કલાકાર - 21 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કલાકાર - 21

કલાકાર ભાગ – 21
લેખક - મેર મેહુલ
“તું સમજતી કેમ નથી ?, હું જે કામ કરૂં છું તેમાં મારે જીવ હથેળીમાં લઈને ફરવાનું હોય છે. આ તો મામૂલી ઘાવ છે” હું આરધનાને સમજાવતો હતો. હું સર્કીટ હાઉસમાં બેડ પર સૂતો હતો. મારાં હાથમાં પાટો બાંધેલો હતો. બીજો પાટો ગાળામાં વીંટાળીને હાથ સાથે બાંધવામાં આવ્યો હતો. આરધના ક્યારની મારી સાથે ઝઘડતી હતી. હું તેને સમજાવવા મથતો હતો.
“મામૂલી લાગે છે તને ?, બે ઈંચ સુધી ગોળી પેસી ગઈ છે અને સારું થયું હાથમાં ગોળી લાગી છે. બીજે ક્યાંય લાગી હોત તો ?”
“તો શું થાત ?, હું પરલોક સિધાવી જાત” મેં હસીને કહ્યું. તેણે મને જમણા હાથ પર એક ટપલી મારી.
“પરલોક સિધાવવાની એટલી જ ઉતાવળ છે તો મને કહે, હું મદદ કરી આપું”
“આટલી જલ્દી નથી મરવાનો હું”
“મારે કોઈ દલીલ નથી કરવી, તું આ કામ છોડીશ કે નહીં એમ બોલ ?” આરાધનાએ મારાં હાથ પર હાથ રાખ્યો, તેનો ચહેરો થોડો ગંભીર થયો, “ આપણે ક્યાંક દૂર ચાલ્યા જઈશું. જ્યાં કોઈ આપણને ઓળખતું નહિ હોય, આપણી નવી દુનિયા વસાવીશું. આપણે મળ્યાં તેને સાત મહિના થઈ ગયાં પણ હજી સુધી આપણે એકબીજાના સ્વભાવને નથી ઓળખી શક્યા. મારે તારી સાથે એ સમય વિતાવવો છે. તારી સાથે રહેવું છે”
“હું એ ના કરી શકું, મારાં માટે મારી ડ્યુટી જ પહેલાં રહી છે. હું તને તેની સાથે કમ્પેર નથી કરતો પણ મારાં માટે જેટલી તું જરૂરી છે એટલી જ મારી ડ્યુટી જરૂરી છે”
“તો મને પણ તારી સાથે ટીમમાં શામેલ કરી લે, હું પણ તારી સાથે મિશન પર આવીશ”
“હાહાહા” મને હસવું આવી ગયું, “તું મારી સાથે આવીને શું કરીશ?
“એ જ જે તું કરે છે, દુશ્મનો સફાયો, આપણે સાથે રહીશું તો આપણી ટિમ મજબૂત બનશે”
“મિશન કોઈ પ્રવાસ જેવું નથી કે બેગ પેક કરીને નીકળી જવાય, એ માટે ટ્રેનિંગ જોઈએ”
“હું તૈયાર છું, મારે બસ તારી સાથે રહેવું છે”
“મારી કોઈ ના નથી. હું મેહુલસર સાથે વાત કરી લઉં, જો તેઓ સહમતી આપે તો તને ટ્રેનિંગમાં મોકલી દેશે”
“ઠીક છે, ત્યાં સુધી તારે આરામ કરવાનો છે” આરાધનાએ મારાં ગાલ પર હાથ રાખ્યો. મને સારું ફિલ થયું.
*
અમારી વચ્ચે વાત થઈ તેને એક મહિનો થઈ ગયો હતો. મેહુલસર સાથે મેં વાત કરી હતી, તેઓ મારી વાતથી સહમત હતાં અને આરાધનાને ટ્રેનિંગ માટે જવાની પરમિશન આપી દીધી હતી.
હું એક કેસનાં સંદર્ભે પાલિતાણા આવ્યો હતો, એ દિવસે મારો જન્મદિવસ હતો. આરાધનાએ મારાં માટે ઘણાં સરપ્રાઈઝ પ્લાન કર્યા હતાં. રાત્રે બાર વાગ્યે તેણે મને એક રેકોર્ડીંગ વોટ્સએપ કર્યું હતું જેમાં તેણે મારાં જન્મદિવસને યાદગાર બનાવવા શું શું પ્લાન કર્યું એ જણાવ્યું હતું. તેણે મને રેકોર્ડિંગ સાથે ઘણાં ગિફ્ટ આપ્યાં હતાં. હું એ દિવસે ખુશ હતો, પણ એ રાત્રે મેહુલસરનો ફોન આવ્યો અને મારી બધી ખુશી, દુઃખમાં બદલાય ગઈ.
આરધનાનું એક્સીડેન્ટ થયું હતું. કોઈ ટ્રક તેને ટક્કર મારીને જતો રહ્યો હતો. આ કામ કોઈ જુનાં દુશ્મનનું જ હતું પણ કોણે કર્યું એ જાણવા નહોતું મળ્યું.
મારાં કારણે આરાધનાનું મૃત્યુ થયું હતું, મેં એ દિવસે જ બધુ છોડી દીધું અને એકલો રહેવા લાગ્યો. પછી મેહુલસર અને તું મને મળવા આવ્યાં અને ફરી હું પહેલાં હતો એ અક્ષય બની ગયો”
અક્ષય સ્વસ્થ જાણતો હતો. તેણે જાણીજોઈને વાત ટૂંકમાં પતાવી દીધી હતી. પલ્લવી વાતને સમજવાની કોશિશ કરતી હતી પણ તેને કંઈ સમજાતું નહોતું.
“થોડાં દિવસ પહેલાં, કાજલે જ્યારે મને આરાધના વિશે કહ્યું ત્યારે મને તકલીફ થઈ હતી પણ કાલે રાતે ઘણું વિચાર્યા પછી મેં આરાધના વિશે વિચારવાનું છોડી દીધું છે, હવે મારુ ધ્યાન માત્રને માત્ર કેસ પર જ કેન્દ્રિત કરવા ઈચ્છું છું” અક્ષયે કહ્યું.
“મને એક વાત નથી સમજાતી, તે દિવસે કાજલે એમ કહ્યું હતું કે વિરલ ચુડાસમા તમારી પ્રેમિકાને તમારી પાસેથી છીનવી ગયેલો પણ તમે જે વાત કહી એમાં વિરલ ચુડાસમાનો ઉલ્લેખ જ નથી”
“એ વાત કાજલે જ મને કહી હતી, આરાધનાએ મને કાજલ વિશે જણાવ્યું પછી મેં આરાધનાને કાજલથી દૂર રહેવા કહ્યું હતું. આ વાત કાજલને નહોતી ગમી, હું આરાધના સાથે ઝઘડો કરું એ માટે તે મને વિરલ અને આરાધનાનાં ફોટા મોકલતી પણ જ્યારે હું આરાધનાને આ વાત પૂછતો ત્યારે એ બંને કોલેજના દોસ્ત છે એમ કહેતી અને મને આરાધના પર ભરોસો હતો એટલે હું કાજલની વાત ઇગ્નોર કરતો”
“કાજલ સાચું કહેતી હતી ?” પલ્લવીએ પુછ્યું.
“મને નથી ખબર અને હવે મને એ વાત જાણવાની ઈચ્છા પણ નથી.!!”
“તમે સાચું આરાધના વિશે હવે નથી વિચારતાં !!!” પલ્લવીને આશ્ચર્ય થયું.
અક્ષયે નકારમાં માથું ધુણાવ્યું,
“આપણે કેસ વિશે વાત કરીએ ?”
“શ્યોર”પલ્લવીએ ગુંચવણ ભર્યા શબ્દો ઉચ્ચાર્યા, વાતાવરણ તંગ થઈ ગયું હતું. પલ્લવી પોતાને અસ્વસ્થ મહેસુસ કરતી હતી, તેનાં ગોરા કપાળ પર પ્રસ્વેદબિંદુ બાજવા લાગ્યાં હતાં. ટેબલ પરથી ગ્લાસ હાથમાં લઈ તેણે એક શ્વાસે પાણી ભરેલો પૂરો ગ્લાસ પેટમાં ઠાલવી દીધો.
અક્ષયનો ફોન રણક્યો.
“એક મિનિટ” કહેતાં અક્ષયે ફોન રિસીવ કર્યો.
“બેડ ન્યૂઝ છે” મેહુલ કૉલ પર હતાં, “ આ કેસમાંથી તને હટાવવા માટે પ્રેશર આવ્યું છે”
“તમે શું કહો છો ?” અક્ષયે પૂછ્યું.
“રાત્રે મારાં ઘરે આવજે, તને બધી ખબર પડી જશે” કહેતાં મેહુલે ફોન કટ કરી દીધો.
“મેહુલસર ?” પલ્લવીએ પુછ્યું.
“હા, મને કેસમાંથી હટાવવા તેઓનાં પર કોઈ પ્રેશર કરે છે, રાત્રે ઘરે બોલાવ્યો છે મને”
“ફાઇન, તો હું પણ તારી સાથે આવીશ..!” પલ્લવીએ ઊભાં થતાં કહ્યું.
“ના, મેહુલસરે મને એકલાને જ બોલાવ્યો છે એટલે વાત ગંભીર જણાય છે. તું કાલે સવારે અગિયાર વાગ્યે સર્કિટ હાઉસ આવી જજે, જે વાત હશે એ હું તને રૂબરૂ જણાવી દઈશ” અક્ષયે કહ્યું અને પોકેટમાંથી પર્સ કાઢી કોફીનું બિલ પૅ કર્યું. બંને ત્યાંથી ગાંધીનગર તરફ જવા રવાના થઈ ગયાં.
(ક્રમશઃ)
અક્ષયને કેસમાંથી હટાવવા કોણ પ્રેશર કરતું હશે ?, આરાધના અને અક્ષય વચ્ચે શું થયું હશે ?, કાજલે જેની હત્યા કરવા માટે અક્ષયને કહ્યું હતું એ કોણ છે ?

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

nisha prajapati

nisha prajapati 2 વર્ષ પહેલા

Niketa

Niketa 2 વર્ષ પહેલા

Rojmala Yagnik

Rojmala Yagnik 2 વર્ષ પહેલા

Ashwini Patel

Ashwini Patel 2 વર્ષ પહેલા