પડછાયો - ૧૭ Kiran Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો - ૧૭

પડછાયારૂપી રોકીએ કાવ્યા પાસે પોતાની આત્માની મુક્તિ માટે અરજ કરી અને કાવ્યાએ વિચાર્યા વગર જ હા પાડી દીધી પછી યાદ આવ્યું કે આત્માની મુક્તિ માટેની જે વિધિ છે એ તો તેને આવડતી જ નથી. તેણે તેના મમ્મી કવિતાબેન અને સાસુ રસીલાબેન પાસે સલાહ લીધી પણ તેમની પાસેથી પણ કોઈ મદદ ના મળી.

વાતોમાં ને વાતોમાં જ સવાર પડી ગઈ. બધાએ નાહી ધોઈ નાસ્તો કરીને નવરાં થઈ ગયા. બધાના મનમાં બસ એક જ વિચાર હતો કે રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કેવી રીતે થશે. કાવ્યા તો રોકીને પોતે વિધિ કરશે એવું વચન આપવા બદલ પસ્તાઈ રહી હતી. પરંતુ હવે પસ્તાવાનો કોઈ અર્થ નહોતો અને એક વાત પણ સારી થઈ હતી કે અમન ઘરે નહોતો, નહિંતર તે આવી કોઈ વિધિ ન કરવા દે. કાવ્યાને હવે આત્માની મુક્તિ માટેની વિધિ પતાવી એમાંથી છુટકારો મેળવવો હતો. બધા બસ એ જ વિચારી રહ્યા હતા કે વિધિ કેવી રીતે કરવી.

આમ ને આમ બપોરના બાર વાગી ગયા પણ કોઈને કંઈ સૂઝ્યું નહીં. કાવ્યા પણ એકદમ નિરાશ થઈ ગઈ હતી. કવિતાબેન કાવ્યાને સાંત્વના આપી રહ્યા હતા પણ કાવ્યાને કોઈ ફર્ક નહોતો પડી રહ્યો. તે મોં બગાડી પોતાના રૂમમાં જતી રહી અને બેડ પર આડી પડી ગઈ.

એકાદ કલાક સુધી તે આંખો બંધ રાખીને પડી રહી. અચાનક તેનાં મગજમાં ઝબકારો થયો અને તે સફાળી બેઠી થઈ ગઈ અને બહાર તેના મમ્મી અને સાસુ પાસે દોડી ગઈ. તે બંને તો કાવ્યાને આમ દોડતી આવેલી જોઈ ડરી ગયાં. તેમને થયું કે ફરી વાર પડછાયારૂપી રોકીએ કાવ્યા પર હુમલો કર્યો.

"શું થયું બેટા? તું આમ દોડીને કેમ બહાર આવી? પડછાયો ફરી પાછો આવ્યો કે?" રસીલાબેન બોલ્યાં. "ના મમ્મી, પડછાયો નથી આવ્યો. મને રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કેવી રીતે કરવી એનો ઉપાય મળી ગયો છે. એટલાં માટે જ હું આ ખુશખબર આપવા દોડી આવી." કાવ્યા ખુશ થતાં બોલી.

"શું? તને ઉપાય મળી ગયો બેટા.. જલ્દી જણાવ એના વિશે." કવિતાબેન અધીરાઈપુર્વક બોલ્યા. પડછાયો ફરી વાર નથી આવ્યો એ વાતની બાતમી મળતાં જ કવિતાબેન અને રસીલાબેન બંનેને હૈયે ધરપત થઈ અને એ વાતની તાલાવેલી કે કાવ્યાને શો ઉપાય મળ્યો છે.

"હા મમ્મી હા.. ઉપાય મળી ગયો છે અને એ ઉપાય છે નયનતારા.. એ જ નયનતારા જેણે પડછાયો પાછો આવશે એ આગાહી કરી હતી." કાવ્યા એક શ્વાસે બોલી ગઈ.

"અરે હા. એ આપણી મદદ કરી શકે છે. કાવ્યા, તું જલદી એ નયનતારાનો કોન્ટેક્ટ કર." રસીલાબેન બોલ્યાં.

"પણ મમ્મી, એનો મારી સાથે કોઈ કોન્ટેક્ટ નથી અને એ ક્યાં રહે છે એ પણ હું નથી જાણતી." કાવ્યા મોં બગાડી બોલી.

"તો એને ખબર કેવી રીતે પડશે કે આપણને તેની જરૂર છે?" કવિતાબેન ગુસ્સા ભર્યા સુરે બોલ્યા પછી થોડા શાંત થઈ કાવ્યા તરફ ફરીને બોલ્યા, "બેટા, તારે એના વિશે જાણી લેવું જોઈએ ને.. બસ તું એક જ ઓળખે છે એને અને ફક્ત તારી સાથે જ મુલાકાત થઈ છે નયનતારાની તો તારે એમના વિશે પણ પૂછી લેવું જોઈએ ને બેટા.."

"સોરી મમ્મી, પણ ત્યારે હું એની આગાહીથી એટલી બધી ડરી ગઈ હતી કે એ ક્યારે ત્યાંથી નીકળી ગઈ મને કંઈ ખબર જ ના રહી." કાવ્યા દુઃખી થઈ ગઈ. રસીલાબેન તેનાં માથે હાથ ફેરવીને બોલ્યા, "કાંઈ વાંધો નહીં બેટા, આપણે નયનતારાને શોધવાની કોશિશ કરીએ. માતાજીની કૃપા હશે તો એ જરૂર આપણને મળી જશે."

"પણ આવડાં મોટા શહેરમાં આપણે એને ક્યાં શોધીશું?" કવિતાબેન બોલ્યા.

"આપણે કોશિશ તો કરીએ.. કોશિશ કર્યા વિના તો કશું જ ના મળે." રસીલાબેન બોલ્યાં.

"પણ.." કવિતાબેન બોલવા જતાં હતાં ત્યાં જ કાવ્યાના મોબાઇલ ફોનની રિંગ વાગી. કાવ્યા ફોનમાં જોઈને બોલી, "અમનનો કોલ છે પ્લીઝ કોઈ કંઈ બોલતા નહીં. નહીંતર એને આ વાતની જાણ થઈ જશે કે આપણે આમ વિધિ કરવાના છીએ તો એ કરવા નહીં દે."

કવિતાબેન અને રસીલાબેન બંને ચુપ થઇ ગયા અને કાવ્યા અમન સાથે વાત કરવા લાગી. તે બની શકે એટલાં શાંત સ્વરે બોલી રહી હતી. જેથી અમનને શંકા ના જાય. તેણે ફટાફટ અમન સાથે વાત પતાવી ફોન કટ કરી દીધો અને બંને મમ્મીઓ પાસે આવી ગઈ અને પછી બધા નયનતારાને કેવી રીતે અને ક્યાં શોધવી એના વિશે ચર્ચા કરવા લાગ્યા.

**********

વધુ આવતા અંકે