"યાર... ધક્કો થયો કાંઈ ન મળ્યું બસમાંથી તો આ જગ્યા જાણે મને બોલાવતી હોય એવું લાગતુ હતું." શરદ બાબડયો. અત્યારે શરદ એક વેરાન જગ્યાએ ઉભો છે જ્યાં તૂટી ગયેલા મકાન અને એક ગામની દિવાલ પાસે એમનેમ ઉભેલો રાજાશાહી વખતનો દરવાજો છે. શરદ એ દરવાજાના ઓટલે બેસી નિસાસો નાખી બોલે છે. થોડીવાર થાક ખાઈ ઉભો થઈ ચાલે ત્યાં પાછળથી એક મજબૂત અવાજ આવે છે," ઓયય ક્યાં જાશ?" શરદ ચમક્યો "કોણ છે?" થોડો ગભરાણો. પાછો અવાજ આવ્યો "બેસ ઓટલે પાછો." બીકના માર્યો શરદ બેસી ગયો પાછું પૂછ્યું "કોણ?" અવાજ આવ્યો "આ દરવાજો દેખાય છે?" શરદે કીધું "હા" "બસ હું એ જ છું" વળી ઓલો અવાજ બોલ્યો. "તું કોણ છો?" શરદે પોતાનો પરિચય આપ્યો," હું શશશરદ, કવિ અને લેખક છું." "અરે બિવસ કેમ આટલો બધો? હું આ સ્થિર દરવાજો જ છું કાંઈ નહીં કરું આયા શું કરવા આવ્યો'તો?" શરદના જીવમાં જીવ આવ્યો અને બોલ્યો "હું 2 દિવસ પહેલા ઓલા હાઇવે પર બસથી મારા ગામ જાતો'તો ખબર નહીં કેમ આ જગ્યા એ મને ખેંચ્યો! ઘરે પહોંચીને મારા મગજમાં આજ જગ્યા ભમે, એવું લાગે કે કોઈક વાત મળે તો મારી કલમે કવિતા લેખ કે વાર્તાના માધ્યમથી લોકો સુધી પહોંચે એટલે હું આવ્યો પણ કાંઈ ન મળ્યું બધું વેરાન છે. એટલીસ્ટ એકાદ પાળીઓ મળે તો ય ધક્કો વસુલ થાત એકાદ વિરરસની વાત તો મળત, પણ અફસોસ ન મળ્યું" દરવાજો બોલ્યો "અચ્છા તો તમે કવિરાજ છો?" શરદે કટાક્ષ કર્યો "તમે? આ ઓય ઓય થી વાતું થતી એમા અચાનક તમે કેમ?" દરવાજો બોલ્યો " ભાઈ કવિરાજ છો લોકો સુધી લોકોની વાત પહોંચાડો છો તમારી કલા વાપરીને માનતો આપવું જ પડે" "પણ, તમે બોલો કઈ રીતે? નિર્જીવ થઈને?" શરદે પૂછ્યું દરવાજા એ જવાબ આપ્યો," તમે કયો છોને આ ગામમાં કાંઈ નથી. અરે કવિરાજ! આ ગામની વાતું ઘણી છે ઘણી ઘટનાઓનો સાક્ષી રહી ગયો છું કવિરાજ." શરદે પૂછ્યું," પણ તો કોઇ નિશાની કેમ નહીં એકેય ઘટનાની?" "તને થોડે દુર ઓલી મચ્છુ દેખાય છે?" દરવાજા એ પૂછ્યું શરદ ચોકી ઉઠ્યો "હે! મચ્છુ?" "ક્યાં છે?" "ભાઈ મચ્છુ ઘણી દૂર છે બેથી ત્રણ ગામ આગળ ચાલુ થાય આયાં ક્યાં?" શરદે હાંસી ઉડાવી "હા બસ" દરવાજા એ કીધું" હું એ જ સમજતો હતો પણ તે'દિ મચ્છુ મને હડસેલી ગામમાં આવી ગઈ, બધું તણાય ગયું" એક મોટો નિસાશો નાખતા દરવાજો બોલ્યો "બસ ત્યારથી અમે બે જ અહીંયા છીએ એક હું અને બીજું આ ગામ" શરદને નવાઈ થઇ એટલે પૂછ્યું, "તો રાંગ અને દરવાજા સાજા કેમ?" દરવાજા એ કીધું એ તો "એ તો જીતુ મિસ્ત્રીના પરસેવાનો કમાલ છે ભાઈ" કવિરાજ બોલ્યા "જીતુ મિસ્ત્રી એ કોણ?" "જરા આખી વાત તો કરો" દરવાજો બોલ્યો " એ ઓલું અડધા નળિયાંવાળું ઘર દેખાય?" શરદે હા કીધી દરવાજો કયે "બસ એ જ જીતુ મિસ્ત્રીના મોટા દીકરાનું ઘર ઓલી બારી એથી મને હંમેશા એમ જોવે જાણે કે એના બાપે મને રાજમાટે નહિ પોતાના વારસદારને આપવા બનાવ્યો હોય" "એક વારની વાત છે જ્યારે ગામમાં મોટી સભા થવાની હતી પણ ગામ નાનું જગ્યા ઘટી બધા એ સુજાવ આપ્યો કે થોડી દીવાલ જો તોડી નાખી તો જગ્યા થાય અને બહારથી જે મોટા માણસો આવશે એ આરામથી બેસી શકશે. બધા એ પ્રયત્નો ચાલુ કર્યા પણ નિષ્ફળતા મળી કવિરાજ આ દિવાલ તોડવાની વાત તો દૂર પણ આમારી એક કાંકરી એ ન ખરી રાજા એ બધું કરી લીધું હાથી બોલાવ્યા ટોપ બોલાવી પણ તો ય આ દિવાલ તૂટી જ નહિ રાજાને ગુસ્સો આવ્યો કે આ દિવાલ કેમ તૂટતી નથી ત્યાં તો હરિદાસ આવ્યો અને કીધું કે આ દિવાલ તો મારા બાપુજી જીતુ મિસ્ત્રી એ બનાવી છે મહારાજ નહીં તૂટે એમ રાજા એ કારણ પૂછ્યું તો હરિદાસે કીધું મારો બાપ ક્યારેય એવું ન ઈચ્છે કે દુશ્મન સહેલાયથી એ રાજ્યમાં ઘૂસે જ્યાં એનું ગુજરાન ચાલતું હોય રાજા ચાલ્યા ગયા મૂંગા મોઢે અને ગામના લોકોએ હરીદાસને ભાંડવાનું ચાલુ કર્યું એ પછી સભા થઈ સભામાં જીતુ મિસ્ત્રીનું સન્માન કર્યું અને રાજાના હાથે હરિદાસને એક સ્મૃતિચિહ્નન અને પ્રશસ્તિ પત્રક આપ્યું અને રાજા એ એના પરિવારના 3 પેઢીના ગુજરાનની જવાબદારી લીધી કવિરાજ આવી દેશદાજ જોઈ ક્યાંય બોલ" કવિરાજે કીધું "ખરેખર! સલામ છે આવી દેશદાજને જયાંનો નાનો માણસ પણ આવું વિચારતો હોય મને લાગે છે ઘણી વાતું મળશે અહીંયાંથી, સાચુને?" દરવાજો બોલ્યો "હા કવિરાજ હા, ઘણી વાતું છે મારી પાસે આવી પણ અત્યારે બપોર જામી છે તમે પણ બપોરા કરી લ્યો પછી વાત અને હા ઓલા વડલા નીચે બેસીને કરજો અલગ જ મહત્વ છે એનું આ ગામ માટે" કવિરાજ હકારમાં માથું હલાવી વડલા નીચે જમવા બેસી ગયા.