Mrutyu ka madhyantar - 6 books and stories free download online pdf in Gujarati

મૃત્યુનું મધ્યાંતર - 6

અંતિમ પ્રકરણ- છઠું/૬

‘આદિત્ય, આદિત્ય નથી આમાં આદિ. બધું એકલા એકલા જ કરવું છે ? પ્રેમ પણ એકલા અને પુણ્ય પણ એકલા જ ? કંયાક તો મને તારી ભાગીદાર બનવા દે ને આદિ.’
આટલું બોલતા તો ઈશિતા આદિત્યને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગી અને પહેલી વાર આદિત્યના આંસુંનો મજબુત બાંધ પણ તૂટી ગયો.
હવે ઈશિતાએ તેના મનોબળને વજ્ર જેવું કઠોર કરી નાખ્યું હતું. આદિત્યના આટલો વર્ષોની એકલવ્ય જેવી એકતરફી આરાધનાની ફલશ્રુતિરૂપે માત્ર ઈશિતાના આંસું પર્યાપ્ત નહતા. ચહેરો લૂંછતા ઈશિતાએ પૂછ્યું,

‘આદિ, આટલું કર્યું જ છે તો હવે એક વચન આપ કે, હવે હું જે કહીશ કે કરીશ તેમાં તું મને કયાંય નહીં અવરોધે. અને હું જે કંઈ પણ પુછીશ તેનો તું સાચ્ચે સાચ્ચો ઉત્તર આપીશ.’

‘સજળ નેત્રે આદિત્યએ જવાબ આપ્યો.
‘ઠીક છે, તારી દરેક મરજીમાં મારી રજામંદી છે બસ.’
‘એમ નહીં. મારા સિર પર હાથ મુકીને બોલ.’ ઈશિતા આદિત્યનો હાથ તેના શીશ પર
મુકતા બોલી.

‘અરે.. બાબા તું જે કહે એ કબૂલ બસ.’ મંદ સ્માઈલ સાથે ઈશિતાના માથાં હાથ પર મુકતા આદિત્ય બોલ્યો.

‘સૌથી પહેલાં મને એ કહે કે, તારી આ બીમારીનું કાગળ પર અંતિમ સત્ય શું છે ? એક પણ શબ્દ સ્કીપ કે ડીલીટ કર્યા વગર જે હોય એ મને કહી દે પ્લીઝ.’
આદિત્યનો હાથ તેના હાથમાં લઈને તેની આંખોમાં જોઇને ઈશિતાએ પૂછ્યું.
થોડીવાર ચુપ રહીને આદિત્ય બોલ્યો,

‘છેલ્લાં રીપોર્ટસ મુજબ શક્ય તેટલું જલ્દી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું એ જ અંતિમ ઉપાય છે. છેલ્લાં એક મહિનાથી લીવર ડોનરની શોધખોળ ચાલુ છે પણ... મને લાગે છે કે શ્વાસ ખૂટી ગયા હશે એટલે જીવનપથ લંબાઈ તેના માટે કોઈ ડોનરની સાથે જીવાદોરીની જોડ જડતી નથી. મેડીકલ લેન્ગવેજમાં કહીએ તો ડોનરના ઓર્ગન મેચ નથી થતાં. પપ્પાએ અર્થરાશિ અને અશ્રુ બન્ને પાણીના ધોધની જેમ વહાવ્યા પણ..
આદિત્યની જેટ સ્પીડે દોડતી આયુષ્યની ગાડીમાં ઇંધણની મર્યાદા ખત્મ થવાના આરે છે ઈશિતા.’

‘પ્લીઝ, શટ અપ, હવે તારી આ ફાલતું ફિલ્મી ફિલોસોફી તારી પાસે રાખીશ.? અને ચાલ ઊભો થઈને હીરો માફિક બબલા જેવો થઈને નીચે ડ્રોઈંગરૂમમાં આવ. આજે હું તને એક મસ્ત મજાની લાઈફ ટાઈમ મેમોરેબલ લોંગ ડ્રાઈવ પર લઇ જવા માંગું છું.
અને હા, મને કોઈપણ ક્વેશ્ચન નહીં જોઈએ એ સમજ્યો.’

એમ કહીને ઈશિતા ફર્સ્ટ ફ્લોર પરથી નીચે ડ્રોઈંગરૂમમાં આવી જ્યાં, આદિત્યના મમ્મી પપ્પા અને શ્રુતિ ચિંતિત ચહેરે બેઠાં હતા. ઈશિતાએ આદિત્યના પેરેન્ટ્સના ચરણ સ્પર્શ કર્યા.
આદિત્યના મમ્મી ગૌરીબેન ઈશિતાને ભેટીને રડવા લાગતાં ઈશિતા બોલી,

‘અરે.. આંટી શા માટે રડો છો ? કંઈ જ નથી થવાનું આદિત્યને. અમે બંને જ્યારથી એક બીજાના પરિચયમાં આવ્યા ત્યાર પછી અમને યાદ નથી કે અમે કોઈપણ સમસ્યાનો ઉકેલ ન લાવ્યા હોઈએ. અને હું તો એમ કહીશ કે આદિત્યના પિતાજી જેટલાં રૂપિયા કમાયા છે તેના કરતાં વધુ આદિત્યએ જેટલી દુવા કમાઈ છે, તે તેના દીર્ધાયું માટે ઈનફ છે. આદિત્યને કશું જ નહીં થાય તેની ખાતરી હું તમને આપું છું બસ. આદિત્યએ તેની પારોપકારી ભાવના થકી જિંદગીમાં એટલું પુણ્ય જમા કર્યું છે કે એ ઈશ્વરને ઓવરડ્રાફ્ટ આપી શકે તેમ છે, સમજ્યા.’
આજે ઘણાં દિવસો પછી વ્યવસ્થિત રીતે તૈયાર થઈને તેને નીચે આવતાં જોઇને સૌની આંખ ભીની થઇ ગઈ.
‘મમ્મી હું આવું છું થોડીવારમાં, આ ઈશિતા મને લઇ જાય છે.’
‘પણ દીકરા તું કાર ડ્રાઈવ ન કરીશ પ્લીઝ.’ આદિત્યના પિતાજી શરદભાઈ બોલ્યા.
‘અંકલ આપ સ્હેજે ચિંતા ન કરો, આદિત્યને હું જરાપણ શ્રમ નહીં પડવાં દઉં.’
આટલું બોલીને ઈશિતા એ કાર ડ્રાઈવ કરતાં બન્ને નીકળ્યા.

‘આદિ, તને ક્યા અધિકારથી મારા નામે આવું વાહિયાત વસિયતનામું બનવવાની કુબુદ્ધિ સુઝી.? અને મને શું સમજી તે ? નો ડાઉટ, અત્યારે આ હાલતમાં પણ તને મારી ચિંતા વધુ છે. પણ આદિ રૂપિયાથી કોઈ વ્યક્તિના રિક્તતાની પૂર્તિ શક્ય છે ? જાગૃત કે નિંદ્રાવસ્થા પણ ઈશિતાની દરેક બાબત માટે તારી બુદ્ધિ અને બોબડી બન્ને ચટરપટર ચાલવા લાગે છે તો આ મારા પ્રત્યેની હિમાલય જેવી લાગણી માટે બે શબ્દ બોલવામાં કઈ વાતનું જોર પડતું હતું ?
આટલાં કરીબી અને ઘનિષ્ઠ સંબંધ હોવાં છતાં પણ ઇશિતાને આદિત્યના એકતરફી અપ્રતિમ પ્રેમના અંશનો અણસાર ન આવવાના તેના ખટરાગને ઠપકાને સ્વરૂપમાં આદિત્ય પાસે ઠાલવતાં ઈશિતા બોલતી રહી.
આદિત્ય ખામોશ જ રહ્યો.

નિયમિત આવતાં મહાદેવના મંદિર સામે ઈશિતાએ કાર પાર્ક કરતાં ઈશિતા બોલી,
‘બે મિનીટ વેઇટ કર આદિ, હું હમણાં આવી.’
‘જી.’ આદિત્ય બોલ્યો
આદિત્ય તેના મોબાઈલના ઈનબોક્ષમાં પેન્ડીંગ પડેલા મેસેજીસ ચેક કરતાં ઈમ્પોર્ટન્ટ મેસેજીસના રીપ્લાઈ આપવામાં થોડીવાર વ્યસ્ત રહ્યો ત્યાં ઈશિતા મંદિર તરફથી આવીને બોલી.

‘ચલ આદિ.’
હળવેકથી ઈશિતાના હાથનો ટેકો લઈને ધીમે ધીમે મંદિરના વીસ થી પચ્ચીસ પગથિયાં ચડતાં સુધીમાં આદિત્યને શ્વાસ લેવામાં શ્રમ પડવા લાગ્યો.

થોડીવાર બેન્ચ પર બેઠાં પછી મંદિરના મધ્યમાં જઈને ઉભાં રહેતાં એક બ્રાહ્મણે આવીને બંનેના ભાલ પર તિલક કરીને બેસવાં કહ્યું,
‘આ કઈ પૂજા વિધિ છે ઈશિતા ? નવાઈ સાથે પૂછ્યું.
‘આ વિધિ થી વિધિના લેખ પર મેખ મારવાની છે. આદિ, મારી પાસે પંદર કરોડ તો નથી પણ એક પંદર સેન્ટીમીટરનું સેન્ટિમેન્ટ દિલ છે જેમાં હું તારા પુણ્યાનુબંધનું ઋણ ચુકવવા તને પતિ પરમેશ્વરનું સ્થાન આપી શકું એમ છું.’

‘ઈશિતા......આ તું શું...’ આદિત્ય હજુ એક શબ્દ પણ આગળ બોલે એ પહેલાં આદિત્યના હોંઠ પર તેની આંગળીઓ મુકતા ભીની આંખોની કોરે ઈશિતા બોલી.

‘બસ.. બસ.. બસ આદિ બસ.. તે મારા શિર પર હાથ મુકીને મને વચન આપ્યું છે, હવે તું એકપણ શબ્દ નહીં બોલે. આદિત્યે બહુ પ્રેમ કર્યો હવે થોડો ઈશિતાને પણ કરવા દે ને ?’

‘ઈશિતા...’ આટલું તો આદિત્ય માંડ બોલી શક્યો અને ઈશિતાના ખંભા પર માથું ઢાળીને રડવા લાગ્યો.
‘આદિ મારું ફેવરીટ સોંગ આવે છે, યાર...
જિંદગી કો બહોત પ્યાર હમને દિયા..મૌત સે ભી મહોબ્બત નીભાયેંગે હમ...
આદિ..અજીતની રખેલ બનવા કરતાં, તારી વિધવા તરીકે ઓળખવું મારા માટે ગર્વની વાત હશે. ચલો.. મહારાજ, લગ્નની વિધિ શરુ કરો.’ ઈશિતા બોલી

આદિત્ય હજુ ઈશિતાના આ અનેરાં અણધાર્યા રૂપ સાથેના ત્વરિત નિર્ણયને સમજે એ પહેલાં તો બ્રહ્માણે ઉચ્ચારેલા વૈદિક મંત્રોચારની સાથે આદિત્યના પીળા પડી ગયેલાં પ્રાણમાં પણ એક જુસ્સાનું જોમ ઉતરી આવ્યું. આદિત્યની હતાશાથી ઘેરાયેલી સુષુપ્ત ઊર્જામાં પણ ઈશિતાએ મોત સામે લડી લેવાના ફુંકેલા આત્મવિશ્વાસના શંખનાદથી એક નવો પ્રાણ વાયુ ફૂંકાયો હતો. જીવી લેવાની આશાનો તરવરાટ આદિત્યની આંખોમાં ઉતરી આવ્યો.
બંનેના ગળામાં વરમાળા અને કપાળે કંકુ અક્ષતના તિલક સાથે આદિત્યના બંગલામાં દાખલ થતાં બન્નેને જોઇને તેમના મમ્મી, પપ્પા અને શ્રુતિના સૌના આશ્ચર્યના અતિરેકથી ડોળા મેક્ઝીમમ સાઈઝ સુધી ફાટી જ ગયા હતાં.
આયુષ્યમર્યાદાના અંતે ઊભેલા વ્યક્તિ સાથે મંગળફેરા ? સામે ચાલીને વ્યંધત્વને વહાલું કરવાની આ તે કેવી ઘેલછા ?

હજુ કોઈ કશું બોલે એ પહેલાં ઈશિતા અને આદિત્ય ભાવપૂર્વક આશીર્વાદ લેતા માતા-પિતાને પગે પડ્યા. પછી બંને હાથ જોડીને ઊભા રહ્યા એટલે આદિત્ય બોલ્યો.

‘મમ્મી, પપ્પા અમે બંને એ નક્કી કર્યું કે જેટલાં પણ મહિના, દિવસો, કલાકો કે પળો જેટલી પણ મારી આવરદા હશે અમે સાથે રહીશું. મને પણ ઈશિતાના આ નિર્ણયની જાણ લગ્ન વિધિ શરુ થઇ ત્યારે જ કરી. એ માટે હું આપની માફી માગું છું.’

એ પછી ઈશિતા બોલી,
‘મમ્મી, હવે તો તમને એમ નહીં થાય ને કે હું માત્ર બોલવા ખાતર બોલીને તમને જુઠ્ઠી તસ્સલી આપુ છું ?”

આટલું સાંભળતા સૌની આંખો ભરાઈ આવી. એ પછી સૌની સામે હાથ જોડીને ઈશિતા આગળ બોલતા કહ્યું,

‘હવે તમારે સૌ એ મારા પર એક ઉપકાર કરવો પડશે.’
‘અરે દીકરા, આવું કેમ બોલે છે ? શરદભાઈ બોલ્યા,
‘સૌ એ મારી સાથે મારાં ઘરે આવવું પડશે. કેમ કે મારા આ અણધાર્યા આવડા મોટા પગલા ભરવાનું ઉચિત કારણ મમ્મી પપ્પાને સમજાવવું પડશે.. અને એક વાત આદિત્યની વાતનો ભૂલેચૂકે પણ ઉલ્લેખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, બસ.’

એ પછી સૌ ઈશિતાના ઘરે ગયા. આદિત્યના મમ્મી, પપ્પાએ સર્વાનુમતે ઘડી કાઢેલી રજૂઆત રમુજી ઢબથી કરી, અને એ પછી ઈશિતા અને આદિત્ય બંનેએ ઘરમાં સરપ્રાઈઝ એન્ટ્રી લીધી, એટલે આઘાત સ્વરૂપ ઘટનાને ખુશહાલીમાં ફરી ગઈ.

અકલ્પિત આનંદાતિરેકનો ઉમંગ, ઉલ્હાસના અનેરાં ઉત્સવની ઉજવણી છેક મોડીરાત સુધી ચાલતી રહી.

સૌથી વધુ ખુશ હતો, આદિત્ય. આદિત્યના એમ હતું કે થોડા કલોકોમાં તો જાણે સાત જન્મ જીવી લીધા. આ જીવલેણ બીમારીના આઘાતથી તે એટલો આહત થઇ ગયો હતો કે આ જન્મારામાં તે આવો કોઈ દિવસ જોશે એવી તો તેને કોઈ ઉમ્મીદ જ નહતી.

હવે ઈશિતાનું એક જ લક્ષ્ય હતું. તેનો જીવ આપીને પણ આદિત્યને ચિરંજીવિતા બક્ષવાનો. બીજા દિવસથી લાગી પડી તેના શક્ય એટલા કોન્ટેક્ટસ દ્વારા ફોન કોલ્સ, રૂબરૂ જ્યાંથી આશાનું એક કિરણ દેખાય ત્યાં દોડી જતી. આ બધું જોઇને આદિત્ય બોલ્યો,

‘ઈશિતા, આ બધું જ પપ્પાની સાથે સાથે છેલ્લાં એક મહિનાથી અમે સૌ કરી ચુક્યા છીએ. એક જ ઉપાય છે.મારી બોડીને સપોર્ટ કરે તેવો કોઈ ડોનર બસ.’

‘આદિ મારી લડાઈ ઈશ્વર સામેની શ્રદ્ધા સાથે છે, અને મારો શ્રધ્ધાભાવ એટલે ભારોભાર છે કે, મેં મારી લાઈફમાં સ્વપ્નમાં પણ કોઈનું બુરું નથી વિચાર્યું એટલે ઈશ્વરે આંખ ફેરવ્યા વિના મારી સાથે ન્યાય કરવો જ પડશે, કોઈપણ ભોગે.’ ભારોભાર આત્મવિશ્વાસથી ભરલો ઉત્તર ઈશિતાએ આપ્યો.

પંદર દિવસથી હોસ્પિટલાઈઝ થયેલાં આદિત્યની હેલ્થ છેલ્લાં એક જ અઠવાડિયામાં ખુબ જ નાજુક દોર પર આવી ગઈ. સૌ પોતપોતાની રીતે માનતા, બાધા, દોરા-ધાગા, મંત્ર- તંત્ર, અખંડ જાપ-પૂજા કરવાં લાગ્યા. ડોકટરે પણ અલ્મોસ્ટ હાથ ઊંચાં કરી જ દીધાં હતાં.

એક દિવસ શરદભાઈ મોર્નિંગ ટાઈમમાં બંગલેથી હોસ્પિટલ જવા નીકળતાં જ હતા ત્યાં તેના મોબાઈલની રીંગ વાગી. રીસીવ કરતાં બોલ્યા,

‘હેલ્લો..’ ‘જી હું સીટી હોસ્પિટલ માંથી રમણીક સોલંકી બોલું છું, આપ આદિત્ય પાટીલના સંબંધી બોલો છો ?”
‘હા, હું તેમના ફાધર બોલું છું, જી બોલો.’
‘આ તમે જે લીવર ડોનર માટેની એડ આપી છે તેના વિશે વાત કરવી’તી એટલે..’
‘મીન્સ કે આપ ડોનર છો ?’ શરદભાઈ એ પૂછ્યું.
‘હા, પણ આપ અહીં સીટી હોસ્પિટલ આવો તો આગળ વાત થઇ શકે તેમ છે,’
‘જી, હું એકાદ કલાકમાં આપણે મળવા આવી રહ્યો છું.’

કલાક પછી શરદભાઈ અને રમણીક સોલંકી બંને વચ્ચે સીટી હોસ્પીટલના લોન્જમાં ખાસ્સી એવી એકાદ કલાકની ચર્ચા થઇ પછી ડોકટર સાથે ફર્ધર સ્ટેપ માટે મેડીકલ લેન્ગવેજમાં ડીટેઈલમાં ડીસકશન પૂરી થયાં પછી ડોનરની શરતો અનુસાર પેપર પ્રોસીજર પૂરી કરી.

ડોનરને આપવાના પેમેન્ટ માટે એવી શર્ત હતી કે ઓર્ગન્સ મેચ થાય પછી જ જે રકમ નક્કી થાય એ રકમ કેશ અથવા બેંક એકાઉન્ટમાં એઝ ટર્મ એન્ડ કંડીશન ફૂલ ફીલ કરી આપવાની.

ત્રણ દિવસ બાદ....
લીવર ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની પ્રાયમરી સ્ટેજની સંપૂર્ણ કાર્યવાહી સંપન્ન કર્યા પછી
ડોકટરની ટીમે આદિત્યના પિતાજીને તેમની ચેમ્બરમાં બોલવીને જરૂરી સૂચનાથી માહિતીગાર કર્યા પછી જ ઈશિતાને ચેમ્બરમાં બોલાવી અને કહ્યું કે,
‘ટ્રાન્સપ્લાન્ટના ફાઈનલાઈઝ માટે આપણે આવતીકાલે વાત કરીશું. ધેન સી યુ ટુમોરો એટ મોર્નિંગ નાઇન ઓ ક્લોક.’

નેક્સ્ટ ડે સવારે જયારે નવ વાગ્યે આદિત્યના મમ્મી, ઈશિતા અને શ્રુતિ. હોસ્પિટલ પહોચ્યાં, એટલે છેલ્લાં દસ દિવસથી સતત ઈશિતાના રાત્રિ રોકાણ બાદ આજની રાત રોકાયેલા શરદભાઈ સૌને વિઝીટર્સ લોન્જમાં લઈને જઈને બેસતાં થોડીવાર ઈશિતાની સામે જોઇને બોલ્યા.

‘દીકરા, ટ્રાન્સપ્લાન્ટ સક્શેસફૂલ ડન. જગતના નાથ સામેની જંગમાં તારો પ્રેમ અને શ્રધ્ધા જીતી ગઈ દીકરા.’

અનુપેક્ષિત, અવર્ણિત, અમાર્દિત ખર્વોની કિમત જેવી ખુશહાલીની ખબરના સુખદ આંચકાના અચંબાથી સૌની આંખો આનંદવર્ષાના અશ્રુથી છલકાતી રહી.

ઈશિતા તેના ચહેરાને તેની બંને હથેળીઓમાં રાખીને મનોમન ઈશ્વરનો પાડ માનતી રડતાં રડતાં બોલી,

‘પપ્પા આદિત્યને કેમ છે ? મારે મળવું છે ? ક્યાં છે ? અને કેમ પપ્પા અચનાક..ટ્રાન્સપ્લાન્ટ ? ડોકટરે એ તો સવારના નવ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો.’
આનંદાતિરેકથી ઈશિતા એ એકસામટા સવાલોનો ઢગલો કરી દીધો.

‘આશરે રાત્રીના એકાદ વાગ્યા પછી આદિત્યની સિચ્યુએશન થોડી ક્રીટીકલ થતાં ફટાફટ ડોક્ટર્સએ ઘડીનો પણ વિલંબ કર્યા વિના ત્વરિત નિર્ણય લઈને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરુ કરી દીધી. લગભગ સાતેક કલાક ઓપરેશનની પ્રક્રિયા ચાલી છે. ઓપરેશનની સફળતાથી ડોક્ટર્સ પણ ખુશ છે. અને મને એમ થયું કે આટલી વહેલી સવારમાં તમને સૌ ને ક્યા દોડાવવા. એટલે તમે આવો ત્યાં સુધી રાહ જોવી એ મને ઉચિત લાગ્યું.’
‘હજુ હું પણ આદિત્યને નથી મળ્યો. ડોકટરે દસ વાગ્યાનો સમય આપ્યો છે. ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે.’

ઈશિતાના કોલ કરીને સૌ પ્રથમ આ કુશળ સંદેશ તેમના મમ્મી, ને કહી સંભળાવ્યો.

એક એક ક્ષણ ઈશિતાને સદીઓ જેવી લાગતી હતી.

થોડીવાર બાદ...એક પછી એક વ્યક્તિ પાંચ મિનીટની સમય અવધિ માટે આદિત્યને મળી શકશે એવી એવી સુચના આપવામાં આવી એટલે શરદભાઈએ ઈશિતાને કહ્યું.

‘સૌથી પહેલાં તું જા, દીકરા’
ધબકતાં હૈયાં સાથે હળવેકથી એક્ઝેક્યુટીવ સ્યુટનું ડોર ઓપન કરીને અંદર દાખલ થઈને ઈશિતાએ જોયું તો ઓક્સિજન માસ્ક સાથે આંખ મીંચીને બેડ પર સુતેલા આદિત્યના ક્ષીણ પડી ગયેલાં શરીર સાથે, ઈન્જેકસ્ન્શ મિશ્રિત ગ્લુકોઝની બોટલ અને અન્ય ઓર્ગન્સની ગતિવિધિની વધતાં ઓછા પ્રમાણમાં ધીમી માત્રની ધ્વનિમાં આંકડાકીય માહિતી આપતાં અદ્યતન ઇક્વિપમેન્ટ્સ સાથે નળીઓ જોડાયેલી હતી.

હ્રદય કઠીન કરીને હળવેથી આદિત્યના કપાળ પર હાથ મુકતા જ ચહેરાની દિશા ફેરવીને આદિત્યએ ઈશિતા સામે જોયું અને. ત્યાં તો .....ચાર આંખો મળતા જ જાણે કે બંનેની ચક્ષુએ ચાહતનું ચિક્કાર ચોમાસું બેઠું.

આદિત્યએ બોલવાનો પ્રયત્ન કર્યો પણ ઈશિતાએ ઈશારો કરીને મનાઈ ફરમાવી. મટકું માર્યા વગર આંખોના વિનિમયથી બન્ને થોડીવાર સુધી મીઠું મૌન મમળાવતાં રહ્યા.

ઈશિતા નીતરતી આંખે બહાર આવતાં વારાફરતે સૌ એક પછી એક આદિત્યને જોઇને હર્ષના અશ્રુથી તરબતર આદિત્યની નવી જિંદગી માટે ઈશ્વરનો ઉપકાર માનતા રહ્યા.

એક વર્ષ પછી....

આજે આદિત્યને જોઇને કોઈ કહી જ ન શકે કે એક સમયે આયુષ્ય મર્યાદાના છેડે ઉભેલો આ વય્ક્તિ મૃત્યુને હાથતાળી મારીને આવ્યો હશે. છેલ્લાં એક વર્ષમાં ઈશિતા અને આદિત્યએ જિંદગાની એક કે પળને પ્રચુર પ્રેમથી માણી લીધી. આદિત્યના સંગાથે તે પ્રેમપંથની મજલ એટલી દુર સુધી કાપી ચુકી હતી કે, ત્યાંથી તેના અતીતના અંશનું લેશમાત્ર અસ્તિત્વ નજરે નહતું પડતું.

એક દિવસ... ડાઈનિંગ ટેબલ પર આદિત્યના પરિવારના સૌ સદ્દસ્ય તેની મૂડ અને મસ્તીમાં અલકમલકની વાતો કરતાં મનગમતી વાનગીનો લુફ્ત ઉઠાવી રહ્યા હતાં પણ.. ઈશિતાના ચહેરાના હાવભાવ કૈંક અલગ જ દિશાનિર્દેશ આપી રહ્યા હતાં. તેનો અણસાર ફક્ત શરદભાઈને જ આવી રહ્યો હતો.

ડીનર પૂરું કરતાં શરદભાઈ બોલ્યા,
‘આદિ, ઈશિતા તમારાં બેડરૂમમાં જતા પહેલાં મને મળીને જજો.’
‘જી’ પપ્પા. આદિત્ય બોલ્યો.

આશરે સાડા દસ પછી આદિત્ય અને ઈશિતા આશ્ચર્યની આશંકા સાથે શરદભાઈના રૂમમાં પ્રવેશ કર્યો.

શરદભાઈ તેના લેપટોપને સાઈડમાં મુકતા બોલ્યા,

‘બેસો.’

એટલે આદિત્ય અને ઈશિતાએ તેની સામેના સોફા પર આસાન જમાવ્યું.

‘શું થયું છે ઈશિતા ? આજે તારા ચહેરાનું સ્માઈલ કેમ મિસિંગ છે ?” શરદભાઈએ પૂછ્યું.

ઈશિતાને સ્હેજ ધ્રાસકો પડ્યો કે.. જે વાતનો પૂર્વસંકેત આદિત્યની નજરમાં ન આવ્યો તેની તેના સસરાએ પૂર્વધારણા કઈ રીતે કરી લીધી. ?

‘હા, તમારી વાત વાત સાચી છે પપ્પા. હું પણ હમણાં બેડરૂમમાં જઈને આ જ વાતનો ઉલેખ્ખ કરવાનો હતો.’ આદિત્યનો પણ સરખો સુર નીકળતા હવે ઈશિતા દ્વિધામાં મુકાઇ ગઈ કે, શું ઉત્તર આપવો ?’ એટલે હાથવગું જે બહાનું સુજ્યું એ બોલતાં કહ્યું,

‘અરે.. કઈ જ નહીં એ તો અમસ્તું સ્હેજ હેડેક જેવું છે, એટલે બસ.’
‘કેટલા સમયથી રહે છે, આ હેડેક ?’ બે વર્ષ ? શરદભાઈએ પૂછ્યું.

શરદભાઈ તેના અનુમાનને સટીક સવાલ સાથે રજુ કરીને લગભગ ખરી વાસ્તવિકતાની લગોલગ લઇ આવતાં હવે ઈશિતા થોડી ઝંખવાઈ.

‘દીકરા, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે.. ભૂતકાળના હિસાબનું સરવૈયું કર્યાના અંતે કયારેય પણ એ નોંધ ન ટપકાવવી કે.. ભૂલચૂક લેવીદેવી. કેમ એ અતીતને એડિટ કરવાની તક ભાગ્યેજ કોઈને મળે છે. શક્ય હોય ત્યાં સુધી ભૂતકાળ ધૂંધળો ન હોવો જોઈએ. એક દીવા જેવી સ્પષ્ટ અને ગાંઠ બાંધવા જેવી વાત છે કે..માફ કરે તે મહાવીર. અને.. કાનમાં ગયેલું ઝેર તમને મરવા પણ ન દે અને જીવવા પણ ન દે. અને જીવતરમાં કોઈ દિવસ કોઈના પ્ર્યાસ્ચિતની પ્રતિક્ષા ન કરવી, અને પરીક્ષા પણ ન લેવી. કયારેય આપનો અહં જ આપણા પતનનું નિમિત બની જતો હોય છે.’
આટલું બોલીને તેમનો મોબાઈલ ઈશિતાના હાથમાં આપ્યો. એટલે અચરજ સાથે
ઈશિતાએ પૂછ્યું,

‘કેમ આ મોબાઈલ શેના માટે ?
‘હંમેશ માટે તારું હેડેક દુર કરવાં ?
ઈશિતા અને આદિત્ય પરમાચાર્ય સાથે શરદભાઈની સામે જોઈ રહ્યા.

‘મને કંઈ સમજાયું નહીં પપ્પા.’ વિસ્મય સાથે ઈશિતાએ પૂછ્યું.

‘આજે અજીતનો બર્થ ડે છે, ઈશિતા તું અજીતને ફક્ત એક ઈન્સાનિયતના નાતે જન્મદિવસની શુભેચ્છા આપવાની ફરજમાં એટેલે અટવાઈ છે કે.. આદિત્ય શું વિચારશે ? તે અનિર્ણિત અવસ્થા એ એટલે તારું હેડેક, હવે બોલ ?

એક પિતા તુલ્ય શ્વસુરે જે રીતે ઈશિતાના મન અને મસ્તિષ્કના રજે રજના ફોટોકોપીનો એક જ ઝાટકે જે રીતે ઢગલો કરી નાખ્યો એ જોઇને ઈશિતા સ્તબ્ધ થઇ ગઈ અને આદિત્ય તાજ્જુબ થઈને બસ ચકળવકળ ડોળા ફેરવીને જોયા કર્યો.

‘પપ્પા.. તમને આ કેવી રીતે.. અને..આદિ, તને શું લાગે છે કે..મારે માનવતાની દ્રષ્ટિ એ મારે કોલ કરવો જોઈએ કે નહીં ?’
‘અરે.. ઈશિતા આ કોઈ પૂછવાની વાત છે.. એણે જે કર્યું તેના કર્મ એ જાણે. આટલી નાની વાત માટે તું આટલી અપસેટ છે ? કમ ઓન ઈશિતા ?

‘કર્મ ? અજીતે જે કર્મ કર્યા તેની સજા તે છેલ્લાં એક વર્ષથી ભોગવી રહ્યો છે. તેણે લગ્ન કર્યાના બીજા જ મહીને તેની પત્ની અને તેના પરિવારે અજીતને ખુબ ભૂંડી રીતે અપમાનિત કરીને ઘર અને જોબ બન્ને જગ્યા એ થી હાંકી કાઢ્યો હતો. અને ટૂંક સમયમાં અજીતને ડિવોર્સ પણ આપી દીધા હતાં. અહીં ઇન્ડિયામાં તો સૌ એ તેના નામનું નાહી જ નાખ્યું હતું એટલે કોને કહે ? રાતોરાત આકાશને આંબાવા બંધ આંખે ઠેકડો મારતાં જે ઉંચાઈ એ થી પટકાયો ત્યારે તેને એક જ વાતનું દુઃખ હતું કે,
પોતાનાને પારકા કરીને જે પારાવાર પીડા પહોંચાડી હતી તેનું પ્ર્યાસ્ચિત કેમ કરીને કરવું ? અને તે દિવસ-રાત, જાગતા-સૂતા, અપરાધભાવનો જે ભાર વેંઢારતો તેને ઉતારી ઋણ મુક્ત થવાં છેવટે એ ઇન્ડિયા આવ્યો હતો..’

‘અજીત.. ઇન્ડિયામાં કયારે ? એક ધક્કો લાગ્યા જેવા પ્રતિભાવ સાથે આદિત્ય બોલ્યો.

‘ક્યારે આવ્યો હતો એ તો મને પણ ખબર નથી, પણ આવ્યા પછી કોઈ મિત્રને ત્યાં રહેતો અને ત્યાંથી તેણે તેના માતા-પિતાને તેના અમેરિકામાં ઘટિત ઘટનાના વાતની કંઈપણ જાણ કર્યા વગર ફક્ત એટલો સંદેશો મોકલ્યો કે. ‘હું ઇન્ડિયા આવી ગયો છું.’

એટલે તેના પરિવાર તરફથી માત્ર એ રીપ્લાઈ આવ્યો કે અમે જીવતે જીવ તારા અગ્નિ સંસ્કાર કરી નાખ્યાં છે. તારામાં શરમ જેવું કઈ હોય તો તારું મોઢું અમને ન બતાવતો.

હવે, રહી વાત ઈશિતાની.એ શરમ થી એટલો મરી ગયો હતો કે, ઈશિતાને કોલ તો શું, તે અહીં આવી ગયો છે એ કહેવાં સુધીની હિંમત પણ તેનામાં નહતી એટલો તે પશ્ચાતાપની આગમાં બળતો હતો.

‘પણ... અંતે તેની ચીખનો શોર સાંભળ્યો, ઉપરવાળાએ. થોડીવાર ચુપ રહી. ઈશિતા અને આદિત્યની આંખોમાં જોઇને શરદભાઈ બોલ્યા.

‘દીકરા, ઈશિતા જે બાજીને મારી દૌલત ન જીતી શકી, તારો પ્રેમ ન જીતી શક્યો એ બાજી એક હારેલા યોદ્ધા અજીતે જીતી બતાવી. આદિત્ય તારા લીવરનો ડોનર બીજું કોઈ નહી એ અજીત છે, દીકરા..અજીત. આપણા સૌનો જીવનદાતા છે અજીત.
તારા મૃત્યુના મધ્યાંતરનું નિમિત એકમાત્ર અજીત. જેને આપણે સૌ એ તેના કર્મ પર છોડી દીધો અને તે તેનું કર્મ ચુપચાપ નિભાવીને જતો રહ્યો, દીકરા.’

શરદભાઈના બેડરૂમમાં એક એવા ધડાકા જેવી શાંતિ વ્યાપી ગઈ કે જેની તીવ્રતાનો આંક ડેસીબલના ગણતરી બહારનો હતો. અજીત પ્યારા દુશ્મનની માફક પીઠ પાછળ પ્રેમથી એક એવાં હળવા અને વિશાળ અદ્રશ્ય ઋણનું પોટલું મુકતો ગયો હતો કે જેને રાખી પણ ન શકાય અને ઉતારી પણ ન શકાય. આદિત્ય અને ઈશિતાના ચિત ચિત્રમાં અજીતના ચરિત્ર અને વ્યક્તિત્વ પ્રત્યેની ભ્રમણા ભાંગીને સાવ ભુક્કો થઇ ગઈ. અજીતના પડદા પાછળના આ લાઈફ ટાઈમ એચીવમેન્ટ જેવા મૂંગા કિરદાર માટે વિશ્વ શબ્કોશમાં શોધવા છતાં શબ્દો જડે તેમ નહતા.

શરદભાઈ આગળ બોલ્યા..

‘તેણે મારી સાથેના સપર્કમાં સૌ પ્રથમ તેનો પરિચય રમણીક સોલંકી તરીકે આપ્યો.
એક જ શરતે અજીતે લીવર ડોનેટ કર્યું છે કે, આ વાતની આજીવન તમને બંનેને જાણ નથી કરવાની અને..તે એક પણ પૈસો નહી લ્યે. આદિત્યના ઓપરેશનના છેલ્લાં ચાર સુધી અજીત પણ ત્યાં એ જ હોસ્પીટલમાં જ હતો. દીકરા દરેક વખતે વ્યક્તિ ખરાબ નથી હોતો, કયારેક તેના હાલાત પણ ખરાબ હોઈ શકે. આદિત્યને લીવર ડોનેટ કર્યા પછીના ત્રણ મહિના પછી એ અમેરિકા જતો રહ્યો. મારે વીકમાં બે થી ત્રણ વાર તેની જોડે વાત થાય છે. મેં તેને તેની લાઈફ બનવવા માટે અનેકો ઓફર આપી પણ મને કહ્યું, અંકલ, હવે કોઈના અહેસાનનો ભાર નથી ઊંચકવો. બસ, મારતાં સુધીમાં મને એક સંદેશો આપજો કે ઈશિતા એ મને સાચા દિલથી માફ કરી દીધો છે, તો સમજીશ કે જીવતે જીવ મોક્ષ મળી ગયો. ‘

હવે દીકરા મોબાઈલ લે અને ઝટ કોલ લગાવ અજીતને ચલ.’

કોણ કોને સાંત્વના આપે ? કોણ કોને છાનું રાખે ? ઈશિતાની આંખે તો જાણે બારે મેઘ ખાંગા થયાં. આદિત્ય પણ તેની જાતને કોસતા બસ રડતો જ રહ્યો.

‘ઓ અજીત.. અજીત.. અજીત.. આ તે શું કર્યું ? અજીત નામ હોય તો શું પોતાનાની સામે પણ જીતવાનું ? ઓહ્હ માય ગોડ.’ હું નહીં વાત કરી શકું અજીત સાથે.’
આટલું તો ઈશિતા માંડ બોલી.’

બન્ને એ પાણી પીધું, આદિત્ય અને શરદભાઈએ માંડ માંડ ઈશિતાને શાંત પડી.
શરદભાઈ બોલ્યા. આદિ તું પહેલાં કોલ કરીને વાત કર અજીત સાથે પ્લીઝ.’

થોડો સ્વસ્થ થઈને આદિત્યએ કોલ લગાવ્યો,

‘હેલ્લો...’ અજીત બોલ્યો.
‘અજીત.. આદિ હિયર.. આદિત્ય પાટીલ.’
આદિત્યની નામ સાંભળીને અજીતને આંચકો લાગ્યો.. થયું કે.. ક્યાંય અંકલે..
‘ઓહહ બીગ બ્રધર બોલ બોલ કેમ છો. આફ્ટર સો લોંગ ટાઈમ.’ અજીત બોલ્યો
‘ફ્રેન્ડસનું બર્થ ડે લીસ્ટ સ્ક્રોલ કરતાં તારું નામ જોયું તો.. થયું કે વિશ કરીને પૂછું કે શું પ્લાનિંગ છે, આજે બર્થડે સેલિબ્રેશન પાર્ટીનું ?’ ઓન્લી બીયર કે વાઈન ?’
‘અરે.. આદિત્ય તને તો ખ્યાલ છે કે મેં કયારેય આવી વસ્તુઓને હાથ પણ નથી અડાડ્યો યાર, પીવાની વાત તો બહુ દુર રહી.’

‘અરે.. હા.. હા.. એ વાત તો હું ભૂલી જ ગયો..એટલે જ મને નવાઈ લાગી કે.. સાલું મારું લીવર કેમ આટલું પોર્પર વર્ક કરે છે એ હવે સમજાયું.’

અજીતને ખ્યાલ આવી ગયો કે..અંતે અંકલે ભરોસાનો ભાંડો ફોડી નાખ્યો. છતાં પણ અજાણ્યો થઈને પૂછ્યું.

‘એટલે..? કંઈ સમજાયું નહીં.’
‘અરે.. યાર, અજીત આટલી મોટી ગેમ રમાવાની ? જાત દાવ પર લગાવી, હારેલી બાજીની સાથે આ રીતે લોકોના દિલ જીતવાના ? દોસ્ત તું અમારી નજરમાં એટલો મહાન થઇ ગયો છે કે..અમને અમારી જાતને આઇનામાં જોતા શરમ આવે છે. આવું કરવાનું ? આટલું બોલતા સુધીમાં આદિત્યનું આંખ અને ગળું બન્ને ભરાઈ આવ્યા.

અજીતની પણ આંખો છલકાઈ ગઈ.

આદિત્ય એ ઈશિતાને ફોન આપ્યો..
‘હહહેલ્લ્લો....અજીત...’ આટલું બોલતા તો ઈશિતાના નયન નીતરવાં લાગ્યા.
‘હાઈ. ઈશિતા.. કેમ છો તું ?”
આશરે બાર થી પંદર મહિના પછી બંને એકબીજાનો સ્વર સાંભળી રહ્યા હતા.
‘હું.. ઠીક.. જજજન્મદિનની ખુબ ખુ...બ બધાઈ અજીત... કેમ છો ?

‘થેન્ક્સ, હું... હું તો એકદમ મસ્ત. જો આ તારો કોલ આવી ગયો એટલે જાણે કે મોઢામાં મોતીચૂરનો લડુ આવી ગયો હોય એવું લાગે છે.’
આંખોમાં ઝળઝળિયાં સાથે અજીત બોલ્યો.

‘સાવ આવું કરવાનું ? કાયમ મનમાની જ કરવાની એમ ? અશ્રુ લુંછતા મીઠો ઠપકો ઈશિતા બોલી
‘બસ, તારી વાત ન માનવાની તો સજા ભોગવી રહ્યો છું. પણ.. ખુશી એ વાતની છે તું ખુશ છો અને તારા એ બધાંજ સ્વપ્ન આદિત્ય જરૂર પુરા કરશે. જે તે મારી સાથે શેર કર્યા હતાં.. પણ મને તો હમેશાં ઉંચે ઉડવાની.....’ પણ આજે તારી દિલથી આપેલી કલીનચીટથી એટલો ખુશ છું કે.. આ ઘડીએ મોત આવી જાય તો પણ અફસોસ નથી.’

ઈશિતાથી રુદન પર કાબુ ન રહેતાં ફોન આદિત્યને આપી દીધો.

‘નેક્સ્ટ મંથ હું અને ઈશિતા બન્ને આવીએ છીએ અમેરિકા. હેય, સાલા પછી તું જો તારી આ ચીટીંગની બન્ને ભેગા થઈને શું સજા આપીએ છીએ. આજે ઈશ્વર પાસે એક જ દુવા માંગું છું ફક્ત આવતાં ભવમાં જ નહી પણ દરેક ભવમાં દોસ્ત તો અજીત જ જોઈએ.’

આજે અજીત, ઈશિતા અને આદિત્ય ત્રણેયની આત્મા હળવી ફૂલ થઈને એટલું શુકૂન અનુભવી રહી હતી કે...જાણે સાતેય જન્મારાના પુણ્યનું એકસામટું ભાથું બાંધી લીધું હોય.

-સમાપ્ત

©વિજય રાવલ

'મૃત્યુનું મધ્યાંતર ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

Vijayraval1011@yahoo.com
9825364484

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED