UNTLIYAT books and stories free download online pdf in Gujarati

ઉંતળિયાટ..!

ઉંતળીયાટ..!
હા, હું ઉંતળીયાટ છું ! ન સમજ્યા ? એમ નહીં સમજાય. ઉંતળીયાટને વાંચવા ઉંતળી અને યાટ બન્ને શબ્દને જુદા ન પાડતા.એમાં 'તળીયા' ને ભેગું જ રાખવાનું છે અને ''ઉં'' અને "ટ " ને જુદા પાડો તો વાંધો નહીં. કારણ કે એ બન્નેમાંથી ઉંટ બની જાય તો કામમાં આવશે.અને મારી પાસે તો તળીયું રહે તોય ચાલે, કારણ કે હું ભલે ઉંતળીયાટ રહ્યો, પણ તળીયા વગરનો થવા નથી માંગતો.કારણ કે મોં માથા વગરના માણસો કરતા મારા જેવા તળીયા વાળા ઉંતળીયાટ સારા....!

હા, તો હવે મારી વાત કરું.એમાં શું છે કે જ્યારથી મને સમજણ આવી ત્યારથી મને એક વાતની સમજણ પડી ગઈ છે કે જીવવા માટે પૈસા હોવા જરૂરી છે. પૈસાની પાછળ દોડી દોડીને થાકી ગયા પછી પેલા લુચ્ચા શિયાળની જેમ "દ્રાક્ષ તો ખાટી હોય, એની માટે કોણ કુદકા મારે.." એમ કહીને પૂંઠ બતાવનારા જેવો હું નથી.

આ દુનિયા તો ઝુકતી હય,ઝુકાને વાલા કોક હોય તો..એ જાણ્યા પછી મેં ઝુકાનેવાલા બનવાની લાઈનમાં નામ લખાવ્યું. મારા બાપુજીએ મને કિધેલું કે જો બેટા, આ દુનિયામાં માથું ઊંચું રાખીને જીવવું હોય તો આપણાથી ઊંચે બેઠું હોય એની સામે જોઈ જોઈને ચાલવું.હવે એમની વાતમાં કોઈ ગૂઢ સંદેશો હશે પણ હું એ વખતે કાચી ઉંમરનો,એટલે સમજ્યા કર્યા વગર ગુલાબશેઠની પુષ્પા એની મેડીના ઝરૂખમાં ઉભી હતી એની સામે જોતો જોતો ચાલવા લાગ્યો. પુષ્પાએ મારી નજરમાં એની નજર એવી રીતે પોરવી કે જાણે સોયના નાકામાં દોરો પરોવતી ના હોય..! એ મને જોઈને હસી ત્યારે મને ખબર નહોતી કે એની ડેલી આગળ બેઠેલું કાળિયું કૂતરું પણ એના જીવનમાં ઊંચું માથું રાખીને જીવવા માગતું હશે ! એ તો બિચારું નજીકના ભવિષ્યમાં ઘટનારી ઘટના પારખીને ચેતવણી આપવા ભસ્યું પણ મારું ધ્યાન પુષ્પામાંથી ન ખસ્યું ! પછી જે બન્યું તેને કારણે પુષ્પાનું મોં ખૂબ હસ્યું !

કાળિયું સાલ્લું પોતાની પૂંછડીને આટલો બધો પ્રેમ કરતું હશે એની મને તે દિવસે ખબર પડી.એનું જડબું મારી પીંડી સુધી ન પહોંચે એ માટે મેં મુઠીઓ વાળીને દોટ મૂકી હતી.કાળિયું આખરે દુશ્મનને પોતાની હદમાંથી સરહદની બીજી બાજુએ ખદેડીને સંતોષ પામ્યું હોય એમ પુષ્પાને જોઈને એની પૂંછ હલાવતું પુષ્પાની ડેલી બહાર એના ખાડામાં બેસી ગયું હતું.

પછી તો હું પુષ્પાને પામવાનો કાર્યક્રમ શરૂ કરવા સૌથી જરૂરી એવા ધનની ખોજમાં નીકળી પડ્યો. કારણ કે મને જાણવા મળેલું કે ગુલાબશેઠને ઉંતળીયાટ લોકો પ્રત્યે એમના 'ભાર' (એકસો વીસ કિલો) જેટલી જ નફરત છે ! ભણવામાં પણ મેં ભેજું વાપરીને બીકોમ જ કર્યું હતું. કારણ કે એ વખતે મને ખ્યાલ આવી જ ગયો હતો કે સાયન્સના વિધાર્થીઓનું ભેજું આપણા કરતા વધુ ચાલતું હોવાને કારણે એ લોકો જીવનમાં ખૂબ આગળ વધતા હોય છે. પણ એ લોકોને આખરે તો આપણી જ જરૂર પડે છે. એ બધા એમના મુકામ પર પહોંચશે ત્યાં આપણે કોમર્સવાળા ધંધો ખોલીને બેઠા હઈશું. અને એ લોકો આપણી નોકરી કરશે, એમના ભેજાનો ઉપયોગ કરીને આપણને પૈસા કમાઈને આપશે.એમાંથી પચ્ચીસ પચાસ હજાર (જેવી જેની ઓખાત) જેટલો પગાર એમને આપી દેવાનો.આપણે ઘેર સુતા રહેવાનું..અને આ સાયન્સવાળા આપણી ફેકટરીઓ ચલાવી આપે..વાહ આતો જામી જ જાય ને !

એટલે મેં કોલેજ કરતી વખતે જ જીવનમાં પૈસાની વ્યવસ્થા કરવા માંડી.મારી યોજના મારા અભણ બાપુજી એમના જુના મગજમાં ઉતારી શક્યા નહીં એટલે મારા જીવનના એ પ્રથમ સાહસને મેં એકલા જ કરી નાખવાનું નક્કી કર્યું.
દિવાળી આવી રહી હતી.એટલે મેં મારી દિવાળી સુધારવા ફટાકડા નો 'શો રૂમ' (!) શરૂ કર્યો. સોસાયટીના નાકે જ બાપુજીથી છાનામાના, બાને મારી સો ટકા નફાવાળી સ્કીમ સમજાવીને હું દસ હજારના ફટાકડા લઈ આવ્યો.અને આખી સોસાયટીમાં આપણાં "શો રૂમ" ની મૌખિક જાહેરાત કરી. જે બાળક મારે ત્યાંથી ફટાકડા ખરીદયા પછી બીજા બે બાળકોને લઈ આવે તો એને સુતળી બૉમ્બ ફ્રી આપવાની મારી સ્કીમ ખૂબ ચાલી.
દયાળકાકાના દિલીપની દારૂખાનાની દુકાન દોડવા માંડી.પુષ્પા પણ એના પાંચ વર્ષના ભાઈ માટે મારી દુકાને આવીને મીઠું સ્મિત વેરી ગઈ. જેની પાસે જેટલા હોય એટલા જમા કરાવીને જેટલા લેવા હોય એટલા લઈ જવાની મારી બીજી સ્કીમેં તો સોસાયટીને ગાંડી કરી મૂકી. "દયાળકાકાનો દિલીપ તો બાકી રાખે છે !'' અને આપણે તો માલિક હતા એટલે બે છોકરાઓને થોડા ફટાકડા ફોડવા દેવાની શરતે નોકરીએ રાખી લીધા. (જોયું ? વગર પગારે કેમ માણસો પાસે કામ લેવાય તે ?)

મારી ફટાકડાની દુકાન કંઈ ચાલી છે..! સાહેબ, દસ હજારના ફટાકડા તો બીજા જ દિવસે ઉપડી ગયા. ભલેને બાકીમાં વેચ્યા હતા..! ક્યાં બહાર હતા.. સોસાયટી આપણી જ છે ને ! બાને ધંધાની સફળતા સમજાવીને બીજા વીસ હજારનો માલ ઉતાર્યો..સાહેબ તમે નહીં માનો લાઈન લાગી લાઈન ! ફટાકડા આપવા બીજા બે છોકરા રાખવા પડ્યા. ગલ્લામાં રોકડા પાંચ હજાર આવ્યા એમાં, ફરી બા પાસે બાપુજીની તિજોરી ઉઘડાવીને બીજા વીસ હજાર ઉમેરીને ત્રીજી વખતે પુરા પચ્ચીસ હજારનો માલ ઉતાર્યો. તમે નહીં માનો, દિવાળીને દિવસે ખુદ મારે ફોડવા લવિંગિયા'ય વધ્યા નહોતા !

નવા વર્ષની ઉજવણી પતાવીને આપણે 'શો રૂમ'ના છોકરાઓને ઉઘરાણી પતાવવા મોકલ્યા.

"શ્વેતા આન્ટીએ કહ્યું કે મેં તો એ વખતે જ આપી દીધા'તા..પાયલ આન્ટીએ કહ્યું કે તારા હિસાબમાં ભૂલ છે.મેં 'દાડમ' તો લીધું જ નથી.અને ચકલીછાપ તો મારો ફેનું ફોડી'ય નો હકે..અમે તો રોલ અને ટીલડીયું જ લીધી'તી.. એના દસ રૂપિયા આપ્યા..સત્તર નંબરવાળા ચંદુકાકાએ કહ્યું કે ફટાકડા તો હવાઈ ગયેલા હતા.મોટાભાગના તો સુરસૂરિયા જ નીકળ્યા છે..બે ચાર ફૂટયા'તા..પણ હવે ઈ દિલપા જેવું કોણ થાય..આલે પચાસ રૂપિયા લઈ જા.."

"પણ ચંદુકાકાએ તો પાંચસોનું બિલ બનાવડાવ્યું ન્હોતું ?" મેં ગળામાંથી સુરસૂરિયા જેવો અવાજ કાઢીને કહ્યું.

"હા, પણ ફૂટ્યા નહોતા એમ કીધું.

પછી અમે ચમન અંકલ પાસે એના ચિરાગીયાના ચારસો બાકી હતા એ લેવા ગયા તો ચંપા આંટી ખૂબ ગુસ્સે થઈ ગયા..અમને કહે કે મારા ઘરમાં ઉઘરાણી કરવા ગર્યા જ કેમ..ભાગો નકર ટાંટિયા ભાંગી નાખીશ..અમે તો કોય દી કંઈ બાકીમાં લેતા જ નથી.."

"પણ ચિરાગીયો ચારસોના લઈ તો ગીયો તો.."મેં ટીલડી ફૂટે એવો સ્વર કાઢ્યો..

"તો તું જઈને લઈ આવજે.."મારા ઉઘરાણી ક્લાર્ક મને લિસ્ટ પકડાવીને ચાલતા થયા.પછી મેં બે દિવસ મારા મૂળગા કઢાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘેર ફરિયાદો આવવા માંડી, "દયાળભાઈ, તમારા દીકરાને કહી દેજો..નો આવડે તો વેપાર નો કરાય.અમે તો રોકડા દઈ દીધા છે તોય અમારા ઘેર ઉઘરાણી કરવા આવે છે. તમારી શરમે કાંઈ કીધું નથી.પણ હવે હદ થઈ છે.."

બાપુજીએ પછી મને પાસે બેસાડીને પૂરો હિસાબ લીધો ત્યારે ખબર પડી કે આખી સોસાયટીએ મારા પૈસે ખૂબ ધૂમ ધડાકા કર્યા હતા. અને મારા જીવનના પ્રથમ ધંધામાં પુરી પિસ્તાલીસ હજારની ખોટ સાથે પ્રથમ ઉંતળાનો પ્રવેશ થયો હતો ! પુષ્પાડી તો બિચારી આપી દેતી હતી, પણ એના મીઠા મધ જેવા સ્મિતથી ચિત થયા પછી એનું બિલ કેમ લેવાય ? ડબ્બલ નફાનો ધંધો સાલો સાવ ખોટમાં ગયો.અને સોસાયટીમાં સબંધ બગડ્યો.વળી મારું નામ દિલીપ સુરસૂરિયો પડી ગયું..! કારણ કે મારા વેચેલા ફટાકડાની જેમ જ મારા પહેલા જ બીજનેસનું સુરસુરીયું થઈ ગયું હતું ને !

પણ યુદ્ધમાં એકવાર હારી જવાથી જે લોકો હેઠા બેસી જાય છે એ કદી હાકેમ થઈ શકતા નથી. અને મને ભણાવવામાં પણ આવેલું કે હજારો નિષ્ફળતાઓમાં જ સફળતાની ચાવી છુપાયેલી હોય છે..બસ, એ ચાવી જ શોધી લેવાની હોય છે. ખાલી પિસ્તાલીસ હજાર રૂપરડીની ખોટથી હું ખખડી જઉં ? એમ પાણીમાં બેસી ગ્યે પુષ્પા નામનું પુષ્પ સુંઘવા મળે ? અને હું ગુલાબશેઠના ગુલશનમાં એકવાર જો ઘુસી જઈશ તો પછી ભ્રમર બનીને બધો રસ જ ચૂસી લઈશ.. હે..હે..હે..!

પછી કોલેજ પુરી થઈ ત્યાં સુધી હું ખૂબ ધ્યાન દઈને ભણ્યો. અને બીકોમ થઈ ગયો.પુષ્પા હવે મને પ્યારથી જોતી થઈ હતી. એક દિવસ બપોરે સોસાયટીના નાકે એકલી મળી ગઈ. મને જોઈને મારા દિલમાં વસેલી એ મઘમઘતી કળી તરત જ હસેલી ! મને કહે કે "હવે ક્યારે ફરીથી બિઝનેસ ચાલુ કરવો છે ? મેરેજ કરવાના છે ને ?" ફરીવાર એની શ્વેત દંતાવલી દેખાડીને એ જતી રહી.હું એની લટકમટક ચાલ જોઈ રહ્યો.એણે પાછું ફરીને ફરી એક મરણતોલ મરકલાંનો ઘા કર્યો.તમે નહીં માનો હું સાવ થીજી જ ગયેલો.તમને કહું ? એ પુષ્પાડી ભારે હોંશિયાર હો..મને જે ઈશારો એ કરી ગઈ એ હું સમજી પણ ગયો બોલો ! હવે મારે ટૂંક સમયમાં ન સફળ બિઝનેસમેન બની બતાવવું પડે તેમ હતું.

કટલરી સ્ટોરમાં કહે છે કે બહુ કમાણી છે...વળી પુષ્પા પણ આવતી જતી રહે એ હિસાબે મેં સોસાયટીના નાકે જ "દિલીપ નોવેલ્ટી" નામની દુકાનનું બાપુજીની ઓછી ઈચ્છા હોવા છતાં એમના હાથે જ ઓપનિંગ કરાવ્યું. તે દિવસે કાંઈ ગરાગી નીકળી છે..શું એની વાત કરું.આઈસ્ક્રીમ ખાઈ ખાઈને અમારા સગાવહાલાઓ અને સોસાયટીવાળાઓએ મોટા ભાગનો માલ ઉપાડી લીધો..હેં... એં..શું કહો છો ? ઉધારમાં એમ ? ના હો આ વખતે હું ભૂલ કરું ? અમથું'ય ઓપનિંગમાં કોઈ ઉધાર ન માંગે.. પુષ્પા બપોર પછી એની બહેનપણી સાથે આવી. આવીને તરત જ હસી..

નેઇલ પોલિશ, લિપસ્ટિક અને ચેઇન બુટ્ટીનો સેટ વગેરે એને ખૂબ ગમી ગયા. એની ફ્રેન્ડને પણ મારો સ્વભાવ ખૂબ ગમ્યો.મને કેમ ખબર પડી એ સવાલ તમને થયો જ હોય..! એ તો એ જ બોલેલી કે "દિલીપભાઈ તમારું નેચર બહુ જ સારું છે..તમારી આ નોવેલ્ટી ખૂબ ચાલવાની.."

પુષ્પાનું બિલ તો લેવાય જ કેમ ? અને એની ફ્રેન્ડ મારા નેચરને ઓળખી ગઈ.એટલે ઓળખાણ થઈ કે નહીં...? જો કે એણે બિચારીએ બિલ આપવા ઘણો આગ્રહ કર્યો.પણ હું તો પુષ્પાને દિલ આપી ચુક્યો હતો.એટલે એનું અને એની ફ્રેન્ડનું બિલ કેમ લેવાય..આ વાતમાં તો તમે પણ મારી જોડે સંમત જ હોવાના !

પછી તો પુષ્પા એની નવી નવી ફ્રેન્ડને લઈને એક બે દિવસે આવવા લાગી.એ આવે એટલે બે કલાક બધી વસ્તુ જુએ અને ભાવ પૂછે..પણ હું એનો ભાવ ન સમજુ ? એની ફ્રેન્ડને મારો સ્વભાવ ગમે અને મને પુષ્પાનો ભાવ અને હાવભાવ બેઉં ગમે..!

પુષ્પાએ એક દિવસ મને કહ્યું,
"બપોર વચ્ચે ખાસ ગરાગી તો હોતી નથી..અને તમે 'બાહુબલી' જોયું ? બારથી ત્રણમાં મારી ત્રણ ફ્રેન્ડ અને હું જવાના છીએ..તમારે આવવું હોય તો આવજો.." તમને શું લાગે છે ? ધંધો તો આખી જિંદગી કરવાનો જ હોયને ! આવો ગોલ્ડન ચાન્સ જવા દેવાય ? બોલો તમે મારી જગ્યાએ હોવ તો વિચારવા'ય ઉભા રહો ? નહિ ને ? હું'ય ઉપડ્યો..ચારેયની ટીકીટ તો આપણે જ લેવાની હોયને યાર..શું વાત કરો છો..! ઇન્ટરવલમાં પેલો પૂછવા આવ્યો કે સર નાસ્તામાં શું લાવું ? પુષ્પા તો મારી બાજુમાં જ બેઠેલી.મને કહે કે નાસ્તાનું બિલ તો અમે જ આપીશું.પણ એમ કંઈ એને આપવા દેવાય ? બધું થઈને બે હજારમાં પતી ગયું..પણ મઝા બહુ આવી હો..!

પછી તો પુષ્પા એની નવી નવી બહેનપણીઓ જોડે મને પણ પિક્ચર જોવા લઈ જવા માંડી. એ બિચારી બીજા કોની સાથે જાય હેં..? અને લાબું વિચારો તો પ્રેમમાં પૈસાની ગણતરી કરવાવાળા સાવ નિષ્ફળ જ ગયેલા છે ને..!

આઠ દસ મહીના પછી કટલરીની કમાણી કેટલી થઈ એ સવાલનો જવાબ મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એક કટલરીની નાનકડી દુકાનમાં કોઈ કરોડપતી બની શકે નહીં.અને આપણું તો એવું પહેલેથી જ નક્કી હતું કે નિશાનચૂક માફ,પણ નહીં માફ નીચું નિશાન. એટલે કટલરીમાં સેલ ગોઠવી કાઢ્યું.એ પહેલાં બે દિવસ પુષ્પાને એની બહેનપણીઓ
સાથે બોલાવીને એને ગમતું હતું એ બધું આપી દીધું.અમથું'ય હું નવા ધંધામાં કરોડપતી થવાનો જ હતો ને ! પછી ખોટા ફિફા નહીં ખાંડવાના યાર..!

વળી પાછી સોસાયટી દિલીપની દુકાને મેદની તંબે થઈ.એક ઉપર એક ફ્રી અને ભાવમાં ધરખમ ઘટાડો કરીને બધો જ માલ ખાલી કરી નાખ્યો. છેલ્લે અમુક લિપસ્ટિક વધી'તી એ
એક બે માજીને એમને એમ આપી દીધી. ઘરડું માણસ બિચારું ભલેને હોઠ લાલ કરે..! એને'ય અરમાન અધૂરા રહી ગયા હોય તો પુરા થાય અને આપણને નવા બિઝનેશ માટે આશીર્વાદ મળે..!

આખરે બાપાની મૂડીમાંથી દુકાનનું ભાડું વગેરે ચૂકવીને મેં એ ઓછી આવકવાળો ધંધો બંધ કર્યો અને મારા નામે ઉંતળું નં 2 નોંધાયું.

જીવન હવે ઝરણું મટીને ધોધ બનવા તરફ આગળ વધી રહ્યું હતું.પુષ્પાની હવેલી પાસેથી નીકળું ત્યારે મારી 'જાન' પુષ્પાને પરણવા માટે જાન લઈને આવવું પડશે એની કલ્પના કરીને ભાવિ કરોડપતી અને પુષ્પાપતિ એવો હું
પેલા કાળિયા તરફ એક તુચ્છ નજર નાંખીને નીકળી જાઉં છું. હવે નો જે બીજનેસ હું કરવાનો હતો એ કાયમી અને કરોડોની ઉથલપાથલવાળો હોવાથી એને શરૂ કરવા માટે બહુ વિચારવું પડે એમ હતું.અને લાંબી ટૂંકી મૂડીની પણ જરૂર પડે તેમ હતું.બાપાના ગળે હવે કોઈ રીતે ઘૂંટડો ઉતારી શકાય એમ નહોતું.અને બા પણ અગાઉ બે ચાર વખત મારી જાળ
માં ફસાઈને બાપાનો ઠપકો ખાઈ ચૂક્યાં હતા, એટલે હવે મારા ધંધાકીય સાહસોમાં એમણે રસ લેવાનું સાવ બંધ કર્યું હતું.આ માટે એમણે, ''જે કરવું હોય ઈ તારા બાપાને પૂછીને કરજે.."એવી સલાહની ટાંકણી તૈયાર રાખી હતી.

ઘણા મહિનાઓ "વિચારવા"માં વ્યતીત કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે કરોડપતી લોકો હંમેશા ભાગીદારીમાં ધંધો કરતા હોય છે,"એક કરતાં બે ભલા"એ ખ્યાલ મને આવ્યો એટલે મેં નવો ધંધો શું કરવો અને એક ભાગીદાર કોને રાખવો એ પણ વિચારવા માંડ્યું.બાપા તો કરિયાણાની નાનકડી દુકાનમાં તેલ પળી વેંચતા હતા.એમાં કંઈ વળી શકે એમ ન હોવાથી જ હું એ તરફ વળ્યો નહોતો...!

એમાં એક દિવસ મારી કોલેજનો જ મારો મિત્ર "એક ના ત્રણ''વાળી સ્કીમ લાવ્યો.એમાં એવું હતું કે અમુક રકમ એક કંપનીમાં રોકીને પછી આપણે બીજા લોકોને આપણી નીચે જોઈન્ટ કરવાના.હું તો બસ આવું જ કંઈક કામ શોધતો હતો.

પચાસ હજાર રોકીને ત્રણ જ મહિનામાં ત્રણ ગણા કરવા માટે હું રાત દિવસની મહેનતમાં લાગ્યો. પચાસના દોઢ, દોઢના સાડા ચાર અને સદાચારના સાડા તેરની કલ્પનાઓના અશ્વ મારા મનોવિશ્વમાં હણહણાટી કરવા લાગ્યા.અને એમાંથી એક અશ્વ ઉપર હું અને પુષ્પા બેઠા હતા...!

પુરા પાંચ મહિનામાં તો મેં પચાસ હજારના પાંચ લાખ કરી નાંખ્યા.. પચાસ હજાર તો કમિશન કમાયો.મારા માટે નવા કપડાં અને બુટ લેવાનું વિચારતો હતો ત્યાં પુષ્પા મારા દિલના ઓરડેથી ટહુંકી, એટલે પછી એને જ એક મોંઘો ડ્રેસ અને ચપ્પલ લઈ આપ્યા. મારી બાના ચપ્પલ પણ તૂટી ગયેલા.પણ શું છે કે મેં એમ વિચાર્યું કે બીજી વખતે બા અને બાપા બેઉને રાજી કરી દેવા છે..

એ પાંચ લાખ મેં ફરી લગાવ્યા.પાંચના પંદર થયા.પુષ્પાને સરસ સોનાનું પેન્ડલ બુટી ગિફ્ટ કર્યું. અને હવે તો પિસ્તાલીસ થવાના હતા એટલે એ વખતે જ બા અને બાપાને ચાર ધામની જાત્રા જ કરાવી નાખવાનું નક્કી કરીને એ પંદર મેં સ્કીમમાં લગાવી દીધા. પણ પુરુષાર્થ તો ભાઈ પ્રારબ્ધ વગર પાંગળો જ છે ને ! સાલી કંપની ઉઠી ગઈ. પુષ્પાને નવા ચપ્પલ, નવો ડ્રેસ અને સોનાની ચેઈન બુટ્ટી થઈ ગઈ.પણ હું અને બા-બાપા તો કોરા ધાકોર.!

એ ત્રણ નંબરનું ઉંતળુ સાલું ભારે સુપરહિટ નીવડ્યું. હવે હું દિલીપ ઉંતળીયાટ નામે પ્રસિદ્ધ થઈ ગયો હતો.એમાં એક દિવસ મેં પુષ્પાને કોઈક યુવાનની સાથે એની બાઇક પર ચીપકીને બેસેલી જોઈ.કેવા કેસમાં છોકરીઓ આવી રીતે બેસે એનું જ્ઞાન મારામાં હતું જ યાર... મારું હૃદય બેસી જતું હોય એમ છાતી ભીંસાવા માંડી.આંખે અંધારા આવી ગયા.

"કેવો લાગ્યો ?" પુષ્પાએ બીજે દિવસે મને સોસાયટીના એક ખાલી મકાનના ધાબે મળવા બોલાવીને પૂછ્યું.અમે આ જગ્યાએ જ કાયમ પાંચ દસ મિનિટ મળતા. એ એને શું શું ગમે એ બધું જ કહેતી અને એ બધી જ ચીજોમાં હું પણ એની ગમતી ચીજ જ હઈશ એમ હું માનતો હતો.( કંઈ એમ જ થોડો હું એની ઉપર ન્યોછાવર થતો'તો ? શું યાર તમે'ય ખરા છો ને )
"કોણ..?"હું જરા અજાણ્યો થયો. "કાલે તેં ન'તો જોયો..? એ અરુણ હતો.એની હારે મારી સગાઈ થઈ ગઈ..તને નથી ખબર..?"

"એની હારે તારી સગાઈ થઈ ગઈ..વાહ..બહુ સારો છોકરો છે."

મારા દિલમાંથી નીકળેલી 'આહ' નું માંડ માંડ મેં 'વાહ' કર્યું. મારા મોં ઉપર બુજાતી જતી લાઈટને મેં લુખ્ખા સ્મિત વડે માંડ માંડ જલતી રાખી.

"મારા લગ્નમાં મને શું ભેટ આપીશ ?" પુષ્પાએ પ્યારભર્યા નયનો નચાવીને મને નીચોવી લેવાનું નક્કી જ કર્યું હશે ? એવું મને એ વખતે લાગેલું.

"તારે જે જોઈએ તે..બોલને.." મારી જીભના લોચા વળતા હતા.

"એક હાર કરાવી આપજે.કાયમની
યાદગીરી રહે ને."

"હવે તો નવું ઉંતળું કરું તો કદાચ તારા હારનો મેળ પડે. બાકી મારી "હાર" તો થઈ જ ગઈ છે."મેં કહ્યું.

"મારા બાપા એમ જ કહેતા'તા કે દિયાળભાઈનો દિલપો તો સાવ ઉંતળિયાટ છે..પણ મને ખબર છે તું બહુ જ સારો છે..ચાલ હવે હું જઉં..આજે પણ અરુણ આવશે, અમે ડિસ્કોથેકમાં જવાના છીએ.. હીહીહી.."

હસીને એ ચાલી ગઈ.હું હજી ત્યાં જ સુનમુન થઈને ઉભો હતો. મારા મનમાં આકાર લઈ રહેલા નવા ઉંતળા સાથે ઘેર જઈને સુઈ ગયો.

પુષ્પાના લગ્ન લેવાયાં. ગુલાબશેઠે મને ઘણી જવાબદારીઓ સોંપી. અને જાન ની સરભરા પણ મારે જ કરવાની હતી. જો કે અરુણનું કુટુંબતો અમેરિકા હતું એમ અરુણે જણાવેલું. એટલે એના આઠદસ સગા અને બેચાર સગીઓની લઈને એ પુષ્પાને પરણવા આવ્યો હતો.સાલું મને એની સ્કીમ સમજાતી નહોતી. નક્કી આમાં કંઈક ઉંતળું હોવું જોઈએ એમ રહી રહીને મારું મન મને કહેતું હતું.કારણ કે ગુલાબશેઠે છાપામાંથી આ અરુણને શોધ્યો હતો.એ ટચૂકડી જાહેરાત મેં'ય વાંચી હતી કે "જોઈએ છે એક અમેરિકા સ્થિત કરોડપતી સોહામણા યુવાન માટે કમનીય કન્યા."

ગુલાબશેઠનું જગારા મારતું એકસો વીસ કિલો અને ચંદા શેઠાણીના બે કિલો ઘરેણાં સાથે એકસો બેતાલીસ કિલો વજન પુષ્પાનું કન્યાદાન કરવા બેઠું ત્યારે હું માયુષ અને મ્લાન વદને સાવ મૂડદાલ બનીને હું પુષ્પાને નવોઢાના રૂપમાં નીરખી રહ્યોં હતો.એ તો મારી સામે ક્યારની મરક મરક થતી હતી અને બન્ને હાથ ડોકે મૂકીને પેલા હાર વિશે પૂછી રહી હતી. મેં પણ બે દિવસ પહેલા જગજીવન જવેલર્સમાં જીવનમાં પહેલીવાર જ એ હાર મેળવવા હાથ માર્યો હતો.અને જગજીવન શેઠે એ વાત જગજાહેર કરીને ફરિયાદ પણ લખાવી હતી.

અરુણને તો કોર્ટ મેરેજ કરીને જ અમેરિકા ઉડી જવું'તું.પણ ગુલાબ શેઠ માન્યા નહીં એટલે ના છૂટકે ક્યાંકથી સગાં વ્હાલા શોધીને એ પરણવા આવ્યો હતો.મને એ બધા કંઈક વિચિત્ર લાગી રહ્યા હતા.મેં પૂછ્યું તો કહે કે અમેં તો મિત્ર છીએ !

અરુણ પહેલો ફેરો ફરવા ઉભો થયો.હું પળવાર પુષ્પાને તાકી રહ્યો.મંડપમાં અને મારા હૈયામાં એકસાથે અગ્નિ પ્રગટ થયો હતો..!

"ખબરદાર...કોઈપણ પોતાની જગ્યાએથી હલતા નહીં ! મિ. અરુણ ઉર્ફે સન્ની યુ આર અન્ડર એરેસ્ટ.." ગુલાબશેઠની ડેલીમાં પોલીસનો કાફલો આવીને મંડપને ઘેરી વળ્યો.ઘડીક તો મને'ય ધડ ધડ થવા લાગ્યું.પણ એ પોલીસ તો
અરુણને પકડવા આવી હતી. અરુણના સગાઓ એમના પગાઓ લઈને ક્યારે પલાયન થઈ ગયા એ ખબર જ ન પડી.પણ ખબર એ પડી કે અરુણ તો ઉંતળીયાટ ક્ષેત્રનો સમ્રાટ હતો. છ છ મહીને ગુલાબશેઠ જેવા મુર્ખા માળીઓએ ઉછરેલા પુષ્પો એ સુંઘીને મસળી નાંખતો. પણ મારા અને પુષ્પાના સદનસીબે પુષ્પા પહેલા જે પુષ્પ આ અરુણના પગતળે કચડાયું હતું એ પોલીસ લઈને આવી સમયસર આવી પહોંચ્યું હતું.

ગુલાબશેઠે બચી ગયાનો હાશકારો કર્યો અને પાનેતર પહેરીને બેઠેલી પુષ્પાએ મંડપમાંથી મને બોલાવ્યો, "જોઈ શુ રહ્યોં છો.મને પ્રેમ કરે છે પણ કહેવાની હિંમત તો ચાલતી નથી,હવે એક મોટું ઉંતળું કરી જ નાખને.."

પછી હું જાલ્યો રહું ? આડું અવળું જોયા વગર અરુણીયો ઉઠ્યો હતો એ વરરાજાના બાજોઠ ઉપર બેસીને પુષ્પાની ડોકે પેલો હાર બાંધી જ દીધો.
એ પછી મારે ક્યારેય કોઈ ઉંતળું
કરવાની જરૂર નથી પડી. અને હવે આશા રાખું છું કે તમને આ "ઉંતળીયાટ" શબ્દનો અર્થ બરોબર સમજાઈ ગયો હશે..!



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED