ચન્દ્ર પર જંગ - 6 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચન્દ્ર પર જંગ - 6

ચન્દ્ર પર જંગ

યશવન્ત મહેતા

(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)

પ્રકરણ – ૬ : અવકાશી અંધારાં-અજવાળાં

ચાઓ-તાંગ ખુશમિજાજમાં હતો.

કુમારને એણે ટ્રાન્સમીટર દુરસ્ત કરવાનું કહ્યું ત્યારે એને ડર હતો કે કુમાર આનાકાની કરશે. વિશ્વરાજ્યની સ્થાપનામાં મદદ કરવા તૈયાર નહિ થાય.

પણ કુમારના મનમાં એક જુદી જ ઘટમાળ ચાલતી હતી. એણે ધૂળના કળણમાંથી નીકળીને એક જ ઈચ્છા કરી હતી કે, મારા હાથમાં એક ટ્રાન્સમીટર હોય તો પૃથ્વી પર સમાચાર પહોંચાડી શકાય. આ ચીનાઓના ભયંકર કાવતરાની વાત બધાને કહી શકાય. એટલે એણે વિરોધ કર્યો નહોતો.

જોકે પોતે આ ટ્રાન્સમીટર દુરસ્ત કરી શકશે કે નહિ, એ પણ સવાલ હતો. સોવિયેત સંઘનાં ટ્રાન્સમીટરોની રચનાનો એને કશો પરિચય નહોતો.

વળી, એક વાર ધારો કે ટ્રાન્સમીટર ધારો કે દુરસ્ત પણ થઈ ગયું તોય પોતે સંદેશો મોકલી શકશે કે નહિ તેની પણ કુમારને ખાતરી નહોતી. આ ચીનાઓ તો તેના પર સદા કરડી નજર રાખવાના જ હતા.

છતાં અહીં અંધારી ઠંડી ગુફામાં પડ્યા રહેવા કરતાં એ કામમાં પરોવાવું કુમારને વધુ ઠીક લાગતું હતું. સફળતાની થોડીક આશા પણ એમાં હતી.

ચાઓ-તાંગે કહ્યું, “કુમાર ! મારે તો આ અમેરિકનોનાં મગજની થોડી મરામત કરવાની છે. એટલે હું તારી સાથે લાંબો વખત રહી નહિ શકું, પણ બિરાદર શૂ-લુંગ તારી સાથે રહેશે. અને... જરા સંભાળીને કામ કરજે... બિરાદર શૂ-લુંગ ગોળીબાર ને નિશાનબાજીના શોખીન છે. વળી લાલ રંગ એમને બહુ ગમે છે... લોહીનો રંગ ! વળી તેઓ જબરા જાદુગર પણ છે !”

આટલું કહીને ચાઓ-તાંગે શૂ-લુંગને બોલાવ્યો. શૂ-લુંગ એક અંધારા ખૂણામાં ઊભો હતો. એને કોઈ જોઈ ન શકે અને એ બધાને જોઈ શકે, એવી રીતે એ ઊભો હતો. હવે એ બહાર આવ્યો. કુમાર-કેતુએ જોયું કે એના હાથમાં તૈયાર ભરેલી રાયફલ છે. ચાઓ-તાંગના આ સદા હોશિયાર સાથીની આ તૈયારી કુમાર-કેતુને ગમી ગઈ. એનો હેતુ ગમે તેવો હતો, પણ એની હોશિયારી સાચે જ પ્રસંશાપાત્ર હતી.

ચાઓ-તાંગે કહ્યું, “બિરાદર શૂ-લુંગ ! તમે આ બે અમેરિકનોનું અને કેતુનું ધ્યાન રાખો. હું કુમારને પેલું ટ્રાન્સમીટર બતાવી આવું.”

ચાઓ-તાંગ ઊભો થયો. સાથે કુમાર પણ ચાલ્યો. ગુફામાંથી નીકળ્યા. અંધારી ખીણ પસાર કરી. રૂપેરી રંગના ચળકતા પહાડોમાં આવ્યા. અર્ધા ચાલતા અને અર્ધા કૂદકા મારતા તેઓ આગળ વધવા લાગ્યા. ચન્દ્ર ઉપર કોઈ સીધેસીધી ચાલ તો ચાલે જ નહિ. ત્યાંનું હળવું ગુરુત્વાકર્ષણ માણસને લાંબા કૂદકા મારવાનું સહેલું બનાવી દે છે.

ચાઓ-તાંગ કુમારની પાછળપાછળ આવતો હતો. પાછળ રહ્યો રહ્યો જ એ કુમારને ડાબી કે જમણી બાજુ વળવાનું જણાવતો હતો. પોતે આગળ જાય અને કુમાર પાછળથી આવીને પોતાને દબાવી દે, એવું જોખમ ખેડતાં એ ગભરાતો હતો.

આમ કૂદકા મારતા મારતા બંને લગભગ બે માઇલ ચાલ્યા હશે, ત્યાં જ કુમારે પોતાની સામે એક મોટો ખાડો જોયો. ઊંચાઊંચા ખડકોની વચ્ચે લગભગ એક માઈલની પહોળાઈનો એ ખાડો હતો. એને ફરતા સીધા ઊંચા ખડકો હતા. ફક્ત ક્યાંક ક્યાંક એ ખડકોમાં ફાંટો દેખાતી હતી, જે મારફત ખાડામાં ઊતરવાનું શક્ય હતું.

આખો ખાડો ચન્દ્રલોકની ઝીણી પાવડર જેવી ધૂળથી ભરેલો હતો. કોઈ મોટું પાણીનું સરોવર હોય, એવું સરોવર હતું. પણ આ પાણીનું નહિ, પેલી ખૂની ધૂળનું સરોવર હતું !

એ ખાડા પર નજર ફેરવતાં એક નવાઈની વાત કુમારે જોઈ. ખાડાની વચ્ચોવચ એક રૂપેરી ચળકતી ચીજ ઊભી હતી. એના પરના અક્ષરો જોતાં કુમારને સમજાઈ ગયું કે આ જ પેલું સોવિયેત સંઘનું અવકાશયાન છે.

કુમાર ખૂબ નવાઈ પામી ગયો. ચાઓ-તાંગ તરફ ફરીને એણે પૂછ્યું, “તમે આ ધૂળના કળણમાં યાન શી રીતે તરતું રાખ્યું ?”

ચાઓ-તાંગ કહે, “સોવિયેત સંઘે તો વર્ષો સુધી ચન્દ્રનો અભ્યાસ કરેલો છે. એ અભ્યાસમાં એમને જાણવા મળ્યું છે કે આ કળણ ઘણાં ભયંકર છે. પણ સાથે સાથે આ કળણમાં કેવી ધૂળ હોય છે, એમનાં તળિયાં કેટલાં ઊંડા હોય છે, વગેરે માહિતી પણ મળી છે. એ કળણનાં તળિયાં કેટલે નીચે છે એ માપવા માટેનાં રાડાર જેવાં સાધનો પણ બન્યાં છે. આવું જ એક સાધન આ યાનમાં ગોઠવાયેલું છે અને એ સાધનની મદદથી અમે જોઈ લીધું કે આ ખાડાની વચ્ચે એક ટેકરો છે. એ ટેકરા ઉપર ફક્ત એકાદ મીટરનો ધૂળનો થર છે. આથી અમે ત્યાં જ યાન ઉતાર્યું છે.”

કુમાર સોવિયેત સંઘની વૈજ્ઞાનિક સિદ્ધિઓની આ વાત સાંભળી મુગ્ધ થઈ ગયો. પણ એ સિદ્ધિઓ આ ચીનાઓના હાથમાં આવી પડેલી જોઈ એને ખૂબ દુઃખ થયું. એણે પૂછ્યું, “કળણની વચ્ચે ત્યાં સુધી પહોંચવું શી રીતે ?”

ચાઓ-તાંગે આંગળી ચીંધી. તેઓ જ્યાં ઊભા હતા ત્યાંથી યાન સુધી કોઈ ચળકતી સફેદ લાકડીઓની હાર દેખાતી હતી. એકબીજીથી લગભગ પાંચ-સાત મીટરને અંતરે એ લાકડીઓ ઊભી હતી. કુમારને એ લાકડીઓનો પૂરો અર્થ ના સમજાયો.

ચાઓ-તાંગ કહે : “એલ્યુમિનિયમની એ લાકડીઓ ત્રણ પગવાળી છે. એ કઠણ જમીન પર ઊભી છે. અમારા યાનથી આ કાંઠા સુધી, ધૂળની નીચે ખડકનો એક રસ્તો છે. એ રસ્તાની નિશાની રાખવા સારુ અમે એલ્યુમિનિયમની લાકડીઓ ઊભી કરી છે. અમે આ ખાડાની વચ્ચે યાન ઉતાર્યું પછી દોઢ દિવસ તો એ રસ્તો શોધતાં જ ગયો હતો.”

“તમને એ રસ્તો ન મળ્યો હોત તો ? યાન પાછું ઉડાડવું પડત ને ?”

ચાઓ-તાંગ હસ્યો. “ના, કુમાર ! સોવિયેત વૈજ્ઞાનિકો સાવ એવા બુધ્ધુ નથી. ચન્દ્રની ધરતી પર ચાલે એવી ગાડી બનાવી આપી હતી, તેમ ચન્દ્ર પર ઊડે એવું બે બેઠકોનું વિમાન પણ બનાવી આપ્યું હતું. એ વિમાન હજુ યાનમાં જ અમે મૂકી રાખ્યું છે. કારણ કે એ વિમાન ચલાવવામાં ખૂબ પ્રાણવાયુ ખર્ચાઈ જાય અને એ અમને પોસાય નહિ.”

આમ વાતો કરતા કરતા બંને ધૂળ નીચેના છૂપા રસ્તા પર ચાલવા લાગ્યા. કુમારને ખૂબ સંભાળથી ચાલવું પડતું હતું. તે તો આ અજબ જાતના અદ્રશ્ય માર્ગ પર પહેલોવહેલો ચાલતો હતો. જરા ખડક પરની પગની પકડ છૂટે કે સીધો નીચેના કળણમાં પેસી જાય. ચાઓ-તાંગ પાછળ જ હોવા છતાં બચાવી ન શકે. વળી, રસ્તા પર નિશાનીના થાંભલા હોવા છતાં રસ્તાની ભયંકરતા અને અનિશ્ચિતતા ઓછી થતી નહોતી. થાંભલા પાંચથી સાત મીટર જેટલે છેટેછેટે આવેલા હતા; પણ એ તો માત્ર મુખ્ય વળાંકો બતાવતા હતા. વચ્ચેના નાનામોટા વળાંકો તો આગળના પગથી શોધી ફફોળીને જ પાર કરવાના હતા.

ધૂળ ક્યાંય ક્યાંય ઢીંચણ સુધી, ક્યાંય કમર સુધી અને ક્યાંય તો છાતી સુધી પહોંચતી હતી. એટલું સારું હતું કે ક્યાંય માથાડૂબ ધૂળ નહોતી. જેમ પાણીમાં હોય છે તેમ આ ધૂળમાં પણ પ્રવાહિતા હતી. કોઈક વાર એના હિલોળાની અસર પણ થઈ જતી. ખૂબ હવા ભરેલો પોશાક અને ઓછું ગુરુત્વાકર્ષણ એ હિલોળાને જબરા ધક્કાનું રૂપ આપી દેતા. એવે વખતે ચાલ ધીમી કરીને, હાથ ઊંચા કરીને સમતોલન જાળવવા કોશિશ કરવી પડતી.

આખરે તેઓ યાનની નજીક આવી પહોંચ્યા. કુમાર તે યાનનું કદ જોઇને છક જ થઈ ગયો. એણે આવડું અવકાશયાન કદી જોયું નહોતું; કલ્પ્યું પણ નહોતું ! એમના પોતાના યાન કરતાં તો આ યાન દસગણું મોટું હતું !

આ તોતીંગ યાન ચાર મજબૂત લાંબા પાયા પર ઊભું હતું. નીચેથી ઊંટના પગની જેમ પહોળા એ પાયા પૃથ્વીના ઊંચામાં ઊંચા વીજળીના થાંભલા જેવા હતા. બે ઘડી તો કુમાર દિંગ બનીને એ જોઈ જ રહ્યો.

યાનના દરવાજા સુધી જતી પોલાદની એક સીડી જડેલી હતી. એ સીડી પરથી ફરતા સળિયાની વાડવાળા પ્લેટફોર્મ ઉપર પહોંચાતું હતું. અને એના પર જ યાનનો મુખ્ય દરવાજો ખૂલતો હતો.

ચાઓ-તાંગે ગજવામાંથી ચાવી કાઢીને એ દરવાજો ખોલ્યો. બંને એક સાંકડા ખંડમાં પેઠા. એમાં બત્તી કરીને ચાઓ-તાંગે મુખ્ય દ્વાર બંધ કર્યું. અવકાશયાનોમાં એમ જ કરવું પડે છે. અંદરની કેબિનમાં હવા હોય છે. તે બહાર ન ધસી જાય તે માટે આવી બે દરવાજાની વ્યવસ્થા હોય છે. પહેલાં બહારનો દરવાજો બંધ કરીને પછી જ અંદરનો દરવાજો ખોલવામાં આવે છે. અને એની અંદર પેસીને તે પણ બંધ કરી દેવાય છે. બંને દરવાજા હવાની આવજા રોકે તેવા હોય છે.

અંદરનો ખંડ ઘણો મોટો હતો. ચાઓ-તાંગે એ ખંડના એક ખૂણે એક અલમારી પર ગોઠવેલું ટ્રાન્સ્મીટર કુમારને બતાવ્યું. કહ્યું : “જરા તપાસી લે, કુમાર ! તારાથી એ દુરસ્ત થઈ શકશે કે નહિ ?”

કુમારે આ સવાલનો જવાબ માત્ર હામાં જ આપવાનો હતો. જો ના પડે તો તો એ ચીનાઓ માટે તદ્દન જ નકામો સાબિત થાય અને ચાઓ-તાંગ એને મારીને ધૂળના આ અટળ કળણમાં ફેંકી દેતાં જરાય વાર કરે નહિ. વળી, આ ટ્રાન્સ્મીટર દ્વારા જ એ બચાવનો-પોતાના બચાવનો અને પૃથ્વીના બચાવનો-કશોક ઉપાય કરી શકે તેમ હતો.

કુમારે માથું હલાવીને કહ્યું, “જરૂર. હું આને દુરસ્ત કરી શકીશ.”

“સરસ,” ચાઓ-તાંગે કહ્યું, “પણ એ દુરસ્ત થાય એટલે સીધો પૃથ્વી પર સંદેશો મોકલવાની મથામણમાં પડી જતો નહિ. કારણ કે તારી મહેનત વ્યર્થ જશે. પૃથ્વી સુધી સંદેશો મોકલવા માટે જરૂરી ટ્રાન્સ્મીટર એરીઅલ મેં છૂટું કરી નાખ્યું છે. હા, હા, હા !”

ભયંકર રીતે હાસતો એ થોડેક દૂર ગયો. ભોંયતળિયાનો એંજિન જેવો દરવાજો એણે ખોલ્યો અને એની અંદર પગથિયાં ઊતરી ગયો. અવકાશયાનના નીચેના ભાગમાં સરસામાનનો ખંડ હતો. એ ખંડમાં એ ઊતર્યો. થોડી વારમાં પાછો ઉપર આવ્યો. એના હાથમાં સમારકામનાં સાધનો અને ઓજારોની એક પેટી હતી. એ પેટી ખોલીને એણે કુમારને બતાવી અને કહ્યું : “આ સાધનો વડે તારે ટ્રાન્સ્મીટર દુરસ્ત કરવાનું છે.”

કુમારે ડોકું ધુણાવ્યું.

ચાઓ-તાંગે પૂછ્યું : “કેટલો વખત લાગશે ?”

કુમાર કહે : “આઠથી દસ કલાક તો લાગશે જ.”

ચાઓ-તાંગ કહે : “ભલે. હવે ચાલ. શૂ-લુંગની સાથે અહીં પાછો આવજે.”

યાનમાંથી બંને બહાર નીકળ્યા. ચાઓ-તાંગે દ્વાર બંધ કર્યું. પછી સીડી ઊતરીને પેલા અર્ધછૂપા રેતાળ માર્ગે થઈ બંને પાછા ગુફામાં આવી ગયા.

ચાઓ-તાંગે શૂ-લુંગને ચીની ભાષામાં કશુંક કહ્યું. કુમાર કશું સમજી શક્યો નહિ, પણ જાણે ઉપકાર કરતો હોય તેમ કુમાર તરફ વળીને ચાઓ-તાંગ બોલ્યો : “પાંચ કલાક સુધી કામ કરીને પછી તમારે જમવાની રજા પાડવાની છે. એ પછી વળી બીજા પાંચ કલાકનું કામ છે. એ પછી હું આવીને જોઈ જઈશ કે તારું ટ્રાન્સ્મીટર કેટલુંક સુધર્યું છે. હવે જાવ.”

કુમાર વળ્યો. જતાંજતાં એણે આસપાસ નજર ફેરવી. કેતુ એક અર્ધા અંધારિયા ખૂણામાં બેઠો હતો. એના હાથપગ બંધાયેલાં હતા. મહોરાના રેડિયોનો પ્લગ પાછો ખેંચી લેવાયો હતો. એથી એની સાથે કશી વાતચીત થઈ શકે તેમ નહોતું. કુમારે ફક્ત હાથ હલાવીને એની વિદાય લીધી. કેતુએ પોતાના બંને બંધાયેલા હાથ ઊંચા કરીને એક લૂખું સ્મિત કર્યું.

ચાઓ-તાંગ કરતાં શૂ-લુંગ વધુ સજાગ અને સાવચેત હતો. એણે પિસ્તોલ તો હાથમાં જ પકડી રાખી હતી અને કુમારની પાછળપાછળ એ ચાલ્યો આવતો હતો.

બંને અવકાશયાન સુધી પહોંચ્યા. શૂ-લુંગે દ્વાર ખોલ્યું. બંને અંદર ગયા. કુમારે ટ્રાન્સ્મીટર સમારવાનું કામ શરૂ કર્યું. શૂ-લુંગ પિસ્તોલ તૈયાર જ રાખીને એની પાછળ એક ખુરશી પર બેઠો હતો.

કુમારે પહેલાં તો ટ્રાન્સ્મીટરની લાલ બત્તીની તપાસ કરી. યુસુફાયેવ અને તાન્યાએ એનાથી પૃથ્વી પર સંદેશો મોકલવા પ્રયાસ કરેલો, પણ ચાઓ-તાંગે એરીયલ કાઢી લીધું હોવાથી એ નિષ્ફળ ગયેલો. તેથી જતાંજતાં એમણે એને તોડી નાખેલું. પણ એમના મનમાં કદાચ ફરીથી એ વાપરવાની આશા હશે. તેથી તેમણે તોડફોડમાં કાળજી રાખી હતી. એથી સમારકામ કાંઇ બહુ કરવું પડે તેમ નહોતું. થોડી જ મિનિટોમાં જ કુમારે એ ચાલુ કરી દીધું.

પણ શૂ-લુંગને એણે પોતાની સફળતા જણાવા દીધી નહીં. પોતે જાણે હજુ દુરસ્તીની જ મથામણમાં હોય એવો દેખાવ કર્યો. કારણ કે હવે કુમારના મનમાં એક દાવ ગોઠવાઈ ગયો હતો. એને ખબર હતી કે યુસુફાયેવ, તાન્યા અને ડેવિડ પાસે નાનો રેડિયો રિસીવર સેટ છે. એટલે આ ટ્રાન્સ્મીટર મારફત જો કોઈ સંદેશો પ્રસારિત કરવામાં આવે તો વગર એરીયલે પણ તેમના સુધી પહોંચે ખરો !

સવાલ એ હતો કે આ સંદેશો પહોંચાડવો કેવી રીતે ? એ પોતે યંત્ર ચાલુ કરીને માઈકમાં બોલવા લાગે તો શૂ-લુંગને તરત જ ખબર પડી જાય. કદાચ એ ગોળી મારી દે. એની ચિંતા નહિ. પણ એ મરતાં પહેલાં કુમાર એકબે વાર સંદેશો બોલી શકે, એ વખતે ડેવિડ વગેરેને કોઈ સંદેશાની આશા તો હોય નહિ, તેથી એમનું રિસીવર કદાચ ચાલુ હોય તો તેઓ સંદેશો સાંભળે. પણ જો એમનું રિસીવર બંધ હોય તો કુમારનો સંદેશો ન સાંભળે. તો બધી મહેનત નકામી જાય, ઉપરથી જાન જાય.

એટલે કુમારે બીજો ઉપાય શોધવા માંડ્યો. યંત્રને દુરસ્ત કરવા માટે જાણે સાધનો શોધતો હોય તેમ એ યાનની કેબિનમાં ફરવા લાગ્યો. એક એક ખાનું ખોલવા લાગ્યો. અને એને જોઈતું હતું એ જડી ગયું. એક ખાનામાં ટેપ રેકોર્ડર પડ્યું હતું. એ રેકોર્ડર પર સંદેશો ટેપ કરીને જો ટ્રાન્સ્મીટરમાં મૂકી દીધો હોય તો વારંવાર વાગ્યા કરે અને ડેવિડ વગેરેનું ધ્યાન એ સંદેશા પર જાય.

ઉપાય સરસ હતો. ફક્ત એનો અમલ અઘરો હતો. શૂ-લુંગ મૂંગોમૂંગોય જમરાજના દૂત જેવો એની પાછળ બેઠો હતો !

શૂ-લુંગને કેવી રીતે થોડી ઘડી માટે દૂર કરવો ? હા....અચાનક જ કુમારને યાદ આવ્યું. ચાઓ-તાંગ અવકાશયાનના નીચેના ખંડમાંથી ઓજારો લઈ આવ્યો હતો. શૂ-લુંગને પણ કાંઈક ઓજાર લેવા નીચે મોકલ્યો હોય તો મિનિટ-બેમિનિટનો સમય મળી જાય.

કુમારે ટ્રાન્સ્મીટરનો એક તૂટેલો દાગીનો હાથમાં ઉપાડ્યો. શૂ-લુંગ તરફ ફરીને ઇશારાથી સમજાવ્યું કે આ દાગીનો તૂટી ગયો છે. હવે શું કરીશું ? બે-ત્રણ વાર સમજાવ્યો. માંડ શૂ-લુંગ સમજ્યો. એ ઊભો થયો. એક અલમારી પરથી બે પોલાદી બેડીઓ ઉપાડી. કુમારના હાથે અને પગે એ બેડીઓ પહેરાવી દીધી. પછી પેલો દાગીનો લઈને એના જેવો નવો દાગીનો શોધવા એ નીચેના ખંડમાં ઊતર્યો.

કુમાર ઝડપથી ફર્યો...અને પડ્યો ! બેડીવાળા પગે એ કેવી રીતે ઝડપ કરી શકે ?

પણ ઝડપની જરૂર હતી. એ વિના આખો દાવ ખાલી જાય તેમ હતો. એ જલદી પણ સંભાળપૂર્વક ઊભો થયો. પેલા ખાનામાંથી ટેપ રેકોર્ડર કાઢ્યું. ચાલુ કર્યું. સંદેશો બોલવા લાગ્યો.

“હું ભારતીય અવકાશયાત્રી કુમાર બોલું છું. યુસુફાયેવ, તાન્યા અને ડેવિડ ! સાંભળો. કલાકેક પછી અમે અવકાશયાનમાંથી જઈશું. પછી એક કલાકે પાછાં આવીશું. જતાં જતાં હું યાનનું દ્વાર ખુલ્લું રખાવવા પ્રયત્ન કરીશ. તમે અંદર આવી છુપાઈ જજો અને પાછા ફરીએ ત્યારે શૂ-લુંગ પર તૂટી પડજો ! આવજો.”

કુમારે ટેપ કાઢીને ટ્રાન્સ્મીટરના ટેપ ભરાવવાના ખાનામાં ગોઠવી. રેકોર્ડર પાછું હતું ત્યાં જ મૂકી દીધું. હવે ટ્રાન્સ્મીટર તૈયાર થતાં પેલી ટેપ વારંવાર ઉકલીને પાછી વીંટળાઈ જતી. આ રીતે વારંવાર સંદેશો મોકલતી રહે તેવી વ્યવસ્થા થઈ ગઈ.

કુમારે નિરાંતનો શ્વાસ લીધો. એ જ વખતે શૂ-લુંગ નવો દાગીનો લઈને ઉપર આવ્યો. એણે કુમારની બેડીઓ ખોલી. કુમાર પાછો એના બનાવટી કામે વળગ્યો. જે ભાગોને કશી અસર નહોતી થઈ એવા ભાગો પણ એણે માત્ર સમય પસાર કરવા માટે ખોલવા માંડ્યા અને પાછા જોડવા માંડ્યા !

એમ કરતાં એમનો જમવા જવાનો વખત થઈ ગયો. શૂ-લુંગે કુમારનો ખભો હલાવ્યો. કુમારે જાણે જતાં જતાં ટ્રાન્સમીટરની છેલ્લી તપાસ કરી જોતો હોય તેમ જુદાં જુદાં બટન દબાવી જોયાં અને એમ કરતાં ટ્રાન્સમીટર ચાલુ કરી દીધું. ત્રાંસી આંખે શૂ-લુંગ સામે જોયું. એ બાપડો ટ્રાન્સમીટરો વિશે કશું જ જાણતો લાગતો નહોતો. નહિતર યંત્ર ચાલુ કરવાનું બટન દબાયેલું છે એ તેણે તરત જ પારખી લીધું હોત.

હવે એક જ અગત્યનું કામ કરવાનું હતું. શૂ-લુંગ યાનનો દરવાજો બંધ ન કરી દે, એવી કશીક વ્યવસ્થા કરવાની હતી. એનો દાવ પણ કુમારે ક્યારનો ગોઠવી કાઢ્યો હતો.

દરવાજા પાસે આવતાં જ કુમાર એકદમ જાણે એની પ્રાણવાયુની નળી અટવાઈ ગઈ હોય અને શ્વાસ ના લઈ શકતો હોય તેમ પડી ગયો. તરફડિયાં મારવા લાગ્યો. આળોટતાં આળોટતાં એણે શૂ-લુંગ સામે જોયું. શૂ-લુંગની આંખોમાં દયા નહોતી. હા, નવાઈનો ભાવ હતો. વળી એ કશુંક વિચારતો હોય તેમ લાગતું હતું. એને કદાચ ચાઓ-તાંગની વાત યાદ આવી હશે કે કુમાર આપણે માટે ઉપયોગી છે. આપણું ટ્રાન્સમીટર એ જ દુરસ્ત કરી આપવાનો હતો.

એટલે એણે કુમારને જલદી જલદી ઉપાડ્યો. બહારના પ્લેટફોર્મ ઉપર લઈ ગયો. પછી બારણું બંધ કરવા વળ્યો, પણ એ વખતે તો કુમારે એવાં આળોટિયાં મારવા માંડ્યાં કે શૂ-લુંગ એકદમ દોડીને એની પાસે આવ્યો. એની હવાની નળીઓ તપાસવા માંડી. પછી કુમારનો હાથ પકડીને એને જલદી જલદી સીડીની નીચે ઊતારવા માંડ્યો. કુમાર ગૂંગળાઈને મરી જાય તે પહેલાં શૂ-લુંગ એને પેલી ગુફા સુધી લઈ જવા માગતો હતો. ત્યાં ગયા પછી એને નવું મહોરું અને પ્રાણવાયુના નવા નળાકાર બાંધી શકાય.

એટલે કુમારને એ જલદી જલદી લઈ આવ્યો. અને આવી ઉતાવળમાં એ પેલું બારણું બંધ કરવાનું ભૂલી ગયો. કુમારનો દાવ આબાદ રીતે સફળ થઈ ગયો હતો.

બંને જણા ગુફા સુધી પહોંચ્યા. અંદર પેઠા. ચાઓ-તાંગ પેલા બે અમેરિકનોની સાથે વાતો કરીને, ડોળા ફાડી, જાત જાતની બત્તીઓ કરીને બંનેને કશુંક પઢાવી રહ્યો હતો; પોપટને પઢાવે એમ.

કુમાર અને શૂ-લુંગને આવેલા જોઈ એણે પોતાની નજર એ લોકો તરફ વાળી. એ બોલ્યો : “આવો, આવો. કેમ કુમાર ! તું બહુ થાકી ગયો લાગે છે ?”

માંડમાંડ બોલી શકતો હોય તેમ કુમારે કહ્યું : “મારી...પ્રાણવાયુની નળીમાં...કશીક...ગરબડ થઈ ગઈ છે. શ્વાસ લેવામાં...તકલીફ પડે છે.”

ચાઓ-તાંગ નજીક આવ્યો. એણે કુમારની પ્રાણવાયુની નળી કાઢીને, એમાં ફૂંક મારીને જલદીથી પાછી ભરાવી દીધી. કુમારે જરા સ્વસ્થતાથી શ્વાસ લેવા માંડ્યો. મૂળે નળીમાં કશી ગરબડ તો હતી જ નહિ. પણ શૂ-લુંગને કશી શંકા ન પડે એ માટે તેણે આવો દેખાવ કરવો પડ્યો હતો. થોડી વારમાં તો એ તદ્દન સ્વસ્થ બની ગયો.

ચાઓ-તાંગે પૂછ્યું : “હવે કેમ લાગે છે ?”

કુમાર કહે : “હવે ઠીક છે.”

ચાઓ-તાંગ કહે : “ટ્રાન્સમીટરનું સમારકામ કેટલે પહોંચ્યું ?”

કુમાર કહે : “ચાલે છે. હજુ ચાર-પાંચ કલાક લાગશે, એમ હું માનું છું.”

ચાઓ-તાંગ કહે : “ભલે. હમણાં તમે આરામ કરો. કલાક પછી ફરી કામ શરૂ કરજો. હું હજુ બે કલાક સુધી અહીં કામમાં છું. પછી તમારું કામ જોવા આવીશ.”

કુમારે થોડાં વીટામીન બિસ્કિટ ખાઈ લીધાં. થોડું પાણી પી લીધું અને પછી સૂઈ ગયો. કલાકેક ઊંઘ્યો હશે ત્યાં શૂ-લુંગે એને હલબલાવીને જગાડ્યો. કુમાર ઊભો થઈ ગયો. શૂ-લુંગે પિસ્તોલની નાળ હલાવીને એને ચાલવાની સૂચના આપી. બંને ચાલતા થયા. અવકાશયાન સુધી પહોંચી ગયા. સીડી ચડ્યા. પ્લેટફોર્મ સુધી આવ્યા. અચાનક જ શૂ-લુંગને કશુંક યાદ આવ્યું. પોતે બારણું ખૂલ્લું જ રાખ્યું હતું, એનો ખ્યાલ આવ્યો.એણે એકદમ ગજવામાંથી હાથકડી કાઢી. કુમારના એક હાથમાં એ પહેરાવી દીધી. પછી કુમારને ખેંચીને પ્લેટફોર્મ ફરતી સળિયાની વાડ સુધી લઈ ગયો. હાથકડીનો બીજો ગાળો સળિયામાં ભરાવીને ચાવી મારી દીધી. કુમાર એ સળિયા સાથે જકડાઈ ગયો.

પછી શૂ-લુંગે પિસ્તોલના ઘોડા પર જ આંગળી રાખીને આસ્તેથી બારણું ખોલ્યું....

કુમારના મસ્તકમાં વિચારો પૂર ઝડપે દોડવા લાગ્યા. શું ટ્રાન્સમીટર બરાબર કામ કરતું થયું હશે ? સંદેશો યુસુફાયેવ, તાન્યા અને ડેવિડને મળ્યો હશે ? એ લોકોને આ સંદેશામાં વિશ્વાસ પડ્યો હશે ? અહીં આવી ગયાં હશે ? એમની પાસે પૂરતાં શસ્ત્રો હશે ? શૂ-લુંગની સામે એ લોકો ટક્કર ઝીલી શકશે ?

કુમારના મનને આવા અનેક સવાલોએ ઘેરી લીધું…

(ક્રમશઃ)