પ્રકરણ- ત્રીજું/૩
ત્રુટક ત્રુટક અવાજમાં બોલવાનો પ્રયાસ કરતાં ઈશિતાએ પૂછ્યું
‘આદિ.. આદિ આ.. કેમ ?’
‘ઈશિતા....ત્રણ દિવસ પહેલાં જ અજીતએ મેરેજ કરી લીધા છે.’
થોડીવાર સુધી આદિત્યના ખોળામાં માથું નાખીને હીબકાં ભરીને રડ્યા પછી ઈશિતાને શ્વાસ લેવામાં તકલીફ થવાં લાગતાં ઝડપથી કારનું ડોર ઓપન કરીને કારની બહાર નીકળી ગઈ. આદિત્યએ તેના માથે હાથ ફેરવીને પાણી પીવડાવ્યું. દિલાસો આપીને સમજાવતાં થોડીવાર પછી કારમાં બેસાડી. આદિત્યને લાગ્યું કે, આ સિચ્યુએશનમાં ઈશિતાનું મન ભરીને રડી લેવું જ બહેતર છે. વચ્ચે વચ્ચે આદિત્યના સમજાવ્યાના પંદરેક મિનીટ બાદ ઈશિતા શાંત પડી.
‘ઈશિતા, પહેલાં તું મોઢું વ્યવસ્થિત રીતે વોશ કરી લે, પછી વાત કરીએ.’
આદિત્યએ કહ્યું એટલે બહાર જઈને ચહેરો ફ્રેશ દેખાઈ એ રીતે ધોઈને ફરી કારમાં બેસતાં ભીની આંખે ઈશિતાએ પૂછ્યું ,
‘આદિ, તને આ વાતની કેમ અને ક્યારે જાણ થઇ ?
થોડીવાર ઈશિતાની સામે જોઈને આદિત્ય બોલ્યો.
‘ઈશિતા થોડીવાર પહેલાંના, તારા પક્ષે, તમારા બંનેના અકબંધ સંબંધના દ્વાર તો જયારે અજીતના અમેરિકા જવાની વાત મને મળી, ત્યારના જ બંધ થઇ ગયા હતાં એમ સમજને. તને યાદ છે ? જયારે તું અજીત સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ તેના ઓફિસિયલ ન્યુઝ મને મળ્યા ત્યારે તારી જોડેના મારા ટેલીફોનીક સંવાદના સ્વાદમાં તને કડવાશનો અનુભવ થયો હશે, કારણ, ? કારણે કે તે દિવસે મારી વાણીની કડવાશમાં મારાં આંસુઓની ખારાશ પણ સામેલ હતી. ઈશિતા તે મને ખાલી એક આછેરી ઝલક પણ આપી હોત કે, તું અજીતને તારો જીવનસાથી બનવવા જઈ રહી છે. તો.. તારા ઘરે આવીને તને એક તમાચો ચોડી દીધો હોત. અને તે, એ નિર્ણય માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં લઇ અને ઓસ્કાર મળ્યાની ખુશીની માફક બ્રેકીંગ ન્યુઝ તરીકે ડીકલેર કર્યો, અને એ બે દીવસ જ હું આ શહેરમાં નહતો. અને મને જાણ થાય ત્યાં સુધીમાં તો તું તારા મનમંદિરમાં એ દાનવને દેવ સમજીને તેની પ્રેમમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પ્રેમ પૂજારણ બની ચુકી હતી. સોરી ઈશિતા અત્યારે આ શબ્દો મારે ન બોલવા જોઈએ એ પણ...’આટલું બોલતા આદિત્યના આંખોની કોર ભીની થઇ ગઈ.
આટલું સાંભળતા ઈશિતાના હાથ અને પગ સાવ ઠંડા પડી ગયા.
આંસુ લૂછતાં બોલી,
‘તો, આદિ, તે મને એ સમયે કેમ કંઈ જ વાત ન કરી ? અને આજે ૧૩ મહિના પછી... ?’
‘અજીત આ હદ સુધીની નાલાયકી કરશે તેનો તો મને સ્વપ્ને પણ અંદાજ નહતો,
હું અજીતને જે હદ સુધી ઓળખી શક્યો હતો એ દ્રષ્ટિ એ કહું તો તેના ઘણાં મોહરા હતા, એ સેન્સમાં કે, મારી ભાષામાં કહું તો ચાલક નહીં પણ, ચબરાક અને ખંધો હતો. તે તેના સ્વાર્થ માટે કોને ક્યારે આંટીમાં લઇ લે તે નક્કી નહીં. એટલે તો તે દિવસે મને તારા ઘરે લઇ આવ્યો, તારા મમ્મી પપ્પાને કન્વીન્સ કરવા કારણ કે તમારી સાત્વિકતા સામે તેના મનની મલિનતાનો સિક્કો ચાલવાનો જ નહતો તેનો તેને ખ્યાલ હતો. પણ... ઈશિતા તું એટલી ભોળી છે છે કે....તને અજીતમાં તારા પ્રેમની જીત સિવાય કશું નજરે જ ન પડ્યું.’
‘આદિ, આ વાત ખરેખર સત્ય છે..?’ સ્હેજ ડૂસકાં સાથે ઈશિતાએ પૂછ્યું
‘ઈશિતા, અજીત અમેરકા ગયો એ પછી તું મને તેની જે કંઈપણ વાત કે ઇન્ફોર્મેશન આપતી ગઈ, મીન્સ કે તેનું રહેણાંક, તેની કોલેજ... એ બધી જ મેટર અજીતના ફૂલ પ્રોફાઈલ સાથે મેં મારા એક પંજાબી ફ્રેન્ડ મનજીતને સેન્ડ કરીને રીતસર ધમકાવીને હકથી હુકમ આપતાં કહી દીધું હતું કે.. આ વ્યક્તિના દરેક મુવમેન્ટની મને રેગુલર અપડેટ જોઇશે. ધીમે ધીમે તેના કોલ્સ આવતાં ઓછા થતાં ગયા ત્યારે જ મારા આશંકાની ચિંગારીનો ભડકો થવાની વાતને હવા મળી ગઈ હતી. અજીતએ જે છોકરી સાથે લગ્ન કર્યા એ છોકરીનો બાપ તેની કોલેજનો હેડ છે, અને તે જ્યાં જોબ કરે છે એ સ્ટોર આ છોકરીના રીલેટીવ્સનો છે. આ બધું જ જોઇને, નામની સાથે સાથે વિલનના ગુણધર્મ ધરાવતા આ રોમીઓ એ દાણા સાથે જાળ નાખતાં એકસામટા ઘણાં પક્ષીઓને ફંસાવ્યા છે કે,.. ખુદ ફંસાઈ ગયો છે, એ તો હવે આવનારો સમય જ કહેશે.’
તેની હથેળીઓમાં ચહેરો દબાવીને ફરી ઈશિતા રડવા લાગતાં આદિત્ય આગળ બોલ્યો,
‘ઈશિતા આ રીતે રડીને તું તારા સો ટચના સોના જેવા સ્વાભિમાનનું અપમાન કરી રહી છે. તું કોને રડે છે ? એ પ્રેમને કે જે તારો હતો જ નહીં. એ મૃગજળ જેવી માયા માટે ? અજીતએ જો તને કયારેય એક પળ માટે પણ પ્રેમ કર્યો હોત ને તો આજે કમસે કમ એ તારી માફી માંગવાને લાયક તો હોત જ. પણ હવે તો એ તારી નફરતને પણ લાયક નથી ઈશિતા.’
‘તો.. તો મેં તેની આંખોમાં જોયું એ શું હતું, આદિ ? ઈશિતા એ આદિત્યની સામે જોઇને પૂછ્યું
‘એ મુગ્ધાવસ્થા જ એવી હોય કે તમને પત્થરમાં પણ પ્રેમીની મુરત જ દેખાય. અજીત એ તને કહ્યું કયારેય કે તેને તારી આંખોમાં પ્રેમ દેખાઈ છે ? એ બહુ મોટો કળાકાર છે, કલાકાર નહીં. અને આવા શોકિંગ ન્યુઝ આપવાનો શોખીન છે.’
‘ઈશિતા તારે જેટલું રડવું હોય એટલું આજે રડી લે, આજ પછી એ વ્યક્તિ માટે એક પણ આંસું સાર્યું છે તો...તું મને ગુમાવી બેસીશ. અને આ વાતથી આપણે બંને અજાણ છીએ, અને આપણે કોઈને જાણ કરવાની પણ નથી.’
‘પણ.. આદિ મમ્મી, પપ્પાને તો...’
‘ઈશિતા આ આઘાતના સમાચાર સાંભળ્યા બાદ તેમના જે પ્રત્યાઘાત અને પરિણામ પછી જે પરિસ્થિતિ ઊભી થશે, તે તું હેન્ડલ કરી શકીશ ? અને તું સામે થી કહેવા જઈશ તો કારણ વગરના તારા પર માછલાં ધોવાશે એ અલગથી. આજે હમણાં આ ઘડીએ જ આપણે અજીતનું બારમું, તેરમું અને તર્પણ કર્યા પછી જ ઘરે જવાનું છે. અને ઘરે જઈને તારી વાણી કે વર્તણુકમાં અજીતના અગ્નિસંસ્કારના સ્હેજ પણ અણસાર આવવાં ન જોઈએ.’
‘આદિ, જાત નીચવીને સીંચેલુ પ્રેમઅંકુર ખીલીને હજુ પરિપૂર્ણ થઈને પુષ્પમાં તબદીલ થાય એ પહેલાં તો પરમેશ્વરે પૂર્ણવિરામ મૂકી દીધું, કેમ આદિ ? નિસંદેહ સજદાની આ સજા ? ઈશ્વર અને અજીતની આરાધનામાં હું ક્યાં કાચી પડી ? આદિ.. આદિ.. આ આઘાત મારા માટે જીવલેણ સાબિત થશે. આ પીડાને પચાવવાની શક્તિ મારામાં નથી.’
‘ઈશિતા હવે આપણે ઘરે જવું જોઈએ. હું સમજુ છું આ વજ્રઘાતની કળ વળવી વસમી છે. આગ લાગી ગઈ.. જે રાખ થવાનું હતું એ થઇ ગયું. હવે આ આગ આગળ વધીને વધુ કંઇક ખાખ ન એ તકેદારી રાખવાની છે. મારા પર ભરોસો છે ને ?’
એટલું બોલીને આદિત્યએ કાર ઈશિતાના ઘર તરફ દોડાવી.
‘આદિ, આજે તું ન હોત તો ? આંખો ભરાઈ આવતાં ઈશિતા બોલી.
‘તો..શું તારો મહાદેવ તો છે ને ?’ આદિત્ય બોલ્યો.
‘મહાદેવ.., એ હોત તો શું આ થયું હોત ?” માર્મિક સ્મિત સાથે ઈશિતાએ પૂછ્યું.
‘આ સવાલ અત્યારે યોગ્ય છે..સમય આવે તેનો પણ હું જવાબ આપીશ.’
ઈશિતાના ઘર પાસે કાર રોકતા આદિત્ય બોલ્યો,
ઈશિતા કારમાંથી ઉતરે એ પહેલાં કારના એફ.એમ. પર ગીત રેલાયું..
‘બના કે કયું બીગાડા રે.. બીગાડા રે નસીબા...’
ઈશિતા એકપણ શબ્દ બોલ્યા વગર ચુપચાપ તેના ઘર તરફ જતી રહી.
ઘરમાં દાખલ થતાં સુધીમાં ઈશિતાએ તેની ચહેરા અને ચિતને સ્વસ્થ કરી લીધાં હતા.
અજીત સાથેની પ્રથમથી લઈને અંતિમ મુલાકાત સુધીની નિસંદેહ સ્નેહ સફરના સંસ્મરણોના એક એક સંવાદોનું તેના સ્મૃતિપટલ પર મોડી રાત સુધી પુનરાવર્તન કરીને અજીતને ઓળખવમાં ક્યાં ગેરસમજણ થઇ તે ગુંચ ઉકેલવાની મથામણથી થાકીને છેક મધ્ય રાત્રી પછી માનસિક થાકના કારણે ઊંઘમાં સરી ગઈ.
પણ, આ તરફ આદિત્યની મેન્ટલ સિચ્યુએશન ઈશિતા કરતાં વધુ પેઈનફૂલ હતી.
આખરે ઈશિતાના ભવિષ્યને લઈને આદિત્યને જે ડર હતો એ જ થયુંને રહ્યું, આદિત્યને અત્યંત અફસોસ એ વાતનો હતો તેણે અજીતને અન્ડરએસ્ટીમેટ કર્યો એ.
તેને એ પણ ખાતરી હતી કે ઈશિતાને આ આઘાતના માહોલ માંથી બહાર નીકળતાં ખાસ્સો સમય લાગશે. તે માટે આદિત્ય ક્યાંય સુધી વિચારતો રહ્યો.
ત્રણ દિવસ પછી સવારના આશરે અગિયારેક વાગ્યે ઈશિતા પર કોલ આવ્યો.
‘હેલ્લો’
‘પાર્શ્વનાથ પબ્લીકેશન માંથી હર્ષદભાઈ બોલું છું, ઈશિતા દીક્ષિત સાથે વાત કરી શકું ?
‘હા, જી બોલો, ઈશિતા દીક્ષિત જ વાત કરી રહી છું.’
‘મને સોશિયલ મીડિયા પરથી આપનો કોન્ટેક્ટ નંબર મળ્યો છે. આપ લેન્ગવેજ ટ્રાન્સલેશનનું જોબ વર્ક કરો છો ?’
‘જી.’ મનગમતાં વિષયની વાત નીકળતાં ઈશિતા જરા ઉમંગમાં આવી ગઈ.
‘મારી પાસે એક બીગ પ્રોજેક્ટની ઓફર આવી છે, પણ પાર્ટીને ઓછા સમયમાં કામ કરીને આપવાનું છે, જો આપની પાસે સમય હોય,...અને આપ કામ કરવાની ઈચ્છા ધરાવતાં હો તો આપણે આગળ વાત કરીએ.’
આટલી જ વાત સાંભળતા ઈશિતા એકદમ ખુશ થઇ ગઈ. ખુશી પર અંકુશ રાખતાં બોલી,
‘જી, આઈ થીંક ડીટેઈલ્સમાં ડિસ્કશન માટે રૂબરૂ મળીએ તો ઠીક રહેશે. આપ આપનું સરનામું અને કયો સમય આપણે અનુકુળ આવે એ જણાવશો ?’
ઉત્સાહથી ઈશિતાએ પૂછ્યું.
‘જી, જરૂર. એ હું આપને ટેક્સ મેસેજ કરીને આપી દઉં છું.’
‘થેંક યુ સર.’ કહીને આનંદમાં આવીને ઈશિતાએ કોલ કટ કર્યો અને બીજી જ ક્ષ્રણે કોલ લગાવ્યો આદિત્યને.
‘હેલ્લો... આદિ.’
‘હા, બોલ. ઈશિતા.’
પછી ઈશિતાએ ખુશીના ટોનમાં થોડીવાર પહેલાની ટેલીફોનીક વાત આદિત્યને કહી સંભળાવી.
ઈશિતાના કામની ઓફર કરતાં ઈશિતાના સ્વરના આનંદની ઉત્કંઠા સાંભળીને આદિત્ય મનોમન હરખાઈ જતાં બોલ્યો,
‘હવે એમ ન કહીશ કે.. મહાદેવ ક્યાં છે ?’
‘એ ટોપીક પર તો તું વાત જ ન કરીશ. તેનો જવાબ તો મહાદેવ એ આપવો જ પડશે. ચલ આદિ, હું આ પબ્લીશરને મળીને આવું પછી વાત કરીએ.’
ઈશિતા મેસેજમાં જણાવેલા સ્થળ પર સમય અનુસાર પોહંચી ગઈ. ઓનર હર્ષદભાઈની કેબીનમાં આશરે એકાદ કલાક જેવો સમય ગળ્યો. સમય,કામ અને પેમેન્ટ દરેક બાબતની ટર્મ એન્ડ કંડીશન ક્લીઅર થઇ ગયા પછી ઈશિતાએ ઘરે આવીને ફરી કોલ લગાવ્યો આદિત્યને.
‘હેલ્લો.. આદિ.. તને ક્યારે સમય મળશે ?”
‘અત્યારે તો ડેડની સાથે છું ઓફીસ પર..પણ બોલને શું કંઈ અરજન્ટ છે ?’
‘આદિ, યુ કાન્ટ બીલીવ..મેં એટલા મોટા કામની ઓફર એક્સેપ્ટ કરી છે કે..શાયદ વર્ષ બે વર્ષ સુધી તો માથું ઊંચું કરવાનો સમય જ નહી મળે એમ સમજી લે. મોર ધેન વન હન્ડ્રેડ નોવેલ્સનું મેક્ઝીમમ લેન્ગેવેજીસમાં ટ્રાન્સલેશન કરવાની ચેલેન્જ ઉપાડી છે યાર. આઈ ગોન મેડ. એટલે હું વિચારું છું કે..તને ટાઈમ હોય ત્યારે આપણે મહાદેવના મંદિરે માથું ટેકવવા જઈએ તો ?’ આખી વાતની રજૂઆત ઈશિતાએ એટલા અદ્મ્મ્ય ખુશીથી ભાવવિભોર થઇને કરી કે.. આદિત્યની આંખો ભીની થઇ ગઈ એ પછી હસતાં હસતાં બોલ્યો..
‘કોણ મહાદેવ ?
‘બસ, કરને હવે. બોલ કયારે જઈશું ?”
‘ઠીક, છે સાંજે જઈશું. હું મેસેજ આપું તને, ચલ બાય.’
જેવો આદિત્યએ કોલ કટ કર્યો અને બે જ મીનીટમાં કોલ આવ્યો.
‘હેલ્લો.. સર. હર્ષદભાઈ બોલું છું.. તમારી સૂચના અનુસાર બધું જ કામ થઇ ગયું છે.
-વધુ આવતાં અંકે.
©વિજય રાવલ
'મૃત્યુનું મધ્યાંતર ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484