અમેરીકાનું ચલણ મજબૂત કેમ? Mahendra Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમેરીકાનું ચલણ મજબૂત કેમ?

અમેરીકાનું ચલણ મજબૂત કેમ?

વાત છે અમેરીકા જેવા મજબૂત ચલણ વાળા દેશની કે જ્યાં મોટાભાગે કોઈપણ વ્યક્તિને તમે ઉભા રાખીને પૂછો તો એમણે પેય ડે લોન થી લઈને વેટરન લોન કે પછી હોમ ઈકવિટી લોન લીધી હશે. હા એવી એવી લોન કે જેનું અસ્તિત્વ પણ ભારત જેવા દેશમાં નથી.

આખા દેશના મોટાભાગના નાગરિકોએ કૈંક લોન લીધી હોય, દર વર્ષે હજારો ખાનગી સંસ્થાઓ નાદારી નોંધાવે પણ એ દેશનું ચલણ મજબૂત રહે એ કેવી રીતે શક્ય છે? તો ભાઈ આ થઈ રહ્યું છે અને થતું રહેશે જ્યાં સુધી ભારતમાં અર્થવ્યવસ્થા ઉદારતા નહીં બતાવે, તો પહેલાં જાણીએ કે ભારતમાં લોનની લેવદેવડ કેવી છે.

અહીં લોન લેવા તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક થાય. ક્રેડિટ હિસ્ટ્રી એટલે બેંકમાં આવક, જાવકનો હિસાબ અને ત્યાં કોઈ લોન લીધી હોય તો એની ચૂકવણીની મુદ્દત અને વિગત. અહીં જો બેન્ક ખાતામાં લેવડ દેવડજ ના થતી હોય તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી બને નહીં અને લોન મળે નહીં.

સામાન્ય દુકાનદાર, મજૂર, રિક્ષાવાળા, લારીવાળા, પથારા વાળા વગેર બેન્ક એકાઉન્ટમાં પૈસા લેતા કે આપતા નથી એટલે લોનની લાયકાત બનતી નથી, નાશૂટકે એમને પઠાણી વ્યાજ પર લોન લઈને કામ ચલાવવું પડે છે અને એમાંથી બિચારા બહાર આવી શકતા નથી.

હવે વાત કરીએ મધ્યમવર્ગની, એમને લગ્ન વખતે, ઘરના સમારકામ વખતે, બીમારીના સારવાર માટે કે કોઈ જૂનું દેવું ચૂકવવા લોન લેવી પડે છે, કે જેને પર્સનલ લોનની કેટેગરી આપી છે, કે જે કોઈપણ વસ્તુ ગીરવે રાખ્યા વગર મળે, આ લોન 14 થી 22 ટકા વાર્ષિક વ્યાજે મળે છે અને ચુકવણી 3 થી 5 વર્ષે કરી શકાય.
વિદેશમાં એટલે અમેરીકાની વાત કરીએ તો ત્યાં સોશ્યલ સિક્યુરિટી નંબર હોવાથી કોઈએ અલગથી ક્રેડિટ હિસ્ટ્રી બનાવવાની જરૂર નથી. ત્યાં તમે બેંકમાં જાઓ એટલે એમને ખબર જ છે કે તમને કેટલા પૈસા લોન પેટે આપી શકાશે. બીજી મહત્વની વાત, ત્યાં લોન ભરવા તમને 10, 20, 30 વર્ષ સુધીનો સમય મળે એટલે એ સમયગાળામાં નૌકરી ધંધો કરી માણસ લોન ચૂકવી શકે. એટલે ત્યાં માણસ કોઈપણ હિસાબે લોન ભરી કાઢે.

ભારતમાં હોમ લોન 9 ટકા, તો ટુ વહીલર લોન 9 ટકા , ફોર વહીલર લોન 7 ટકામાં મળે છે, જ્યારે બિઝનેસ પ્રોપર્ટી લોન પણ 10 થી 12 ટકે મળે છે. આ લોન સુરક્ષિત શ્રેણીની લોન કહેવાય કે જેમાં લોન લેનાર હપ્તા નહીં ભરે તો લોન આપનાર બેંક જે તે પ્રોપર્ટી કે વાહન જપ્ત કરી હરાજી કરીને પૈસા મેળવી શકે. અમેરીકામાં સુરક્ષિત એટલે સિક્યોર લોન 3 ટકે મળે છે એટલે ખુબજ ઓછા વ્યાજદર પર લોન મળે તો કેમ નહીં લેવી?
સાથેજ ખુબજ લાંબાગાળા માટે મળે તો એનાથી સારું હોઈ ના શકે.

હવે તકલીફ ક્યાં છે?
ભારતમાં ફિક્સ ડિપોઝિટ ની આદત વધુ છે લોન લેવાની આદત નથી, કેશમાં વહેંવાર વધુ છે બેંકમાં નથી, એટલે ભારતનાં અર્થતંત્રને મજબૂતી મળતી નથી. બેંકો જો વ્યાજદર ઘટાડે અને લોન આપવા માટે ક્રેડિટ હિસ્ટ્રીની બાંધછોડ આપે તો વધુ મકાન લોન પર લેવાય, દરેક વેહિકલ લોન પર વેચાય અને લારી વાળાને પણ બેંકલોન મળે તો ધંધો કરીને લોન ચૂકવે. પણ ચૂકવવા સમય વધુ આપો અને વ્યાજ ઓછું લો.

સ્ટડી લોન પણ અમેરીકામાં 20 વર્ષ માટે મળતા હોય છે અને મકાન લોન 30 વર્ષ માટે મળે છે. હોમ ઈકવિટી લોન એટલે જો મકાનની કિંમત વધુ છે તો એની વેલ્યુ કાઢીને ફરી નવી લોન મળે છે એટલે માણસ પોતાની ઘણી જરૂરિયાતો બેંકલોનથી પુરી કરે છે અને ધીરે ધીરે ચૂકવે છે.

અમેરીકામાં ક્રેડિટકાર્ડ પર જો વ્યક્તિ ડિફોલ્ટ થાય તો ત્યાં એને લોન રિસ્ટ્રક્ચર મળે એટલે મોટી રકમ ભરવા ફરી લોન મળે અને વધુ સમય મળે છે. એટલે માણસ પૈસા તો ભરી જ દે પણ સમય લઈને. એટલે ત્યાં તરત કોઈ ડિફોલ્ટ થતું નથી.

શાહબુબ્દીન રાઠોડ સાહેબની ભાષામાં કહું તો ' દેવું તો મરદ માણસ કરે' એટલે સામાજિક રીતે પણ આપણે સ્વીકારવું પડશે કે લોન લેવી એ ગુનો નથી પણ હિંમત છે.

ભારતમાં આ મુજબ વિવિધ પ્રકારનાં લોનની વ્યવસ્થા બહાર પાડવી જરૂરી લાગે છે.

અમેરીકામાં આઈફોન પણ લોન પર લેવાય છે, નહીંતર એટલી મોટી સંખ્યામાં આઈફોન વેચાય નહીં અને એપલ સૌથી વધુ નફો કરતી ખાનગી સંસ્થા બને નહીં.

લોન લેનારાએ અમેરીકાને મજબૂત અર્થતંત્ર બનાવવા મદદ કરી છે.

-મહેન્દ્ર શર્મા 25.10.2020