Featured Books
શ્રેણી
શેયર કરો

ગરજ બરસ પ્યાસી ધરતી કો ફિર પાની દે મૌલા - દિવ્યેશ ત્રિવેદી

કુદરત મહેર કરે અને સારું ચોમાસું પસાર થાય તો ઠીક પણ પાણીની અછત અનુભવાય તો કુદરતનો જ વાંક! કુદરત ક્યારેક આંખ બચાવીને ચાલે છે, પરંતુ મોટે ભાગે તો એની મહેર થતી જ હોય છે. મહેર થાય છે ત્યારે આપણે છકી જઈએ છે અને કુદરત એકાદ વાર રજા ઉપર ઊતરે ત્યારે કકળીએ છીએ અને ‘બચાવો, બચાવો’ એવા પોકાર પાડીએ છીએ. પાણીની બાબતમાં આવું જ થયું છે. વરસાદી પાણી ધૂમ વરસે ત્યારે આપણે તો કોરા ને કોરા જ રહીએ છીએ. આપણે આપણા સમજદારી અને પરિશ્રમના ઘડા ઊંધા મૂકી દઈએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે ઘડા ભરાતા નથી. વરસાદી પાણીને નિરર્થક વહી જવા દઈએ છીએ. એના સંચયનો કે ભૂગર્ભમાં તેને ઉતારવાનો પ્રયાસ કરતા નથી અને એથી જ અછતનો સામનો કરવાનો આવે છે.

કુદરતે આપણને કશું જ આપવામાં ક્યારેય દિલચોરી કરી નથી, પરંતુ આ સંપત્તિને સાચવવામાં આપણે અણઘડ અને બેદરકાર પુરવાર થઈએ છીએ એની જ આ મોકાણ છે. છતાં અછત ઊભી થાય છે ત્યારે અનિયમિત ચોમાસું, ઓછો વરસાદ, પલટાયેલું હવામાન વગેરેને દોષિત ઠરાવીએ છીએ. જળ એ જીવન છે એવું સૂત્ર માત્ર પોથીમાં જ રહે છે. પાણી જાણે વૈભવની કે મોજશોખની ચીજ હોય એનો બગાડ કરતા આપણને જરાય અપકાર થતો નથી.

પાણી કુદરતી અણમોલ ભેટ છે. તરસ લાગે ત્યારે જ પાણીનું મૂલ્ય સમજાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ સાથે સંવાદ અને સુમેળ નહીં સાધો તો પ્રકૃતિના પ્રકોપના વાવાઝોડામાં ક્યાં ફેંકાઈ જશો એની પણ ખબર નહીં પડે. દુનિયાનો એક પણ ધર્મ એવો નથી જેણે કુદરતની આવી અણમોલ ભેટનો મહિમા ન કર્યો હોય, પરંતુ આપણે કહેવાતા ધાર્મિક છીએ. તરસથી ગળું સુકાઈ જાય અને પાણી વિના ધરતીની છાતી ચીરાઈ જાય ત્યારે આપણને પ્રાર્થના સૂઝે છે અને તરસ છતાં ગળું ફાડીને પોકાર પાડીએ છીએ, “અલ્લાહ મેઘ દે, પાની દે, પાની દે, અલ્લા મેઘ દે!’

આપણી આવી પ્રાર્થના હવામાં ફંગોળાય છે અને દીવાલ વગરની દિશાઓ સાથે માથા પછાડીને પાછી આવે છે એનું કારણ એ છે કે માગણી કરવાની આવે ત્યારે જ આપણને પ્રાર્થના સૂઝે છે. કુદરત જ્યારે અઢળક વરસે છે ત્યારે એના પ્રત્યે અનુગ્રહ છલોછલ થઈને પ્રાર્થના કરવાનું કદાચ આપણને સૂઝતું નથી. કુદરતી સંપત્તિનું સંવર્ધન કરવું અને એનો બગાડ અટકાવવો એ જ સાચા અનુગ્રહની અભિવ્યક્તિ છે અને એ જ સાચી પ્રાર્થના છે, પરંતુ આવી પ્રાર્થના આપણને આવડતી જ નથી.

ઈસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફના સુરાહમાં કહ્યું છે, “હે માનવી, તું તારા ઈષ્ટદેવની પ્રાર્થના કર, જેણે તને પેદા કર્યો અને તારા અગાઉ આવેલાઓને પણ પેદા કર્યા. તું પ્રાર્થના દ્વારા જ અનિષ્ટને દૂર રાખી શકશે. એણે જ તારા આશ્રય અને આરામ માટે પૃથ્વી જેવી જગ્યા રચી છે અને આકાશ જેવું છપ્પર પૂરું પાડ્યું છે અને એ જ આકાશમાંથી જળ વરસાવે છે. જે તારી તરસ છિપાવે છે અને તારી ક્ષુધા શાંત કરવા માટે ફળો અને અન્ન ઉગાડે છે.’ પરંતુ એ ઈશ્વર પ્રત્યેનો અનુગ્રહ હજુય આપણા મનમાં વસતો નથી, એથી જ આપણે દુઃખી થઈએ છીએ.

દિવસે દિવસે માણસોની વસ્તી વધતી જાય છે અને એ સાથે જ જળભંડારો પણ ખૂટતા જાય છે. એનું કારણ એ જ છે કે આપણે જેટલું ઉલેચીએ છીએ એના સોમા ભાગનું પણ ભરપાઈ કરવાની દરકાર કરતા નથી. આ વાત માત્ર પાણીને જ નહીં, તમામ કુદરતી સંપત્તિને લાગુ પડે છે. વૃક્ષો ઉખાડી ફેંકીને ઔદ્યોગિકીકરણ પાછળ દોટ મૂકીએ છીએ, જંગલો સાફ કરીને રસ્તા અને મકાન બનાવીએ છીએ. આપણને એ ખ્યાલ જ નથી આવતો કે જળ અને વૃક્ષ બંને કુદરતની એક વિરાટ સાંકળની કડીઓ છે. એક અંકોડો તૂટે તો આખી સાંકળ ખંડિત થઈ જાય છે. દોષ આપણો જ છે અને આપણે તેને સુધારવાનો છે.

જળપ્રાપ્તિ અને જળસંસાધનોના જતન સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે અને ખર્ચે છે પણ ખરી. આ માટેની અવનવી યોજનાઓ બનાવે છે. છતાં આપણી સ્થિતિમાં ભાગ્યે જ સુધારો થાય છે. એનું કારણ પણ એ જ છે કે આ બાબતોમાં આપણે પૂરતા ગંભીર નથી. બીજી બાજુ દરેક સમસ્યા અને દરેક મુશ્કેલી માટે સરકારને જ જવાબદાર ઠેરવવાનું અને સરકાર પાસે જ અપેક્ષા રાખવાનું પંગુ અને નપુંસક માનસ આપણે કેળવ્યું છે. સરકાર પોતે કર્તા નથી, પરંતુ ઉદ્દીપક છે એટલું જ જો સમજાય તો આપણી અડધોઅડધ સમસ્યાઓ ઊકલી જાય.

કહેવાય છે કે જળ કટોકટી વૈશ્વિક છે. પરંતુ વાસ્તવમાં આ વાત છેતરપિંડી જેવી છે. જળ કટોકટી કાલે કદાચ વૈશ્વિક બનશે, પરંતુ આજે તો એ શુદ્ધ રીતે પ્રાદેશિક છે. જે પ્રજાના હાથ ટૂંકા પડે છે અથવા જેમની પાસે પોતાનો રાજકીય કે સામાજિક અવાજ નથી તેઓ એનો સૌથી વધુ ભોગ બને છે. કોણ કહેશે કે વિસાવદર કે માણાવદરમાં પ્રજા પાણી માટે વલખાં મારે છે. એવા જ વલખાં અમદાવાદ કે વડોદરાની પ્રજાને પણ મારવા પડે છે? આગળ વધીને કહીએ તો અમદાવાદ શહેરની પ્રજા અને અમદાવાદ ફરતેના વિસ્તારોની પ્રજાની પાણીની સમસ્યામાં પણ ઘણો તફાવત છે.

માત્ર પાણી જ નહિ, તમામ જીવનજરૂરી ચીજોની વહેંચણીમાં ઘોર અસમાનતા પ્રવર્તે છે. આવી અસમાનતા દૂર કરવાની કે ઓછી કરવાની સરકારની પ્રાથમિક ફરજ ભલે ગણીએ, પરંતુ પ્રજા તરીકે એ જવાબદારીમાંથી આપણે પૂરેપૂરા છટકી જઈએ, તો ન જ ચાલે. મોટા પાયે કશુંક યોગદાન કરવાની આપણામાં ત્રેવડ ન હોય તો નાના પાયે યથાશક્તિ યોગદાન તો કરી જ શકાય છે, પરંતુ સવાલ એ માટેની દાનતનો છે.

સૌથી પહેલા તો જેમને પાણી ઉપલબ્ધ છે તેવો એનો નિરર્થક બગાડ કે વધુ પડતો વપરાશ ન કરે એ ય કંઈ ઓછું નથી. ગાંધીજી સાબરમતીના કિનારે બેસીને દાતણ કરતા તો પણ વહેતી સાબરમતીમાંથી માત્ર એક લોટી જેટલું જળ વાપરતાં. એમની દલીલ એવી હતી તે નદી પાસે મબલખ જળ છે એ મારે બગાડવા માટે નથી. દાતણ કરવા માટે એક લોટી જળ પૂરતું હોય તો મારે વધુ પાણી શા માટે બગાડવું જોઈએ? પરંતુ ગાંધીજી આવું કહે ત્યારે આપણને એમાં નર્યા વૈદિયાવેડા જ દેખાય એમાં નવાઈ નથી.

પાણીનો બગાડ અટકાવવાની સાથે સાથે કુદરત જ્યારે મહેર કરે ત્યારે છકી જવાને બદલે ઠાવકા થઈને પાણીનો સંગ્રહ કરવામાં આવે તો જ એ લેખે લાગે. સારા દિવસોમાં પણ ખરાબ દિવસોની કલ્પના કરવી અને પહોંચી વળવાની તૈયારી રાખવી એમાં જ શાણપણ છે. મધ્યપ્રદેશના દેવાસ વિસ્તારની પ્રજાએ વરસાદી પાણીના સંગ્રહનો ચમત્કાર કરી બતાવ્યો છે. ઘરની નીચે ટાંકા બનાવીને પાણી સંઘરવાનો કીમિયો નવો નથી, પરંતુ આપણને એવી બધી વ્યવસ્થા જૂનવાણી લાગે છે.

અનેક સામાજિક સંસ્થાઓ સામાજિક સેવાઓમાં પ્રવૃત્ત હોવાનો ડોળ કરે છે. ખરી સેવા તો માણસની જ છે. ચૈતન્ય મહાપ્રભુ તરસ્યા ગધેડાને ગંગાજળ પીવડાવી દઈને જાત્રાનું પુણ્ય માની શકે, પરંતુ આપણે તો સામાજિક મેળાવડા, દર્દીઓને ફળોની વહેંચણી, વ્યક્તિત્વ વિકાસની શિબિરો અને ખાનપાનની મિજબાનીઓમાં જાત્રા સફળ થઈ હોય એમ માનીએ છીએ. આવા કપરાકાળમાં પરબો બનાવીને લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ કરવામાં આવે તો એ પણ ઘણા મોટા પુણ્યનું કાર્ય છે.

સરકાર રેલવે દ્વારા પાણીનાં ટેન્કરો અને પશુઓ માટે ઘાસચારો મોકલે છે, પરંતુ જે લોકોને હિજરત કરીને ઘરબાર અને ગામ-સીમાડા છોડવા પડે છે એમનો કોઈ વિચાર કરતું નથી. આ લોકો જેમ તેમ કરીને જીવન ટકાવવા શહેરોમાં આવે છે. એમને કોઈ પાણી પીવડાવે છે કે નહિ એ એક અલગ સવાલ છે. ભૂતકાળમાં અનેક વાર એવું બન્યું છે કે દુષ્કાળને કારણે હિજરત કરીને શહેરમાં આવી ગયેલા લોકો દુષ્કાળ પૂરો થયા પછી ઘણા દિવસો સુધી પોતાને ઘેર જઈ શકતા નથી, તેમની પાસે પરત પ્રવાસ કરવા જેટલા પૈસા હોતા નથી. આવા લોકો માટે રેલવેથી માંડીને સામાજિક સંસ્થાઓ કંઈક વિચારે નહિ ત્યાં સુધી દુષ્કાળ ચાલુ જ ગણાય.

દુષ્કાળમાં પાણી, ઘાસચારો અને અનાજ જેવી ચીજો પૂરી પાડવાની અનિવાર્યતાનો ઈન્કાર ન થઈ શકે, પરંતુ માત્ર આ જ ચીજો જરૂરી છે એમ માનવા જેવું નથી. દુષ્કાળ પડે પીડિત લોકોની નાની નાની જરુરિયાતો અને સહાનુભૂતિનું પણ એટલું જ મૂલ્ય છે.

તેઓ પાસે તો માત્ર પ્રાર્થના કરવા સિવાય ભાગ્યે જ બીજો વિકલ્પ રહે છે. વરસાદ-પાણીથી વંચિત રહી જવાને કારણે એમને વરસાદ-પાણીનું જેટલું મૂલ્ય સમજાય છે, એટલું વંચિત નહીં રહેનારાઓને કદી નથી સમજાતું. એથી જ એમના મુખેથી જ્યારે પ્રાર્થના સરે છે ત્યારે એમાંથી એક દર્દ ઊઠે છે. તેઓ તો માત્ર હાથ ઊંચા કરી ને એટલું જ કહે છેઃ ‘ગરજ વરસ પ્યાસી ધરતી કો ફિર પાની દે મૌલા, ચીડિયોં કો દાના, બચ્ચો કો ગુડધાની દે મૌલા.’

કદાચ એમની આ દર્દ ભરી અપીલ મૌલા તો ક્યારેક સાંભળી લે છે, પરંતુ જેઓ તાત્કાલિક કંઈક આપી શકે છે તેમને એ સંભળાતી નથી. વ્યથિતની વ્યથાને સાંભળવી એ કંઈ ઓછા મૂલ્યનું દુષ્કાળરાહત કાર્ય નથી.

છેલ્લા ૧૨ વર્ષથી કુદરતે મહેર કરી છે અને સારા ચોમાસા પસાર થાય છે તેથી જ કદાચ આ વર્ષની પાણીની અછત વધુ તીવ્ર અનુભવાય છે. કુદરત ક્યારેક આંખ બચાવીને ચાલે છે, પરંતુ મોટે ભાગે તો એની મહેર થતી જ હોય છે. મહેર થાય છે ત્યારે આપણે છકી જઈએ છે અને કુદરત એકાદ વાર રજા ઉપર ઊતરે ત્યારે કકળીએ છીએ અને ‘બચાવો, બચાવો’ એવા પોકાર પાડીએ છીએ. પાણીની બાબતમાં આવું જ થયું છે. વરસાદી પાણી ધૂમ વરસે ત્યારે આપણે તો કોરા ને કોરા જ રહીએ છીએ. આપણે આપણા સમજદારી અને પરિશ્રમના ઘડા ઊંધા મૂકી દઈએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે ઘડા ભરાતા નથી. વરસાદી પાણીને નિરર્થક વહી જવા દઈએ છીએ. એના સંચયનો કે ભૂગર્ભમાં તેને ઉતારવાનો પ્રયાસ કરતા નથી અને એથી જ અછતનો સામનો કરવાનો આવે છે.