આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ શોપિંગ પૂર્ણ કરી દિશા અને રુચિ સાથે કાર લઈને શહેરની ભીડ ભાડથી દૂર શાંત વાતાવરણ તરફ ગાડી હંકારી રહ્યો હતો. રુચિને નિખિલના સરપ્રાઇઝની ખબર પડી ગઈ હતી. કાર ''ટી પોસ્ટ દેશી કેફે'' ઉપર આવીને ઊભી રહી. દિશા આ જગ્યાએ પહેલીવાર આવી હતી. ત્રણેય ''ટી પોસ્ટ''માં દાખલ થાય છે. ત્યાંનું વાતાવરણ અને બેઠેક વ્યવસ્થા ખૂબ જ સરસ હોય છે. ત્યાં લટકાવેલા ફાનસ જોઈને ગામડાં જેવો અનુભવ થતો હતો. દિશા, રુચિ અને નિખિલ એક ટેબલ ઉપર બેઠા. બાજુમાં કોલેજ ગ્રુપમાં ગિટારની રમઝટ ચાલે છે. પાછળ પચાસ વટાવી ચુકેલું કપલ પણ જોવા મળે છે. નિખિલ ઓર્ડર આપવા માટે કહે છે. રુચિ કેપેચીનો અને સમોસા ઓર્ડર કરવાનું કહે છે. નિખિલ એ લેવા જતા જ રુચિ દિશાને એકાંત વિશે પૂછે છે. દિશા એકાંત વિશેની બધી જ વાત રુચિને જણાવે છે. રુચિ પણ જવાબમાં આ બધાને ટાઈમપાસ જ સમજાવી દે છે. દિશાને પણ એક અંશે રુચિની વાત યોગ્ય લાગે છે. નિખિલ આવતા જ બંને વાત કરવાનું બંધ કરે છે. નિખિલ થોડીવાર બેસીને બાજુમાં રહેલા ગિટાર ગ્રૂપમાં જઈને ગિટાર વગાડવા લાગે છે. નિખિલને ગિટાર વગાડતો જોઈ રુચિ અને દિશા બંને હસે છે... હવે જોઈએ આગળ......!!!
સમર્પણ - 24
ટી પોસ્ટમાં રુચિ અને નિખિલ સાથે વિતાવેલા સમયથી દિશાના ચહેરા ઉપર થોડી હળવાશ હતી. પરંતુ રુચિ સાથે થયેલી એકાંત વિશેની વાતચીતથી થોડી ડિસ્ટર્બ પણ હતી. રાત્રે મોબાઈલ હાથમાં લઈને જોયું, તો એકાંતના મેસેજની નોટિફિકેશન હતી, છતાં આજે એ ખોલીને જોવાનું મન એને ના થયું. મન માં જ વિચાર્યું, ''રુચિ ની વાત ખરેખર સાચી જ છે, અને આ ઉંમરે હવે આવા સપના શું કામ જોવા? આ સંબંધ અહીં જ અટકી જાય તો સારું. થોડો સમય લાગશે પણ ફરી મારુ રૂટિન પણ ગોઠવાઈ જશે.... (છાતીમાં કંઈક ખેંચાયું) ...એકાંત વગર ???''
ફરી જાતને સમજાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા, ': ''હા, એના વગર જ તો, ઓનલાઈન સંબંધ ક્યારેય સુખદ પરિણામ પામતા નથી. તો આવી લાગણીઓમાં તણાઈને જાણી જોઈને શું કામ દુઃખ વહોરવું ? આ ઉંમરે કોઈનું રમકડું બનવા કરતાં થોડું મક્કમ થઈ બધું ભૂલી જવામાં જ શાણપણ છે.'' જાતને સમજાવવામાં જ આંખ લાગી ગઈ.
સવારે એણે મોબાઈલ હાથમાં લીધો, નોટિફિકેશનની સાથે એક મિસ્ડ કોલ પણ હતો, ફરી વિચાર્યું, ''હવે એના મેસેજ ખોલીશ જ નહીં કે જવાબ આપવો પડે.'' પરંતુ થોડી જ વારમાં દિશાથી યંત્રવત્ એકાંતના મેસેજ ખુલી જ ગયા, "દિશા, હું બધી જ રીતે તારો સાથ આપવા માટે તૈયાર છું, ભલે અત્યારે તને મારી વાત ઉપર વિશ્વાસ નહિ બેસે, પણ જોજે.. સમય જતાં તું પણ કહીશ, કે તારા જીવનમાં એક વ્યક્તિ એવું છે જે તને નિઃસ્વાર્થ ચાહે છે. હું તારી દરેક પરિસ્થિતિને સમજી શકું છું, પણ એકવાર મેં તને કહ્યું એના વિશે વિચારી લેજે. કારણ કે એકલા જિંદગી નથી જીવી શકાતી. જીવનમાં કોઈનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે."
દિશાને રુચિ સાથે થેયેલી ગઇકાલની વાત યાદ આવી. એને પણ એમ જ વિચાર્યું કે સંબંધો સ્વાર્થના જ હોય છે, અને એકાંતને જવાબ આપવાનું ટાળ્યું.. બે દિવસ સુધી આમ જ ચાલ્યા કર્યું. એકાંતના મેસેજ થોડા-થોડા સમય મોબાઈલમાં ડોકિયું કરી રહ્યા હતા.,
"એક ફિલ્મના એક ડાયલોગમાં કહ્યું છે કે "જવાબ ના મળવો એ પણ એક જવાબ જ છે ! પરંતુ હું એ વાત નથી માનતો. તારા જવાબ ના આપવાનું કારણ પણ હું સમજી શકું છું, તારા જવાબની રાહ નથી જોતો એમ તો નહીં કહું, તારા જવાબ ના આવવા ઉપર મને ગુસ્સો પણ નથી આવતો. એકવાત મેં બરાબર સમજી લીધી છે કે મજબૂરી આગળ બધું જ ધૂળ ધાણી છે. હું તારી મજબૂરીને સમજુ છું. પણ વાત કરવાથી જ કોઈ નિર્ણય લઈ શકાશે. મારી વાતોનો જવાબ હમણાં ભલે ના આપે, પણ થઈ શકે તો મારી સાથે વાત કરજે."
દિશાને સમજાઈ રહ્યું નહોતું કે શું કરવું, એકાંતની લાગણી સાચી કે ખોટી હોઈ શકે, પણ તેની વાતો સાંભળીને હૈયું પીગળી જાય તેમ હતું. છતાં પણ દિશાએ મન મક્કમ રાખ્યું.. દુનિયા તેણે પણ જોઈ હતી. અને એટલો સરળતાથી કોઈ ઉપર વિશ્વાસ કરવામાં તે માનતી નહોતી. એક ક્ષણ માટે તો દિશાને મનોમન ખુશી પણ થાય છે કે જીવનના આટલા વર્ષો એકલતામાં વિતાવ્યા પછી આવી રીતે કોઈ નિઃસ્વાર્થ ભાવે સંબંધ નીભાવવા વાળું કોઈ મળ્યું હતું, પણ રુચિએ કહેલી વાત પણ સાચી હતી. આજના સમયમાં કોઈ ઉપર વિશ્વાસ કરવો એટલો સરળ નથી હોતો. અને એમાં પણ આ ઓનલાઈન સંબંધો ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય ?
દિશાએ મોબાઈલને બાજુ પર જ રાખી દીધો. એકાંતના મેસેજ વાંચતી પણ તેને જવાબ નહોતી આપતી. થોડા દિવસો એમ જ વીતી ગયા. પણ એકલતા દિશાને કોરી ખાવા લાગી. છેલ્લાં થોડાં સમયથી એકાંત સાથે વાતો કરીને એને જે એકલતામાંથી નિજાત મળી હતી, એ હવે પાછી આવવા લાગી હતી. મનોમન તેને પણ વિચાર્યું કે "એકાંત મારી સાથે લાગણીથી બંધાઈ ગયો છે, પણ હું તો ફક્ત એની મિત્રતા જ ઝંખતી હતી, જીવનમાં આવી ક્ષણ પણ આવશે તેની કલ્પના સુદ્ધા પણ નહોતી. છતાં જે બન્યું છે એને નકારી શકાય એમ નથી, અને સામેના વ્યક્તિના દિલમાં લાગણી જન્મવી એ આપણા હાથમાં તો નથી જ. આ રીતે તેની સાથે વાત ના કરીને હું કોઈ ભૂલ તો નથી કરી રહી ને ? મેં તો એને ખોટા સપના નથી બતાવ્યા, પણ એણે મારા વિશે સપના જોઈ લીધા છે, મારે એને સમજાવવો જોઈએ અને એ મિત્રતાની રીતે જ હું એની સાથે વાત કરી શકીશ."
આમ વિચારીને દિશાએ મોબાઈલ હાથમાં લીધો અને એકાંતને મેસેજ કર્યો..
"જુઓ, હું તમારી ભાવનાને સમજી શકું છું, પણ તમે જે કહો છો તે મારાથી થઈ શકે તેમ નથી."
જાણે એકાંત પણ દિશાના મેસેજની રાહ જોઈ રહ્યો હોય એમ તેને પણ તરત જ જવાબ આપ્યો..
"દિશા, તારો જવાબ કોઈ પણ હોય સાથ ક્યારેય નહીં છૂટે, તારી જવાબદારી, અસમંજસ હું સમજી શકું છું, તું પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ હું કહું છું તું ભાગવા પ્રયત્ન ના કરીશ, જીવનમાં ક્યારેય તને મારા હોવા પર અફસોસ નહીં થાય એનું હું તને વચન આપું છું, તારી દરેક પરિસ્થિતિમાં, દરેક સમયમાં હું ઢળી જઈશ અને તું મારા જીવનનું અલ્પવિરામ નહીં પણ પૂર્ણવિરામ છે એ વાત પણ બરાબર સમજી લેજે."
દિશાએ પણ વળતો જવાબ આપતા કહ્યું : "તમારી લાગણીની કદર કરું છું, પણ જો મારાથી શક્ય હોત તો ક્યારેય ના ન કહેતી. પણ હું કરી શકું એમ નથી. તમે તમારા જીવનમાં આગળ વધો. હજુ તમારા જીવનની સફર શરૂ થઈ છે, તમને ઘણું સારું પાત્ર મળી જશે."
"પાત્ર સારું મળશે કે ખરાબ, એ તો કિસ્મતની વાત છે દિશા, પણ પાત્ર જો ગમતું મળે તો જીવવાનો આનંદ જ જુદો હોય છે. હજુ પણ તને કહું છું, વિચારી લે શાંતિથી મને કોઈ ઉતાવળ નથી, તું કહીશ તો હું વર્ષો સુધી તારી રાહ જોવા માટે પણ તૈયાર છું." તરત જ એકાંતે જવાબ આપ્યો.
દિશાએ પણ મક્કમ મને કહી દીધું : "જુઓ મેં તમને મારા તરફથી જે હતું એ સ્પષ્ટ જણાવી દીધું છે, હું તમને કોઈ અંધારામાં રાખવા નથી માંગતી કે ના તમને રાહ જોવડાવવા માંગુ છું, સામાન્ય મિત્રતા રાખવામાં મને કોઈ વાંધો નથી, પણ આ પ્રકારે હું તમારી સાથે વાત નહિ કરી શકું, તમે પણ આ વાત સમજી જાઓ તો ઘણું જ સારું છે."
દિશાનો જવાબ સાંભળીને એકાંત પણ કઈ બોલી શક્યો નહિ. ફક્ત "ઓકે"નો મેસેજ કર્યો.
જવાબમાં દિશાએ પણ "Good Night" કહીને વાત પૂર્ણ કરી.
દિશા ફોન બાજુ ઉપર રાખી દીધો. આંખો બંધ કરી અને બેડના ટેકે જ પગ લાંબા કરીને માથું ઢાળી દીધું. મનમાં તેને થયું કે હવે એકાંત વાત નહિ કરે, પરંતુ જે થયું તે યોગ્ય જ થયું છે.
વધુ આવતા અંકે !!!!