કલાકાર ભાગ – 20
લેખક – મેર મેહુલ
આરાધનાએ મને સુરતનાં એક કમજાત, સુંવર, હરામી, વણસી ગયેલાં બુટલેગર વિશે માહિતી આપી હતી. મારું કામ જ આ હતું. માહિતીનાં સોર્સ ફિક્સ નથી હોતાં, જ્યાંથી માહિતી મળે, ત્યાંથી મારું કામ શરૂ થઈ જતું. મેહુલસરે મને એ માટે જ દુનિયાની નજરથી છુપાવીને રાખ્યો હતો. મારું નામ જ માફિયાઓને ધ્રુજાવવા કાફી હતું. જે લોકો મારાં વિરુદ્ધ સાજીશ રચતાં હતાં તેઓને સ્મશાન સુધી પહોંચાડવા માટે મને છૂટ મળી હતી. મને રોકવવાવાળું કોઈ જ નહોતું.
આરાધનાએ માહિતી આપી હતી એ મુજબ,
‘સાંજે પાંચ વાગ્યે મીટિંગ શરૂ થવાની હતી, મિટિંગ એક કન્ટ્રક્શન બિલ્ડીંગમાં થવાની હતી. ગુજરાતનાં મોટાં ભાગના માફિયાઓ આ મીટીંગમાં જોડાવવાનાં હતાં. મારાં સુધી કેવી રીતે પહોંચવું એની ચર્ચા થવાની હતી’
મારી પાસે સારો એવો મોકો હતો, એક જ વારમાં મૂળ ઉખેડી હું એ લોકોનું નામોનિશાન મિટાવી દેવા માંગતો હતો. મેં ફરી પ્લાન બનાવ્યો, આરાધના દ્વારા મારાં સુધી કેવી રીતે પહોંચવું એ કાજલને જણાવી દેવામાં આવ્યું. મારો ટિમ સાથે હું તેઓનું સ્વાગત કરવા આતુર હતો.
ચાર વાગ્યે નક્કી કર્યા મુજબ બિલ્ડીંગ બહાર ગાડીઓ આવવા લાગી, ધીમે ધીમે બધાં જ બિલ્ડીંગનાં ચોથા માળે એકઠા થવા લાગ્યાં. અમે બાજુની બિલ્ડીંગ પરથી બધું જોઈ રહ્યા હતાં. અહીં પણ બાદશાહને જેમ ખતમ કર્યો તે જ કામ કરવાનું હતું. સાડા પાંચ થયાં ત્યાં સુધીમાં મીટિંગ શરૂ થઈ ગઈ. મારી એન્ટ્રી માટે આ શ્રેષ્ઠ સમય હતો.
“હું અંદર જાઉં એટલે તમે કામ પર લાગી જજો” કહી હું એ બિલ્ડીંગ ઉતરી ગયો. જે બિલ્ડીંગમાં મિટિંગ ચાલતી હતી તેની બહાર થોડાં માણસો પહેરો આપી રહ્યાં હતાં. હું તેઓની પાસે જઈને ઉભો રહ્યો.
“કોડ વર્ડ ?” કોઈએ પુછ્યું.
“ચકલી” મેં હસીને કહ્યું.
“ખોટો છે” એક વ્યક્તિએ મારા પર રિવોલ્વર તાંકી, “કોણ છે તું ?”
“A.K.” મેં બંને હાથ ઊંચા કરીને કહ્યું, “તમે લોકો જેને મારવા માટે મિટિંગ કરો છો એ વ્યક્તિ હું જ છું, હું એક ડિલ કરવા આવ્યો છું. મને અંદર જવા દો”
“એક મિનિટ” કહેતાં એક વ્યક્તિએ કોઈને કૉલ લગાવ્યો. કૉલ પર વાત પૂરી થઈ એટલે મને અંદર જવા ઈશારો કર્યો.
“તમે પણ ચાલો મારી સાથે, જેનાં લીધે તમને અહીં ઊભા રાખવામાં આવ્યા હતા એ તો તમારી સાથે જ છે તો અહીં ઊભા રહીને શું ફાયદો છે ?, અંદર હું જે ડિલ કરવા જઈ રહ્યો છું એમાં તમને પણ હિસ્સો મેળવો જોઈએ”
“શાણો માણસ જણાય છે, આપણાં માટે પણ વિચારે છે, ચાલો ચાલો”
બધા મારી સાથે બિલ્ડીંગનાં માળ ચડવા લાગ્યાં. ચોથે માળે પહોંચ્યા ત્યાં બધાં જ દાદર તરફ રિવોલ્વર તાંકીને મારા સ્વાગત માટે ઉભા હતા.
“આ શું ?, હું તમારાં ફાયદાની વાત કરવા આવ્યો છું અને તમે મને રિવોલ્વર બતાવો છો ?” મેં ચહેરા પર આશ્ચર્યનાં ભાવ રાખીને કહ્યું.
“અહીં શા માટે આવ્યો છે ?”
“મને ખબર છે તમે કોઈ માફિયાકિંગ નથી, તમે તેઓની નીચે કામ કરતાં માણસો છો. મારાં ડરને કારણે તેઓએ તમને મોકલ્યાં છે અને આ વાત તમને કોઈને ખબર નથી” મેં હસીને કહ્યું.
મારી વાત સાંભળીને બધા એકબીજા સામે જોવા લાગ્યાં. મારી વાત સાચી હતી, મને આરાધનાએ આ વાતની જાણ બે દિવસ પહેલાં જ કરી દીધી હતી.
“ડિલ શું છે ?”
“ડિલ સિમ્પલ છે, તમે લોકો અપરાધી નથી. અપરાધી એ લોકો છે જેણે તમને અહીં મોકલ્યાં છે. મને તેઓનાં વિશે જણાવી દો, એનાં બદલામાં તમે અહીંથી જીવતા પાછા જઈ શકશો”
“હાહાહા, તું અમારી સામે હથિયાર વિના ઉભો છે અને અમને જીવનદાન આપવાની વાત કરે છે ?” એક વ્યક્તિએ અટહાસ્ય કરતા કહ્યું.
“કોણે કહ્યું મારી પાસે હથિયાર નથી ?, મારાં માણસોએ પુરી બિલ્ડીંગમાં બૉમ્બ લગાવેલા છે. જો હું પાછો ના ગયો તો દસ મિનિટમાં આ પુરી બિલ્ડીંગ બ્લાસ્ટ થઈ જશે. તો જીવ બચાવવો હોય તો વારાફરતી પોતાનાં માલિક વિશે જાણકારી આપી દો”
“હું તૈયાર છું”એક વ્યક્તિ આગળ આવ્યો, “ મારે કમોતે નથી મરવું, હું જામનગરનાં માફિયાકિંગ અણવરનો ખાસ માણસ છું, જામનગરમાં તેનાં ચાર દારૂના અડ્ડા છે, બે હોટલમાં સેક્સ રેકેટ ચાલે છે અને મામલતદાર સાથે મળીને એ જમીનો પડાવી ઊંચા ભાવે વેચે છે…હું જેટલું જાણતો હતો એટલું તમને જણાવી દીધું, હવે હું જઈ શકું ?”
મેં સ્મિત કર્યું અને દાદર તરફ ઈશારો કર્યો. એ વ્યક્તિ દોડીને પગથિયાં ઉતરવા લાગ્યો.
“હું પણ તૈયાર છું” બીજો વ્યક્તિ આગળ આવ્યો.
“એક મિનિટ” કહેતાં મેં મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું, “હવે બોલ”
વારાફરતી બધા જ માણસોએ પોતાનાં માલિક વિશે જેટલું જાણતાં હતાં તેની માહિતી આપી દીધી.
“હવે અમે જઈ શકીએ ?” બધાં એક સાથે બોલ્યાં.
“તમે અત્યારે મિટિંગ શરૂ રાખો, હું જ થોડીવારમાં જઉં છું. કોઈના પણ માલિકનો ફોન આવે તો પ્લાન મુજબ બધું થઈ રહ્યું છે એમ જ કહેજો. સમય થાય એટલે મિટિંગ પુરી કરી પોતપોતાની રીતે નીકળી જજો. જો કોઈએ અત્યારે બનેલી ઘટનાં વિશે કોઈને કહ્યું છે તો બધાના ચહેરા રેકોર્ડિંગમાં આવી ગયાં છે, એકને કારણે બધાને મરવું પડશે એટલે સલાહ સમજો કે ધમકી, આપણા વચ્ચે થયેલી આ વાતો પોતાનાં માલિક સુધી ના પહોંચે તેનું ધ્યાન તમારે રાખવાનું છે”
બધાએ હકારમાં માથું ધુણાવ્યું.
“ગુડ, હવે હું જઉં છું, કોઈ ચાલાકી નહિ કરતાં નહીંતર…બુમ….” હાથ વડે ઈશારો કરી હું પગથિયાં ઉતરવા લાગ્યો. નીચે આવ્યો તો મારી ટિમે પોતાનું કામ પૂરું કરી દીધું હતું.
“ચાલો, ગાડી કાઢો..આપણે બની શકે એટલું દૂર નિકળવાનું છે” મેં કહ્યું. એક ઑફિસર કાર લઈને આવ્યો એટલે અમે બધાં એ જગ્યા છોડીને નીકળી ગયાં.
“રિમોર્ટ ?” મેં પુછ્યું.
એક ઑફિસરે મને રિમોર્ટ આપ્યું. થોડે દુર જઈને કાર થોભાવી અમે બહાર આવ્યા. ત્યાંથી બિલ્ડીંગનો એક હિસ્સો નજરે ચડતો હતો. મેં રિમોર્ટની કી દબાવી તેની સાથે જ નીચે લગાવેલા બૉમ્બ મોટાં ધમાકા સાથે બ્લાસ્ટ થયાં. થોડીવારમાં બિલ્ડીંગ ઢગલો થઈ ગઈ.
“ તમે બધાં જ મિશન આટલી સરળતાથી કેવી રીતે પુરા કરી શકો છો સર ?” એક ઑફિસરે પૂછ્યું.
“ખબર નહિ” મેં કહ્યું, “ આપોઆપ બધું થઈ જાય છે”
“ચાલો હવે નીકળીએ” મેં કહ્યું. હું કારનો દરવાજો ખોલીને અંદર બેસવા જતો હતો ત્યાં જ મારાં ડાબા હાથની ભુજામાં એક ગોળી પેસી ગઈ. એ ગોળી પેલાં વ્યક્તિએ મારી હતી જેને મેં બિલ્ડીંગમાંથી જવા દીધો હતો.
“જીવતો જોઈએ છે” મેં ભુજા પર હાથ દબાવીને કહ્યું.
પેલો વ્યક્તિ દોડવા લાગ્યો, ઑફિસરો પણ તેની પાછળ દોડ્યા. થોડે દુર જતાં એ વ્યક્તિને દબોચી લેવામાં આવ્યો. આમ તો મિશન પૂરું જ થયું હતું પણ એક વ્યક્તિને જીવતો છોડ્યો તેનું પરિણામ મને ઘાવ સ્વરૂપે મળ્યું હતું. જે ઘણીબધી સમસ્યાઓને આમંત્રણ આપવા માટે આધારભૂત બનવાનું હતું.
(ક્રમશઃ)
નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.
મેર મેહુલ
Contact info.
Whatsapp No. – 9624755226
Instagram - mermehul2898