યોગ-વિયોગ - 61 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 61

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૧

પથ્થરની બેઠક ઉપર બેસીને શૂન્યમાં જોઈ રહેલી વૈભવી અને ઓફિસમાં બેસીને ટેબલ ઉપર મૂકેલા કાગળમાં આડાઅવળા લીટા દોરતા અભયની મનઃસ્થિતિ લગભગ સરખી હતી.

અહીં વસુમા વૈભવીને અને ત્યાં પ્રિયા અભયને જોઈ રહ્યાં હતાં. બંને સમજતાં હતાં કે આ સ્થિતિમાંથી પસાર થયા વિના જિંદગી સાથે સમજૂતી કરવી લગભગ અશક્ય છે.

પ્રિયા કેબિન વચ્ચેના કાચમાંથી અભયને જોઈ રહી હતી. એના ચહેરા પર સતત બદલાતા હાવભાવ પ્રિયાથી છાના નહોતા. જોકે અભયને આવી મનઃસ્થિતિમાં પ્રિયાએ ઘણી વાર જોયો હતો. ઘણી વાર વૈભવી સાથે ઝઘડીને અહીં આવ્યા પછી અભય ઘરે જવાનું ટાળતો. સ્ટાફ ચાલી જાય પછી ઓફિસમાં ડ્રિન્ક પણ લેતો.

આજે અભય ટેબલ પર બેસીને કોઈ કામ કરી શક્યો નહોતો. સામે પડેલી કેટલીયે ફાઈલો અને કાગળો જોઈને એનો નિકાલ કરવાનો હતો, પણ અભયથી કશુંયે થઈ શકતું નહોતું. છેલ્લા થોડા દિવસથી વૈભવીની મનઃસ્થિતિ અભયને છેક ભીતર સુધી હચમચાવી ગઈ હતી.

જે વૈભવી કોઈના એક શબ્દ સામે દસ વાક્ય સંભળાવે, પોતાની જીત માટે કોઈનો પણ ભોગ લઈ લે, પોતાના વિશે સતત સુપિરિયારિટી ધરાવતી વૈભવી છેલ્લા થોડા દિવસથી જાણે એ વૈભવી જ નહોતી રહી. એ તદ્દન નરમઘેંસ થઈને વર્તતી. અભય માટે બધું જ કરતી અને છતાં અભય એને કોઈ કામ સોંપે કે એની પાસે કશું માગે તો જાણે વૈભવી આભારવશ થઈ જતી.

અભયને એમ હતું કે વૈભવી ઝઘડશે, ત્રાગાં કરશે - જે એણે શરૂઆતમાં કર્યાં પણ ! પરંતુ વૈભવીનું આ નવું સ્વરૂપ અભય માટે સાવ અજાણ્યું હતું. આવી મીણની પૂતળી જેવી પ્રાણ વગરની વૈભવી અભયને ડરાવતી હતી. લડતી-ઝઘડતી-બૂમો પાડતી કે કડવું બોલતી વૈભવીને અભય ઓળખતો હતો.

પરંતુ આવી એક શબ્દ ના બોલતી વિષાદગ્રસ્ત આંખોથી અભયને જોતી વૈભવી અભય માટે જાણે એના આત્મા ઉપર થતો ઘા હોય એવી હતી !

અભયની આંખોમાં વારે વારે પાણી ધસી આવતાં હતાં. વૈભવી સાથે અજયને એરપોટર્ મૂકીને આવ્યા પછી જે ચર્ચા થઈ ત્યારથી અભય પોતાની જાતને પૂછ્‌યા કરતો હતો, ‘‘લગ્નજીવનનાં આટલાં બધાં વર્ષો પછી વૈભવી સાથે આવી રીતે વર્તવાનો પોતાને શો અધિકાર હતો ? વૈભવી હું ઇચ્છતો હતો એવી ના બની શકી એમાં ખરેખર એનો કોઈ વાંક છે ?’’

વસુમાના સંસ્કાર અને એના આત્માની સરળતા એને વારંવાર આ સવાલો તરફ ધકેલતી હતી.

પ્રિયાએ બહારથી અભયના ચહેરા પર જતાં-આવતા ભાવો જોયા. એની આંખોમાં પાણી જોયા એટલે આખરે એનાથી ના રહેવાયું. એ બે કેબિનની વચ્ચે કાચનો દરવાજો ધકેલીને દાખલ થઈ. સીધી અભયની સામે બેસી ગઈ. અભયની કેબિનના વેનિશિયલ બંધ કરેલા હતા એટલે આ કેબિનમાં પ્રમાણમાં એકાંત હતું.

‘‘શું વાત છે અભય ? ઘરે કંઈ થયું છે ?’’

‘‘ના.’’ અભયે નિઃસ્વાસ નાખ્યો, ‘‘નોટ રિયલી.’’

‘‘તો પછી ? હું છેલ્લા બે કલાકથી જોઉં છું, તમારું મન ક્યાંક બીજે ખોવાયેલું છે. શું વિચારો છો ? માએ કંઈ કહ્યું ?’’

‘‘હવે મારા ઘરમાં મને કોઈ કાંઈ નથી કહેતું.’’

‘‘એનું દુઃખ થાય છે ?’’

‘‘તું નહીં સમજે પ્રિયા ! મારા ઘરની પરિસ્થિતિ સાવ અલગ છે. ગઈ કાલ સુધી જે ઘર અવાજોથી ગૂંજતું હતું એ ઘર અચાનક શાંતિથી ઘેરાઈ ગયું છે...’’

‘‘તો ? શું પ્રોબ્લેમ છે ? આજ શાંતિ તો તમારે જોઈતી હતી.’’

‘‘ના પ્રિયા, આ શાંતિ નથી જોઈતી મારે. અજય અને જાનકીની ગેરહાજરી, વૈભવીના ચહેરા પરથી ઊડી ગયેલું નૂર- બધું જ સમજતાં અને કશું ના બોલતાં મારાં સંતાનો, પોતાની દુનિયામાં અટવાયેલો, મારી પરિસ્થિતિ સમજતો અને મને કંઈ ન કહેતો મારો ભાઈ ને છેલ્લે આ બધાથી પીડાતી મારી મા.’’

‘‘શું કરવું છે ?’’

‘‘એ ખબર હોત તો મેં ક્યારનું કરી નાખ્યું હોત.’’

‘‘અભય, હું કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છું. શર્ત એટલી કે તમે સુખી થવા જોઈએ.’’

‘‘હું સમજું છું પ્રિયા.’’ અભયથી પ્રિયાનો હાથ પકડાઈ ગયો, ‘‘હું વૈભવીને સેંકડો માણસોની વચ્ચે પરણીને લઈ આવ્યો છું. લગ્નની વેદીની આસપાસ વચન આપ્યાં છે મેં...’’

‘‘એ વચન ક્યાં તોડ્યાં છે તમે ?’’ પ્રિયાનો અવાજ એકદમ સ્વસ્થ હતો, ‘‘અને લગ્નનું બંધન તમને ગિલ્ટ આપતુંં હોય તો આપણી વચ્ચે હજી ઘણું બધું...’’

‘‘પ્રિયા, હું તારાથી છૂટા પડવાનાં કોઈ બહાનાં નથી શોધતો.’’ અભયથી હાથમાં પકડેલો પ્રિયાનો હાથ દબાવાઈ ગયો, ‘‘મારું મન મને સવાલો કરે છે અને એટલો અધિકાર તો મારા મનને મારે આપવો પડે.’’ એની આંખો ભીની થઈ ગઈ, ‘‘જેમ વૈભવી મને સુખ નથી આપી શકી એમ હું પણ એની અપેક્ષાઓમાં ઊણો ઊતર્યો જ હોઈશ - એક સ્ત્રી કેમ લડી-ઝઘડીને દુઃખી થતી પણ પોતાનાં લગ્ન નિભાવ્યે જાય છે. જ્યારે પુરુષ તરત એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે.’’

‘‘મને આનો જવાબ ખબર છે. આપું ?’’ પ્રિયાએ વેધક નજરે અભયની આંખોમાં જોયું. એના અવાજને ધાર નીકળી આવી, ‘‘કારણ કે સ્ત્રી સંબંધને જીવનભરનું સત્ય માનીને જોડાય છે. એ માણસનો સ્વભાવ બદલવાનો પ્રયત્ન કરે છે, આખેઆખો માણસ નથી બદલી નાખતી.’’ પછી ઘડીભર ચૂપ રહી, ‘‘અથવા એમ કહો કે બદલી શકતી નથી.’’

‘‘આ એનું ગૌરવ છે કે મજબૂરી ?’’

આટલી ગંભીર ચર્ચામાં પણ પ્રિયા હસી પડી, ‘‘સ્ત્રીની બાબતમાં એક બહુ ઇન્ટ્રેસ્ટિંગ વાત છે. એ પોતાની દરેક મજબૂરીનું ગૌરવ કરે છે.’’

‘‘એટલે ?’’

‘‘મા બનવાની એની ક્ષમતા એના જીવનની સૌથી પીડાદાયક ક્ષણ છે, તેમ છતાં સ્ત્રી માતૃત્વનું ગૌરવ કરે છે. એનો માસિકધર્મ એને માટે એને ઘણી બધી વસ્તુઓથી વંચિત રાખતી પીડાદાયક પ્રક્રિયા છે, પણ એ, એ વિશે ફરિયાદ નથી કરતી. ઘરનું કામ કરવું, પતિ બાળકોનું ધ્યાન રાખવું અને આટલો બધો શારીરિક શ્રમ કરવો પડે એવી દિનચર્યાને એ અન્નપૂર્ણા અથવા ગૃહલક્ષ્મી જેવા મોટાં મોટાં નામોનાં લેબલ લગાડીને જીવી જાય છે. પુરુષ પોતાના સંબંધમાંથી નીકળી જાય કે મૃત્યુ પામે તેમ છતાં એની યાદમાં, એના વિરહમાં એ ત્યક્તા, વિધવા કે જીવનભર અપરિણિત રહીને જીવી શકે...’’

‘‘બસ બસ.’’ અભયના ચહેરા પર પણ સ્મિત આવી ગયું, ‘‘ફેમિનીઝમ પર મોટું ભાષણ આપ્યું.’’ એણે હાથમાં પકડેલા પ્રિયાના હાથમાં પોતાની આંગળીઓ પરોવી, ‘‘હવે માત્ર એટલું કહે કે હું મારી જાતની કઈ રીતે મદદ કરી શકું ?’’

‘‘મને પૂછો છો ?’’ પ્રિયા અભયની આંખોમાં જોઈ રહી, ‘‘અભય, હું આખી જિંદગીમાં એક જ વાત શીખી છું. પોતાનો નિર્ણય જાતે કરવો અને એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી.’’

‘‘તે ભોગવું જ છું પરિણામ.’’ અજયના અવાજમાં સહેજ ચીડ ભળી ગઈ, ‘‘ભાગી નથી ગયો, ઊભો છું અહીંયા.’’

‘‘અભય !’’ પ્રિયાએ લાડથી કહ્યું, ‘‘તમે ક્યારેય ભાગો જ નહીં, પણ તમને એક વાત કહું ? તમે થોડો સમય લો. તમારી જાત સાથે ! મને એવું લાગે છે કે તમે આ ગૂંચવાયેલી પરિસ્થિતિમાં તમારી જાતને સંભાળી નથી શકતા.’’

‘‘મારી દયા ના ખાઈશ.’’

‘‘ઓહ કમ ઓન ! હું શું દયા ખાવાની ? હું તો એક સજેશન કરું છું. મારી અને વૈભવી સિવાય પણ તમારી પોતાની એક જિંદગી છે. એ જિંદગીનો કોઈ આકાર છે. કોઈ સ્વરૂપ છે...’’ પ્રિયા ખૂબ મેચ્યોરિટીથી વાત કરી રહી હતી, ‘‘ કદાચ અમે બંને ના હોઈએ તો તમે ના જીવો ?’’

‘‘પ્રિયા, હું તમારા બેમાંથી કોઈનેય દુઃખી કરવા નથી માગતો. તમારા બંને પરત્વે મારી જવાબદારી છે.’’

‘‘પહેલી જવાબદારી જાત પરત્વે છે. તમારી જાતનું ધ્યાન રાખો... તમારા મનને શાંત કરી નાખો. અંદરથી હલચલ બંધ થઈ જશે તો આસપાસની દુનિયા આપોઆપ શાંત થઈ જશે.’’ પ્રિયાએ સ્મિત કર્યું, ‘‘આ મારો અનુભવ છે. આપણે કેટલીક વાર બિનજરૂરી જવાબદારીઓ લઈ લેતા હોઈએ છીએ. અમે બંને અમારી જાતને સંભાળી લઈએ એવડા અને એટલા સક્ષમ છીએ. તમે અમારી જવાબદારી છોડીને પહેલાં તમારી પોતાની જવાબદારી લો.’’

અભય પ્રિયા સામે જોઈ રહ્યો, ટચૂકડી લાગતી આ દૂબળી-પાતળી છોકરીના મનમાં કેટલી શક્તિ ભરેલી હતી ?

‘‘પ્રિયા, કોણ જાણે કેમ, હું ડગમગી ગયો છું. વૈભવીના ઝઘડા, એનો ક્રોધ મને હલાવી નથી શક્યો, પણ એની સારાઈએ મને તોડી નાખ્યો છે.’’ અભયનો અવાજ પલળી ગયો.

‘‘સમજું છું અને એટલે જ કહું છું કે જાતને સમય આપો. તમને શું જોઈએ છે એ નક્કી કરી લો...’’ પછી નીચું જોઈને સાવ ધીમા અવાજે ઉમેર્યું, ‘‘કોને કેવું લાગશે એની ચિંતા છોડી દો.’’

એ પછી ક્યાંય સુધી પ્રિયાની આંગળીઓમાં પરોવાયેલી પોતાની આંગળીઓને મજબૂત કસતો અભય ચૂપચાપ બેસી રહ્યો, પણ એણે એક વાત નક્કી કરી લીધી.

‘‘પ્રિયાની વાત સાચી છે. મારે મારો નિર્ણય કરવો જ જોઈએ અને એનું જે પણ પરિણામ આવે એ સહન કરવું જ રહ્યું. આમ બે સ્ત્રીઓની વચ્ચે લોલકની જેમ ઝૂલતા તો ન જ જીવી શકાય...’’

એની હાથમાં એક કાગળ લઈને ટવેન્ટી ફોર્થ સ્ટ્રીટમાં પોતાની ગાડીની બહાર ઊભી હતી. લક્ષ્મી વંટોળિયાની ઝડપે આવી.

એનીએ એક પણ અક્ષર બોલ્યા વિના પોતાના હાથમાં પકડેલું એક કવર લક્ષ્મીને આપ્યું. લક્ષ્મીએ આંખોમાં ઝળઝળિયાં સાથે એ કવર લીધું. પછી એનીએ ભેટવા ગઈ, પણ એનીએ કોઈ પ્રતિભાવ આપ્યા વિના નજર ઝુકાવી અને લક્ષ્મીને ખૂબ ધીમેથી કહ્યું, ‘‘તું મને આજ પછી ક્યારેય ઓળખતી નથી, પ્લીઝ !’’

લક્ષ્મી જે ઝડપે આવી હતી એ જ ઝડપે પીઠ ફેરવીને ચાલવા લાગી. ચાલતાં ચાલતાં એણે પોતાના હાથમાંનું કવર બહાર કાઢ્યું અને ખોલ્યું. એમાં એક સરનામું અને ટેલિફોન નંબર લખેલો હતો. કોઈનું નામ નહોતું, પણ એ સરનામું અને ટેલિફોન નંબર કોના હતા એ લક્ષ્મીને કહેવું પડે એમ નહોતું.

સોનેરી વાળને પાછળ લઈને લક્ષ્મીએ એક પોની ટેલ વાળી હતી. ડાર્ક બ્લૂ ડેનિમ, લો વેસ્ટ હોવાને કારણે એના શરીરના વળાંકોને વધુ સ્પષ્ટ કરતું હતું. આછા ગુલાબી રંગનું ટાઇટ ટી-શર્ટ લક્ષ્મીને ખરેખર સુંદર દેખાડતું હતું. એણે ઘડિયાળમાં જોયું, એ ઘરેથી બોસ્ટન જવા નીકળી હતી.

આજે રાત્રે નીરવ બોસ્ટન ઉતરવાનો હતો. એણે સૂર્યકાંતને એમ જ કહ્યું હતું કે પોતે બોસ્ટન જઈ રહી છે અને બેએક દિવસમાં નીરવને લઈને પાછી આવશે. સૂર્યકાંતના લગભગ દુરાગ્રહ છતાં એણે અબ્દુલને સાથે લઈ જવાની ના પાડી અને સેલ્ફ ડ્રાઇવ કરીને જ નીકળી.

સરનામું લોન્ગ આઇલેન્ડ પરની એક જગ્યાનું હતું.

લક્ષ્મી ઘડીભર સરનામું હાથમાં લઈને વિચારતી રહી. પછી એણે ત્યાં જવાનું નક્કી કર્યું...

એને એક વાર જાનકીની વાત યાદ આવી ગઈ, જિંદગીની સૌથી નાજુક અને મહત્ત્વની પળે તેની સાથે નીરવ હોવો જોઈતો હતો ?

પછી એણે એકલા - સાવ એકલા જવાનું નક્કી કર્યું.

લેન્ડસ્કેપિંગ કરીને બનાવાયેલો સુંદર બગીચો, વૃક્ષોથી જાણે હાઉસને એક દીવાલ આપી દેવાઈ હતી. મેઇન સ્ટ્રીટ ઉપર લાકડાનો સુંદર કોતરણીવાળો દરવાજો હતો. ટિપિકલ અમેરિકન બાંધણીનું એ હાઉસ સુંદર દેખાતું હતું. હાઉસની બહાર સરસ પિત્તળની નેમ-પ્લેટ હતી. લક્ષ્મીએ એ નેમ-પ્લેટ ઉપર આંગળીઓ ફેરવી.

‘‘રોનાલ્ડ... રોની !’’ લક્ષ્મીએ એક ક્ષણ માટે આંખો મીંચી, ‘‘મારી માને આ માણસે જેટલું સુખ આપ્યું એટલી જ તકલીફ આપી કદાચ...’’

એણે ડોરબેલ દબાવ્યો.

એક ઓટોકોપ સિસ્ટમના કેમેરાનો લેન્સ એના તરફ મંડાયો. અમેરિકાના મોટા ભાગના એકલવાયા વિસ્તારનાં ઘરોમાં સ્વયંસંચાલિત પોલીસ અથવા ઓટોકોપની સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય છે. અંદર બેઠેલા માણસને બહાર કોણ છે તે જોવામાં આવા ક્લોઝ સર્કિટ કેમેરા મદદરૂપ નીવડે છે.

થોડી સેકન્ડ્‌ઝમાં દરવાજો ખૂલ્યો.

એક છ ફૂટ ઊંચા, રાખોડી આંખો અને સોનેરી વાળ ધરાવતા વૃદ્ધ સજ્જન દરવાજામાં ઊભા હતા, ‘‘યેસ...’’ એમણે પૂછ્‌યું.

‘‘આઇ એમ...’’ આગળ શું બોલવું તે લક્ષ્મીને સૂયું નહીં.

‘‘યુ આર લક્ષ્મી, આઇ નો યુ...’’ પેલા સજ્જને બંને હાથ પહોળા કર્યા, ‘‘વેલ કમ માય ચાઇલ્ડ.’’

લક્ષ્મીની આંખો છલછલાઈ આવી, ‘‘તમે ? મને કેવી રીતે ઓળખો ?’’

‘‘તું દીકરી છે મારી, તને તો ઓળખું જ ને ?’’ પેલા સજ્જને પણ ખૂબ લાગણીભર્યા અવાજે સલૂકાઈથી કહ્યું.

‘‘એટલે...’’ લક્ષ્મીને તો પોતાની ઓળખાણ કેવી રીતે આપવી એ પ્રશ્ન પણ મૂંઝવતો હતો ત્યાં આ માણસે પોતાના બધા જ પ્રશ્નો ઉકેલી કાઢ્યા એ વિચારે લક્ષ્મીની આંખોમાં પાણી આવી ગયાં.

પેલા માણસે લક્ષ્મીને ખેંચીને પોતાની પાસે લીધી, અને છાતીસરસી ચાંપી દીધી, ‘‘તને મળવાની બહુ ઇચ્છા હતી, પણ મને ખબર નહોતી- તું મને સ્વીકારીશ કે નહીં ?’’

‘‘સ્વીકારીશ કે નહીં ?’’ લક્ષ્મીની ભીની રાખોડી આંખોમાં આશ્ચર્ય અંજાયું, ‘‘ડે...’’ લક્ષ્મી બોલવા ગઈ પણ અટકી ગઈ. એને સૂર્યકાંતનો ચહેરો દેખાયો.

‘‘યસ માય ચાઇલ્ડ.’’ પેલા સજ્જને એના ખભે હાથ મૂકીને એને ઘરની અંદર તરફ દોરી. વિશાળ ઘરમાં કોઈ જ નહોતું. વ્યસ્થિત ગોઠવેલો ડ્રોઇંગરૂમ, સફેદ રંગના સોફા, વોલ ટુ વોલ કાર્પેટ, ખૂણામાં નાનો બાર અને બીજી તરફ ટેલિવિઝન. સાવ સાદું અને છતાં સરસ રાચરચીલું હતું.

ઉપર જતી સીડીની જમણી તરફ લાકડાનો પોલિશ કરેલો કઠેડો હતો, જ્યારે દીવાલ પર ડાબી તરફ વધતી ઉંમરના લક્ષ્મીના ફોટોગ્રાફ્સ ફ્રેમ કરીને લગાડેલા હતા. છેક ઉપર સુધી એ ફોટાની હારમાં વર્ષોવર્ષ મોટી થતી લક્ષ્મી દેખાતી હતી.

‘‘આ ફોટા ?’’ લક્ષ્મીએ રોનાલ્ડની આંખોમાં જોયું.

‘‘તારા જ છે. સૂર્યકાંત મને નિયમિત તારા ફોટોગ્રાફ્સ અને તારી વિગતો મોકલતા રહ્યા...’’

‘‘એટલે ડેડી જાણતા હતા તમારા વિશે ?’’

‘‘ડેડી !’’ રોનીના ચહેરા પર એક સ્મિત આવી ગયું. એ સ્મિતમાં ક્યાંક આશ્ચર્ય હતું તો ક્યાંક થોડી પીડા. જોકે આટલાં વરસ નહીં મળેલાં બા-દીકરીને એકબીજા માટે કંઈ ખાસ વહાલ ઊભરાઈ જાય એવી સ્થિતિ હજુ નહોતી આવી. છતાં રોનીએ એના માથા પર હાથ ફેરવ્યો. એના બંને ગાલ હાથ મૂકીને એનો ચહેરો નજીક લીધો, ‘‘તું એકદમ મારા જેવી લાગે છે. એવી જ ગ્રે આંખો અને એવા જ સોનેરી વાળ.’’ એનો અવાજ સહેજ પલળી ગયો હતો અને આંખોમાં આછાં પાણી આવીગયાં હતાં. એણે જાતને સંભાળતા લક્ષ્મીને પૂછ્‌યું, ‘‘કોફી ?’’

કોફી પીતાં પીતાં રોનીએ કહ્યું, ‘‘હું પહેલી વાર સૂર્યકાંતને મળ્યો ત્યારે તું આઠેક મહિનાની હતી. સ્મિતા આ દુનિયામાં નહોતી...મને કોણ જાણે કેમ, પણ મારો આત્મા ડંખવા લાગ્યો હતો. રિયા - સ્મિતાની ફ્રેન્ડ મને જે કહીને ગઈ એ પછી મેં મારી જાત સાથે ખૂબ લાંબુ યુદ્ધ કર્યું, પણ આખરે મારી અંદરનો પિતા જીતી ગયો...’’

લક્ષ્મી એકીટશે રોની તરફ જોઈ રહી હતી. જાણે પહેલી જ મુલાકાતમાં એને પૂરેપૂરો ઓળખી લેવા માગતી હોય એમ એને સાંભળીરહી હતી.

‘‘મેં સૂર્યકાંત પાસે તને દત્તક માગી પણ એણે...’’ રોની જાણે આજે પણ એ ઘટનાનો ડૂમો ગળે ઉતારતો હતો, ‘‘એણે કહ્યું કે, તું એની દીકરી છે. સ્મિતાએ એને સોંપી હતી તને... એણે તને મને સોંપવાની સ્પષ્ટ ના પાડી, અને કહ્યું- લક્ષ્મી મારી દીકરી છે, સૂર્યકાંત મહેતાની... વ્હોટ એ મેન !’’

લક્ષ્મીને અચાનક જ સૂર્યકાંતને ભેટી પડવાનું મન થઈ ગયું. જે માણસની શોધ એણે સૂર્યકાંતથી છુપાવી એ માણસને તો સૂર્યકાંતે પોતાના વિશે બધું જ કહ્યું હતું ! કેટલી નવાઈની વાત હતી કે સૂર્યકાંતે ક્યારેય લક્ષ્મીને એવું નહોતું કહ્યું કે એ સૂર્યકાંતની દીકરી નહોતી. બલકે, એણે હંમેશાં એ વાતને છુપાવવાનો જ પ્રયત્ન કર્યો.

ખરેખર, આટલા વિશાળ હૃદયના અને મજબૂત કાળજાના માણસ માટે પ્રેમ અને સન્માન સિવાય બીજી કઈ લાગણી થઈ શકે ?

ખાસ્સી વાર સુધી રોની સાથે વાતો કર્યા પછી લક્ષ્મી ત્યાંથી નીકળી ત્યારે સાવ હળવીફૂલ જેવી હતી. એ જ્યારે અહીંયા આવી ત્યારે એને હતું કે એ રોની સાથે ઝઘડશે, એની મા સાથે જે કંઈ થયું એ વિશે રોની પાસે જવાબ માગશે. એને ખરી-ખોટી સંભળાવશે. એક ગર્ભવતી સ્ત્રીને છોડી દેવા બદલ રોનીને બરાબર પાઠ ભણાવશે.

પણ એ પીગળીને વહી નીકળી, જ્યારે રોનીએ એને સામેથી જ કહ્યું, ‘‘જ્યારે સ્મિતાએ પહેલી વાર તારા આવવાના સમાચાર આપ્યા ત્યારે મારે જવાબદારી નહોતી લેવી. મને લાગતું હતું કે પત્ની, કુટુંબ, બાળકો... કારકિદર્ીમાં બાધરૂપ છે. આખી જિંદગી કોઈ એક સ્ત્રી સાથે જીવી શકવાની ન મારી તૈયારી હતી કે ન મારી જાતમાં મારો પોતાનો વિશ્વાસ...’’

લક્ષ્મી રોની સામે જોઈ રહી, એને નીરવ સાથેનો ગેટ-વે ઓફ ઇન્ડિયા પરથી ક્રૂઝ પર ગયા ત્યારનો સંવાદ યાદ આવી ગયો. એને લાગ્યું કે નીરવ અને રોની કદાચ એક જ માટીના બનેલા હતા.

એ રોનીને માફ કરી શકી. એટલું જ નહીં. લક્ષ્મીને ફરી એક વાર વિચાર આવી ગયો, ‘‘પુરુષમાં એવું શું હોય છે જેને જવાબદારી લેતા, જિંદગીભરનું વચન આપતા અટકાવે છે.’’

‘‘બેટા, મહદઅંશે એમા ંસ્ત્રીઓ જ જવાબદાર છે.’’ એક વાર ચર્ચામાં વસુમાએ કહેલું, ‘‘માણસ પોતાની આસપાસ જે જોતો રહે એના પરથી જ પોતાના વિચારો ઘડતો હોય છે અને પછી આગળ ઉપરના અનુભવો એના વિચારોને નવેસરથી ઘડે અથવા દૃઢ કરતા જાય છે.’’

‘‘એટલે ?’’ લક્ષ્મીએ પૂછેલું, આજે પણ લક્ષ્મી માટે એ ચર્ચા એટલી જ તાજી હતી. એ રોની સામે જોતી હતી ત્યારે એને સમજાતું હતું કે પુરુષ માત્રને ટકવા માટે એક મજબૂત આધાર જોઈતો હોય છે અને એ આધાર એને સ્ત્રી આપતી હોય છે અથવા જીવનભર આધાર વગરનો બેજવાબદાર બનાવીને છોડી દેતી હોય છે.

‘‘પણ મા, સ્ત્રી તો હંમેશાં જવાબદારી લે છે. પતિ છોડી જાય કે મૃત્યુ પામે તો પણ સંતાનને ત્યજતી નથી એ... બલકે સંતાન માટે દુનિયા ત્યજી દે છે.’’ લક્ષ્મી હળવેથી બોલી હતી અને વસુમા સામે જોઈ રહી હતી. એની સામે સૌથી મોટો દાખલો વસુમાનો જ હતો, ‘‘તમે પણ...’’

‘‘બેટા, આ બહુ બાયોલોજિકલ વાત છે. સ્ત્રી માટે એનું સંતાન એના શરીરના ટુકડા બરાબર હોય છે. એના હાડ-માંસમાંથી જન્મેલો એક જીવ ! જ્યારે પુરુષ માટે સેક્સનો આનંદ લેતી વખતે આવેલું પરિણામ...’’ તે દિવસે વસુમાના અવાજમાં લક્ષ્મીએ સહેજ પીડા અને સહેજ કડવાશ પણ સાંભળ્યા હતા, કદાચ... ‘‘દરેક પુરુષ એવો નથી પણ હોતો, પણ આપણે મોટા ભાગના પુરુષોની વાત કરીએ છીએ.’’

‘‘મા, નીરવ ક્યારેય નહીં પરણે મને ?’’ લક્ષ્મીની આંખો ભરાઈ આવી હતી.

‘‘જરૂર પરણશે. તમે સાથે જીવવા જ સર્જાયાં છો.’’ વસુમાએ એના માથે હાથ ફેરવ્યો હતો, ‘‘પુરુષ જાણે-અજાણે સ્ત્રીમાં પોતાની મા શોધતો હોય છે. એને એ જ સ્ત્રી સાથે પ્રેમ થાય છે, જેમાં એને માની ઝલક મળે... અને બેટા, હું માનું છું ત્યાં સુધી સ્વતંત્રતા અને છતાં પ્રેમ કરવાની આ ગજબ તાકાત, તારી મક્કમતા અને છતાં પીગળી શકવાની આ આવડત નીરવને તારા વગર જીવવા નહીં દે.’’

લક્ષ્મીના ચહેરા પર સ્મિત આવી ગયું ! આખરે એમ જ થયું હતું ને!

નીરવને મળ્યા પછી એને માટે રોનીની આ વાત સમજવી બહુ અઘરી નહોતી. રોની અને નીરવને જીવનમાં જે પ્રકારના સંબંધો મળ્યા એમાંના કોઈ સંબંધ એમને એવું શીખવી શક્યા નહીં કે જિંદગી કોઈ એક જણની સાથે એક સોફા પર કે હીંચકા પર બેસીને બુઢ્ઢા થવાની મજાનું નામ છે !

સાથે સાથે રિટાયર થવું, સાથે સાથે વોક પર જવું, સાથે સાથે વાતો ભૂલવી અને સાથે મળીને યાદ કરવી... એકબીજાની દવા યાદ કરાવવી અને એકબીજાને તબિયત સંભાળવા અંગે ખખડાવી નાખવાની મજા એટલે લગ્ન...

‘‘હું આવું ક્યાંથી વિચારતા શીખી ?’’ લક્ષ્મીને વિચાર આવ્યો અને સાથે જ એના મને જવાબ આપ્યો, ‘‘વસુમા પાસેથી !’’

‘‘માય ચાઇલ્ડ,’’ રોનીના સંબોધનથી લક્ષ્મીની વિચારધારા તૂટી ગઈ. રોની ખૂબ સલુકાઈથી વર્તતો હતો. એના વર્તનમાં ક્યાંય વહાલ નહોતું, પણ લાગણીની આછી ભીનાશ લક્ષ્મી અનુભવી શકતી. જોકે લક્ષ્મીને પોતાને પણ રોનીને ભેટી પડવાની કે ‘ડેડી’ કહીને બોલાવવાની એવી કોઈ તીવ્ર ઇચ્છા થતી નહોતી.

‘‘શું વિચારે છે ?’’ રોનીએ પૂછ્‌યું.

‘‘ખરેખર, યશોદા અને દેવકીનો અનુભવ અહીં પણ સાચો જ પડે છે.’’ લક્ષ્મીએ મનોમન વિચાર્યું, પણ રોની સામે સ્મિત કરીને ઔપચારિકતા અને સલુકાઈથી કહ્યું, ‘‘ખાસ કંઈ નહીં.’’ અને પછી ઊભી થઈને ઉમેર્યું, ‘‘હું નીકળીશ.’’

‘‘આવતી રહેજે.’’ રોનીએ કહ્યું અને લક્ષ્મીને બાથમાં લઈને વહાલ કર્યું. લક્ષ્મી ઘરની બહાર નીકળી ત્યારે ન કશું મેળવ્યાની લાગણી હતી કે ન કશું ગુમાવ્યાની.

એને પોતાની જાત માટે નવાઈ લાગી !

એણે બોસ્ટન જવાને બદલે ઘેર જવાનું નક્કી કર્યું અને એ જ્યારે ઘરના પગથિયા ચડતી હતી ત્યારે એના મનમાં એક જ લાગણી રહી રહીને ઉછાળા મારતી હતી...

એને સૂર્યકાંતની છાતી પર માથું મૂકીને ખૂબ રડવું હતું, એમની સાથે ઝઘડવું હતું... એમને સવાલો પૂછવા હતા... અને જવાબો જાણતી હોવા છતાં ફરી એક વાર એમની પાસે સાંભળવા હતા.

સૂર્યકાંતે જીદ કરીને જાનકી પાસે જૂના આલબમ કઢાવ્યા હતા. અત્યારે એ ધીમે ધીમે પાનાં ફેરવીરહ્યા હતા. મુંબઈથી આવતી વખતે આ આલબમ એ પોતાની સાથે અહીંયા લઈ આવ્યા હતાં, પરંતુ પહેલાં રોહિત અને પછી પોતાની માંદગીને કારણે એમને નિરાંતે જોવાનો સમય જ નહોતો મળ્યો.

આજે આલબમનાં પાનાં ઉથલાવતાં એમની નજર સત્તર વર્ષની વસુંધરાની છબિ પર પડી. બાર હાથનો રેશમી ઘાઘરો, અતલસની ચોળી અને ઓઢણી પહેરીને તુલસી ક્યારા પાસે ઊભેલી વસુંધરાની આ છબિ એના પિતાએ એમને સગાઈ થયા પછી પહેલી વાર બતાવી હતી.

એમ કહો કે આ છબિ વસુંધરાની ઓળખાણ હતી એમની સાથે !

એ છબિ જોતા જોતા સૂર્યકાંત ભૂતકાળમાં સરી ગયા. વસુંધરાની છબિ પહેલી વાર જોઈને યશોધરાએ કહેલું, ‘‘ગજબનો ઠસ્સો અને રૂપ છે આ સ્ત્રીનું... તારાથી સચવાશે ?’’

આજે સૂર્યકાંત વિચારી રહ્યા, ‘‘કોણ, કોનાથી નહોતું સચવાયું? પોતાને નહોતી સાચવી શકી વસુંધરા કે વસુંધરા જેવી સ્ત્રીને પોતે નહોતા સાચવી શક્યા...’’

સૂર્યકાંતે હળવેથી એ છબિના ગાલ પર આંગળીઓ ફેરવી. એમને જાણે આજે પણ વસુંધરાની એ નરવી, તગતગતી ત્વચાનો સ્પર્શ અનુભવાઈ રહ્યો.

શ્રેયા અને અલય ક્યારના ચૂપચાપ બેઠાં હતાં. સાગરકિનારે આવેલા એ કોફીશોપમાં દરિયાનો ધીમો ધીમો અવાજ સંભળાતો હતો. પસાર થતાં વાહનોના ધીમા ઘરઘરાટ સિવાય બપોરની નીરવ શાંતિમાં બીજો કોઈ અવાજ નહોતો.

અલય શ્રેયા સામે જોઈ રહ્યો. ક્યાં લાવીને મૂક્યો હતો જિંદગીએ? શું કહી રહી હતી આ છોકરી ? આજે જ્યારે સાત સાત વર્ષથી જોયેલું સપનું સાચું પડવાનું હતું ત્યારે આ કયા સવાલનો પુલ ફૂરચેફૂરચા થઈને ઊડી રહ્યો હતો...

‘‘તું કહેવા શું માગે છે ?’’ અલય રીતસર ચિડાઈ ગયો, ‘‘આઇ કાન્ટ એટલે શું ?’’

‘‘અલય...’’ શ્રેઆના અવાજમાં ભયાનક પીડા હતી, ‘‘તું સમજતો કેમ નથી ?’’

‘‘બધું સમજું છું.’’ અલયે ટેબલ પર હાથ પછાડ્યો, ‘‘મને ખબર છે, તને દુઃખે છે પેટ ને કુટે છે માથું.’’

‘‘શું બોલે છે અલય ?’’ અલયનો અવાજ ઊંચો થઈ ગયો હોવા છતાં શ્રેયાએ ધીમેથી કહ્યું અને પછી અલયનો હાથ પકડી લીધો.

અલયે હાથ છોડાવી દીધો, ‘‘સાત સાત વર્ષ રાહ જોતી હતી ત્યારે તને ખબર નહોતી કે ઠક્કર સાહેબ ક્યારેય હા નહીં પાડે ?’’

‘‘હતી અલય.’’ શ્રેયા નીચું જોઈ ગઈ, ‘‘પણ આ પરિસ્થિતિ નજીક આવીને ઊભી રહેશે ત્યારે હું આટલી ડરી જઈશ એવી ખબર નહોતી.’’

‘‘મૂરખ જેવી વાત નહીં કર.’’ અલયનો અવાજ હજી ઊંચો હતો, ‘‘અને એટલિસ્ટ, મને તો મૂરખ બનાવવાનો પ્રયત્ન નહીં જ કર. તારો પ્રોબ્લેમ અનુપમા છે...’’ એનો અવાજ હજી ઊંચો થયો, ‘‘મારાથી થાય તે બધું કર્યું, વચન આપ્યું, સાચું બોલ્યો... બીજું શું કરું ?’’

‘‘અલય, હું ખરેખર અનુપમાનો તો વિચાર જ નથી કરતી.’’ શ્રેયાના અવાજમાં આજીજી હતી, ‘‘મારો વિશ્વાસ કર.’’

‘‘કેવી રીતે કરું ? જે બાપ છેલ્લાં આટલાં વર્ષોથી તને મારી સાથે જુએ તો પણ કોઈ ને કોઈ રીતે બે-ચાર ખરીખોટી સંભળાવતો હોય એ રાજીખુશીથી આંગણામાં માંડવો બાંધીને દીકરી તો પારકી થાપણ કહેવાય એમ કહીને તારો હાથ મારા હાથમાં નહોતો સોંપવાનો...’’ એણે ક્રોધમાં મોઢું ફેરવી લીધું, ‘‘આ બધું તને અચાનક યાદ આવ્યું છે? અનુપમાનો કિસ્સો જાણ્યા પછી ? ’’

‘‘ના અલય, એ જાણ્યા પછી તો મને તારા માટે માન થયું છે.’’

‘‘ટુ હેલ વીથ યોર માન...’’ અલયનો અવાજ આખા કોફીશોપમાં પડઘાતો હતો, ‘‘મારી માને મેં પહેલાં જ કહેલું કે સાચું બોલવું એ તદ્દન નકામી વસ્તુ છે. આખી દુનિયાને તમારા જુઠ્ઠાણામાં રસ છે. તમારું સત્ય એમને પચતું જ નથી.’’ અલયની આંખોમાં પાણી આવી ગયાં, ‘‘મને હતું કે તું દુનિયાથી જુદી છે. એટલિસ્ટ તને તો મારા સત્યમાં જ રસ હશે...’’

‘‘અલય, હું સાચું કહું છું. મને મારા પપ્પાની એકલતાનો વિચાર મનથી તોડી નાખે છે.’’

‘‘વેરી ગુડ !’’ અલય આંખોમાં પાણી સાથે અવાજમાં કડવાશ અને પીડા સાથે ઊભો થઈ ગયો, ‘‘તો એનો એક જ રસ્તો છે. તારો બાપ બતાવે એવા એક ચાર આંગળીમાં વીંટી પહેરતા, શેરબજારના દલાલ, હીરાના વેપારી કે કેમિકલનો બિઝનેસ ધરાવતા કોઈક લોહાણા સાથે પરણીને સેટલ થઈ જા...’’ પછી પાછળ પડેલી ખુરશીને એણે ઉશ્કેરાટ અને આક્રોશમાં લાત મારી. ખુરશી ઊછળીને પડી. મોટો અવાજ થયો. બે વેઇટર અને કાઉન્ટર પર બેઠેલો માણસ પણ એ તરફ જોવા લાગ્યા. શ્રેયાને આખી વાત ખરેખર શરમજનક લાગી, પણ એ અલયનો ક્રોધ જાણતી હતી.

‘‘અને હા,’’ અલયે શ્રેયાને ખભામાંથી પકડીને હચમચાવી નાખી, ‘‘સુહાગરાતે તારો લોહાણો વર તને અડકે એ પહેલાં તારી આ ઈંચે ઈંચ ચામડી ઉપરથી મારી ફિંગર પ્રિન્ટ લૂછાવી નાખજે... ’’ અલય નાના બાળકની જેમ જેમ રડું રડું થઈ રહ્યો. એના હોઠ થરથરી રહ્યા હતા. નાકનાં ફણાં ફૂલી ગયાં હતાં, ‘‘મને એમ હતું કે મારી કારકિદર્ીના આ ભયજનક વળાંક ઉપર તું મારો હાથ પકડીને મને થોડો વધારે આગળ લઈ જઈશ... પણ મને લાગે છે કે આ વળાંકે તું કોઈ પણ રીતે મારાથી છૂટવા માગે છે.’’ એણે શ્રેયાને ધક્કો માર્યો, ‘‘જા, હું નહીં રોકું તને...’’

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Chhotalal

Chhotalal 3 અઠવાડિયા પહેલા

Jigneshkumar Suryakant Dabhi

Jigneshkumar Suryakant Dabhi 4 અઠવાડિયા પહેલા

Nirav Desai

Nirav Desai 2 માસ પહેલા

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 માસ પહેલા

Nisha Parmar

Nisha Parmar 7 માસ પહેલા