"સુપ્રભાત કવિરાજ! આવીને સારી નિંદર?" ઝાંપો એલાર્મ વાગતો હોય એમ બોલ્યો. "ગામની આ મંદ મીઠી ઠંડી હવાનો લાભ અમારા શહેરી લોકોને ક્યાંથી." આંખો ચોળતો શરદ ઉઠી બોલ્યો. "આજ તો મારે જાવું છે, બસ આવે એટલી વાર." આજ બે દિવસ પછી મારી ઢીંગલીને જોઇશ. એ પણ મને જોઈને એવી હરખાશે કે મારો મુસાફરીનો બધો થાક ઉતરી જશે.
ઝાંપો થોડો નિ:શાસો નાખી બોલ્યો, "હવે ક્યારે કોક તમારા જેવું શોખીન માણસ અહીંયા આવશે અને વાતો સાંભળશે?" થોડું અટકી ઝાંપા એ કીધું "હવે આવતા મહિને વણઝારા અહીં આવી પોતાના તંબુ નાખી થોડો સમય રોકાશે પછી પાછું આ ગામ સુમસાન હું એકલો ઉભો હવા ખાધે રાખીશ અને બસ આ બધી યાદો વાગોળતો રહીશ. પણ,
તમે તો આ બધી વાત જાણી લીધી હવે એને કશેક કંડારજો. લોકોને પણ ખ્યાલ આવે કેવી રીતે હરિકૃપાથી ચાલતું ગામ હરિઈચ્છાથી ઉજ્જડ થઈ ગયું.
શરદે સાંત્વના આપતા કહ્યું, "આવા ગામથી લોકોને અવગત કરવાનો મને પણ આનંદ થશે. આ ગુજરાતની ધીંગી ધારા છે. લોકો જેટલું જાણશે એટલું માણશે અને એટલું જ આની સંસ્કૃતિ અને વિચારોની ખુમારી જાણશે. આ તમારુ કરેલું કિલ્લાનું કવન લોકોને આ ધરતીની માટીમાં દટાય ગયેલા રહસ્યોથી ઉજાગર કરશે."
ઝાંપો હરખાતા બોલ્યો," તો તો કવિરાજ લોકો પાછા અહીંયા આવશે. વસવાટ કરશે, મારી એકલતા દૂર થશે. તમને ખ્યાલ છે? પૂર વખતે આખું ગામ તણાઈ જતું હતું લોકો ભાગવાની કોશિશ કરતા હતા મારો સહારો લીધો જેટલી વસ્તુ મળી એનો સહારો લીધો પણ કોઈ બચી ન શક્યું. ત્યારનો આમને આમ લોકોને સામેના રસ્તેથી નીકળતા અને મને નિહાળી નીકળી જતા જોઉ છું આમ ક્યારેક એવું થાય કે એ મારી મશ્કરી ઉડાડતા હોય, મારી જડતા ઉપર પ્રશ્નાર્થ મુકતા હોય, જાણે એમ કહેતા હોય એ જો ઓલો ઝાંપો આમ તો બધે બોલતો હોય પણ કરવાના સમયે કાંઈ જ ન કર્યું, આના કરતાં તો હું પણ એ પુર સાથે તણાઈ ગયો હોત તો સારુ થાત." ઝાંપો ઉદાસ અવાજે બોલ્યો.
શરદે સાંત્વના આપતા કહ્યું, "આમ હતાશ થવાની જરૂર નથી, જો જે આ વાર્તા જ્યારે લોકો સુધી પહોંચશે ત્યારે હોંશે હોંશે તમારા આ ગામની મુલાકાતે આવશે અને ઓલો વડ, મંદિર, પાળિયો, પેલું ઘર બધું જોશે અને પોતાના વારસા પર ગર્વની લાગણી વ્યક્ત કરશે. અને એને લીધે આના જેવા કેટલાય ગામો પાછળના તથ્યો અને ઘટનાઓ ઉજાગર થશે શહેરો તરફ વળેલી પ્રજા પોતાના જ ગામની મુલાકાત માટે આવતી થશે.
ઝાંપો બોલ્યો "ચાલો કવિરાજ તમારી બસ આવવાની છે પહોંચી જાવ એ સ્ટોપ સુધી અને લખો તમારી આ વાર્તા આ અમારૂ ગામ ક્યાંક તો પ્રસિદ્ધ થાય. બાકી જેમ ભૂતકાળમાં હતી હરિઈચ્છા એમ આમાં પણ..." શરદે કીધું "તમારૂ આ ગામ જરૂર લોકોને મોઢે ચડશે કેમકે તમારું ગામ નવરસ ધરાવતું છે. આવી ખુમારી આવી વાયકાઓ બીજે કદાચ જ એક જ જગ્યાએ મળે એમ છે. આ તમારું કિલ્લાનું કવન સુપ્રસિદ્ધ થશે ભરોસો રાખો ચાલો આવજો." "એક મિનિટ કવિરાજ જરા ઓલા ઘર પાછળ એક આમળાનું ઝાડ છે ત્યાંથી થોડાં આમળા લઈ જાવ ઘરે બધાને ભાવશે અને મને એમ થશે કે મારી મહેમાનગતિ ફળીભૂત થઈ" ઝાંપાએ આગ્રહ કર્યો અને શરદે હકારમાં માથું હલાવી આમળા લઈ ગયો અને બસમાં બેસી ઘર બાજુ નીકળી પડ્યો.
રસ્તામાં બસમાં બેસી એ વિચારતો હતો કે કેવું રણીયામણું ગામ અને કુદરતની એક થપાટથી જોને કેવું થઈ ગયું. આભાર એ કિલ્લાનો કે એના ઝાપાનાં માધ્યમથી આ વાતો બહાર નીકળી.