Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 20 - છેલ્લો ભાગ

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-20

200 વર્ષ પહેલા માધવપુર, રાજસ્થાન

રાજા વિક્રમસિંહની નવી પત્ની પદ્માના ગર્ભધારણ કર્યા બાદ મનોમન પીડાતી વિક્રમસિંહની પ્રથમ પત્ની અંબિકાની સાવકી માં રેવતી જયારે પોતાની પુત્રીના મનમાં પદ્મા માટે દ્વેષ પેદા કરવામાં અસફળ રહી ત્યારે પોતે જ પદ્મા અને એના પુત્રનું કાસળ કાઢી નાંખવાનો દૃઢ નીર્ધાર કરી બેઠી.

દિવસો ધીરે-ધીરે મક્કમ ગતિએ પસાર થઈ રહ્યા હતાં પણ રેવતી હજુસુધી કોઈ નક્કર યોજના નહોતી બનાવી શકી. પદ્માને આઠમો મહિનો ચાલી રહ્યો હતો અને નજીકમાં એ માં બનવાની હતી. વહેલી તકે જો કંઈ કરવામાં નહીં આવે તો પોતાના નાતીન જોરાવરના હકમાં ભાગ પડાવનાર આવી જશે એમ વિચારી રેવતીએ એક ભયાનક યોજના અમલમાં મૂકવાનું વિચાર્યું.

પોતાની આ યોજનાનો અમલ કરવો હોય તો પોતાને અમુક લોકોનો સાથ પણ જોઈશે એ વાત રેવતી જાણતી હતી. આ માટે ઘણો વિચાર કર્યાં પછી એને પોતાની દીકરી અંબિકાને મળીને પોતાને થોડા દિવસ માટે પોતાના પૈતૃક ગામમાં જવાની ઈચ્છા જાહેર કરી. અંબિકાએ પણ સહર્ષ પોતાની માંને ત્યાં જવાની અનુમતિ આપી દીધી.

માધવપુરથી નીકળતાની સાથે જ રેવતી મનોમન નીર્ધાર કરી ચૂકી હતી કે પોતાની દીકરી અને જોરાવરના હકનું એ કોઈપણ ભોગે પદ્મા અને એની આવનાર સંતાન વચ્ચે વહેંચાવા નહીં દે.

પોતાની માંથી વિચારસરણીથી વિપરીત અંબિકા પદ્માનું મોટી બહેનની માફક ધ્યાન રાખવા લાગી હતી. આ છેલ્લા મહિના દરમિયાન એને કોઈ વાતની તકલીફ ના પહોંચે એનું ધ્યાન અંબિકા ખૂબ જ સારી રીતે રાખતી હતી. અંબિકાનો પુત્ર જોરાવર પણ એ વિચારી ખૂબ ઉત્સાહિત હતો કે એની સાથે રમવા ભાઈ કે બહેન નજીકમાં આવવાનાં છે. ગૌરીદેવી અને વિક્રમસિંહ પણ પોતાના પરિવારમાં આવનારા નવા મહેમાનના આગમનને લઈને અતિ પ્રસન્ન જણાતા હતાં.

માધવપુરથી ગયાંને દસ દિવસ બાદ રેવતી જ્યારે માધવપુર પાછી આવી ત્યારે એના ચહેરાના ભાવ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યાં હતાં. પોતાની દીકરીના હકનું વિચારી પોતે જે કામ માટે નીકળી હતી એ કામ યોગ્ય રીતે પૂર્ણ થયાનો સંતોષ રેવતીના કરચલીવાળા મુખ પર સ્પષ્ટ વંચાતો હતો.

પોતે પૈતૃક ગામમાં જઈને પદ્માના આવનારા સંતાનના સ્વાસ્થ્ય માટે પ્રસાદ ચડાવી આવી છે એવું જ્યારે રેવતીએ જણાવ્યું ત્યારે અંબિકાને પહેલા તો ભારે આશ્ચર્ય થયું પણ રેવતીની અદાકારીને લીધે એ માનવા મજબૂર બની કે એની માં સાચું બોલી રહી છે. રેવતીએ આપેલો પ્રસાદ અંબિકાએ પોતાના સગા હાથે પદ્માને ખવડાવ્યો ત્યારે એને રતિભાર પણ અંદાજો નહોતો કે પોતે કેટલી મોટી ભૂલ કરી બેઠી હતી.

રેવતીના માધવપુર આવ્યાને પાંચ દિવસ વીતી ચૂક્યા હતાં. મહેલમાં સૌ પદ્માના આવનારા બાળકને લઈને ખૂબ જ આનંદિત હતાં.

રાતનાં લગભગ બે વાગી રહ્યા હતા ત્યાં વિક્રમસિંહના કક્ષના દરવાજે ટકોરા પડ્યા. આટલી રાતે કોઈ મોટી સમસ્યા સિવાય આવું ના બને એમ વિચારી વિક્રમસિંહ પોતાની સેજ જોડે રાખેલી તલવાર લઈને ઊભા થયાં.

"શું થયું..?" દરવાજે ઊભેલા નગરના દરવાનને ઉદ્દેશીને વિક્રમસિંહે પૂછ્યું.

"મહારાજ, દરવાજે વીસેક મુસાફરો આવ્યા છે.." દરવાને જવાબ આપતા કહ્યું. "એમના કહ્યા મુજબ એ લોકો વણઝારા છે જેમની ટોળી ઉપર લૂંટારાઓએ હુમલો કરીને એમની બધી માલમત્તા ઝુંટવી લીધી છે. એમને આપણા રાજ્યમાં થોડા દિવસ આશરો જોઈએ છે. મેં કહ્યું કે સવાર સુધી રોકાઈ જાઓ, સવારે મહારાજને પૂછીને કહું. પણ..બિચારા બહુ ડરી ગયા છે અને અત્યારે જ તમને મળવાની હઠ કરતા હતા તો મારે ના છૂટકે આવવું પડ્યું."

દરવાનની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ વિક્રમસિંહે કહ્યું.

"સારું, ચાલો ત્યારે..."

વિક્રમસિંહના આમ બોલતા જ દરવાન માધવપુરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો, વિક્રમસિંહ પણ એની પાછળ દોરવાયા.

વિક્રમસિંહ અને દરવાનને કિલ્લાના મુખ્ય દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે રેવતી પોતાના કક્ષના ઝરૂખે ઊભી-ઊભી એમને જઈ રહેલા જોઈ કટુ સ્મિત વેરી રહી હતી.

************

ઓક્ટોબર, 2019, દુબઈ

આધ્યા અને સમીર જ્યાં રહેતા હતા એ દુબઈના આલીશાન ફ્લેટની સાફ-સફાઈ માટે એમને સકીના નામક એક મહિલાને રાખી હતી. સકીના મૂળ તુર્ક મુસલમાન હતી, જે વર્ષોથી પોતાના પરિવાર સાથે દુબઈ આવી ગઈ હતી.

આધ્યાને ભારત આવ્યાને ત્રણ દિવસ વીતી ચૂક્યાં હતાં, પોતાની ગેરહાજરીમાં દર ત્રણ-ચાર દિવસે જ ફ્લેટની સાફ-સફાઈ કરવાની હિદાયત આપી હોવાથી આધ્યાના ભારત આવ્યાને ત્રણ દિવસ બાદ સકીના પ્રથમ વખત ફ્લેટ પર આવી હતી.

બેડરૂમ અને રસોડાની સફાઈ કર્યા બાદ સકીના જ્યારે મુખ્ય હોલની સાફ-સફાઈ કરી રહી હતી ત્યારે એના નાકમાં ખૂબ જ ખરાબ બદબુ આવીને ભરાઈ ગઈ. આ બદબુ બાલ્કની તરફથી આવી રહી હતી એવું અનુમાન કરતા સકીના બાલ્કની તરફ આગળ વધી. જેમ-જેમ એ બાલ્કની તરફ આગળ વધી રહી હતી એમ-એમ બદબુ વધી રહી હતી.

સડેલા માંસ જેવી એ બદબુનો અહેસાસ થતા સકીના નાક આડે હાથ રાખીને બાલ્કનીમાં આવી. આ એ જ બાલ્કની હતી જ્યાં કોઈ ચમત્કારીક શૈતાની શક્તિએ આદિત્યને ધક્કો મારીને મારી નાંખવાની કોશિશ કરી હતી.

સકીનાએ જોયું કે બાલ્કનીમાં જે છોડના કુંડા હતાં એની ઉપર માખીઓ બણબણી રહી હતી. ત્યાં મોજુદ એક ગુલાબના છોડના કુંડામાં કીડા પડી ગયાં હતાં અને એ કુંડામાંથી જ બદબુ આવી રહી હતી. ગુલાબનો છોડ પણ સુકાઈ ચૂક્યો હતો.

"અરેરે..કેટલું ગંદુ થઈ ગયું છે." મોં બગાડતા સકીના આટલું બોલી ગુલાબનું એ કુંડું સાફ કરવાની પળોજણમાં લાગી ગઈ. સૌપ્રથમ તો એને ગુલાબના છોડને કુંડામાંથી ઉખેડી દીધો અને ત્યારબાદ કીડાઓને એક પોલીથીન બેગમાં ભરી દીધા.

આટલું કર્યા છતાં પણ ત્યાં આવતી બદબુ ઓછી થવાના બદલે વધી ગઈ હતી. આમ થતા સકીનાએ કુંડાની માટીને નીકાળીને બધું વ્યવસ્થિત રીતે સાફ કરવાનું નક્કી કર્યું.

સકીના ઘરમાંથી એક ખોદકામ માટેનું ઓજાર લઈ આવી અને કુંડાની માટી બહાર કાઢવા લાગી. હજુ તો માંડ ત્રણ-ચાર ખોબા માટી નીકળી હતી ત્યાં અંદરથી માંસનો એક મોટો બદબુદાર ટુકડો માટી સાથે બહાર આવ્યો.

"અરેરે..આ શું છે..?" આટલું કહી સકીનાએ ફટાફટ વધુ માટી નિકાળવાનું શરૂ કર્યું. માટીની સાથે-સાથે ધીરે-ધીરે માંસના ટુકડા, કોઈ પશુની આંખ, એક હાડકું અને એક માથા વગરની ઢીંગલી નીકળી આવી.

"બ્લેક મેજિક..!" તુર્કીના નાના ગામની વણઝારા જાતિની હોવાથી સકીના આ બધી વસ્તુઓને જોતા જ સમજી ગઈ કે આ બધી સામગ્રી કાળા જાદુની છે.

"જો આ બધી સામગ્રી અહીં હોય એનો અર્થ એ છે કે અહીં કોઈ સ્પેલ પણ થયો હશે." મનોમન આવું વિચારતા-વિચારતા સકીનાએ કુંડાને અવળું કરીને એની અંદર રહેલી બધી જ માટી બહાર કાઢી દીધી.

માટીની વચ્ચે રહેલા એક ગડી કરેલા કાગળને જોતા જ સકીનાએ જિજ્ઞાસા સાથે એ કાગળ હાથમાં લીધું. સકીનાએ કાગળ ખોલ્યું એ સાથે જ એની નજર કાગળમાં મોજુદ બે માનવાકૃતિઓ પર પડી જેમાં એક પુરુષ અને એક સ્ત્રી આકૃતિ હતી. બંને આકૃતિના ચહેરાનો રંગ વાદળી હતો અને એમની ઉપર ઉર્દુમાં એ સ્પેલ કોની ઉપર કરવામાં આવ્યો એના નામ ઉર્દુમાં હતાં. પુરુષ આકૃતિ પર લખ્યું હતું સમીર અને સ્ત્રી આકૃતિ પર આધ્યા.

આ ઉપરાંત આકૃતિઓની નીચે એરેબિકમાં સ્પેલ માટેના મંત્રો લખેલા હતાં, અરેબિક ના આવડતું હોવાથી સકીના એ મંત્રોનો ઉચ્ચાર તો ના કરી શકી પણ એ સમજી ગઈ કે આ ફ્લેટના માલિક સમીર અને આધ્યા પર કોઈએ પોઈઝન સ્પેલ કર્યો હતો. જેથી એ બંનેનાં મનમાં એકબીજા માટે ઝેર પેદા થાય અને એ બંને અલગ થઈ જાય.

આ ફ્લેટમાં આવ્યા બાદ સમીર અને આધ્યાને ઉગ્ર બની લડતા-ઝઘડતા પોતે ઘણીવાર જોઈ ચૂકી હોવાથી સકીના સમજી ગઈ કે સ્પેલ એનું કામ બરાબર કરી ચૂક્યો હતો.

આખરે આ સ્પેલ કરનાર કોણ હતું એ જાણવાની ઉત્કંઠા સાથે સકીનાએ કાગળની નીચે લખેલ નામને વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એ નામ વાંચવામાં એ અસફળ રહી. મોટાભાગનું નામ તો લોહીના અને માટીના ડાઘ હેઠળ ભૂંસાઈ ગયું હતું પણ જે થોડું ઘણું નામ દેખાતું હતું એ વાંચવા સકીના હોલના મધ્યમાં આવી.

અહીં આવીને એને ધ્યાનથી આંખો ઝીણી કરીને એ નામ વાંચ્યું તો એના હાથ પગ ધ્રુજી ગયાં. એના ચહેરાનો રંગ ક્ષણમાં ઊડી ગયો. આ બધાં અંગે સમીરને જણાવવું જ પડશે એમ વિચારી સકીનાએ પોતાના મોબાઈલમાંથી સમીરનો નંબર ડાયલ કર્યો. સમીરનો મોબાઈલ સ્વીચ ઓફ આવતા સકીનાએ આધ્યાનો નંબર ડાયલ કરવાનું વિચાર્યું.

સકીના આધ્યાનો નંબર ડાયલ કરવા જતી હતી ત્યાં એક અદ્રશ્ય શક્તિ એને ખેંચીને બાથરૂમમાં લઈ ગઈ. સકીનાનો મોબાઈલ આ અણધાર્યા હુમલાથી હાથમાંથી પડી ગયો. બીજી જ ક્ષણે સકીનાની દબાયેલી ચીસો બાથરૂમમાંથી સંભળાવવા લાગી, જે થોડી જ સેકંડોમાં બંધ થઈ ગઈ.

બાલ્કનીમાં પડેલો બધો કચરો એની આપમેળે સાફ થઈ ગયો અને ત્યાં પહેલાની માફક બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. નીરવ શાંતિને ભંગ કરતું એક ભેદી હાસ્ય પૂરાં ફ્લેટમાં ગુંજી ઉઠ્યું.

*************

વધુ પ્રતિશોધ 3.0 ના નવા ભાગમાં.

આ સાથે જ પ્રતિશોધ નવલકથાનો દ્વિતીય અંક એટલે કે પ્રતિશોધ 2.0 હું અહીં પૂર્ણ જાહેર કરું છું. નજીકમાં પ્રતિશોધ ટ્રાયોલોજીનો તૃતીય અંક લઈને આપની સમક્ષ હાજર થઈશ.

આદિત્યનો માધવપુરના પતન સાથે શું સંબંધ હતો? માધવપુરનું પતન કેવા સંજોગોમાં થયું.? માધવપુરમાં આશરો લેવા આવેલા મુસાફરો કોણ હતાં? આદિત્ય કાલરાત્રી શૈતાનની ઉત્તપત્તિ રોકી શકશે? બ્રહ્મરાક્ષસ આદિત્યની કઈ રીતે મદદ કરશે? સમીર અને આધ્યા પર સ્પેલ કરનાર કોણ હતું? આખરે સમીર ક્યાં હતો? આ બધા જ સવાલોના જવાબ એ વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)