padchhayo - 10 books and stories free download online pdf in Gujarati

પડછાયો - ૧૦

કાવ્યા પોતાના ઘરના બગીચામાં ફૂલોને પાણી પાઈ રહી હતી ત્યાં બંગલાના મેઇન ગેટ પાસે કોઇકનો અવાજ સંભળાયો. કાવ્યા દોડીને ત્યાં ગઈ અને જોયું તો એક મહિલા કાળાં રંગનાં વસ્ત્રોમાં સજ્જ ઊભી હતી. તેની આંખો એકદમ મોટી અને રતાશ પડતી હતી. તેના લાંબા કાળા અને વાંકડિયા વાળ તેને વધુ બિહામણી બનાવી રહ્યા હતા. તે ત્યાં લાકડાંની ડાળખી વડે એક નાનકડું કુંડાળું કરીને તેમાં કંકુ નાખીને કંઇક શ્લોકનું મોટા અવાજે ઉચ્ચારણ કરી રહી હતી. તે અવાજ સાંભળીને જ કાવ્યા ત્યાં દોડી આવી હતી. કાવ્યા તેને જોઈને જ ડરી ગઈ અને તેની આંખો ફાટી ગઇ.

"કોણ છો તમે અને અહીં આ બધું શું કરી રહ્યા છો?" કાવ્યા થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરી બોલી.

"હું જોઈ શકું છું અહીંયા એક આત્માનો વાસ છે અને એ ફક્ત તને જ દેખાય છે." એ બિહામણી લાગતી મહિલા બોલી.

"પણ તમે કોણ છો અને તમને કેવી રીતે ખબર કે અહીં કોઈ આત્મા છે અને તમે આ કૂંડાળું શા માટે કર્યું છે?" કાવ્યા એ સવાલો ચાલુ જ રાખ્યા.

"હું નયનતારા છું. બાળપણથી જ હું આત્માઓને જોઈ શકું છું. પણ તારા ઘરમાં રહેલી આત્મા દેખાઈ નથી રહી એ નથી સમજાતું મને. પણ મહેસૂસ થાય છે કે આત્મા છે બસ પડછાયો જ દેખાય છે એનો મને."

"હા, તેનો ફક્ત પડછાયો જ દેખાય છે એનું કોઈ શરીર છે જ નહીં. તમારી વાત સાવ સાચી છે. પણ તમે આ કૂંડાળું શા માટે કર્યું છે એ તો જણાવો." પોતાના સિવાય પણ બીજું કોઈ એ પડછાયો જોઈ શકે છે એ વાતની રાહત કાવ્યાના અવાજ પર દેખાઈ આવી.

"આ કૂંડાળું મને આત્માઓની હિલચાલ દર્શાવે છે." નયનતારા બોલી.

"તમને પડછાયાની હિલચાલ દેખાઈ રહી છે?" કાવ્યા એ સીધો જ સવાલ કરી દીધો.

"હા, તે અત્યારે શાંત મુદ્રામાં છે."

"હાશ.."

"પરંતુ આવતા શનિવારે એ આવશે, કયામત લઇને આવશે. તને હેરાન પરેશાન કરી મૂકશે. કોઈ તારી મદદ નહીં કરી શકે એમાં, તારા માતાજી પણ નહીં." નયનતારા જાણે કોઈ શક્તિને વશ હોય એમ બોલી રહી હતી.

કાવ્યા તો આ સાંભળીને જાણે બેશુદ્ધ જ બની ગઇ હોય એમ જડવત ઊભી રહી. નયનતારા ત્યાંથી ચાલી ગઇ અને કાવ્યા તેને જતી જોઈ રહી તે એક શબ્દ પણ ઉચ્ચારી ના શકી.

કાવ્યા સીધી જ ઘરમાં જઈને સોફા પર બેસી ગઈ અને એસી ચાલુ કરી દીધું છતાં તેના પૂરા શરીરે પરસેવો વળી રહ્યો હતો. તે મનોમન વિચારવા લાગી કે અમનને અમેરિકા જતા રોકી લે પણ પછી તેને લાગ્યું કે અમનનુ બાળપણનું સપનું પોતે તોડી ના શકે અને પોતે જ તો અમનને ત્યાં જવા માટે મજબૂર કર્યો છે. પણ અમન નહીં હોય ત્યારે પડછાયાથી કેવી રીતે પોતાની જાતને બચાવશે. બંને મમ્મીઓને તો બોલાવી લીધાં છે તો પછી ડરવાની શી જરૂર! કાવ્યા પોતાની જાતને સંભાળી રહી અને અમનને ખુશી ખુશી અમેરિકા માટે વિદાય કરશે એવું નક્કી કર્યું.

કાવ્યા હજુ સોફા પર જ બેઠી હતી ત્યાં ડોર બેલ વાગી. તેણે ઊભા થઈ દરવાજો ખોલ્યો તો સામે કવિતાબેન ઊભા હતા. તેમણે અંદર આવી સીધી કાવ્યાને ગળે લગાવી દીધી. કાવ્યા પણ બીજા બધા વિચારો દૂર કરી પોતાના મમ્મીને વળગી ગઈ. પછી બંને અંદર આવ્યા અને કાવ્યા એ કહ્યું,

"મમ્મી, તમે તો આવતી કાલે આવવાનાં હતાં ને તો આજે અચાનક?"

"સરપ્રાઈઝ કોને કહેવાય!" અને બંને મા દિકરી હસી પડી. કાવ્યા તેના મમ્મીના આગમનથી ઘણી જ ખુશ અને સ્વસ્થ થવા લાગી હતી. બંને એ ઘણી બધી વાતો કરી ત્યાં અમન પણ ઓફિસથી ઘરે આવી ગયો અને પોતાના સાસુને જોઈને ખુશ થઈ ગયો. બધા એ ભેગા મળી ખુબ હસી મજાક કરી અને અમનને અમેરિકા જવા આવવાનો તથા ત્યાં રહેવામાં છ દિવસ થશે એમ અમને કાવ્યાને જણાવી દીધું.

બપોરનું જમવાનું આજે કવિતાબેન બનાવવા ગયા અને કાવ્યા અને અમન અમનનો સામાન પેક કરવા બેડરૂમમાં ગયા. "હું ક્યારનો જોઉં છું તું ખુશ નથી દેખાઇ રહી. અમને સીધો સવાલ કરી દીધો.

"એવું કંઈ નથી અમન. ઉલટાની હું તો ખૂબ જ ખુશ છું. મારા મમ્મી આપણા ઘરે આવ્યા છે." કાવ્યા મોઢું બીજી તરફ કરી બોલી.

"તો મારી સામે જોઈને બોલ કે તું ખુશ છે!"

"હું ખુશ છું અમન પણ બસ એક વિચાર જ દુઃખી કરી જાય છે કે મારે તારા વિના છ દિવસ સુધી રહેવું પડશે." કાવ્યા મૂળ વાતને બદલે જુદી જ વાત બોલી.

"હા કાવ્યા, હું પણ એ વાતથી જ દુઃખી છું. કેવી રીતે નીકળશે છ દિવસો? તું કહે તો હું અમેરિકા જવાનું કૅન્સલ કરી દઉં." અમન ભાવુક થઈ બોલ્યો.

કાવ્યાને એક વાર તો મન થઈ ગયું કે અમનને કહી દે કે એ ના જાય પણ તરત જ મન બદલી બોલી, "અમન, તું ખુશી ખુશી અમેરિકા જા. બસ છ દિવસની તો વાત છે. બંને મમ્મીઓ સાથે આરામથી છ દિવસો નીકળી જશે અને તું ત્યાં અમેરિકામાં તારું કામ કરવામાં ક્યારે સમય વીતી જશે કંઈ ખબર પણ નહીં પડે."

અમને આ સાંભળી કાવ્યાને ગળે લગાવી દીધી અને ક્યાંય સુધી એમ જ રહ્યા. પછી બધો સામાન પેક કરી બહાર આવ્યા ત્યાં કવિતાબેને જમવાનું બનાવી રાખ્યું હતું. બધાએ જમી લીધું અને પછી સાસુ જમાઈ અલક મલકની વાતો કરતાં રહ્યાં.

સાંજના પાંચ વાગ્યે રસીલાબેન પણ આવી ગયા અને અમન તથા કાવ્યાને ગળે લગાવી દીધા ત્યાં પાછળથી કવિતાબેનનો અવાજ સંભળાયો, "બસ છોકરાંવને જ ગળે લાગીશ કે વેવાણને પણ મળીશ?" રસીલાબેન તો તેમને જોઈને સીધાં જ ગળે મળી ગયાં. અમન અને કાવ્યા આ વેવાણોના પ્રેમને જોઈ ખુશ થતાં રહ્યાં.

બધાએ સાથે મળી ઘણી વાતો કરી ત્યાં છ વાગી ગયા. અમનનો જવાનો સમય થઈ ગયો હતો.અમન નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને પોતાનો સામાન કારની ડેકીમાં રાખી દીધો અને બધા અમનને રાજકોટના એરપોર્ટ પર મૂકવા ગયા જ્યાંથી અમન મુંબઈ જવાનો હતો અને મુંબઈથી ન્યુયોર્ક.

એરપોર્ટ પહોંચ્યા ત્યાં ખબર પડી કે ફ્લાઈટને ઉપડવામાં થોડીક જ વાર છે અમન ફટાફટ બધાને મળીને અંદર ગયો. અમન અદ્રશ્ય થયો ત્યાં સુધી બધા તેને જોતા રહ્યા. કાવ્યાથી તો ક્યારનું રોકી રાખેલું એક ડૂસકું પણ નીકળી ગયું. બંને મમ્મીઓ કાવ્યાને માથે હાથ મૂકીને સાંત્વના આપી રહ્યા. થોડી વાર પછી ફ્લાઈટ ટેક ઓફ થઇ અને બધા તે જોઇ રહ્યા અને મનોમન અમનને વિદાય આપી રહ્યા.

કાવ્યા, રસીલાબેન અને કવિતાબેન કારમાં બેસી ઘરે આવવા નીકળી ગયા. આ વખતે કાવ્યા કાર ચલાવી રહી હતી. તે એકદમ શાંત અને દુઃખી લાગી રહી હતી આથી રસીલાબેન કાવ્યા નું મૂડ ઠીક કરવા માટે હસતાં હસતાં બોલ્યા, "અલી, તને કાર ચલાવતા તો આવડે છે ને.. શું ખબર હું ઘરે પહોંચવાને બદલે હોસ્પિટલ પહોંચી જાઉં.." આ સાંભળી કાવ્યાને પણ હસવું આવી ગયું અને કવિતાબેનને પણ. "મમ્મી, મને કાર ચલાવતા આવડે છે. તમને સહીસલામત ઘરે લઈ જઈશ‌." કાવ્યા બોલી અને પછી તો કોઈ ને કોઈ બોલ્યા જ રાખતું જેથી શાંતિનો માહોલ ના બની જાય કેમકે શાંતિ માં જ બધા વિચારો આવે છે અને મન દુઃખી થઈ જાય છે. આથી બધા હસી મજાક કરતા રહ્યાં અને ઘર આવી ગયું. રાતનું જમવાનું પણ બહારથી જ લઈ લીધું હતું આથી બધા જમવા જ બેસી ગયા.

જમીને બધા ટીવી પર મૂવી જોવા લાગ્યા. દસેક વાગ્યે કાવ્યાના ફોન પર રિંગ વાગી એટલે કાવ્યા એ ફોન ઉઠાવી જોયું તો અમનનો કોલ હતો. તેણે તુરંત જ કોલ રીસીવ કર્યો, "હલો અમન.."

"હલો કાવ્યા ડિયર, હું મુંબઈ પહોંચી ગયો છું અને જમી રહ્યો છું. એકાદ કલાકમાં જ ન્યુયોર્કની ફ્લાઈટ છે તો પછી હું કોલ નહીં કરી શકું કાલ સુધી તો એટલે અત્યારે કોલ કરીને જણાવી દીધું, તું મમ્મીને પણ કહી દેજે અને તું કેમ છે ડિયર?" અમન એકધારું બોલી ગયો.

"હું ઠીક છું અમન, તું સરખી રીતે તો પહોંચી ગયો ને. તું ઠીક છે ને." કાવ્યા ઈમોશનલ થઇ ગઇ પણ અવાજને બની શકે એટલો સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરતા બોલી.

"હું પણ ઠીક છું કાવ્યા." અમન બોલ્યો. કાવ્યા ઈમોશનલ થઇ ગઇ છે એ જાણી ગયો હતો છતાં પણ તે કાવ્યાને કહી દેશે તો કાવ્યા વધુ દુઃખી થઈ જશે આથી બીજી બીજી વાતો કરતો રહ્યો. અડધી કલાક વાત કરી કોલ કટ કરી અમન મનોમન બોલ્યો, "મારા વિના ચાર કલાક નથી રહી શકતી એ છ દિવસ કેમ રહેશે અને મારા વિના ચાલતું જ નથી તો મને પરાણે શા માટે મોકલ્યો. સાચે જ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. તેની ફ્લાઈટનો સમય થતાં તે ન્યુયોર્ક તરફ નીકળી ગયો.

આ બાજુ કોલ કટ કરી કાવ્યાએ મમ્મીને અમન સાથે થયેલી વાત કરી દીધી અને પછી બધા સૂવા માટે જતા રહ્યા. પણ કાવ્યાની આંખોમાં નિંદર હતી જ નહીં. તેનું મન વ્યથિત થઈ ગયું હતું. તેનું મન રોકવા છતાં પણ આવનારી મુસીબત વિશે જ વિચારવા મજબૂર કરી રહ્યું હતું. કાવ્યાને હવે ડર લાગવા માંડ્યો હતો. પેલી નયનતારાનુ કહેલું વાક્ય જ તેના મગજમાં સંભળાઈ રહ્યું હતું કે શનિવારે પડછાયો આવશે અને કયામત લઇને આવશે. કોઈ પોતાને બચાવી નહીં શકે, માતાજી પણ નહીં. કાવ્યા રીતસરની ડરી ગઈ હતી અને અમનને અમેરિકા જવા માટે દબાણ કરવા પર પસ્તાવો અનુભવી રહી.

********

વધુ આવતા અંકે






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED