Chandra par Jung - 4 books and stories free download online pdf in Gujarati

ચન્દ્ર પર જંગ - 4

ચન્દ્ર પર જંગ

યશવન્ત મહેતા

(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)

પ્રકરણ - ૪ : અંધકારની આલમ

કુમાર-કેતુના અજનબી મદદગારો સામે જ ઊભા હતા. પણ તરત જ બંનેને થયું કે આ તો ઓલામાંથી ચૂલમાં પડ્યા ! એમના બચાવનારા ચીના હશે એવું તો એમણે સ્વપ્ને પણ ધાર્યું નહોતું ! ચન્દ્ર પર ડગ મૂકનાર પહેલા માનવી ચીનાઓ હશે એવી તો એમને કલ્પના ક્યાંથી હોય ?

કુમારે એ બંનેનો રૂપાનો બનેલો સફેદ પોશાક જોયો અને વળી વધુ નવાઈ લાગી; કારણ એ રૂપાનો અવકાશી પોશાક તો એકલા સોવિયત સંઘવાળા જ વાપરતા હતા. બીજા સૌનો પોશાક તો એલ્યુમિનિયમનો બનતો !

ખેર ! બચી તો ગયા. અંતે કુમાર મોટેથી બોલ્યો પણ ખરો, “આપણે બચી ગયા,કેતુ !”

એટલામાં એક ચીનાનો અવાજ આવ્યો : “પહેલાં એ તો કહો કે તમે ક્યા દેશના છો ?”

કુમારે ઊંચું જોયું. કયો ચીનો બોલ્યો ? હા, પેલો જરા નીચો અને સાંકડી ગરદનવાળો અને લુચ્ચી આંખોવાળો જ બોલ્યો હશે. એના તરફ નજર માંડીને કુમારે કહ્યું : “ચૂપ રહો તમે, ચીનાભાઈ ! અમે છેલ્લાં દસ-દસ વર્ષથી તમને ચીનાઓને ઓળખીએ છીએ. તમે અમને ભાઈ ભાઈ અને બિરાદર કહીને પીઠમાં છૂરી હુલાવનારા છો, એની અમને પૂરી ખબર છે. અમે હિન્દીઓ છીએ.”

પેલા ચીનના પીળા ચહેરા પર લાલ રંગ છવાઈ ગયો. એની ચૂંચી આંખો ખેંચાયેલા ધનુષ્યની જેમ તંગ થઈ. એણે ઘાંટો પાડીને કહ્યું : “હિન્દીઓ ! તમે ઘેટાં છો ! અમે તમને બાફીને ખાઈ જવા બચાવ્યા છે, સમજ્યા ? હવે તમે ચૂપ મરો અને અમારી પાછળ પાછળ ચાલો.”

બોલતાં બોલતાં એનો ચહેરો કોઈ રાક્ષસ જેવો ભયંકર બની ગયો. મામલો ઘણો ગંભીર હતો. આ ઝનૂની લોકોએ પેલા બિચારા અમેરિકનોની શી દશા કરી હશે ? જોન અને જુલિયસ તો ક્યારનાંય આ લોકોના હાથમાં આવી ગયાં હશે. અને ડેવિડનું શું ? એ પણ પકડાઈ ગયો હશે ? કે પછી એને તો સાચે જ કોઈ અકસ્માત નડ્યો હશે ?

કુમારને થયું કે, લાવ આ લોકોને પૂછી નાખું. પણ એને બીજો વિચાર આવ્યો. કદાચ એમને ખબર ન પણ હોય. તેઓને પોતાના યાનમાં કોણ આવે છે તેની પણ ખબર નહોતી ! તેથીસ્તો એમણે પૂછ્યું કે, તમે કયા દેશના છો ? એનો અર્થ એ કે તેઓનું ટ્રાન્સમીટર બગડી ગયું હશે; નહિતર તો કુમારે ભારત ભણી મોકલેલા સંદેશાની પહેલેથી જ એમને ખબર હોત ! એનો અર્થ એટલો જ કે ડેવિડના સંદેશા પણ એમણે નહિ જ સાંભળ્યા હોય. કદાચ ડેવિડના આગમનની એમને ખબર પણ નહિ હોય !

કેતુએ ચૂપ રહેવાની ખાનગી ઇશારત કરીને ચીનાને પૂછ્યું, “તમારે કેટલાંક ઘેટાં જોઈએ છે ? શું બે અમેરિકનો પૂરતા નથી ?”

ચીનો હસ્યો, “બિરાદર ! આ વરુઓ વર્ષોનાં ભૂખ્યાં છે. બે ઘેટાં પૂરતાં નથી. બીજાં બે મળ્યાં. હવે મહેફિલ સારી જામશે.”

પછી એણે પોતાના સાથીને ચીની ભાષામાં કશુંક કહ્યું. પછી આ ઠીંગણા ચીનાએ કહ્યું, “હિન્દીઓ, ચાલો ! હું પાછળ ચાલું છું.”

એક વાત તો નક્કી થઈ ગઈ – ડેવિડ હજુ એમના હાથમાં સપડાયો નહોતો. ત્યારે શું એ ધૂળના કળણમાં સપડાયો હતો ? કોણ જાણે ! તેનું બગડેલું ટ્રાન્સમીટર સંભાળતો ક્યાંક બેઠો હશે !

તો તો એને પણ બચાવવો જોઈએ. પણ કેવી રીતે ?

એકાએક જ કુમારને એક ઉપાય મળી ગયો ! એની સાથે વાત કરનાર ચીનાને એણે કહ્યું, “જુઓ, ડેવિડ અહીં કદાચ મુશ્કેલીમાં હશે. અમે એને બચાવવા જ આવ્યા છીએ.”

કેતુ બોલી ઊઠ્યો, “કુમાર ! આ લોકોને કશું કહેવાનો અર્થ નથી. આપણી વાત એમને સાચી નહિ લાગે. એ લોકો આપણને ક્યાં લઈ જવાના છે ?”

“કોણ જાણે ! પણ જ્યાં લઈ જાય છે ત્યાં ગુલાબની પથારીમાં તો આપણને નહિ જ સુવાડે !”

“સાચી વાત છે, કુમાર.” ચીનો બોલ્યો, “અહીં ચન્દ્ર પર હજુ ગુલાબ ઊગતાં નથી. અહીં તો એકલું મોત જ ઊગે છે. ધૂળિયું મોત ! એ મોત તમને ઘેરી વળે તે પહેલાં ચાલવા લાગો !”

પણ ક્યાં ? કુમારે આસપાસ નજર ફેરવી. ચળકતું રાખોડી મેદાન દૂર સુધી ફેલાયેલું હતું. દૂરદૂર ઊંચા પહાડો દેખાતા હતા. કશી લીલોતરી વિનાના એ ટાલિયા પહાડો બહુ ભયંકર દેખાતા હતા.

થોડી વારમાં એ લોકો સામે કશીક ચળકતી ચીજ દેખાઈ. જરા ધ્યાનથી જોતાં તેનો પૂરો આકાર દેખાયો. તે એક ચન્દ્ર-ગાડી હતી. ગૂંચળાં-ગૂંચળાંવાળાં પૈડાં અને હલકી ફૂલ જેવી ચન્દ્ર-ગાડી બનાવવાના પ્રયોગ પણ પૃથ્વી પર વૈજ્ઞાનિકો કરતા હતા. આ લોકો એવી ગાડી અહીં લાવ્યા હતા.

ગાડીમાં ચાર સાંકડી, નાની, સળિયા વાળીને બનાવેલી બેઠકો હતી. એમાંથી એક ચલાવનાર માટે હતી. પાછળના ભાગમાં ત્રણ હતી. બેની સામે એક હતી. એ બે પાછલી બેઠકો પર કુમાર-કેતુને બેસાડી દેવાયા. સામે બીજો ઊંચો ચીનો બેઠો. બેસતાં પહેલાં એણે પોતાના ગજવામાંથી એક મોટી રિવોલ્વર કાઢી અને હાથમાં જ પકડી રાખી.

નીચા ચીનાએ ડ્રાઇવરની બેઠક પર બેસતાં પહેલાં કહ્યું, “તમારાં નામ તો તમારી વાતચીત પરથી જાણ્યાં. અમારાં નામ જાણવાની પણ તમને મરજી થશે. આ મારા બિરાદરનું નામ શુ-લુંગ છે. એમની શારીરિક તાકાત માટે એ જાણીતા છે અને નિશાનબાજીના એ ચેમ્પિયન છે. એટલે ભાગવા-દોડવાનો કશો વિચાર કરતાં જરા સંભાળજો. આપના આ નમ્ર સેવકનું નામ ચાઓ-તાંગ છે. અમે બંને લોકશાહી ચીનના વિનમ્ર નાગરિકો છીએ.”

પછી એક ગંદું હાસ્ય હસીને એ ગાડીમાં બેઠો. યંત્ર ચાલુ થયું. ચન્દ્રની ઊંચી-નીચી અને રેતાળ-ટેકરાળ ધરતી પર ગાડી માંડ પંદરેક માઇલની ઝડપે દોડી શકતી હતી.

ગાડી પૂર્વ દિશા બાજુ દોડતી હતી. કુમાર-કેતુને ખબર હતી કે તેમના યાનથી પૂર્વ દિશામાં જ ક્યાંક અમેરિકનોનું યાન ઊતર્યું હતું.

અચાનક જ ક્ષિતિજ પર કશુંક ચળકતું દેખાયું. કુમાર બોલી ઊઠ્યો, “કેતુ ! પેલું શું દેખાય છે ?”

એકદમ જ ગાડી ધીમી પાડીને પાછળ ફરીને ચાઓ-તાંગે પૂછ્યું, “શું દેખાય છે, બિરાદર ?”

કુમારને એકદમ પોતાની જાત પર ગુસ્સો ચડી આવ્યો ! મહોરાના રેડિયો ચાલુ હોય ત્યારે ખાનગી વાત કેવી રીતે થઈ શકે ? ગમે તેટલા ધીમા અવાજે બોલો છતાં સૌ સાંભળે જ ને ?

કુમારે દૂરના ચળકાટ તરફ આંગળી ચીંધી. બંને ચીનાઓએ પણ એ જોયું. બંને વચ્ચે ચીની ભાષામાં ઝડપથી વાતચીત ચાલવા લાગી.

થોડી વારમાં ગાડી એક ટેકરી પર ચડી. અહીંથી એ ચળકતી ચીજ બરાબર દેખાતી હતી. એ આડું પડી ગયેલું એક યાન હતું !

ચાઓ-તાંગે ઘણી વાર સુધી દૂરબીનમાંથી એ યાન સામે જોયા કર્યું. પછી બોલ્યો, “અમેરિકાનું યાન છે ! ચન્દ્ર પર આ અમેરિકનોએ ઠીક ઠીક મોડું આક્રમણ શરૂ કર્યું, ભાઈ !

“ડેવિડનું યાન છે એ !” કુમાર બોલી ઊઠ્યો. “અમે તમને જેની વાત કરતા હતા એ જ અમેરિકન ! અમે એમને જ બચાવવા આવ્યા છીએ.”

ચાઓ-તાંગે ચન્દ્ર-ગાડીનું યંત્ર બંધ કર્યું. જમીન પર કૂદી પડ્યો. પછી ચીની ભાષામાં શૂ-લુંગ સાથે થોડી વાતચીત કરીને એ પાસેની વધુ ઊંચી ટેકરી પર ચડ્યો. ઘણી વાર સુધી દૂરબીન માંડી રાખ્યું. પછી ચીની ભાષામાં શૂ-લુંગને કશુંક કહીને એ પેલા યાન તરફ ચાલ્યો.

શૂ-લુંગે નીચે લટકતી રિવોલ્વરની નાળ બરાબર ટટાર કરી. આ બે કેદીઓ હવે એના એકલાના હવાલામાં હતા.

એ ઘણો તગડો માણસ હતો. ઊંચો પણ ઘણો – લગભગ પોણા છ ફૂટ હશે. ચીનાઓ એટલા ઊંચા ભાગ્યે જ હોય છે.

પણ ખાસ જોવા જેવો તો એનો ચહેરો હતો. એના ચહેરા પર શીતળાનાં ચાઠાં હતાં. બે મોટા મસા પણ એના ગાલ પર ઊગેલા હતા. આંખો સૂજેલી હતી. પણ ભારે પાંપણો અને પોપચાં વચ્ચે તગતગતી કાળી આંખો સાચે જ ભયાનક હતી. એ આંખો કુમાર અને કેતુના શરીરને જાણે બે ધગધગતા સળિયાઓથી વીંધી નાખતી હતી. પણ એ આંખો સાવ સ્થિર હતી અને એમાં બુદ્ધિનો ચમકારો જરાય દેખાતો નહોતો.

એને હિન્દી ભાષા આવડતી હશે ? કુમાર અને કેતુ સાથે બધી વાતચીત એકલો ચાઓ-તાંગ જ કરતો હતો. પણ કદાચ એ નેતા હોય તેથી શૂ-લુંગ હમેશાં ચૂપ રહેતો હોય એવું પણ બને ! એને હિન્દી કે અંગ્રેજી નથી આવડતી એની ખાતરી શી રીતે કરવી ?

“આ ચીનાને જોયો છે ? કેવો ગધેડા જેવો છે ? બુધ્ધુ !” કુમારે ગાળ દીધી.

પણ ચીનાના ચહેરા પર તો કશો ફેર ન પડ્યો. આંખ પણ ન ફરકી ! એનો અર્થ એટલો જ કે એને હિન્દી નથી આવડતી ! નહિતર ગાળ સાંભળીને ગુસ્સે થઈ જાત !

કેતુ હસ્યો. “કુમાર ! તું ચિંતા ના કર ! બિચારા શૂ-લુંગને હિન્દી નથી આવડતી, પણ આપણે આપણી વાતો બોલવાનો કશો અર્થ નથી. કારણ કે ચાઓ-તાંગનો રેડિયો કદાચ આટલે દૂરથી પણ આપણા અવાજ સાંભળતો હશે. પણ તું તારની ભાષા શીખ્યો છે ?”

કુમાર ઉત્સાહમાં આવી ગયો. “હા, કેતુ ! અમને સંદેશાવ્યહાર શીખનારાએ તો મોર્સની તારની કિટ કિટ પહેલી શીખવી પડે છે.”

કેતુ કહે, “તો આપણે તારની ભાષામાં જ વાત કરીશું.”

બંને ચૂપ થઈ ગયા ! કુમારને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. ડેવિડનો પત્તો એણે જ અસાવધાનીથી ચાઓ-તાંગને આપી દીધો હતો. અત્યારે ડેવિડ યાનમાં હશે તો એની બિચારાની શી દશા થશે ?

થોડી વારમાં ચાઓ-તાંગ પાછો ફરતો દેખાયો. એ એકલો હતો !

ડેવિડ ? ડેવિડ ક્યાં ગયો ?

ચાઓ-તાંગ ચીની ભાષામાં શૂ-લુંગ સાથે કશીક વાત કરતો હતો. કુમારની ધીરજ ના રહી. એણે પૂછી નાખ્યું, “ચાઓ-તાંગ ! ડેવિડના શા ખબર છે ?”

ચાઓ-તાંગે ઘણી વાર સુધી કુમારને જવાબ ના દીધો. શૂ-લુંગને એ કશુંક કહેતો રહ્યો. પછી અચાનક જ કુમાર બાજુ ફરીને કહે : “તમારા બિરાદર ડેવિડ માર્યા ગયા છે !”

માર્યા ગયા છે ! કુમાર હબકી ગયો. ત્યારે ડેવિડને તો અકસ્માત જ થયો છે, એમ ને ?

અચાનક જ કુમારના મનમાં એક બીજો વિચાર આવી ગયો. કદાચ આ ચાઓ-તાંગે જ ડેવિડને મારી નહિ નાખ્યો હોય ને ? યાનમાં ડેવિડ બેઠો હોય ને ચાઓ-તાંગે તેને મારી નાખ્યો હોય એ શક્ય છે. ચાઓ ડેવિડને જીવતો શું કામ રાખે ? ચન્દ્ર પર ખોરાક અને હવાની તંગી છે. એક વધુ જીવતો અમેરિકન શા કામનો ? તેને ખાવા-પીવાનું આપતાં રહેવાની શી જરૂર ? તે તો મુએલો જ સારો !

કુમાર ગુસ્સે થઈ ગયો. એનું મન વારંવાર કહેવા લાગ્યું : આ ચાઓ-તાંગ ખૂની છે ! હત્યારો છે એક નિરાધાર અવકાશીને એણે ક્રૂરપણે મારી નાખ્યો છે.

ચાઓ-તાંગ ફરી ડ્રાઈવરની બેઠક પર બેસી ગયો અને બનતી ઝડપથી એણે ચન્દ્ર-ગાડી પૂર્વ દિશામાં હાંકી મૂકી. જરા ધ્યાનથી જોતાં ચાઓ-તાંગ અને શૂ-લુંગ બંનેના ચહેરા પર સહેજ ચિંતા જેવું પણ દેખાતું હતું. શેની ચિંતા હશે, એ તો કુમાર સમજી શક્યો નહિ.

થોડી વારમાં જ તેઓ ઊચી પહાડી દીવાલની સામે આવી ગયા. ચાર-પાંચ હજાર ફૂટ ઊંચા, સીધા ખડકના પહાડો હતા. વચ્ચેવચ્ચે ક્યાંક ખીણો દેખાતી હતી.

આવી એક ખીણની અંદર જ ચાઓ-તાંગે ચન્દ્ર-ગાડી વાળી. ખીણનું તળિયું સપાટ હતું. પૃથ્વીની ખીણોની જેમ અહીં વરસાદ પડતો નહોતો કે ખડકો અને શિલાઓ નીકળી આવે !

ખીણની એક દીવાલ સૂરજના તડકામાં ચળકતી હતી, જ્યારે બીજી દીવાલ ભયંકર કાળા અંધારામાં હતી. ચન્દ્ર પરની હાલત જરા વિચિત્ર છે. જ્યાં અજવાળું હોય ત્યાં ચોખ્ખેચોખ્ખું અજવાળું. પણ જ્યાં સૂરજનાં કિરણો ન પહોંચે ત્યાં કાજળ જેવું ઘોર અંધારું, કારણ કે સૂરજનાં કિરણોનું પરાવર્તન કરે અને અજવાળું ફેલાવે એવા ધૂળના હવામાં ઊડતા રજકણો ત્યાં હોતા નથી !

ખીણમાં અડધોએક માઈલની સફર કરીને ચાઓ-તાંગે ચન્દ્ર-ગાડી ઊભી રાખી. શૂ-લુંગે નીચે ઊતરીને ગજવામાંથી બે હાથકડીઓ કાઢી. કુમાર અને કેતુના હાથમાં એ હાથકડીઓ પહેરાવી દીધી.

પછી બધા ખીણની અંધારી દીવાલના કોલસા જેવા કાળા પડછાયામાં ચાલ્યા. ચાઓ-તાંગે એક ટોર્ચ કાઢીને એની ચાંપ દાબી. અજવાળું થયું. પણ પૃથ્વી પર પડે છે, એવું અજવાળું પડતું નહોતું. ફક્ત અજવાળાનો એક લીસોટો જ પડતો હતો. એ લીસોટાને આમતેમ ફેરવતાં, રસ્તાનો ખ્યાલ મેળવતાં ચાઓ-તાંગ આગળ ચાલ્યો. વારંવાર પાછો ફરીને એ કુમાર-કેતુ પર પણ અજવાળું ફેંકી લેતો હતો. જો કે એની કશી જરૂર નહોતી, કારણ કે પાછળ શૂ-લુંગ રિવોલ્વર તૈયાર તાકીને જ ચાલતો હતો.

અચાનક જ અંધકારની દીવાલમાં પ્રકાશનું એક છિદ્ર દેખાયું. એ કોઈ ગુફાનું દ્વાર હતું. એ દ્વારમાં પેસીને પાછા ફરીને ઊભો રહી ચાઓ-તાંગ બોલ્યો : “કુમાર-કેતુ ! ‘વિરા’ના વડામથકે તમારું હું સ્વાગત કરું છું.”

“ ‘વિરા’ ? ‘વિરા’ શું છે, ચાઓ-તાંગ ?” કેતુએ પૂછ્યું.

“વિશ્વરાજ્યને માટે અમે ટૂંકો શબ્દ ‘વિરા’ વાપરીએ છીએ. અમે ચીની સામ્યવાદીઓનું એક વિશ્વરાજ્ય સ્થાપવા માંગીએ છીએ. એનું વડુંમથક અત્યારે અહીં ચન્દ્ર પર છે. ધીરે ધીરે આખી પૃથ્વી પર ‘વિરા’ ફેલાઈ જશે. હા, હા, હા !” ચાઓ-તાંગ પાગલની જેમ હસી પડ્યો.

ગુફાની અંદર અજવાળું હતું. ઠેર ઠેર ઊંચા પથ્થરો પર ફ્લૂરેસન્ટ દીવા બળતા હતા. એ માટેનો નાનકડો વિદ્યુત ઉત્પાદનનો સેટ પણ એક ખૂણામાં પડ્યો હતો. ઠેર ઠેર નાની-મોટી પેટીઓ પડી હતી. એ બધા પર સોવિયેત સંઘની નિશાનીઓ ચીતરેલી હતી અને ચારનો આંકડો જ્યાં ત્યાં લખેલો હતો. એટલે કે ચાર માણસોનો એ સામાન હતો !

તો બાકીના બે ક્યાં ગયા ? અને આ ચીનાઓનો સામાન સોવિયેત સંઘની જ છાપવાળો કેમ હતો ?

એ સવાલોના જવાબોની પણ કુમારને ખબર નહોતી. એણે ગુફાનું બરાબર નિરીક્ષણ કરવા માંડ્યું. એક શક્તિશાળી દૂરબીન હતું. પ્રાણવાયુના નળાકારનો તો મોટો ગંજ ખડકાયેલો હતો. એક ખૂણામાં મોટી બધી રાયફલો પડી હતી. કુમારની ચકોર નજરે જોઈ લીધું કે એ હાથી-ગેંડા જેવા પ્રાણીના શિકાર માટેની ૫૦૦ કેલિબરની એક્સપ્રેસ રાયફલ હતી ! આવી રાયફલનું નિર્જન ચન્દ્ર પર શું કામ, ભાઈ ?

ચાઓ-તાંગ એમની સામે ઊભો રહી ગયો. “બિરાદરો !” એણે કહ્યું. “વિરાની નાનકડી શરૂઆતના તમે સાક્ષી છો. તમારા જેવા નવલોહિયાના બલિદાનથી અમારું કામ સફળ થશે, એની મને ખાતરી છે. તમને થતું હશે કે અમે તમને શા માટે બચાવ્યા ? તમારા પર દયા ઊભરાઈ જવાથી તો નથી જ બચાવ્યા...”

“તમે ડેવિડને જેવી રીતે મારી નાખ્યો એ પરથી તમારા દિલનો અમને પરચો મળી ગયો છે, ચાઓ-તાંગ !” કુમારે ધિક્કારથી કહ્યું.

“ડેવિડ અમારે માટે નકામો હતો.”

“અને જોન તથા જુલિયસ ?” કેતુએ પૂછ્યું.

“એ બંને આરામ કરે છે. ઊંઘે છે. તમે પણ એમની જેમ આરામ કરો તો સારું. છેલ્લા થોડા કલાક તમારા જરા મુશ્કેલીમાં વીત્યા છે. તમને આરામની જરૂર છે. વળી, અમારે પણ ઘણું કામ છે. આપણે પછી વાતો કરીશું.”

પછી એણે શૂ-લુંગને કશીક સૂચના આપી. શૂ-લુંગે ફોમ રબરની બે ગાદીઓ એક ખૂણામાં પાથરી દીધી. એ તરફ આંગળી ચીંધીને ચાઓ-તાંગે કહ્યું : “તમારા આરામની સગવડ તૈયાર છે, બિરાદરો ! માફ કરજો, પણ...”

એટલું બોલીને તેણે કુમાર-કેતુના નાનાં ટ્રાન્સમીટર સેટ એમની છાતી પરથી છોડી લીધા. એ સેટ એણે બાજુમાં જ મૂક્યા. હાથકડીવાળા હાથે કુમાર-કેતુ એ સેટ પાછા બાંધી નહિ શકે એની એને ખાતરી હતી અને ચન્દ્ર પર અવકાશી મહોરા વિના તો ચાલે જ નહિ. આથી બંને દોસ્તોની વાતચીત અટકાવવાનો એનો આ દાવ હતો.

અસહાય બનીને કુમાર-કેતુ ઊભા રહ્યા. ચાઓ-તાંગ અને શૂ-લુંગ ગુફાના દ્વારમાં થઈને બહારનાં અંધારામાં ઓગળી ગયા.

કુમાર-કેતુ એટલા બધા થાકી ગયેલા હતા કે ઊંઘ્યા સિવાય ચાલે તેમ નહોતું.

જાગ્યા પછી થયું હોય તે થાય, એમ મન વાળીને બંને ફોમ રબરની ગાદી પર સૂઈ ગયા. થોડી ઘડીઓમાં તો ઊંઘે તેમને ઘેરી લીધા...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED