Samarpan - 23 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 23


આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ અને નિખિલ, દિશાને પોતાની સાથે બહાર લઈ જવાના હોય છે, નિખિલ આવતો હોવાથી રુચિ દિશાને તૈયાર થવા માટે કહે છે, પહેલા તો દિશા ના પાડે છે, પરંતુ રુચિ તેને બળજબરી પૂર્વક સાથે આવવા રાજી કરે છે. તૈયાર થતી વખતે પણ રુચિ અને નિખિલ તેના વિશેનો પણ વિચાર કરતા હોવાથી દિશા ખુશ થાય છે, પરંતુ અચાનક જ રુચિના લગ્ન પછી પોતે એકલી પડી જવાના ડરથી થોડી ઉદાસ થઈ જાય છે, રુચિનો અવાજ આવતા જ એ પાછી પરિસ્થિતિને સાચવી લેતા તૈયાર થઈને બહાર જાય છે. નિખિલ પણ સમયસર આવી પહોંચે છે, રુચિ નિખિલને ક્યાં જવાનું છે એમ પૂછે છે પરંતુ નિખિલ યોગ્ય જવાબ આપતો નથી, પહેલા તે એક જરૂરી કામ પૂર્ણ કરવાનું કહે છે. ગાડીમાં બેસતી વખતે પણ રુચિ અને નિખિલ વાતોમાં થોડી મસ્તી કરે છે, દિશાએ અમદાવાદના ના જોયેલા રસ્તાઓ ઉપર નિખિલ ગાડી હંકારે જાય છે, દિશાની નજર બારી બહાર જ હોય છે અને નિખિલ અને રુચિ વાતોમાં મશગુલ હતા. સિગ્નલ ઉપર ગાડી ઊભી રહેતા દિશાની આંખો સામે એક વૃદ્ધાશ્રમનું બોર્ડ દેખાય છે. તેમાં હિંચકે બેઠેલા એક દાદા અને દાદીની તસ્વીર પણ હોય છે. દિશાનું મન એ તસ્વીરમાં પરોવાય છે, સિગ્નલ ખુલતા ગાડી આગળ નીકળે છે તે છતાં પાછું વળીને તે બોર્ડને જોયા કરે છે. અને છેવટે તેના વિશે જાણવા માટે નિખિલને જ એ કયો વિસ્તાર છે તે પૂછી લે છે. નિખિલ એ વિસ્તાર વિશેની માહિતી આપે છે અને પૂછવાનું કારણ પૂછતાં દિશા તેને સામાન્ય જ્ઞાન માટે જેવો સંતોષકારક જવાબ આપે છે. ત્રણેય એક શોપિંગ મોલમાં ખરીદી કરવા જાય છે અને બપોરે હોટેલમાં જમી અને એકાંત ખાસ જગ્યાએ લઈ જવા માટે રસ્તા ઉપર ગાડી હંકારે છે, હવે જોઈએ આગળ.....!!!

સમર્પણ - 23

આગળનો વિસ્તાર શાંત જણાતો હતો.શહેરની ભીડભાડથી દૂર હાઇવે ઉપર ગાડી જઈ રહી હતી. રુચિ પહેલા પણ નિખિલ સાથે અહીં આવી ગઈ હોવાથી એ નિખિલનું સરપ્રાઈઝ સમજી ગઈ હતી.
દિશા રસ્તા ઉપર ઓછી થઈ રહેલી ઇમારતોને તો થોડી વાર નિખિલ અને રુચિના મીઠા જગડાને માણી રહી હતી. સામે એક મોટું ડિઝાઈનર બોર્ડ દેખાઈ રહ્યું હતું. "ટી પોસ્ટ - દેશી કેફે". રુચિએ ઉત્સાહમાં કહ્યું : "wow, મને ખબર જ હતી''
દિશાને કઈ સમજાયું નહીં એને ઉત્સાહવહ પૂછ્યું : "આ શું છે ? કેફે ? ખાલી ચા-કોફી પીવા આટલે સુધી આવે લોકો ? ''
''મમ્મી આ ''ટી પોસ્ટ '' છે. બહુ જ સરસ જગ્યા છે, અહીંયા બેસવાની બહુ મઝા આવે. તું ચાલ તો ખરી.'' રુચિએ દિશાને એક અલગ જ ખુશી સાથે જવાબ આપ્યો.
દિશાને હજુ એટલું કઈ સમજાઈ રહ્યું નહોતું, પરંતુ પ્રશ્નો પૂછવા કરતા હવે તેને જાતે જ અંદર જઈને જોવાનું નક્કી કરી લીધું. ત્રણેય ગાડીની બહાર નીકળ્યા અને ''ટી પોસ્ટ દેશી કેફે''ની અંદર પ્રવેશ્યા.
સીધી લાઇનમાં બનાવેલી ઘાસની પગદંડી ઉપરથી થઈને અંદર વિશાળ જગ્યામાં કસ્ટમરના અલગ-અલગ મૂડ પ્રમાણે બેસવાની અલગ-અલગ જગ્યાઓ હતી. ડાબી બાજુએ ચાર પગથિયાં નીચે ઉતરીને મોટી ચોરસ જગ્યામાં લાકડાના ટેબલ અને ખાટલા પાથર્યા હતા. જ્યાં મોટું ફેમિલી કે મોટા ગ્રૂપને એક સાથે બેસવાની અનુકૂળતા રહે. વચ્ચે વચ્ચે થાંભલા ઉભા કર્યા હતા. એની બંને બાજુએ લટકાવેલા ફાનસથી જાણે કે ગામડાની feel આવી જતી હતી.
ત્રણ જણ જ હોવાથી ત્યાં બેસવાનું ટાળી એ લોકો પગથિયાં ઉતર્યા વગર જ આગળ વધ્યા. ત્યાં એક સીડી હતી ઉપર નાનકડું લાકડાનું ધાબુ બનાવેલું હતું જ્યાં ત્રણ-ચાર ટેબલની જ વ્યવસ્થા હતી. ત્યાં કપલ્સ બેઠેલા હતા. એની નીચે થઈ ને પાછળની જગ્યામાં મોટા-મોટા પગથિયાં બનાવેલા હતા. જેમાં આડી અવળી બેઠકો ગોઠવેલી હતી. અને ચારે બાજુ અલગ અલગ કલરની આછી રોશની કરેલી હતી. જે જોવામાં અત્યંત સુંદર લાગી રહ્યું હતું. રુચિએ એક બેઠક પસંદ કરી ત્યાં બેસવાનું કહ્યું.
બાજુમાં ગોળાકાર ખૂણામાં બેઠેલા એક કોલેજીયન ગ્રુપમાં ગિટાર સાથે ગીતોની રમઝટ જામી હતી. આજુ-બાજુ બેઠેલા બીજા કેટલાક સંગીત પ્રેમીઓ પણ એમના સુરોમાં સુર મિલાવતા હતા. પાછળના એક ટેબલ પર લગભગ પચાસ વટાવી ચુકેલું એક કપલ બેઠું હતું. જે હળવી મજાક મસ્તી સાથે કોફીના ઘૂંટડા ભરી રહ્યું હતું. એમને જોતા જ દિશાની હંમેશાથી ભરેલી રહેતી આંખમાં એક ઠંડક પ્રસરી વળી. સાંજના ઠંડા પવનની લહેરખીઓ સાથે જાણી જોઈને ગોઠવેલી એ આછી રોશનીમાં સંગીતમય વાતાવરણ એક અનેરો જ તાલ મેળવતું હતું. દિશા આજુ-બાજુ બધું જોતી જ રહી ગઈ. નિખિલને ઈશારે રુચિએ એને ઢંઢોળી, ''મમ્મી, શું થયું ? મસ્ત છે ને જગ્યા ? મજા આવે એવી ?''
દિશા : ''હા, ખરેખર, મસ્ત છે. મને તો ખબર જ નહીં કે આપણી આસપાસ આવી જગ્યાઓ પણ છે.''
નિખિલ : ''એટલે જ અમે તમને અહીં લાવ્યા, થોડું નવું જોવો, જાણો અને અમારી સાથે અમારી દુનિયામાં પણ પગ મૂકી જુઓ. ઘણું બધું બદલાઈ રહ્યું છે દુનિયામાં.''
દિશા : ''ખરેખર, ઘણું બદલાઈ ગયું છે બધું. અત્યારની પેઢી કમાણી જ કરી જાણે એવું નથી રહ્યું, સાથે સાથે મનોરંજન પણ માણીને જિંદગી જીવી જાણે છે.''
રુચિ : '' એ જ તો મમ્મી, હવે લોકો શું કહેશે નો જમાનો નથી રહ્યો. જિંદગી એક વાર મળી છે. જીવો અને જીવવા દો નો મંત્ર બધા જ માનતા થઈ ગયા છે. ''
દિશા બધું જ શાંતિથી સાંભળી રહી, એ સમયે એના મગજના કોઈ ખુણામાં ટકોરા દઈ રહેલા એકાંતને એ અનુભવી રહી હતી. તરતજ નિખિલે મોટેથી રુચિને પૂછતાં એની વિચારધારા તૂટી.
''શું લેશો મેડમ ?, અને મમ્મીને શું ફાવશે ?'' નિખિલે પૂછ્યું.
હોટેલમાં જમ્યા હોવા છતાં અહીંના વખણાતાં સમોસા અને કેપેચીનોને અન્યાય કરી શકાય એમ નહોતો.
રુચિ : ''અમારા બંને વચ્ચે એક સમોસા પ્લેટ અને 2 હોટ કેપેચીનો, તારું તને ખબર.''
નિખિલ : ''વાહ, એવું કેવું ? પાટલી બદલું... તને ખબર જ છે કે મારે શું મંગવાનું હોય તોય આવો જવાબ ?? આવી આશા નહોતી રાખી તમારાથી.''
રુચિ : ''બસ, હવે બહુ વાયડો થયા વગર જા ને, જે લેવું હોય એ લેતો આવ. મૂડ ખરાબ ના કર.''
નિખિલ આખો કાઢતો કાઉન્ટર તરફ જતાં જતાં, ''ફરી મળીએ એટલે તારી વાત છે.''
રુચિ : ''જા જા હવે.''
દિશાએ અડધામાં જ એને અટકાવી, ''રુચિ, કેમ આમ કરે છે ? એ તારો થનાર પતિ છે, સાવ આમ ઉતારી ના પાડ. થોડી રિસ્પેક્ટ રાખ.''
રુચિ : ''મમ્મી, એવું બધું અમારામાં ના હોય, અને નિખિલ પણ આ બધું સિરિયસ નથી લેતો, એ પણ મજાક જ કરે છે. ''
નિખિલને એના બે-ત્રણ મિત્રો મળી જતાં એમની સાથે વાત કરવા ઉભો રહેલો જોઈ રુચિએ કહ્યું, ''નક્કી હવે કલાક કરશે આ, એમ નહિં કે ટૂંકમાં વાત પતાવે...''
દિશા : ''તું વાત ના ફેરવ, કાલ ઉઠીને મને કોઈ કહી જાય એ નહીં પોસાય. હવેથી ધ્યાન રાખજે.''
રુચિ : ''હા પણ મમ્મી, ધ્યાન રાખીશ બસ ? તું એ બધું છોડ, તારું લખવાનું કેવું ચાલે છે ? અને પેલા ફ્રેન્ડનું શુ થયું પછી ?''દિશા : ''હમ્મ...લખવાનું તો ચાલે છે, પણ એકાંત...''
રુચિ : ''શુ થયું ?''
દિશાએ એકાંત સાથેની લગ્નવાળી વાતચીત રુચિને જણાવી. રુચિને તરત જ આંચકો લાગ્યો, તરત જ ભડકી, ''મમ્મી, એ તને ઉલ્લુ બનાવે છે, આ જમાનામાં આટલું મહાન કોઈ હોતું જ નથી. તમારે એટલો ઉંમરનો તફાવત છે કે પ્રેમની વાત જ અશક્ય છે. એ પણ એક પુરુષ માટે અને એ પણ અનમેરીડ. તું એમનો વિશ્વાસ ના કરતી. આ બધા ફક્ત ટાઈમપાસ વાળા જ હોય. લાગણીશીલ વ્યક્તિ જોઈને એમની જાળમાં ફસાવે. અને ધાર્યું થઈ જાય એટલે છોડી દે. અને બીજાને પકડે. Online માં આવા જ ખેલ કરતાં હોય છે નવરા માણસો.''
દિશાને ફરી એકાંત પ્રત્યે થોડી શંકા જાગી, એટલે રુચિની વાતને સમર્થન આપ્યું, ''વાત તો સાચી છે, એ ધારે તો એને એના મુજબની જીવનસાથી મળી જ રહે, મારી સાથે શું કામ લગ્નનું વિચારે ? એ પણ અત્યારની જનરેશન પ્રમાણે સેલ્ફીશ જ હશે. બાકી તો માણસના મગજમાં ઉતરીને એના ઈરાદા ક્યાં જોઈ શકાય છે ?''
''હાસ્તો મમ્મી, તું જ કહે આવું કોણ વિચારે અને કોણ લગ્ન માટે તૈયાર થઇ જાય ? આવા લોકોની કોઈ perticular expectation હોય, એ જો પુરી ના થાય તો કંટાળીને વાત બંધ કરી દે, અને જો પુરી થઈ જાય તો નવી વ્યક્તિને શોધવા તમને છોડી દે, અને એમને કોઈ ફર્ક પણ ના પડે. કેમ કે આવું એ જીવનમાં ઘણીવાર કરી જ ચુક્યા હોય. પણ આમાં તારા જેવા અત્યંત લાગણીશીલ લોકોનો મરો થઈ જાય. એટલે દૂર જ રહેવું સારું.''
દિશા એ વિશે વિચારતી રહી, ''ચાલ,પછી વાત કરીશું, નિખિલ આવી રહ્યો છે.''
નિખિલે દિશાના મૂડ પરિવર્તનની નોંધ લીધી, એક સમોસા પ્લેટ અને બે હોટ કેપેચીનો અને પોતાના માટે લાવેલો એક કોલ્ડ કેપેચીનો ટેબલ ઉપર મૂક્યાં, અને ગિટારવાળા ગ્રુપ તરફ ઈશારો કરીને પૂછ્યું, ''ઓય રુચિ, ચાલ ગીત ગાવું છે તારે ?''
રુચિએ કાંટાળા જનક હાવભાવથી જવાબ આપ્યો, ''યાર, મારે નથી
ગાવું અને તું પણ પહેલા આ નાસ્તો પતાવ પછી જે કરવું હોય એ કરજે.''
નિખિલે રુચિની વાત અવગણીને પેલા ગ્રુપ તરફ ચાલતી પકડી.
રુચિએ ફરી માથું ધુણાવી દિશાને ગરમા-ગરમ નાસ્તો કરી લેવા કહ્યું. દિશા અને રુચિ બંને નિખિલ તરફ જોઈ રહ્યા.
નિખિલે ત્યાં જઈને કંઈક વાત કરી, એક છોકરીએ એને ગિટાર આપ્યું. અને ત્યાં જ બધાની વચ્ચે જગ્યા કરીને એ બેસી ગયો.
દિશાને આશ્ચર્ય થયું, ''લે, નિખિલને ગિટાર પણ આવડે છે ? બધી રીતે ટેલેન્ટેડ કહેવાય આ તો.''
રુચિએ ખંધુ હસતા જવાબ આપ્યો, ''હા...એનું ટેલેન્ટ તું જોઈ લેજે હમણાં, બોલ નહીં તું જોયા કર ખાલી...''
એટલામાં તો એ ગ્રુપમાંથી હસવાના અને મોટા અવાજે કોમેન્ટ કરવાના અવાજોએ ત્યાં બેઠેલા બધાનું જ ધ્યાન પોતાના તરફ દોર્યું. નિખિલ હવે ઉભો થઈને ગિટાર વગાડતો હતો. આટલા બધા અવાજો વચ્ચે પણ હવે એની ગિટાર વગાડવાની અણઆવડત સ્પષ્ટ જણાઈ રહી હતી. પરંતુ એની એ એક્ટીંગ અને નિખાલસતાએ ત્યાં બેઠેલાં બધાના જ ચહેરા ઉપર હાસ્યનું મહોરું પહેરાવી દીધું. પેલા પચાસ વટાવી ચૂકેલા કપલની સાથે સાથે લગભગ બધા જ એના એ અણઘડ સંગીતના તાલે ઝૂમી રહ્યાં. દિશા અને રુચિ પણ હસી હસીને લોટ-પોટ થઈ ગયા. રુચિએ ઘણા બધા વિડિઓ પણ લીધાં.
નિખિલે ખુશનુમા સાંજને એક યાદગાર સાંજમાં પલટાવી દીધી.

વધુ આવતા અંકે ....!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED