ચન્દ્ર પર જંગ - 8 - છેલ્લો ભાગ Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચન્દ્ર પર જંગ - 8 - છેલ્લો ભાગ

ચન્દ્ર પર જંગ

યશવન્ત મહેતા

(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)

પ્રકરણ – ૮ : આખરી અંજામ

કેતુ છૂટીને આગળ આવ્યો. તાન્યા કહે : “અભિનંદન ભારતીય વીર ! આપણી યુક્તિ આબાદ કામ આવી ગઈ.”

કેતુ કહે : “મેં તમને ઝાંખાંઝાંખાં જોઈ લીધાં હતાં. તમારી મુશ્કેલી પારખીને નાનકડું નાટક ભજવી નાખવાનું મેં નક્કી કર્યું અને એ સફળ થયું. તાન્યાબહેન, હવે શો હુકમ છે ?”

તાન્યા હસી. બોલી : “અલ્યા, તમે બધાએ તો મને સરદારી સોંપી દીધી લાગે છે !”

કુમાર કહે : “તમે આપણી ટુકડીને વિજય અપાવ્યો છે તો તમે જ અમારાં સરદાર !”

આમ વાતો ચાલતી હતી, ત્યારે ડેવિડે ચાઓની પ્રાણવાયુની નળી જરા ખોલી. એથી જરા વધુ પ્રાણવાયુ વહેવા લાગ્યો. આથી ચાઓ તરત જ ભાનમાં આવ્યો. ગુસ્સાથી લાલ થયેલી આંખો ફાડીને એ ચારે બાજુ જોવા લાગ્યો. પણ યુસુફાયેવની અને ડેવિડની પિસ્તોલની કાળી નાળ જોતાં જ એ ઠંડો થઈ ગયો.

યુસુફાયેવ અને કુમારે એને ઊભો કર્યો. ગુફાની બરાબર વચ્ચે એને ઊભો રાખ્યો. તાન્યા એની સામે જઈને ઊભી રહી. એ વખતે તાન્યાની નજરમાં નર્યો ધિક્કાર અને તિરસ્કાર ભર્યો હતો.

કેતુ ગુફામાં ઘૂમવા લાગ્યો. આ ગુફામાં એ પેઠો ત્યારથી બંધાયેલી ને બંધાયેલી હાલતમાં જ હતો. કહો કે એણે ચન્દ્રની ધરતી ઉપર પગ માંડ્યા ત્યારથી એ કેદી જ હતો. હવે માંડ એ છૂટો થયો હતો. એટલે આઝાદ બનીને ફરતો હતો.

અચાનક એની નજર એક ખૂણામાં પડી. ખૂણામાં પડેલી રાયફલ અને એની નાળ ગુફાના ઝાંખા અજવાળામાં ચમકતી હતી. કેતુએ પોતાના સોવિયેત સાથીઓને કહ્યું : “ચન્દ્રની વસતી વિનાની કે જીવસૃષ્ટિ વિનાની ધરતી પર આપણા ચીના ભાઈઓ આવી રાયફલો શા માટે લાવ્યા હશે ?”

તાન્યા એકદમ એના તરફ વળી. “રાયફલો ? અમને તો રાયફલો અમારી સાથે છે, એની ખબર પણ ન હતી !”

કુમાર કહે : “રાક્ષસો સાથે છે, એનીય ખબર નહોતી પછી રાયફલો તો શા હિસાબમાં ?”

તાન્યા ખૂબ ગુસ્સે થઈ ગઈ. ચાઓ તરફ વળીને એ બોલી ઊઠી : “નીચ ! અમારો શિકાર કરવા માટે તેં આ રાયફલો લીધી હતી ?”

ચાઓ કહે : “હા.”

તાન્યા ઓર ગુસ્સે થઈ. “બદમાશ ! હત્યારા ! અમારા જ અવકાશયાનમાં બેઠો બેઠો તું અમને જ મારી નાખવાનું કાવતરું ઘડતો હતો !”

કુમાર કહે : “કેટલાક ચીનાઓ માટે એ કાંઈ નવું નથી. ભારત અને સોવિયેત સંઘ બંનેને ભૂતકાળમાં એનો પરચો મળી ગયો છે. આપણે એમને એશિયાઈ ભાંડુઓ ગણીને ઉદારતાથી આવકારીએ છીએ, પણ ઘણા ચીના તો ઘરમાં પેસીને આપણા જ ઘરને આગ લગાડે તેવા છે.”

તાન્યા કહે : “ચાઓ-તાંગ ! હવે તારું જીવન અમારા હાથમાં છે. જલદીથી અમને પેલા કાગળ આપી દે.”

ચાઓ કહે : “એ કાગળ તો મેં એક પાકીટમાં રાખ્યા છે.”

તાન્યા કહે : “એ પાકીટ તું તારા પોશાકની અંદર રાખતો હતો. પણ અત્યારે એ તારા ગજવામાં નથી. ક્યાં છૂપાવી દીધું છે ?”

ચાઓ કહે : “શોધી કાઢો. તમને જડે તો તમારું.”

ડેવિડ કહે : “તાન્યા ! એ સીધી રીતે નહિ માને. જરા એને ચૌદમું રતન દેખાડવું પડશે.”

ચાઓ કહે : “વિશ્વરાજ્યનો સિપાહી કદી જુલમ કે મોતથી ડરતો નથી. ભલે મને મારી નાખો, પણ એ પાકીટનો પત્તો હું તમને નહિ આપું.”

તાન્યાએ દોડીને કેતુના હાથમાંથી રાયફલ ઉપાડી લીધી. ચાઓની સામે એ ધરીને કહ્યું : “તારા પ્રાણ કરતાં પૃથ્વીના લાખો લોકોના પ્રાણ વધુ કિંમતી છે. પૃથ્વીના લોકોને બચાવવા માટે તારા જેવા એક મિત્રદ્રોહી દગાબાજનો જાન લેતાં અમે નહિ અચકાઈએ. હું એકથી દસ ગણું છું ત્યાં સુધીમાં પાકીટ ક્યાં છે એ કહી દે, નહિતર ગોળી મારી દઈશ.”

તાન્યાએ ગણતરી શરૂ કરી. “એક...બે...ત્રણ...ચાર...પાંચ...છ...સાત...આઠ...નવ...દ...”

એક ઝબકારો થયો. તેજનો એક લીસોટો થયો ને હોલવાઈ ગયો...

અને...

તાન્યાના હાથમાંથી રાયફલ ઊડીને દૂર જઈ પડી !

હા, તાન્યાએ ગોળી છોડી જ નહોતી ! ગુફાના દ્વારમાં ઊભેલા શૂ-લુંગે ગોળી છોડી હતી ! શૂ-લુંગના હાથમાં એક બીજી રાયફલ હતી ! એ રાયફલ વડે ડેવિડના હાથમાં રહેલી પિસ્તોલ પણ એણે આબાદ રીતે ઉડાડી મૂકી.

અને એ જ ઘડીએ, જ્યારે યુસુફાયેવની નજર ગુફાના મોં તરફ વળી ત્યારે, ચાઓ-તાંગે ઝપટ મારીને એના હાથમાંથી પિસ્તોલ પડાવી લીધી.

અણધારી વાત બની ગઈ. જીતની બાજી હારમાં પલટાઈ ગઈ.

અને આમ કેમ થયું તેની પણ કોઈને ખબર પડી નહિ.

ચાઓ-તાંગની બેડીઓ શૂ-લુંગ ખોલતો હતો, અને ચાઓ-તાંગ બહુ ભયાનક રીતે ખડખડાટ હસતો હતો.

એ ઘોઘરે અવાજે બોલ્યો : “મારા સાહસિક મિત્રો ! મારા દોસ્ત બિરાદર શૂ-લુંગ એક પહેલવાન હોવા ઉપરાંત એક સારા જાદુગર છે. એટલે હવે તમે સમજી ગયાં હશો કે તમે એમને બાંધી હશે એ બેડીઓ છોડવાનું તેમને મન રમત બરાબર છે !”

અને ચાઓ-તાંગે પિસ્તોલ ઊંચી કરીને નિશાન તાકવા માંડ્યું... તાન્યા તરફ.

આખી ગુફામાં સ્મશાન જેવી શાંતિ ફરી વળી હતી. કોઈ અવાજ તો નહોતું કરતું, પણ આંખનો પલકારોય મારતું નહોતું.

અને એ ભયાનક શાંતિમાં કુમારને કાને એક ઘરરરરરર અવાજ ઝાંખો ઝાંખો સંભળાતો હતો. એથી તરત જ એનું ધ્યાન એ અવાજ તરફ આકર્ષાયું.

ચાઓનો નિશાન તાકતો હાથ જરા અચકાયો. એણે હુકમ કર્યો : “ચૂપ રહે, કુમાર !”

પણ કુમાર તો જાણે ખૂબ ઉશ્કેરાટમાં આવી ગયો હોય તેમ કૂદકા મારીને રાડો પાડવા લાગ્યો : “ના, ચાઓ, ના ! તાન્યા કેટલીક ખાનગી વાતો જાણે છે. એ વાતો તારા વિશ્વરાજ્ય માટે પણ અગત્યની છે. એને જીવતી રહેવા દે. હું એ વાતો એની પાસેથી કઢાવીને તને કહીશ.”

પણ ચાઓ-તાંગને વિશ્વાસ શાનો આવે ?

ચાઓ-તાંગે બરાડો પાડ્યો : “કુમાર ! તારા વાનરવેડા બંધ કર. નહિતર મારે પહેલો તને મારી નાખવો પડશે. શૂ-લુંગ ! તું તાન્યાને ગોળી માર ! હું આ ગાંડા છોકરાને પૂરો કરું છું.”

પણ આટલી વારમાં કુમારે પોતાની યુક્તિ અજમાવી લીધી હતી. આમતેમ કૂદકા મારતો તે વીજળીના નાનકડા જનરેટર સેટ નજીક પહોંચી ગયો હતો.

અચાનક જ કુમારે જનરેટરને એક જોરદાર લાત લગાવી દીધી. બૂમ પાડી : “નીચા નમી જાવ !” આખી ગુફામાં અંધારું થઈ ગયું. અંધારામાં ચાઓ-તાંગ અને શૂ-લુંગની બંદૂકોના બે ઝબકારા થઈ ગયા, અને પછી પાછી શાંતિ ફેલાઈ ગઈ.

કુમારે બૂમ પાડી : “બધાં બહાર ભાગો. ખુલ્લામાં ચાલો ! નીચે પડેલી બંદૂકો જડે તો ઉપાડી લો.”

એણે પોતે પણ ગુફાના મોં ભણી દોટ મૂકી. એ કશાકની સાથે અથડાઈ પડ્યો. ગબડ્યો. જેની સાથે અથડાયો એ પણ ગબડી પડ્યો. પડતાં પડતાં કુમારે પેલાને વળગવાનો પ્રયત્ન કર્યો. એના હાથમાં ચામડાના એક મોટા પાકીટ જેવી ચીજ આવી ગઈ. એ ચીજ કુમારે ઝટકો મારીને ખેંચી લીધી. એ ચાઓ-તાંગ સાથે અથડાયો હતો. ખાનગી રીતે છુપાવેલું પોતાનું પાકીટ લઈને ભાગતો ચાઓ કુમારની સાથે અથડાઈ પડ્યો હતો. અચાનક જ નીચે પડેલા કુમારના ખભા પર કશાકનો ફટકો વાગ્યો. કુમારે ઝડપથી પાકીટ નીચું મૂકીને એ ચીજ પકડી લીધી. આંચકો માર્યો. એ ચીજ શૂ-લુંગની લાંબી રાયફલ હતી. રાયફલ એના હાથમાં આવી ગઈ.

ચાઓ-તાંગના હાથ કે પગ પર રાયફલનો જોરદાર ઘા વાગ્યો હતો. કુમારે જલદીથી નીચે પડેલું પાકીટ લઈ લીધું અને અંધારામાં ગબડીને એ દૂર જતો રહ્યો. ફરી એક વાર ચાઓ-તાંગની પિસ્તોલનો ઝબકારો થયો. પણ એ આડેધડ છોડેલી ગોળી હતી. કુમાર દૂર હતો. સલામત હતો.

અને ત્યારે જ ગુફાના મોંમાંથી એ દિશામાં એક ઝબકારો થયો. અંદર કોઈકના હાથમાં એકાદ પિસ્તોલ આવી ગઈ હતી.

કુમારની આસપાસની ધરતી ધ્રૂજી ઊઠી. એ ચાઓ-તાંગ અને શૂ-લુંગનાં પગલાં હોવા જોઈએ, એવું એણે અનુમાન કર્યું. એણે જોરથી કહ્યું : “ચાઓ-તાંગ અને શૂ-લુંગ ભાગે છે. આપણે બધાં જલદી ચાલો. અવકાશયાનમાં જે પહેલાં પહોંચશે તે જીતશે.”

અચાનક જ એક નાનકડી બત્તી થઈ. તેજના લીસોટા જેવી એ બત્તી હતી. કેતુનો અવાજ સંભળાયો : “ટેબલના એક ખાનામાં આ હાથબત્તી પડી હતી. મેં એ મેળવી લીધી છે. સબ સલામત ?”

કુમાર કહે : “હું સલામત છું.”

યુસુફાયેવ અને ડેવિડે પણ કહ્યું કે, અમે બંને સલામત છીએ.

પણ તાન્યાના અવાજમાં દર્દ હતું. એ કહે : “હું સમયસર નીચી નમી ના શકી તેથી મારા પોશાકમાં એક ગોળી વાગી છે. એથી એક નાનકડું કાણું પડી ગયું છે. હવા નીકળવા લાગી છે.”

કેતુએ તેને મદદ કરી.

કુમાર કહે : “આપણે જલદી નીકળવું જોઈએ. યાન સુધી જલદીથી પહોંચી જવું જોઈએ.”

કેતુ કહે, “બરાબર છે. ચાલો, ડેવિડ, તું જોન અને જુલિયસને સંભાળ. એ લોકો હુકમને તાબે થવા ટેવાયેલા છે. આપણી પાછળ પાછળ ચાલ્યા આવશે. હું અને યુસુફાયેવ તાન્યાને ઊંચકી લઈએ છીએ. કુમાર ! તું આગળ ચાલ.” એ બધાં ચીનાઓથી ઊલટા રસ્તે ચાલ્યાં.

સૌ દોડ્યાં. સૌથી આગળ રાયફલ લઈને કુમાર દોડતો હતો. એની પાછળ તાન્યાને ઊંચકીને કેતુ-યુસુફાયેવ ચાલતા હતા. જોન-જુલિયસને દોરતો ડેવિડ સૌની પાછળ હતો.

આખરે ખાડાને સામે કિનારે બધાં પહોંચી ગયાં. પેલી બાજુ કરતાં અહીંથી યાન વધુ નજીક હતું. પણ અહીં રસ્તાની નિશાની બતાવતા એલ્યુમીનિયમના થાંભલા નહોતા. યુસુફાયેવની યાદને આધારે જ આગળ વધવાનું હતું. જો એક ડગલું પણ એ ખોટું ભરે તો સૌનો ધબડકો વળી જાય.

કેતુ કહે : “હજુ પેલા ચીનાઓ દેખાતા નથી.” કુમારે દૂરબીનથી જોયું તો એ લોકો લંગડાતા લંગડાતા ચાલતા આવી રહ્યા હતા.

કુમારની વાત સાંભળીને સૌને રાહત થઈ. ચીનાઓની ઝડપ ઈજાને કારણે ઓછી થઈ ગઈ હતી.

ખરેખરાની દોડ હતી. જે પહેલાં અવકાશયાન સુધી પહોંચે તેની જીત હતી. જે પહેલાં અવકાશયાનને જીતે તેના પર આખી પૃથ્વીના ભવિષ્યનો આધાર હતો.

અને ચીનાઓએ સરસ એક દાવ લડાવ્યો. એ બંને પાસે એક એક પિસ્તોલ હતી. એમણે સાહસિકો પર ગોળીઓ છોડવા માંડી. એ લોકો ઘણે દૂર હતા. પૃથ્વી પર આટલે દૂર પિસ્તોલની ગોળી પહોંચી શકતી નથી. પણ ચન્દ્ર પર હવા જેવું ગોળી રોકનાર કોઈ તત્વ ન હોવાથી એ ઘણે દૂર સુધી પહોંચી શકતી હતી. હા, લાંબા અંતરને કારણે ધાર્યું નિશાન લેવાતું નહોતું એ ખરું.

આ બાજુ ડેવિડ પાસેથી પિસ્તોલ લઈને કુમારે પણ ગોળીબાર કરવા માંડ્યો. પણ એક, બે ને ત્રણ ગોળી પછી એ કટ કટ થવા લાગી. એમાં ગોળીઓ ખૂટી પડી હતી !

યુસુફાયેવે કુમારને કહ્યું : “કુમાર ! તેં જરા ઉતાવળ કરીને નકામી ગોળીઓ વાપરી નાખી. હવે એ લોકોને આપણે કેવી રીતે રોકીશું ?”

કુમાર કહે : “મને અચાનક જ એક બીજો દાવ સૂઝ્યો છે. એ લોકો પેલા એલ્યુમીનિયમના થાંભલાઓને આધારે આગળ વધે છે. આપણે જો એ થાંભલા ઉડાડી દીધા હોય તો...”

કુમાર પૂરું બોલી રહે તે પહેલાં તો યુસુફાયેવ નીચો વળી ગયો. એણે તાકીને નિશાન લીધું. એક થાંભલો ઊડી પડ્યો અને ધૂળમાં ધીરે ધીરે ગરક થઈ ગયો. પછી બીજો...ત્રીજો...ચોથો...એક પછી એક ચાર થાંભલા ઊડી પડ્યા. સાચે જ ચીનાઓ જ્યાં ઊભા હતા ત્યાં સ્થિર થઈ ગયા. એમની આગળ વધવાની ગતિ સાવ થંભી ગઈ. શૂ-લુંગ ઘવાયેલા ચાઓ-તાંગને ટેકો આપીને ઊભો રહી ગયો !

સાહસિકો આગળ વધવા લાગ્યા. ચીનાઓ હજુ ગોળીઓ છોડતા હતા. એમની પાસે ગોળીઓનો જથ્થો પૂરતો હતો. જ્યારે સાહસિકો પાસે તો હવે રાયફલની અંદર એક જ ગોળી રહી હતી. એમની ધારણા ફક્ત એક જ હતી કે આટલે દૂરથી ચીનાઓની ગોળી અમને વાગી શકશે નહિ.

પણ એ ધારણા ઠગારી નીકળી. એક ગોળી અચાનક આવીને કેતુના પોશાકમાં પેસી ગઈ. પોશાકમાંથી હવા ઝડપથી નીકળવા લાગી. તાન્યાને ડેવિડે ઊંચકી લીધી. અને કેતુએ જોરથી પોશાકના કાણા ઉપર હાથ દબાવી દીધો. અને ત્યારે જ એક અજબગજબની વાત બની ગઈ.

અવકાશયાનની આસપાસના મોટા ધૂળના સરોવરમાં પણ કશોક અજબ દેખાવ થઈ ગયો. ઢાળ તરફ પાણી સરે તેમ ઝીણી ધૂળ યાનથી પાએક માઈલ ઉત્તર બાજુ સરકવા લાગી. ત્યાં જમીનમાં ફાટ પડી હતી અને એ ફાટ બધી ધૂળને ગળી જતી હતી.

આ અજબ ઘટના જોઈને સૌ મૂંઝાઈ ગયા. પેલા ચીનાઓ પણ ખૂબ ગભરાયા. કારણ કે જમીનની એ ફાટ એમની નજીક જ હતી અને એ તરફ વહેતી ધૂળ વહેતાં પાણીની જેમ એમને ખેંચતી હતી. એમણે બચી જવા માટે દોડવા માંડ્યું.

એ જ એમની સૌથી મોટી ભૂલ હતી. સ્થિર ઊભા રહ્યા હોત તો આસપાસની ધૂળ વહી જાત અને એ બચી જાત. પણ એ લોકો ઉતાવળ કરવા ગયા અને પગ લપસ્યા. નીચેના ખડક પરથી એમના પગ લથડ્યા. બંને જઈ પડ્યા ધૂળના કળણમાં. થોડી વારમાં જ એ દેખાતા બંધ થઈ ગયા.

થોડી ઘડી પછી તો એ ચીનાઓનું કોઈ નામનિશાન દેખાતું નહોતું. એ બંને ચન્દ્રના અજાણ્યા પેટાળમાં ગરક થઈ ગયા હતા.

આખરે ચન્દ્રે એનું સાચું સ્વરૂપ બતાવી દીધું હતું.

યુસુફાયેવ કહે : “કુમાર ! વિચાર કરવાનો આ વખત નથી. આપણે જલદી યાનમાં પહોંચી જવું જોઈએ. તાન્યા અને કેતુની હાલત ખરાબ છે.”

કુમાર એના વિચારોમાંથી જાગ્યો : “હેં...? હા, હા ! જલદી ચાલો !”

ઘાયલોને ઊંચકીને લગભગ સો ફૂટ ઊંચી સીડી ચડવાનું મુશ્કેલ હતું. પણ સૌનાં હૃદયમાં વિજયનો ઉત્સાહ હતો અને પૃથ્વીને બચાવ્યાનો આનંદ હતો.

યાનની કેબિનમાં પહોંચીને વાયુનું યંત્ર ચાલુ કરી દેવામાં આવ્યું. વાયુનું દબાણ પૂરતું થઈ ગયા પછી સૌએ અવકાશી પોશાક કાઢ્યા. તાન્યા અને કેતુના પણ પોશાક ઉતાર્યા. તાન્યાને કશી ઈજા થઈ નહોતી. કેતુને તો કમરની બાજુએ ગોળી વાગી હતી. પણ એવી કશી ગંભીર ઈજા થઈ નહોતી. બંનેની તાત્કાલિક સારવારમાં કુમાર, યુસુફાયેવ અને ડેવિડ પડી ગયા. દસ-પંદર મિનિટમાં એ બંને સાજા-તાજા થઈ ગયા.

એ પછી કુમારે ટ્રાન્સ્મીટરનું એરીઅલ યાનની બહાર નીકળીને લગાવ્યું અને પછી યંત્ર ચાલુ કર્યું. અંદરથી પેલી ટેપ રેકોર્ડ કાઢી લીધી અને બોલ્યો : “હલ્લો.....હલ્લો....ચન્દ્ર ઉપરથી અમે ભારત, સોવિયેત સંઘ અને અમેરિકાના અવકાશયાત્રીઓ બોલીએ છીએ....હલ્લો....હા કચ્છની અવકાશશાળા કે ? પ્રોફેસર રામનાથ ! હું કુમાર બોલું છું ! અમે સૌ સલામત છીએ અને આનંદના સમાચાર આપીએ છીએ કે આજે પૃથ્વીનો બચાવ થયો છે. હું કેટલીક માહિતી આપું છું. એ પરથી જગત આખામાં ફેલાયેલા અમુક જાસૂસોને તમારે પકડી પાડવાના છે.”

અને પછી કુમારે ટૂંકમાં પેલા ગાંડા ચીનાઓના કાવતરાની વિગતો આપવા માંડી. કેતુ ક્યારનો સાંચાકામ ચાલુ કરવામાં યુસુફાયેવની મદદમાં લાગી ગયો હતો. તાન્યા અને ડેવિડ બિચારા જોન અને જુલિયસને ભાનમાં લાવવાની મહેનત કરતાં હતાં.

કેતુએ કહ્યું : “કુમાર ! આપણે યાન ઉપાડવા તૈયાર છીએ. પૃથ્વી પર સંદેશો મોકલ.”

કુમારે ટ્રાન્સ્મીટરમાં કહ્યું : “અમે હવે ચન્દ્ર પરથી ઊપડીએ છીએ.”

રામનાથનો ઉત્સાહભર્યો અવાજ આવ્યો : “ભલે પધારો, પૃથ્વીના તારણહાર શૂરવીરો ! તમને માનવજાતનાં લાખલાખ અભિનંદન !”

*******