મૃત્યુનું મધ્યાંતર - 1 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુનું મધ્યાંતર - 1

‘પ્રકરણ - પ્રથમ /૧


‘અરે.. યાર, નો... નો.. નો... કાર તો નહીં જ, જવું છે તો બાઈક પર જ. પ્લીઝ અજીત. આવતીકાલનો આપણી સંગાથનો છેલ્લો સન્ડે મારે તારી જોડે દિલ ફાડીને જીવવો છે, બસ.’
ઈશિતાએ બન્ને હાથ અજીતની કમર ફરતે વીંટાળીને કહ્યું.

‘અરે! પણ પાગલ, આખો દિવસ બાઈક પર...અને એ પણ આવડા મોટાં મુંબઈ શહેરમાં. ફરવાં જવું છે કે મરવા...? અરે યાર થાકીને લોથપોથ થઈ જઈશું. બેટર છે કે કારમાં જઈએ.’ વારંવાર ઈશિતાના ગોળમટોળ ગાલ પર આવી જતી તેની વાળની લટોને સરખી કરતાં અજીત બોલ્યો.

ઈશિતા બોલી,
‘મને તારી જોડે જે રીતે બિન્દાસ તોફાન, મસ્તી, ધમાલ કરીને ફરવું છે, તે મજા બાઈકમાં જ આવે, કારમાં નહીં. સમજ્યો?’ એમ કહી અજીતનું નાક ખેંચ્યું.

અંતે ઈશિતાનું મન રાજી રાખતા અજીત બોલ્યો,
‘અચ્છા, ઠીક છે ચલ. જો હુકમ મેરે સરકાર. તુમ જીતી મૈં હારા!’
ઈશિતાએ અજીતની આંખોમાં જોઈને કહ્યું,
‘તને હરાવવાના ઓફિસિયલ અધિકાર ફક્ત ઈશિતા દીક્ષિત પાસે આજીવન અબાધિત છે. અને જેનું નામ જ અજીત છે, તેને કોણ હરાવવાની હિંમત કરી શકે?’

‘પણ, ઈશિતા, તેં પ્રેમથી જીતીને મને હરાવ્યો છે. લોકો જીત માટે પાપડ વણે, પણ આ મેં તારી સામે હારવા માટે પાપડ તો, શું શું નથી વણ્યું એ તને જ ખબર છે.’
હસતાં હસતાં અજીત બોલ્યો.


અજીત કુલકર્ણી.

મનોહર અને ઉષા કુલકર્ણી દંપતિનો ત્રીજો અને સૌથી નાનો પુત્ર, એટલે ૨૬ વર્ષીય અજીત. બીજા સંતાન તરીકે અવતરેલી જીવથી પણ વ્હાલી પુત્રી અંકિતાને ગયા વર્ષે ધૂમધામથી પરણાવીને, ભારે હૈયે સૌ એ તેમના સાસરે પૂના વળાવેલી.
અજીતના મોટા ભાઈ રાજેન્દ્ર અને તેના ભાભી તેમના પરિવાર સાથે તેમના, બાપદાદાના મુખ્ય વ્યવસાય ખેતીવાડી સાથે જોડાયેલો. અને આમ પણ રાજેન્દ્રને મુંબઈની ભીડભાડ અને ધડીયાળના કાંટે ભાગતી જિંદગીથી અણગમો હતો. તો સામે અજીતને ખેતીવાડીથી. એટલે તે અભ્યાસનું બહાનું આગળ ધરીને માયાનગરી મુંબઈની મોહમાયાની મસ્તી માણવા છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈ શિફ્ટ થયો હતો.
અજીત મહત્વકાંક્ષીની સાથે સાથે પ્રેક્ટીકલ અને પ્રોફેશનલ ખરો. કારકિર્દીની ટોચ પર પહોંચવા તે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવાની વૃતિમાં તે માનતો. રહેવા માટે તેમના પિતાજી મનોહરના એક જીગરજાન મિત્રના ફ્લેટમાં રહેતો હતો. છ એક મહિનાથી મનોહર અને તેમના પત્ની ઉષા પણ અજીત સાથે રહેવા આવ્યાં હતાં. અજીત જર્નાલીઝમનો અભ્યાસક્રમ પૂરો કરવાની તૈયારીમાં હતો.

ઈશિતા દીક્ષિત.

મધ્યમ વર્ગીય બાબુરાવ અને સાવિત્રી દીક્ષિત પરિવારની ૨૪ વર્ષીય એક માત્ર લાલડી પુત્રી, એટલે ઈશિતા દીક્ષિત.

બાબુરાવ રેલ્વેમાં જોબ કરતાં, પણ વારંવાર રહેતી નાદુરસ્ત તબિયતના કારણે તેમણે નોકરીમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું. તેમના એક વકીલ મિત્રની ઓફિસમાં, તેમના સમયની અનુકુળતાએ ટાઇપીંગને લગતું નાનું મોટું કામ કરવા જતા અથવા તે કામ ઘરે બેસીને પણ આરામથી કરી લેતા.
ઈશિતાને બચપણથી જ અભ્યાસ પ્રત્યે વધુ રુચિ હતી. ઉત્તરોત્તર અભ્યાસમાં તે રુચિના વ્યાપનો વિસ્તાર વધતાં, છેક આજે તેણે અંગેજી સાહિત્યમાં એમ.એ. કર્યાની સાથે સાથે, સતત દિવસ રાતની લગનથી ઓનલાઈન તેણે સાત વિદેશી ભાષા પર પણ સારું એવું પ્રભુત્વ મેળવીને એક ગૌરવ પૂર્ણ સિદ્ધિ હાંસિલ કરીને, પરિવારનું નામ ઉજાગર કર્યું હતું. સાદગી ઈશિતાનો શણગાર હતો. પણ તેની સાદગી સામે કોઈપણ શ્રુંગારની ઝાકળમાળ ઝાંખી પડતી. કોઈ પણ વેસ્ટર્ન લૂકમાં તે અત્યંત ખુબસુરત લાગતી પણ, તે હમેશાં કોલેજ અવર્સ સિવાય સાડી પહેરવાનું વધુ પસંદ કરતી. તેના ઉજળા વાન પર કોઈપણ સાડી સાથેના નિખારનો એક અલગ જ અંદાઝ ઉપસી આવતો. ઈશિતાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ કહો કે માઈનસ પોઈન્ટ તે થોડી વધુ ઈમોશનલ હતી.

અજીત અને ઈશિતા બન્ને એક જ કોલેજના સ્ટુડન્ટ. અજીત અભ્યાસની બાબતમાં ગંભીર અને તે સિવાય કોલેજની ઈતર પ્રવૃતિઓમાં પણ આગળ પડતો અને માહિર પણ ખરો. ટૂંકમાં કોલેજ કેમ્પસમાં અજીતનું એક નામાંકિત અને નોંધનીય નામ તો ખરું જ. ઈશિતા અને અજીતની બેથી ચાર વાર ઉડતી મુલાકાત દરમિયાન ઉપરછલ્લી વાતચીત થયેલી. પણ એ સમય દરમિયાન બંનેએ એકબીજાની નજરોએ સ્હેજ ગંભીરતાથી પરસ્પરની નોંધ લીધી છે, તેનો બન્નેને ખ્યાલ હતો. થોડા સમય બાદ અજીતે, એ નોંધનો પીછો કરતાં કરતાં ઈશિતાની નજીક આવવા માટે ઘણાં ફિલ્મી અખતરા અને પેંતરા અજમાવ્યા. પણ કારકિર્દી અને પરિવારની જવાબદારી પ્રત્યે સંપૂર્ણ સભાન ઈશિતાની અદમ્ય ઈચ્છા હોવા છતાં પણ તેને, એક સન્માનીય અંતર રાખવાનું મુનાસીબ લાગ્યું.

છેવટે એક તપસ્વિનીની માફક સાધના કરીને કરેલા અજીતના પ્રેમયજ્ઞમાં આહુતિ આપવા માટે અંતે ઈશિતાએ અજીતના નિસંદેહ લાગતાં સ્નેહનો સ્વીકાર કરીને સ્વાહા કર્યું.

પ્રણયથી લઈને પરિણય સુધી પરિણમેલી આ વાતને બંનેના તેમના પરિવારની સંમતિ, આશિર્વાદ, રાજીપો અને આશીર્વચન સાથે સમર્થન મળેલું.

મૃદુ અને મિતભાષી ઈશિતાની સહજ, શાંત અને સ્નેહાળ સ્વભાવની પ્રકૃતિ જ કોઈને પણ તેના તરફ સહજતાથી આકર્ષવા માટે પર્યાપ્ત હતી. માતા-પિતાના સંસ્કાર અને કુદરતની કૃપાથી ઈશિતાના આ અનન્ય વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વથી સંપૂર્ણ રીતે અભિભૂત થઈને, કોઈએ તેને અનુભૂતિ કરી હોય તો, તે હતો આદિત્ય.

આદિત્ય પાટીલ.

વિશ્વની સૌથી ધનાઢ્ય એવી મુંબઈની મહાનગરપાલિકાના સતત પંદર વર્ષથી એક સાફ સુથરી છબી ધરાવતા સન્માનીય કાઉન્સિલર એવા શરદ પાટીલનો પુત્ર ૨૫ વર્ષીય આદિત્ય પાટીલ.

ઈશિતાનો સૌથી નજીકનો કોલેજ ફ્રેન્ડ આદિત્ય. ઈશિતાને આદિત્યનું એક અને સૌથી મોટું ગમતું જમા પાસું તેની હૃદયસ્પર્શી શાલીનતા, અને હંમેશા ઉડીને આંખે વળગતી તેની સાદગી. અબજોપતિનો પુત્ર. પણ કયારેય તેણે તેને પૈસાના પાવરને તેના, વ્યક્તિત્વ કે વાણી પર હાવી નહતો થવા દીધો. કોલેજના ઘણાં ખરા આર્થિક રીતે નબળા મિત્રોને તેણે અભ્યાસ અર્થે આર્થિક મદદ કરેલી. પણ, બીજી જ પળે એ વાત તે, આસાનીથી વિસરી જતો. ઈશિતા જે કોઈની જોડે શેર નહતી કરી શકતી, તે વાત તે નિસંકોચ આદિત્ય સાથે શેર કરીને હળવી થઈ જતી.

આદિત્ય, ઈશિતાને જેટલો પસંદ કરતો કે જાણતો, તેના કરતાં પણ તેને જીવતો વધારે. પણ.. આ વાતનો, બીજા કોઈને તો શું ખુદ ઈશિતાને પણ આદિત્યએ અણસાર આવવા નહતો દીધો.


આદિત્યને જયારે ઈશિતા અને અજીતના સંબંધની જે ક્ષણે ઓફિસીયલી જાણ થઈ, તે એક ક્ષ્રણ માટે આદિત્યને ધક્કો લાગ્યો પણ, તે ધક્કો લાગવા પાછળનું કારણ કંઇક અલગ જ હતું. અને આદિત્ય ઈશ્વરને કાયમ એક જ પ્રાર્થના કરતો કે જેનો આદિત્યને ભય છે એ દિવસ ઈશિતાની લાઈફમાં ક્યારેય ન આવે.


ત્રણ મહિના પહેલાં...
રવિવાર.
સવારના અગિયારેક વાગ્યાનો સમય થયો હશે. મોટાભાગનું કામકાજ પતાવીને ઈશિતા રૂમમાં રાઈટીંગ ટેબલ પર મુકેલા તેના લેપટોપમાં કરંટ ટોપીકને અંતર્ગત એક ફ્રેંચ આર્ટીકલનું ઇંગ્લીશમાં ભાષાંતર કરવામાં મશગુલ હતી ત્યાં જ આદિત્યનો કોલ આવ્યો.

‘સૌથી પહેલાં તો, એકમાંથી બે થવાની ધન્ય ક્ષણ માટે અંતરથી અનેક અનેક શુભેચ્છાઓ. અને સૌથી છેલ્લે પણ, મને જાણ ન કરવા માટે પણ આભાર.’ એકદમ શાંત ચિતે ગાર્ડનના હીંચકા પર ઝુલતા ઝુલતા આદિત્યએ ઈશિતાને કોઈપણ જાતના દ્વેષ ભાવ વગર કહ્યું.

થોડીવાર માટે તો ઈશિતાને એમ થયું કે, કયા શબ્દોમાં આદિત્યને પ્રત્યુતર આપવો! પ્રથમ દ્રષ્ટિએ જોતાં સ્વાભાવિક રીતે ઈશિતાને મનોમન તેની ભૂલનો અહેસાસ અને એકરાર હતો જ. છતાં પણ તેણે પોતાની જાતનો સ્હેજ પણ બચાવ કર્યા વગર વાસ્તવિકતા સ્વીકારીને જવાબ આપતાં કહ્યું.
‘ઓહ માય ગોડ..આદિ, આઈ સ્વેર મને એમ કે હું નિરાંતે તને બધી જ વાત કરું પણ, યાર બધું એટલું જલ્દીમાં થયું કે... રીયલી આદી, આઈ ફીલ સો બેડ,’

‘અરે...પણ, ઈશિતા મેં ફરિયાદના સ્વરૂપમાં વાતનો ઉલ્લેખ જ નથી કર્યો. ઉલટાનું મને તો ખુશી એ વાતની છે કે તું તારી લાઈફમાં એટલી વ્યસ્ત રહે છે કે, મિત્રોએ તને મળવું તો શું લડવું હોય તો પણ વેઈટીંગમાં રહેવું પડશે, તો એ સારી વાત છે ને.’

‘યાર હવે બસ કરીશ? જો એ વાતથી આપણું પૂરું ગ્રુપ ખુબ સારી રીતે વાકેફ છે. તું મારો સૌથી સારો, માત્ર મિત્ર નહી મિત્રથી પણ કંઇક અધિક છે. એ વાત તો તું પણ માને જ છે. અજીતને લઈને મને મારી ફીલિંગ્સ જે રીતે વ્યક્ત કરવાની છે તેનો માત્ર તું એક જ હકદાર છે, સમજી લેજે. એટલે ફક્ત એક નોર્મલ કોલ કે મેસેજ કરીને હું આપણાં રીલેશનને સાધારણ બનાવવા નથી માંગતી. સમજ્યો?'

‘ઈશિતા, તું મને, તારો પરિચય આપીશ?’

‘તો પછી હવે આ રીતે કયારેય મારી આગળ આ રીતે દાઢમાંથી ન બોલતો હા. યુ હર્ટ મી. કારણ કે મમ્મી, પપ્પા પછી એક તું જ છે, જેને મેં ઈશ્વરનો દરજ્જો આપ્યો છે. કાન પકડીને ઠપકો આપજે, વઢી લેજે, ગુસ્સો કરજે. પણ તારો આ શાબ્દિક પ્રહાર હું કદી’યે સહન નહીં કરી શકું, આદિ..’ બસ આટલું બોલતાં સુધીમાં તો ઈશિતા સ્વર ગળગળો ગયો.

હીંચકા પરથી ઉતરીને ગાર્ડન ફરતે એક ચક્કર લગાવતા આદિત્ય બોલ્યો,

‘ઓહ માય ગોડ. ઈશિતા, તેં જે હમણાં કહ્યું ને કે... ‘મિત્રથી પણ કંઈક અધિક’.. હું એ વિશેષાધિકારના હકને ધ્યાનમાં રાખીને જ બોલ્યો છું પગલી. અને જીવથી યે વ્હાલી સંપત્તિ જેવી સહેલીને, કોઈ આ રીતે અંધારામાં રાખીને છાનાં પગલે હંમેશ માટે છીનવી જાય, તો સ્હેજ તો... ચલ કઈ નહીં, હું રાહ જોઈશ. તારા નિરાંતની. નાઉ સ્માઈલ એન્ડ બી હેપ્પી. હું કોલ મુકું?'

‘હવે હું કોલ નહી કરું. હવે હું તારો એક્સ્ટ્રા ક્લાસ જ લઈશ જો જે. તું કોલેજ આવ કાલે. એટલી વાર છે.’ ઊભી થઈને બાલ્કનીમાં આવતાં ઈશિતાએ કહ્યું.

‘જી, મેડમ, ઔર કુછ?’ હસતા હસતા આદિત્યએ જવાબ આપ્યો.
‘ચલ, બાય. ટેક કેર.’ એક કહીને ઈશિતાએ કોલ કટ કર્યો.

આદિત્ય પ્રત્યેના ઈશિતાના સન્માનજનક આદરભાવની સાથે એક નક્કર ભરોસો પણ હતો. ઈશિતાને આદિત્યની સમજદારી અને પીઢતા પર, માન સાથે ગર્વ પણ હતું. આદિત્ય સાથેની ગાઢ મિત્રતા પછી ઈશિતા કોઈપણ વિકટ પરિસ્થિતમાં વિચલિત નહતી થતી, કેમ કે આદિત્ય આસાનીથી તેની સ્થિર સૂઝબૂઝથી માર્ગદર્શન આપીને કોઈ વિકલ્પ શોધી કાઢતો.

નેક્સ્ટ ડે.

ઈશિતા તેના નિયમિત રૂટીન શેડ્યુલ મુજબ ૬:૩૦ ઉઠીને, ફ્રેશ થયા પછી, નિત્યક્રમની એક અચૂક ઘટમાળ રૂપી, પંદર મિનીટ ધ્યાનપૂર્વક ઈશ્વરની આરાધના કર્યા પછી બેસ્ક્ફાસ્ટ કરીને ૮:૧૫ એ કોલેજ જતાં જતાં કોલ જોડ્યો અજીતને.

‘હેય.. ગૂડ મોર્નિંગ. તું આજે આવે છે ને કોલેજ?'
‘ગૂડ મોર્નિંગ, નોટ શ્યોર. કેમ કે ઓનલાઇન એક લેકચર એટેન્ડ કરવાનું છે. તું કેટલાં વાગ્યા સુધી છો, કોલેજ પર?'
‘નક્કી નથી. પણ નીકળતાંના હાફ એન અવર પહેલાં, તને કોલ કરીને ઇન્ફોર્મ જરૂર કરીશ. એ સિવાય કંઈ પ્લાન હોય તો કહે. તો રીતે હું મારું શેડ્યુલ એડજેસ્ટ કરું. અને શેનું લેકચર એટેન્ડ કરવાનું છે?’

‘એક નવો ઇન્ટરેસ્ટીંગ સબ્જેક્ટ હાથ લાગ્યો છે. ડીટેઈલમાં રૂબરૂ મળીશું ત્યારે કહીશ,’
બેડ પરથી ઉભાં થતાં અજીત બોલ્યો.
‘ઠીક છે ચલ હું તારા કોલની વેઇટ કરું છું.'
‘બાય.’ અજીતે કહ્યું.


કોલેજના અંતિમ દિવસો નજીકમાં હતા. અલ્મોસ્ટ દરેકના સેમેસ્ટર કમ્પ્લીટ થઈ ગયાં હતાં. સૌ પોતપોતાનાં ફ્યુચર પ્લાન સેટ કરવાની મથામણમાં હતા. ઈશિતાને ભાષા પ્રત્યે એટલો લગાવ હતો કે, તેને સપનાં પણ અલગ અગલ ભાષામાં આવતાં. અને તેના ઉજળા ભવિષ્ય માટે તે એ દિશામાં જ દોટ લગાવતી. આદિત્યને તો તેની આવનારી પેઢીના ભવિષ્ય માટે પણ કશું વિચારવાની જરૂર નહતી કેમ કે તેના પિતાજીનો ફેલાયેલો કરોડોનો કારોબાર જ તેના માટે પર્યાપ્ત હતો. પણ તેના પરિવાર તરફથી, આદિત્યને તેના ફ્યુચર પ્લાન માટેની સપૂર્ણ આઝાદી હતી. જીવન સાથીની પસંદગી કરવા સુધ્ધાંની.

અજીત મહેનતુ ખરો. પણ સાથે સાથે ખૂબ ઝડપથી રાતોરાત ટોચ પર પહોંચી જવાની લાલસા પણ ખરી. કંઈક કરી નાંખવા કે કરી બતાવવાની, તેના દિમાગમાં સતત એક ધૂન સવાર રહેતી. અને અન એકસ્પેક્ટેડ સરપ્રાઈઝ આપવાની તેની આદતને તે પોતાની એક આગવી ખૂબી મનાતો.

ઠીક ૯:૪૫ એ આદિત્ય કોલેજમાં એન્ટર થઈને ઈશિતાને, તેનાં એક માત્ર ફેવરીટ પ્લેસ લાયબ્રેરીમાં દૂરથી શોધી કાઢી. છેવાડાના ટેબલ પર લેપટોપની પાસે કોઈ એક રશિયન ફિલોસોફરના પુસ્તકના પેઈજ અને લેપટોપ બન્નેમાં વારાફરતે વારંવાર ડોકિયા કરતી વખતે, લાઈટ પિંક કુર્તી સાથેના મેચિંગ દુપટામાં તેના ચહેરાની લાલી જોઈએ એવું લાગતું હતું, જાણે કે કોઈ પૂર્ણ સ્વરૂપમાં ખીલીને થોડી ક્ષણો પહેલાં જ કોઈ પુષ્પએ તેના તાજગીની તાજપોશી કરી હોય.

બ્લેક ટ્રાઉઝર ઉપર, ની લેન્થ સુધીના પ્યોર ખાદીના ઓફ વ્હાઈટ ઝબ્ભો, એલ્બોથી થોડે નીચે સુધી ફોલ્ડ કરેલી ઝભ્ભાની સ્લીવ, મિડલ સાઈઝની દાઢી અને વ્હાઈટ ગ્લાસના ફેશનેબલ ગોગલ્સ અને ગરદનથી નીચે સુધીના લાંબા અને વાંકડિયા વાળની હેયર સ્ટાઈલમાં આદિત્યનો, તેની જન્મજાત અત્યંત ગોરી ત્વચા સાથેનો લૂક કોઈ પ્રોફેશનલ મોડેલને ટક્કર મારવા માટે કાફી હતો.

સાવ ધીમા પગલે ઈશિતાને સ્હેજ પણ અણસાર ન આવે તેમ, હળવેકથી તેની ચેર પાછળ ઊભા રહીને હજુ તો કશું બોલવા જાય ત્યાં જ ઈશિતા લેપટોપમાં જોતા બોલી,

‘આદિ, ચુપચાપ બાજુમાં બેસી જા.’
‘તારે કેટલી આંખો છે?’ બાજુની ચેર પર આદિત્ય બેસતાં બોલ્યો.
‘તારાં માટે મારા મનની આંખ ઈનફ છે. મારું ધ્યાન વારંવાર એન્ટ્રન્સ ગેઇટ પર જતું હતું અને જ્યાં તે એન્ટ્રી મારી ત્યાં જ તું કેપ્ચર થઇ ગયો હતો, સમજ્યો? અને આજે કંઈક ડીફરન્ટ જ લૂકમાં લાગે છે તું’
આદિત્યની સામું જોઈને ઈશિતા બોલી.
‘હા, બીકોઝ કે તેં ગઈકાલે કહ્યું હતું ને, કે તું મારો એક્સ્ટ્રા ક્લાસ લેવાની છો એટલે થયું કે ચલ પૂરી તૈયારી કરીને જ નીકળું.’ ધીમું હસતાં આદિત્ય બોલ્યો.

‘થોડી વાર બેસ આદિ, પછી આપણે....’ થોડો વિચાર કરતાં આગળ બોલી,
‘ક્યાં બેસીશું ?
‘અહીં કેમ્પસમાં?
‘હમ્મ્મ્મ .. તને કંઈ કામ છે, કોલેજમાં?
‘નહીં તો.. હું તો ફક્ત તારો એક્સ્ટ્રા ક્લાસ...’
આદિત્યને આગળ બોલતો અટકાવતાં ઈશિતા બોલી,
‘પ્લીઝ..હવે એક કામ કર, આ વાત તું કોલેજના નોટીસ બોર્ડ પર જ ચીતરી માર, એટલે કામ પતે. શું યાર, ક્યારનો? હું એવું વિચારું છું... આદિ કે, કલાકમાં મારું આ કામ પતાવીને આપણે કોલેજથી સ્હેજ આગળ...’
ઈશિતા તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ આદિત્ય બોલ્યો,
‘મહાદેવનું મંદિર છે ત્યાં.... જઈએ એમ જ ને.’
થોડીવાર ઈશિતા આદિત્યને જોઈ જ રહી..
‘આદિ, તું કઈ રીતે પળમાં મારા વિચારોને પકડી શકે છે?’ ઈશિતાએ પૂછ્યું.
‘હમ્મ્મ્મ..એ શાયદ એટલા માટે કે, મેં સંબંધમાંનું ઇશિતાનું નામ નથી રાખ્યું, પણ
સંબંધનું નામ ઈશિતા રાખ્યું છે, સમજી?' ચેર પરથી ઊભા થતાં આદિત્ય બોલ્યો.
‘સાચે આદિ, તારી મિત્રતા સામે મને આ દુનિયાભરની મિલકત સાવ મામુલી લાગે છે. પણ તું ક્યાં જાય છે?’
‘હું અહીં બેસી રહીશ તો તને તારા કામ માટે સમય ઓછો પડશે. એક કામ કર, તું તારું કામ કમ્પ્લીટ કરીને પાર્કિંગમાં આવ તું ત્યાં મારી કારમાં બેઠો બેઠો મ્યુઝીક સાંભળું છું. ઓ.કે.’ આદિત્ય બોલ્યો.
‘ઠીક છે.’ હું કલાકમાં આવું છું.’ ઈશિતાએ જવાબ આપતાં આદિત્ય ત્યાંથી નીકળીને કેન્ટીનમાં આવીને એક મસ્ત મસાલા ચાઈનું ફૂલ સાઈઝનું પાર્સલ લઈને કારમાં જઈને તેના સિલેક્ટેડ મ્યુઝીક કલેક્શનમાંથી ઓલ ટાઈમ ફેવરીટ એવરગ્રીન કિશોરકુમારના સોન્ગ્સની સંગત સાથે ચાની ચુસ્કીઓની રંગત માણતો, આંખો બંધ કરીને સાંભળતો રહ્યો.


અગિયારેક વાગ્યાની આસપાસ કારના ફ્રન્ટ ડોરના વિન્ડો પર ઈશિતાએ નોક કરતાં આદિત્યએ ડોર ઓપન કર્યું. એટલે કારમાં બેસતાં ઈશિતા બોલી,
‘સોરી, આદિ, મારા કારણે તને આટલું વેઈટ કરવું પડ્યું.’
‘સારું છે ને, આમ પણ હવે તારી વેઈટ કરવાની આદત પાડવી જ પડશે ને?’
‘આદિ, મને લાગે છે કે.. તું ખરેખર હવે મારા હાથનો માર ખાઈને જ રહીશ.’
‘બટ ઇટ્સ ફેક્ટ. હવે તું ઈશિતા દીક્ષિતમાંથી, ઈશિતા કુલકર્ણી બનવા જઈ રહી છે, તો...’
‘તો... આગળ બોલને. બોલ બોલ. એટલે હું તને સરખી રીતનો જવાબ આપું. બોલ તો.’
પાર્કિંગ માંથી કારને મેઈન રોડ પર લેતા આદિત્ય હસતાં હસતાં આદિત્ય બોલ્યો,
‘મને લાગે છે આજે શિવજી પહેલાં તારું ત્રીજું નેત્ર ખુલી જશે.’
‘તને એવું લાગે છે?’ઈશિતાએ પૂછ્યું
‘પણ, મને એ પણ ખબર છે કે, મહાદેવની માફક એ પહેલાં તું મને માફ પણ કરી દઈશ.’
પ્રસાદ સાથે પૂજનવિધિની સામગ્રી લઈને ઈશિતા શાંતિથી શિવલીંગ સામે એવી એકાકારથી ગઈ કે ચિત પ્રફુલ્લિત થઈ ગયું.

બન્ને દર્શન કરીને મંદિરના પરિસરની મધ્યમાં આવેલાં એક વિશાળ પીપળાની વૃક્ષ ફરતે ચણેલા ઓટલા પર આવીને બેઠાં, મસ્ત આહલાદક ઠંડા પવનની આવતી લહેરખીઓથી વારંવાર ઈશિતાના કેશ તેના ચહેરા પર આવી જતા હતા.
આદિત્યને પ્રસાદ આપતાં ઈશિતા બોલી,

‘આદિ, મને યાદ છે ત્યાં સુધી, હું નાની હતી ત્યારથી મમ્મી મને દરેક સોમવારે આ મંદિરે લઈને અચૂક આવતી. અને એ પ્રણાલિ મેં આજ સુધી જાળવી રાખી છે. અને અંત સુધી જાળવી રાખું એવી આ એક જ અનંત ઈચ્છા છે. ખબર નહીં પણ સમજણ આવી ત્યારથી જ આ જગ્યા સાથે મને ખુબ જ લગાવ છે. હું જયારે ખુબ જ ખુશ હોઉં કે ખુબ જ અપસેટ હોઉં, ત્યારે અહીં આવીને મારી ફીલિંગ્સ શિવલીંગ જોડે શેર કરું. અને મને ભીતરમાં લીટ્રલી એવું ફીલ થાય છે કે મારો ભોળિયો નાથ મને સાંભળે છે.’
આદિત્યની સામે જોઇને આટલું બોલતાં ઈશિતા એકદમ જ ભાવુક થઈ ગઈ.


એટલે આદિત્ય બોલ્યો,
‘એટલે જ મારે ઈશ્વરને કોઈ અરજી કરવાની હોય તો, હું તને કહી દઉં. કેમ કે તારે ડાયરેક્ટ કોન્ટેક છે. તો તારી સિફારિશથી મારું કામ જલ્દી પતી જાય ને.’

‘ના, એવું નથી, મહાદેવે એમ કહ્યું કે, તને તકલીફ ન પડે એટલે આદિત્યને મારા પ્રતિનિધિ તરીકે તારી પાસે મોકલ્યો છે. સમજ્યો?’ વાળ ઉડીને ચહેરા પર ન આવે એ રીતે દુપટ્ટો માથાં પર બાંધતા ઈશિતા બોલી.

‘એક મિનીટ હું અજીતને કોલ કરી લઉં. પછી આપણે વાત કરીએ’ તેનાં પર્સમાંથી મોબાઈલ કાઢતાં ઈશિતાએ કહ્યું,

ઈશિતાએ અજીતના નંબર પર કોલ કર્યો પણ બીજી જ સેકંડે કોલ કટ થઈને રીપ્લાઈ ઓટો ટેક્સ મેસેજ આવ્યો.. ‘કોલ યુ લેટર..’
એટલે ઈશિતા સમજી ગઈ કે તે ઓનલાઈન કોઈ ક્લાસમાં બીઝી હશે.

‘હા, હવે બોલ શું છે તારો એક્સ્ટ્રા ક્લાસ?' ગોગલ્સને ઝભ્ભાના પોકેટમાં મુકતા આદિત્યએ પૂછ્યું.

‘આદિ, મેં નોટ કર્યું કે ગઈકાલથી તારો ટોન ચેન્જ થઈ ગયો છે. તું ગર્ભિત ભાષામાં મારી જોડે કેમ વાત કરવા લાગ્યો છે? તું મારી જોડે નિસંકોચ વાત ન કરી શકે?’
ઈશિતાએ ગંભીર થતાં પૂછ્યું.

‘ના, એવું નથી ઈશિતા, પણ ગઈકાલ સુધી મને એવો ઘમંડ હતો કે તારી કોઈપણ ખુશી કે નાખુશી પર તારાં પરિવાર પછી હું પ્રથમ અધિકારનો અધિકારી છું, પણ..’
આદિત્યએ પણ ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો

આદિત્યને પ્રત્યુતર આપતાં ઈશિતા બોલી,

‘આદિ, અજીત સાથેનું મારું, પ્રણય સંબંધમાં બંધાઈ જવું એ એટલી સહજ કે સામાન્ય ઘટના નથી કે, જેને હું તને સાવ સામાન્ય વાતની જેમ કોલ કે મેસેજથી શેર કરી દઉં. સંબંધના એક પલડામાં મારો પ્રેમ સંબંધ અને બીજા પલડામાં આપણી મિત્રતા. બંનેના સમતોલનું સંતુલન એક જ સપાટીએ છે આદિ. અને એ આજીવન રહેશે.’

‘ઈશિતા, એક સેંકડ માટે હું તારી વાત માની પણ લઉં. પણ હવે મારે આપણી મિત્રતા પ્રત્યેની મર્યાદા પ્રત્યે સભાન રહેવું પડે. કેમ કે હવે તારા પર માત્ર તારો એકલાનો જ નહી પણ અજીતનો પણ એટલો જ હક્ક છે.’ આદિત્ય તેની મૂંઝવણ સમજાવતા કહ્યું.
‘આપણા મિત્રતાની મર્યાદા? તારી એ મર્યાદાનાં ગર્વના કારણે તો આ ઈશિતા દુનિયા સામે લડવા માટે તૈયાર છે, આદિ. મને તારા પર જેટલો ગર્વ છે, એટલો તો મને મારી જાત પર પણ નથી.’ ઈશિતાએ આદિત્યની વાતનો ઠોસ જવાબ આપ્યો.

‘એક વાત કહું ઈશિતા, દુનિયાની મને ખબર નથી પણ ખુદની વાત કરું, તો મારા માટે જિંદગીમાં જો કોઈ સૌથી પીડાદાયક પરિસ્થિતિ હોય તો એ છે..બે ખોળિયા એક જીવ જેવા સંબંધના ભાગલાં પડવા. મારા મતે કોઈ પણ લાગણીથી જોડાયેલા સંબંધનું સીમાંકન અસહ્ય જ નીવડે. પાર્ટીશન ઈઝ ઓલવેઝ પેઈનફુલ.’

‘એક વાત પૂછું આદિ? મારા અને અજીતના પ્રેમ સંબંધથી તું કેટલો ખુશ છે?’

‘મારી ખુશીની પારાશીશી, તારી ખુશી પર નિર્ભર છે. તું ખુશ છે બસ, મારા માટે એટલું જ પર્યાપ્ત છે.’ સ્માઈલ સાથે ઈશિતાની સામે જોઈને આદિત્ય બોલ્યો.

‘આદિ, હું અજીતને માત્ર પ્રેમ નથી કરતી, હું તેને જીવું છું, શ્વસું છુ. મેં મારા શ્વાસ અને વિશ્વાસનું અજીતમાં પ્રત્યારોપણ કર્યું છે. અજીતના નયનોમાં, શબ્દોમાં, મેં મારા પ્રેમને માણ્યો છે, જાણ્યો છે. અજીતના નિસંદેહ પ્રેમ પર મારો એકાધિકાર છે. મારી આ પ્રેમ પુંજીની પરિભાષાનો અનુવાદ હું તને કેમ કરીને સમજાવું? આદિ? આદિ, તારી સાથે મારી આ ફીલિંગ્સ શેર કરીને હું.. હું એટલી ભાવવિભોર અને આનંદિત છું કે..’’’
આટલું બોલતા સ્મિત સાથે ઈશિતા આંસુ સારવા લાગી.

આદિત્યને જે ક્ષણે ઈશિતા અને અજીતના પ્રણય સંબંધની જાણ થઈ હતી, ત્યારથી લઈને આદિત્યના દિમાગમાં તે બન્નેના ભવિષ્યને લઈને ચાલતાં વૈચારિક મનોમંથનના અંતે આવેલાં નિષ્કર્ષના સંવાદો આ ક્ષણે આદિત્યના હોંઠ સુધી આવ્યાં. છતાં ચુપચાપ ગળી ગયો... ઈશિતાનો ભરોસો કાયમ રાખવા માટે.


તેના માથા પર હાથ મુકતા આદિત્ય બોલ્યો.
‘અરે, પગલી. તારા આ શબ્દો સાંભળીને આજે હું જે ધન્યતા અનુભવું છું, તેના માટે મારી પાસે શબ્દો નથી. આજે તેં, આપણી મિત્રતાને નવો આયામ આપીને જે એક ગોરવપૂર્ણ ઉંચાઈ બક્ષી છે, તેના માટે કદાચને મારું જીવન સમર્પિત કરું તો પણ ઓછુ પડશે.’


‘આજે દિવસ પણ કેટલો સરસ છે ને આદિ, હું અને અજીત પ્રેમ સંબંધમાં જોડાયા પછીનો આ પહેલો સોમવાર છે. જેને હું સૌથી વધું માનું છું એ મિત્ર અને મહાદેવ બન્ને મારા પ્રેમના સાક્ષી છો.’

ઈશિતા બેહદ ખુશ હતી. તેનાં પ્રફુલ્લિત ચિત્તની, ખુશીની રેખાઓ તેનાં ચહેરા અને આંખોમાં સાફ નજર આવતી હતી.

અજીતનો ફરી મેસેજ આવ્યો કે તે કોલેજ નહીં આવે. કામ પતાવીને કોલ કરશે.
તેના કલાક પછી ઈશિતા અને આદિત્ય છુટ્ટા પડ્યા.

કલાકો, દિવસ પર દિવસ પસાર થતાં થતાં આજે અજીત અને ઈશિતા એકબીજાના પ્રણય સંબંધમાં બંધાયાના ત્રણ મહિનાનો સમયગાળો, બન્નેએ એક એક દિવસ એટલાં પ્રચુર રોમાંચ સાથેના રોમાન્ટિક વાતવરણમાં, પરસ્પરનાં સાનિધ્યમાં વિતાવ્યા કે જાણે હજુ ગઈકાલની જ વાત હોય!

ત્રણ મહિના પછી,
શુક્રવારની એક સાંજે .. ઘૂઘવતા અને ઉછળતા અથાગ અરબી સમુદ્રની સામે, મરીન ડ્રાઈવની પાળ પર, અસંખ્ય સહેલાણીઓની વચ્ચે ઈશિતા, અજીતના ખભા પર માથું ઢાળી, હાથમાં હાથ પરોવીને ચૂપચાપ ક્ષિતિજના, અંત સુધીની તેની પ્રણય સફરની કલ્પનામાં ડૂબવા જઈ રહેલા, સિંદુરી સંધ્યાના સૂરજની સાક્ષીએ, સ્વયં પણ અજીતના ગળાબૂડ પ્રેમની અનન્ય અનુભૂતિ સાથે સૂર્યાસ્તના નજારાનો આનંદ ઘૂંટી રહી હતી.

ત્યારે અજીત બોલ્યો,
‘ઈશિતા, મેં આપણાં ફ્યુચર પ્લાન માટે એક યુનિક આઈડિયા ઘડી કાઢ્યો છે. મેં પહેલેથી જ એવું વિચારી રાખ્યું હતું કે એક સારા એવા સ્ટેટ્સની લાઈફ માટે હું લોંગ ટાઈમ સ્ટ્રગલ નહી કરું. મારે નેક્સ્ટ દસ વર્ષમાં લાઈફને એ સ્ટેજ પર લઈને સેટ કરવી કે...એ પછી હું... ઓહ, સોરી આપણે બન્ને લાઈફને જસ્ટ એન્જોય જ કરીએ.’

અજીતના વિચારો પ્રોપરલી ઈશિતાની સમજમાં ન આવતાં આશ્ચર્યના ભાવ સાથે, તે અજીતના ચહેરા સામે જોઇને બોલી.

‘અજીત, તું હમણાં એમ બોલ્યો કે.. પહેલેથી, મતલબ ક્યારથી? અને આઈ થીંક કે તું નિયતિને ઓવરટેક કરવાની વાત કરે છે? અને એક વાત કહું અજીત.. સફળતાનો કયારેય કોઈ શોર્ટ કટ નથી હોતો. એ વાત યાદ રાખજે.’

‘અરે.. પહેલેથી મતબલ જયારે હું ફર્સ્ટ ટાઈમ મુંબઈ આવ્યો ત્યારે. અને ઈશિતા તેમાં ખોટું પણ શું છે? કંઈક બનવા માટે આખી દુનિયા દોડે છે. અને હું મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કઈ પણ કરવા તૈયાર છું. કિસ્મત બનાવવી પડે ઈશિતા.’

થોડી વાર અજીત સામે જોયા પછી ઈશિતા બોલી,
‘અજીત, તારી આ મહાન મહત્વાકાંક્ષાના મહાગ્રંથમાં “હું" શબ્દ કેમ આવે છે? ‘આપણે’ શબ્દ કેમ નથી આવતો?’ એ કહીશ મને? અને જરા મને તારા એ યુનિક આઈડિયાનો ડેમો બતાવીશ?’

ઈશિતાની વાતનો જવાબ આપતાં અજીત બોલ્યો,
‘અરે..ઈશિતા, આપણે અલગ છીએ? કેવી વાત કરે છે તું તો યાર?'

‘હું નહી તું.. તારી વાતો, સમજ્યો? અને ‘તું’ અને ‘હું’ માંથી હવે બન્ને આપણે થયાં, એટલે તારા કોઈપણ ફ્યુચર પ્લાનની મને જાણ હોવી જ જોઈએ.’
સ્હેજ નારાજ થતાં ઈશિતા બોલી,

‘પણ ઈશિતા...’ આટલું બોલીને અજીત ચુપ થઈ ગયો.
એટલે ઈશિતાએ પૂછ્યું,

‘હેય.. ક્યા હુઆ? એનીથિંગ સીરીયસ?'

‘આ મારો ફ્યુચર પ્લાન તું મારી લાઈફમાં આવી તે પહેલાંનો છે, અને તે મારી લાઈફનો ગોલ પણ છે. અને... હવે એ તેની શરુઆત થવા જઈ રહી છે.’
અજીત સ્હેજ ગંભીર થતાં અજીત બોલ્યો.

‘અજીત ડોન્ટ ક્રિએટ એની સપ્પેન્સ, ટોક ક્લીયરલી પ્લીઝ.’ ઈશિતાને અજીતની વાતો પરથી કંઈક શંકા આવવા લાગી.

‘ઈશિતા, સસ્પેન્સ નહીં, સરપ્રાઈઝ.’ સ્માઈલ સાથે ઈશિતાની આંખોમાં જોતા અજીત બોલ્યો.
‘અજીત, મારું દિલ અને દિમાગ ડાયજેસ્ટ કરી શકે એટલું જ સરપ્રાઈઝ આપજે.’
વધતાં ધબકારા સાથે ઈશિતાએ કહ્યું.

ઈશિતાના બન્ને હાથની હથેળી તેના હાથમાં લઈ ઈશિતાની આંખોમાં જોઈને અજીત બોલ્યો,
‘ઈશિતા, હું આપણી ભવિષ્યની સ્વપ્નનગરીનો પાયો નાંખવા જઈ રહ્યો છું’
‘ક્યાં?’ એક ડર સાથે ઈશિતાએ પૂછ્યું
‘અમેરિકા.’
અજીતના માત્ર આ એક એકાક્ષરી શબ્દના પ્રત્યુત્તરે, ઈશિતાના સમગ્ર અસ્તિત્વને એટલી હદે હચમાચવી મુક્યું કે..સામેના અફાટ અરબી સમુદ્રના ઘૂઘવતાં તોફાની મોજાંનો ઘોંઘાટ પણ તેના ભીતરના ચિત્કાર સામે વામણો લાગતો હતો.
ઈશિતાના શરીરમાંથી એક ઝીણી કંપારી પસાર થતાં તેને એવો ભાસ થયો કે એક ક્ષણ માટે તે ધબકારો ચુકી ગઈ. તેને એમ થયું કે કંઈક સાંભળવામાં કે સમજવામાં તેની ભૂલ થઈ છે. એટલે હિંમત એકઠી કરીને ફરી પૂછ્યું.

‘અજીત.. તું મજાક કરે છે ને?’ તું અમેરિકા જવાનો? આર યુ મેડ?’

‘ઈશિતા, ઇટ્સ નોટ જોકિંગ. આઈ એમ સીરીયસ. હું ખરેખર અમેરિકા જઈ રહ્યો છું ઈશિતા.’
ક્ષણમાં થીજી ગઈ ઈશિતા. દડ..દડ.. કરતાં અશ્રુઓની સરવાણી ફૂટી પડી.. તેણે તેના દુપટ્ટાથી તેનું મોઢું દબાવી અને પીઠ ફેરવીને થોડે દુર જતી રહી. માત્ર અજીતની અનુપસ્થિતિની કલ્પના માત્રથી જાણે કે ઈશિતાના પગ તળેથી જમીન ખસકી ગઈ.
અજીત એ, ઈશિતા માટે ફક્ત નામ નહતું તેનાં ધબકારાનો ધણી હતો. તેનાં આત્મવિશ્વાસની આધારશીલા હતી.
બે મિનીટ સુધી ચૂપ રહ્યાં પછી, અજીત તરફ પીઠ કરીને ઉભેલી ઈશિતાના બન્ને ખભા પર હાથ મુકતા કહ્યું,
‘ઈશિતા, હું એક બહેતર જિંદગીની શરુઆત કરવા જઈ રહ્યો છું, તે વાતને લઈને તું ખુશ નથી?’ હું તને દુનિયાની હરેક એશો આરામની જિંદગી આપવાં માગું છું. હું તને દુનિયા બતાવવા માગું છું. હું તને....’ હજુ અજીત એક શબ્દ પણ આગળ બોલે તે પહેલાં ઈશિતા ફરીને સ્હેજ ઊંચા આવજે બોલી..

‘હું.. હું.. હુ.. અને બસ.. હું.. તો પછી તારી લાઈફમાં ‘હું’ ક્યાં છું અજીત? તારા સપના, તારી આકાંક્ષા, તારી એમ્બીશનસ, તારી સ્ટેટ્સવાળી લાઈફ પણ, “હું” ક્યાં છું? લાઈફનું આટલું મોટું મેજર ડીસીઝન લેતા પહેલાં, તેં એક સેકંડ માટે પણ મારો વિચાર કર્યો? કે તારી ગેરહાજરીના ઈમેજીનથી મારા પર શું વીતશે? ક્યાંક સૌથી મોંઘેરા અને કયાંય સૌથી મામુલી તારા ‘આઈ લવ યુ’ શબ્દ સાથે મને જોડતા પહેલાં એક વાર મારાં સપનાં વિષે વિચાર્યું હતું? મને શું ખબર કે મારો પ્રેમ તારા ‘એ’ સ્ટેટ્સની લેવલ કરતાં કયાંય ઉતરતી કક્ષાનો છે. આ.. આ ‘આઈ લવ યુ’ શબ્દ જ ખોટો છે. જેમાં સહિયારા સાન્નિધ્યનું સ્નેહસભર આજીવન જોડાણ હોય ત્યાં “યુ’ કેમ? અને તારી બધી જ વાતમાં ‘યુ’.. ‘યુ’.. અને ‘યુ’ છે. ‘વી’ નથી, કેમ અજીત કેમ?
બસ અજીતની છાતી પર માથું મુકીને ઈશિતા રડતી રહી.
એ પછી બન્ને મોડે સુધી ચુપચાપ પાળ પર બેઠાં રહ્યા. હવે દરિયામાં પણ ઓટ આવતાં મોજાની તીવ્રતા નહીંવત અને પાણીની સપાટી, કિનારાથી કાફી દુર સુધી જતી રહી હતી, અને અંધારાના ઓળા પણ ઉતરી આવ્યાં હતાં. ઈશિતાની મનોવ્યથાનું તાદ્દશ ચિત્ર રજુ કરતા કુદરતના આ નજરાને જોઈને ઈશિતા આકાશ તરફ ભીની આંખે જોઈને મંદ મંદ હસતી રહી.


અજીતનો હાથ ઈશિતા તેના હાથમાં લેતા બોલી,
‘અજીત, તું નહીં પૂછે કે મારું સપનું શું છે?છતાં પણ નથી રહેવાતું એટલે કહી દઉં.
અને... તને નહીં કહું તો કોને કહીશ?
માત્ર બે જ સેકન્ડમાં ભાગી છુટવાની તૈયારીમાં... મુંબઈની લોકલ મેટ્રોમાં તારી હથેળીમાં હથેળી પોરવીને દોડીને ચડવાનું, ચિક્કાર વરસાદમાં મન ભરીને ભીંજાતા ભીંજાતા, રોડના કિનારે આવેલી કોઈ ચાઈની ટપરી પર એક જ કુલ્હડમાંથી તને આંખ મારતાં ચાઈ પીવાનું, મને સાજ, શણગાર માટે સોનાનો હાર નહી, મારા ગળા ફરતે વીંટળાયેલા તારા હાથનો સાથ જોઈએ. હું સિદ્ધિવિનાયક, ઈશ્વરના નહીં તારા દર્શન માટે આવું છું. મને સ્કોડા કે સુઝુકીમાં નહી, ઘંટડીવાળી સાયકલમાં, તારી પાછળ બેસીને મરીન ડ્રાઈવ પર ચક્કર લાગવવો છે. મને તારી જોડે ટાઈમ સ્ક્વેર પર જઈને બર્ગર કે પિત્ઝા ખાવા કરતાં ત્રણસો સ્ક્વેર ફીટના વન બી.એચ.કે.માં હાફ વડાપાઉં શેર કરવામાં વધુ ખુશી મળશે. બસ, અજીત એક તારા સાથ સામે મને સંસારના સૌ સુખ પામર લાગે છે. અને તું... ‘

ખોંખારો ખાઈને ગળું સાફ કરતાં અજીત બોલ્યો.

‘ઈશિતા, જેટલો પ્રેમ તું મને કરે છે, તેટલો જ પ્રેમ હું મારા ગોલ અને મારા એચિવમેન્ટ્સને કરું છું. તારી બધી જ વાત સાચી. કબૂલ. આજની દુનિયામાં બેટર એન્ડ બેટર લાઈફ માટે કોણ પરિશ્રમ કે સંઘર્ષ નથી કરતું? જે હું અહીં ઇન્ડિયામાં ૨૫ વર્ષ મહેનત કરીને પણ હાંસિલ નહીં કરી શકું, એ હું અમેરિકામાં માત્ર પાંચ જ વર્ષમાં કરી બતાવીશ. અને ઘણું બધું મેળવવા માટે કંઈક તો ગુમાવવું પડે ને.’

‘મારી પાસે ગુમાવવા માટે તારી સિવાય કશું નથી અજીત.’ અજીતની આંખોમાં જોઇને ઈશિતા બોલી,
‘પણ, ઈશિતા, હું ક્યાં હંમેશ માટે જાઉં છું?'
‘તું જાય છે, એ વાત જ મારાં માટે કોઈ આઘાતથી કમ નથી. તેં ફાઈનલ કરી જ લીધું છે?’
‘હા.’
‘કયારે ?’
‘નેક્સ્ટ સન્ડે.’
ઈશિતાએ તેની બંને હથેળીઓથી તેનો ચહેરા ઢાંકીને, માથું ઢાળી દીધું.

જાણે કે ઈશિતાની ભીતર છલકાતો શાંત સ્નેહ સરોવરનો બાંધ અચાનક કોઈ મોટી તિરાડ પડવાના કારણે જે રીતે તૂટીને આંખના પલકારામાં સઘળું સર્વનાશ કરીને શાંત થઈ જાય, કંઇક એવી અનુભૂતિ સાથે ઈશિતા ભીતરથી ભાંગી પડી.’

ભીનાં ગાલને દુપટ્ટાથી લુંછતા ઈશિતા બોલી.
'મને એટલું કહીશ કે..
‘ઈશિતામાં અજીત ક્યાં નથી...? અને અજીતમાં ઈશિતા ક્યાં છે.. ?


-વધુ આવતાં અંકે...

© વિજય રાવલ

'મૃત્યુનું મધ્યાંતર ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.