પ્રતિશોધ દ્વિતીય અંક: - 14 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 14

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-14

તારાપુર, રાજસ્થાન

શંકરનાથ પંડિતે પોતાના માટે છોડેલી ડાયરી વાંચ્યા બાદ આદિત્ય એ વાત સમજી ચૂક્યો હતો કે પોતાની જીંદગીનો આખરે મકસદ શું છે એ જાણવા તારાપુર જઈને લાલકોઠીમાં રહેતા વ્યક્તિને મળવું જરૂરી છે. આ કારણથી આદિત્ય તારાપુર આવી ચૂક્યો હતો અને એને લાલકોઠીમાં પ્રવેશ પણ મેળવી લીધો હતો.

પોતે અહીં આવવાનો છે એ વાત લાલકોઠીનો માલિક કઈ રીતે જાણતો હતો? એ જાણવાની બેતાબી સાથે આદિત્ય પોતાને દરવાજે લેવા આવેલા આધેડ વયનાં નોકર સાથે હવેલીના પ્રથમ માળે આવી પહોંચ્યો.

ત્યાં જમણી તરફ આવેલા એક કક્ષના દરવાજા જોડે ઊભા રહી વૃદ્ધ નોકરે આદિત્યને ઉદ્દેશીને કહ્યું.

"માલિક અંદર તમારી રાહ જોવે છે..તમે એમની સાથે વાતો કરો ત્યાં સુધી હું ભોજનનો પ્રબંધ કરું."

આટલું કહી એ વૃદ્ધ નોકર ચાલતો થયો. એના જતાં જ આદિત્ય દરવાજાને નોક કરવા ગયો તો એને જાણ્યું કે દરવાજો ખુલ્લો હતો.

"આવી જા બેટા.." અંદરથી એક ધ્રૂજતો અવાજ આદિત્યએ સાંભળ્યો.

આદિત્યએ ધીરેથી દરવાજો ખોલ્યો અને કક્ષની અંદર પ્રવેશ્યો. આ કક્ષ કોઈ રાજા મહારાજાના કક્ષની માફક શોભતો હતો. અહીંની દરેક વસ્તુ એન્ટિક અને કિંમતી હતી. દીવાલો પર લટકતા વાઘ, રીંછ અને દીપડાના મસાલા ભરીને રાખેલા શબ આ હવેલીના માલિકની હેવાનીયતનો પરિચય આપતા હતાં.

રૂમમાં એક સુંદર મજાની બેઠક હતી જેની પર સો વર્ષ આસપાસની ઉંમર ધરાવતી વ્યક્તિ બેઠી હતી. આંખો ઉપર ચડાવેલા ચશ્મા, કરચલી વાળો વૃદ્ધ ચહેરો અને કમરેથી ઝૂકી ગયેલું શરીર એ જણાવવા કાફી હતું કે આ વૃદ્ધ હવે વધુ દિવસના મહેમાન નથી.

"એ બધા આદમખોર બની ગયાં હતા.." મૃત પ્રાણીઓના શબને નિહાળી રહેલા આદિત્યને ઉદ્દેશીને એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું. "બાકી તારાપુરના કોઈ રાજવીએ ક્યારેય કોઈ નિર્દોષનું લોહી નથી વહડાવ્યું અને એમનો આ વારસો મેં એટલે કે તારાપુરના છેલ્લા રાજવી એવા તેજપ્રતાપે પણ જાળવી રાખ્યો છે."

પોતાના દાદાના મિત્ર તારાપુરના રાજવી છે એ જાણ્યા બાદ આદિત્ય એમની નજીક ગયો અને એમના ચરણસ્પર્શ કર્યાં.

"સદાય સુખી રહો..!" આદિત્યના માથે હાથ મૂકી તેજપ્રતાપે કહ્યું. "અહીં બેસ મારી સામે અને જે કામ માટે આવ્યો છે એ પૂરું કર, કોને ખબર કે હવે આ ખોળિયામાં કેટલા શ્વાસ વધ્યા છે!"

આદિત્યએ કંઈ બોલ્યાં વગર તેજપ્રતાપની સામે ગોઠવેલી લાકડાની કલાત્મક ખુરશી પર સ્થાન લીધું.

પોતે અહીં આવ્યો એ અંગે તેજપ્રતાપ કઈ રીતે જાણતા હતાં એ અંગે આદિત્ય કંઈ બોલે એ પહેલા તો તેજપ્રતાપે કહ્યું.

"સૂર્યા, તારા દાદાની ડાયરી જ્યારે તું વાંચી રહ્યો અને એ ડાયરી સળગી ગઈ ત્યારે મારા હાથમાં રહેલા આ સોનાના કડાને જાણે કોઈએ આગની ભઠ્ઠીમાં શેકયું હોય એવું મેં અનુભવ્યું.." આટલું કહી તેજપ્રતાપ સહેજવાર માટે અટક્યા. એક-બે વાર જોરથી શ્વાસ લીધા બાદ એમને પોતાની વાત આગળ વધારી.

"જ્યારે મારી પંડિત સાથે છેલ્લી વાર મુલાકાત થઈ ત્યારે એમને મારા આ કડાને પોતાની મંત્રશક્તિ વડે પાવન કર્યું હતું. એમને મને કહ્યું હતું કે એમના જીવ પર સંકટ છે એટલે ભવિષ્યમાં જો આ કડું આપમેળે ગરમ થાય ત્યારે સમજી જજો કે મારો પૌત્ર નજીકમાં તમને મળવા આવશે."

"બરાબર, પણ દાદાજીએ તમને એવું તે શું જણાવ્યું જે એ પોતે જણાવી શકે એમ નહોતા.?" તેજપ્રતાપની વાત પૂરી થતાં જ આદિત્યએ પૂછી લીધું.

"એ માટે બે ઘડી ધીરજ રાખ..હું તને મારી અને પંડિતની પ્રથમ મુલાકાતથી લઈને હું તારા મનમાં રહેલા પ્રશ્નો અંગે હું શું જાણું છું એ બધું જ તને જણાવીશ."

આ સાથે જ તેજપ્રતાપે પોતાના ભૂતકાળમાં ડોકિયું કરી એ ઘટનાઓ અંગે આદિત્યને જણાવવાનું શરૂ કર્યું.

"આજથી સાઠ વર્ષ પહેલા તારાપુરમાં એક એવી ઘટના બની જેના અમારા પરિવાર સાથે-સાથે તારાપુરના લોકોનું ભાવિ જ બદલી નાંખ્યું."

"અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ અમે પણ અમારું રજવાડું ભારત દેશમાં ભેળવી દીધું હતું. આમ છતાં અહીંના લોકો માટે અમારો પરિવાર રાજવી પરિવાર જ બની રહ્યો. એ વખતે મારા પિતા બહાદુરપ્રતાપ ગામનાં મુખીનું પદ શોભાવતા હતા, જેને સ્વીકારવાની ગામલોકોએ સામે ચાલીને આજીજી કરી હતી."

"એક દિવસ રાતના લગભગ દસ વાગ્યા અને કોઠીને બારણે જોરજોરથી ટકોરા પડયા, હું અને પિતાજી અમારા શયનકક્ષમાંથી નીકળી નીચે દરવાજા સુધી આવ્યા ત્યારે અમારા મુલાજીમ ભૂરાલાલે દરવાજો ખોલી દીધો હતો. સૂર્યા તને જે વૃદ્ધ નોકર નીચે મળ્યો એનું નામ બનવારી અને ભૂરાલાલ એટલે બનવારીનો બાપ."

"દરવાજે દસ-બાર ગામલોકોનું ટોળું હતું જે મારા પિતાજીને મળવાની જીદ કરી રહ્યું હતું. માલિક અત્યારે આરામ ફરમાવે છે એવી દલીલ કરી ભૂરાલાલ એમને રોકતો હતો ત્યાં જ હું અને પિતાજી દરવાજે આવી પહોંચ્યા."

"માલિક, આ લોકો અત્યારે તમને મળવાની જીદ કરતા હતાં." મને અને પિતાજીને નજીક આવતા જોઈ ભૂરાલાલ બોલ્યો. "મેં એમને કહ્યું કે તમે.."

હાથના ઈશારાથી ભૂરાલાલને બોલતો અટકાવી પિતાજીએ ગામલોકોને ઉદ્દેશીને પૂછ્યું.

"શું થયું છે? આટલો ઉહાપોહ કેમ કરો છો?"

"હજુર, ગામમાં એક હત્યા થઈ છે?" ટોળામાં મોજુદ હુકમ નામનો યુવક બોલ્યો.

"ગામમાં હત્યા?" પિતાજીએ આશ્ચર્ય અને ગુસ્સાના બેવડા ભાવ સાથે કહ્યું. "કોની હત્યા થઈ છે અને કોને કરી હત્યા.?"

"સુંદરીની હત્યા થઈ છે..અને હત્યા કરનાર છે પૂજારી ભગતલાલ." હુકમ જવાબ આપતા બોલ્યો.

"સુંદરી જેવી ગણિકાની હત્યા અને એ પણ ભગતલાલ જેવા સંત માણસના હાથે..!" પિતાજીની આંખો આ સાંભળી પહોળી થઈ ગઈ.

"હજુર, તમારી જેમ અમે પણ આ વાતનો વિશ્વાસ ના કરીએ પણ ચાર-પાંચ લોકોએ સુંદરીના ઘરમાંથી નીકળી પોતાના ઘર તરફ હાંફળા-ફાંફળા બની જતાં ભગતલાલને પોતાની સગી આંખે જોયો છે." હુકમ બોલ્યો. "અને આમ પણ ભગતલાલને સુંદરી તરફ વર્ષોથી દ્વેષ હતો એ વાત તમારાથી ક્યાં છાની છે!"

"પણ એ દ્વેષ એટલે હતો કે સુંદરીના રવાડે ચડી ગામના યુવકો ખોટા માર્ગે જતા હતાં." મેં મારો મત જાહેર કરતા કહ્યું.

"તો પછી આટલી મોડી રાતે ભગતલાલને સુંદરીના ઘરે જવું જ કેમ પડ્યું.!" હુકમની આ દલીલનો એ સમયે મારા જોડે કોઈ જવાબ નહોતો.

"ક્યાં છે એ ભગતડો?" પિતાજીએ રૌદ્ર સ્વરે કહ્યું.

"એને અમે ગામની વચ્ચે બાંધી રાખ્યો છે..આમ તો ગામલોકો એનું કાસળ કાઢી નાંખત, પણ તમે ગામનાં મુખી છો, અમારા રાજા છો..એટલે તમને આની જાણ કરવા આવ્યા."

"તેજપ્રતાપ, જા મારા કક્ષમાં જઈને મારી તલવાર લેતો આવ." પિતાજીનો આદેશ અવગણવાની હિંમત મારામાં નહોતી, હું દોડીને એમનાં કક્ષમાં ગયો અને એમની તલવાર લેતો આવ્યો.

ક્રોધથી રાતચોળ થઈને પિતાજી તલવાર હાથમાં લઈને ગામલોકોની સાથે ચાલી નીકળ્યા, હું પણ એમની સાથે ગયો.

ગામની મધ્યમાં ખુલ્લા ચોકમાં ભગતલાલને લાકડાનાં સ્તંભ સાથે બાંધ્યો હતો. સુંદરી નામની ગણિકાનો મૃતદેહ પણ ત્યાં રાખવામાં આવ્યો હતો, જેને ઓઢાડેલા સફેદ કપડાં પર લોહીનાં લાલ ડાઘા દેખાતા હતાં. સેંકડો ગામલોકો અત્યારે ત્યાં હાજર હતાં. ભગતલાલે આવું શરમનાક હીંચકારું કૃત્ય કર્યું એ જાણીને દરેકની આંખોમાં ગુસ્સો હતો. હાથમાં તલવાર લઈને પિતાજીને આવતા જોઈ બધાં એ સમજી ચૂક્યા હતાં કે ભગવાનની ભક્તિ કરવાનો ઢોંગ કરતા ભગતલાલની દશા શું થવાની હતી!

ભગતલાલના ચહેરા અને શરીર પર ઘણાં ઉઝરડા અને ઈજાઓ હતી, એનાં કપડાં પણ ઘણી જગાએથી ફાટી ગયાં હતાં. ગામલોકોએ મળીને એની બરાબરની ધોલાઈ કરી હતી એ જોતાં જ સમજાઈ જતું હતું. પિતાજીને જોઈ એની આંખોમાં ભય ડોકાવા લાગ્યો.

"આનું મોં ખોલો." પિતાજીની આજ્ઞા માથે ચડાવી હુકમે ભગતલાલનું મોં ખોલ્યું.

"પિતાજી, આને પોલીસને સોંપી દઈએ તો." મેં પિતાજીના કાનમાં ઉચ્ચારેલા આ વાક્યની કોઈ અસર નહોતી થઈ એ પિતાજીનો ક્રોધિત ચહેરો જોઈ સ્પષ્ટ સમજાતું હતું.

"હજુર..આ લોકો મારી ઉપર ખોટો આળ લગાવે છે." મોં ખૂલતા જ ભગતલાલ કરગરી પડ્યો.

"તું સુંદરીના ઘરમાં ગયો હતો.?" પિતાજીએ ઊંચા અવાજે ભગતલાલને પૂછ્યું.

"હા, પણ હું તો.." ભગતલાલ પોતાની વાત પૂરી કરે એ પહેલા તો પિતાજીએ તલવારના જોરદાર પ્રહાર વડે ભગતલાલની ગરદન ધડથી અલગ કરી નાંખી હતી. ભગતસિંહનું માથું કપાઈને મારા પગ આગળ આવીને પડ્યું અને એની કપાયેલી ગરદનમાંથી લોહીનો ફુવારો ફૂટી નીકળ્યો. થોડી મિનિટો સુધી ભગતલાલનું ધડ ધ્રુજતું રહ્યું અને પછી શાંત થઈને ઢળી પડ્યું.

"રાજાજીનો જય..રાજા બહાદુરપ્રતાપની જય.." ના નારા સાથે ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભગતલાલનો બચાવ સાંભળ્યા પહેલા એની આમ હત્યા કરવાનું મને ઉચિત નહોતું લાગ્યું પણ ગામલોકો તો આ જુગુપ્સાપ્રેરક દ્રશ્ય જોઈને પણ ખુશ હતાં.

મને આ બધું ખટકી રહ્યું હતું ત્યાં જ આકાશમાં એક જોરદાર ગર્જના થઈ અને ભગતલાલનો ક્રોધિત અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો.

"રાજા બહાદુરપ્રતાપ, તમે સત્ય જાણ્યા વગર મારી હત્યા કરીને બ્રહ્મ હત્યાનું પાપ પોતાના અને આ ગામલોકોનાં માથે લીધું છે. આનો હિસાબ લેવા હું પાછો આવીશ.. તારા કુળની સાથે મારી હત્યા કરાવવામાં જવાબદાર દરેક સાથે હું અવશ્ય બદલો લઈશ."

"તારા પૌત્રની ઉંમર જ્યારે અઢાર વર્ષની થશે ત્યારે હું મારી મોતનો હિસાબ લેવા પાછો આવીશ..બ્રાહ્મણ મટીને બ્રહ્મરાક્ષસ બનીને.!"

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)