેન્ડમાં અક્ષય બેહોશ થઈને ઢળી પડ્યો.

*

અગિયાર વાગ્યે પલ્લવી અક્ષયના રૂમે આવી. મેહુલસરે અક્ષયને શા માટે ટીમમાંથી બરખાસ્ત કર્યો તેનું કારણ એ જણાવવાનો હતો. પલ્લવીએ જ્યારે અક્ષયનાં રૂમનો દરવાજો ખુલ્લો જોયો ત્યારે તેને અજુગતું લાગ્યું. તેણે અક્ષયને ઘણાં કૉલ કર્યા, પૂરું સર્કિટ હાઉસ તપાસી લીધું પણ અક્ષયની ભાળ ન મળી. આખરે કંટાળીને પલ્લવી વોચમેન પાસે આવી.

“ગઈ રાતે અક્ષયસર કેટલા વાગ્યે આવ્યાં હતાં ?” પલ્લવીએ પુછ્યું. વોચમેને રજીસ્ટર તપાસ્યું.

“દોઢ વાગ્યે મેડમ” વોચમેને કહ્યું.

પલ્લવીએ મનોમંથન કર્યું, ‘સર મોડી રાત્રે આવ્યાં તો અત્યારે તેઓ રૂમમાં હોવા જોઈએ’

“સવારે એ ક્યાંય બહાર ગયાં છે” પલ્લવીએ પુછ્યું.

“ના મેડમ, તેઓ બહાર જ નથી આવ્યાં”

“કોઈ અજાણ્યા શખ્સો સર્કિટ હાઉસમાં આવ્યાં હતાં ?”

“ના મેડમ” વોચમેને કહ્યું.

“થેન્ક્સ” કહેતાં પલ્લવી ચાલતી થઈ.

“એક મિનિટ મેડમ” વોચમેનને કંઈક યાદ આવ્યું એટલે તેણે પલ્લવીને રોકી, “આજે સફાઈ માટે બે નવા લોકો આવ્યાં હતાં”

“તેઓનું નામ અને નંબર જણાવો”

વોચમેન પાસેથી એ બે વ્યક્તિની માહિતી લઈને પલ્લવીએ મેહુલને કૉલ લગાવ્યો.

પલ્લવીએ જ્યારે મેહુલને અક્ષયની માહિતી આપી ત્યારે મેહુલે જવાબમાં કહ્યું, “અક્ષય કાલે અસ્વસ્થ જણાતો હતો, તેને થોડો સમય આપ. ઘણીવાર એ પરેશાન હોય છે ત્યારે પોતાની જાતને એકાંતમાં રાખી દે છે. કોઈના ફોન પણ નથી રિસીવ કરતો. સાંજ સુધીમાં સામેથી જ એ કૉલ કરશે. તું ચિંતા ના કર, ઑફિસે આવી જા”

પલ્લવીને મેહુલની વાત ગળે ના ઉતરી. અક્ષય એટલો તો પરેશાન ન હોય કે પોતાનો રૂમ ખુલ્લો રાખીને, વોચમેન પાસે ટાઈમ ન લખાવીને જતો રહે. મેહુલસરે પલ્લવીને ઑફિસે આવવા કહ્યું હતું એટલે પલ્લવી ઓફિસે તરફ અગ્રેસર થઈ ગઈ.

*

રાતનાં અગિયાર વાગ્યાં હતાં. ગાંધીનગરથી દસ કિલોમીટર દૂર,એક ફાર્મની લાકડાની ઝૂંપડીમાં પચીસેક વર્ષનો એક નૌજવાન વ્હીસ્કી પી રહ્યો હતો. તેનાં ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું કે એ જિંદગીથી હારી ગયો છે, ગુમાવવામાં માટે તેની પાસે કશું જ નથી. એટલે જ છેલ્લી એક કલાકમાં તેણે વ્હીસ્કીની અડધી બોટલ ખાલી કરી દીધી. ટેબલ પરની એશ ટ્રેમાં સિગરેટનાં બુઝાઈ ગયેલાં ટિપિંગ પેપરનો ઢગલો થયો હતો. એ વ્યક્તિ વારંવાર ઉભો થઈને લાકડાનાં દરવાજા પાસે આવીને કોઈની રાહ જોતો હતો, જ્યારે તેને ફાર્મનાં ફાટકે કોઈ નજરે ના ચડતું ત્યારે ખભા ઝુકાવી ઉદાસ થઈને એ ફરી ખુરશી પર આવીને પેગ ભરતો. આવું તેણે છેલ્લી અડધી કલાકમાં અનેકવાર કર્યું હતું.

એ વ્યક્તિએ ફરી એક પેગ ભરીને એક શ્વાસે પૂરો ગ્લાસ પેટમાં ઠાલવી દીધો, સિગરેટને બે હોઠ વચ્ચે દબાવીને એ ઉભો થયો. લાકડાંની દિવાલનો સહારો લઈ એ દરવાજા સુધી આવ્યો. ફાર્મનાં ફાટક પર એક પીળો બલ્બ સળગતો હતો. એ બલ્બ સિવાય ચોતરફ કોરી ખાતું ભયંકર અંધારું જ હતું. એ વ્યક્તિએ આંખો પહોળી કરી, નશાને કારણે તેને દ્રશ્ય જોવામાં તકલીફ પડતી હતી. તેણે નજર ફાટક પર ટેકવી પણ કોઈ દેખાયું નહિ એટલે ઊંડો શ્વાસ લઈ, નિઃસાસો નાંખીને એ અંદર ગયો.

હજી તે ટેબલ પર પહોંચે એ પહેલાં એક વાન ફાર્મની બહાર આવીને બંધ થઈ ગઈ. ફાટક ખુલવાનો અવાજ આવ્યો અને વાન અંદર આવી. કોઈએ ઊંઘમાં સૂતેલા વ્યક્તિ પર પાણીની ડોલ નાખો અને એ જાગી જાય એમ ઝુંપડીમાં રહેલાં વ્યક્તિ જાગ્રત થઈ ગયો. પેટમાં રહેલો દારૂ સેકેન્ડમાં ઉતરી ગયો.

વાનનો દરવાજો ખુલ્યો. તેમાંથી બે વ્યક્તિ બહાર આવ્યાં.

“ધ્યાનથી ઉતારજો” પેલો વ્યક્તિ ઝૂંપડીમાંથી બહાર નીકળતાં બોલ્યો. ત્રણેય વ્યક્તિએ વેનમાંથી એક બોરી ઉતારી. એક વ્યક્તિ વેનને હંકારીને દૂર ખેતરમાં એક ઝાડનાં ઓથારે છોડી આવ્યો.

“કોઈ તકલીફ નથી થઈને ?”

“ના પ્રતાપ, કામ આસાનીથી થઈ ગયું છે, કોઈને શંકા પણ નથી ગઈ. અમે સફાઈ કામદારને રૂપિયા ખવરાવી દીધાં હતાં એટલે આસાનીથી પ્રવેશ મળી ગયો” પ્રતાપ નામનાં વ્યક્તિને ઉદ્દેશીને રાણાએ કહ્યું. જે વ્યક્તિ ઝુંપડીએ બે વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો એ પ્રતાપ હતો, બે વ્યક્તિમાંથી જે યુવાન જણાતો હતો એ ત્રેવીસ વર્ષનો અર્જુન હતો અને અત્યારે જે પ્રતાપ સામે ઉભો હતો એ ચાલીશ વર્ષનો રાણા હતો.

“ગૂડ, અંદર લઈ આવો” કહેતાં પ્રતાપ ઝૂંપડીમાં ચાલ્યો ગયો.

અર્જુન વાનને છુપાવીને આવ્યો એટલે બંનેએ બોરીને ઊંચકીને ઝૂંપડીમાં લઈ આવ્યાં. બોરીમાં બીજું કોઈ નહિ અક્ષય જ હતો. જેને સવારથી ઇન્જેક્શન આપીને બેહોશ રાખવામાં આવ્યો હતો.

“ધ્યાન રાખજો સાહેબ, આ વ્યક્તિ ખતરનાક માલુમ પડે છે. હોશમાં આવે એટલે હાથમાં આવે તેને હથિયાર બનાવી લે છે. સવારથી પાંચ ઇન્જેક્શન લગાવ્યા ત્યારે અહીં સુધી લાવી શક્યા છીએ” અર્જુને અક્ષયને ખુરશી પર બેસારી હાથ અને પગ બાંધતા કહ્યું.

“હું કોણ છું એ તું જાણે છે ને ?, હું ભૂતપૂર્વ ઇન્સપેક્ટર છું. ગુન્હેગારોને આંગળીઓ પર નચાવતો તો આ કોણ કહેવાય ?” પ્રતાપે અહમ સંતોષતા કહ્યું.

“ભલે સાહેબ, અમે બહાર છીએ. કંઈ કામ હોય તો અવાજ આપજો” કોન્સ્ટેબલ અર્જુને કહ્યું.

કોન્સ્ટેબલ રાણા અને અર્જુન બહાર આવીને વૃક્ષનાં થડમાંથી બનાવેલ ગોળ સ્ટુલ પર બેઠા. અર્જુને બે સિગરેટ કાઢી એક રાણાને આપી.

બીજી તરફ –

પ્રતાપે ઊભાં થઈને ખૂણામાં રહેલાં પાણીનાં માટલમાંથી એક ગ્લાસ પાણી ભર્યું, અક્ષય પાસે આવી તેણે એ ગ્લાસ અક્ષયનાં મોઢા પર ઢોળી દીધો. અચાનક થયેલાં પાણીનાં સ્પર્શને કારણે અક્ષયની આંખો ખુલ્લી ગઈ. કોઈએ મણ એકનો પથ્થર તેની આંખો પર રાખી દીધો હોય એવી રીતે અક્ષયને આંખો ખોલવામાં તકલીફ પડતી હતી. પ્રતાપે અક્ષયનો ગાલ થપથપાવ્યો.

“કોણ છે તું ?” અક્ષયે ઝીણી આંખોએ જ પ્રતાપ તરફ નજર ફેરવીને પુછ્યું.

“હું કોણ છું એ તને થોડીવારમાં જ ખબર પડી જશે, અત્યારે તું મારી કેદમાં છે અને તારે મારાં થોડાં સવાલોનાં જવાબ આપવાનાં છે” પ્રતાપે બરફ જેવા ઠંડા અવાજે કહ્યું.

“તે કોને કેદ કર્યો છે એ તું નથી જાણતો કમજાત, હું તને એક મિનિટમાં ખતમ કરી શકું છું” અક્ષય ગુસ્સામાં બરાડ્યો.

“હોવ હોવ…ફૂલ મેન, હું ઝઘડો નથી ઇચ્છતો અને તું કોણ છે એ જાણવામાં મને સહેજ પણ રસ નથી. મારાં થોડાં સવાલોના જવાબ આપી દે એટલે તું આઆઝાદ છે” પ્રતાપે પૂર્વવત બરફ જેવાં ઠંડા અવાજે કહ્યું.

“મને એક ગ્લાસ પાણી મળશે ?” અક્ષય પણ ઠંડો પડ્યો, “મારું ગળું સુકાય છે”

“શ્યોર” કહેતાં પ્રતાપ ઉભો થઈને ગ્લાસ ભરવા માટે માટલાં તરફ આગળ વધ્યો. પાણીનો ગ્લાસ ભરી એ પરત ફરી રહ્યો હતો એ દરમિયાન કોઈએ દરવાજા પર પ્રહાર કર્યો. ખખડી ગયેલો એ લાકડાનો દરવાજો તૂટી ગયો. પ્રતાપ સામે દરવાજા પર એક નકાબધારી યુવતી હાથમાં પિસ્તોલ લઈને ઉભી હતી. એ યુવતીની એક આંગળી ટ્રિગર પર જ હતી.

પ્રતાપે ગ્લાસને પડતો મૂકીને બંને હાથ ઊંચા કરી દીધાં. એ યુવતી અને પ્રતાપની આંખો ચાર થઈ.

“પ્રતાપ…!!!” એ યુવતીનાં મોંમાંથી શબ્દો સરી પડ્યા.

(ક્રમશઃ)

કોણ હતી એ યુવતી ?, પ્રતાપે શા માટે અક્ષયને કેદ કર્યો હતો ?, શું આ દિવસ પછી અક્ષયની લાઈફ બદલી જવાની હતી ? જાણવા વાંચતા રહો..કલાકાર.

નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.

- મેર મેહુલ

Contact info.

Whatsapp No. – 9624755226

Instagram - mermehul2898