ચન્દ્ર પર જંગ - 7 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચન્દ્ર પર જંગ - 7

ચન્દ્ર પર જંગ

યશવન્ત મહેતા

(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)

પ્રકરણ – ૭ : અંધારગુફામાં અથડામણ

એક એક પળ યુગ જેવડી લાંબી હતી.

કુમાર પોતે જકડાયેલો હતો અને રાક્ષસી ચીનો શૂ-લુંગ અવકાશયાનમાં પેઠો હતો. અંદર કદાચ પેલા ભાગેડુ અવકાશયાનવીરો હશે. કદાચ નહિ હોય ! જો હોય તો હારી ન જાય તો સારું. જો એ આજે હારે તો.....

તો ?

તો આખી પૃથ્વી પર ગાંડા લોકોની એક ટોળીનું રાજ થઈ જાય. લોકશાહી અને આદર્શોનું મરણ થઈ જાય. માનવીના મુક્તપણે જીવવાના હક્કો છિનવાઈ જાય. પૃથ્વી આખી ગુલામ બની જાય.

થોડી ઘડીઓ આવી આશાનિરાશામાં વીતી ! અંદર શી દશા થઈ હશે તેની કલ્પના કરતાં કુમાર ધ્રૂજી જતો હતો.....

અને ત્યારે જ દરવાજો ખૂલ્યો....અંદરથી એક અવકાશયાત્રી નીકળ્યો. કોણ હતો એ ? શૂ-લુંગ ?

ના. એ ડેવિડ હતો.

કુમારે સંતોષનો એક ઊંડો શ્વાસ લીધો.

ડેવિડે કહ્યું, “શાબાશ, ભારતીય વીર ! તમે આજે પૃથ્વીને બચાવવામાં એક ઘણું અગત્યનું પગલું ભર્યું છે.”

કુમાર હસ્યો. એ કહે : “પ્રશંસાનાં પુષ્પો પછી વેરજો, મને આ ફૂલની માળામાંથી પહેલાં છોડવો.” એણે હાથકડી તરફ ઈશારો કર્યો.

ડેવિડ પાછો અવકાશયાનમાં ગયો. શૂ-લુંગના ગજવામાંથી બેડીની ચાવીઓ લઈ આવ્યો. એની સાથે સોવિયેત અવકાશયાત્રીઓ યુસુફાયેવ અને તાન્યા પણ બહાર આવ્યાં. એ બંનેએ કહ્યું : “અભિનંદન; કુમારબાબુ !”

એ લોકો શુદ્ધ હિન્દીમાં બોલી શકતાં હતાં. સોવિયેત સંઘ અને ભારતની દોસ્તીની એ સાબિતી હતી.

ડેવિડે કુમારની હાથકડી ખોલી. પછી કહ્યું : “શૂ-લુંગને અમે પકડીને બાંધી દીધો છે. હવે શો દાવ છે ?”

કુમાર કહે : “કલાકેકમાં ચાઓ-તાંગ અહીં આવવાનો છે. આપણે એને પણ પછાડી દઈશું.”

ત્યારે જ તાન્યા કહે : “ના. આપણે એવી રીતે સમય બગાડી શકીશું નહિ. પૃથ્વી પર વિશ્વરાજ્યના જાસૂસો તૈયાર થઈ ને બેઠા છે. અહીં ચન્દ્ર પરથી સંદેશો નહિ મળે તો તેઓ કદાચ બળવો શરૂ કરી દેશે. એ લોકો જગતના એકેએક અણુમથક પર ફેલાયેલા છે. ગમે ત્યારે તેઓ અણુશસ્ત્રોનો કબજો લઈ શકે તેમ છે. હજુ પણ ડર છે. આપણે વહેલામાં વહેલી તકે પૃથ્વી પર ચેતવણીનો સંદેશો મોકલી દેવો જોઈએ. પણ એ પહેલાં આપણે બે ચીજો મેળવવી પડશે.”

કુમારે પૂછ્યું : “કઈ બે ચીજો ?”

તાન્યા કહે : “એક તો પેલું એરીયલ આપણે મેળવવાનું છે. એ વિના આ ટ્રાન્સ્મીટરનો સંદેશો પૃથ્વી સુધી પહોંચી શકશે નહિ. બીજું જે મેળવવાનું છે એ જરા અઘરું છે. ચાઓ-તાંગ પાસે એક પાકીટ છે. એ પાકીટમાં થોડાં કાગળિયાં છે. વિશ્વરાજ્યોનો કયો જાસૂસ ક્યાં છે અને એને શો ખાસ ગુપ્ત સંદેશો મોકલવાનો છે, તે બધી વિગતો આ કાગળિયામાં લખેલી છે. એ લોકોનાં નામ આપી દેવાનાં છે. આ બંને વસ્તુઓ આપણે ચાઓ-તાંગ પાસેથી મેળવવાની છે.”

ડેવિડ કહે : “આપણે અહીં છુપાઈ ને ચાઓ-તાંગની રાહ જોઈએ.”

પણ તાન્યા કહે : “ના. હવે વખત ગુમાવવો નથી. હવે તો જલદીથી પૃથ્વીને ચેતવી દેવી છે. એકેએક ઘડીની ને ક્ષણની કિંમત છે. વિશ્વરાજ્યના ગદ્દાર જાસૂસો પૃથ્વી પર ભાંગફોડ શરૂ કરે તે પહેલાં આપણે પૃથ્વીને બચાવવાની છે.”

યુસુફાયેવ કહે : “બરાબર છે. આપણે જાતે જ હમણાં જઈને ચાઓ-તાંગ પાસેથી પેલું પાકીટ મેળવી લેવું જોઈએ.”

કુમાર કહે : “તો ચાલો ત્યારે.”

સૌ નીકળવા તૈયાર થયાં. શૂ-લુંગને હાથે અને પગે બેડીઓ પહેરાવી દીધી હતી. એ અહીંથી ચસકી શકે તેમ ન હતો. યુસુફાયેવ, તાન્યા અને ડેવિડ પાસે કાંઇ શસ્ત્ર નહોતું એટલે શૂ-લુંગની પિસ્તોલ એમણે લઈ લીધી.

તાન્યા સૌની આગળ સીડી ઊતરી ગઈ. કોણ જાણે કેમ, એને આ ચીનાઓને હરાવવામાં સૌથી વધુ ઉત્સાહ હતો. એનું કારણ એનો દયાળુ સ્વભાવ હતો. એ સ્ત્રી હતી. સ્ત્રીઓ કદી પૃથ્વીમાતાને ગાંડા લોકોની ગુલામ બની જતી સહન કરી ના શકે.

જલદી જલદી પેલો અદૃશ્ય રસ્તો પાર કરીને તેઓ કાંઠે આવ્યાં. અહીં તાન્યા ઊભી રહી. એ કહે : “જુઓ ! હવે કોઈએ એક અક્ષર પણ બોલવાનો નથી. ઉધરસ કે છીંક પણ ખાવાની નથી. ચાઓ-તાંગનો મહોરાનો રેડિયો ચાલુ હશે. આપણો જરા સરખો અવાજ પણ એ સાંભળી લેશે, અને તો પછી આપણી બાજી ઊંધી વળી જશે. પણ આપણે જતાં પહેલાં એક વાત નક્કી કરી લઈએ. ગુફામાં કેતુ તો બંધાયેલો પડ્યો હશે. આપણી સામે ખરો ભય ચાઓ-તાંગનો છે. એની પાસે હથિયાર હશે. એટલે આ શૂ-લુંગવાળી પિસ્તોલ હું યુસુફાયેવને આપું છું. એ સારા નિશાનબાજ છે. એમણે ચાઓ-તાંગને તાબે કરવાનો છે. પેલા બે અમેરિકનોના મગજ પણ ચાઓ-તાંગે ફેરવી નાખેલાં છે. એટલે ચાઓનો હુકમ થતાં એ પણ કદાચ લડવા તૈયાર થઈ જશે. માટે હું અને ડેવિડ એમને રોકી રાખીશું. અને કુમાર, તું જલદીથી કેતુને છૂટો કરજે.”

સૌએ ડોકાં ધુણાવી તાન્યાની સૂચનાઓ માન્ય રાખી. તાન્યાએ પૂછ્યું : “કોઈને કશું પૂછવાનું છે ?”

ત્રણે વીરો બોલ્યા : “ના.”

તાન્યા કહે : “તો પછી ગુફાને બારણે પહોંચીને હું નિશાની કરું એટલે આપણે બધાએ અંદર ધસી જવાનું છે. આપણી ચપળતા અને આવડત ઉપર પૃથ્વીના ભવિષ્યનો આધાર છે, એ યાદ રાખજો.”

સૌ ચાલ્યાં. ચાલતાં ચાલતાં પેલી ખીણમાં થઈને અંધારી ગલીમાં પહોંચ્યાં. પગલાંનો પણ અવાજ ન થાય એવી સાવચેતીથી ચાલતાં ચાલતાં ગુફાનાં મોં પાસે આવ્યાં. તાન્યાએ હાથ ઊંચો કરીને સૌને અટકાવ્યાં. બધાં બહારના અંધારામાં ઊભાં રહ્યાં. ત્યાં ઊભાં ઊભાં અંદર જોયું. તેજના કુંડાળામાં એક ખુરશી પર ચાઓ-તાંગ બેઠો હતો. એ અંગ્રેજીમાં કશુંક બોલતો હતો. જે બોલતો હતો તે વારંવાર બોલ્યા જ કરતો હતો.

એની સામે જોન ને જુલિયસ બેઠા હતા. એ બંનેની આંખો સ્થિર હતી. સ્થિર આંખે તેઓ ચાઓ-તાગ સામે જોઈ રહ્યા હતા. એ વખતે એમની આંખો કોઈ માટીની મૂર્તિમાં જડેલી કાચની આંખો જેવી જડ અને વિચારહીન લાગતી હતી.

ચારે અવકાશવીરો બહારના અંધારામાં ઊભાં રહી ગયાં. અંદર પેસવામાં પૂરું જોખમ હતું. જે ટેબલ પાસે ચાઓ-તાંગ બેઠો હતો, એના પર એની પિસ્તોલ પડી હતી. કાળીકાળી એ ભયંકર પિસ્તોલ ચાઓ-તાંગ તરત જ ઝડપી લે અને ગોળી મારી દે એ શક્ય હતું. ગોળી મારવા માટે નિશાન લેવાની પણ જરૂર નહોતી. સામેવાળાના શરીર પર જ નહિ, અવકાશી પોશાક પર પણ ગમે ત્યાં ગોળી વાગે એ પૂરતું હતું. ચન્દ્ર પર બહારની હવાનું દબાણ છે જ નહિ. એટલે અવકાશી પોશાક હવાના દબાણવાળા હોય છે. એ હવા નીકળી જતાં ખૂબ હવા ભરાવાથી ફૂટી જતા ફુગ્ગાની જેમ માનવીનું શરીર પણ ફાટી પડે ! ભયંકર અને કંપારી છૂટે એવું મોત થઈ જાય.

આવા બધા વિચારો ચારે અવકાશવીરોના મનમાં ઘોળાઈ રહ્યા હતા. ચાઓ-તાંગ જરા આઘોપાછો થાય, તેની બધાં રાહ જોઈ રહ્યાં હતાં.

અને ત્યારે જ એમને કાને એક કારમી ચીસ અથડાઈ....

સૌ ચમકી ગયાં. એ ચીસ કેતુની હતી. કાળી ચીસ પાડીને એ બોલ્યો : “બાપ રે ! મારો પ્રાણવાયુ ખૂટી રહ્યો છે....હું....હમણાં મારી જઈ...શ....”

કુમાર કૂદ્યો.

અને એ પછી જેટલી ઝડપથી બધું બની ગયું તેટલી ઝડપથી તમે આ વાત વાંચી પણ નહિ શકો. આંખના પલકારામાં આખી અથડામણ થઈ ગઈ. અરે ! પેલા મૂઢ અમેરિકનોએ તો આટલી વારમાં આંખનો એક પલકારોય માર્યો નહોતો !

કેતુ એટલે કુમારનો ભાઈબંધ, એનો જિગરી દોસ્ત. બંનેએ સાથે જ જીવનમરણના ખેલ ખેલેલા. એ કેતુની આવી કારમી ચીસ સાંભળીને કુમાર કાંઇ ઊભો રહે ? એણે તો મારી મોટી ફલાંગ.

અને ચાઓ-તાંગ પણ કેતુને બચાવવા અને એને માટે પ્રાણવાયુનો નવો નળાકાર લેવા ધસ્યો. ઊભો થતાં થતાં એણે પોતાની પિસ્તોલ કમરપટામાં ભરાવી દીધી. એની નજર કેતુ તરફ હોવાથી અંદર ધસી આવેલા ચાર અવકાશવીરોને એણે પહેલાં તો જોયાં નહિ.

એણે ત્રણ ટૂંકાં ડગલાં ભર્યાં ત્યારે યુસુફાયેવ ત્રીસ ત્રીસ ફૂટ લાંબા કૂદકા મારીને એની પાસે પહોંચી ગયો હતો. ચોથે કૂદકે તો એ જઈ પડ્યો ચાઓ-તાંગની ઉપર અને ચાઓ-તાંગ બિચારો આ અચાનકના હુમલાથી ગબડી પડ્યો.

પણ પડતાં પડતાં એ સજાગ બની ગયો અને પ્રાણવાયુનો નળાકાર ફેંકી દઈને એણે પોતાની પિસ્તોલ ખેંચી કાઢી. જલદીથી ગોળી છોડી દીધી. એક જબરો તેજલીસોટો આખી ગુફાને ચમકાવી ગયો. ચન્દ્ર પર હવા ન હોવાથી ગોળીબારનો અવાજ થતો જ નથી.

એ ગોળી ક્યાં ગઈ અને એણે શું નુકસાન કર્યું, એ જોવાની તો એ વખતે કોઈને ફુરસદ નહોતી.

કુમાર કેતુ પાસે પહોંચી ગયો. ત્યારે જ કેતુ બોલ્યો; “મારી પાસે નહિ, મૂરખા ! જઈને યુસુફાયેવને મદદ કર !”

કુમાર મૂંઝાઈ ગયો. એણે કહ્યું : “કેતુ ! તારો પ્રાણવાયુ.....”

એને વચ્ચેથી જ બોલતો અટકાવીને કેતુ કહે : “એ તો બનાવટ હતી. યુક્તિ હતી. જલદી ચાઓ-તાંગની પિસ્તોલ છિનવી લે.”

કુમાર સમજી ગયો. કેતુએ અંધારિયા ખૂણામાં પડ્યાપડ્યા આ ચારે અવકાશવીરોને જોઈ લીધાં હતાં. એ લોકો શાથી બહાર અટકી ગયાં છે, તે પણ જોઈ લીધું હતું. ચાઓ-તાંગ જરા ગાફેલ ન બને અને તેની આંખો ગુફાના મોં તરફથી હટે નહિ ત્યાં સુધી આ લોકો હુમલો નહિ કરી શકે તેની એને ખાતરી થઈ ગઈ હતી. એટલે એણે પ્રાણવાયુ ખૂટી પડ્યાની ખોટી બૂમ પાડી હતી....

કુમાર ધસ્યો. ચાઓ-તાંગ નીચે પડ્યો હતો. એની ઉપર યુસુફાયેવ હતો. પણ ચાઓ-તાંગ જબરો હતો. એની તાકાત રાક્ષસી હતી. એ ગમે ત્યારે યુસુફાયેવને પોતાને માથેથી ફેંકી દે તેમ હતો. યુસુફાયેવે એક હાથ વડે ચાઓનો પિસ્તોલવાળો હાથ જમીન પર જ દબાવી રાખ્યો હતો. જો એ હાથની પકડ છૂટે તો ચાઓ ગોળી મારી દે તેમ હતું. પહેલું કામ એ પિસ્તોલ ચાઓના હાથમાંથી છોડાવી લેવાનું કરવાનું હતું. એટલે કુમારે ચાઓનો એ હાથ પકડીને પિસ્તોલ છોડાવવા મહેનત કરવા માંડી.

પણ ચાઓની આંગળીઓ જાણે પોલાદની બનેલી હતી ! પિસ્તોલ પરથી એ છૂટતી જ નહોતી. ઊલટો એણે હાથને એ રીતે વાળવા માંડ્યો કે પિસ્તોલની નાળ યુસુફાયેવ તરફ તકાવા લાગી હતી. કુમારે મહામહેનતે પિસ્તોલને બીજી દિશામાં વાળેલી રાખી.

એટલામાં ડેવિડ પણ આવી ગયો. પેલા બે અમેરિકનોને ચાઓ લડવાનો હુકમ આપી શક્યો નહોતો. એટલે એ તો પૂતળાની જેમ બેસી જ રહ્યા હતા. કશો વિરોધ કે ચૂંચાં એમણે કરી નહોતી. આથી એકલી તાન્યા એમની સામે નજર રાખતી ઊભી રહી હતી અને ડેવિડ ચાઓ સાથેના મુકાબલામાં જોડાયો હતો.

આમ હવે કુમાર અને ડેવિડ બે જણ ચાઓના હાથમાંથી પિસ્તોલ છોડાવવા મથામણ કરવા લાગ્યા. પણ ચાઓ જાણે માણસ નહોતો, કોઈ રાક્ષસ હતો. અને એના હાથમાં રાક્ષસી તાકાત હતી. બંને અવકાશવીરો પણ પિસ્તોલ છોડાવી શકતા નહોતા. યુસુફાયેવે આ જોયું અને એણે એક આકરું પગલું ભર્યું. ચાઓના પેટ પર એણે જોરથી એક લાત લગાવી દીધી.

પેટમાં લોહીની નસો અને જ્ઞાનતંતુઓનું એક ઘણું જ નાજુક તત્ર આવેલું હોય છે. એથી જ પેટ ઉપર જો કોઈ જોરથી ફટકો મારી દે તો માણસને ઘણું દુઃખ થઈ આવે છે અને એ બેભાન બની જાય છે.

ચાઓ-તાંગ બેભાન બની ગયો. પિસ્તોલ એના હાથમાંથી આપોઆપ સરકી પડી. યુસુફાયેવે જલદી જલદી ચાઓના ગજવામાંથી ચાવી કાઢી અને કુમારને આપી કહ્યું : “લે કુમાર ! આ ચાવીઓથી કેતુની બેડીઓ ખોલી નાખ અને એ જ બેડીઓથી આપણે આ ચીના અજગરને બાંધી દઈશું.”

કુમાર કેતુને છોડાવવા ગયો. ડેવિડે ચાઓની પિસ્તોલ ઉપાડી લીધી. સલામતી ખાતર એમણે જોન અને જુલિયસને પણ હાથકડીઓ પહેરાવી દીધી. ચાઓના તો હાથ અને પગ બંને બાંધી દીધા.

(ક્રમશઃ)