યોગ-વિયોગ - 53 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 53

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૩

નીરવ વિષ્ણુપ્રસાદના ઓરડાનો દરવાજો હળવેકથી બંધ કરીને પોતાના રૂમમાં આવ્યો. આવીને થોડીક વાર પલંગ પર પડી રહ્યો...

‘‘વ્હોટ નોનસેન્સ... વ્હોટ નોનસેન્સ... વ્હોટ નોનસેન્સ...’’ એના કાનમાં વિષ્ણુપ્રસાદનો અવાજ જાણે ગૂંજી રહ્યો હતો.

‘‘એક દીકરો બાપને છોડીને જવાની વાત કરે ત્યારે પણ એક બાપનું આવું જ રિએક્શન હોય ?’’ નીરવના મનમાં વિચાર આવ્યો, ‘‘આ માણસને પોતાના સિવાય કોઈનોય વિચાર નથી આવતો. મારી મા સાચું કહે છે ! હવે એકલા પડશે ત્યારે સમજાશે...’’

પોતાની બાજુમાં પડેલા મોબાઇલ ફોનને ઉપાડીને નીરવે ફોટોગ્રાફ્સનું ઓપ્શન ક્લિક કર્યું, સૌથી પહેલો ફોટો રિયાનો હતો. હસતી, ગાલમાં ઊંડા ઊંડા ડિમ્પલવાળી રિયાને જોઈને નીરવ લાગણીશીલ થઈ ગયો, ‘‘હું આવું છું મોમ... હવે તારી જ પાસે આવું છું.’’ નીરવે જાણે ફોટાને કહ્યું અને આગળ ક્લિક કર્યું.

લક્ષ્મીના ઢગલો ફોટા એક પછી એક આવતા ગયા. નીરવ એ ફોટામાં એ સોનેરી વાળ અને રાખોડી આંખોમાં ખોવાતો ગયો. એને વીતેલા દિવસો જાણે ફરી એક વાર યાદ આવવા લાગ્યા અને મન લક્ષ્મી પાસે પહોંચી જવા ઉતાવળું થઈ ગયું.

લક્ષ્મીએ રિયાને ખભામાંથી પકડીને હચમચાવી નાખી, ‘‘રોની? રોની કોણ મા ? મારા ડેડીનું નામ સૂર્યકાંત છે. સૂર્યકાંત દેવશંકર મહેતા...’’

‘‘હા બેટા, એ જ તારા ડેડી છે.’’ રિયાએ વહાલથી એના ખભે હાથ મૂક્યો.

‘‘તો પછી તમે એવું કેમ કહ્યું... કે હું રોની અને સ્મિતાની દીકરી છું. મારી માનું નામ સાચું ! તમે એને ફોટો જોઈને ઓળખો છો... તો... તો મારા ડેડીનું નામ ખોટું કેમ ? વ્હાય મમા... વ્હાય ?’’

રિયા ઘડીભર લક્ષ્મી સામે જોઈ રહી. આ છોકરીનો વિશ્વાસ તોડવો કે નહીં, સૂર્યકાંત માટેની એની લાગણી અને શ્રદ્ધાને નાનીસરખી પણ તિરાડ પાડવી કે નહીં, એ જે માને છે એમાં કોઈ પ્રકારના ફેરફાર કરવા કે નહીં ? આવા અનેક વિચારો રિયાના મનમાં આવ્યા અને ચાલી ગયા...

‘‘બેટા, મારી ભૂલ થતી હશે કદાચ ! તારા ડેડીનું કોઈ પેટ નેમ...’’

લક્ષ્મીએ રિયાને વચ્ચે જ રોકી દીધી, ‘‘ના મમા, મેં તમારી આંખમાં જોયું છે. મને સાચું કહો. પ્લીઝ મમા ! કોણ છે રોની ? ક્યાં છે? મારી મા એની સાથે પરણેલી હતી ? તો મારા ડેડી સાથે મારી માનાં ત્રીજાં લગ્ન છે ? ટેલ મિ મમા, પ્લીઝ ટેલ મિ...’’ લક્ષ્મીની આંખોમાં જાણે દુનિયાભરના સવાલો આવીને બેસી રહ્યા હતા. એ રિયાને ખભામાંથી પકડીને હચમચાવી રહી હતી.

રિયાએ એને ખેંચીને છાતીસરસી ભીંસી દીધી. લક્ષ્મી એટલા ઉશ્કેરાટમાં હતી કે છૂટવા માટે તરફડિયા મારતી હતી. એણે રિયાના નાઇટ સૂટને પાછળથી પકડીને બે-ત્રણ વાર એવી રીતે ખેંચ્યો કે રિયાનું ગળું ભીંસાતા રહી ગયું. તેમ છતાં ક્યાંય સુધી લક્ષ્મીનું માથું રિયાએ પોતાની સાથે જકડીને પકડી રાખ્યું. એના વાળમાં, એની પીઠ ઉપર હાથ ફેરવતી રહી રિયા. પછી, ધીમે ધીમે લક્ષ્મી શાંત થવા લાગી... એનો ઉશ્કેરાટ શમવા લાગ્યો અને એને રડવું આવવા લાગ્યું.

ભીની આંખે એણે રિયા સામે જોયું અને કહ્યું, ‘‘આઇ બેગ ઓફ યુ, તમારા હાથ જોડું, મને પ્લીઝ કહો કે આ શું વાત છે ?’’

લક્ષ્મીની આંખોમાં જોઈને રિયાથી ના રહેવાયું. રિયાએ હળવેથી લક્ષ્મીને પલંગ પર બેસાડી. પોતે સામે એક સીટ ખેંચી લાવીને બેઠી. થોડી વાર શાંતિથી લક્ષ્મી સામે જોઈ રહી, ‘‘બેટા, આ પળે મને લાગે છે કે મારે અહીંયા નહોતું આવવું જોઈતું. આવ્યા પછી એટલિસ્ટ સ્મિતાના ફોટાને જોઈને હું ચૂપ રહી શકી હોત તો સારું થાત...’’ એણે ઊંડો નિઃશ્વાસ નાખ્યો, ‘‘આઇ એમ સોરી બેટા.’’

‘‘મોમ, તમને શું લાગે છે ? તમે મને સત્ય કહી દેશો એથી મારી મારા ડેડી માટેની લાગણી બદલાઈ જશે ? એટલે ડરો છો તમે ?’’

‘‘ના રે દીકરા, મારો દીકરો એની જિંદગી તારી સાથે જોડવા તૈયાર થયો, એટલે તારી સમજદારી વિશે મને શંકા ના જ હોય.’’ પછી ફરી થોડીક ક્ષણો શાંત થઈ ગઈ એ, ‘‘પણ બેટા, વર્ષો પહેલાં જે વાત લાશ બનીને દટાઈ ગઈ છે એને ખોલવાનો કોઈ અર્થ છે ?’’

‘‘સત્યો જાણવાં જરૂરી હોય છે. ખાસ કરીને જે સત્ય મારી જિંદગીનું સૌથી અગત્યનું સત્ય હોય...’’

‘‘બેટા, એક સત્ય ઘણી બધી જિંદગીઓ ઊથલપાથલ કરી શકે, અને આમેય તું આજ સુધી આ સત્ય જાણ્યા વિના જ જીવતી હતી ને ? શું ફરક પડ્યો, કહે મને ?’’ એણે ઝૂકીને લક્ષ્મીના ગાલ પર હાથ મૂક્યા, ‘‘અને જાણીને પણ શું ફરક પડશે ?’’

‘‘અર્ધસત્ય હંમેશાં તકલીફ આપે છે મોમ, કાં તો પૂરેપૂરી અજાણ હોઉં અને કાં તો પૂરેપૂરું જાણતી હોઉં... એ બે સ્થિતિમાં જ સુખી રહી શકાયને મોમ ?’’

‘‘તારી ઉંમર કરતા ંબહુ સમજદાર છે તું.’’ રિયાના ગાલમાં ખાડા પડી ગયા, ‘‘તો જાણ્યા વિના છોડે ?’’

‘‘નહીં કહો તો તરફડતી રહીશ.’’

રિયા જાણે જિંદગીનાં વીસ વર્ષ પાછળ જતી રહી, સ્મિતા અને આલ્બટર્ના ઝઘડા એણે નજરે જોયા હતા... આટલા પૈસાવાળા બાપની દીકરીને ૭/૧૧ના ગ્રોસરી સ્ટોર્સમાં કામ કરતી જોઈ હતી, ઠંડીમાં ઓવરકોટ પહેરીને નાનકડા રોહિતને બેબીસીટરને ત્યાં મૂકીને દોડતી, સબ-વેના સ્ટેશન પર થથરતી ઊભેલી સ્મિતા યાદ હતી રિયાને...

રિયા અને સ્મિતા એક જ સ્ટેશનથી ટ્રેન પકડતાં, એક જ સ્ટેશન સુધી પહોંચવા માટે. ભારતીય હોવાના નાતે હશે કે પછી એમનો ખાલીપો એકબીજાના હૃદય સુધી પહોંચ્યો હશે, પહેલાં સ્માઇલની આપ-લે અને પછી ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થવા લાગી હતી. સ્મિતા વિશે ખાસ્સું જાણતી થઈ હતી રિયા. રિયાને ફાઇવ ડેઝ અ વીકની નોકરી હતી. એટલે એ શનિ-રવિ ઘેર રહેતી. બજારનાં, લોન્ડ્રી અને એવાં કામો પતાવવા માટે ક્યારેક ક્યારેક સ્મિતા રોહિતને રિયાને ઘરે મૂકતી. નીરવ અને રોહિત સાથે રમતા, રિયા એમને જમાડીને ઉંઘાડી દેતી. સ્મિતા પણ ક્યારેક રિયાના ઘરે રોકાવા માટે આવતી.

એ જ દિવસોમાં એમને રોની પણ મળવા લાગ્યો હતો. બેન્કમાં કામ કરતો રોની - રોનાલ્ડ નખશિખ અમેરિકન હતો. કામમાં જિનિયસ, માત્ર ૨૫ વર્ષની ઉંમરે અમેરિકન બેન્કમાં ઉચ્ચ પદ પર હતો. પોતાનું હાઉસ અને ખાસ્સું એવું બેન્ક બેલેન્સ જમા કરી શક્યો હતો.

એકદમ સ્ત્રીદાક્ષણ્ય ધરાવતો અને સમજદાર છોકરો હતો એ.

પહેલાં રિયાનો દોસ્ત બન્યો અને ધીરે ધીરે સ્મિતા પણ એની કંપની માણવા લાગી હતી.

પાંચ દિવસ કામ કરવાનું, વીક એન્ડ માણવાનું, લોન્ગ હોલીડેઝ પર ચાલી જવાનું અને જિંદગીની ભરપૂર મજા લેવાની, એ જ રોનીની જિંદગી હતી...

‘‘લવ- લાફ એન્ડ લીવ...’’ એ જ રોની ફિલસૂફી હતી.

રોહિતના સ્કૂલના એડમિશન વખતે અને બીજી નાની-મોટી જરૂરિયાતોમાં સ્મિતાને મદદ કરતા કરતા રોની સ્મિતાની નજીક આવી ગયો હતો. આલ્બર્ટ અને સ્મિતા વચ્ચેના મનદુઃખને પણ જાણતો થઈ ગયો હતો, ‘‘લીવ હીમ.’’ એ સ્મિતાને કહેતો.

‘‘એટલું સહેલું નથી.’’ સ્મિતા જવાબ આપતી.

‘‘સહેલું કશુંયે નથી હોતું, પણ અશક્યેય નથી જ હોતું. ટ્રાય અને બધું જ ધીમે ધીમે ગોઠવાતું જશે...’’ આખરે એક દિવસ રાત્રે સ્મિતાએ આલ્બર્ટનું ઘર છોડી દીધું. રિયા ત્યારે ભારત હતી, સ્મિતા રોનીને ઘેર ગઈ અને રોની એને ન્યૂ યોર્ક, કૃષ્ણપ્રસાદને ત્યાં મૂકવા ગયો...

એ પછી સ્મિતા અને રોની વચ્ચે નિકટતા વધતી ચાલી. સ્મિતા ક્યારેક ક્યારેક રોનીને મળવા બે કલાક ડ્રાઇવ કરીને બોસ્ટન જતી તો ક્યારેક રોની ન્યૂ યોર્ક આવીને સ્મિતા સાથે વીક-એન્ડ ગાળતો.

સ્મિતા મારી સાથે લગભગ દર અઠવાડિયે વાત કરતી. આલ્બર્ટથી છૂટી પડીને, રોનીને મેળવીને ખુશખુશાલ હતી સ્મિતા. એને જિંદગી ફરી જીવવા જેવી લાગવા માંડી હતી. એ ફરી એક વાર સપનાં જોતી થઈ હતી. રોહિત વિશે, પોતાના વિશે, પોતાના અને રોની વિશે...

એ દરમિયાનમાં એક દિવસ સ્મિતાને ખબર પડી, કે એ મા બનવાની છે !

રોનીએ આખીયે પરિસ્થિતિમાં હાથ ઊંચા કરી દીધા. એ જવાબદારી લેવા તૈયાર નહોતો...

‘‘લવ, લાફ એન્ડ લીવ...’’ એમાં ક્યાંય જવાબદારી નહોતી આવતી. કુટુંબ અને સંતાન સામે એનો ઉગ્ર વિરોધ હતો. સ્મિતા સંતાન ઇચ્છતી હતી, લગ્ન કરવા માગતી હતી. એ બે વચ્ચેની ખેંચતાણમાં સમય વીતતો ગયો અને અબોર્શન થઈ શકે એ ગાળો નીકળી ગયો !

એ પછી ડોક્ટર પાસે પહોંચેલી સ્મિતાને ખબર પડી કે એની પાસે તો સમય જ નહોતો બચ્યો અને હવે એની સંતાન માટેની ઝંખના જીજીવિષામાં બદલાઈ ગઈ...

લક્ષ્મી એકીટશે રિયા સામે એવી રીતે જોઈ રહી હતી જાણે રિયા કોઈ ફિલ્મ બતાવતી હોય અને રિયા પણ ભૂતકાળનાં પાનાં એવી રીતે ખોલતી હતી જાણે કોઈ જજર્રિત પુસ્તકનાં પાનાં સાચવીને હળવેથી ખોલતી હોય...

હોસ્પિટલના બિછાના પર સૂતેલા સૂર્યકાંત ગમે તેટલો પ્રયત્ન કરે, પણ ભૂતકાળના દિવસો ફરી ફરીને એમની સામે સજીવ થતા હતા.

એમને શેક્સપિયરના નાટક ‘ઓથેલો’ની એ લાઇન વારે વારે યાદ આવતી હતી, ‘‘આઇ થ્ય્રૂ અવે ધી પર્લ, વર્થ ઓલ માય ટ્રાઇબ! - મારા આખા ખજાનાના મૂલ્ય સમું મોતી મેં જ ફેંકી દીધું !’’

વસુંધરા સાથે શરૂઆતના દિવસોમાં કરેલો અન્યાય એમનો પીછો નહોતો છોડતો. એમને વારે વારે વસુંધરાની આંખો અને પતિનો પ્રેમ માગતી એની તમામ વર્તણૂક રહી રહીને યાદ આવતી હતી.

પણ એ દિવસોમાં સૂર્યકાંત પોતે જ નહોતા સમજી શકતા કે એમને શું થાય છે ! શેરબજારનું દેવું વધતું જતું હતું, એક પછી એક સંતાન જન્મ લેતું હતું, વસુંધરાની બુદ્ધિપ્રતિભા અને સદગુણોને કારણે એ દેવશંકરની નજીક જઈ રહી હતી. જ્યારે પોતાના વર્તન અને વ્યવહારને કારણે પોતે પોતાના જ પિતાને અળખામણા થઈ રહ્યા હતા...

...દિવસો વીતતા ગયા. યશોધરા સિનેમાની એકટ્રેસ ના બની શકી અને શોષણનો ભોગ બનતી ગઈ. નવી રંગભૂમિ પર નવી અભિનેત્રીઓ આવતી ગઈ. રંગભૂમિની સિકલ અને પ્રેક્ષકોની માગ બદલાવા લાગ્યા હતા. યશોધરાનાં વળતાં પાણી થવાની શરૂઆત થઈ ચૂકી હતી. ક્યારેક ક્યારેક એ સૂર્યકાંતને યાદ કરતી. એને લાગતું કે સમયસર પરણીને ગોઠવાઈ ગઈ હોત તો અત્યારે સૂર્યકાંતનાં બે બાળકોની મા હોત ! એ ક્યારેક એની માને એ વિશે ખરીખોટી સંભળાવી પણ દેતી !

પોતાની જાતને સિદ્ધાંતવાદી અને સાહિત્યપ્રેમી વસુંધરા સાથે ન ગોઠવી શકેલા સૂર્યકાંત યશોધરાના વિચારો કર્યા કરતા...

એક દિવસ સૂર્યકાંત ગાડીમાં ક્રોફર્ડ માર્કેટ પાસેથી પસાર થતા હતા. યશોધરા બસસ્ટોપ પર ઊભી હતી. સૂર્યકાંતે એને જોઈને ગાડી ઊભી રાખી.

‘‘યશોધરા...’’

‘‘સૂરજ... સૂર્યકાંત તમે ?’’

‘‘આવ, બેસ ગાડીમાં...’’

યશોધરા ગાડીમાં બેઠી... બે જણા શરૂઆતમાં અચકાયા. શું વાત કરવી એના શબ્દો શોધતા રહ્યા, પણ સમય જાણે પાંખ લગાવીને ઊડી ગયો અને બંને જણાને લાગ્યું કે બંને એકબીજા વિના રહી શકે એમ નથી !

યશોધરાએ સૂર્યકાંતને નાટકના નિર્માતા બનવાની ઓફર આપી.

શેરબજારમાં થપ્પડો ખાઈ ચૂકેલો સૂર્યકાંત આમ પણ પિતાથી જુદા કોઈ ધંધાની શોધમાં હતો ! એમાં પણ જો યશોધરાનો સાથ મળતો હોય તો સોનામાં સુગંધ ભળી !

બંને જણા શરૂઆતમાં નાટકની કંપની ખોલવા માટે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, નિર્માતા બનવા શું કરવું પડે એવી બધી ચર્ચાઓ કરવા મળવા લાગ્યા... પછી એમાંથી યશોધરાનાં દુઃખો અને સૂર્યકાંતની એકલતા પ્રગટવા લાગ્યા.

હવે યશોધરા એની માને બહુ ગાંઠતી નહોતી.

યશોધરાને હજી સૂર્યકાંતના દેવા વિશે ખબર નહોતી. એ તો માનતી હતી કે સૂર્યકાંત પિતાના વ્યવસાયમાં બરાબર ગોઠવાઈ ગયેલો, ત્રણ બાળકોનો પિતા, એક ખમતીધર વેપારી છે. વારંવાર શોષણનો ભોગ બની ચૂકેલી યશોધરા પાસે હવે બચાવવા જેવું કંઈ રહ્યું નહોતું... એણે સૂર્યકાંતની પાછળ તન અને મન બેઉં લૂંટાવવા માંડ્યાં.

પ્રમાણમાં સંકોચશીલ, પહેલી જ રાત્રે પતિની અવહેલનાનો ભોગ બની ચૂકેલી અને સંસ્કારી ઘરની વસુંધરા જે નહોતી કરી શકતી એ બધું જ યશોધરા કરતી. ‘શયનેષુ રંભા’ અને ‘કાર્યેષુ મંત્રી’ની ફરજો પૂરી કરતી યશોધરા સૂર્યકાંત માટે વધુ ને વધુ અગત્યની બનતી જતી હતી.

એ દરમિયાનમાં સૂર્યકાંતના દેવાની વાત ધીમે ધીમે ઘરમાં ખબર પડવા લાગી. યશોધરાની માનાં સપનાં હજી સાવ મરી નહોતાં પરવાર્યાં. સૂર્યકાંત સાથે ભાગીદારી કરી શકાય એવા ઇરાદાથી એ મહેન્દ્ર સાવલિયાને લઈ આવી.

આધેડ ઉંમરે પહોંચેલા મહેન્દ્ર સાવલિયા શોખીન માણસ હતા. નાટકોમાં અને હિન્દી સિનેમામાં નાણાં રોકતા. એમના પોતાના જ શબ્દોમાં, ‘‘નાનકડા ગુલાબના છોડમાં એ છાંયો ક્યાંથી મળે, જે આંબાના ઝાડ નીચે મળે...’’

આંબાના ઝાડ જેવી અઠ્ઠાવીસથી ત્રીસ-બત્રીસની વચ્ચેની અભિનેત્રીઓ, પતિ સાથે ન ફાવતું હોય એવી સ્ત્રીઓ અને વિધવા- ત્યક્તાઓ એમનો ખાસ શોખ હતી.

યશોધરાને જોતાં જ મહેન્દ્ર સાવલિયાના મોઢામાં પાણી આવ્યું હતું. બત્રીસની નજીક પહોંચેલી યશોધરા માંડ છવીસ-સતાવીસની દેખાતી. મૂળે સુંદર શરીર અને બાળક ન હોવાને કારણે જાળવી શકાયેલી જુવાની મહેન્દ્ર સાવલિયાની રાતની ઊંઘ ઉડાડી ગઈ.

એમણે સૂર્યકાંત સાથે ભાગીદારીની તૈયારી બતાવી. એમને સમજાતું હતું કે યશોધરાને સૂર્યકાંતમાં કેવા પ્રકારનો રસ છે, પણ આ ધંધાના અને સ્ત્રીઓની બાબતમાં મહાખેલાડી એવા મહેન્દ્ર સાવલિયાને ખાતરી હતી કે સૂર્યકાંતને સમય આવે આસાનીથી હટાવી શકાશે.

મહેન્દ્ર સાવલિયાએ સૂર્યકાંતની આર્થિક પરિસ્થિતિનો ક્યાસ કઢાવી લીધો હતો. એ જાણતા હતા કે સૂર્યકાંત પાસે પોતાનો કહી શકાય એવો એક રૂપિયોય વધ્યો નથી. જે હતું તે વેચી-સાટીને બાપે એનું દેવું ભર્યું છે, એટલું જ નહીં. એને ઘરમાંથી કાઢી મૂક્યો છે અને હવે જે ઘર છે એ તેની પત્નીના નામે છે...

જે દિવસે નાટક ઊભું કરવાની વાત થઈ એ દિવસે મહેન્દ્ર સાવલિયા સિત્તેરના દાયકામાં બેગમાં બે લાખ રૂપિયા રોકડા લઈને આવ્યા હતા...

સૂર્યકાંત અઠવાડિયા સુધી કાલે-કાલે કરતો રહ્યો. પછી એક દિવસ સૂર્યકાંતની ગેરહાજરીમાં મહેન્દ્ર સાવલિયાએ પોતાની ચાલ ચાલી નાખી. યશોધરા અને એની માને બેસાડીને મહેન્દ્ર સાવલિયાને જાણે સૂર્યકાંત માટે બહુ સહાનુભૂતિ હોય એવી ભાષામાં સત્ય ઓકી નાખ્યું.

એ રાત્રે સૂર્યકાંત અને યશોધરા વચ્ચે ભયાનક ઝઘડો થયો. સૂર્યકાંતે યશોધરાને આ બધું ન કહ્યાના દુઃખથી શરૂ કરીને હવે નાટક ઊભું નહીં થઈ શકે, એમની કંપનીનું સપનું જનમતા પહેલાં જ મરી પરવાર્યું એવા બધા અનેક મુદ્દાઓ ઉપર બંને જણા આખી રાત લડ્યા...

એ આખી રાત સૂર્યકાંત શ્રીજી વિલા પાછા નહોતા ફર્યા.

યશોધરાએ ધીમે ધીમે મહેન્દ્ર સાવલિયાને જાળમાં લેવા માંડ્યા. એનો વિચાર હતો કે જો પહેલા નાટકનું ફાઇનાન્સ મળી જાય તો પછી મહેન્દ્ર સાવલિયાની જરૂર ના રહે. મહેન્દ્ર સાવલિયા મફતમાં કશુંયે આપે એવો માણસ નહોતો.

એણે યશોધરા સાથે મધઝબોળેલા શબ્દોમાં સોદો કરવા માંડ્યો.

‘‘સૂર્યકાંત પાસે રૂપિયા નથી તો શું થઈ ગયું ? બુદ્ધિ તો છે, આવડત તો છે... એ એની મહેનત અને બુદ્ધિ લગાવે, અને હું મારા રૂપિયા. કંપની ઊભી થશે જ, યશોધરા...’’

‘‘સાવલિયા સાહેબ, અમે તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપીશું. સિત્તેર-ત્રીસની ભાગીદારી કરીશું પહેલા નાટકમાં...’’

‘‘અરે, એમ તે કંઈ હોય ? ભાગીદારી તો સરખે સરખી. મારી પાસે ક્યાં તારા જેવો અભિનય છે? ક્યાં તારા જેવું રૂપ છે ? ગમે તેટલા રૂપિયા લઈને ઊભો રહું, લોકો મને જોવા આવવાના છે ?’’ યશોધરા ધીમે ધીમે સાવલિયાના જાદુમાં અટવાતી જતી હતી.

સૂર્યકાંતના પિતા ગુજરી ગયા એ પછી પરિસ્થિતિ વધુ વિકટ થતી ચાલી. સૂર્યકાંત કોઈ રીતે જાતને વસુંધરા સાથે જોડી શકતા નહોતા. પોતાની નિષ્ફળતાઓ એમને ખાઈ રહી હતી. પરિવારની જવાબદારી એમને ગ્રસી રહી હતી...

રોજ રોજ યશોધરાને ઘેર સાવલિયાના પૈસે દારૂ પીને ટૂન્ન થઈ જતા સૂર્યકાંત પોતાનાં દુઃખડાં રડવા લાગતા. જેની હવે યશોધરાને ચીડ ચડવા લાગી હતી. સાવલિયા રૂપિયા લગાવવા તૈયાર હતા તો પણ નાટકની વાત અગળ વધતી નહોતી.

જેનો દોષ સાવલિયાએ ધીમે ધીમે સૂર્યકાંત પર ઢોળવા માંડ્યો હતો. બીજી તરફ યશોધરાની મા એના કાન ભરતી. એને કહ્યા કરતી કે, ‘‘સૂર્યકાંત આખરે એના પરિવાર પાસે પાછો ચાલ્યો જશે. પરણેલા અને બચરવાળ માણસનો ક્યારેય ભરોસો ના કરવો. ગમે તેટલું કરો તોય એ તમારા ના થાય...’’

એક દિવસ સાવલિયા એના દીકરાને લઈને આવ્યા. સોળ-સત્તર વર્ષનો શૈલેષ યશોધરાનું રૂપ, એની લાઇફ સ્ટાઇલ અને એની ચમક-દમક જોઈને અંજાઈ ગયો.

સાવલિયાના કહેવા મુજબ જે કામ સૂર્યકાંત ના કરી શક્યો એ હવે શૈલેષ કરવાનો હતો. સાવલિયાએ ધીરે ધીરે યશોધરના મનમાં એવું ઠસાવ્યું કે સૂર્યકાંતને નાટક ઊભું કરવામાં કોઈ રસ જ નહોતો. એને માત્ર યશોધરાના શરીરમાં રસ હતો...

અને મનની નબળી યશોધરા એક સાંજે સાવલિયાના ખભે પોતાના જીવનની કથા કહેતી કહેતી એટલું બધું રડી કે સાવલિયા એને આશ્વાસન આપતા આપતા પોતે રડી પડ્યા !!

ખભે મુકાયેલો સાવલિયાનો હાથ ક્યારે યશોધરાની છાતી પર સરકી આવ્યો એની યશોધરાને પોતાનેય કદાચ ખબર ન રહી.

સાવલિયાએ યશોધરાનું પૂરેપૂરું ધ્યાન રાખવા માંડ્યું. એનું ઘર ચલાવવાથી શરૂ કરીને એના લાલી-લિપસ્ટિક અને એનો દારૂ પણ હવે સાવલિયા લાવતા. સાથે સાથે સૂર્યકાંત કેટલો નગુણો અને કેટલો સ્વાર્થી છે એ વાત કહેવાનું એ ક્યારેય નહોતા ભૂલતા. યશોધરાને ધીમે ધીમે સૂર્યકાંતનો અભાવ આવવા લાગ્યો હતો...

વસુંધરા મોટે ભાગે સૂર્યકાંતને પોતાની નજીક નહોતી આવવા દેતી. નોકરી કરતી, ઘર ચલાવતી અને સંતાનોને ઉછેરતી પત્ની સૂર્યકાંતના અહં પર રોજ ઘા કરતી હતી.

પિતાનું શ્રાદ્ધ કરવા ગયેલી પત્ની, ચંદ્રશંકરને પુનાની મેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી કરાવીને, માને મથુરામાં જગ્યા અપાવી એમનું પૂરેપૂરું ધ્યાન રાખતી પત્ની સૂર્યકાંતને રોજેરોજ નાનો - નાનો - વધુ નાનો બનાવતી જતી હતી.

બીજી તરફ યશોધરાથી તરછોડાયેલો સૂર્યકાંત વધુ ને વધુ ચિડિયો અને દારૂડિયો બનવા લાગ્યો હતો. હવે એ ગમે તેની સાથે પીતો. ગમે ત્યાં પીતો અને ગમે તેવી કક્ષાનો દારૂ પીવા લાગ્યો હતો. વસુંધરા કંઈ કહેવા જાય કે સલાહ આપે તો એ સૂર્યકાંત માટે અસહ્ય હતું. બંને જણા વચ્ચે વાતચીતનો વ્યવહાર પણ નહોતો રહ્યો એમ કહીએ તો ચાલે. યશોધરાની મા આ બધું જોઈને ખૂબ રાજી થતી. સૂર્યકાંત કશુંયે આપી શકે એમ નહોતો. જ્યારે સાવલિયાથી એનું ઘર ચાલતું હતું. એનો રસ પણ સાવલિયા ટકે અને સૂર્યકાંત જાય એમાં જ હતો.

પણ ધાર્યું કોનું થાય છે ?

યશોધરાની મા ગણપતિની ભક્ત હતી. દર ચોથે ટીટવાલા જતી. એક સાંજે યશોધરાની મા ટીટવાલાના ગણપતિ જવાનું કહીને નીકળી.

મહેન્દ્ર સાવલિયા અને યશોધરાની મા વચ્ચે વાત થઈ ચૂકી હતી. એટલે મહેન્દ્ર સાવલિયા તો યશોધરાને ઘરે પહોંચી જ ગયા હતા. પહેલા દારૂ અને પછી શરીરની મહેફિલ હજી શરૂ જ થઈ હતી કે યશોધરાની માએ સૂર્યકાંતને ફોન લગાડ્યો...

સૂર્યકાંત એ વખતે એના એક મિત્રની ઓફિસે બેસતો. યશોધરાની માને એની ખબર હતી.

‘‘સૂર્યકાંત...’’ યશોધરાની માના અવાજમાં જીતનો ગરૂર હતો, ‘‘તારી કબૂતરીને તો પેલો ઘરડો બાજ લઈ ગયો.’’

‘‘શું બકવાસ કરો છો ? મને ખબર છે તમને પહેલેથી આ સંબંધ મંજૂર નથી. તમે યશોધરા માટે મને અને મારા વિરુદ્ધ એને ચડાવો છો.’’

‘‘અરે, જે પોતાની માની ના થઈ એ તારી શું થવાની?’’ એની માએ પાસો ફેંક્યો, ‘‘માન્યામાં ના આવતું હોય તો જઈને જોઈ આવ.’’

‘‘ક્યાં ?’’ સૂર્યકાંતની અંદરનો પુરુષ જાગી ઊઠ્‌યો, ‘‘જો ખોટાં પડ્યાં તો માથું વાઢી લઈશ તમારું.’’

‘‘અરે, મારું માથું વાઢતા પહેલાં તારા પગ નીચેની જમીન જતી ના રહે તો કહેજે.’’ યશોધરાની માને તો ખબર જ હતી કે ત્યાં એને શું જોવા મળવાનું છે.

સૂર્યકાંત અકળાયેલો, હાંફળો-ફાંફળો યશોધરાને ત્યાં પહોંચ્યો. બારણું સ્વાભાવિક રીતે જ અંદરથી બંધ હતું. સૂર્યકાંતે દરવાજો ખખડાવ્યો, એક વાર... બે વાર... ત્રણ વાર...

બારણું ખોલી શકે એવી સ્થિતિમાં ન યશોધરા હતી ન સાવલિયા...

સૂર્યકાંતનો અવાજ સાંભળીને યશોધરાના ચહેરાનું લોહી ઊડી ગયું હતું. સૂર્યકાંતે પાસે પડેલી ઇંટ લઈને દરવાજો તોડી નાખ્યો.

દરવાજો તોડીને ઘરમાં દાખલ થયેલા સૂર્યકાંતે જે જોયું એનાથી સૂર્યકાંતની આંખમાં લોહી ઊતરી આવ્યું હતું.

પથારીમાંથી બેઠી થઈ ગયેલી યશોધરાની ચોળીનાં બે-ત્રણ બટન ખુલ્લાં હતાં. શરીર પર સાડી નહોતી, વાળ ખુલ્લા હતા. સાવલિયા ઉઘાડા શરીરે અને મોટા પેટ સાથે જુગુપ્સાપ્રેરક લાગતો હતો...

બે વ્હીસ્કી પીધેલા ગ્લાસ, સોડા, બરફ અને અડધાથી વધુ ખાલી થઈ ગયેલી વ્હીસ્કીની બોટલ ટેબલ પર ગોઠવાયેલા હતા.

ટૂંકમાં દૃશ્ય પોતે જ બધું કહી જતું હતું.

સૂર્યકાંતે અકળામણમાં વ્હીસ્કીની બોટલ ઉપાડીને સીધી મોઢે માંડી... અડધીથી થોડી ઓછી વ્હીસ્કી સૂર્યકાંત ક્રોધમાં અને અકળામણમાં નીટ ગટગટાવી ગયા અને બાટલી જોરથી નીચે પછાડી.

એમનું મગજ આમેય ગયેલું હતું. એમાં વ્હીસ્કીની કીકે કામ કર્યું.

સૂર્યકાંતે બૂમાબૂમ કરવા માંડી... ગંદી ભાષામાં મહેન્દ્ર સાવલિયાને અને એનાથીયે ગંદી ભાષામાં યશોધરાને ભાંડવા માંડી. છેલ્લા કેટલાય દિવસથી એના મનમાં ચાલી રહેલા ફસ્ટ્રેશનને જાણે આજે દિશા મળી. એને જે સૂયું અને જે મોઢામાં આવ્યું તે બકવા માંડ્યું.

એ જ વખતે પિતાને શોધતો શૈલેષ યશોધરાને ઘરે આવી પહોંચ્યો. મહેન્દ્ર સાવલિયા માટે હવે આ પ્રશ્ન અંગત માન-સન્માન સુધી આવી ગયો.

સત્તર-અઢાર વર્ષના વયસ્ક દીકરાની સામે સૂર્યકાંતની આ ભાષા એમને માટે અસહ્ય હતી. એમણે યશોધરાની સામે જોયું, ‘‘તારે આને કંઈ કહેવું છે કે હું પોલીસ બોલાવું ?’’

‘‘બોલાવો પોલીસ, મને શો વાંધો હોય ?’’ યશોધરાના મોઢામાંથી આ વાક્ય સાંભળીને યશોધરાની માએ કહ્યું હતું બરાબર તેમ જ સૂર્યકાંતના પગ નીચેથી જમીન સરકી ગઈ...

‘‘ગમે તેટલું કરો, સાલી રાં...ની રાં... જ રહેવાની.’’ સૂર્યકાંતથી કહેવાઈ ગયું.

હવે સવાલ વસુંધરાની ‘ઇજ્જત’નો પણ હતો. યશોધરા પાસે સૂર્યકાંતને સમજાવી શકવા માટે તો કોઈ બહાનું તો હતું જ નહીં. એટલે પકડાયેલી યશોધરાએ દાવ ફેરવી તોળ્યો. એને મળેલી થોડી મિનિટોમાં જ નિર્ણય કરવાનો હતો કે એણે કોને પસંદ કરવાના છે. એના મનમાં એ વિશે આમેય શંકા નહોતી. સૂર્યકાંત પાસે નહોતા એવા પૈસા કે યશોધરાને પોષી શકે અને આજે એ જે રીતે વર્ત્યો એ પછી એ યશોધરાને માફ કરે અને પહેલા જેવો પ્રેમ કરી શકે એ વાત પણ જરા શંકાસ્પદ હતી.

યશોધરાના ચાલાક મગજે સમજી લીધું કે સૂર્યકાંત તો આમેય જવાનો જ હતો. હવે જે ટકવાનો છે એને વધુ મજબૂતીથી બાંધવા માટે સૂર્યકાંતને જાતે જવા દેવાના બદલે કાઢી મૂકવો વધુ યોગ્ય ઠરશે.

એટલે એણે નફટાઈની હદ વટાવી દીધી. ‘‘તેં શું માન્યું હતું ? હું પ્રેમના નામે જીવ આપી દઈશ ? જા, જા... મને તો દેવશંકર મહેતાના દીકરામાં રસ હતો. ફતનદેવાળિયા, લાખોનું દેવું માથે લઈને યશોધરાનું રૂપ ભોગવવું છે તારે ?’’

યશોધરાની બાજુમાં ઊભેલો શૈલેષ થરથર ધ્રૂજતો હતો.

સૂર્યકાંત યશોધરાની સામે ઊભા હતા, લાલચોળ આંખો સાથે. નશામાં ડોલતા.

‘‘યશોધરાઆઆઆ....’’ સૂર્યકાંતે રાડ પાડી.

પથારીમાં સૂતેલા સૂર્યકાંતને આજે પણ એ રાડ, એ ત્રાડ અને એ સમયનો ક્રોધ એવો ને એવો યાદ હતો. એ ક્રોધ યાદ આવતા જ અહીં, આટલાં વર્ષો પછી પથારીમાં પણ સૂર્યકાંતનું લોહી ગરમ ગરમ થઈ ગયું.

મુંબઈ છોડ્યાની એ રાત એમને આજે પણ એવી ને એવી યાદ હતી !

‘‘હું તને નહીં છોડું, સાલી... તેં મને ક્યાંયનો ના છોડ્યો. ધોબીના કૂતરા જેવી હાલત કરી નાખી મારી. ન ઘરનો, ન ઘાટનો... પણ તને હું સુખેથી જીવવા નહીં દઉં એટલું યાદ રાખજે.’’

‘‘એને હાથ જો લગાડી જો, તારો હાથ તોડીને તારા હાથમાં આપી દઈશ.’’

‘‘તું શું થાય છે એનો ? ભાઈ ?’’ સૂર્યકાંતે મહેન્દ્ર સાવલિયાને આગળ ધસીને એક થપ્પડ મારી.

શૈલેષ સમજી નહોતો શકતો કે આ પરિસ્થિતિમાં એણે શું કરવું?

સ્વાભાવિક રીતે જ મહેન્દ્ર સાવલિયાને અપેક્ષા નહોતી કે સૂર્યકાંત એના પર હુમલો કરશે. સાવલિયાએ ત્યાં પડેલો ફ્લાવર વાઝ ઉપાડીને સૂર્યકાંત પર છૂટ્ટો ફેંક્યો. સૂર્યકાંત નિશાન ચૂકવી ગયો.

મહેન્દ્ર સાવલિયાએ દીકરાને જોરથી રાડ પાડી, ‘‘ગધેડા, જોયા શું કરે છે, પોલીસને ફોન કર.’’ શૈલેષ ટેલિફોન તરફ વળે અને નંબર જોડે એ પહેલાં સૂર્યકાંતે નીચે પડેલી તૂટેલી વ્હીસ્કીની બાટલી ઉપાડીને મહેન્દ્ર સાવલિયાના પેટમાં ખોસી દીધી.

‘‘આઆઆઆ..... મારી નાખ્યો રે...’’ મહેન્દ્ર સાવલિયાએ બૂમ પાડી. ધગધગ કરતું લોહી વહી નીકળ્યું અને પળવારમાં મહેન્દ્ર સાવલિયાનું પાટલૂન ભીંજાવા લાગ્યું.

‘‘પપ્પા...’’ શૈલેષે બૂમ પાડી અને ફોન છોડીને જમીન પર ઢળી પડેલા મહેન્દ્રને આધાર આપ્યો.

‘‘આ શું કર્યું તેં ?’’ યશોધરાનો નશો ઊતરી ગયો હતો. એણે સૂર્યકાતને હચમચાવી નાખ્યો.

‘‘મેં નથી કર્યું, તેં કર્યું છે આ...’’ આટલા નશા હેઠળ પણ સૂર્યકાંતનું મગજ ફટાફટ કામ કરવા લાગ્યું હતું.

‘‘શું ?’’

‘‘હું પોલીસને એવું કહીશ કે આ મેં નહીં, તેં કર્યું છે.’’ સૂર્યકાંતે યશોધરાને ધમકી આપી.

‘‘કોઈ નહીં માને.’’ યશોધરાએ પાંગળો બચાવ કર્યો.

‘‘તારી આંગળીઓનાં નિશાન પણ છે આના પર...’’ સૂર્યકાંતે યશોધરાની સામે જોઈને ગંદુ-ખંધુ સ્મિત કર્યું, ‘‘આ જાડિયાને દારૂ પાયો હશેને તેં લળી લળીને...’’

‘‘સૂરજ ? તું મને ફસાવીશ ?’’

‘‘કેમ નહીં ? તેં મને ક્યાં છોડ્યો છે ?’’

શૈલેષ ત્યાં ઊભો ઊભો ધ્રૂજતો હતો... એને કોઈ પણ સંજોગોમાં એના તરફડતા બાપને ત્યાંથી બહાર કાઢવો હતો.

‘‘ચાલ, મારી સાથે. બાકી હું મારી જાતને પોલીસને સોંપી દઈશ...’’ સૂર્યકાંતે મરણિયો દાવ ખેલી નાખ્યો, ‘‘હું તો મરીશ, પણ તનેય જીવવા નહીં દઉં...’’

જિંદગીના કદી નહીં કલ્પેલા એવા ફાંટા ઉપર આવીને યશોધરા ઊભી રહી ગઈ હતી.

એક રસ્તો સીધો જેલમાં અને ત્યાંથી કદાચ ફાંસીના તખતા સુધી જતો હતો અને બીજો રસ્તો ક્યાં જતો હતો એની યશોધરા કે સૂર્યકાંત બેમાંથી કોઈને ખબર નહોતી અને છતાં જવું તો એ જ રસ્તે પડવાનું, એવું નક્કી થઈ ગયું હતું.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Parva Kaneriya

Parva Kaneriya 2 માસ પહેલા

Natvar Patel

Natvar Patel 2 માસ પહેલા

Meghna

Meghna 3 માસ પહેલા

Swati Bhuskute

Swati Bhuskute 6 માસ પહેલા

Hinaa Desai

Hinaa Desai 7 માસ પહેલા