પડછાયો - 4 Kiran Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો - 4

કાવ્યા જન્નત માટે ગિફ્ટ લઈને સ્કૂટર પર પાછી ઘરે આવી રહી હતી ત્યારે અચાનક કોઈ તેની કમર પર હાથ ફેરવી રહ્યું હોય એવું કાવ્યાને મહેસુસ થાય છે અને સ્કૂટરની પાછળની સીટ પર કોઈ બેઠું હોય એવું લાગે છે અને કાવ્યા સાઈડ મિરરમાં જોવે છે તો ત્યાં પડછાયો હોય છે અને તે સ્કૂટર પર નો કાબુ ગુમાવી બેસે છે અને સામે થી આવતી કાર સાથે ટકરાઈ જાય છે.

કારવાળા એ તરત જ બ્રેક મારી દીધી જેથી વધુ મોટું એક્સીડન્ટ થતાં બચી ગયું પણ કાવ્યા સ્કૂટર પર થી ફગાઈ ગઈ તેથી તેને વધુ વાગ્યું નહીં, જન્નત માટે લીધેલ બાથટબ પણ ફગાઈ ગયું અને ત્યાં ભીડ જમા થઈ ગઈ. એક બહેને આવીને કાવ્યાને ઊભી કરી. કેટલાક લોકો કારવાળાને પીટવાની તૈયારી માં જ હતા ત્યાં કાવ્યાએ તેમને રોકી લીધા અને કારવાળાની માફી માગતા કહ્યું, "વાંક એમનો નથી, વાંક મારો જ છે મારો જ સ્કૂટર પર નો કાબુ જતો રહ્યો હતો. આ ભાઈએ સમય પર બ્રેક ન મારી હોત તો મને લાગ્યું હોત."

"બહેન, તમે ધ્યાન રાખો આમ સ્કૂટર ચલાવીને તમે બીજા ને પણ એક્સીડન્ટ કરાવશો." કારવાળા એ કહ્યું અને કારમાં બેસી જતો રહ્યો.
કાવ્યા પણ બાથટબનું પેકિંગ લઈને સ્કૂટર પર સવાર થઈ ગઈ અને ત્યાંથી નીકળી ગઈ. થોડી વારમાં ભીડ પણ વિખેરાઈ ગઈ.

કાવ્યા ઘરે પહોંચીને ફટાફટ એસી ચાલુ કરી સોફા પર બેસી ગઈ. તેને ખૂબ જ પરસેવો વળી રહ્યો હતો. પરસેવાનું કારણ થાક હતો કે ડર એ તેને ના સમજાયું. તે કેટલીય વાર સુધી એમ જ સોફા પર બેઠી રહી અને ત્યાં જ આડી પડીને સૂઈ ગઈ.

સાંજના પાંચ વાગ્યે ડોર બેલ વાગી ત્યારે તે નીંદરમાંથી જાગી. તેણે ઘડિયાળમાં જોયું તો પાંચ વાગી ગયા હતા. તેણે બપોરનું ભોજન પણ લીધું ન હતું. તેણે સોફા પરથી ઊઠીને બારણું ખોલ્યું તો અમન હતો.

"તું હજી તૈયાર નથી થઈ. જો તો ખરી પાંચ વાગી ગયા છે અને તું અત્યારે જાગી છે. તું સૂઇ ગઇ હતી.." અમને કાવ્યા પર સવાલોનો વરસાદ કરી દીધો.

"અરે રિલેકસ, કેટલા સવાલ પૂછીશ તું મને. હું બપોરે બાર વાગ્યે ગિફ્ટ લઈને આવી તો ખૂબ જ થાકી ગઈ હતી આથી જરાક નીંદર આવી ગઈ." કાવ્યા પડછાયાની અને પોતાના એક્સીડન્ટની વાત છૂપાવી બાકીનું બધું બોલી ગઈ. તે અમનનુ પાર્ટીનું મૂડ બગાડવા નહોતી માંગતી.

"શું લીધું ગિફ્ટ માં? મને બતાવો તો ખરાં!" અમન ઉત્સાહી થઈને બોલ્યો. કાવ્યા તેને ગિફ્ટ નું બોક્સ બતાવવા લાગી અને બોલી, "નાનું એવું બાથટબ છે આમાં."

અમન તો ગિફ્ટ નું રેપર ખોલવા લાગ્યો તો કાવ્યાએ તેના હાથમાંથી ગિફ્ટ ખેચી લીધું, "અરે રેપર શા માટે ખોલે છે? કહ્યું તો ખરાં કે બાથટબ છે આમાં!"

"પણ મારે એ જોવું છે જોવા દે ને પ્લીઝ.." અમન નાના બાળક જેવી જીદ કરતા બોલ્યો. કાવ્યા તેને જોઈ હસવા લાગી અને બોલી, "રહેવા દે ને હવે. શું નાનાં બાળક જેવું કરે છે અને જા તું પાર્ટીમાં જવા માટે તૈયાર થા, હું આપણા બંને માટે કોફી બનાવું."

બેસ્ટ આઇડિયા છે, તું કોફી બનાવ, હું ન્હાવા જાઉં છું." અમન કાવ્યાને આંખ મારતાં બોલ્યો અને પછી નહાવા ચાલ્યો ગયો અને કાવ્યા કિચનમાં જઈ કોફી બનાવવા લાગી.

અમન ન્હાઈને બહાર આવ્યો અને કાવ્યા કિચનમાંથી ગરમાગરમ કોફી લઈને આવી. બંનેએ સાથે બેસીને કોફી પીધી અને પછી કાવ્યા નહાવા ચાલી ગઈ.

એકાદ કલાક પછી બંને સરસ તૈયાર થઈને કારમાં બેસી સમીરના ઘરે જવા રવાના થયા. કાવ્યાએ ગળી બ્લ્યુ રંગની સાડી પહેરી હતી અને અમને પણ કાવ્યા સાથે મેચિંગ એ જ રંગનો શર્ટ અને ઉપર શૂટ પહેર્યું હતું. બંને ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. જોનારને એવું લાગે કે બંને એકબીજા માટે જ બન્યા છે.

"અમન, તે ગિફ્ટ લીધું છે ને, મેં નથી લીધું એટલે પૂછી રહી છું." કાવ્યાને પોતે ગિફ્ટ લેવાનું ભૂલી ગઈ છે એ અચાનક યાદ આવતાં પૂછવા લાગી.

"શું? તે ગિફ્ટ સાથે નથી લીધું? ઓહ ગોડ. શું તું પણ.." અમન કાર રોકીને કાવ્યા તરફ ફરીને કહેવા લાગ્યો.

"હે ભગવાન, તો કારને રિવર્સ લે. સારું થયું યાદ આવી ગયું, નહિંતર ખોટો તારે ઘરનો ધક્કો ખાવો પડત." કાવ્યા અમનને કહેવા લાગી.

"ના જરુર નથી, સમીર તો દોસ્ત છે તેને ગિફ્ટ ન આપી તો પણ ચાલશે." અમન બેફિકરાઈથી બોલ્યો.

"અમન, તું પાગલ થઈ ગયો છે કે શું! વગર ગિફ્ટ પાર્ટીમાં જવાતું હશે કાંઇ" કાવ્યા અમન પર ગુસ્સો કરતા બોલી.

"હા જવાય વગર ગિફ્ટ. હું તો જઈશ, તારે આવવું હોય તો આવ નહિંતર ઉતરી જા કાર માંથી." અમન કાવ્યાની ફીરકી લેતા બોલ્યો.

"શું... તું મને કાર માંથી નીચે ઉતારીશ?" કાવ્યા અમનની સામે રડમસ થતાં બોલી.

"હે ભગવાન, તારું ગિફ્ટ પાછળ ડેકીમાં છે. તું તૈયાર થઈ રહી હતી ત્યારે હું તૈયાર થઈને નવરો બેઠો હતો આથી મેં અગાઉ જ ગિફ્ટને ડેકીમાં મૂકી દીધું હતું. આ તો તે યાદ કર્યું એટલે મને તારી સાથે મજાક કરવાનું મન થઈ ગયું." અમન કાવ્યા સામે આંખ મારી ખડખડાટ હસવા લાગ્યો.

"તારી મજાક ક્યારેક મારો જીવ લઈ લેશે.." આટલું બોલી કાવ્યા અમનને પોતાના નાજુક હાથ થી મુક્કા મારવા લાગી.

"અરે તું મને મારી મારીને જીવ લઈ લઈશ." અમન હજુ હસી જ રહ્યો હતો.

"શટ અપ.." કાવ્યા આટલું બોલી અમન તરફથી મોં ફેરવી ગઈ અને તરત જ અમને તેને પોતાના તરફ ફેરવી લીધી અને બોલ્યો, "સોરી ડિયર, હવે આવું નહીં કરું બસ."

આટલું બોલી અમને કાવ્યાને હગ કરી લીધું. તે કાવ્યાના નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવાની આદતને આટલાં વર્ષોમાં સારી રીતે જાણી ગયો હતો આથી અગાઉ જ કાવ્યાના ગુસ્સાને શાંત કરવા લાગી જતો.

"બસ હવે, લેટ થશે." કાવ્યા અમનના હગમાંથી છુટતા બોલી.

અમનને કાવ્યા શાંત થઈ ગઈ એની ખાતરી મળી જતા કાર ચાલુ કરી સમીરના ઘર તરફ ભગાવી મૂકી. વીસેક મિનિટમાં સમીરના ઘરે પહોંચીને અમને કારને પાર્ક કરી અને ડેકીમાં થી ગિફ્ટ લઈ કાવ્યા પાસે આવી ગયો અને બંને અંદર ગયા.

અચાનક કાવ્યાને કાર પાસેથી કોઈનો અવાજ સંભળાયો, "કાવ્યા..."

કાવ્યા તરત જ ઊભી રહી ગઈ અને પાછળ ફરી કાર તરફ જોવા લાગી. અમન કાવ્યાને પાછળ ફરતી જોઈ પોતે પણ પાછળ ફર્યો અને કાવ્યાને પૂછવા લાગ્યો, "શું થયું કાવ્યા, તું ઊભી કેમ રહી ગઈ?"

"મને લાગ્યું કોઈએ મને બોલાવી. કાર પાસેથી અવાજ આવ્યો." કાવ્યા એ તરફ જતા બોલી. અમન પણ તેની પાછળ ત્યાં ગયો.

"અરે અમન, કાવ્યાભાભી, એ તરફ ક્યાં ચાલ્યાં.. પાર્ટી ઘરમાં છે, પાર્કિંગ લોટમાં નહીં." સમીર અમન અને કાવ્યાને જોઈને બોલ્યો અને હસવા લાગ્યો.

સમીર અમન પાસે જઈને તેને ભેટી ગયો અને કાવ્યાની સાથે હાથ મિલાવ્યા અને આવકાર આપ્યો. તેઓ થોડી વાર ત્યાં વાતો કરી અંદર આવવા નીકળી રહ્યા હતા ત્યારે અમન અને સમીર આગળ ચાલી રહ્યા હતા અને કાવ્યા કાર પાસે જોવા માટે પાછળ ફરી તો તે પડછાયો ત્યાં હતો અને કાવ્યા સામે જોઈ તેને હાથના ઈશારાથી પોતાની પાસે બોલાવી રહ્યો હતો. કાવ્યાની તો આંખો જ ફાટી ગઇ.

************

વધુ આવતા અંકે

કોનો છે આ પડછાયો, તે વારંવાર કાવ્યા સામે શા માટે આવે છે, તે કાવ્યાને પોતાની પાસે બોલાવી કોઈ નુકસાન પહોંચાડવા માંગે છે કે શું આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો હોરર સસ્પેન્સ નોવેલ...